ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૬

Print Friendly, PDF & Email

ઝિયારતે નાહિયાની સમજૂતી

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૩ અગાઉના અંકથી શ‚)

અસ્સલામો અલલ્ જોયુબીલ્ મોઝર્રજાતે

“સલામ થાય ફાટેલા ગિરેબાનો પર

ઝિયારતે નાહિયાના આ વાક્યમાં બે શબ્દો છે, જોયુબ અને મુઝર્રજાત. જોયુબ એ ‘જયબ’નું બહુવચન છે અને જયબનો અર્થ ગિરેબાન (શર્ટનો કોલર) છે અને મુઝર્રજાતનો મૂળ શબ્દ ‘ઝરજ’ છે અને તે બાબે તફઈલમાં ઇસ્મ મફઉલ, જમ્એ મોઅન્નસે સાલીમ છે. અક્ષર ‘રે’ પર કસ્રા (ઝેર) લગાવવું ગલત છે કારણ કે તેનાથી શબ્દનો અર્થ બદલાય જાય છે અને તેનો અર્થ ગિરેબાન ફાડવાવાળીઓ થશે. આથી એ ધ્યાન રાખવામાં આવે કે મુઝર્રજાત પઢવું જોઇએ, નહી કે મુઝર્રેજાત (જેમકે અમુક કિતાબોમાં છપાએલુ છે જે ભૂલ છે) ખૈર અહી ઇમામે અસ્ર(અ.સ.) સલામ મોકલી રહ્યા છે તેમના ગિરેબાનો પર કે જેને ફાડવામાં આવ્યા. અલ્લાહો અકબર! અહીં હઝરતે હુજ્જત(અ.સ.)ની મુરાદ કોણ છે એ નથી કહી શકતા પરંતુ હુસૈને મઝલુમ(અ.સ.)ના ઝાકીરો મજલીસોમાં મોટા ભાગે પઢે છે કે જ્યારે ઇમામે હસને મુજતબા(અ.સ.)ના યતીમ જનાબે કાસીમ(અ.સ.) મકતલ તરફ રવાના થઇ રહ્યા હતા તે સમયે ઇમામ હુસૈન(અ.સ.)એ તેમના ગિરેબાનને ફાડ્યુ હતું. જ્યારે બાળકે પોતાના ચાચાના આ કાર્યનું કારણ પુછયું ત્યારે ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું: બેટા આ યતીમોની નિશાની છે અથવા એ પણ શક્ય છે કે ઇમામે અસ્ર(અ.સ.)ની મુરાદ તમામ શોહદા છે કે જેમની શહાદત પછી તેમના ગિરેબાનોને મલઉનોએ ફાડ્યા હતા.

(વલ્લાહો વ હુજ્જતોહુ અઅ્લમો બિસ્સવાબે – અલ્લાહ અને તેની હુજ્જત વધુ જાણકાર છે.)

અસ્સલામો અલશ્ શેફાહીઝ્ ઝાબેલાતે

“સલામ થાય મુરજાએલા હોઠો પર

શેફાઅ એ ‘શફત’નું બહુવચન છે જેનો અર્થ હોઠ થાય છે અને ઝાબેલાત એટલે મુરજાયેલા. આ એ હોઠ છે કે જેને સરવરે કાએનાત(સ.અ.વ.) બોસા લેતા હતા. શૈખે મુફીદ(ર.અ.) કિતાબુલ ઇરશાદમાં લખે છે:

ફ વોઝેઅર્ રઅ્સો બય્ન યદય્હે યન્ઝોરો એલય્હે વ યતબસ્સમો વ બેયદેહી કઝીબુન્ યઝ્રેબો બેહી સનાયાહો વ કાન એલા જાનેબેહી ઝય્દુબ્નો અર્કમ સાહેબો રસુલીલ્લાહે(સ.અ.વ.) વ હોવ શય્ખુન્ કબી‚ન્ ફ લમ્મા રઆહો યઝ્રેબો બીલ્ કઝીબે સનાયાહો કાલ ઇર્ફઅ્ કઝીબક અન્ હાતય્નીશ્ શફતય્ને ફ વલ્લાહીલ્લઝી લા એલાહ ઇલ્લા હોવ લકદ્ રઅય્તો શફતય્ રસુલીલ્લાહે (સ.અ.વ.) અલય્હેમા મા લા ઉહ્સીહે યોકબ્બેલોહોમા સુમ્મ ઇન્તહબ બાકેયન્

“જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)નું સરે અકદસ ઇબ્ને ઝિયાદ(લાઅનતુલ્લાહે અલય્હ)ની સામે રાખવામાં આવ્યુ હતું, તે મલઉન તેને જોઇને હસી રહ્યો હતો પછી તે લાકડીથી ઇમામ હુસૈન(અ.સ.)ના હોઠોની બેહુરમતી કરવા લાગ્યો. તે સમયે  ત્યાં ઝૈદ બીન અરકમ રસુલે ખુદા(સ.અ.વ.)ના સહાબી હાજર હતા અને ઝઇફ થઇ ગયા હતા. જ્યારે તેમણે આ ખરાબ દ્રશ્ય જોયું તો ઇબ્ને ઝિયાદને ઠપકો આપ્યો અને કહ્યું: તારી લાકડી એ હોઠો પરથી હટાવી લે. એ અલ્લાહની કસમ કે જેના સિવાય બીજો કોઇ મઅબુદ નથી મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને આ હોઠોને અસંખ્ય અને બેશુમાર વખત ચૂમતા જોયા છે. આમ કહી ઝૈદ ગિર્યા કરવા લાગ્યા

(બેહા‚લ અન્વાર, ભાગ:૪૫, પાના: ૧૧૬)

અસ્સલામો અલન્ નોફુસીલ્ મુસ્તલમાતે

“સલામ થાય દુ:ખ અને ગમમાં ઘેરાએલા ચૂર-ચૂર નફસો પર

નોફુસ એ ‘નફ્સ’નું બહુવચન છે જેનો અર્થ છે જાન-‚હ વિગેરે અને મુસ્તલમાતનું મસ્દર છે ઇસ્તેલામ જેનો અર્થ આ રીતે બયાન કરવામાં આવ્યો છે.

‘એઝા ઓબીદ કવ્મન્ મિન્ અસ્લેહીમ્ કીલસ્તોલેમુ’

જ્યારે કોઇ કૌમને તેના મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવે છે તો કહેવામાં આવે છે કે તેનો ઇસ્તેલામ થઇ ગયો.

(લેસાનુલ અરબ, ઇબ્ને મન્ઝુર, ભાગ: ૧૨, પાના: ૩૪૦)

બાબે ઇફતેઆલનું ઇસ્મે મફઉલ છે અને જમ્એ મોઅન્નસે સાલીમ. બની ઉમય્યાએ કરબલામાં એ ઝુલ્મો કર્યા કે જાણે બની હાશિમને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની કોશિષ કરી.

અસ્સલામો અલલ્ અર્વાહીલ્ મુખ્તલસાતે

“સલામ થાય તે ‚હો પર જેમના શરીરોને દગો દઇને કત્લ કરી દીધા

અરવાહ એ ‚હનું બહુવચન છે એટલે કે ‚હો. મુખ્તલસાતનું મૂળ ‘ખલસ’ છે. બાબે ઇફતેઆલનું ઇસ્મે મફઉલ અને જમ્એ મોઅન્નસે સાલીમ. સલામ થાય એ ‚હો પર જેમને દગાથી કત્લ કરવામાં આવ્યા. મહેમાન બોલાવીને કત્લ કરવામાં આવ્યા. નુસ્રત અને મદદનો વાયદો આપીને શહીદ કરી દીધા.

અસ્સલામો અલલ્ અજ્સાદીલ્ આરેયાતે

“સલામ થાય કફન-દફન વગરની લાશો પર

અજસાદ એ જસદનું બહુવચન છે જેનો અર્થ શરીર છે અને આરેયાત ઉર્યાન માંથી છે જેનો અર્થ બરેહના અને લિબાસ વિનાનું છે.

ઇમામે મઝલુમનો લિબાસ જે મલઉને છીનવી લીધો હતો તેનું નામ ઇસ્હાક ઇબ્ને હુવય્તા હઝરમી હતું. મકતલમાં મળે છે કે તે મલઉને જેવું ઇમામ(અ.સ.)નું કમીસ પોતાના નજીસ શરીર પર પહેર્યુ, તેવો જ તે કોઢનો શિકાર થઇ ગયો.

(બેહા‚લ અન્વાર, ભાગ:૪૫, પાના:૫૭)

અસ્સલામો અલલ્ જોસુમીશ્ શાહેબાતે

“સલામ થાય એ શરીરો પર જેનો રંગ તીવ્ર તડકાથી બદલાઇ ગયો

જોસુમ એ જીસ્મનું બહુવચન છે અને શાહેબાત એ જોસુમની સિફત છે. શાહીબ એને કહેવામાં આવે છે જેનું જીસ્મ કમઝોર થઇ ગયું હોય અને તેનો રંગ ઉડી ગયો હોય મહેનતના લીધે અથવા ભૂખના લીધે અથવા સફરના કારણે.

નમ્ર બીન તવલબનો શેર છે:

વ ફી જીસ્મે રાઈહા શોહુત કઅન્નહુ

હોઝાલુન્ વ મા મિન્ કીલ્લતીત્ તોઅ્મે યુહઝલો

જ્યારે લબીદ કહે છે:

રઅત્ની કદ્ શહબ્તો વ સલ્લ જીસ્મી

તેલાબુન્ નાઝેહાતે મેનલ્ હોમુમે

મઝલુમે કરબલા અને તેના બાવફા અસ્હાબના શરીરોના રંગ બદલાઇ ગયા હતા અને તેઓ કમઝોર થઇ ગયા હતા. ભૂખ, તરસ, તલવારનું ભારેપણુ, સફરની તકલીફો વિગેરે. પરંતુ તેમાંથી કોઇ પણ એક બાબતે જેહાદનો હક અદા કરવામાં ‚કાવટ બનવાની હિંમત કરી ન હતી.

અસ્સલામો અલદ્ દેમાઇસ્ સાએલાતે

“સલામ થાય ખૂનના વહેતા દરિયાઓ પર

દેમાઅ એટલે ખૂન અને સાએલાત સીલનું મુશ્તક છે જેનો અર્થ છે વહેવું. ઇન્સાની શરીરમાં જ્યાં સુધી ખૂન વેહતુ રહે છે ત્યાં સુધી ગરમી બાકી રહે છે અને જ્યારે શરીરમાંથી ‚હ કબ્ઝ થઇ જાય છે તો લોહી ઠંડુ પડી જાય છે અને ઇન્સાનને મુર્દા કહેવામાં આવે છે.

કરબલાવાળાઓએ પોતાનું ખૂન વહાવીને ઇન્સાનીય્યત-માં એક એવી ‚હ ફુંકી દીધી જે કયામતના દિવસ સુધી તેને મરવા નહી દે અને ઇન્સાનીય્યતના શરીરને હંમેશાની જીંદગી બખ્શી દીધી. કરબલાવાળાઓના ખૂનના લીધે ઇન્સાનીય્યતના વુજુદમાં ગરમી મળી આવે છે અને હંમેશા રહેશે. ઇમામ હુસૈન(અ.)નો ઇન્સાનીય્યત પર આ સૌથી મોટો એહસાન છે.

અસ્સલામો અલલ્ અઅ્ઝાઇલ્ મોકત્તઆતે

“સલામ થાય વિખરાયેલા શરીરના અવયવો પર

અઅઝા એ અઝુનું બહુવચન છે અને મુકત્તેઆત એટલે ટુકડા.

મજલીસે હુસૈન(અ.સ.)માં શરીક થનારા અઝાદાર ખૂબ જ સારી રીતે જાણે છે કે કેવી રીતે મઝલુમે કરબલા આશુરાની સવારથી લઇને અસ્રે આશુરા સુધી અસ્હાબ અને રીશ્તેદારોના લાશાઓ ઉઠાવીને ખૈમા સુધી લાવતા હતા. ઘણીવાર એવું થતું કે લાશોને ઘોડાના પગોથી પામાલ કરી દેવામાં આવતી. આથી ઇમામ હુસૈન(અ.સ.) પામાલ કરેલા ટુકડાઓ વીણીને ખૈમામાં લાવતા હતા.

અસ્સલામો અલર્ રોઉસીલ્ મોશાલાતે

“સલામ થાય એ સરો પર જેમને નેઝાઓ પર બુલંદ કરવામાં આવ્યા

રોઉસનું એક વચન રઅસ છે એટલે સર અને મોશાલાત એ શીલનું મુશ્તક છે જેનો અર્થ છે ઉંચુ કરવું અને તે ઇસ્મે મફઉલ જમ્એ મોઅન્નસે સાલીમ છે. સય્યદ ઇબ્ને તાઉસ(ર.અ.) ફરમાવે છે:

‘સુમ્મ અમર ઇબ્નો ઝિયાદીન બેરાસીલ્ હુસૈને અલય્હિસ્સલામ ફતીય્ફ બેહી ફી સેકકીલ્ કુફતે’

‘ઇબ્ને ઝિયાદ મલઉને હુકમ આપ્યો કે હુસૈન(અ.સ.)ના સરને કુફાની બજારોમાં ફેરવવામાં આવે’

અને પછી સય્યદ કોઇ મરસીયા ખ્વાનના મરસીયાના અમૂક બૈત રજુ કરે છે:

રઅસુબ્ને બીન્તે મોહમ્મદીન વ વસીય્યેહી

લીન્નાઝેરીન અલા કનાતીન્ યુર્ફઓ

વલ્ મુસ્લેમુન બે મન્ઝરીન્ વ બે મસ્મઈન્

લા મુન્કે‚ન્ મિન્હુમ્ વ લા મોતફજ્જઓ

‘મોહમ્મદ(સ.અ.વ.)ની બેટી અને તેમના વસીના ફરઝંદનું સર તમાશો જોવાવાળાઓના માટે નેઝાઓ પર બુલંદ કર્યુ. મુસલમાનો તેનો તમાશો પણ જોઇ રહ્યા હતા અને સાંભળી પણ રહ્યા હતા અને તેમાંથી કોઇને ઇન્કાર પણ ન હતો અને અફસોસ પણ ન હતો’

અસ્સલામો અલન્ નિસ્વતીલ્ બારેઝાતે

“સલામ થાય એ પવિત્ર ઔરતો પર જેમને પરદા વગર ખૈમામાંથી નીકળવું પડ્યું

હમીદ ઇબ્ને મુસ્લીમ કહે છે: “અસ્રે આશુરા જ્યારે ખૈમાઓમાં આગ લગાવી દીધી અને શોલા નીકળી રહ્યા હતા, એહલે હરમ ખૈમાની બહાર નીકળી ગયા, જ્યારે કે તેમનું બધુ જ લૂટાઇ ગયું હતું, ખુલ્લા પગે ગિર્યા કરતા કરતા……. જ્યારે એહલે હરમની નજર શોહદાની લાશો પર પડી, તેઓ ચીખ મારી રોવા લાગ્યા અને પોતાના ચહેરા પર પીટવાનું શ‚ કર્યુ હમીદ કહે છે: “પછી ખુદાની કસમ હું ઝયનબ બીન્તે અલીને ક્યારેય ભુલી શકીશ નહી, જ્યારે કે તેઓ હુસૈન(અ.સ.) પર ગિર્યા કરતા હતા અને ખૂબ જ દર્દનાક અવાજમાં ફરીયાદ કરતા હતા: નાનાજાન! તમારા ઉપર આસ્માનના ફરિશ્તા દુ‚દ મોકલે છે, આ આપનો હુસૈન(અ.સ.) છે જે ખૂનમાં ડુબેલા છે અને શરીરના અવયવોનો ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા છે અને આપની બેટીઓને કૈદી બનાવી દેવામાં આવી છે. (અને અમૂક રિવાયતોમાં આવ્યું છે: આ આપનો હુસૈન(અ.સ.) છે કે જેમનું સર તેમના શરીરથી અલગ કરી દેવામાં આવ્યું છે અને અમામો તથા રીદા છીનવી લેવામાં આવી છે)

(બેહા‚લ અન્વાર, ભાગ: ૪૫, પાના: ૫૮-૫૯)

અસ્સલામો અલા હુજ્જતે રબ્બીલ્ આલમીન, અસ્સલામો અલય્ક વ અલા આબાએકત્ તાહેરીન, અસ્સલામો અલય્ક વ અલા અબ્નાએકલ્ મુસ્તશ્હદીન, અસ્સલામો અલય્ક વ અલા ઝુર્રીય્યતેકન્ નાસેરીન, અસ્સલામો અલય્ક વ અલલ્ મલાએકતીલ્ મોઝાજેઇન

“સલામ થાય તમામ દુનિયાઓના પાલનહારની હુજ્જત પર, સલામ થાય આપ પર અને આપના પવિત્ર બાપ-દાદાઓ પર, સલામ થાય આપ પર અને આપના શહીદ ફરઝંદો પર, સલામ થાય આપ પર અને આપને મદદ કરવાવાળી ઝુર્રીયત પર, સલામ થાય આપ પર અને આપની કબ્રના મુજાવીર ફરિશ્તાઓ પર

ઝિયારતના ઉપરોક્ત વાક્યોમાં જેના પર દુ‚દો સલામ મોકલવામાં આવ્યા છે તે આ રીતે છે:

(૧) પરવરદિગારની હુજ્જત.

(૨) ઇમામે મઝલુમ(અ.સ.)ના માસુમ માઁ-બાપ પર.

(૩) ઇમામ(અ.સ.)ના શહીદ ફરઝંદો પર.

(૪) ઇમામ(અ.સ.)ની નુસ્રત કરવાવાળી ઝુર્રીયત પર.

(૫) આપની કબ્રના મુજાવીર ફરિશ્તાઓ પર.

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *