ઈમામ હુસૈન અલયહીસ્સલામનો કાતિલ ઈબ્ને ઝિયાદ (લઅનતુલ્લાહ)

Print Friendly, PDF & Email

ઈમામ હુસૈન અલયહીસ્સલામને કત્લ કરનારાઓની લેખમાળાનો આ પ્રથમ લેખ વાંચો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેથી વાચકો એ વાત સમજી શકે કે એ (લઅનતને પાત્ર) લોકોના ચારિત્ર્ય કેવા હતા? અને એ વાતનો અંદાજ આવી શકે કે એહલેબૈત (અ.મુ.સ.) ના દુશ્મનોના ચારિત્ર્ય કેવા હોય છે! અત્રે અમે ઈબ્ને ઝિયાદના જીવનને સંક્ષિપ્તમાં રજુ કરીએ છીએ. જેનાથી ‘અલ મુન્તઝર’ ના વાચકોને તેના દુષ્ટ ચારિત્ર્યની જાણકારી મળી શકે.

વંશ

ઇબ્ને ઝિયાદનું નામ ઉબૈદુલ્લાહ હતું તેના બાપનું નામ ઝિયાદ બિન અબયાહ હતું. તેની કુન્નીયત હફઝ હતી. તેની માંનું નામ મરજાનહ હતું. ઈબ્ને ઝિયાદની દાદીનું નામ સુમયયહ હારિસ બિન કલદહા (તાએફી) નર્તકીની કનીઝ હતી. પરંતુ સુમયયહ ઝીનાકારી (વ્યભિચાર) માટે વિખ્યાત હતી. તેથી હારિસે તેના બંને પૂત્રો ઝિયાદ અને અબૂબકરને પોતાના સંતાન માનવાનો ઈન્કાર કરી દીધો હતો. અને તેથી જ ઝિયાદને ‘ઝિયાદ ઈબ્ને અબીયહ’ ના નામે ઓળખશ્ર્વામાં આવે છે. જ્યારે મોઆવિયાહ બિન અબુ સુફીયાને ખિલાફત સંભાળી ત્યારે ઝિયાદનો સંબંધ પોતાના બાપ અબુ સુફીયાન સાથે જોડી દીધો અને તેને પોતાના ભાઈ ગણવવા લાગ્યો. ઝિયાદ 53 હિજરીમાં મરન પામ્યો ત્યારે તેના તમામ પૂત્રો ઉમવી ખલીફાઓ સાથે જોડાઈ ગયા. જે પૈકી ઉબેદલ્લાહને સૌથી વધુ ખ્યાતિ મળી. ટુંકમાં ઉબૈદુલ્લાહ બિન ઝિયાદ મોઆવિયાનો ભત્રીજો ગણાવા લાગ્યો કારણકે ઝિયાદને મોઆવિયાએ પોતાના બાપની ઔલાદ તરીકે ઠરાવી હતી. ઉબૈદુલ્લાહ અને તેનો બાપ ઝિયાદ બંને નાજાએઝ સંતાન હતા.

ખુરાસાન અને બસરાના હાકીમ

હીજરી સન 54 માં મોઆવિયાએ ઉબૈદુલ્લાહ ઈબ્ને ઝીયાદને ખુરાસાનનો હાકીમ બનાવ્યો. તેણે માવરાઉન નહરના અમુક વિસ્તારો ઉપર વિજય મેળવ્યો. તેને હીજરીસન 56 માં ખુરાસાનની હુકુમત ઉપરથી બરતફ કરવામાં આવ્યો. અને તે જ વર્ષે તેને બસરાનો હાકીમ બનાવવામાં આવ્યો. હીજરીસન 60 માં મોઆવિયાનું મૌત થતા તેને કુફાની હુકુમત પણ મળી ગઈ. છેવટે હીજરીસન 61 માં યઝીદ (લઅનતુલ્લાહ) ની તરફથી ઈમામ હુસૈન (અ.સ.) સાથે જંગ કરવા માટે નિયુકયત થયો. યઝીદની મૌત થયા પછી તેણે (ઈબ્ને ઝિયાદે) ખિલાફતનો દાવો કર્યો અને બસરાવાસીઓ અને કુફા વાસીઓને બયઅત કરવા માટે નિમંત્રણ આપ્યું. બસરાવાસીઓએ શરૂઆતમાં બયઅત કરી લીધી. પરંતુ કુફાવાસીઓએ તેમ કરવાનો ઈન્કાર કર્યો ત્યાર પછી બસરાવાસીઓએ પણ બગાવત કરી.

(ઈનસાબુલ અશ્રફ 4(2)79).

કુફામાં ઈબ્ને ઝિયાદની પ્રવૃતિ

એક રિવાયત પ્રમાણે યઝીદ બિન મોઆવીયા ઈબ્ને ઝિયાદથી નારાજ હતો અને તેને સત્તા ઉપરથી બરતરફ કરી દેવા માંગતો હતો પરંતુ એજ અરસામાં ઈમામ હુસૈન અ.સ.ની સાથે પોતાના સખ્ત વિરોધને લીધે અને બરાબર એજ વખતે કુફામાં મુસ્લીમ બીન અકીલની હાજરૂરીને લીધે (જેઓ ઈ. હુસૈન અ.સ. ની બયઅત માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવા આવ્યા હતા) યઝીદે પોતા માટે જોખમ જોયું અને ઈબ્ને ઝિયાદને કુફા મોકલી આપ્યો, જેથી મુસ્લીમ બિન અકીલને પકડીને કત્લ કરી નાખે. (તબરી સન 60 હીજરીના પ્રસંગો).

બલાઝરીએ ઈન્સાબુલ અશ્રાફમાં લખ્યું છે કે મોઆવિયાએ પોતાની હયાતી દરમ્યાન ઈબ્ને ઝિયાદને કુફાનો વાલી (હાકીમ) બનાવી દીધો હતો.

બહરહાલ મુસ્લિમ બિન અકીલ કુફા પહોંચ્યા પછી જ્યારે કુફાવાસીઓ ઈમામ હુસૈન અલયહીસ્સલામની બયઅતનો સ્વીકાર કરવા લાગ્યા તેમ જ ઈમામ હુસૈન અલયહીસ્સલામના કુફામાં આગમન માટે ઈન્તઝાર કરવા લાગ્યા એજ ગાળામાં ઈબ્ને ઝિયાદ ગુપ્ત રીતે કૂફા પહોંચી ગયો. કુફા વાસીઓ ઈબ્ને ઝિયાદને ઓળખતા ન હતા તેથી તેને જ હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામ સમજીને સલામ કરવા લાગ્યા. ઈબ્ને ઝિયાદે સમગ્ર પરિસ્થિતિ જાણી લીધી. એટલે સુધી કે ‘દારૂલ અમારા’સુધી પહોંચી ગયો અને હઝરત મુસ્લિમ બિન અકીલની શોધખોળ આરંભી દીધી. (તબરી સન 60 હિજરી કે વાકેઆત, અય બેદાયહ વલ નેહાયહ 8/155)

ઈબ્ને ઝિયાદે કુફામાં પોતાના સંબોધનમાં પોતાના વિરોધીઓને ખૂબજ ડરાવ્યા ધમકાવ્યા અને ચેતવણી આપી અને પોતાના ટેકેદારોને એહસાન અને ઈનામો આપવાની લાલચ આપી. (અબુલ કરજ 97)

ઈબ્ને ઝિયાદ જનાબ હાની ઈબ્ને ઉરવહને ઓખળતો હતો. એ વખતે હાની બિમાર હતા તેઓએ વિચાર્યું કે ઈબ્ને ઝિયાદ તેની અયાદત (ખબર-અંતર પૂછવા) માટે આવશે અને ત્યાંજ તેને મુસ્લિમ બિન અકીલ કત્લ કરી નાખશે. ‘તબરી’ પ્રમાણે ઈબ્ને ઝિયાદને આ વાતની માહિતિ મળી ગઈ હતી. તેથી તેણે હાનીને દારૂલ અમારામાં બોલાવીને કૈદ કરી લીધા. ત્યાર પછી જનાબ મુસ્લિમ બિન અકીલને પણ કૈદ કરી લીધા. અને બંનેને કત્લ કરાવી નાખ્યા અને બંનેના સર મુબારકને યઝીદના દરબારમાં મોકલી દીધા. (તબરી 60 હિજરી કે વાકેઆત)

ઈબ્ને ઝિયાદનું ઘાતકીપણું

કુફામાં ઈબ્ને ઝિયાદનો ઝુલ્મ અને સિતમ વધતો જ રહ્યો. વિખ્યાત અને આગેવાન શિયાઓને જેલમાં પૂરી દેવાયા. મનોવાસનાના ગુલામ લોકો જે ગઈ કાલ સુધી ઈમામ હુસૈન (અ.સ.) ની ઈતાઅતનો દાવો કરતા હતા તેઓ ઈબ્ને ઝિયાદ સાથે ભળી ગયા. એટલુંજ નહીં, ઈબ્ને ઝિયાદ તેમનાથી નારાજ ન થઈ જાય તેવા પ્રયત્નો કરવા લાગ્યા. (આજના યુગમાં પણ શરીયતે મોહમ્મદીના કાનુનોને અવગણીને શ્રીમંતો અને સત્તાધિશોની ખુશામત કરનારા લોકોની સંખ્યા ઓછી નથી.) કેટલાય એવા લોકો જેમણે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) સાથે પત્ર વ્યવહાર કર્યો હતો અને તેઓ (અ.સ.) ને કુફા આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. તેઓ કત્લ થઈ જવાના ડરથી ભૂગર્ભ (એકાંતવાસ) માં ચાલ્યા ગયા. ટુંકમાં એ સમયે ઈબ્ને ઝિયાદે ઘાતકીપણું અને અત્યાચાર આચરવામાં બાકી રાખ્યું ન હતું.

એક રસપ્રદ સંવાદ

હઝરત મુસ્લિમ (અ.સ.) ને ઈબ્ને ઝિયાદના દરબારમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ બંને વચ્ચે જે વાતચીત થઈ હતી તેને ઈતિહાસકારોએ નોંધી છે. જે સંક્ષિપ્તમાં અત્રે પ્રસ્તુત કરીએ છીએ.

હ. મુસ્લિમ (અ.સ.) દરબારમાં પ્રવેશ કરતી વખતે સલામ કરતા નથી ત્યારે સિપાહીઓ કહે છે કે ‘અમીરને સલામ કરો.’

જ. મુસ્લિમ: આ મારો અમીર નથી.

ઈબ્ને ઝિયાદ: સલામ કરો કે ન કરો, તમને અવશ્ય કત્લ કરવામાં આવશે.

જ. મુસ્લિમ: જો તું મને કત્લ કરે તો (તેમાં કાંઈ નવાઈ નથી, કારણ કે) તારાથી બદતરીન શખ્સ મારાથી બેહતરને કત્લ કરી ચૂકયો છે.’

ઈબ્ને ઝિયાદ (એકદમ ગુસ્સે થઈને): અય સુલેહ ભંગ કરનાર બળવાખોર! તેં તારા ઈમામ સામે બળવો કર્યો છે. મુસલમાનોની એકતા ભંગ કરી છે અને લોકોમાં ફિત્નો ફેલાવ્યો છે.

જ. મુસ્લિમ: અય ઈબ્ને ઝિયાદ, તું જુઠો છે. મોઆવિયા મુસલમાનોનો ખલીફા ન હતો. તેણે વસીએ પયગંબર (સ.અ.વ.) સાથે છળકપટ કરીને બળજબરીપૂર્વક તેમની પાસેથી ખિલાફત આંચકી લીધી હતી અને તેના પૂત્ર યઝીદે પણ એ જ દુષ્ટતા આચરી છે. તેં અને તારા બાપ ઝિયાદે ફીત્નો ઉભો કર્યો છે. હું ખુદાવંદે આલમ પાસે દોઆ ગુઝારૂ છું કે તેના બદતરીન સર્જન (તારી જેવા દુષ્ટ લોકો) ના હાથે મને શહાદત નસીબ કરે. ખુદાની કસમ મેં કોઈ વિખવાદ ઉભો નથી કર્યો દીનમાં કોઈ ફેરફાર કે વધારો ઘટાડો પણ નથી કર્યો. હું દુખ્તરે પયગંબર (સ.અ.વ.) ના ફરઝંદ હ. ઈમામ હુસૈન (અ.સ.)ની ઈતાઅત કરનારો છું. અમે ખિલાફત માટે મોઆવિયા તેના પુત્ર અને ઝિયાદના સંતાનો કરતા અનેક ગણા વધારે હકદાર છીએ. (અલ બિદાયહ વ નેહાયહ – ઈબ્ને કસીર 8/158)

આ એક બહુ લાંબી વાતચીત છે જેના અંતમાં ઈબ્ને ઝિયાદ એટલો બધો વિહવળ થઈ જાય છે કે જેમ ગમે તેમ ગાળો બોલવા માંડે છે અને હંમેશા એમજ થતું આવ્યું છે એ લોકો જે દુષ્ટ ચારીત્ર્યના હોય છે એમની પાસેથી વધારે આશા શું રાખી શકાય?

દીનમાં પરિવર્તન કરનાર કોણ?

ઉપરના સંવાદ વિશે ચિંતન અને મનન કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે મુસ્લિમ બિન અકીલે તેઓની જીંદગીના અંતિમ શ્ર્વાસ સુધી ઈમામતની કઈ રીતે હીફાઝત કરી રહ્યા છે? અને એ વાત દશર્વિી રહ્યા છે કે એહલેબૈતે અત્હાર અલયહેમુસ્સલામ કયારેય પણ દીનમાં ફેરફાર કે વધારો ઘટાડો કરતા નથી. આ કામ તો મોઆવિયા, યઝીદ અને આલે યઝીદનું જ છે.

મુસલમાનોમાં વિખવાદ કોણે ઉભો કર્યો?

આ સંવાદ દ્વારા હ. મુસ્લિમ બિન અકીલે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે: મુસલમાનો વચ્ચે વિખવાદ યઝીદ, મોઆવિયા, ઝિયાદ અને આલે ઝિયાદે ઉભો કર્યો છે.

ઈમામે હુસૈન (અ.સ.)ને કત્લ કરવા ઝુંબેશ

જનાબે મુસ્લિમ બિન અકીલની શહાદત પછી ઈબ્ને ઝિયાદે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું. તેણે હુર બિન યઝીદ રીયાહીને એક લશ્કર સાથે મોકલ્યા અને હિજાઝથી કુફા તરફના રસ્તે જ્યાં પણ ઈમામ હુસૈન અલયહીસ્સલામ મળે ત્યાં તેમને રોકીને તેમના માટે પાણી બંધ કરવાનો હુકમ આપ્યો.

બીજી બાજુ ઉમર બિન સઅદ બિન અબી વક્કાસને એક લશ્કર સાથે રવાના કર્યો. ઉમરે સઅદને હુકુમત કરવાની લાલચ આપી. અને તેને ઈમામ હુસૈન (અ.સ.) પાસેથી બયઅત લેવા માટે રવાના કર્યો.

હીજરી સન 61 ની દસમી મોહર્રમના દિવસે હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામને તેના સગા, સ્નેહીઓ અને અસહાબો સાથે શહીદ કરી નાખવામાં આવ્યા. આ સમગ્ર હુમલા અને યુધ્ધની તૈયારીનું આયોજન ઈબ્ને ઝિયાદે કર્યું હતું.

ઈબ્ને ઝિયાદ (લાઅ.) ના આ દુષ્ટ કૃત્યથી સમગ્ર મુસલમાનો ક્રોધે ભરાયા. કેમકે અબ્દુલ્લાહ બિન અફીફ અઝદીએ કરબલાના વાકેઆ પછી ઈબ્ને ઝિયાદના પહેલા ખુત્બાની વચ્ચે ઉભા થઈને યઝીદની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલે સુધી કે તબરીએ લખ્યું છે કે તેની મા મરજાનહએ પણ દુખ અને ગુસ્સાની લાગણી વ્યકત કરી હતી. તેમ છતાં ઈબ્ને ઝિયાદ પોતાની સત્તા અને (કહેવાતી) ખિલાફતના બળ ઉપર સત્તા ઉપર ટકી રહ્યો. ત્યાર પછી યઝીદ વાસીલે જહન્નમ થયો એટલે અબ્દુલ્લાહ બિન ઝુબૈરે હિજાઝમાં ખિલાફતનો દાવો કર્યો. જ્યારે ઈબ્ને ઝિયાદ ઈરાક છોડીને શામ ચાલ્યો ગયો.

‘યઝીદની મોત પછી ઈબ્ને ઝિયાદ શામ ગયો કે બસરા ગયો અને તેણે કુફાવાસીઓમાં ખિલાફતનો દાવો કર્યો, એ વાતમાં ઈતિહાસકારો એકમત નથી.’

ઈબ્ને ઝિયાદ (લાઅ.) ની મૌત

ઈબ્ને ઝિયાદ 67 હિજરીમાં શામ ભાગી ગયો અને ત્યાં જઈને તેણે જનાબે મુખ્તાર સાથે જંગ કરવાની તૈયારી શરૂ કરી દીધી. ઈબ્રાહીમ બિન માલિકે અશ્તર બાર હજાર સૈનિકોને સાથે લઈને ઈબ્ને ઝિયાદને શોધવા માટે મૌસુલ તરફ રવાના થયા. હજી થોડે દૂર ચાલ્યા હશે ત્યાં ઈ. હુસૈન (અ.સ.)ને કત્લ કરનારા કુફાના કેટલાક નામચીન લોકો નજરે પડયા. જેમાં શબસ બિન રબઈ, શિમ્ર બિન ઝુલજૌશન, મોહંમદ બિન અશ્અત બિન કૈસ અને ઉમરે સઅદ હતા. તે બધાએ જનાબે મુખ્તારને સંદેશો મોકલ્યો કે જો અમારી સાથે સખ્તાઈ કરવી હોય તો જંગ માટે તૈયાર થઈ જાવ.

જનાબે મુખ્તારે દુરંદેશી વાપરી ઈબ્રાહીમ બિન માલિકને સંદેશો મોકલ્યો કે આ લોકો સાથે મેળ મિલાપ રાખો જેથી તેઓ કુફા પાછા ફરી જાય. સંદેશાવાહકે તે સંદેશો ઈબ્રાહીમને આપ્યો તેથી ઈબ્રાહીમે તે લોકોને કુફા આવવા દીધા. જ્યારે એ વાતની માહિતી મળી કે બધા શબસ બિન રબઈના ઘરે એકત્ર થઈને જ. મુખ્તારની વિરૂધ્ધ જંગ માટેની યોજના ઘડી રહ્યા છે કે તુરતજ તે લોકોને શબસ બીન રબઈના ઘરેથી ગિરફતાર કરી લીધા. પચાસ માણસોને મૌતને ઘાટ ઉતારી દીધા. અને લગભગ આઠસો માણસોને કૈદ કરી લીધા. એ લોકોમાં અંદાજે એ અઢીસો માણસો હતા, જે કરબલામાં હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ને કત્લ કરવા માટે આવ્યા હતા. એ બધાની ગરદનો ઉડાવી દેવામાં આવી અને તે બધાના માથા જ. મુખ્તારની ખિદમતમાં મોકલી આપવામાં આવ્યા. ત્યારબાદ ઈબ્રાહીમ બિન માલિક, ઈબ્ને ઝિયાદની શોધમાં નીકળી પડયા. મૌસુલ વિસ્તારમાં તેની સાથે ઘર્ષણ થયું. થોડા સમય લડાઈ થવા પછી શામની ફૌજ ભાગી ગઈ. ત્યારે ઈબ્રાહીમ બિન માલિક આગળ વધ્યા અને હુકમ આપ્યો: ‘અય શિયાઆને હક અને અન્સારે દીન! આ શયતાનની અવલાદોને અને ઈબ્ને મરજાનહ સાથે આવેલા તમામ લોકોને કત્લ કરી નાખો. ત્યાર પછી તેઓએ ઈબ્ને ઝિયાદ ઉપર હુમલો કર્યો અને કહ્યું કે: ‘આ એજ (અધમ માણસ) છે જેણે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર કુરાતનું પાણી બંધ કરી દીધું હતું. આ એજ છે જેણે ઈમામે આલી મકામ (અ.સ.) ને એમ કહ્યું કે: આપ (અ.સ.) મારી બયઅત નહીં કરો ત્યાં સુધી અમાન નહીં મળે. આ એજ છે જેણે ખાનદાને ઈસ્મતો તહારત અને નબુવ્વત તથા ઈમામતની સાથે દુરવ્યવહાર કર્યો હતો અને તેઓને કૈદી બનાવીને કુફા અને શામની બજારોમાં ફેરવ્યા હતા.’

ઈબ્રાહીમ બિન માલિકના ઉપરોકત સંબોધનની તેની ફૌજ ઉપર એટલી પ્રબળ અસર થઈ કે તેની ફૌજે શામી ફૌજ ઉપર પ્રચંડ હુમલો કર્યો અને શામી ફૌજને વેર-વિખેર કરી નાખી. ઈબ્રાહીમે એક માણસને જોયો જેના હાથમાં તલવાર હતી. તેણે બખ્તર અને મોજા પહેર્યા હતા. ઈબ્રાહીમે તેની ઉપર હુમલો કરીને તેની તલવાર આંચકી લીધી અને તેને કત્લ કરી નાખ્યો. તે ઈબ્ને ઝિયાદ (મલઉન) હતો. બીજા દિવસે ઈબ્રાહીમના સૈનિકોએ તેનું માથું વાઢી નાખ્યું. અને ઈબ્રાહીમની ખિદમતમાં લઈ આવ્યા. તે જોઈને ઈબ્રાહીમે શુક્રનો સિજદો કર્યો. (ઝીન્દગાનીએ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અઝ અમાદઝાદહ જીલ્દ 2, પાના નં. 255).

એક રકત બિંદુ

અમાદઝાદહ આગળ લખે છે કે ઈમામે હુસૈન (અ.સ.) શહીદ થઈ ગયા પછી આપ (અ.સ.) ના સર મુબારકમાંથી એક રકત બિંદુ ઈબ્ને ઝિયાદની જાંઘ ઉપર પડયુ અને તેની જાંઘમાં કાણું પડી ગયુ અને તેમાંથી તે પસાર થઈને તે રકત બિંદુ જમીન ઉપર પડયું. ઈબ્ને ઝિયાદની જાંઘનો આ જખ્મ તેના જીવનના અંતિમ શ્ર્વાસ એટલેકે પાંચ વર્ષ સુધી રૂઝાયો નહીં. તે જખ્મમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી. જેને ઈબ્ને ઝિયાદ અને તેની આસપાસના લોકો સહન કરી શકતા નહીં. તે બદબુને દુર કરવા માટે ઈબ્ને ઝિયાદ હંમેશા ‘મુશ્ક’ લગાવતો હતો. ઈબ્રાહીમના સૈનિકોએ તે મુશ્કની ગંધથી જ તેને ઓળખી કાઢયો અને તેનું માથુ કાપી લીધું.

‘ખુદાયા, ઈબ્ને ઝિયાદ તેની અવલાદ અને તેના સાથીદારો ઉપર તારો અઝાબ નાઝીલ કર.’ (આમીન).

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *