“મકતલે અબી મખ્નફ” પર એક ઉડતી નઝર

Print Friendly, PDF & Email

જે સંસ્કૃતિ અને સમાજે મક્કામાં જન્મ લીધો અને મદીનામાં ઉછર્યો તે કઈંક એવો હતો કે જ્યારે તેણે યુવાનીમાં પગ મૂક્યો ત્યારે તેની સુંદરતા, કમાલ, શક્તિ અને અડગતા જોઇને દુનિયાના લોકો સમજી ગયા કે તેના સિદ્ધાંતના પાયાઓ માનવીય શક્તિઓથી પર તાકત વડે સ્થાપિત થયા છે. તેથી તેનો ફાયદો ઉપાડવા માટે પોતાની આવડતોનો વ્યક્તિગત અને સામૂહિક રીતે ઉપયોગ કરીને હુકુમત હાસિલ કરવાની યોજનાઓ ઘડાવા લાગી.

આ રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદ અર્ધી સદી વીત્યા પછી સંજોગો બદલાવા લાગ્યા. બનાવટી હદીસોના જાળ પથરાઇ ગયા. હજારો હદીસકારો પોતાની દુષિત વિચારધારા સાથે હદીસો અને રિવાયતોનો ઢગ ખડકવામાં વ્યસ્ત થઇ ગયા. નાની મોટી બધી હદીસોનું બઝાર ગરમ થઇ ગયું. સરકારી ચલણના સિક્કાઓના ખણખણાટમાં મૂળ ઇસ્લામનો અવાજ સાંભળવા માટે કોઇ તૈયાર ન હતું. સિવાય કે તે લોકો કે જેમના યકીનની ભિતરમાં ઇસ્લામની હકીકત ઉતરી ચૂકી હતી. એક તરફ શામમાં મોઆવીયાની હુકુમતનો સૂરજ ચમકી રહ્યો હતો. બીજી તરફ કૂફામાં હઝરત અલી(અ.સ.)ની ખિલાફત ઇસ્લામનું રક્ષણ કરી રહી હતી.

ઇસ્લામ તે ઝમાનામાં વધુને વધુ કઠીન સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં સુધી કે મોઆવીયાના મરવા પછી યઝીદે શામની હુકુમતની લગામ સંભાળી. અને કૂફામાં મૌલાએ કાએનાત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની શહાદતના થોડા દિવસો પછી અહલેબયત (અ.સ.) કૂફા છોડીને મદીનામાં સ્થાયી થયા.

તે ઝમાનાને ઇસ્લામ અને એહલે ઇસ્લામીઓ માટે મારા – મારી, કારાવાસો, પ્રપંચો અને ખુનામરકીનો ઝમાનો કહીએ તો ખોટુ નહી કહેવાય. “અબી મખ્નફે” મકતલ (કત્લ થવાની જગ્યા/લડાઇનું મેદાન) અને મુખ્તાર (ર.અ.)ની ક્રાંતિનું એ પુસ્તક લખ્યું જે ઇતિહાસનું વિશ્વાસ  પાત્ર અને સત્ય હકીકતોનું પ્રતિબિંબ છે. જે પુસ્તક ‘મકતલે અબી મખ્નફ’ના નામથી પ્રખ્યાત છે અને જેને પોતાના અને પારકાઓ સૌએ પ્રમાણભૂત ગણ્યું છે. રાજકારણ અને હુકુમતે પૈદા કરેલા દરિયાના ઘુઘવાતા મોજાઓમાં સચ્ચાઇ રજુ કરનારી હોડીને ચલાવી કિનારા ઉપર લાંગરીને દુનિયાના લોકો માટે આટલું બધું ઉપલબ્ધ કરી દેવું કે જે આખેરતનું ભાથું બની જાય અને ઇસ્લામની રાહ ઉપર ચાલનારાઓ પોતાની મંઝીલને સ્પષ્ટપણે જોઇ શકે તે ઘણુ મુશ્કેલ કામ હતું. ‘મકતલે અબી મખ્નફ’પુસ્તક મારી સામે છે, તેના પાનાઓ ફેરવવાની સાથે અબી મખ્નફનું વ્યક્તિત્વ જે ઊચ્ચ સદગુણો ધરાવતું હતું તેમનું ઇલ્મ, અમલ, કામની ધગશ, સત્ય વક્તા હોવું અને મઅસુમો (અ.સ.)ની સાથે રહીને ઇસ્મત પારખવાના રહસ્યોની જાણકારી આ બધાનો અભ્યાસ કરવાની આ લખનારને તક મળી. તેથી થોડી વાતો વડે અબી મખ્નફની ઓળખાણ આપી ‘મકતલે અબી મખ્નફ’ની ઉપર એક ઉડતી નઝર તરફ આગળ વધુ તેજ યોગ્ય ગણાશે.

અબી મખ્નફનું મુબારક નામ લૂત હતું. યહ્યા બિન સઇદ બિન મખ્નફ બિન સોલયમ બિન સોઅલબા બિન અદ્દવલ બિન સઅદ બિન મનાત બિન આઇદ ગામદી અઝદીના માનનિય પુત્ર હતા. અને અબી મખ્નફની કુન્નિયતથી જાણીતા થયા. અબી મખ્નફ શીયા હતા તેમાં કોઇ બેમત નથી. અલ્લામા મામકાનીએ ‘તન્ફીહુલ મકાલ’માં અને અલ્લામા સય્યદ સાદીક આલે બેહરૂલ ઓલુમે ‘હાશીયાએ ફહેરીસ્ત’અને શયખ અબ્બાસ કુમ્મીએ ‘અલ કુન્નીયહ વલઇલ્કાબ’()માં વર્ણવ્યું છે અને તેના ઉપર પ્રકાશ પાડ્યો છે. નજ્જાશી, જમુદી, તબરસી વિગેરેએ પોતાની રેજાલની કિતાબોમાં અબી મખ્નફને ઇમામ હસન (અ.સ.), ઇમામ હુસૈન (અ.સ.), ઇમામ સજ્જાદ (અ.સ.), ઇમામ બાકીર (અ.સ.) અને ઇમામ સાદિક (અ.સ.) ના અસ્હાબોમાંથી હોવાનું લખ્યું છે. આપના ખાનદાનના બુઝુર્ગો હઝરત અલી (અ.સ.)ના સાથીદારોમાંથી હતા. આપના પરદાદાનું નામ મખ્નફ બિન સોલયમ હતું. જે ઇમામ અલી (અ.સ.) ની ખિલાફતના જમાનામાં ઇરાન અને ઇરાકના આમીલ હતા. અબી મખ્નફ ઇતિહાસકારોમાં એક મહાન મરતબો ધરાવતા હતા. ત્યાં સુધી કે પાછળથી તબરી અને ઇબ્ને કસીરે તેમણે રજુ કરેલી રિવાયતો કોઇપણ ફેરફાર વગર નકલ કરી છે. આપ કુફામાં ઇતિહાસકારોના ઉસ્તાદ હતા. કોઇ પ્રસંગની સચ્ચાઇની ખાતરી માટે ઇતિહાસકારો આપની તરફ રજુ થતા અને આપના કથનને વિશ્વસનીય ગણતા હતા.

અબી મખ્નફે શીયાના ઇતિહાસ ઉપર વિવિધ રીતે દ્રષ્ટિપાત કર્યો છે અને આશરે ત્રીસ પુસ્તકો લખ્યા છે. રસુલ ખુદા (સ.અ.વ.)ની વફાત પછી જનાબે ઝહરા (સ.અ.) ઉપર જે દુ:ખો પડ્યા, મૌલાએ કાએનાત (અ.સ.)ની લડાઇઓ, ઝિયાદ, ઇબ્ને ઝિયાદ, હજ્જાજ બિન યુસુફના ઝુલ્મો, અલી (અ.સ.)ના શીયાઓની ધરપકડો-એટલે તે સમયમાં પવિત્ર અહલેબયત (અ.સ.) અને બની હાશીમે જે અસહનીય પરિસ્થિતીઓનો સામનો કર્યો અને ઇસ્લામને બદ-દાનત જાલીમ હાકીમોની ચુંગાલમાંથી કેવી રીતે છોડાવીને બહાર લાવ્યા, આ બધા પ્રસંગોને ભેગા કરીને ઇતિહાસમાં સુરક્ષિત કરી દીધા. આ કામ લોઢાના ચણા ચાવવા કરતાં પણ ઘણું મુશ્કેલ હતું, જે અબી મખ્નફે અંજામ આપ્યું. અને ઇસ્લામના અનુયાયીઓ માટે મઅરેફતના ઘણા દરવાજાઓ ખોલ્યા, જ્યાં રોકાઇને, જે લોકો આલીમ છે તે અંતરાત્મા થકી નિર્ણય કરે છે અને આખેરતના યકીન સુધી પહોંચવા માગે છે. ચિંતન અને મનન કરે છે અને અલ્લાહની તૌફીકો (તેની મદદ) તેઓને આવકારે છે.

અબી મખ્નફે પુસ્તક ‘મકતલ’આશરે તેરસો વરસ પહેલા લખ્યું છે. આટલું પુરાણું મકતલનું પહેલુ પુસ્તક એટલું અસરકારક છે કે સદી દર સદી તેની ચમક વધતી જાય છે. તેની આસપાસના સેંકડો બગીચાઓ આ એક પુસ્તકની સુવાસ લઇને મહેકતા રહેશે. તેની ખુશ્બુ દુનિયાના ખુણે ખુણાઓમાં પહોંચતી રહેશે. જુદી જુદી ભાષાઓમાં આ પુસ્તકનો તરજુમો થઇ ચૂક્યો છે. ખાસ કરીને ઉર્દુ જાણનારા લોકો માટે ઉર્દૂ તરજુમો સર્વ સ્વિકાર્ય છે. આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં પણ તેનો તરજુમો ઇન્સાનીયતની માટે અનુવાદકનો એક ઉપહાર છે. જેનો હાલમાં જ સુંદર સાદી અને સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી સરળ અંગ્રેજી ભાષામાં તરજુમો થયો છે.

કરબલા દર્દનો એક એવો સમુદ્ર છે કે જેની રવાની, જેના મોજાઓનો જોશ ક્યારે પણ ઓછો નથી થતો અને ન તો થશે. અને તે માનવજાતની તરસને બુજાવી રહ્યો છે અને મોટા મોટા સાહિત્યકારોએ પોતાની તમામ સાહિત્યીક આવડતોને કરબલાના બનાવ સમક્ષ ગિરવે મૂકી દીધેલ છે.

પરંતુ આ બધુ એ જ ‘મકતલે અબી મખ્નફ’ની ભેટ છે. જે એ ઘટનાઓનો સંગ્રહ છે જેના સૂરજ ઇમામ હુસૈન (અ.સ.) છે અને જો આ ઘટના ચૌદસો વરસ પહેલા ઇતિહાસના પ્રકાશમાં ન આવી હોત તો લોકો તેને દંતકથા સમજીને તેનાથી પોતાનો રસ જાળવી રાખત. તેથી આ ‘મકતલ’નું ઐતિહાસિક મૂલ્ય જે જે વળાંક ઉપરથી પસાર થયું છે તે નીચે દર્શાવવામાં આવ્યું છે. અને આ વળાંકો પોતાના ઝમાનામાં પસાર થએલી ઘટનાઓને દોહરાવે છે. આપણે તેના થોડા બદલાતા ક્રાંતિકારી ઝમાના ઉપર પ્રકાશ પાડશું. જે આપણને તે ઝમાનાની જાણકારી આપે છે.

ઇમામ (અ.સ.)ની મક્કા તરફ સફર

મોઆવીયાના મૃત્યુ પછી યઝીદ ખિલાફતની ગાદી પર બેઠો. તેણે મદીનાના ગવર્નર વલીદ બિન ઉત્બાને ફરમાન મોકલ્યું કે અબ્દુલ્લા બિન ઉમર, અબ્દુર રહેમાન બિન અબી બક્ર, અબ્દુલ્લા બિન ઝુબયર અને હુસૈન બિન અલી (અ.સ.) પાસે બયઅતની માગણી કરો. જે ઇન્કાર કરે તેનું માથું પત્રના જવાબમાં મારી પાસે મોકલી આપો. વલીદ બિન ઉત્બાએ કામગીરી શરૂ કરી. આ પ્રસંગ બધા ઇતિહાસોમાં આ પ્રમાણે જ નોંધાએલું છે કે ઇમામ હુસૈન (અ.સ.) એ બયઅતનો ઇન્કાર કરીને મદીનાથી હિજરૂરત કરવાનું પસંદ કર્યું. તેથી આપ (અ.સ.) એ પોતાના એહલેબયત (અ.સ.)ની સાથે હિજરૂરત કરી. આપ (અ.સ.)એ પોતાની સફર માટે જાહેર અને રાજમાર્ગ પસંદ કર્યો. લોકોએ જ્યારે આ માર્ગ ન અપનાવવાની સલાહ આપી ત્યારે આપ (અ.સ.)એ ફરમાવ્યું :

“જે સમયે માણસની ઇજ્જત, ખાનદાન અને અવલાદના રક્ષણ માટે કોઇ દોસ્ત અને મદદગાર ન રહે ત્યારે તે ઢીલો અને કમજોર બની જાય છે. જો કાલે યઝીદ અમારી પાસે કોઇ ચીજ (અમાં મૃત્યુ) માગે તો અમે પૂર્વ અને પશ્ર્ચિમના મૌતના સમંદરના મુશ્તાક તરવૈયા સાબીત થશું. અમે દુશ્મન ઉપર એવો કારગત અને મરણતોલ ફટકો મારીશું કે જો સિંહ પણ આવીને જૂએ તો ભાગી જશે.”

હઝરત (અ.સ.)એ મુસાફરી ચાલુ રાખી ત્યાં સુધી કે આપ મંઝીલ પર પહોંચી ગયા.

“મકતલે અબી મખ્નફ પુસ્તક પરથી એમ જણાય છે કે પોત પોતાની બુદ્ધિ અને સમજશક્તિ, ચિંતન અને મનન, દિલેરી અને ડહાપણના ક્ષેત્રો વિશાળ થઇ જાય છે. ઇમામ હુસૈન (અ.સ.) નો મનસુબો અને મીશન જે ઇલાહી માર્ગદર્શન સાથે હતું તે દિલોને પ્રકાશિત કરી દે છે. એટલે એક તરફ યઝીદ મલઉનનો વલીદને લખેલ પત્ર કે જેમાં જે બયઅતનો ઇન્કાર કરે તેનું માથું કાપીને મોકલી આપવાની તાકીદ હતી અને બીજી તરફ ઇમામ હુસૈન (અ.સ.) એ એક કાફલા સાથે મદીનાને છોડીને જાહેર રાજમાર્ગ ઉપરથી મક્કા તરફની મુસાફરી શરૂ કરી. આ ઇમામ હુસૈન (અ.સ.) ની બહાદૂરી અને દિલેરીનો એ નમુનો છે જેનું ઉદાહરણ કયામત સુધી રજુ નહિ કરી શકાય. એટલા માટે કે એવું ન હતું કે વલીદ અને મરવાન ચૂપ ચાપ બેસીને જોઇ રહ્યા હતા અને ન તો હુકુમતની લશ્કરી તાકાતમાં કોઇ નબળાઇ હતી. એક મોટી તાકાત અને મોટું લશ્કર પહેરો ભરવા માટે હાજર હતું. તેમ છતાં પણ કોઇની હિમ્મત ન હતી કે ઇમામ હુસૈન (અ.સ.) ના કાફલાને હાથ પણ અડાડી શકે.”

અબ્દુલ્લા બિન મલીહે ઇમામ હુસૈન (અ.સ.) ને મક્કામાં રોકાવાની સલાહ આપી અને કૂફાની પરિસ્થિતિથી પરિચીત કરાવ્યા. તેમજ જોખમ પણ દર્શાવ્યું કે આ તે જ લોકો છે જેમણે આપના માનનિય વાલીદને શહીદ કર્યા હતા. હઝરત (અ.સ.) મક્કામાં રહ્યા જ્યાં આપ (અ.સ.)ની પાસે કુફાવાળાના પત્રો આવવા લાગ્યા. તેથી ઇમામ હુસૈન (અ.સ.) એ જનાબે મુસ્લિમ (અ.ર.)ને પોતાના પ્રતિનિધિ બનાવીને કુફા મોકલ્યા. મુસ્લિમે (અ.ર.) કૂફા પહોંચીને સુલયમાન બિન સર્દે ખોઝાઇ અથવા મુખ્તાર બિન અબી અબ્દુલ્લા સકફીના ઘરે રાત પસાર કરી. બીજે દિવસે આબીસ બકરીએ કુફાવાળાઓને સંબોધન કર્યું અને પોતાની વફાદારીનું વચન આપ્યું તે જમાનામાં કૂફાનો ગવર્નર નોઅમાન બિન બશીર હતો. તેણે જાહેરાત કરી :

“જે મારા ઉપર હુમલો નહિ કરે તેની ઉપર હું હુમલો નહિ કરૂ.”

અબ્દુલ્લાહ બિન શોઅબા હઝરમીએ યઝીદને પત્ર લખીને નોઅમાન બિન બશીર બાબતે જાણ કરી અને દરખાસ્ત કરી કે કોઇ કડક અને જાલીમ હાકીમને કૂફાની ગવર્નરી આપવામાં આવે નહિતર તારી કુફાની હુકુમત ચાલી જશે. યઝીદે નોઅમાન બિન બશીરને બરતરફ કરી નાંખ્યો અને ઇબ્ને ઝિયાદ, જે બસરાનો હાકીમ હતો તેને પત્ર લખ્યો કે તું કુફા અને બસરા બન્નેનો વહીવટ તારા હાથમાં લઇ લે. તે દરમ્યાન ઇમામ હુસૈન (અ.સ.)એ કાસીદ મારફતે એક પત્ર મન્ઝર બિન જારૂદના નામે લખી મોકલ્યો, જેની પુત્રી ઇબ્ને ઝીયાદને ચાહતી હતી. મન્ઝરે કાસીદને પકડીને ઇબ્ને ઝીયાદની સામે રજુ કરી દીધો. ઇબ્ને ઝીયાદે તેને કત્લ કરવાનો હુકમ આપી દીધો. દુનિયાના ઇતિહાસમાં આ પહેલો કાસીદ હતો જેને કોઇ પણ ગુનાહ વગર કતલ કરી નાખવામાં આવ્યો હોય. જ્યારે ઇબ્ને ઝીયાદ કુફા પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઇ હતી. લોકો સમજ્યા ઇમામ હુસૈન (અ.સ.) આવ્યા છે. તેથી તેમનું સ્વાગત કરવા બધા કૂફાવાસીઓ પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા. પરંતુ જ્યારે ખબર પડીકે આ તો મલઉન ઇબ્ને ઝીયાદ છે, ત્યારે સૌ નિરાશ થઇ ગયા. ઇબ્ને ઝી્યાદની સત્તા હેઠળની જાનવરો જેવી આદતોની તાસીરથી કૂફાના લોકો ડરી ગયા અને થોડી વ્યક્તિઓ સિવાય બધાએ હઝરત મુસ્લિમ (અ.ર.)નો સાથ છોડી દીધો. પરિણામે જનાબે મુસ્લિમ (અ.ર.) અને હાની બિન ઉરવા (અ.ર.)ની શહાદત થઇ. હાની બિન ઉરવાહ (અ.ર.)ને કતલ કરી દેવામાં આવ્યા અને જનાબે મુસ્લિમ (અ.ર.)ને દારૂલ અમારાના કોટ ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યા. તે બન્ને બુઝુર્ગોની લાશોને કૂફાની બજારોમાં ઢસડવામાં આવી. પછી મઝહજના કબીલાના લોકોએ આવીને તે લાશોને લઇ જવા માટે લડાઇ કરી અને તેઓની ચુંગાલમાંથી છોડાવીને દફન કરી દેવામાં આવી.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *