Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૨ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની ફઝીલતો

ઇમામ હુસૈન(અ.સ.)માં કુર્આની સિફાતો – ૧

Print Friendly

ઇમામીયા મઝહબનો એક મૂળભૂત સિધ્ધાંત છે કે પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના ખલીફા અને જાનશીન તે શખ્સ થઇ શકે છે જે ભૂલચૂક અને ગુનાહ તથા નાફરમાનીથી સંપૂર્ણ સુરક્ષિત હોય અને ખતાઓથી મેહફુઝ હોય. એટલા માટે કે પૈગમ્બરે ખુદાના જાનશીન, રસુલે અકરમ (સ.અ.વ.)એ બયાન કરેલ દીન અને શરીઅતની દેખભાળ રાખનારા અને મુહાફિઝ હોય છે. ઇમામ અને ખલીફા, પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ની નિયાબતમાં ઇસ્લામ અને શરીઅતના કાનૂનો અને ઉસુલો તથા અહકામના બયાન કરવાવાળા અને જરૂરી સંજોગોમાં તેની સમજણ આપવાવાળા હોય છે. આથી જેવી રીતે અલ્લાહે ઇસ્લામ અને કુર્આનને દરેક જેવા તેવા શખ્સ થકી લોકો સુધી નથી પહોંચાડ્યુ કે જેથી લોકો પોતાની ખ્વાહિશાત મુજબ તેમાં ફેરફાર કરી નાખતે – તેના સ્વરૂપને મિટાવી નાખતે.

એવી જ રીતે ખુદાવંદે આલમના ખુદ હેતુ અને હિકમતનો એ તકાઝો હતો કે આ શરીઅત અને કુર્આન જેને કયામત સુધી બાકી રહેવાનુ છે અને પૈગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ની ઉમ્ર ફક્ત ૬૩ વર્ષની છે તો પૈગમ્બરે અકરમ (સ.અ.વ.)ના પછી કયામત સુધી આ દીન અને શરીઅતને તેના અસલ સ્વરૂપમાં બાકી રાખવા માટે કોઇ એવા રક્ષક અને મુહાફિઝના શક્તિશાળી હાથની જરૂરત છે. જે પૈગમ્બર (સ.અ.વ.)ની જેમ જ ભૂલચૂક, ગુનાહ અને નાફરમાનીથી પાક અને માસુમ હોય પોતાની નફસાની ખ્વાહિશાતથી વાત ન કરતા હોય, હાલતોની ચડાણ ઉતરાણનો કૈદી ન થતો હોય. તે જ્યારે આવી ખાસીયતો ધરાવતો હશે તો લોકો તેના પર ભરોસો કરશે, તેમની ઇતાઅત અને ફરમાંબરદારી કરશે. નહીતર દીનનો જવાબદાર આપણી જેવો કોઇ ઇન્સાન બની જાય તો કોણ તેની ઝમાનત લેશે કે તે મુસલમાનોની હિદાયત અને ખૈર ખ્વાહીમાં ઝમાનાની રાજકીય પરિસ્થિતિનો શીકાર નહી બને. પૈગામે દીનને ફેલાવવામાં અને પ્રકાશનમાં તથા તેની સમજણ આપવામાં નફસાની ખ્વાહિશ અને સત્તાની હવસ તેમજ શોહરતને દીલ આપી દીધુ નહી હોય. જેમ કે આજના સમયમાં દરેક સમજુ માણસ જાણે છે કે દીનના કોઇ પણ ક્ષેત્રમાં કામ કરનારા લોકોની હાલતથી અજાણ નથી.

એટલા જ માટે પૈગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.)એ અલ્લાહના હુક્મથી પોતાના પછી કયામત સુધી બાકી રહેવાવાળા દીનના માટે બાર માસુમ ઇમામોને પોતાના જાનશીન પસંદ કર્યા અને તેમના માટે જુદી જુદી રીતે નિયુક્તી જાહેર કરી. જેથી દીને ખુદા ફેરફારો અને દરેક શખ્સના પોતાના અભિપ્રાય અને નફસાની ખ્વાહિશાતનો કૈદી ન થઇ જાય. આ માસુમ ઇમામોની પહેલી કડી હઝરત અમીરૂલ મોઅમેની અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) અને આખરી માસુમ જાનશીન ઇમામ મહદી(અ.સ.) છે. જેઓ ફરમાને રસુલ મુજબ કુર્આનના સમોવડીયા અને ઉમ્મતે મુસ્લેમાની વચ્ચે અમુલ્ય અમાનત છે. પૈગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.)એ મશ્હુર હદીસે સકલૈનમાં કુર્આન અને ઇતરતને એક સાથે હોવા અને એક બીજાથી અલગ ન થવાની ખબર આપી છે. કુર્આન પૈગમ્બર(સ.અ.વ.)નો મોઅજીઝો છે અને ઇતરત આલે પૈગમ્બર(સ.અ.વ.) છે. કુર્આનમાં જે કાઇ છે ઇતરતે પૈગમ્બર તેનો સંપૂર્ણ નમુનો છે અને રસપ્રદ વાત એ છે કે કુર્આન ઇતરતે રસુલનો પરિચય કરાવે છે અને ઇતરત અસલ અને સંપૂર્ણ કુર્આનનો તરજુમો કરે છે. કલામે ખુદા કુર્આને સામિત (ખામોશ કુર્આન) છે અને ઇતરતે પૈગમ્બર કુર્આને નાતિક (બોલતુ કુર્આન) છે અને ઇતરતે રસુલ(સ.અ.વ.) એટલે આં હઝરત(સ.અ.વ.)ના બાર માસુમ જાનશીન છે. જે સિલસિલાની ત્રીજી કડી હઝરત ઇમામ હુસૈન(અ.સ.) છે જેમણે પોતાની અને પોતાના કુટુંબીજનોની મહાન કુરબાની આપીને દીને ઇસ્લામને યઝીદ પલીદ અને તેના પછી આવવાવાળા યઝીદી સિફતો વાળા લોકોના નાપાક ઇરાદાઓથી કયામત સુધી મેહફુઝ કરી દીધો. ફરમાને રસુલ મુજબ ઇમામ હુસૈન(અ.સ.) અને કુર્આને કરીમ હિદાયતના કેન્દ્ર છે. હુસૈન ઇબ્ને અલી(અ.સ.)ની સિફતો કુર્આનમાં અને કુર્આનની સિફતો હુસૈન ઇબ્ને અલી(અ.સ.)માં જોવા મળે છે અને આ જ ખાસિયતો અને મુનાસેબતની બુનિયાદ પર પવિત્ર નબી(સ.અ.વ.)એ ફરમાવ્યું છે કે: “હુસૈન મારાથી છે, અને હું હુસૈનથી છું. આવો જોઇએ કે ઇમામ હુસૈન(અ.સ.) અને કુર્આને મજીદ એક બીજાના કઇ રીતે પ્રતિબિંબ છે. અહી મને કહેવાનો હક છે કે:

ચેહરો જોવે છે અરીસો અરીસો બનાવનારનો

ઇમામ હુસૈન(અ.સ.)નો મુબારક વુજુદ કલામે ખુદાના વુજુદની જેમ છે. કલામે ખુદા ખામોશ કુર્આન છે અને ઇમામ હુસૈન(અ.સ.) બોલતુ કુર્આન છે.

ઉમ્મતની દરમિયાન બન્ને, પૈગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ની અમાનતો છે પરંતુ અમાનત તરીકે બન્નેને ઉમ્મતના હવાલે કરવામાં રસુલે ખુદા(સ.અ.વ.)એ ઇમામ હુસૈન(અ.સ.)ના બારામાં ખાસ પ્રબંધ કર્યો છે. તેમને મીમ્બર પર લઇ જઇને ફરમાવ્યું:

“અય લોકો! આ હુસૈન ઇબ્ને અલી(અ.સ.) છે તેમને સારી રીતે ઓળખી લ્યો અને તમામ લોકો પર તેમને અગ્રતા આપો

(બેહાર, ભાગ:૪૩, પાના:૨૬૨)

(આમાલી સદુક મજલીસ:૮૭, પાના:૪૭૮)

(મુન્તખબ તરીહી, ભાગ:૧, પાના:૧૧૭)

ત્યાર પછી ફરમાવ્યું:

“અય અલ્લાહ! હું તેમને તારા હવાલે કરૂ છું અને ઉમ્મતના જે નેક લોકો છે તેમના હવાલે કરૂ છું

(બેહાર, ભાગ:૪૫, પાના:૧૧૮)

(મસીરૂલ અહઝાન, પાના:૭૨)

(આમાલી તુસી, ભાગ:૧, પાના:૨૫૮)

ઇમામ હુસૈન(અ.સ.) દરેક સિફતમાં કુર્આનની સાથે છે:

સય્યદુશ્શોહદા ઇમામ હુસૈન(અ.સ.) તમામ સિફતો, ખાસિયતો અને ફઝીલતોમાં કુર્આનની સાથે ભાગીદાર છે.

(૧) કુર્આન લોકો માટે હિદાયત, ખાતેમુલ અંબિયાનો મોઅજીઝો અને હક તથા બાતિલ વચ્ચે તફાવત કરવાનો ઝરીઓ છે અને ઇમામ હુસૈન(અ.સ.) પણ ઇમાનની તરફ લોકોને હિદાયતનો વસીલો, અલ્લાહ તઆલાની નિશાનીઓમાંથી એક નિશાની અને હક તથા બાતિલના રસ્તામાં તફાવત પૈદા કરવાનો ઝરીઓ છે.

(બેહાર, ભાગ:૩૬, પાના:૨૦૫)

(કમાલુદ્દીન, ભાગ: ૧, પાના:૨૬૫)

(૨) કુર્આન શબે કદ્રમાં નાઝિલ થયુ (જુઓ સુરે કદ્ર:૧) અને ઇમામ હુસૈન (અ.સ.)ની શબે વિલાદત શબે કદ્રની જેમ છે. જ્યારે મલાએકા ખુદાવંદના હુકમથી આસમાનમાંથી નાઝિલ થઇ રહ્યા હતા અને રૂહુલ અમીન જ. જીબ્રઇલ(અ.સ.) ખુદાવંદે મોતઆલના તરફથી મુબારકબાદી પેશ કરવા માટે ફરિશ્તાઓના સમૂહની સાથે વહીના ઘરમાં ઉતરી રહ્યા હતા.

(બેહાર, ભાગ:૪૩, પાના:૨૪૨)

(આમાલી સદુક મજલીસ:૨૮, પાના:૧૧૮)

(૩) કુર્આને મજીદ કયામતના દિવસે તે લોકોની શફાઅત કરશે જે તેની સતત અને પાબંદીથી તિલાવત કરે છે.

(બેહાર, ભાગ:૭૪, પાના:૧૭૭ /અઅલામુદ્દીન, પાના:૪૭૮)

ઇમામ હુસૈન(અ.સ.) પણ પોતાની ઝિયારત કરનારા અને તેમના મસાએબ પર રડવાવાળાની શફાઅત કરશે.

(બેહાર, ભાગ:૪૪, પાના:૨૮૧)

(આમાલી શૈખ તૂસી, ભાગ:૧, પાના: ૫૪)

(૪) કુર્આને મજીદ ફસાહત અને બલાગતની તથા મઆની (વસ્તુ વિચાર) અને રીતમાં મોઅજીઝો છે.

ઇમામ હુસૈન(અ.સ.)નુ સંપૂર્ણ વુજુદ (સર, બદન અને લોહી બલ્કે કરબલાની માટી) મોઅજીઝો છે અને કરામત જ કરામત છે. જેમકે દુનિયાના ખુણે ખાંચરેથી તેમનાથી નિસ્બત રાખવાવાળી વસ્તુઓથી જાહેર થતુ રહે છે.

(૫) કુર્આનની તાજગી હંમેશાની છે. જેની વારંવાર તિલાવત કરવાથી તેમા થાક કે કંટાળો નથી આવતો. ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર અને આપ(અ.સ.)ના મસાએબનું બયાન પણ હંમેશા જીવંત અને તાજુ રહે છે અને બયાન કરવાવાળા અથવા સાંભળવાવાળાનું દિલ ક્યારેય પણ થાક નથી અનુભવતું.

(૬) કુર્આને કરીમની તિલાવત ઇબાદત છે, તેને સાંભળવુ ઇબાદત છે, તેની તરફ જોવુ ઇબાદત છે. ઇમામ હુસૈન(અ.સ.)ના માટે નૌહા અને મરસીયા પડવા ઇબાદત છે, તેનુ સાંભળવુ ઇબાદત છે. મજલીસે અઝામાં બેસવુ, ગીર્યા કરવુ અને બીજાઓને આપ(અ.સ.)ના મસાએબમાં રોવડાવવુ, આપ પર રોવાવાળાની જેમ રોવાની સુરત બનાવવી એ બધુ ઇબાદત છે.

(બેહાર, ભાગ:૪૪, પાના:૨૪૯)

(કામિલુઝ્ ઝિયારત, ભાગ:૩૩, પાના:૧૦૬)

(૭) કુર્આનના વિશે મુસલમાનો પર વાજીબ છે કે તેનો એહતેરામ કરે, તેની બેહુરમતી ન કરે, તહારત વિના તેનો સ્પર્શ કરે નહી, તેને (બય વ શરાઅ) ખરીદ વેચાણનું સ્થાન ન આપે. ઇમામ હુસૈન(અ.સ.)ના વિશે પણ ખુદા અને રસુલના હુકમ મુજબ મુસલમાનો પર વાજીબ છે કે તેમનો એહતેરામ કરે અને તેમની બેહુરમતી ન કરે. પરંતુ મુસલમાનોએ આ હુકમનો ખ્યાલ ન કર્યો અને તેમની બેહુરમતી કરી, તેમને માટી અને લોહીમાં રગદોળ્યા. પોતાના દીનનો તેમના ખુનથી વ્યવહાર કર્યો, જેના બદલામાં અમુક દિરહમ મળી ગયા અને રય શહેરની હુકુમતની લાલચમાં જો કે છેવટે તો તે તેના નસીબમાં પણ ન આવી. આવો મહાન ગુનાહ અને કુફ્ર કર્યુ.

(બેહાર, ભાગ:૪૪ પાના:૩૮૪)

(મકતલે ખ્વારઝમી, ભાગ:૧, પાના:૨૩૯)

ઇમામ હુસૈન(અ.સ.) અને સુરએ હમ્દની ખાસિયતો:

સુરએ હમ્દ માટે જે જે ખાસિયતોનો ઉલ્લેખ થયો છે તે ઇમામ હુસૈન(અ.સ.) માટે પણ સાબિત છે. આવો તેને જોઇએ અને વિચારીએ.

(૧) સુરએ હમ્દને ઉમ્મુલ કિતાબ કહેવાય છે. ઇમામ હુસૈન(અ.સ.) પણ અબુલ અઇમ્મા (ઇમામોના પિતા) છે.

(બેહાર, ભાગ:૪૩, પાના:૨૯૫)

(મનાકિબ ઇબ્ને શહ્રે આશોબ, ભાગ:૩, પાના:૨૨૬)

(૨) સુરએ હમ્દ ક્ધઝે ઇતાઅત છે તો ઇમામ હુસૈન (અ.સ.) અસ્બાબે શફાઅત છે.

(બેહાર, ભાગ:૪૪, પાના:૨૪૨)

(મુન્તખબે તરીહી, ભાગ:૧, પાના:૪૮)

(૩) સુરએ હમ્દ વાફીયા (વફા અને અદા કરવુ) છે ઇમામ હુસૈન(અ.સ.) પણ મગ્ફેરતના અસ્બાબો પુરા કરવાવાળા છે.

(૪) સુરએ હમ્દને શાફી (શફા અતા કરનાર) છે. તો ઇમામ હુસૈન(અ.સ.)ની તુરબત ખાકે શફા છે.

(બેહાર, ભાગ:૪૪, પાના:૨૨૧)

(આમાલી તુસી, ભાગ:૧, પાના:૩૨૪-૩૨૫)

(૫) સુરએ હમ્દને કાફીયા (કિફાયત કરવાવાળી) કહેવાય છે તો ઇમામ હુસૈન(અ.સ.)ની મોહબ્બત પણ કાફી છે.

(૬) સુરએ હમ્દ કુર્આનની બરાબર છે તો ઇમામ હુસૈન(અ.સ.) શરીકે કુર્આન અને કુર્આનના સમોવડીયા છે.

(હદીસે સકલૈન)

(૭) સુરએ હમ્દમાં સાત આયતો છે અને બે વખત નાઝીલ થઇ એટલા માટે તેને સબ્એ મસાની કહેવાય છે. તો ઇમામ હુસૈન(અ.સ.)ના માટે પણ આ ખુસુસીયાત સાબિત છે કે આપ આસમાનમાંથી બે વખત નાઝિલ થયા અને બે વખત ઉરૂજ (બુલંદ) થયા. જ્યારે આપની વિલાદત થઇ ત્યારે આપની રૂહ નાઝિલ થઇ અને શહાદતના સમયે રૂહ બુલંદ થઇ આસમાન તરફ, જેવી રીતે અન્ય ઇમામો અને અંબિયા (અ.સ.)ના માટે થયુ અને ઇમામ હુસૈન(અ.સ.)ના પવિત્ર બદનને આસમાન તરફ લઇ જવામાં આવ્યુ અને ફરી બીજી વાર ઉતારવામાં આવ્યુ. આ ખાસિયત ફક્ત આપની જ પવિત્ર ઝાત માટે મખ્સુસ છે. જેવી રીતે રિવાયતમાં છે કે જ્યારે યઝીદીઓએ આપને શહીદ કર્યા અને સર મુબારકને નેઝા ઉપર ઉઠાવીને કુફાની તરફ લઇ જવામાં આવ્યુ તો ફરિશ્તાઓ નાઝિલ થયા અને આપના પવિત્ર શરીરને એ જ હાલતમાં પાંચમાં આસ્માન ઉપર લઇ ગયા અને જે જગ્યાએ હઝરત અલી(અ.સ.)ની તસ્વીર (શબીહ) રાખવામાં આવી હતી, તેની સામે મેળવીને રાખી દીધુ અને જ્યારે તમામ આસ્માનવાસીઓએ તેમના ખુન ભર્યા બદન તરફ જોયુ તો તેમના કાતિલ ઉપર લાનત કરવા લાગ્યા અને ત્યારે પછી આપના મુબારક શરીરને તે જ હાલતમાં કરબલાની જમીન પર રાખી દીધુ.

(બેહાર, ભાગ:૪૫, પાના:૨૨૯)

(કિતાબ અલ્ મુહતઝર, પાના: ૧૨૬-૧૨૭)

(૮) સુરએ હમ્દના જાહેર અને બાતિન પર ઇમાન રાખીને અગર કોઇ તેની તિલાવત કરે તો ખુદાવંદે આલમ તેને એવી નેકી અતા કરે છે કે જે તમામ દુનિયાથી અફઝલ છે.

(બેહાર, ભાગ:૮૯, પાના:૨૨૭)

(મજમઉલ્ બયાન, ભાગ:૧, પાના:૧૮)

(ઓયુને અખ્બારે રેઝા, ભાગ:૧, પાના:૩૦૨)

ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર કરવાવાળા અને તેમના પર રોવાવાળાને ખુદાવંદે મન્નાન તેને દરેક આંસુના બદલામાં એવી નેકી અતા કરે છે જે દુનિયા અને જે કાંઇ દુનિયામાં છે તેના કરતા અફઝલ છે અને જે તેમની ઝિયારત કરે છે, ખુદાવંદે આલમ તેને દરેક અક્ષરના બદલે એવી નેકી અતા કરે છે જે તમામ દુનિયાથી બેહતર છે.

(ઇમામ હુસૈન(અ.સ.) પર રડવાની ફઝીલત / સવાબ વિશે વધુ જાણકારી માટે કામિલુઝ્ઝિયારત કિતાબ વાંચવી)

અંતમાં આશા રાખીએ છીએ કે દરેક એ મુસલમાન જે કુર્આન પર ઇમાન અને અકીદો રાખે છે અને પોતાના નબીની પૈરવી કરે છે તેની માટે આટલી વાતો ઇમામ હુસૈન(અ.સ.)ની મઅરેફતના અનુસંધાનમાં વિચાર કરવાનુ કારણ બનશે અને વધારે પ્રોત્સાહન તેમજ તૌફીક માટે દરેક મોઅમીન કુર્આનની આયતોમાં ઇમામ હુસૈન(અ.સ.)ની સીરતનો મુશાહેદો કરશે.

અલ્લાહ તઆલા આપણને સૌને સિરાતે મુસ્તકીમ ઉપર કાયમ રાખે. કુર્આન અને ઇતરતે પૈગમ્બર(સ.)ની સાથે જીંદગી વીતાવવાની તૌફીક અતા કરે. વારિસે હુસૈન(અ.સ.) હઝરત વલીએ અસ્ર(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કરે અને તેમના પર જાન નિસાર કરવાવાળાઓમાં આપણો શુમાર કરે. આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.