Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૩

કયામતના મૈદાનમાં ખાતુને જન્નત (સ.અ.)

Print Friendly, PDF & Email

કયામતના મૈદાનમાં ખાતુને જન્નત (સ.અ.)

ઈમામ સાદિક (અ.સ.)થી રિવાયત છે કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું, જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે એક નૂરનો કુબ્બો (તંબૂ) બનાવવામાં આવશે અને ઈમામ હુસૈન (અ.સ.) તેમનું કપાયેલું સર પોતાના હાથોમાં લઈને કયામતમાં ઉપસ્થિત થશે. જ્યારે જ. ફાતેમા (સ.અ.) ની નજર તેમના દિલના ટુકડા સમા ઈમામ હુસૈન (અ.સ.) પર પડશે ત્યારે એવી ભયંકર ચીસ પાડશે જે અવાજથી ખુદાની બારગાહના ફીરશ્તાઓ, અંબિયાઓ અને મુરસલીનને પણ રડવું આવી જશે. તે પછી ખુદાવંદે આલમ હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ને જ. ફાતેમા ઝહેરા માટે એક ખુબસુરત ચહેરો આપશે. એ જ હાલતમાં (એટલે કે માથું અને ધડ જુદા હોવાની હાલતમાં) ઈમામ હુસૈન (અ.સ.) તેમના કાતિલોની પૂછપરછ કરશે. ખુદાવંદે આલમ ઈમામ હુસૈન (અ.સ.) ના કાતિલો અને એવા લોકો જે તેમના કત્લ માટે તૈયાર હતા તે બધાને જ. ફાતેમા ઝહેરા (સ.અ.) સમક્ષ હાજર કરશે. જ્યારે બધા જ આવી જશે ત્યારે હું (હ. રસુલે ખુદા સ.અ.વ.) એક એક કરીને કત્લ કરી નાખીશ. તેમને ખુદા ફરીવાર જીવંત કરશે ત્યારે અમીલ મોઅમેનીન હ. અલી (અ.સ.) તેઓને બધાને કત્લ કરશે. તે પછી જીવતા થશે ત્યારે ઈમામ હસન (અ.સ.) કત્લ કરશે. તેવીજ રીતે ફરી જીવતા થશે ત્યારે ઈમામ હુસૈન (અ.સ.) કત્લ કરશે. આ રીતે ફરી ફરીને તે બધા જીવતા થતા રહેશે અને મારી ઝુર્રીયત અને આલ તેને સતત કત્લ કરતા રહેશે. ત્યારે અમારો ગુસ્સો ઠંડો પડશે અને અમારા ગમ અને દુ:ખને ભૂલી શકશું. ત્યાર પછી સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) એ ફરમાવ્યું: “ખુદા અમારા શીઆઓ પર રહમ કરે. ખુદાની કસમ તેઓ અમારી મુસીબતોમાં તેમના ઉંડા ગમ, હઝરત અને દિલગીરીને કારણે શરીક થાય છે.”

રસુલે ખુદા (સ.અ.વ.) ની રિવાયત છે કે કયામતનો દિવસ આવશે ત્યારે જ. ફાતેમા (સ.અ.) ઔરતોના એક સમુહ સાથે મૈદાને મહેશરમાં પધારશે. તેઓને કહેવામાં આવશે કે જન્નતમાં પધારો ત્યારે આપ કહેશે કે મને એ જાણવા નહીં મળે કે મારા ફરઝંદ (ઈમામ હુસૈન અ.સ. સાથે કેવું વર્તન કરવામાં આવ્યું, ત્યાં સુધી હું જન્નતમાં નહીં જાઉં. આપ (સ.અ.)ને કહેવામાં આવશે, “ઉનઝોરી ફી કલ્બીલ કેયામતેહ”… એટલે મૈદાને મહેશરની વચ્ચે જુઓ. જ્યારે આપ ત્યાં નજર કરશે તો શું જોશે કે ઈમામ હુસૈન (અ.સ.) ઉભા છે અને આપ (અ.સ.) ના પવિત્ર શરીર ઉપર માથું નથી. તે હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને આપ (સ.અ.) ચીસ પાડશે. તેમની ચીસથી હું (રસુલે ખુદા સ.અ.વ.) અને ફરિશ્તાઓ પણ મોટા અવાજથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગશું. બીજી એક રિવાયતમાં છે કે જનાબે ફાતેમા (સ.અ.) હ. ઈમામ હુસૈન (અ.સ.) ને એ હાલતમાં જોઈને ફરમાવશે. “વા વલદાહો વ સમરતા ફોઆદાહો” – “હય મારા બેટા. હાય મારા દિલના ટુકડા”, એ વખતે ફાતેમા ઝહેરા સલામુલ્લાહે અલયહાને લીધે ખુદાવંદ તઆલાનો ગઝબ જોશમાં આવી જશે અને એક આગ જેને “હબ હબ” કહે છે, જે હજારો વરસ સુધી ભડકતી રહી, એટલે સુધી કે તેની જવાળાઓનો રંગ કાળો થઈ ગયો હશે અને જેમાં જરા પણ આરામ કે રાહતનો અંશ સુધ્ધાં નહી હોય, જેમાંથી ગમ, દર્દ, મુસીબત અને તકલીફ કદી દુર થઈ નહી હોય, તેને હુકમ થશે કે હઝરત સૈયદુશ્શોહદા અરવાહના ફીદાહના કાતિલોને પોતાની લપેટમાં લઈ લે. તે આગની જવાળાઓ કયામતની ભીડમાંથી હુસૈને મઝલુમ (અ.સ.)ના કાતિલોને, પોતાની લપેટમાં લઈ લેશે. જ્યારે તે લોકો આગની જવાળાઓમાં સપડાઈ જશે, ત્યારે તે આગ વધુ ભડકી ઉઠશે. કાતિલોની તે ટોળી ફરિયાદ કરશે અને ચીસો પાડી પાડીને કહેશે કે: અય મારા પાલનહાર, આ આગને બૂત પરસ્તો (મૂર્તિપૂજક)ની પહેલા અમારી ઉપર શા માટે વાજીબ કરવામાં આવી અને અમારી પર અઝાબ શા માટે નાખવામાં આવ્યો? કુદરતે ખુદાવંદી તેને સંબોધીને કહેશે: “ઈન્ન મંય યઅલમો લયસ કમલ્લા યઅલમો” જે માણસ જાણે છે તે એ માણસ જેવો નથી જે નથી જાણતો.

આ બંને રિવાયતોને ઈબ્ને બાબવયાહ (ર.અ.) એ તેમની કિતાબ “એકાબુલ અઅમાલ”માં નકલ કરેલ છે. કિતાબ “તઝીલ”ની ૩૧ મી જીલ્દ જેના મોઅલ્લીફ (સંપાદક) મોહમ્મદ બિન નેજાર શયખુલ મોહદ્દેસીન બગદાદ હતા, ફાતેમા બિન્તે અબુલ અબ્બાસ અઝદીના હાલાત વર્ણવતા તલ્હાની સનદથી લખે છે કે: મેં રસુલે ખુદા (સ.અ.વ.) ને ઈરશાદ ફરમાવતાં સાંભળ્યું છે કે: મુસા બિન ઈમરાન (અ.સ.) એ ખુદાને વિનંતી કરી કે મારા ભાઈ હાન આ દુનિયાથી ખ્સત થઈ ગયા છે. તેમને બક્ષી આપ. ખુદાવંદે આલમે તેમના પર વહી નાઝીલ કરી ફરમાવ્યું: અય મુસા, જો તમે મને દુનિયાના પહેલાથી લઈને છેલ્લા સુધીના તમામ લોકોને બક્ષી આપવાની વિનંતી કરશો તો પણ યકીનન હું તમારી દોઆને કબુલ કરીશ, પણ હુસૈન ઈબ્ને અલી (અ.સ.) ના કાતિલોને હરગીઝ હરગીઝ માફ નહીં કરૂ.”

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.