અરફાતના મેદાનમાં સય્યદુશ્શોહદા અ.સ.ની મુનાજાત

Print Friendly, PDF & Email

માનવી તેની સંપૂર્ણ તાજગી, તાકાત અને ચુસ્તી હોવા પછી પણ ઘનો નબળો અને કમજોર છે. ઈન્સાન બીજાની સરખામણીમાં પોતે ગમે તેટલો શકિત શાળી કેમ ન હોય અને બીજાની શકિત પોતાના ઉપયોગમાં ભલે ન લાવતો હોય….. પરંતુ તે અંગત રીતે નબળો અને કમજોર છે. તે ન તો કોઈ બિમારીને દૂર કરી શકે છે ન તો કોઈ મુસીબતને ટાળી શકે છે. બધી શકિતઓ હોવા પછી પણ તે જમીન અને આસમાનની બલાઓની સામે સંપૂર્ણ લાચાર છે.
તે કોઈ પણ ધર્મને ભલે ન માનતો હોય પરંતુ જ્યારે તે આફતો વચ્ચે ઘેરાઈ જાય છે અને તેના સહારા અલોપ થઇ જાય છે જ્યારે તેની જીવન-નૌકા સંજોગોના વમળમાં ડુબવા લાગે છે, તે વખતે તેના હૃદયના ઉંડાણમાં નકારી ન શકાય તેવી સચ્ચાઈથી એક એહસાસ પૈદા થાય છે કે તેવા સમયે પણ કોઈ તેને બચાવી શકે છે. આજ એહસાસ તેને એટલો શકિતશાળી બનાવી દે છે કે તે મોજાઓથી ટક્કર લઈ શકે છે.
દોઆનો એક લાભ એ પણ છે કે માનવી કયારેય નિરાશ નથી થતો. દોઆ માણસને સખ્તમાં સખ્ત મુશ્કેલીઓમાં પણ નિરાશ નથી થવા દેતી. દોઆ વાત કરવાને લાયક ન હોય તેવા હલ્કાઈભર્યા માનવીને ઝુલ્હલાલ વલ ઈકરમ ખુદાની બારગાહમાં હાજરીનો શરફ અતા કરે છે. દોઆ ઈન્સાનને અલ્લાહની નજદીક કરી દે છે. પરંતુ આ નજદીકી શારિરીક કે ભૌતિક નજદીકી નથી પણ રૂહાની અને અર્થપૂર્ણ નજદીકી છે. શરીર તેનુ તેજ રહે છે પરંતુ રૂહ એક ઉચ્ચ કક્ષા મેળવી શકે છે ઈન્સાન કુફ્ર અને શિર્કના વાતાવરણમાંથી ઈમાન અને તૌહિદની મંઝીલ ઉપર આવી જાય છે, ગુનાહોમાંથી બંદગીની તરફ દોરાઈ જાય છે, ગુનાહોથી પાશ્ચર્યતાપની તરફ ડગલા માંડે છે.
ખુદાવંદે આલમે જે પ્રમાણે ઈન્સાનને અસંખ્ય નેઅમતોથી નવાજ્યો છે તેવીજ રીતે મઅરેફત અને મોહબ્બતે અહલેબૈત અ.સ.ની ભવ્ય નેઅમત પણ અર્પણ કરી છે. વબેકુમ અખ્રજનલ્લાહો મેનઝઝુલ્લે વ ફર્રજ અન્ના ગમરાતિલ્કોરૂબ… બે મોવાલાતેકુમ અલ્લમનલ્લાહો મઆલેમ દીનેના વ અસ્લહ મા કાન મીન દુનયાનન. ઝીયારતે જામેઆ.
ખુદાવંદે આલમે અહલેબૈત અ.સ.ના વસ્તાથી અપમાનોથી છુટકારો આપ્યો અને તેઓના વાસ્તાથી આફતોની સખ્તાઈને આપણાથી દુર કરી. તેઓની મોહબ્બતના કારણે ખુદાએ આપણને મઝહબનું શિક્ષણ આપ્યું અને આપણી બરબાદ દુન્યવી જીંદગીની સુધારણા કરી. મઝહબની જાણકારી અહલેબૈત અ.સ. થકી આપણને આપી.
અહલેબૈત અત્હાર અ.સ.એ જ્યાં દરેક ક્ષેત્રમાં માર્ગદર્શનના દિપકોને પ્રકાશિત કર્યા ત્યાં દોઆઓના ક્ષેત્રમાં પણ આપણને માર્ગદર્શન પૂરૂં પાડયું છે.
દોઆઓના માધ્યમની ઉચ્ચતમ સમજણ તૌહિદની ઓળખ-મઅરેફતે ખુદા રજુ કરવામાં આવી છે. હૃદયને સ્પર્શી જાય તેવો અજોડ અંદાઝ, જ્યાં વાતની સાથે દલીલો પણ, તત્વજ્ઞાન અને મન્તિકની સાથે બીજી ગુંચવણ ભરી બાબતોને સ્વાભાવિકતાથી રજુ કરવાની રીતને માનવ પ્રકૃતિ ઉપર અંકિત કરી છે.
દોઆઓમાં હઝરત ઈમામ હુસયન અ.સ.ની દોઆએ અરફા સૌથી વધુ મશ્હુર છે. મયદાને અરફા અને અરફાનો દિવસ એટલે ભરપૂર રહેમતોનો દિવસ, મગ્ફેરતોની વર્ષા, અલ્લાહની સમિપતાનું કુરબતનું વાતાવરણ, સર્વ સંપન્ન અલ્લાહની બારગાહમાં સંર્પૂ સ્વાધિનતા…. દુનિયા અને તેની લઝઝતોથી વિમુખ થઈને અલ્લાહની ખુશ્નુદીની ઈચ્છા અને તમન્ના ધરાવવા વાળા, અસંખ્ય ગુનાહોનો સ્વિકાર કરી, અલ્લાહની બે પનાહ માફી મેળવવાના ઉમેદાર થઇ જાય છે.
રાવીઓનું બયાન છે કે અરફાના દિવસે અમે મયદાને અરફાતમાં ઈમામ હુસયન અ.સ.ની પવિત્ર ખિદમતમાં હાજર હતા. ઝવાલ પછી ઈમામ હુસયન અ.સ. પોતાની અહલેબૈત, ફરઝંદો અને શીયાઓની સાથે પવિત્ર ખયમાંમાંથી બહાર તશરીફ લાવ્યા. સંપૂર્ણ ખુઝુઅ અને ખુશુઅ, વિનમ્ર અને ગમનાક હાલતમાં હબ્લુર,રેહમા મયદાને અરફાતમાં જે પહાડ છે તેને રહેમતનો પહાડ કહેવામાં આવે છે ની તળેટીમાં ડાબી બાજુએ ઉભા રહ્યા. આપનો ચહેરો મુબારક ખાનએ કાબા તરફ હતો. હાથોને અલ્લાહની બારગાહમાં ઉચા કરી, એક મીસ્કિનની જેમ આ દોઆ પડી રહ્યા હતા. આંખોમાંથી એટલા આંસુ વહી રહ્યા હતા કે આપની દાઢી મુબારક તર થઇ ગઈ હતી.
આ દોઆ લાંબી છે આખી દોઆનો વિસ્તાર શકય નથી. અલબત, જ્યાં સુધી આ લેખની મર્યાદામાં સમાવેશ થઈ શકશે દોઆની ટુંકી સમજણ રજુ કરવાનો લાભ મેળવીશું.
અલ્હમ્દો લિલ્લાહી લ લઝી લયસ લે કઝાએહી દાફેઉન વલા લે આતાએહી માનેઉન વ લા કસુનએહી સુનઓ સાનેઈન વહોવલ જવાદુલ વાસેઓ.
પ્રસંશા છે એ ખુદાની જેના નિર્ણયોને ફેસલાઓને કોઈ રોકી શકતું નથી. જેની બખ્શીસની કોઈ ના નથી પાડી શકતું, તેની કળાકૃતિ જેવી બીજા કોઈની કળા-કૃતિ નથી. તે પોતે પ્રસંશાનો માલિક છે.
કઝા ફેસલાને કહે છે. ફેસલો કરનારને કાઝી કહે છે મામલાને સમજવામાં સહેજ પણ ક્ષતિ રહી જાય તો સાચો ફેંસલો થતો નથી. અથવા ફેસલામાં જો પક્ષપાત કરવામાં આવે તો ખોટો ફેસલો થાય છે. કાઝીમાં ફેંસલો કરવાની આવડત ન હોય તો ફેંસલો સાચો નથી થતો. કાઝી રૂશ્વત લાંચ લઈલે તો પણ ફેંસલો ન્યાયપૂર્ણ નહિ થાય. આવીજ રીતે જેટલી બાબતોની કલ્પના થઇ શકે છે તેનાથી અલ્લાહની પવિત્ર ઝાત દરેકથી પાક અને પાકીઝા છે. ખુદાના ફેંસલા અને ઈરાદાને કોઈ ટાળી શકતું નથી પરંતુ અલ્લાહ દરેકના ઈરાદાને નિષ્ફળ કરી શકે છે. હઝરત અલી અ.સ. ઈરશાદ ફરમાવે છે કે મે ઈરાદાઓને તૂટી જતા, ગુંચવણોના ઉકેલ, અને હિંમતને ટુટી જવાથી ખુદાને ઓળખ્યો. નહજુલ બલાગાહ, પાના નં. ૫૧૧.
એટલેકે ભૌતિક વસ્તુઓ અને માધ્યમોનું પ્રાપ્ત થઇ જવું ઈરાદાઓનું કાયમી અને અતૂટ રહેવુ. તે અલ્લાહનો ફઝલ મળી જવાની જામીનગીરી નથી. પરંતુ અલ્લાહ ચાહે તો આ તમામ વસ્તુઓ હોવા પછી પણ ફઝલના સ્ત્રોતને રોકી શકે છે. પરંતુ તે કોઈ ફેસલો કરી લે, ઈરાદો કરી લે તો સમગ્ર બ્રહ્માંડ સાથે મળીને પણ તેને ટાળી શકતું નથી.
અલ્લાહના ફેંસલા ઉપર રાજી રહેવું તે ઈમાનની નિશાની છે. બધી પર્યાપ્ત વસ્તુઓ મેળવ્યા પછી પણ જો કામ ન યાય તો હૃદય ભંગ ન થવું જોઈએ. પરંતુ અલ્લાહના હુકમ ઉપર માથુ નમાવી દેવું જોઈએ. રોઝે આશુરા ઈમામ હુસયન અ.સ.ની પવિત્ર ઝબાન ઉપર આજ શબ્દો હતા.
રેઝન બે કઝાએહી વ તસ્લીમ ન લે અમરેહ.
અમે તેના ફેંસલા ઉપર રાજી છીએ અને તેના હુકમની સામે માથું ઝુકાવીએ છીએ.
તેની દેણ અને બખ્શીશને કોઈ રોકી શકતું નથી. આલે ઈમરાનના સુરાની ૨૬મી આયતમાં ઈરશાદ થાય છે. ખુદાયા તું માલિકુલ્મુલ્ક છે જેને ઈચ્છે છે તેને મુલ્ક અને મમ્લેકત આપે છે અને જેને ચાહે છે ઈઝઝત અને મોભો આપે છે અને જેને ચાહે તેને ઝલીલ અને રૂસ્વા કરે છે. આ ખૈર અને નેકી તારા હાથમાં છે નિશંક તું દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવે છે. આ વાતને સુરએ અન્આમ, આ. ૧૭માં આ રીતે બયાન કરવામાં આવે છે: અગર ખુદા નુકસાન પહોંચાડવા માંગે, તો તેના સિવાય બીજુ કોઈ તેને દૂર નથી કરી શકતું અને જો એ ખૈર અને નેકી અતા કરવા માંગે, તો એ દરેક વસ્તુ પર કુદરત રાખે છે.
તેની કળા-કૃતી જેવી કોઈની કળા-કૃતી નથી. દરેક કલાકારની કૃતિ-કારીગરી ધીરે ધીરે પૂર્ણ થાય છે તેની ત્રુટીઓ અને ક્ષતિઓ એક એક કરીને સુધરે છે અને તેમ છતા પણ કોઈને કોઈ ક્ષતિ કે ત્રૂટી તેના સર્જનમાં બાકી રહીજ જાય છે. પરંતુ ખુદા અહસનુલ ખાલેકીન છે સૂરએ મુલ્કની આયત-૩ માં ઈરશાદ થાય છે: તમે અલ્લાહના સર્જનમાં કોઈપણ ક્ષતિ અને ખામી અને કોઈપણ ઉણપ નહિ જુઓ. વારંવાર નજર કરીને જુઓ, તેમાં કોઈ ઉણપ દેખાય છે? તમારી દ્રષ્ટિ પાછી ફરશે અને કોઈ ખામી નજરે પડશે નહિ.
તે ભરપૂર અતા કરવાવાળો અને બે-પનાહ સખાવતનો માલિક છે, તે એ લોકોને પણ આપે છે જે તેની પાસે માગે છે અને એ લોકોને પણ આપે ચે જેઓ તેની પાસે નથી માંગતા, બલ્કે તેને ઓળખતા પણ નથી. તેનું આપવું અને બખ્શીશ તે તેની ઉપરના કોઈના કંઈ પણ દબાણ કે મજબુરીના કારણે નથી પરંતુ તેની વિશાળ રહેમતના કારણે છે કારણકે ખુદાની સિવાય બીજું કોઈ પણ જે કંઇ પણ આપે છે તેમાં તેનો કોઈને કોઈ લાભ જરૂર મળતો હોય છે. દુનિયાનો ફાયદો ન હોય તો પણ ખુશ્નુદીએ ખુદા અલ્લાહને રાજી રાખવા માતે તે તેમ કરતો હોય છે. આ અલ્લાહની રહેમત છે જે પોતાના રહેમના કારણે નવાજે છે.
વલા તઝીઓ ઈન્દહુ લ-વદાએઓ. તેની પાસેની અમાનતો નષ્ટ નથી થતી. કુરઆને કરીમમાં આ પ્રકારના વિધાનો મળે છે. અલ્લાહ સારા કાર્ય કરવાવાળાના બદલા અને સવાબને નષ્ટ બરબાદ નથી કરતો, સુરએ હુદ-૧૧૫. ખુદા તમારા ઈમાનને બરબાદ નહી કરે, સુરએ બકરહ-૧૪૩. ખુદા સુલેહ કરવાવાળાના બદલાને નષ્ટ નથી કરતો, સુરએ અઅરાફ-૧૭૦. દરેક વસ્તુ તેની પાસે સુરક્ષિત છે કોઈ બાબત તેની પાસે નષ્ટ બરબાદ નથી થતી.
જનાબ ફખ્રુલ મોહક્કેકીન ઈરશાદ ફરમાવે છે: જે વ્યકિત મૃત્યુના સમયે સાચા અકીદા ઉપર રહેવા માગતો હોય અને બાતિલ અકીદાથી દૂર રહેવા માગતો હોય તેણે ઉસુલે દીનને તેની દલીલો થકી ખૂબજ સ્પષ્ટ રીતે સમજીને તેને તેના દિલમાં રાખીને ખુદાવંદે આલમને હવાલે કરી દેવી જોઈએ. ખુદાવંદે આલમ મૃત્યુના સમયે આ સાચા અકીદાઓ તેને આપશે અને તેવી રીતે અલ્લાહને હવાલે કરે.
અલ્લાહુમ્મ યા અરહમર રાહેમીન ઈન્ની કદ અવદઅતોક યકીની હાઝા વસેબાત દીની વ અન્ત ખયરો મુસ્તવદઈન વકદ અમરતના બે હિફઝીલ-વદાએએ ફરૂદ્દહુ અલય્ય વકત હુઝુરે મવતી. ખુદાયા! એ અરહમુર રાહેમીન! મેં આ યકીન અને સાચા અકીદાઓ અને દીન તારે હવાલે કર્યા છે અને તું શ્રેષ્ઠ રક્ષણ કરવાવાળો છો તે અમને હુકમ આપ્યો છે કે અમે અમાનતોનું રક્ષણ કરીએ. પરવરદિગાર!
મૃત્યુના સમયે આ અકીદાઓ અમને પરત કરી દેજે, મફાતીહુલ જીનાન, પા. ૮૬, દોઆએ અદીલાહ પછી. મૃત્યુના સમયે સાચા અકીદાઓ સાથે દુનિયાથી વિદાય લેવી તે ઘણું મહત્વનું છે, કારણકે સાચા અકાએદ ઉપર મૂકિત મેળવવાનો આધાર છે.
હઝરત ઈમામ હુસયન અ.સ.આ દોઆમાં ખુદાની નેઅમતોનો ઉલ્લેખ કરે છે કે કેવી રીતે મનીના એક ટીપાને જુદા જુદા તબક્કાઓમાંથી પસાર કરીને સંપૂર્ણ માનવી બનાવી દીધો. તેના શારિરીક અને રૂહાની ઉછેર માટે કેવા કેવા પ્રબંધો કર્યા. પાકીઝા દુધ, ખોરાક માટે મેળવી આપ્યું. ઉછેર કરવા માટે મહેરબાન માં આપી… આવા પ્રકારની નેઅમતોના ઉલ્લેખ પછી સૌથી શ્રેષ્ઠ નેઅમતનો ઉલ્લેખ કર્યો. જ્યારે હું બોલવા લાગ્યો ત્યારે મારી પ્રકૃતિ સંપૂર્ણ થઈ ગઈ. મારી શકિતઓ મજબુત થઇ ગઈ. તેં મને તારી મઅરેફત ઓળખ આપી તારા સર્જન અને હિકમતના આશ્ચર્યથી મને મદહોશ કરી દીધો. તુચ્છ બંદા માટે રબ્બે જલીલની મઅરેફત સર્વશ્રેષ્ઠ નેઅમત છે.
હઝરત ઈમામ રેઝા અ.સ.મેં ફરમાવ્યું: જો લોકોને ખબર હોત કે અલ્લાહની મઅરેફતની શું ફઝીલકત છે તો તેઓ કયારેય દુનિયાને નજર ઉઠાવીને ન જોતે… અલ્લાહની મઅરેફતની લઝઝત, જન્નતની નેઅમતો છે. ફૂરૂએ કાફી ૨૪૮/૮.
હઝરત અલી અ.સ.એ ફરમાવ્યું: અલ્લાહની મઅરેફત સૌથી શ્રેષ્ઠ મઅરેફત છે. હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અ.સ.એ ફરમાવ્યું: કોઈ અમલ મઅરેફત વગર કબુલ નહિ થાય. જેવી મઅરેફત હાસીલ થશે, તે મઅરેફત તેના અમલની તરફ માર્ગદર્શન કરશે. જેની પાસે મઅરેફત નથી તેની પાસે અમલ પણ નથી. તોહફુલ ઓકુલ-૨૧૫.
તેની પછી હઝરત ઈમામ હુસયન અ.સ.એ સત્ય તરફ ધ્યાન દોરે છે કે માનવી કોઈપણ રીતે અલ્લાહની નેઅમતનો શુક્ર અદા કરી શકતો નથી. એવા સુંદર અંદાઝમાં આ વાત બયાન કરવામાં આવી છે, જેની કોઈ સીમા નથી. નેઅમતોનો સ્વિકાર પણ છે. શુક્ર અદા ન કરવાનો એહસાસ પણ. ખુદ ઈમામ હુસયન અ.સ.ના મુબારક શબ્દોથી સાંભળીએ:
અશ્હદો યા ઈલાહી બે હકીકતે ઈમાની અન ઓવદ્દી શુકરીન વાહેદતીન.
પરવરદિગાર! હું મારા ઈમાનની હકીકત, મારૂં સંપૂર્ણ યકીન, ખાલીસ અને સ્પષ્ટ તૌહિદ, ઝમીરની છુપી અસરો, દ્રષ્ટિના નૂરના માર્ગો, લલાટ ઉપરના નિશાનો, શ્વાસ પસાર થવાની બખોલ, સુંઘવાની શકિતના ખજાનાઓ, સાંભળવાની શકિત સુધી અવાજ પહોંચાડવાના કાણા, હોઠોંની અંદર દબાએલા ભેદો રાઝ, જીભના હલન ચલનથી નીકળતા શબ્દો, મોઢાની ઉપર અને નીચેના જડબાઓની ચાવવાની જગ્યાઓ, દાઢ ઉગવાની જગ્યાઓ, ખાવા પીવાની સગવડતાના રસ્તાઓ, માથાના મુગટને સંભાળી રહેલા હાડકાઓ, ગરદનની રગોની ગોઠવણ, છાતીની વિશાળતા, ગરદનના ભાગોને જોડતી નસો, હૃદયના પરદાને રોકવાવાળી રગો, જીગરના ટુકડાઓને ભેગા કરવાવાળા અંગો, પડખા, જોડાણોને કામ કરવાની શકિત, આંગળીઓની આજુબાજુના વળાંકો, પેશીઓ, માંસ, લોહી વાળ, ખાલ, હાડકાઓ, મગજ, રગો, ઉપાંગો, દુધ પીવાના કાળ દરમ્યાન કામ આવવાવાળા અંગો, શરીર અને જમીન જેણે મારા શરીરનો ભાર ઉઠાવેલો છે., મારી ઉંઘ અને જાગૃતિ, હલન ચલન અને રૂકુઅ અને સિજદાઓ, બધાના હવાલાથી એ વાતની ગવાહી આપું છું કે જો હું ઈરાદો પણ કરૂં અને કોશીષ પણ કરૂં કે અંતિમ ઝમાના સુધી જીવતો રહીને તારી કોઈ પણ એક નેઅમતનો શુક્ર અદા કરૂં, તો તે અશકય છે.
એ બધી વસ્તુઓ જેનાથી ખુદાનો શુક્ર અદા કરી શકાય છે તે બધી અલ્લાહે આપેલી છે. અસ્તિત્વની ચારે તરફ નેઅમતોની પરંપરા, તે નેઅમતોની સમજ અને એહસાસ અને શુક્ર અદા ન કરી શકવાનો સ્વિકાર, આ બધી વસ્તુઓ એવી છે કે અલ્લાહની બારગાહમાં પરવશ થઈને સિજદો કરવા ઉપર મજબુર કરી દે છે. અભિમાન અને અહમને પીગળાવી દે છે અને ઈબાદત ગુઝાર બંદાઓ બનાવી દે છે.
દોઆના આ વાકયોને વારંવાર વાંચો. ઈમામ હુસયન અ.સ.એ કઈ કઈ મહત્વની બાબતો પ્રત્યે ઈશારો કર્યો છે. દુનિયા પ્રગતિ કરીને આજે એ બાબતોના મહત્વ પ્રત્યે ધ્યાન દઈ રહી છે જે વાતો ઈમામ હુસયન અ.સ.એ ચૌદસો વરસ પહેલા બયાન કરી હતી. આથી જાણી શકાય છે કે જો અહલેબૈતે અત્હાર અ.સ.ને આઝાદીથી તબ્લીગ કરવાનો મૌકો મળ્યો હોત અને બીજાઓએ આડખીલી ઊભી કરી ન હોત તો દુનિયાની પરિસ્થિતિ આજે કંઈક જુદીજ હોત.
અલ્લાહુમ્મજ અલ્ની અખશાક કઅન્ની અરાક.
ખુદાયા હું તારાથી એવી રીતે ડરૂં, જાણે કે તને જોઈ રહ્યો છું.
જો કોઈ વ્યકિતને એવો એહસાસ થઇ જાય કે બીજુ કોઈ તેને જોઈ રહ્યું છે તો તે ગુનાહ નથી કરતો. હઝરત ઈમામ ઝયનુલ આબેદીન અ.સ. દોઆએ અબુ હમ્ઝા સોમાલીમાં ઈરશાદ ફરમાવે છે: જો તારા સિવાય અન્ય કોઈ મારા ગુનાહોને જાણતો હોત તો હું ગુનાહ ન કરતે જો જલ્દી અઝાબ થવાનો ખૌફ હોત, તો ગુનાહોથી દૂર રહેત.
કુરઆને કરીમમાં છે:
અલમ યઅલમ બે અનલ્લાહ યરા. શું ખબર નથી કે ખુદા જોઈ રહ્યો છે. સુરએ અલક-૧૪.
જેને એ એહસાસ હોય કે ખુદા તેને જોઈ રહ્યો છે, તે ગુનાહોની નજદીક નહિ જાય. એટલુ તો બધા જાણે છે કે ખુદા જોઈ રહ્યો છે. પરંતુ યકીન બહુ થોડા લોકોને છે. ખુદા જે ગરદનની રગથી પણ વધુ નજદીક હોય, આંખોના હલન ચલનને તે જાણતો હોય, માનવી અને તેના હૃદયની વચ્ચે હોય, દિલના વસવસાને જાણતો હોય અને માનવી તે વાતની શ્રધ્ધા પણ રાખતો હોય, તે પછી પણ ગુનાહ કરતો હોય તો તેનો અર્થએ થયો કે તેને આ બાબતોનું જ્ઞાન તો છે જ્ઞાનથી તે સાબિત પણ કરી શકે છે, પરંતુ યકીન નથી. આ અકીદો માત્ર સમજની દુનિયા પૂરતો છે, રગે રગમાં સમાએલો નથી.
એક યહુદી હઝરત અલી અ.સ.ની ખીદમતમાં આવ્યો અને પૂછયું: શું આપે આપના રબને જોયો છે? આ સવાલ યહુદીઓ માટે વધારે યોગ્ય જણાય છે કારણ કે આજ લોકો આથી પહેલા જનાબે મૂસા અ.સ.ને ખુદાને જોવાની માંગણી કરી ચૂકયા છે. હઝરતે ફરમાવ્યું: મેં એ ખુદાની ઈબાદત નથી કરી જેને જોયો નથી. અલબત, આ આંખોથી તેને જોઈ શકાય નહી. પરંતુ તેને દિલ અને ઈમાનની આંખોથી જોયો છે. બેહાર ૫૩/૩.
ઈમામ હુસયન અ.સ.એ આ વાકયમાં ખશયત શબ્દનો ઉપયોગ કર્યો છે: અલ્લાહુમ્મ અલ્ની અખશાક, ખોફ અને ખશયતમાં તફાવત છે જોકે ઉર્દુમાં બંને માટે ડર શબ્દ વાપરવામાં આવે છે પણ અરબી ભાષામાં ખશયત અને ખૌફમાં ફરક છે.
ખૌફ એ તે ડર અને ભયને કહે છે કે જે અલ્લાહના અઝાબના કારણે હોય, કારણકે માનવીએ ગુનાહ કર્યા છે જેનું પરિણામ અલ્લાહનો અઝાબ છે. તે અઝાબનો વિચાર કરી કરીને ભયમાં રહે છે.
ખશયત એવી સ્થિતિને કહે છે કે જે અલ્લાહની મહાનતા અને સર્વોપરિતાના જ્ઞાન પછી આવે છે. અહિ અઝાબનો અર્થ ભય નથી, પરંતુ અલ્લાહની મહાનતાની સામે રૂવાટા ઊભા થઇ જાય છે. કુરઆને કરીમે આલીમો પ્રત્યે ખશયતનો સબંધ દર્શાવ્યો છે. ઈન્નમા યખ્શલ્લાહ મીન ઈબાદેહીલ ઓલમાઓ, સુરએ ફાતીર-૨૮. તેના જહન્નમના અઝાબથી ભય નથી પામતા. પરંતુ અલ્લાહની અઝમત સામે પોતાની જાતને સંપૂર્ણ નબળા તુચ્છ અને લાચાર સમજે છે. જેમ જેમ આ બંને એહસાસ વધતા જાય છે, તેમ તેમ શરીર ધ્રુજવા લાગે છે. બદન થરથરવા લાગે છે. પોતાની પરવશતા નબળાઈ અને તેની મહાનતાનો સ્વિકાર વધતો જાય છે.
રિવાયતોમાં ત્રણ પ્રકારની ઈબાદતો દર્શાવવામાં આવી છે.
(૧) વેપારીઓની ઈબાદત (૨) ગુલામોની ઈબાદત (૩) સ્વતંત્ર માનવીઓની ઈબાદત.
વેપારીઓની ઈબાદત એ લોકોની ઈબાદત છે જે જન્નતની લાલચમાં ઈબાદત કરે છે. ગુલામોની ઈબાદત એવા લોકોની ઈબાદત છે જે જહન્નમના ડરથી ઈબાદત કરે છે. સ્વતંત્ર માનવીની ઈબાદત એવા લોકોની ઈબાદત છે, જે ન તો જન્નતની લાલચમાં ઈબાદત કરે છે, ન તો જહન્નમના ભયથી ઈબાદત કરે છે પરંતુ ખુદાને ઈબાદતને પાત્ર ગણે છે એટલા માટે ઈબાદત કરે છે અને આ ઈબાત શ્રેષ્ઠ ઈબાદત છે.
આ ઈબાદતના મુળીયાઓ ખુદાવંદે કુદુસની મઅરેફત છે, જે મઅરેફતથી ખશયત ઉત્પન્ન થાય છે.
હઝરત અલી અ.સ.એ ફરમાવ્યું: માનવીની આંખોમાંથી જો એક ટીપું પણ અલ્લાહની ખશયતના કારણે ટપકે, તો તે આગના સમુદ્રને શાંત કરી દે છે. ખુદાવંદે આલમની નજદીક એ વ્યકિતની ભરપૂર મહાનતા અને મરતવો છે જે અલ્લાહની ખશયતથી રડે છે. તે લોકોને ખુદાને લીધે દોસ્ત રાખે છે અને ખુદાને લીધે લોકોને દુશ્મન રાખે છે સફીનતુલ બેહાર, પૂ.૧, પા. ૯૫.
વઅસઈદની બે તકવાક વલા તશ્કેની બે મઅસીયતેક. પરવરદિગાર તારા તકવાથી મને તકવા નસીબ ફરમાવ. તારી નાફરમાની કરવાથી મને નિષ્કુર સંગદિલ અને બદબખ્ત ન બનાવ. સઆદત અને શકાવતનો અર્થ અમુક હદ સુધી દરેક વ્યકિત જાણે છે પરંતુ આ બંને શબ્દોનો માપદંડ દરેક વ્યકિતનો જુદો જુદો છે. દરેક તેના ધોરણ મુજબ તેને મેળવવાની કોશીશ કરે છે.
સઆદત અને શકાવતના સંદર્ભમાં ઈસ્લામનું પોતાનું એક ધોરણ છે. અહિ સઆદતનું ધોરણ તકવા, પરહેઝગારી અને પરવરદિગારની ઈતાઅત છે. શકાવતનું ધોરણ ગુનાહ, નાફરમાની અને ખુદાના કાનુનની વિરૂધ્ધ વર્તન છે.
આથી સારા કાર્યો કરવાની લાયકાત મેળવવી સઆદત છે અને આ ગુણોનો નાશ થવો અને ગુનાહ તરફ દોરાઈ જવું તે શકાવત અને ખરાબી છે. જે વ્યકિત ગુનાહોથી જેટલો વધુ દુર રહે છે તેટલો વધુ તે સઆદત અને સફળતાની નઝદીક રહેશે. હુર જ્યાં સુધી ગુનાહો તરફ હતા તે નિષ્ઠુર અને બદબખ્ત હતા, પરંતુ જેવા ઈમામ હુસયન અ.સ.મેં ફરમાવ્યું તમે દુનિયા અને આખેરત બંને જગ્યાએ આઝાદ અને હુર છો.
પવિત્ર ઈસ્લામ ધર્મમાં તકવા, મહાનતા અને ઈઝઝતનું ધોરણ છે.
ઈન્ન અકરમકુમ ઈન્દલ્લાહે અત્કાકુમ. અલ્હુજરાત-૧૩. સૌથી વધુ મુત્તકી અને પરહેઝગાર અલ્લાહની નઝદીક સૌથી વધુ બુઝુર્ગ અને ઈઝઝતવાળો છે. તકવાના માધ્યમથી અઅમાલ કબુલ થાય છે. માએદા-૨૭
તકવા માધ્યમથી આસ્માન ઉપરથી બરકતો ઉતરે છે. જો કરીઆ ગામડાવાળા ઈમાન લાવતે અને તકવા અખત્યાર કરતે તો આસમાન અને જમીનના દરવાજા ખોલી દેવામાં આવતે. અઅરાફ ૯૬
તકવાના માધ્યમથી ગુનાહ માફ થઈ શકે છે. જે ખુદાથી તકવા અને પરહેઝહારી અખત્યાર કરી લેશે તેના ગુનાહો માફ કરવામાં આવશે. અને તેના બદલા અને સવાબમાં વધારો કરવામાં આવશે. અત-તલાક-૫
તકવા જન્નતમાં જવાનો માર્ગ છે. નિશંક મુત્તકી લોકો જન્નતમાં હશે જ્યાં નહેરો હશે. અલ-કમર-૫૪
હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ ફરમાવ્યું: હે અલી! તમારી મોહબ્બત તકવા છે. સફળતા તકવા અને પરહેઝગારીના સાયામા અને નિષ્ફળતા ગુનાહો અને નાફરમાનીના કારણે મળે છે.
આ અંગે ઈમામ હુસયન અ.સ. ફરમાવી રહ્યા છે: પરવરદિગાર! તકવા દ્વારા સઆદત અને કામીયાબી અતા કર. નાફરમાનીઓ અને ગુનાહોથી દુર રહેવાની તૌફીક અતા કર જેથી બદબખ્તી અને શકાવતથી દૂર રહી શકું.
લેખને દોઆના આ વાકયોથી પૂરો કરીએ છીએ. ઈમામ હુસયન અ.સ. ઉપરના કથન પછી ફરમાવે છે કે: તારા ફેસલાને મારી તરફેણમાં વધુ સારા બનાવ. મારા મુક્કદરોને મારા માટે મુબારક કર. અલ્લાહની કઝા અને કદ્ર ઉપર રાઝી રહેવાના પરિણામને આ રીતે બયાન ફરમાવે છે: જેથી જે વસ્તુને તેં વિલંબમાં રાખી છે તેને ઝડપ કરવાનો ઈચ્છુક ન થાઉં અને જે વસ્તુને તે પહેલા અને જલ્દી ગણી છે તેના વિલંબનો ઉત્સુક ન થાઉં. જ્યારે આ વાતનો વિશ્વાસ છે કે ખુદાવંદે આલમ અરહમુરરાહેમીન છે અને અહકમુલ હાકેમીન છે તો તેનો દરેક ફેંસલો રહેમ ઉપર આધારિત છે અને સર્વશ્રેષ્ઠ છે, તેથી તેણે આપણા માટે જે કાંઈ પણ નિર્ધારિત કર્યુ છે તેનાથી વધુ સારી અન્ય કોઈ વસ્તુની કલ્પના પણ નથી. જો આ સિવાય બીજું કંઈ વિચારીએ છીએ, તો અક્કલ અને ઈમામનો વાંક છે. અલ્લાહુમ્મજઅલ ગેનાઈ ફી નફસી, વલ-યકીન ફી કલ્બી, વલ-ઈખ્લાસ ફી અમલી, વન્નૂર ફી બસરી, વલ-બસીરત ફી દીની. પરવરદિગાર! મારા નફસમાં તવંગરી અને બે નયાઝી આપ જેથી તારી સિવાય બીજા કોઈની સમક્ષ માંગવાની દ્રષ્ટિથી ન જોઉં, મારા દિલને યકીનથી માલામાલ કરી દે, મારા માલમાં નિર્મળતા પૈદા કર, મારી આંખોમાં નૂર અતા કર અને દિલમાં દ્રષ્ટિ અતા કર.
આ દોઆથી લેખને પરિો કરીએ છીએ. પરવરદિગાર આપણા નફસોમાં બે નયાઝી, દિલમાં યકીન, અઅમાલમાં ખુલુસ, આંખોમાં નૂર અને દીની મોઆમેલાતમાં સંપૂર્ણ દ્રષ્ટિ અર્પણ કર.
આમીન યા રબ્બલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *