હકીકતે-અબદી હય, મકામે શબ્બીરી

Print Friendly, PDF & Email

બિસ્મેહી તઆલા વબે ઝીક્રે વલીય્યેહી

“હકીકતે-અબદી હય, મકામે શબ્બીરી”

શબ્બીરનો દરજ્જો સદાને માટે હકીકત – સત્યતા છે.

હઝરત ઈમામ હુસયન અ.સ. વિષે કંઇ કહેવું તે એવું છે કે જેમ ભૂગર્ભમાં બેસીને મહાન અર્શ વિષે વાતચીત કરવી. ઈમામ હુસયન અ.સ. ના જે મોઅજીઝાઓ પ્રદર્શિત થયા છે તે તો મોઅજીઝાઓ જ છે. ખુદ ઈમામ હુસયન અ.સ. ની પ્રતિભા અને આપનુ ખુદા પસંદ, બાતિલ પરસ્ત – ખુદાના દુશ્મનો સામે માથું ઉચકવું, પણ એક અજોડ મોઅજીઝો છે. માનવી જે રીતે આ ઈમામ અ.સ. ના પગલાની નજદીક થતો જાય છે, નવી નવી અસરો અને સ્પષ્ટ થતા જાય છે.

ખુદાવંદે આલમે અમ્બીયાઓને મોકલીને અને આસમાની કિતાબોને ઉતારીને લોકોની વચ્ચે શાંતિ અને સલામતી સ્થાપિત કર્યા

“લકદ અરસલના રોસોલોના બીલ બય્યેનાતે વ અન્ઝલ્ના મઅહોમુલ કિતાબ વલ મીઝાન લે યકુમન્નાસો બીલ કિસ્તે.”

“નિશંક! અમે રસુલોને સ્પષ્ટ નિશાનીઓ સાથે પ્રસ્થાપિત કર્યા છે અને તેઓની સાથે કિતાબ અને ન્યાયિકતા ઉતારી છે જેથી લોકો ન્યાયપૂર્ણ જીવન જીવી શકે.” (સુરએ હદીદ-25)

ઈમામ હુસયન અ.સ. નો યઝીદ વિરૂધ્ધ કયામ આજ ઈલાહી હેતુના અમલીકરણની રૂપરેખા છે. આ કયામ દુનિયાના દરેક કયામ અને ક્રાન્તિથી જુદું છે. દુનિયામાં બેશુમાર સન્માર્ગના રૂપો અસ્તિત્વમાં આવ્યા. અનેક પ્રકારની ક્રાન્તિઓ પ્રકાશમાં આવી તે પોતાના અસ્તિત્વના શરૂઆતના તબક્કા સુધીજ તેના હેતુ અને માર્ગ ઉપર સ્થિત રહી તેની અસર જાળવી રાખી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની અસર સમાપ્ત થતી ગઈ અને તેના હેતુ અને માર્ગ વિચલિત થતા ગયા. આજે તેઓની વાત ઈતિહાસના ખજાનામાં અમાનત રૂપે સુરક્ષિત તો છે, પરંતુ અસર વગરની, પ્રતિભાવ વગરની છે. હઝરત સય્યદુશ્શોહદા, સય્યદે અબરાર ઈમામ હુસયન અ.સ. અરવાહોના વ અરવાહલ આલમીન લહુલ ફીદાનો કયામ, પ્રારંભથી જે સન્માર્ગી અસર ધરાવતું હતું તે આજે પણ જગતની વિશાળતા સમેટીને તેવીજ અસર ધરાવે છે. ઈમામ હુસયન અ.સ. એ ઝુલ્મ અને બીદઅતની વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો, આજે તેમની યાદમાં થતી ચર્ચાઓ ઝુલ્મ અને બિદઅતની વિરૂધ્ધ ધ્વજ ફરકાવી રહી છે. આજે જગતમાં જ્યાં પણ તકબીરનો અવાજ બુલંદ થઈ રહ્યો છે, જ્યાં પણ ઈસ્લામનું નામ લેવામાં આવી રહ્યું છે, તે સઘળું શહીદે કરબલાની કુરબાનીના અસરને લીફે છે.

રૂહાની અસરોઃ શહીદે કરબલાના કુરબાનીની વાતો સાંભળે છે તેના હ્દય ઉપર થતા પ્રતિભાવથી આંસુઓના વહેણ પરવશ થઈને વહેવા લાગે છે એટલે કે ઇમામ હુસયન અ.સ. ના કિસ્સાથી દિલ ઉપર સીધી અસર થાય છે અને તેનો પ્રતિભાવ માનવીને સંપૂર્ણ રીતે નવું સ્વરૂપ આપે છે. તે પ્રતિભાવથી બે સ્પષ્ટ પરિણામો નીકળે છે. (૧) જ્યારે માનવી તે કથાને સાંભળે છે ત્યારે તેના દિલમાં હઝરત ઈમામ હુસયન અ.સ. ની મોહબ્બત મેહસુસ થાય છે અને આંસુ તે મોહબ્બતની પ્રતિતી કરાવે છે. (૨) તેની સાથેજ તે લોકોમાંથી દિલમાં નફરત જાગે છે જે લોકોએ ઈમામ હુસયન અ.સ. ઉપર ઝુલ્મો સિતમ ગુઝાર્યા હતા. આજ કારણ છે કે ગઝાલી જેવા લોકોએ ઈમામ હુસયન અ.સ. ની ચર્ચા કરવી વાએઝ કરનાર (પ્રવચન કરનાર) ઉપર હરામ કરી દીધી છે. આ પ્રકારના ફતવાઓથી હઝરત ઈમામ હુસયન અ.સ. ના કાતિલોની પરંપરાનો પત્તો મળે છે. (પગેરૂ મળે છે).

સદા જીવંત ઉલ્લેખ

જે રીતે ઈસ્લામ ધર્મ પ્રકૃતિનો ધર્મ છે દરેક તેનાથી લાભ મેળવે છે. વિદ્વાન, જાહીલ, શહેરી, ગ્રામ્ય વિસ્તારના લોકો, શ્રીમંત, ગરીબ, બાળક, યુવાન, વૃધ્ધ, પુરૂષ, સ્ત્રી, દરેક તેની યથાર્થતા અને ગજા મુજબ તેનાથી લાભ મેળવે છે. તેવીજ રીતે હઝરત ઈમામ હુસયન અ.સ. વિષેની ચર્ચા માનવ પ્રકૃતિ સાથે વણાઈ ગઈ છે. કોઈ એવું નહિ હોય જેણે આ હકીકતથી જીંદગીમાં ફાયદો ન લીધો હોય. આ ઘટના બન્યા પછી આજ દિન સુધી કોઈ યુગ એવો પસાર નથી થયો જેમાં વિદ્વાનોએ આ ઘટના અંગે લખ્યું ન હોય અને કવિઓએ આ ગાથાને તેમના કાવ્યમાં ન ગુંથી હોય. આમ છતાં આજે પણ દરેકને કોઈ ન કોઈ નવો વિચાર અથવા નવો મુદ્દો મળી જાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ બનાવની અસરો અને પ્રતિભાવ એટલા વિશાળ અને ગૂઢ છે જે માનવીની વિચાર શકિતની મર્યાદા બહાર છે. દીને ઈસ્લામ અને અહલેબય્ત અ.મુ.સ. ના દુશ્મનો એમ વિચારી રહ્યા હતા કે કરબલામાં હઝરત ઈમામ હુસયન અ.સ. અને તેમના પવિત્ર કુટુંબીજનો અને સાથીઓની શહાદત પછી આ ચર્ચાનો અંત આવી જશે અને અમુક દિવસો પછી ઈતિહાસની ભુલભુલામણીમાં ગુમ થઈ જશે. આ માન્યતાના આધારે યઝીદે વહી અને રિસાલતનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સમયના પ્રવાહની સાથે આ ગમ ફેલાવવા લાગ્યો. યુગની તમામ ઘટનાઓથી અલિપ્ત કરબલાનો બનાવ સમયના ચકરાવામાં બુલંદ થઈને દરેક ઉપર અસર મૂકતો ગયો. અને એ કેમ ન બને? આ બનાવની મધ્યવર્તી પ્રતિભા ઈમામે વકત હઝરત ઈમામ હુસયન અ.સ. છે. સમય ઈમામે વકતના નિયંત્રણમાં છે. ઈમામ સમયના નિયંત્રણમાં નથી. આ ચર્ચાનો અંત લાવવા માટે કેટલાક તોફાનો અને ઝંઝાવાત થયા. હુકુમતે સંપૂર્ણ તાકાત અને શકિતથી સામનો કર્યો. બની અબ્બાસ, બની ઉમય્યા અને મોતવક્કીલોએ… લોકોને કત્લ કર્યા, હાથ પગ કાપી નાખ્યા. નિર્દોષ બાળકોને માના પાલવમાં નિર્દયતાથી કત્લ કરી નાખ્યા, ઘર અને મકાનો બરબાદ કર્યા. હરામ અને બીદઅતના ફતવા બહાર પાડયા. જે કાંઈ પણ તેઓથી થઈ શકે તે બધુંજ કરી છૂટયા. છેવતે સૌનો અંત આવી ગયો અને ઈમામ હુસયન અ.સ.ની ગાથા – ઉલ્લેખ આજે પણ પ્રજવલિત થઈને ફરિયાદ અને મહાનતાની સાથે માનભેર ભવ્યતા સાથે મૌજુદ છે અને મૌજુદ રહેશે.

ગમના રક્ષકો

આ ઘટના સુરક્ષિત રહેવાનું એક મુખ્ય કારણ એ છે કે જે દિવસથી આ ઘટના ઘટી છે તે દિવસથી એક ન એક મઅસુમ તેનું રક્ષણ કરી રહ્યા છે. હઝરત ઝયનુલ આબેદીન અ.સ.એ રક્ષણ કર્યુ. તેમના પછી દરેક ઝમાનાના ઈમામ તેનું રક્ષણ કરતાં રહ્યા. આજે પણ રસુલે ખુદાના જીગરના ટૂકડા, ફાતેમાહ ઝહરા સ.અ.ના આંખોના નુર, અલીએ મુરતુઝાના દિલ-બન્દ, હસને મુજતબાના જાનોદિલ, ઈમામ અસ્કરીના પુત્ર હઝરત હુજ્જત બીન અલ-હસન અલ-અસ્કરી (અરવાહોના લે તુરાબે મુકદ્દમઅ ફીદા) તેનું રક્ષણ કરી રહ્યા છે. શહેરોના શહેરો, ગામોના ગામો, ચોતરફ ખુણે ખુણે જે ગમ સર્વત્ર થઈ રહ્યો છે તે બધુજ ઈમામ હુસયન અ.સ.ના વારસોની ઈનાયતોના કારણે છે. જો આ ઈનાયતો ન હોત તો આપણી અંદર અંદરના મતભેદો આ ગમને ઓછો – અલ્પ કરી દેત. પરંતુ તેમની ઈનાયતોના કારણે આ ગમ બાકી છે. અને આ ગમના સદકામાં આપણુ અસ્તિત્વ ટકી રહ્યું છે.

ઈમામ અસ્ર અલયહિસ્સલાતો વસ્સલામ પોતાના જદ્દે મઝલુમ ઉપર ગીર્યા કરે છે. સવાર સાંજ રડે છે. આંસુઓના બદલે ખુન વહે છે. જ્યારે બીજા લોકો આ કરૂણ ઘટના સાંભળીને કાબુ ગુમાવી દે છે, તો તે ઈમામ જે ઈમામતની દ્રષ્ટિથી આ ઘટનાને જોઈ રહ્યા છે તેમના ઉપર શું વિતતી હશે.

મોહર્રમનો ચાંદ દેખતાજ અહલેબય્ત અ.સ.ના નુરાની ચહેરા ઉપર ગમના આસાર જાહેર થઈ જતાં હતાં અને જેમ જેમ આશુરાનો દિવસ નજદિક આવતો હતો તેટલાજ આ આસાર વધુને વધુ ગહેરા થતાં જતાં હતાં. નવ અને દસ મોહર્રમ તો બસ આહો-ઝારી. નવ મોહર્રમના ફરમાવતા હતાઃ આજના દિવસે મારા જદ્દને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યા હતા.

એ ફરઝંદે ઝહરા! આ અઝીમ ગમ ઉપર ભગ્ન હ્રદયે અને અશ્રુઓની ધારા સાથે આપની ખીદમતમાં દિલસોજી (તાઝીયત) પેશ કરીએ છીએ અને તે વિનંતી કરીએ છીએ કે જે રીતે ઈમામ હુસયન અ.સ.ની એક કૃપાળુ દ્રષ્ટિએ જનાબે ઝોહયર અને જનાબે હુરને બદલી નાખ્યા હતા અને તેઓને પોતાના અન્સારોમાં ભેળવી દીધા હતાં, તેવીજ રીતે અમને પણ આપની એક માયાળુ દ્રષ્ટિથી બદલી નાખો અને આપના ગુલામોમાં ગણી લો. આમીન.

યા રબ્બલ હુસયન, બે હક્કીલ હુસયન, ઈશ્ફે સદરલ હુસયન, બે ઝોહુરીલ હુજ્જત

 

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *