મઝલૂમ ઈમામ હુસયન (અ.સ.)ની ઝીયારતે વારેસા

Print Friendly, PDF & Email

અલ મુન્તઝરના હિજરી 1424ના મોહર્રમુલ હરામના વિશેષ અંકમાં આપણે ઝીયારતે વારેસાનો ભાવાર્થ, સમજુતી અને છણાવટનો સિલસિલોશરૂકર્યો હતો. જેને હિજરી 1425ના વિશેષ અંકમાં આગળ વધારવામાં આવ્યો હતો, ઇન્શાઅલ્લાહ તેને આ અંકમાં પૂર્ણ કરવાની કોશીશ કરશું.

(૧૫)أَشْهَدُ أَنَّكَ كُنْتَ نُوراً فِي الْأَصْلَابِ‏ الشَّامِخَةِ وَ الْأَرْحَامِ الْمُطَهَّرَةِ لَمْ تُنَجِّسْكَ الْجَاهِلِيَّةُ بِأَنْجَاسِهَا وَ لَمْ تَلْبِسْكَ مِنْ مُدْلَهِمَّاتِ ثِيَابِهَا

“હું ગવાહી આપું છું કે આપ નૂર હતા. આપ ઊચ્ચ કક્ષાના સુલ્બ અને પવિત્ર રહેમો (ગર્ભો)માં રહ્યા. અજ્ઞાનતાએ પોતાની અપવિત્રતાથી આપ્ને અપવિત્ર નથી કર્યા અને અજ્ઞાનતાનો પહેરવેશ આપે ન પહેર્યો.

(ક) اَلْأَصْلَابِ‏ الشَّامِخَةِ وَ الْأَرْحَامِ الْمُطَهَّرَةِ

આ વાક્ય અહલેબયત (અ.સ.)ના નુરાની સર્જનને દર્શાવી રહ્યું છે. આમ તો મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.)ના નુરાની સર્જન ઉપર ઘણી હદીસો આવેલી છે. (વધુ વિગતો માટે જુઓ : બેહાર, ભાગ – 15, પ્રકરણ : તારીખે નબીય્યેના, અને પ્રકરણ : બદઅ ખલ્કહ વ મા યતઅલ્લેકો બે ઝાલેક, પાના નં. 2 થી 104) પરંતુ ટૂંકાણને ધ્યાનમાં રાખીને અમે ઉદાહરણરૂપ બે હદીસો રજુ કરીએ છીએ. જનાબ અબુઝર (ર.અ.) નોંધ કરે છે કે મેં પયગમ્બર (સ.અ.વ.) પાસેથી સાંભળ્યું છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“મને અને અલી (અ.સ.)ને એક નુરમાંથી પૈદા કરવામાં આવ્યા. અમે આદમ (અ.સ.)ના સર્જનના બે હજાર વરસ પહેલા અર્શની જમણી બાજુએ અલ્લાહની તસ્બીહ કરી રહ્યા હતા. જ્યારે અલ્લાહે આદમ (અ.સ.)ને પૈદા કર્યા ત્યારે આ નુરને તેમની પીઠમાં અમાનત તરીકે મૂક્યું. પછી આદમ (અ.સ.) જન્નતમાં રહેતા હતા અને અમે તેમની પીઠમાં હતા. જ્યારે તેમણે ખતા કરી (તર્કે અવલાની) ત્યારે અમે તેમની પીઠમાં હતા. જ્યારે નૂહ (અ.સ.) હોડીમાં સવાર થયા ત્યારે અમે તેમની પીઠમાં હતા. જ્યારે ઇબ્રાહીમ  (અ.સ.)ને આગમાં ફેંકવામાં આવ્યા ત્યારે અમે તેમની પીઠમાં હતા. પછી અલ્લાહ (અઝ્ઝ વ જલ્લ) અમને પવિત્ર પીઠમાંથી પવિત્ર ગર્ભાશયમાં ફેરવતો રહ્યો ત્યાં સુધી કે અમે જનાબ અબ્દુલ મુત્તલીબ (અ.સ.)ની પીઠમાં પહોંચી ગયા. અહિં અલ્લાહે અમને બે ભાગમાં છુટા પાડ્યા. મને અબ્દુલ્લાહ (અ.સ.)ની પીઠમાં મૂક્યો અને હઝરત અલી (અ.સ.)ને અબુ તાલીબ (અ.સ.)ની પીઠમાં મૂક્યા. નબુવ્વત અને બરકત મારા ભાગમાં આવી અને વાક્ચાતુર્ય અને તિક્ષ્ણ સમજશક્તિ અલી (અ.સ.)ના ભાગમાં આવી. પછી તેણે અમારા બન્નેના નામો પોતાના પવિત્ર નામોમાંથી ચુંટી કાઢ્યા. આથી તે અર્શનો માલિક મહમૂદ છે અને હું મોહમ્મદ (સ.અ.વ) અને અલ્લાહ અઅલા (ઊચ્ચ) છે અને આ અલી (અ.સ.) છે.

(મઆનીઉલ અખ્બાર, શયખ સદ્દક(રહ.) પા.21,બેહાર,15/11 હ. 12)

આજ રીતે બીજી એક હદીસમાં જનાબ મુફઝઝલ બિન ઉમર, સાદિકે આલે મોહમ્મદ ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત વર્ણવે છે કે

“બેશક અલ્લાહ તબારક વ તઆલાએ સૃષ્ટિઓના સર્જન કરવાના ચૌદ હજાર વરસ પહેલા 14 નૂરનું સર્જન કર્યું અને તે અમારી રૂહો બની.”

ઇમામ (અ.સ.)ને કોઇએ પૂછ્યું : “અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ! આ ચૌદ નુર (રૂહો) કોણ છે? આપ (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:

“મોહમ્મદ (સ.અ.વ.), અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.), હુસૈન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ના વંશમાંથી નવ ઇમામો (અ.સ.)ના નુર અને તેઓમાંથી છેલ્લા તે કાએમ (અ.સ.) હશે જે ગયબતની પછી કયામ કરશે અને દજ્જાલને કતલ કરશે અને દુનિયાને દરેક ઝુલ્મ અને અત્યાચારથી પાક કરશે.”

(કમાલુદ્દીન વ તમામુન્નેઅમહ – શયખ સદ્દક(રહ.), પ્ર. 33)

ઝિયારતનું આ વાક્ય ઉપરોક્ત હકીકતોને સ્પષ્ટ કરે છે.

જેહાલતની અપવિત્રતા અને ઇમામ (અ.સ.)ની અકલ અને ઇલ્મ:

કુરઆને કરીમ અને અહલેબયત (અ.સ.)ની રિવાયતોની રોશનીમાં જ્યારે જહલ કે જાહેલિયત શબ્દ (અજ્ઞાનતા)નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેના બે વિરોધી શબ્દો છે. એક અકલ અને બીજું ઇલ્મ. અકલ અને ઇલ્મની વિગતો ઇન્શાઅલ્લાહ હવે પછી રજુ કરીશું. તેની પહેલા શબ્દ જહલ અને જાહેલીયત વિષે થોડી વાતો કરવી જરુરી છે. અરબી શબ્દકોશમાં  جہلશબ્દ  فعلના વજન ઉપર આવ્યો છે અને جاہلیت ,  فاعلیتના વજન પર છે. બન્ને મૂળરૂપ છે અને બન્ને લગભગ સમાન અર્થ ધરાવે છે. ખૈર જ્યારે જહલ ઇલ્મના વિરુદ્ધાર્થમાં વપરાય છે ત્યારે તેનો અર્થ કોઇ બાબતની હકીકતથી અજ્ઞાત હોવું થાય છે. ખરેખર આ એક નકારાત્મક ગુણ છે કે માણસ કોઇ વસ્તુથી અજાણ હોય. પરંતુ તેનાથી વધુ ખરાબ એ અજ્ઞાનતા છે જે અક્કલના વિરુદ્ધાર્થમાં વપરાય છે. બીજા શબ્દોમાં કોઇ માણસને જાહિલ ત્યારે કહેવામાં આવે છે જ્યારે તેણે પોતાની અક્કલનો ઉપયોગ ન કર્યો હોય અને મૂર્ખામી ભરેલો માર્ગ અપ્નાવ્યો હોય. તેનું તારણ એ થયું કે એક જાહિલ એ છે કે જે આલીમ નથી અને એક જાહિલ એ છે જે આકીલ (બુદ્ધિશાળી) નથી. આમ તો કુરઆન અને હદીસમાં બન્નેની ટીકા (તિરસ્કાર – નિંદા) કરવામાં આવી છે. પરંતુ ઇલ્મ ન હોવાની સરખામણીમાં બુદ્ધિહીનની વધારે ટીકા કરવામાં આવી છે.

આ વાક્યથી બીજી અગત્યની એ બાબત સાબિત થાય છે કે ‘જહલ’અને ‘જાહેલીયત’બન્ને એક હકીકત છે અભાવ સૂચક શબ્દ નથી. અમૂક લોકો એમ માને છે કે ‘જહલ’એટલે અક્કલ અને ઇલ્મનો અભાવ હોવો, તેથી તે અભાવ સૂચક છે નક્કર હકીકત નથી. પરંતુ ઝીયારતનું વાક્ય ગુંચવણ વગર સ્પષ્ટતા કરી રહ્યું છે કે ‘જહલ’એક નક્કર હકીકત છે. એટલે કે તે એક અંધકાર છે, જેની નજાસતના મૂળ ઘણે દૂર સુધી ફેલાએલા છે. આ બાબતને ટેકો આપતી ઘણી રિવાયતો મળી આવે છે.

(વધુ વિગત માટે જુઓ : કાફી ભાગ – 1)

સ્પષ્ટ છે કે આ નજાસત શરઇ નજાસત નથી પરંતુ રૂહાની નજાસત છે. જેની હકીકત માત્ર અને માત્ર ગયબને જાણનારા મઅસુમ ઇમામો (અ.સ.) જ જાણે છે. આવો બાબે મદીનતુલ ઇલ્મ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના કથનના પ્રકાશમાં જેહાલતની નજાસતને સાબિત કરીએ. ઇમામ (અ.સ.) ફરમાવે છે

اَلْجَہْلُ مَوْتٌ

“જેહાલત મૌત છે.”

(ગોરરૂલ હુકમ – શયખ અબ્દુલ વાહીદ આમદી)

જેવી રીતે જ્યારે માનવી મૃત્યુ પામે છે ત્યારે તે મરેલો અને નજીસ કહેવાય છે તેવી જ રીતે જ્યારે તે જાહેલીયતમાં સપડાય જાય છે અને ઇલ્મ અને અક્કલના પ્રકાશથી વંચિત થઇ જાય છે તો જાણે કે તેને રૂહાની મૌત આવી જાય છે અને રૂહાની રીતે તે નજીસ છે.

اَلْجَہْلُ مُمِیْتُ الْاَحْیَآئِ

“જેહાલત જીવતાને મુર્દા કરી દે છે.”

اَلْجَہْلُ اَصْلُ کُلِّ شَرٍّ

“જેહાલત દરેક શરર્ અને બુરાઇનું મૂળ છે.”

اَلْجَہْلُ مَیِّتٌ وَ اِنْ کَانَ حَیًّا

“જાહીલ મુર્દા હોય છે પછી ભલે તે શારીરિક રીતે જીવંત હોય.

આમ તો આવી ઘણી હદીસો છે. પરંતુ સ્થળ સંકોચને કારણે આટલી હદીસોને પૂરતી ગણીએ છીએ. માત્ર ટૂંકસાર એટલો છે કે જેહાલત મૌત છે, મુર્દા છે, નજીસ છે, અંધકાર છે અને નક્કર હકિકત છે.

આ કારણથી જેહાલતની નજાસત ક્યારેય પણ ઇમામ (અ.સ.)ના પવિત્ર અસ્તિત્વને સ્પર્શ કરી શકતી નથી. ઇમામ (અ.સ.)નું અસ્તિત્વ અક્કલનું અને ઇલ્મનું નૂર છે. બલ્કે ઇમામનું નુર અને તેમનું અસ્તિત્વ પોતે જ એવો ચિરાગ છે જેણે સમગ્ર કાએનાતને પ્રકાશિત કરી દીધું છે. ઇમામ (અ.સ.) દરેક ભલાઇનું મૂળ છે. એટલે કે દરેક નેકી અને ભલાઇનો સ્ત્રોત છે. ઇમામ માત્ર જીવનનું નુર જ નથી બલ્કે અસ્તિત્વનું નુર છે. તેથી જ તો પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું :

“હું ઇલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે.

“હું હિકમતનું મીઝાન (ત્રાજવું) છું અને અલી (અ.સ.) તેના તરજુમાન (અર્થઘટન કરનાર) છે.

અલ્લાહની લઅનત તે જાલીમો ઉપર થાય જેમણે તે દરવાજાને બંધ કરવાની અને તે જીભને ચૂપ કરવાની કોશીશ કરી અથવા તમન્ના કરી. જ્યારે ઇમામ (અ.સ.) અને ઇમામતની આ ઉચ્ચતા અને આ સ્થાન છે ત્યારે જેહાલત જેવી ગંદકીની શું હિમ્મત કે ઇમામ (અ.સ.)ની નજદિક આવી શકે?

આ ચર્ચાને સંપૂર્ણ કરવા માટે ઇમામ સાદિક (અ.સ.) ની એક હદીસને રજુ કરીએ છીએ.

“અલ્લાહની કસમ, બેશક હું અલ્લાહની કિતાબને શરૂઆતથી લઇને અંત સુધી હથેળીની જેમ જાણું છું. જેમાં જમીન અને આસમાનની બધી બાબતો જેણે ભૂતકાળ અને ભવિષ્યને આવરી લીધેલ છે, તે મૌજુદ છે. જેવી રીતે કે અલ્લાહ ફરમાવે છે કે આ (કુરઆન)માં દરેક વસ્તુનું બયાન કરી દેવામાં આવ્યું છે.

(કાફી, ભાગ – 1, પા. 229, હ. 04)

(16) وَ أَشْهَدُ أَنَّكَ مِنْ دَعَائِمِ الدِّينِ وَ أَرْكَانِ الْمُؤْمِنِينَ وَ أَشْهَدُ أَنَّكَ الْإِمَامُ الْبَرُّ التَّقِيُّ الرَّضِيُّ الزَّكِيُّ الْهَادِي الْمَهْدِيُّ‏

“હું ગવાહી આપું છું કે ખરેખર આપ દીનના સ્તંભોમાંથી છો અને મોઅમીનોનું સ્થાન અને પેશ્ર્વા છો. હું ગવાહી આપું છું કે યકીનથી આપ નેક ચારિત્ર્ય ધરાવનાર, પરહેઝગારીથી ઝળહળતા, પસંદ કરાએલા પાક રહેબર અને હિદાયત પામેલા ઇમામ છો.

(અ) دَعَائِمِ الدِّينِ

એટલે કે દીનના સ્તંભ. અહિં આપણે ગવાહી આપીએ છીએ કે ઇમામ હુસૈન (અ.સ.) દીનના સ્તંભોમાંથી છે. કોઇ પણ મકાન ચણવા માટે સ્તંભો ફરજીયાત હોય છે અને  સ્તંભ જેટલો વધુ મજબુત હશે, મકાન તેટલું વધુ મજબુત બનશે. બીજી વાત એ છે કે આપ જેટલું લાંબુ અને પહોળું મકાન બનાવવા માગો છો, તેના સ્તંભો પણ એટલા જ મજબુત હોવા જોઇએ. જેમ કે એક વીસ માળનું મકાન અને એક નાનકડા બંગલા કે ઝુપડીના સ્તંભમાં જમીન આસમાનનો ફેર હોય છે. બિલ્કુલ એવી જ રીતે જે લોકોને પોતાના દીનની પરવા ન હતી, અલ્લાહ અને તેના રસુલના હુકમોની અવગણના કરી અને કોઇ જેવા તેવાને પોતાના રહેબર માની લીધા. પરંતુ જેમને પોતાના દીનની ભવ્ય ઇમારતની પરવા હતી અને તેઓ તેની ઇલાહી હૈસીયતને જાણતા હતા તેઓએ અહલેબયત (અ.સ.) ને જ પોતાના રહેબર માન્યા અને પોતાના વિલાયતના અકીદાની મદદથી તે ઇમારતની મજબુતીમાં કચાશ રાખી નહિ અને દરેક ઇંટને સમય આવવા ઉપર પોતાના ખૂનથી ધોવામાં પાછી પાની કરી નહિ. જેમ કે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ફરમાવે છે:

اِنَّ اَئِمَّتَکُمْ قَادَتُکُمْ اِلَی اللہِ فَانْظُرُوْا بِمَنْ تَقْتَدُوْنَ فِی دِیْنِکُمْ وَ صَلَاتِکُمْ

“બેશક, તમારા ઇમામ અલ્લાહની તરફ લઇ જનારા તમારા રહેબર છે. તેથી જૂઓ કે તમારા દીન અને તમારી નમાઝમાં તમે કોનું અનુસરણ કરો છો.

(બેહારૂલ અન્વાર, ભાગ – 23, પા. 30)

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

مَنْ اَشْرَکَ مَعَ اِمَامِ اِمَامَتُہُ مِنْ عِنْدَ اللہِ مَنْ لَیْسَتْ اِمَامَتُہٗ مِنَ اللہِ کَانَ مُشْرِکًا بِاللہِ

“જેણે બરહક ઇમામની સાથે સાથે જુલ્મી ઇમામ (કે જેની ઇમામત અલ્લાહની તરફથી નથી) ને તેમની સાથે શરીક ઠરાવ્યા તેણે હકીકતમાં અલ્લાહની સાથે બીજા કોઇને જોડી દીધા છે.

(બેહારૂલ અન્વાર, ભાગ – 23, પા. 30)

ઉપરોક્ત હદીસો સ્પષ્ટપણે સૂચવે છે કે ઇમામત અને વિલાયતમાં કોઇને અહલેબયત (અ.સ.)ના શરીક (ભાગીદાર) બનાવવા તે અલ્લાહને માટે શરીક (ભાગીદાર) બનાવવા બરાબર છે. તેનું કારણ એ છે કે બરહક ઇમામ એ છે જેને ખુદાવન્દે આલમે ચૂંટ્યા છે અને નિમણુંક કર્યા છે. હવે જો કોઇએ આવા ઇમામો (અ.સ.)ને છોડી દીધા અને બીજા કોઇને તેમની સાથે શરીક કરી દીધા તો તેનો અર્થ એ થયો કે તેણે પોતાના પરવરદિગારની નાફરમાની કરીને બીજાને અલ્લાહની ખીલાફતના હોદ્દામાં શરીક કરી દીધા.

ઇમામ રઝા (અ.સ.) ફરમાવે છે :

۔۔۔وَ اَمْرُالْاِمَامَۃِ مِنْ تَمَامِ الدِّیْنِ

“અને ઇમામતનો હુકમ એ દીનની પૂર્ણતા છે.”

(તફસીરે નુરૂસ-સકલયન – અલ્લામા હોવયઝી, ભાગ – 1, પા. પ89, હ. 33)

اِنَّ الْاِمَامَۃُ اُسُّ الْاِسْلَامِ النَّامِیْ

“બેશક, ઇમામત ઈસ્લામનો ફેલાએલો પાયો છે.”

(કાફી, શયખ મોહમ્મદ બિન યઅકુબ કુલયની ભાગ-1, પા. 200, હ. 1)

(બ) اَرْکَانَ الْمُؤْمِنِیْنَ અર્થાંત: મોઅમીનોનો સહારો:

અહિં આપણે ગવાહી આપીએ છીએ કે આપ મોઅમીનોનો સહારો છો. જો આપ ન હો, તો મોઅમીનોનો સહારો તૂટી જશે. દુશ્મન એમને નાશ કરવાની કોશીશ કરશે અને સફળ પણ થશે.

ઇમામ રઝા (અ.સ.) ફરમાવે છે :

اِنَّ الْاِمَامَۃَ۔۔۔۔عِزُّ الْمُؤْمِنِیْنَ

“ઇમામ અને ઇમામત મોઅમીનોની ઇઝઝતનું કારણ છે.

(કાફી, ભાગ – 1, પા. 200, હ. 1)

જો ઇમામે હક ન હોત તો દુનિયાના લોકો મોઅમીનોને તિરસ્કૃત અને અપમાનિત કરતે. ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.) ફરમાવે છે :

إِنَّا غَيْرُ مُهْمِلِينَ‏ لِمُرَاعَاتِكُمْ وَ لَا نَاسِينَ لِذِكْرِكُمْ وَ لَوْ لَا ذَلِكَ لَنَزَلَ بِكُمُ اللَّأْوَاءُ وَ اصْطَلَمَكُمُ الْأَعْدَاء

“બેશક અમે તમારુ રક્ષણ કરવામાં બેદરકારી નથી કરતા અને ન તો તમારી યાદથી ગાફીલ થઇએ છીએ. જો એમ હોત તો બલાઓ તમારી ઉપર તુટી પડતે અને દુશ્મન તમને કચડી નાખતે.”

આ હદીસો પરથી સ્પષ્ટ છે કે મઅસુમ ઇમામો (અ.સ.)ના આપણા ઉપર કેટલા અહેસાનો છે.

જાણે કે આપણું અસ્તિત્વ, આપણી ઇઝઝત, આપણો દીન, આ બધું જ તેમનો આપણા ઉપર ઉપકાર છે.

(ક) بَرّ નો અર્થ છે સદ્કાર્યો કરનાર

અરબી શબ્દકોશ મુજબ بَرّ સીફતે મુશબ્બહતુન બીલ ફેઅલ છે જેને بِرَّ માંથી લેવામાં આવેલ છે.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

 نَحْنُ أَصْلُ‏ كُلِ‏ خَيْرٍ، وَ مِنْ فُرُوعِنَا كُلُّ بِرٍّ، فَمِنَ الْبِرِّ التَّوْحِيدُ وَ الصَّلَاةُ وَ الصِّيَامُ وَ كَظْمُ الْغَيْظِ وَ الْعَفْوُ عَنِ الْمُسِي‏ءِ وَ رَحْمَةُ الْفَقِيرِ وَ تَعَهُّدُ الْجَارِ وَ الْإِقْرَارُ بِالْفَضْلِ لِأَهْلِهِ۔۔۔۔فَكَذَبَ مَنْ زَعَمَ أَنَّهُ مَعَنَا وَ هُوَ مُتَعَلِّقٌ بِفُرُوعِ غَيْرِنَا

 “અમે દરેક ભલાઇનું મૂળ છીએ. અમારી ડાળીઓમાં દરેક ડાળી એક નેકી છે. પછી નેકીમાં તૌહિદ, નમાઝ, રોઝા, ગુસ્સા ઉપર કાબુ, ભુલ કરનારને માફી આપવી, ગરીબો અને ફકીરો ઉપર રહેમ કરવી, પાડોશીઓનું ધ્યાન રાખવું અને જે શ્રેષ્ઠ ગુણો ધરાવે છે તેના ગુણોનો સ્વિકાર કરવો.. પરંતુ તે શખ્સ જુઠો છે જે એમ માને છે કે તે અમારી સાથે છે. જ્યારે કે તે અમારી  સિવાયની ડાળીઓ (ફુરુએ દીન) સાથે જોડાએલો છે.”

(કાફી, ભાગ – 8, પા. 242, હ. 336)

શું આપે વિચાર્યું કે સદ્કાર્યોમાં કઇ કઇ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇમામે હક (અ.સ.) આ બધા સદ્કાર્યોના માલિક છે. જો કોઇ એમ ઇચ્છે કે તે આલે મોહમ્મદ (સ.અ.વ.)નો શીયા કહેવડાવે તો તેણે પોતે આ ગુણો કેળવવા જોઇએ.

(ઘ) التقی તેને કહે છે જે પરહેઝગારીથી ભરપૂર હોય

અર્થાંત : તેનું માથાથી પગ સુધીનું સમગ્ર અસ્તિત્વ પરહેઝગારી હોય. અલ્લાહના ડર સિવાય બીજું કાંઇ ન હોય. تَقِیْ નું મૂળરૂપوَقَیَ   છે. વધુમાં અરબી ભાષાના બોલચાલના નિયમ મુજબ و ને  ت થી બદલવામાં આવ્યો છે.- تَقِیْ     فعیل  ના વઝન ઉપર છે. એટલે કે ઘણી વધારે પરહેઝગારી કરનાર. આ લેખમાં એટલો અવકાશ નથી કે ની تقوی વિગતો વર્ણવવામાં આવે તેથી રસ ધરાવનાર વાંચકો બીજા સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરે.

(ચ) الرَضِی

આ કર્મ વાચકનામ છે. અર્થાંત : અલ્લાહ જેનાથી રાજી હોય. આ فعیل ના વઝન પર છે જેમ કે نبی એટલે જેને ખબર આપવામાં આવી હોય. બેશક ઇમામ (અ.સ.) નફસે મુત્મઇન્નહ (ભરપૂર સંપૂર્ણ ઇત્મીનાન ધરાવનાર નફ્સ) છે. તેઓ ખુદાથી રાજી છે ખુદા તેમનાથી રાજી છે.

(ફ) الزّکِیّ

આ પણ કર્મ વાચકનામ છે એટલે કે જેને પાક કરવામાં આવ્યા હોય.

(ગ) ہادی

અર્થાંત : જે લોકોની હિદાયત કરે અને મહદી એટલે કે જે પોતે હિદાયત પામેલા હોય. ہادی  તે  ہَدَیَ નું કર્તા વાચકનામ છે અને مہدی તેનું કર્મવાચક નામ છે.

(17) وَ أَشْهَدُ أَنَّ الْأَئِمَّةَ مِنْ وُلْدِكَ كَلِمَةُ التَّقْوَى وَ أَعْلَامُ الْهُدَى وَ الْعُرْوَةُ الْوُثْقَى وَ الْحُجَّةُ عَلَى أَهْلِ الدُّنْيَا

“અને હું ગવાહી આપું છું કે આપની અવલાદમાં જે ઇમામો છે તે પરહેઝગાર લોકો, હિદાયતના પરચમ અને હિદાયતની મજબુત રસ્સી, દુનિયાના લોકો ઉપર અલ્લાહની હુજ્જત છે.”

અહિં સુધી ઝીયારતનું જે સંબોધન હતું તે ત્રીજા ઇમામ સય્યદુશ્શોહદા (અ.સ.)ને હતું અને આપના સંબંધમાંજ હતું. આ વાક્યની પછીના વાક્યો તે ઇમામો માટે છે જે ઇમામ હુસૈન (અ.સ.)ના વંશમાંથી છે. અહિં આપણે ગવાહી આપીએ છીએ કે જે ઇમામો આપના વંશમાંથી છે તે મુત્તકી લોકો છે….. હવે આવો આ શબ્દોને સમજવાની કોશીશ કરીએ.

(ક) اَئِمّۃ

اَئِمّۃ શબ્દ امام નું બહુવચન છે અને  افعلہના વઝન ઉપર છે. જેવી રીતે  اَسْئِلَۃ   ، اَجْوِبَۃ વિગેરે અને وُلُد તે  وَلَدَ નું બહવચન છે. આ વાક્ય સૂચવે છે કે બાકીના જેટલા ઇમામો થશે તે સૌ હઝરત સય્યદુશ્શોહદા (અ.સ.)ના વંશમાંથી છે, બીજા કોઇના વંશમાંથી નથી. તેથી ઇમામ મહદી (અ.સ.) પણ ઇમામ હુસૈન (અ.સ.) ના નવમા પુત્ર છે નહી કે ઇમામે હસન (અ.સ.)ના જેમકે અમૂક લોકો આવો અકીદો ધરાવે છે.

(ખ) کلمۃ التقوی

આ શબ્દ મઅસુમ ઇમામો (અ.સ.) ના ગુણો પૈકી એક છે. જેમ કે કુરઆનમાં છે.

وَاَلْزَمَہُمْ كَلِمَۃَ التَّقْوٰى وَكَانُوْٓا اَحَقَّ بِہَا وَاَہْلَہَا۝۰ۭ

“(તે સમયને યાદ કરો) અને (અલ્લાહ તઆલાએ) તેઓ (મોઅમીનો) માટે કલેમતુત્તકવાને જરુરી ઠરાવ્યા અને તેઓ તેના વધારે હકદાર અને તેને લાયક હતા.

(સુરએ ફત્હ : 26)

ધ્યાનમાં રહે કે આ પવિત્ર આયત મોઅમીનોની વાત કરી રહી છે, મુસ્લિમોની નહિ. બીજા શબ્દોમાં માત્ર મોઅમીનો જ کلمۃ التقوی સાથે જોડાએલા રહેશે. મુસ્લિમો નહિ. મુસલમાન અને મોઅમીનની વચ્ચે શું ફરક છે. તેની ચર્ચાનો અહીંયા અવકાશ નથી. ઇન્શાઅલ્લાહ જો અલ્લાહ શક્તિ આપશે તો હવે પછીના કોઇ અંકમાં આ અંગેની વિસ્તૃત સમજણ રજુ કરીશું. ખૈર આ આયતની હેઠળ ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે કે રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

إِنَ‏ اللهَ‏ عَهِدَ إِلَيَّ عَهْداً فَقُلْتُ: رَبِّ بَيِّنْهُ لِي

قَالَ: اِسْمَعْ.

قُلْتُ: سَمِعْتُ.

قَالَ: يَا مُحَمَّدُ، إِنَّ عَلِيّاً رَايَةُ الْهُدَى بَعْدَكَ، وَ إِمَامُ أَوْلِيَائِي، وَ نُورُ مَنْ أَطَاعَنِي، وَ هُوَ الْكَلِمَةُ الَّتِي أَلْزَمَهَا اللهُ الْمُتَّقِينَ، فَمَنْ أَحَبَّهُ فَقَدْ أَحَبَّنِي، وَ مَنْ أَبْغَضَهُ فَقَدْ أَبْغَضَنِي، فَبَشِّرْهُ بِذَلِك‏

“બેશક અલ્લાહે મારી પાસેથી એક વચન લીધું.”

મેં દરખાસ્ત કરી : “પરવરદિગાર! મારા માટે બયાન કર.”

ફરમાવ્યું : “સાંભળો”

મેં અરજ કરી : “હું સાંભળી રહ્યો છું.”

ફરમાવ્યું : “અય મોહમ્મદ! ખરેખર આપની પછી અલી (અ.સ.) હિદાયતના પરચમ, મારા દોસ્તોના ઇમામ અને જે મારી તાબેદારી કરે તેના નુર છે. હઝરત અલી (અ.સ.) એક એવા કલેમા છે જેમની તાબેદારી મેં પરહેઝગાર લોકો ઉપર વાજીબ કરી છે. તેથી જે તેમની સાથે મોહબ્બત કરશે તેણે મારી સાથે મોહબ્બત કરી અને જેણે તેમની સાથે રાગદ્વેષ અને વેરવૃતિ રાખી તેણે મારી સાથે દુશ્મની રાખી. આપ તેઓને આ ખુશખબર આપી દો.”

(આમાલી એ તુસી : ભાગ – 1, પા. 250)

એક બીજી હદીસમાં ઇ. રઝા (અ.સ.) ફરમાવે છે :

” کلمۃ التقوی થી મુરાદ હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) (અલી બિન અબીતાલીબ અ.સ.) ની વિલાયત છે.”

(તાવીલુલ આયાત તફસીરે બુરહાનમાંથી નકલ)

ઉપરની હદીસોથી જણાય છે કે અહલેબયત (અ.સ.)ની વિલાયત અને મોહબ્બત એ કલેમો (کلمۃ) છે જેના થકી ખુદાવન્દે મોતઆલે પરહેઝગાર લોકો ઉપર એહલેબૈત (અ.સ.)ની તાબેદારી વાજીબ કરી છે.

(ગ) اَعلَامُ الْہُدٰی

  اَعْلَامُ તે عَلَمَ નું બહવચન છે.

અર્થાંત : પરચમ ધ્વજ કે નિશાની છે.

اَلْاَئِمَّۃُ مِنْ وُلْدِ الْحُسَیْنِ مَنْ اَطَاعَہُمْ ہُدٰی فَقَدْ اَطَاعَ اللہُ وَ مَنْ عَصَاہُمْ فَقَدْ عَصَ اللہُ ہُمُ الْعُرْوَۃُ الْوُثْقٰی وَ ہُمَ الْوَسِیْلَۃُ اِلَی اللہِ

“ઇમામો (અ.સ.) ઇમામ હુસૈન (અ.સ.)ના સંતાનોમાંથી છે જેણે તે હાદીઓની તાબેદારી કરી તેણે અલ્લાહની તાબેદારી કરી અને જેણે તેઓની નાફરમાની કરી તેઓએ અલ્લાહની નાફરમાની કરી. તે મજબૂત રસ્સી છે અને તે અલ્લાહના તરફથી વસીલો છે.”

(ગાયતુલ મરામ, પા. 244, પ્ર. 39, હ. 5)

આ હદીસો અને આવી બીજી હદીસોથી, જેમ કે હદીસે સકલયનમાં, આપણને આ હુકમ આપવામાં આવ્યો છે કે આપણે અહલેબયત (અ.સ.) સાથે મજબૂતી અને અડગતાની સાથે જોડાએલા રહીએ. પરંતુ અહિં એક વાતની સ્પષ્ટતા અસ્થાને નહિ ગણાય અને તે એ કે ગયબતના આ ઝમાનામાં અહલેબયત (અ.સ.) સાથે જોડાઇને રહેવું ઘણું જ મુશ્કેલ કામ છે. આ બાબતે જ્યારે રાવીએ સવાલ કર્યો કે કુરઆન અને અહલેબયત (અ.સ.) બન્નેને બે મહાભારે ચીજો કેમ કહેવામાં આવે છે ત્યારે ઇમામ (અ.સ.) એ જવાબ આપ્યો.

لِاَ نَّ التَّمَسُّکَ بِہِمَا ثَقِیْلٌ

“એટલા માટે કે તેઓની સાથે જોડાઇને રહેવું ખૂબજ મુશ્કેલ કામ છે.

(તફસીરે બુરહાન ત્રીજી પ્રસ્તાવના)

પરંતુ આ મુશ્કેલ કામ તે સમયે સહેલું થઇ જાય છે જ્યારે આપણે દિલના ઉંડાણમાંથી આ પવિત્ર હસ્તીઓની બારગાહમાં કરગરીને તવસ્સુલ કરીએ (આશ્રય/શરણ માંગીએ) કે તેઓ આપણને તેમની ચોખટ ઉપર  હાજર થવાનું બહુમાન (લાભ) આપે અને આપણને શયતાનના વિકૃત વસવસાથી સુરક્ષિત રાખે. આવો! આપણે સૌ સાથે મળીને ઇમામે ઝમાના (અ.સ.)ની બારગાહમાં ફરિયાદ કરીએ.  આપના શીયાઓની મદદ ફરમાવો.

(ઘ) اَلْحُجَّۃُ عَلٰی اَہْلِ الدُّنْیَا

હુજ્જત એટલે દલીલ અથવા સ્પષ્ટ પુરાવો. કુરઆને કરીમમાં અલ્લાહ ફરમાવે છે :

قُلْ فَلِلہِ الْحُجَّۃُ الْبَالِغَۃُ

“(અય રસુલ) તમે કહી દો કે સૌથી સબળ દલીલ અલ્લાહના માટે જ છે.

(સુરએ અન્આમ : આ. 149)

પવિત્ર ઇમામો (અ.સ.) અલ્લાહની તે હુજ્જતો છે જે હિદાયત ચાહનારાઓ માટેનો સ્ત્રોત છે એટલે હિદાયત કરનાર અને રહેબર છે. દરેક ઇમામ તેમના જમાનાના લોકો માટે હિદાયતનો પરચમ  છે. અર્થાંત જે સાચા ઇમામ (અ.સ.)ની તાબેદારી કરશે તેને હિદાયત મળશે અને જે મોઢું ફેરવી લેશે તે ભટકી જશે.

(ચ) اَلْعُرْوَۃُ الْوُثْقٰی

અર્થાંત : મજબુત દોરડું કે મજબૂત કડુ. શબ્દ اَلْعُرْوَۃُ الْوُثْقٰی કુરઆને મજીદમાં બે વખત વપરાયો છે.

فَمَنْ يَّكْفُرْ بِالطَّاغُوْتِ وَيُؤْمِنْۢ بِاللہِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَۃِ الْوُثْقٰى۝۰ۤ لَاانْفِصَامَ لَہَا۝۰ۭ

“પછી જે કોઇ જુઠા ખુદાઓ (બુતો)નો ઇન્કાર કરે અને અલ્લાહ પર ઇમાન લાવે તો ખચિતજ તેણે અલ્લાહના વસીલાને (મજબુત હાથાને) પકડી લીધો કે જે કદી તુટનાર નથી;

(સુરએ બકરહ : 256)

અને

وَمَنْ يُّسْلِمْ وَجْہَہٗٓ اِلَى اللہِ وَہُوَمُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَۃِ الْوُثْقٰى۝۰ۭ

“અને જે શખ્સ પોતાની જાતને અલ્લાહને સમર્પીત કરી દે અને તે સદાચારી પણ હોય તો ખચીતજ તેણે મજબૂત રસ્સીને પકડી લીધી છે.

(સુરએ લુકમાન : 22)

اَلْعُرْوَۃُ الْوُثْقٰی નો અર્થ સમજાવતા પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)એ ફરમાવ્યું :

مَنْ أَحَبَّ أَنْ يَتَمَسَّكَ‏ بِالْعُرْوَةِ الْوُثْقَى‏ الَّتِي لَا انْفِصَامَ لَهَا فَلْيَتَمَسَّكْ بِوَلَايَةِ أَخِي وَ وَصِيِّي عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ فَإِنَّهُ لَا يَهْلِكُ مَنْ أَحَبَّهُ وَ تَوَلَّاهُ وَ لَا يَنْجُو مَنْ أَبْغَضَهُ وَ عَادَاهٗ‏

(ગાયતુલ મરામ, સય્યદ હાશિમ બેહરાની, પા.244, પ્ર.39,હ.1)

જે એમ ચાહે છે કે اَلْعُرْوَۃُ الْوُثْقٰیથી જોડાએલો રહે તેણે મારા ભાઇ અને મારા વસી અને વારસદાર અલી બિન અબી તાલીબ (અ.સ.)ની વિલાયત સાથે જોડાએલા રહેવું જોઇએ. કારણ કે જેણે તેમની સાથે મોહબ્બત અને તેમની વિલાયતને સ્વિકારી તે ક્યારે પણ હલાક નહી થાય અને જેણે તેમની સાથે દુશ્મની અને અદાવત રાખી તેને ક્યારે પણ નજાત નહિ મળે. (અને લોકોની પાસે કયામતના દિવસે અલ્લાહની સામે કોઇ દલીલ અને હુજ્જત બાકી નહી રહે.) પછી બીજી આયતમાં ફરમાવે છે:

لِئَلَّا یَکُوْنَ لِلنَّاسِ عَلَی اللہِ حُجَّۃٌ بَعْدَ الرُّسُلِ

“જેથી રસુલો આવ્યા બાદ અલ્લાહની ખિલાફ વિરુદ્ધ લોકો માટે કોઇ દલીલ ન રહેવા પામે;

(સુરએ નિસા : 165)

અહિં બીજો મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે ઝિયારતમાં આ કહેવામાં આવ્યું કે પવિત્ર ઇમામો દુનિયાના લોકો માટે હુજ્જત છે તેનો અર્થ એવો નથી કે માત્ર ભૌતિક દુનિયા, બલ્કે અહિં દુનિયાનો અર્થ ખુદાવન્દે આલમના બધા સર્જનો છે પછી તે હાજર હોય કે ગાએબ. શીયાઓનો આ સર્વાંગી અને સાબિત થએલો અકીદો છે કે જેને રદ કરી શકાય તેમ નથી.

અલ્લામા મજલીસી (અ.ર.)પોતાની અમૂલ્ય કિતાબ બેહારૂલ અન્વારના ભાગ – 27 ના પ્ર. 15 માં આ વિષય ઉપર લખે છે.

با بٌ اَنَّہُمْ الحُجَّۃُ عَلٰی جَمِیْعِ الْعَوَالِمِ وَ جَمِیْعِ الْمَخْلُوْقَاتِ

પ્રકરણ : બેશક તેઓ તમામ દુનિયાઓઅને તમામ મખ્લુકાત ઉપર હુજ્જત છે.

આ પ્રકરણમાં આપે દસ હદીસો એકઠી કરી છે. વાંચકો સમક્ષ નમૂના પુરતી એક હદીસ રજુ કરીએ છીએ.

عَنْ أَبِي عَبْدِ اللهِ ع قَالَ: إِنَّ لِلهِ عَزَّ وَ جَلَّ اثْنَيْ‏ عَشَرَ أَلْفَ‏ عَالَمٍ‏ كُلُّ عَالَمٍ مِنْهُمْ أَكْبَرُ مِنْ سَبْعِ سَمَاوَاتٍ وَ سَبْعِ أَرَضِينَ مَا يَرَى عَالَمٌ مِنْهُمْ أَنَّ لِلهِ عَزَّ وَ جَلَّ عَالَماً غَيْرَهُمْ وَ إِنِّي الْحُجَّةُ عَلَيْهِمْ.

(બેહારૂલ અન્વાર, ભાગ – 27, પા. 41 હ. 1)

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

“બેશક અલ્લાહ અઝઝ વ જલ્લના માટે બાર હજાર કાએનાત છે અને તેમાંની દરેક કાએનાત સાત આસમાનો અને સાત જમીનોથી મોટી અને વધુ સારી છે. અને આ તો એ દુનિયાઓ છે જે જોઇ શકાય છે. તે સિવાય અલ્લાહ અઝઝ વ જલ્લની પાસે બીજી પણ દુનિયાઓ છે જેને જોઇ નથી શકાતી અને હું બધા ઉપર (અલ્લાહની) હુજ્જત છું.”

શું આપે વિચાર્યું કે સર્જનની વિશાળતાની બધી હદો જે માનવ બુદ્ધિ અને કલ્પ્નાની બહાર છે તેના ઉપર પણ અહલેબયત (અ.સ.)ની હુકુમત અને વિલાયતની બોલબાલા છે.

ત્રીજી વાત એ છે કે આ હઝરતોને હુજ્જત કહેવામાં આવ્યા છે. ઇમામ સાદિક (અ.સ.) તરફથી તેનું સ્પષ્ટીકરણ વધુ થઇ જાય છે.

مَامِنْ شَیٍ وَ لَا مِنْ اٰدِمِیٍّ وَ لَا اِنْسِیٍّ وَ لَا جِنِیٍّ وَ لَا مَلَکٍ فِی السَّمَوَاتِ اِلَّا وَ نَحْنُ الْحُجَجُ عَلَیْہِمْ وَاحْتَجَّ بِنَا عَلَیْہِ فَمُؤْمِنٌ بِنَا وَ کَافِرٌ وَ جَاحِدٌ حَتّٰی السَّمٰوَاتُ وَ الْاَرْضُ وَ الْجِبَالُ

“સર્જનોમાં કોઇ ચીજ એવી નથી. પછી તે માનવી હોય, જીન હોય ઇન્સાન હોય, આસમાનોના ફરિશ્તા હોય સિવાય એ કે અમે તેઓની ઉપર હુજ્જત છીએ અને અલ્લાહે કોઇ વસ્તુનું સર્જન નથી કર્યું સિવાય એ કે અમારી વિલાયતને તેના સામે રજુ કરી અને અમારા જ થકી તેના ઉપર હુજ્જત પુરી કરી. તેથી અમારા જ કારણે તે મોઅમીન થયો અને અમારા જ કારણે તે કાફીર અને ઇન્કાર કરનારો થયો એટલે સુધી કે આસમાનો, જમીન અને પહાડોની પણ કસોટી આ રીતે કરવામાં આવી.”

(કિતાબુસ્સરાએર, પા. 473, બેહાર, ભાગ-27, પા.26,હ. 7)

આ હદીસથી જણાય છે કે દરેક સર્જનની કસોટી અહલેબયત (અ.સ.)ની મોહબ્બતથી લેવામાં આવી. જેણે સ્વિકારી તે મોઅમીન થયા અને જેણે નકારી તે કાફીર થયા. શક્ય છે કે થોડી આધુનિક વિચારધારાનો દાવો કરનારા અહલેબયત (અ.સ.) સાથે દુશ્મની રાખનારાઓ આનો વિરોધ કરે તો તેઓને અહિં જવાબ આપવાની તક તો નથી પરંતુ એટલું જરૂર કહેશું કે તે સુરા અહઝાબની આયત 72નો અભ્યાસ કરે. તેના ઉપર ચિંતન અને મનન કરે તો તેઓને પોતાના દરેક સવાલનો જવાબ મળી જશે. હા, જે કુરઆને કરીમનો જ ઇન્કાર કરે તેની સાથે આપણે કાંઇ નિસ્બત નથી.

(18) وَاُشْـهِدُ اللهَ وَمَـلٰئِكَتَهٗ وَاَنْبِـيَآئَهٗ وَرُسُـلَهٗ اَنِّيْ بِكُـمْ مُؤْمِنٌ وَبِاِ يِابِكُمْ مُوْقِنٌ بِشَرَائِعِ دِيْنِيْ وَخَوَاتِيْمِ عَمَلِيْ وقَلْبِيْ لِقَلْبِكُمْ سِلْمٌ وَاَمْرِيْ لِاَمْرِكـمُ مُتَّبِعٌ صَلَوَاتُ اللهِ عَلَيْكُمْ وَعَلٰى اَرْوَاحـِكُمْ وَعَلٰى اَجْـسَـادِكُمْ وَعَلٰى اَجْـسَـامِكُمْ وَعَلٰى شَـاهِدِكُمْ وَعَلٰى غَـائِبـِكُمْ وَعَلٰى ظَـاهِرِكُمْ وَعَلٰى بَــاطِنِكُـمْ

“અને હું, અલ્લાહ તેના મલાએકા અને તેના રસુલોને ગવાહ બનાવું છું કે હું આપની ઉપર ઇમાન લાવ્યો છું, મારા દીનની શરીઅત અને મારા અમલોના પુરા થવાની સાથે આપની રજઅત (પાછા ફરવા)નું યકીન ધરાવું છું. મારું દિલ આપના દિલને આધિન છે અને હું આપના હુકમને તાબે છું. આપની ઉપર, આપની રુહો ઉપર આપના પાક શરીરો ઉપર, આપના બદનો ઉપર, આપના જાહેર ઉપર, આપના ગાયેબ ઉપર, આપના જાહેર ઉપર, આપના બાતિન ઉપર અલ્લાહના દુરુદો સલામ થાય.”

(ક) اُشْـهِدُ  એટલે હું ગવાહ બનાવું છું

અરબી વ્યાકરણમાં આ ક્રિયાપદનો متکلّم الوحدہ ના પહેલો પુરુષ એકવચનનું રુપ છે. જ્યારે   اَشْـهَدُ નો અર્થ છે ગવાહી આપું છું. ખૈર ઝિયારતે વારેસાના આ છેલ્લા ફકરામાં આપણે અલ્લાહના ફરિશ્તા તેના બધા નબીઓ અને રસુલોને ગવાહ અને સાક્ષી બનાવીને થોડી વાતોનો સ્વિકાર કરીએ છીએ.

  1. અમે અહલેબયત (અ.સ.)ના ઇમામો (અ.સ.) ઉપર મજબુત ઇમાન ધરાવીએ છીએ.
  2. પોતાના દીન (એટલે ઇસ્લામ)ની શરીઅત અને પોતાના અમલને પૂરો થવાની સાથે તેમની રજઅત (એટલે મૃત્યુ પછી આ દુનિયામાં જ પાછા ફરવું.)ને માનીએ છીએ. બલ્કે સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ.
  3. અમારા દીલ મઅસુમો (અ.સ.)ના દીલોની સામે સંપૂર્ણત: આધિન છે અને
  4. અમે અમારા સર્વે કાર્યોમાં પવિત્ર ઇમામો (અ.સ.)ના કાર્યોનું અનુસરણ અને તાબેદારી કરીએ છીએ.

ઉપરોક્ત મુદ્દાઓનું સ્પષ્ટીકરણ થોડા શબ્દોમાં કરવામાં આવે તો તે આ રીતે છે. ઇમાન, રજઅતનું યકીન, તસ્લીમ અને ઇત્તેબાઅ.

(ખ) ઇમાન

આપણું ઇમાન મઅસુમ ઇમામો અંગે એવું હોય જેવી રીતે ઇમામ રઝા (અ.સ.) ફરમાવે છે

“ઇમામ પોતાના જમાનાના એક માત્ર સત્તાધીશ છે. કોઇ પણ તેમની (હોદ્દા અને દરજ્જામાં) નજદિક પહોંચી નથી શકતું. કોઇ આલીમ કે બુદ્ધિશાળી તેમની બરાબરી નથી કરી શકતું. ન તો કોઇ તેમનો વિકલ્પ કે પર્યાય છે અને ન તો કોઇ તેમનો સમોવડીયો કે તેમના જેવો છે. આ બધી ગુણવત્તાઓ માત્ર તેઓના માટે જ ખાસ છે. પરંતુ ન તો તેમણે તેની ચાહના કરી અને ન તો પોતાની સત્તાથી કાંઇ મેળવ્યું. પરંતુ આ અનોખી ખાસિયતો અને સન્માન અલ્લાહ તઆલાની તરફથી અર્પણ કરવામાં આવ્યા છે કે જે ઘણી ફઝીલતો અતા કરનારો છે અને ઘણું આપનારો છે.”

(ઉસુલે કાફી, ભાગ – 1, પા. 287, હ. 1)

(ગ) રજઅત

આ વિષયની વિગતો માટે વાંચકોને અગાઉનો 15મી શઅબાનનો વિષેશ અંક જોવા વિનંતી છે.

(દ) تسلیم و التّباع : સમર્પણ અને અનુસરણ

મઅસુમ ઇમામો (અ.સ.)ની સામે સંપૂર્ણતા સમર્પીત થવું અને તેઓની તાબેદારી અને અનુસરણ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની સામે શરણે થવું અને તેઓની તાબેદારી છે. આ અંગે ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

“(નબીની મઅરેફત પછી) તે ઇમામની મઅરેફત વાજીબ છે જેનું અનુસરણ કરવામાં આવે. તેથી આપણે તેમના ગુણો, તેમના હાલાત અને તેમના નામને કોઇ પણ સંજોગોમાં જાણી લેવા જોઇએ. પછી તે તકલીફના દિવસો હોય કે આરામના દિવસો. ઇમામ (અ.સ.)ની ઓછામાં ઓછી મઅરેફત એટલી હોવી જોઇએ કે તે નબીની નબુવ્વત સિવાય નબીની સમકક્ષ છે અને આં હઝરત (સ.અ.વ.)ના સાચા વારસદાર છે અને ઇમામ (અ.સ.)ની તાબેદારી તે અલ્લાહ અને તેના રસુલની તાબેદારી છે. દરેક કામમાં ઇમામ (અ.સ.)ની સામે માથું ઝુકાવીને સ્વિકાર કરે, તેમની તરફ રજુ થાય, તેમની વાતોને કબુલ કરે અને જાણતો હોવો જોઇએ કે રસુલે અકરમ (સ.અ.વ.) પછી અલી બિન અબી તાલીબ (અ.સ.) ઇમામ છે અને તેમની પછી હસન (અ.સ.) અને તેમની પછી હુસૈન (અ.સ.) અને તેમના પછી….”

(બેહારૂલ અન્વાર, ભાગ – 36, પા. 407, હ. 16)

આ હદીસ ઇમામ (અ.સ.)ની મઅરેફતની ન્યુનતમ હદોને બયાન કરી રહી છે અને સ્પષ્ટ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી રહી છે કે મઅરેફતમાં ઇમાન, સમર્પણ અને તાબેદારી પણ શામિલ છે. આ ઇત્તેબાઅ અને પૈરવી સંપૂર્ણ હોવી જોઇએ ન કે એવા માણસની જેમ કે જે દિન અને દિની બાબતોને પોતાના વ્યક્તિગત સ્વાર્થ, હેતુઓ અને ફાયદાઓને પ્રાપ્ત કરવા માટે વાપરતો હોય. અથવા તો પોતાના વ્યક્તિગત વિચારોને લોકોના ઉપર લાદીને તેમની પાસેથી અયોગ્ય લાભ ઉપાડવા માંગતો હોય.

ટૂંકમાં સાર એ છે કે આપણી મૂળભુત જવાબદારી એ છે કે આપણે અલ્લાહની નજદિકી એ જ દરવાજેથી મેળવીએ જે ખુદ અલ્લાહે નક્કી કર્યો હોય. નહિતર આપણી બધી દોઆઓ અને ઇબાદતો રદ્ કરવામાં આવશે. બિલ્કુલ બની ઇસરાઇલની તે વ્યક્તિની જેમ જે ખુદાવન્દે આલમની પવિત્ર જાતની નજદિકી મેળવવા માટે કોશીશ કરી રહ્યો હતો પરંતુ હઝરત ઇસા (અ.સ.)ની પયગમ્બરી બાબતે તેને શંકા હતી. જ્યારે તેની દોઆ રદ કરવામાં આવી ત્યારે તે હઝરત ઇસા (અ.સ.)ની પાસે ગયો અને દોઆ કબુલ ન થવાનું કારણ પુછ્યું. હઝરત ઇસા (અ.સ.)એ તહારત કરીને નમાઝ પડ્યા અને ખુદાની પાસે પોતાનો પ્રશ્ર્ન રજુ કર્યો. જવાબ આવ્યો :

“અય ઇસા ! મારો આ બંદો મારી પાસે એ દરવાજેથી આવવાની કોશીશ કરી રહ્યો હતો જેને મેં બનાવ્યો ન હતો. જ્યારે તે દોઆ કરી રહ્યો હતો ત્યારે તેના દિલમાં તમારી બાબતે શંકા હતી. તેથી જો તે મારી દોઆ એ હદ સુધી કરે કે તેની ગરદન તૂટી જાય અને તેની આંગળીઓ ખરી પડે (તો પણ) હું તેની દોઆ કબુલ નહિ કરૂ.

(ઉસુલે કાફી, ભાગ – 4, પાના. 199, હ. 9)

ઝિયારતના અંતમાં અમે ઇમામો (અ.સ.)ની રૂહો, શરીરો, તેમની હાજરી અને ગયબત, તેમનું જાહેર અને છુપું -તે બધા ઉપર ખુદાની સલવાતની દરખાસ્તથી પૂરી કરીએ છીએ.

પરવરદિગાર! અમને સૌને તૌફીક આપ કે અમે આ મહાન ઝિયારતને ગમગીન આંખોથી સય્યદુશ્શોહદા (અ.સ.)ની પવિત્ર કબરની પાસે બેસીને પઢીએ અને અમારા એ આંસુઓને જ. ઝહરા (સ.અ.)ના રૂમાલમાં જગ્યા અતા કર જેથી આ આંસુ મહેશરના દિવસે શફાઅત અને બક્ષીશનું માધ્યમ બની જાય. પરવરદિગાર! આ આંસુઓ સિવાય અમારી પાસે બક્ષીસની બીજી કોઇ વસ્તુ નથી.

પરવરદિગાર! તારા વલી હઝરત હુજ્જતીબ્નીલ હસન (અ.સ.) ના ઝુહુરમાં જલ્દી કર, જેથી તેઓ હુસૈન (અ.સ.) ના કાતીલોનો વિણી વિણીને બદલો લે. અને અમારી ગણના હઝરતના સાથીદારો અને કુરબાન થનારાઓમાં કર.

આમીન યા રબ્બલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *