ખાકે શિફા ફઝીલત અને અઝમત

Print Friendly, PDF & Email

(કરબલાની માટીની ફઝીલત અને મહત્વતા)

ઉસુલી તખ્લીક (મૂળ સર્જન)

ખાલિકે કાએનાત – સૃષ્ટિના સર્જનહારે પોતાના સર્જનમાં એક નિયમ નિશ્ચિત કર્યો છે અને તે નિયમ એ છે કે તેણે એક જ પ્રકારના સર્જનમાંના એક સર્જનને બીજા સર્જન ઉપર અગ્રતા આપી છે. આ બાબતની વધુ સ્પષ્ટતા માટે પરવરદિગારે આલમે ફરિશ્તાઓને પૈદા કર્યા જેમાં હઝરત રૂહુલ કુદુસ હઝરત જીબ્રઈલ અને હઝરત મીકાઈલને બીજા તમમ ફરિશ્તાઓ કરતાં ફઝીલત અને પ્રાધાન્ય આપ્યું છે. આ ફઝીલતના કારણે હઝરત રૂહુલ કુદુસને અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ની હીફાઝત અને સમર્થન કરવાનો અઝીમ શરફ (મહાન સુઅવસર) પ્રાપ્ત થયો. તેઓ હંમેશા અને દરેક પ્રસંગે એહલેબૈતે અત્હારની ખિદમતમાં હાજર રહે છે. બિલ્કુલ તેવી જ રીતે અલ્લાહ તઆલાએ પયગમ્બરે અકરમ  (સ.અ.વ.) ને બીજા ઈન્સાનો ઉપર અને કુરઆનને બીજી આસ્માની કિતાબો ઉપર ફઝીલત આપી છે. આ ક્રમ સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને આજ સુધી ચાલ્યો આવે છે. આ ફઝીલતના કારણો શું છે? આ પ્રશ્નનો જવાબ ગૈબનું ઈલ્મ ધરાવનાર સિવાય બીજુ કોઈ જ જાણતું નથી. આ એ વાત અસરારે ઈલાહી (ઈલાહી રહસ્યો) માંથી છે. જેના વિશે પ્રશ્ન ઉઠાવવાનો હક મખ્લુકાતમાંથી કોઈને નથી. આ બાબત તો ફકત ખાલિકે કાએનાતની રઝા (મરજી) અને મસ્લેહત (ગૂઢ રહસ્યો)ને કારણે બને છે. જે સમજવું ઈન્સાનની અકલની મર્યાદા બહારની વાત છે. ગમે તેમ પણ મશીય્યતે પરવરદિગારે એમ ઈચ્છયું કે ઝમીને કરબલા અને તુરબતે કબ્રે ઈમામે હુસૈન (અ.સ.) ને બીજી ઝમીનો અને માટીઓ ઉપર ફઝીલત આપવી.

ઝમીને કરબલાની ફઝીલત

જ્યારે ઈલાહી ઈરાદા નિશ્ર્વિત થાય છે અને તકદીર લખવા માટે કલમ ચાલે છે ત્યારે દુનિયાની સઘળી તાકત નિર્બળ બની જાય છે અને ત્યારે પરવરદિગારના નિર્ણય સામે તમામ મખ્લુક સિજદો કરીને તેની બુઝુર્ગી અને અઝમતનો અને પોતાની લાચારી અને નિસહાયતાનો સ્વીકાર કરે છે. હવે જ્યારે ઈલાહી ઈરાદાઓએ ઝમીને કરબલાને આસ્માનો કરતાં પણ વધારે ઉચ્ચતા આપવાનો નિર્ણય કર્યો ત્યારે એક એવી વિસ્મયકારક રીતે કામ કર્યું જેનાથી સમગ્ર સૃષ્ટિએ બની હાશિમ અને તેના અસ્હાબે બાવફાની કુરબાનીની ભાવના અને ઈસાર (સ્વાર્થ ત્યાગની ભાવના) નો કલમો પઢી લીધો. આ એવી સરઝમીન હતી જ્યાં ઈસ્લામને પૂન:જીવન પ્રાપ્ત થયું. જ્યાં ગુલામીની સાંકળોના ભૂક્કા ઉડી ગયા. જ્યાં ઈમાનને કુફ્રો નિફાકના સકંજામાંથી મુકિત પ્રાપ્ત થઈ ગઈ. એ ઝમીન ઉપર હક અને બાતિલની વર્ષો જૂની જંગ એક એવા તબક્કામાં પહોંચી ગઈ જ્યાં બાતિલના ચહેરા પરથી બુકાની ઉડી ગઈ અને બાતિલને એવું લાગ્યું કે તે જે યુગના ખુલ્લા ચોકમાં નગ્ન હાલતમાં ઉભુ છે અને એહલે હક તેની અસહાયતા માટે ખુશી મનાવે છે અને તેના દેવાળિયાપણાનો તમાશો નિહાળવામાં આવે છે. પરંતુ એ આસ્માની ઉચ્ચતાની શિખરે પહોંચવા માટે ઝમીને કરબલાએ એવા એવા દ્રશ્યો નિહાળવા પડયા કે જે દ્રશ્યો કદાચ બીજી કોઈ ઝમીન નિહાળતે તો તે ઝમીનના ટુકડે ટુકડા થઈ જતે. હા, ઝમીને કરબલાએ જનાબે ઝયનબના મઅસુમ બાળકો ઔનો મોહમ્મદને ઝાલિમોના હાથે શહીદ થતા જોયા, કાસિમની લાશને પાયમાલ થતી જોઈ, અબ્બાસના બાવડા ફુરાતના કિનારે કપાતા જોયા, અકબરની છાતીમાં બરછીની અણી ખૂંચતા જોઈ, દુધમલ બાળ અલી અસગરને ઝાલિમ અને જલ્લાદ હુરમલાના ત્રણ ફળના તીરના નિશાનીએ ચડતા જોયા. ઝમીને કરબલાએ આવા કેટલાય ઝુલ્મોને સહન કર્યા.

પરંતુ જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) ના દોહિત્રને ઝબ્હ થતા જોયા ત્યારે કરબલાની ધીરજનો પ્યાલો છલકાઈ ગયો. તેનામાં કંપારી પૈદા થઈ અને તે ઝમીન વ્યાકુળતાપૂર્વક પડખા બદલવા લાગી. ઝમીને કરબલામાં ભૂકંપ થયા. જે કંપનને ફકત હઝરત ઈમામ ઝયનુલ આબેદીન અલહીસ્સલામનો અડગ આત્મ વિશ્ર્વાસ અને યકીન કાબુમાં લાવી શકયો. હીજરી સન 61 ની એ હૃદયદ્રાવક ઘટના ઝમીને કરબલાની મહાનતા સાબિત કરવા માટે પૂરતી છે. પરંતુ ના, સૃષ્ટિના સર્જનના પ્રારંભ કાળે જ અલ્લાહ તઆલાએ ઝમીને કરબલાને બીજી ઝમીનો ઉપર અગ્રતા અને ઉચ્ચતાનો દરજ્જો અને ફઝીલતનો નિશ્ર્વય કર્યો હતો. આ વિષયમાં આપણા પાંચમાં ઈમામ બાકિરૂલ ઉલુમ હઝરત ઈમામ બાકિર (અ.સ.) ઈરશાદ ફરમાવે છે:-

ખલકલ્લાહો તઆલા કરબલા કબ્લ યખ્લોકલ કઅબત બે અરબઅત વ ઈશ્રીન અલ્ફે આમીન વકદદસહા વ બારક અલયહા ફમાઝાલત કબ્લ અન યખ્લોકલ્લાહુલ ખલક મોકદદસતન મુબારકતન વલા તઝાલો કઝાલેક વ યજઅલોહા અફઝલ અરઝીન ફીલ જન્નહ.

(કામિલુઝ ઝિયારત: ઈબ્ને કૌલવીયહ, પાના નં. 270)

અનુવાદ: ખુદાવંદે આલમે કરબલા (ની ઝમીન) ને કાઅબા કરતાં ચોવીસ હજાર વર્ષ પહેલા પૈદા કરી અને તેને પવિત્ર અને બરકતવાળી ઝમીન ગણાવી. ઝમીને કરબલાનો આ દરજ્જો અનંત છે. ખુદાવંદે આલમે એ સરઝમીનને જન્નતની સૌથી શ્રેષ્ઠ ઝમીન ગણાવી છે.

ઝમીને કરબલાની લંબાઈ (માપનું ધોરણ):

ઉપરની વાત જોયા પછી પ્રશ્ન એ ઉભો થાય છે કે કરબલાની ઝમીન તમામ ઝમીનો અને આસ્માનોમાં અફઝલ છે. તો તેની લંબાઈ અને માપનું ધોરણ શું છે? તેની હુરમતની હદ શું છે? શું કરબલાની હુરમત ફકત કબ્રે ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝરીહ મુબારક પૂરતી મર્યાદિત છે અથવા સંપૂર્ણ ‘કરબલા’ શહેરને તે ફઝીલત પ્રાપ્ત થઈ છે? જો આપણે આ પ્રશ્ન અઈમ્મએ મઅસુમીન અલહેમુઅસલામને પૂછીશું તો તેનો જવાબ સરળતાથી મળી જશે. આવો, આપણે એ જોઈએ કે આ પ્રશ્ન વિશે એહલેબૈત અલયહેમુસ્સલામ શું ફરમાવે છે? સાદિકે આલે મોહમ્મદ ઈમામ જઅફર સાદિક અલયહીસ્સલામ ઈરશાદ ફરમાવે છે કે:

હરમો કબ્રીલ હુસયને અલયહીસ્સલામો ખમ્સો ફરાસેખ મિન અરબઅતે જવાનેબીલ કબ્રે.

(કામિલુઝ ઝિયારત, પાના નં. 272)

અનુવાદ:

હરમે કબ્રે ઈમામ હુસૈન ચારે બાજુથી પાંચ ફરસખ (એટલે લગભગ 30 કિલોમીટર) છે. આ હદીસથી આપણે એ પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ કે કરબલા એ એક વિશીષ્ટ જગ્યાનું નામ છે જેની લંબાઈ અને માપ નિશ્ર્વિત થએલી છે અને દુનિયાની કોઈપણ જમીન તેના તકદદુસ (પવિત્રતા) અને અઝમત (મહાનતા) ને આંબી શકતી નથી. સમગ્ર ઝમીનોમાં બાગે બેહીશ્ત, જેનો ઉલ્લેખ અમે આગળ કરી ચુકયા છીએ તે સરઝમીને કરબલા તમામ આલમે ઈમકાનની અફઝલ અને ઉચ્ચતર સરઝમીન છે. બલ્કે આ ઝમીનમાં પણ ઈમામે હુસૈન (અ.સ.)ની કબ્ર મુબારકને જે વિશિષ્ટ દરજ્જો મળ્યો છે તેવો દરજ્જો બીજી કોઈ જગ્યાને મળ્યો નથી. આ જગ્યાની ફઝીલતનો ઉલ્લેખ આપણા અઈમ્મા અલયહેમુસ્સલામે પણ કર્યો છે. ઈસ્હાક બિન અમ્માદ ઈમામે સાદિક અલયહીસ્સલામથી એક રિવાયત નોંધે છે કે ઈમામ સાદિક અલયહીસ્સલામે ઈરશાદ ફરમાવ્યું:

મવઝેરો કબ્રીલ હુસયન ઈબ્નો અલીયયીન સલવાતુલ્લાહે અલયહેમા મુન્ઝો યવ્મીન દોફેન ફીહે રવઝતુન મિન રેઝાહીલ જન્નહ. વકાલ (અ.સ.) મવઝેઓ કબ્રીલ હુસયને તુરઅતુન મિન તોરઈલ જન્નહ.

(બેહારૂલ અન્વાર, અલ્લામા મજલીસી, ભાગ-1, પાના નં. 211)

અનુવાદ:

હુસૈન ઈબ્ને અલી (અ.સ.) (બંને ઉપર દુરૂદે-ખુદા થાય)ની કબ્રની ઝમીન અને કબ્રનું મકાન તેઓ જે દિવસે ત્યાં દફન થયા ત્યારથી જન્નતના બગીચાઓ પૈકીનો એક બગીચો છે. અને ફરમાવ્યું:

કબ્રે હુસૈન અલયહીસ્સલામનું મકાન જન્નતના દરવાજાઓ પૈકીનો એક દરવાજો છે.

જન્નતનું એક નામ ‘રીઝવાન’ છે એ રીઝવાન નામની જન્નત જે બંદાએ પોતાની જીંદગી ખુદાએ અઝઝ વ જલ્લની ઈબાદત અને ઈતાઅતમાં ગુઝારી હશે તેને જઝા તરીકે આપવામાં આવશે. આમ, જો એ મહાન હસ્તીની કબ્રની જગ્યા અને મકાન જન્નતના બગીચાઓમાંનો એક બગીચો હોય તો તેમાં આશ્ર્ચર્ય પામવા જેવું કશું નથી. કેમકે તે મહાન હસ્તી જે ફખ્રે ઈન્સાનીયત હતા તેઓએ આ પ્રમાણે અવાજ બુલંદ કર્યો હતો. ‘માઅબુદ, તારી ખુશી એ મારી ખુશી છે અને તારી નારાઝગી એ મારી નારાઝગી છે.’

હરમે ઈમામે હુસૈન (અ.સ.)માં નમાઝ કસ્ર નથી

સાદિકે આલે મોહમ્મદ હઝરત ઈમામ સાદિક અલયહીસ્સલામ ઈરશાદ ફરમાવે છે:

તો તિમુઅસલાતો ફીલ મસ્જેદિલ હરામ વ મસ્જેદિર રસૂલે વ મસ્જેદિલ કુફતે વહરમીલ હુસયને.

(કામિલુઝ ઝિયારાત, પાના નં. 25)

અનુવાદ: મસ્જિીદુલ હરામ (ખાનએ કાબા) મસ્જિીદે રસૂલ (મદીના), મસ્જિીદે કુફા અને હરમે હુસયન (અ.સ.) માં નમાઝ (કસ્ર નહીં પણ) પૂરી પડવી જોઈએ.

ઉપર દર્શાવેલ કૌલે મઅસુમ (અ.સ.) ઉપર ચિંતન અને મનન કરવામાં આવે તો એ સારાંશ તારવી શકાય છે કે આ ચારેય પવિત્ર સ્થાનોની વિશેષ ફઝીલત અને મહત્વ છે અને તેજ કારણે આ ચારેય સ્થાનોમાં પૂરી નમાઝ પડવાનો હુકમ આપવામાં આવ્યો છે. મસ્જિીદુલ હરામ (ખાનએ કાબા), મસ્જિીદે રસૂલ જ્યાં હઝરત ખાતેમુલ અંબિયા એ પોતાના માનવ જીવનના અંતિમ દિવસો પસાર કર્યા હતા અને અહીં જ દફન થયા હતા. મસ્જિીદે કુફા, જ્યાં મવલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ ‘ફુઝતો વ રબ્બીલ કાઅબા’ નો અવાજ બુલંદ કર્યો હતો. એટલેકે ‘કાબાના રબની કસમ, હું કામયાબ થઈ ગયો.’ અને કરબલા! આપણા પ્રાણો ન્યોછાવર થઈ જાય એ બુઝુર્ગ મરતબાવાળી હસ્તીઓ ઉપર કે જેઓએ પવિત્ર મકસદની ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને તેમની શહાદતથી એ ઝમીનને આ ઉચ્ચ મરતબો મળ્યો.

ખાકે શીફા ખાવાનું જાએઝ હોવું અને ફઝીલત

સઅદ બિન સઈદ કહે છે કે મેં ઈમામ કાઝિમ અલયહીસ્સલામને માટી વિશે પ્રશ્ન કર્યો. ત્યારે જવાબમાં આપે ફરમાવ્યું:

અકલુત તીને હરામુન મીસ્લુલ મયતતે વ દદમે વ લહમીલ ખીન્ઝીરે ઈલ્લા તીનો કબ્રીલ હુસયને ફઈન્ન ફીહે શેફાઅન કુલ્લે દાઈન વ અમનન મિન કુલ્લે ખવફીન.

(કામિલુઝ ઝિયારાત, ઈબ્ને કવલહ, પાના નં. 285)

અનુવાદ: મુર્દાર, ખૂન (લોહી) અને સુવ્વરના ગોશ્તની જેમ ‘માટી’ ખાવી પણ હરામ છે સિવાય કે ખાકે કબ્રે હુસૈન અલયહીસ્સલામ. કારણકે તેમાં દરેક રોગની શીફા છે અને દરેક પ્રકારના ડરથી સુરક્ષા છે.

બેશક, ખુદાવંદે આલમે તેના ખરા બંદાઓની કુરબાનીની કદરદાની એવી રીતે કરી છે કે જે માટી ઉપર તેઓનું પવિત્ર લોહી વહ્યું છે તે માટીને ખાવાની જાએઝ ગણાવી છે. એટલુંજ નહી બલ્કે એ વાતની પણ જાહેરાત કરવામાં આવી છે કે જે માણસ એ માટીને ચાખશે તે શફા (પૂન: તંદુરસ્તી) પામશે અને તેના ડરને શાંતિમાં પરિવર્તિત કરી દેવામાં આવશે. જેથી (અહીં) આવનાર દરેક વ્યકિત આ માટીને ચાખીને તેની ખુશ્બુથી પ્રફુલ્લીત અને ખુશ્બુદાર બની જશે અને માટીમાં જે ઈસાર અને કુરબાનીની ભાવના રહેલી છે તે ભાવના તેના રકતમાં પણ દોડવા લાગશે.

ઈમામ સાદિક અલયહીસ્સલામનો કૌલ છે:

તીનો કબ્રીલ હુસયને અલયહીસ્સલામો શેફાઉન મિન કુલ્લે દાઈન વ એઝા અકલતહૂ ફકુલ બિસ્મિલ્લાહે વ બિલ્લાહે અલ્લાહુમજ અલહૂ રીઝકન વાસેઅન વ ઈલ્મન નાફેઅન વશેફાઅન મિન કુલ્લે દાઈન ઈન્નક અલા કુલ્લે શયઈન કદીર.

(કામિલુઝ ઝિયારાત, પાના નં. 284)

અનુવાદ: કબ્રે હુસૈન (અ.સ.)ની માટી દરેક બીમારીની દવા છે અને જ્યારે તમે તેને ચાખો ત્યારે (આમ) કહેજો: ‘બીસ્મીલ્લાહે વ બીલ્લાહ’, પરવરદિગાર આ (ખાકે શીફા)ને બ્હોળી રોજી, ફાયદો પહોંચાડે તેવું જ્ઞાન અને દરેક બીમારી માટે શફા આપે એવી કરાર દે. બેશક તું દરેક વસ્તુ પર કુદરત રાખવાવાળો છે.

આથી આપણે જાણ્યું કે કબ્રે હુસૈન (અ.સ.)ની માટી એટલે ખાકે શીફાને ચાખવાના આદાબ (શીષ્ટતા) પણ અમારા ઈમામો (અ.સ.) એ શીખવાડયા છે.

ઈમામે સાદિક (અ.સ.)ની નસીહત:

આપણા છઠ્ઠા ઈમામ હઝરત જઅફર સાદિક (અ.સ.) એ હુસૈન બિન અબીલ ઓલાઅને નસીહત કરતા ફરમાવ્યું:

હુન્નેકુ અવલાદકુમ બે તુરબતિલ હુસયને અલયહીસ્સલામો.

(કામિલુઝ ઝિયારાત, પાના નં. 278)

‘તમારા સંતાનોને તુરબતે કબ્રે હુસૈન (ઈમામ હુસૈન અ.સ.ની કબ્રની માટી ખાકે શીફા) ચખાડો.’

જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણી અવલાદની નસેનસમાં વિલાયતે એહલેબૈત અલયહીસ્સલામ સમાઈ જાય અને એમના દિલ હુસૈની મોહબ્બતના જઝબાથી ધડકતા રહે તો આપણે તેમને ખાકે શિફા ચખાડવી જોઈએ કારણકે તેમાં શિફા રહેલી છે. તેનાથી રોઝી મળે છે. અને તેનાથી જ આપણો અને આપણી અવલાદનો ખૌફ અમાન (સુરક્ષા) માં પરિવર્તિત થઈ જાય છે.

ખુદાયા, અમોને કબ્રે ઈમામે હુસૈન અલયહીસ્સલામની ઝિયારાતથી મુશર્રક થવાની તૌફીક આપ અને એજ પવિત્ર ભૂમિ ઉપર હુસૈન મઝલુમના ફરઝંદે અરજુમન્દ ઈમામે ઝમાના અલયહીસ્સલામના કદમ ચૂમવાનો શરફ અતા ફરમાવ. (આમીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *