હઝરત અબ્બાસ(અ.સ.) અને દીની ગયરત

Print Friendly, PDF & Email

પવિત્ર ઇસ્લામ ધર્મમાં ગયરત અને હિમાયત જુદા જુદા અર્થમાં વપરાય છે. પરંતુ તે અર્થ કે જેનો આ લેખ સાથે સબંધ છે તે એ છે કે માલ, હુકુમત, સ્ત્રી, દીન અને કાનુનનો દ્રઢતાપૂર્વક બચાવ કરવો અને તેને વફાદાર રહેવું તેને ગયરત કહેવામાં આવે છે. ખાસ કરીને આ શબ્દનો ઉપયોગ તે જગ્યાએ થાય છે જ્યાં કોઇ વસ્તુ કોઇ સમુહ કે કોઇ વ્યક્તિ માટે ખાસ નિર્ધારિત હોય અને બીજા તેનો ઉપયોગ કરવા માગતા હોય, તેના ઉપર કબ્જો મેળવવા માગતા હોય, તેનો નાશ કરવા કે બરબાદ કરવા ચાહતા હોય ત્યારે તેનો માલિક તેને બચાવવા માટે ઊભો થઇ જાય છે.

لَىِٕنْ لَّمْ یَنْتَہِ الْمُنٰفِقُوْنَ وَالَّذِیْنَ فِیْ قُلُوْبِہِمْ مَّرَضٌ وَّالْمُرْجِفُوْنَ فِی الْمَدِیْنَۃِ لَــنُغْرِیَنَّکَ بِہِمْ ثُمَّ لَا یُجَاوِرُوْنَکَ فِیْہَآ اِلَّا قَلِیْلًا۝۶۰ۚۖۛ  مَّلْعُوْنِیْنَ۝۰ۚۛ اَیْنَـمَا ثُــقِفُوْٓا اُخِذُوْا وَقُتِّلُوْا تَــقْتِیْلًا۝۶۱  سُـنَّۃَ اللہِ فِی الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلُ۝۰ۚ وَلَنْ تَجِدَ لِسُنَّۃِ اللہِ تَبْدِیْلًا۝۶۲

“અગર દાંભિકો તથા તે લોકો કે જેમના અંત:કરણોમાં (નાસ્તિકપણાંનો) રોગ છે, અને મદીનામાં જુઠી ખબરો ફેલાવનારા (શરારતો કરતાં) નહિ અટકે તો અમે તેને તેની પાછળ જરૂર લગાડી દઇશું, પછી તેઓ આ શહેરમાં તારી પાડોશમાં રહેશે નહિ, પણ ઘણોજ થોડો વખત. તેઓ ફિટકાર પામેલા જ રહેશે, તેઓ જ્યાં પણ મળી આવશે ત્યારે પકડી પાડી ઘણી જ બુરી રીતે મારી નાખવામાં આવશે. અલ્લાહનો આ એજ નિયમ છે કે જે અગાઉ થઇ ગએલા લોકોમાં પણ ચાલુ હતો, અને તું અલ્લાહના નિયમમાં હરગીઝ કાંઇ પણ ફેરફાર જોશે નહિ.”

(સુરએ અહઝાબ, આયત : 60-62)

ખુદાવંદે આલમે આ આયતમાં ત્રણ પ્રકારના લોકો; મુનાફિકો, રોગીષ્ટ દિલવાળા અને શરીર સુખમાં રચ્યા પચ્યા રહેનારાઓને કડકાઇથી ડરાવ્યા છે. જો આ લોકો, લોકોની સ્ત્રીઓ અને મુસલમાનો વિદ્ધના પ્રચાર કરવાથી અટકી ન જાય તો તેઓને સૌથી વધુ કડક શિક્ષા કરવામાં આવશે. અને એ પયગમ્બર અમે આપને તેની સામે ઉભા કરી દેશું. તેઓ માટે આ શહેરમાં થોડા દિવસ માટે રહેવું પણ મુશ્કેલ બની જશે. જ્યાં જશે ભગાડી મૂકવામાં આવશે અને જ્યારે પકડાઇ જશે ત્યારે તિરસ્કારની સાથે કત્લ કરવામાં આવશે.

આજ પ્રમાણે અલ્લાહ તઆલા જનાબે યુસુફ (અ.સ.)ની ગયરતની વાત આ શબ્દોમાં કરે છે.

قَالَ رَبِّ السِّجْنُ اَحَبُّ اِلَیَّ مِمَّا یَدْعُوْنَنِیْٓ اِلَیْہِ۝۰ۚ

“(યુસુફે) અરજ કરી કે હે મારા પરવરદિગાર! જે (કૃત્ય) તરફ આ સ્ત્રીઓ મને બોલાવે છે તે કરતાં તો કૈદખાનું મને વધુ પ્રિય છે.”

(સુરએ યુસુફ, આયત : 33)

આ બન્ને આયતોમાં ગયરત શબ્દનો ઉપયોગ એજ અર્થમાં થયો છે જેની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત ગયરતને હદીસોમાં અલ્લાહના ગુણોમાંથી દશર્વિવામાં આવી છે.

إِنَّ اللَّهَ غَيُورٌ يُحِبُّ كُلَّ غَيُورٍ وَ مِنْ غَيْرَتِهِ حَرَّمَ الْفَوَاحِشَ ظَاهِرَهَا وَ بَاطِنَهَا

“બેશક અલ્લાહ ગયરતવાળો છે અને દરેક ગયરતમન્દને પસંદ કરે છે. અને અલ્લાહ તઆલાએ પોતાની ગયરતના કારણે બધી જાહેર અને ખાનગી બુરાઇઓને હરામ કરી છે.”

(મિઝાનુલ હિકમત, પા. 357, હ. 15263)

બીજી એક હદીસમાં આ રીતે કહેવામાં આવ્યું છે.

لاَ اَحَدٌ اَغْيَرَ مِنَ اللّٰهِ

“અલ્લાહથી વધારે કોઇ ગયરતમંદ નથી.”

(મિઝાનુલ હિકમત, પા. 357, હ. 15265)

આવી જ રીતે રસુલ(સ.અ.વ.)ની હદીસમાં છે:

كَانَ إِبْرَاهِيمُ أَبِي غَيُوراً وَ أَنَا أَغْيَرُ مِنْهُ

“મારા પિતા ઇબ્રાહીમ(અ.સ.) ઘણા ગયરતમંદ હતા અને હું તેમનાથી વધારે ગયરતમંદ છું.”

(મિઝાનુલ હિકમત, પા. 354, હ. 15254)

બીજી એક હદીસમાં પાંચમા ઇમામ(અ.સ.)એ આ રીતે બયાન કર્યું છે કે પયગમ્બર(સ.અ.વ.)ની ખિદમતમાં થોડા કૈદીઓને લાવવામાં આવ્યા. કારણકે ખતરનાક કેદી હતા, પયગમ્બર(સ.અ.વ.)એ તેઓને કત્લ કરવાનો હકમ આપ્યો. પરંતુ તેમાંના એક માણસને છોડી મૂક્યો. તેણે પુછ્યું : “મને શા માટે છોડી મૂકવામાં આવ્યો? પયગમ્બર(સ.અ.વ.)એ ફરમાવ્યું:”મને જીબ્રઇલ (અ.સ.)એ ખબર આપી છે કે તારામાં એવા પાંચ ગુણ જોવા મળે છે જેને અલ્લાહ અને તેના પયગમ્બરો(અ.સ.) ખૂબજ પસંદ કરે છે.

اَلْغَيْرَۃُ الشَّدِيدَۃُ عَلَي حُرْمِکَ وَ السَّخَائُ وَ حُسْنُ الْخُلْقِ  وَ صِدْقُ اللِّسَانِ وَ الشُّجَاعَۃُ……

“ઘરના લોકોના બારામાં ઘણી જ ગયરતમન્દી, સખાવત, સદવર્તન, ઝબાનની સચ્ચાઇ અને બહાદૂરી.”

જ્યારે તેણે આ વાત સાંભળી તો તેણે ઇસ્લામ ઘર્મ અંગિકાર કર્યો, મુસલમાનોમાં નામના મેળવી અને પયગમ્બર(સ.અ.વ.)ની સાથે દુશ્મનો સામે લડાઇ કરતા શહાદતના દરજ્જા ઉપર પહોંચ્યો.

(વસાએલુશ્શીયા, ભાગ ‡ 14, પ્ર. 77, પાના નં. 109, હ. 10)

આજના જમાનામાં ગયરત જેવી ચીજ બાકી રહી નથી. પછી તે અરબ હોય કે ગૈરે અરબ, અને પૂર્વનો હોય કે પશ્ર્ચિમનો. પરંતુ એક જમાનામાં અરબોની ગયરત લોક મુખે હતી. નીચેના ઉદાહરણ ઉપરથી અરબોની મશહર ગયરતનો અંદાજ લગાડી શકાશે.

બહેરામ ગૌર નામનો માણસ નોઅમાન બની મકઝરના આશ્રય હેઠળ અરબસ્તાનમાં જીવન પસાર કરી રહ્યો હતો. તેની પાસેથી વિનય અને વિવેકના પાઠો શીખી રહ્યો હતો. બહેરામ એક દિવસ શિકાર કરવા નીકળ્યો. તેણે એક હરણનો પીછો કર્યો. તે હરણ જ્યારે દોડતા દોડતા થાકી ગયું ત્યારે તે આશ્રય મેળવવા એક તંબુમાં ચાલ્યું ગયું. બહેરામ શિકારનો પીછો કરતા કરતા તંબુ સુધી પહોંચ્યો અને તેણે હરણને પકડવાની કોશીશ કરી. તંબુનો માલિક કે જેનું નામ કબીઝા હતું, તેણે બહેરામને અટકાવ્યો અને કહ્યું આ પ્રાણીએ મારા તંબુમાં આશ્રય લીધો છે, તમે તેને પકડી નથી શકતા. તમારે તેને કત્લ કરવા માટે પહેલા મને કત્લ કરવો પડશે. બીજું કાંઇ જોઇતું હોય તો કહો, મારો આ ઘોડો હાજર છે તમારી સાથે લઇ જાવ. બહેરામ આ જોઇને ખૂબજ આશ્ર્ચર્ય પામ્યો.

(ઝિન્દગાનીએ કમરે બની હાશીમ, 94, સંપાદક: અલ્હાજ એમાદુદ્દીન હુસૈન ઇસ્ફહાની)

વાંચકો! આ પ્રસંગ ઉપરથી આપને અરબોની ગયરતનો અંદાજ આવી ગયો હશે. હવે આપ જરા વિચારો કે જ્યારે એક સામાન્ય અરબની ગયરત આવી હતી તો કલ્પ્ના કરો કે અરબોના સરદાર અબુલ ફઝ્લીલ અબ્બાસ બીન અલી(અ.સ.)ની ગયરત કેટલી વધારે હશે કે જેમનો સમોવડીયો ઇતિહાસમાં બીજો કોઇ જોવા નથી મળતું. ખાસ કરીને જ્યારે ગયરત તેમને બન્ને બાજુએથી વારસામાં મળી હોય. આજ કારણ છે કે આજ સુધી કોઇપણ વ્યક્તિ હઝરત અબ્બાસ(અ.સ.)ની ગયરતની સરખામણી નથી કરી શકતી અને ન તો તેનો સાચો તાગ મેળવી શકે છે. હા, ઇતિહાસમાં હઝરત અબ્બાસ(અ.સ.)ની ગયરતના બહુ ઓછા પ્રસંગો જોવા મળે છે પરંતુ તેમાં પણ આપ બેમીસાલ છો.

1. ‘ઝિન્દગાનીએ કમરે બની હાશીમ’ના સંપાદક અલ્હાજ એમાદુદ્દીન હુસૈન ઇસ્ફહાની હઝરત અબ્બાસ (અ.સ.)ના વિષે લખે છે કે અબ્બાસ(અ.સ.)ની ગયરત એટલી બધી હતી કે અયોગ્ય બાબતોને સહન કરતા ન હતા. આજ કારણ છે કે જ્યારે ઇમામે હુસૈન (અ.સ.)એ હઝરત અબ્બાસ(અ.સ.)ને સૈદાણીઓને સવાર કરવા અને અમારી ઉપરથી ઉતારવાની જવાબદારી સોંપી ત્યારે કોઇની હિંમત ન હતી કે તે જનાબે અબ્બાસ (અ.સ.)ના નજીક જાય. હંમેશા કાફલા અને મહેમીલોની વચ્ચે અંતર રહેતું હતું.

(ઝિન્દગાની કમરે બની હાશીમ, પા. 96)

2. ‘અરબાબે મકાતીલ’માં લખે છે કે બીજી મોહર્રમના જ્યારે હુસૈની કાફલો કરબલા પહોંચ્યો અને ઇમામ(અ.સ.)એ ફુરાતના કિનારે તંબુઓ ઊભા કરવાનો હકમ આપ્યો ત્યારે હઝરત અબ્બાસ(અ.સ.)એ પોતાની દેખરેખ હેઠળ તંબુ બાંધી  દીધા. પરંતુ જ્યારે તંબુ હટાવવાનું કહેવામાં આવ્યું ત્યારે હઝરત અબ્બાસ(અ.સ.)ની ગયરતથી આ સહન ન થયું અને કહ્યું કે “કોની હિંમત છે કે અમારા તંબુની સામે આંખ ઉઠાવીને જૂએ. પરંતુ જ્યારે શહેઝાદી ઝયનબ(સ.અ.)નો આ સંદેશો આવ્યો અને સંદેશો આપનારે કહ્યું કે શહેઝાદી આપને યાદ કરી રહ્યા છે ત્યારે હઝરત અબ્બાસ(અ.સ.)એ તંબુની સામે લીટી દોરીને કહ્યું: “જો કોઇએ આ લીટીથી આગળ વધવાની કોશીશ કરી તો તેની ડોકને માથાથી જુદી કરી દઇશ.” આમ કહીને તંબુમાં આવ્યા. અને પુછ્યું: “શું શહેઝાદીએ યાદ કાર્યો છે? “જનાબે ઝયનબ(સ.અ.)એ કહ્યું: “હા, ભાઇ, આપે પુછ્યું: “શું હકમ છે?” કહ્યું : “ભાઇની ઇચ્છા છે કે તંબુઓને દરિયાના કિનારા ઉપરથી હટાવી દેવામાં આવે. અબ્બાસ(અ.સ.)એ માથું નમાવી દીધું. હવે અબ્બાસ(અ.સ.)ની ગયરત એક તરફ અને દિનની હિમાયત બીજી તરફ જુસ્સાથી ભરપુર છે. ઇમામ(અ.સ.)ના હકમનું પાલન કરવા માટે પોતાના હાથે તંબુઓ ખોલી નાખે છે. આપ વિચાર કરો કે એક ઇજ્જત એ હતી કે તંબુઓ બાંધી  દેવામાં આવ્યા હતા અને દુશ્મનો તેને હટાવી નહોતા શક્તા. અને તેનાથી ઉચ્ચ તાબેદારી એ છે કે ઇમામ(અ.સ.) હકમ આપે છે તો પોતાના નફ્સને અક્કલ ઉપર કાબુ ન મેળવવા દે, અને ઇમામ(અ.સ.)ના હકમનું પાલન કરે કારણ કે તે ગયરતના વખાણ કરવામાં આવે છે જે ઇમામ(અ.સ.)ની તાબેદારીમાં હોય.

3. હઝરત અબ્બાસ(અ.સ.)ની ગયરતનો એક વધુ પ્રસંગ જૂઓ. બે પહોર વીતી ચૂક્યા છે. ઇમામ(અ.સ.)ની સાથે સાથે શહીદોની લાશો ઉપાડીને તંબુમાં લાવી રહ્યા છે. પોતાના બાળકો, ભાઇઓ, ભત્રીજાઓને લોહીમાં રગદોળાએલા જોઇ રહ્યા છે. પરંતુ ઇમામ(અ.સ.)ની પરવાનગી વગર એક ડગલું પણ આગળ નથી જતાં. એટલે સુધી કે પોતાના ભાઇઓને શહાદત માટે પ્રોત્સાહિત કરે છે અને તેઓને પોતાની આંખોની સામે શહીદ થતા જૂએ છે. પરંતુ ઇમામ(અ.સ.)ની સામે નજર ઢાળીને તેમના હકમની રાહ જૂએ છે. જ્યારે કોઇ બાકી રહેતું નથી ત્યારે ભાઇની પાસે જાય છે. અને કહે છે : “આકા, શહીદ થવાની રજા આપો. ઇમામ (અ.સ.)એ કહ્યું: “ભાઇ બાળકો ઘણાં તરસ્યા છે. પહેલા પાણી પીવરાવો પછી મેદાનમાં જજો. ઇતિહાસ કહે છે કે મશ્કીઝા લઇને નહેર ઉપર આવ્યા પાણી હાથોમાં લઇને નહેરના મોઢાં ઉપર ફેંકી દીધું અને કહ્યું, “મારા આકા અને બાળકો તરસ્યા છે અને હું પાણી પી લઉં? ક્યાં છે ઇતિહાસકારો? ક્યાં છે ગયરતની વાતો કરનારા? શું તે માનવતાના ઇતિહાસમાં કોઇ આવુ ઉદાહરણ પું પાડી શકે છે અથવા આથી વધુ ગયરતવાળો દેખાડી શકે છે? ક્યારેય નહિ. કારણકે અબ્બાસ(અ.સ.)ની ગયરત અહીંજ પુરી નથી થતી. પરંતુ આથી પણ આગળ વધીને ગયરતનો અર્થ સમજાવે છે.

મશ્કીઝા લઇને આગળ વધે છે, જ્યારે જમણો હાથ કપાઇ જાય છે ત્યારે ખુદાની કસમ ખાઇને કહે છે, “એ ઝાલીમો! શું તમે એમ માનો છો કે હાથ કપાઇ જવાથી હું મારા આકા, મૌલા અને ભાઇની મદદ કરવાથી ફરી જઇશ? હરગીજ નહિ. શું તમે એમ માનો છો કે હાથ કપાઇ જવાથી હું મશ્કીઝા પહોંચાડવાની કોશીશ નહિ કં? જો તમે મારા ટૂકડે ટૂકડા કરી નાખશો તો પણ હું મારા ઇમામને છોડીશ નહિ અને મારી મદદ ચાલુ રાખીશ.”

આ શબ્દો ઉપર જરા વિચાર કરો. આ કેવો જુસ્સો હતો જે મુશ્કેલીઓને સહેલી બનાવી રહ્યો હતો અને દિલનો અવાજ જીભ ઉપર આવી રહ્યો હતો. આપનો ખરેખરો જવાબ એ હશે કે અબ્બાસ(અ.સ.)ની ગયરત અને માત્ર અબ્બાસ(અ.સ.)ની ગયરત.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *