ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત ઉપર એક વિચાર એક નઝર

Print Friendly, PDF & Email

ઇન્સાનની અક્લ અને ડહાપણ, ઇલ્મ અને સમજ તેમજ વિચાર અને નઝર એક પાંખ કપાયેલ પક્ષીની જુંબીશ સમાન છે, જેને તે પોતાની બધી તાકત, આવડત અને સંશોધનને સમેટીને પોતાની બલંદ હિંમત અને બલંદ હોસલાની સાથે પોતાના બાવડાઓને આપે છે.

આજે તમામ કૌમો પોતાની પ્રગતિ અને ઉચ્ચ સ્થાનોને જોઇને એ સમયે ફખ્ર કરે છે, જ્યારે તેમના ઉપગ્રહો ચંદ્ર તરફ જાય છે, જ્યારે તેમના મિસાઇલ પળભરમાં વાતાવરણની ઉંચાઇઓમાંથી પસાર થતા પોતાના લક્ષ ઉપર પાર ઉતરે છે. આ બધુ એટલા માટે છે કે બીજી કૌમો સામનો કરવા માટે તૈયારી કરે અને દિલને હલાવી નાખે તેવા બીજા સ્ફોટક હથીયારોની શોધ કરે અને જે કમઝોર કૌમ છે તે ડરેલી અને સહેમી, હસરતથી અને ખૌફથી સવાર સાંજ જોતી રહે. બીજી બાજૂ ઇસ્લામની ચાદર ઓઢીને જેહાલતના અંધારામાંથી ત્રાસવાદીઓ બે-ગુનાહ અને નિર્દોષ લોકો પર લૂંટફાટનું બજાર ગરમ કરી રહ્યા છે. તે પોતાની એક જીંદગી આપીને સેંકડો જીવ લેવાની કસમ ખાઇને હજારો યતીમોની સંખ્યાને લાખો સુધી પહોંચાડી રહ્યા છે. વિધવાઓ માથુ કુટી રહી છે. માતાઓ કલેજુ પકડીને કોઇ ખૂણામાં ધુ્રસકા ભરી રહી છે. કયામતના પહેલા કયામતખેઝ દુનિયાનું આ દ્રશ્ય છે. જ્યાં લાગે છે કે હમણા સુરજ નિકળશે અને નવાઇ નથી કે બીજી પળે સવા નેઝા ઉપર આવી જાય. જ્યાં સાંજ પડે છે તો એવુ લાગે છે કે કોઇ સમય એવો આવશે કે ઇસરાફીલના સૂરથી પહાડ અને ખીણમાં આગ લાગી જશે. આ બિહામણા દ્રશ્યથી અસરગ્રસ્ત પરંતુ એક બેખૌફ ઇન્સાનની તસ્વીર સામે આવે છે. જે ઝીક્રે ઇલાહીમાં મસ્રૂફ કહી રહ્યા છે કે “અલા બે ઝિક્રીલ્લાહે તત્મઇન્નલ કોલૂબ અર્થાત “બેશક અલ્લાહની યાદ વડે દિલોને સુકૂન મળે છે. તેની સામે ખાકે શિફા છે. સિજદામાં જઇને કહે છે  “લિલ્લાહિલ હમ્દો વ લહુશ્શુક્ર “વખાણ અને શુક્ર અલ્લાહનો છે. તેમની અક્લ પ્રકાશિત થઇ હશે. અલ્લાહ તઆલાની રૂબુબિય્યત ઉપર ચિંતન કર્યુ. પોતાના વુજૂદની પનાહગાહની મંઝીલને તલાશ કરી. કહે છે કે શોધનારને અથવા બંદાને પનાહગાહ મળી, જે ચાર સ્તંભો ઉપર કાયમ હતી, ઝિક્ર, સિજદો, સુકૂન અને શિફા. તેણે જોયુ કે દરેક સ્તંભ ઉપર નૂરનું લખાણ જગમગી રહ્યુ હતુ, આંખો ચોળતા નઝદીક થઇને જોયુ તો દરેક સ્તંભ ઉપર લખેલુ હતું કે ‘યા હુસૈન’.

આપણે એ સમજી લઇએ કે આ દુનિયા બહુ જ નાની છે અને ઇમામ હુસૈન(અ.સ.) ઘણા મહાન છે. એટલુ જ નહી આપની જાત તમામ દુનિયાઓ ઉપર છવાયેલી છે. એ બાબતો જે મેં મારા બયાનમાં વર્ણવવાની કોશીશ કરી છે. તેનું એક અક્લી અને કુર્આન અને હદીસની રૌશનીમાં પૃથકકરણ કરીએ જે ખુબ જ મહત્વનું છે. પરંતુ તેને અમૂક લીટીઓમાં વર્ણવવું એ પથ્થરમાં નરમ ધાર બનાવવા જેવું છે. છતા પણ કોશીશ કરવી એ શર્ત છે.

કોણ જાણતુ હતુ કે એક અણુંના કેન્દ્રમાં ફુટવાની એટલી મોટી શક્તિ સમાયેલી છે જે વસ્તીઓને નેસ્તો નાબુદ કરી શકે છે. કોણ જાણે છે કે તણખલાઓમાં ક્યાંક કોઇક એવી રીત પણ મૌજૂદ હોઇ શકે છે જેના ઇશારા ઉપર વિજળીઓ નાચી રહી છે. બની શકે છે કે મોટા મોટા લેખકો અને વિચારકો અને વિદ્વાનો ઇમામ હુસૈન(અ.સ.)ના વખાણ અને પ્રશંસાને લખાણના ઘેરાવામાં લાવવા માટે તણખલાની હૈસિયત રાખતા હોય. છતા ગૈબી મદદ થકી તૌકીર અને તન્વીરથી લખાણમાં એટલુ જીવન પૈદા થવું અશક્ય નથી કે જે ઇલાહી ભેદોના પરદાને હટાવી દેય અને કરામતને ચિરનારી ઝલક નજર આવે. ઇમામ હુસૈન(અ.સ.)ના મક્કાથી રવાના થવા પહેલા મદીનાનું જીવન એક એકાંકી જીવન હતું. છતા પણ જહાંબાની અને જહાંબીની બંને રીતે બરકતના ચિન્હો આપના પવિત્ર વુજૂદથી જાહેર થઇ રહ્યા છે. આપને ઓળખનારાઓ અને ચાહનારાઓ દૂર દૂરથી અખ્લાકની તાલીમ અને જીંદગીની રિત-ભાતને એ અંદાજમાં ઢાળવા માટે જે અકબંધ, મજબૂત અને તેઓના વર્તન મૂજબ હોય તે શિખવા માટે હાજર થતા હતા. જેમ કે બેહારૂલ અન્વારમાં એક બનાવ મળે છે કે ખતીફ યા બીજા કોઇ વિસ્તારમાંથી ત્રણ વ્યક્તિઓ કે જે ઇમામ હુસૈન(અ.સ.)ની મઅરેફત ધરાવતા હતા અને આપ(અ.સ.)ની ઝાતમાંથી ઉભરાતા નૂર અને મોઅજીઝાથી ક્યારેક ક્યારેક નવાઇના દરિયામાં ડૂબેલા રહેતા હતા. તેઓ હાજર થયા અને તેઓએ આપની ખિદમતમાં અર્ઝ કરી કે આપનું વુજૂદ નાના રસૂલે ખુદા(સ.અ.વ.) જેવું છે કે જે અમને મજબૂર કરે છે કે અમે આપનાથી સવાલ કરીએ કે ‘આપ શું છો? આપની ખિલ્કત શું છે? કે જેથી અમારી અચંબાની કૈફીયત થોડી પ્રકાશિત થઇ જાય અને અમારી મઅરેફત યકીનની મંઝીલોને પાર કરી શકે.’ લેખકોએ ‘મિન્’ અને ‘અન્’ જેવા શબ્દો વાપર્યા નથી પરંતુ પોતાના વર્ણનમાં પોતાના લખાણમાં શૈલી વાપરી છે અને તેનો સહારો લીધો છે. ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યુ: “તમારામાં એટલી શક્તિ અને ક્ષમતા નથી કે અમારી ખિલ્કતની હકીકતની સુક્ષ્મમાં સુક્ષ્મ અને હળવામાં હળવી કિરણને જોવાનું સહન કરી શકો. સમંદરનો કોઇ હિસ્સો દરીયામાં સૈલાબ લાવી શકે છે. દરીયો તળાવની પાળોને તોડી નાંખે છે. તમારી ક્ષમતા મારી ખિલ્કતની હકીકત ઉપર નજર કરવાની સલાહીયતથી લાચાર છે. તમે લોકો અમૂક પળો સુધી સુરજને નથી જોઇ શકતા તો પછી મારી ખિલ્કતને કેવી રીતે જોઇ શકશો? ઇસ્રાર ઉપર ઇસ્રાર કરતી વ્યક્તિઓએ એક શખ્સ જે ઇમાનદાર અને મજબૂત દિલનો હતો તેને ચૂંટયો અને અર્ઝ કરી કે કમ સે કમ તમે આ માણસને તમારી ખિલ્કતના નૂરની એક ઝલક દેખાડી દો. ઇમામ હુસૈન(અ.સ.)એ એક સોયના નાકા બરાબર તેની આંખના ખુણાનો પર્દો હટાવ્યો તો પરિણામ એ આવ્યુ કે તે શખ્સ બેઠો હતો ત્યાંથી ઉભો થઇ ગયો. તેની નસો તૂટવા લાગી, તેના દિમાગના કિનારાઓ તૂટવા લાગ્યા અને તે ધુ્રજી ઉઠ્યો હતો. ઘણાં દિવસ સૂધી તેની આ જ હાલત રહી અને તેના પછી ઇમામ(અ.સ.)ના કરમથી તેને શિફા મળી. ઇમામ હુસૈન(અ.સ.) ઇમામ હુસૈન(અ.સ.) છે.

(બેહારૂલ અન્વાર, ભાગ: ૪૪, પાના: ૮૪)

આ પણ સર્વસ્વીકૃત છે કે ખાલિક પોતાની મખ્લુકને ખૂબ જ ચાહે છે. જે ખાલિકે આ દુનિયાને પૈદા કરી તેને હીરા-માણેકથી સજાવી. તેની શોભા માટે પોતાની નેઅમતો સંપૂર્ણ કરી અને તેના માટે પોતાની અશ્રફ મખ્લુકની હિદાયત માટે પોતાના માસુમ નબીઓને મોકલ્યા અને અંતમાં ખત્મુલ્ મુરસલીન હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ને મોકલ્યા. તેમનો જ આ કૌલ તેમની સમગ્ર શરીઅત પર હાવી છે કે, “મારો હુસૈન(અ.સ.) મારાથી છે અને હું હુસૈન(અ.સ.)થી છું. એટલે કે જ્યાં સુધી ઇમામ હુસૈન(અ.સ.)નું નામ જીવંત છે, ત્યાં સુધી શરીઅતે મોહમ્મદી(સ.અ.વ.)ને કોઇ આંચ નથી આવી શકતી. અને આ શરીઅત હુસૈનીય્યતની પાસબાની અને પાસદારી (રક્ષા)માં છે. તેની હદોમાં દરેક ઘમંડી નત મસ્તક રહે છે. હુસૈન, કે જે મુરસલે આઝમની શરીઅતના રક્ષક છે, તેમની માટે કુદરતે હઝરત આદમ(અ.સ.)ની ખિલકતથી લઇ આજ સુધી કેટલી વ્યવસ્થા કરી છે. આવો તેના પર એક ઉડતી નજર કરીને જોઇએ. આપણે તેને ભૂતકાળથી લઇને આજ સુધી ત્રણ દૌરમાં વહેચીને એ ઉંડુ સંશોધન કરીશું કે, ઇમામ હુસૈન(અ.સ.)ના મુબારક નામનો વિર્દ ક્યાં ક્યાં થઇ રહ્યો છે અને કેવી કેવી રીતે નજાત મળી રહી છે. અમે ફક્ત ત્રણ દૌરનો ઉલ્લેખ કર્યો છે, એ વિષયની તફસીલનો લેહાઝ જે એક વિશાળ કેન્વાસ પર ફેલાએલ છે.

પહેલો દૌર : આ એ સમય છે, જેને માનવી સંસ્કૃતિની પ્રગતિનો દૌર નથી કહેતા. આ હઝરત આદમ(અ.સ.)ની ખિલકત પહેલાનો સમય છે. આ સમય દીર્ઘ ભૂતકાળનો સમય છે, જેને એક/બે નહી બલ્કે કેટલાય મીલીયન વર્ષો પહેલાનો સમય કહેવામાં આવે છે. તેમાં કયા અને કેવા પ્રાણીઓ રહેતા હતા, એ સંબંધમાં જાનવરોના પગના નિશાનો અને ડાયનાસોરના ઇંડાઓ ઉપલબ્ધ થાય છે. થોડા દિવસો પહેલા ડાયનાસોરના પંજાના નિશાનની ખબર અખ્બાર (છાપા)માં પ્રકાશિત થઇ હતી, જેના માટે અનુમાન કરવામાં આવે છે કે કેટલાય મિલીયન વર્ષો જૂના જાનવર છે.

આ સમયને માનવ સંસ્કૃતિની પ્રગતિના માટે અંધકારમય યુગ ગણવામાં આવે છે. જ્યાં આદમની ઔલાદની ચહેલ પહેલના નિશાન નજરે નથી પડતા. તેથી આપણે આ યુગમાંથી પસાર થઇને, બીજા યુગ તરફ ઇશારો કરતા આગળ વધીશું.

બીજો દૌર : બીજો યુગ એ આદમે સાની, નબી એ ખુદા હઝરત નૂહ(અ.સ.)નો યુગ છે. વાચકો જાણે છે કે, આપ(અ.સ.)ની નુબુવ્વતની મુદ્દત લગભગ ૯૦૦ વર્ષ જેટલી છે અને આ યુગમાં આપની નુબુવ્વતની તબ્લીગના લીધે સમગ્ર વસ્તીના લોકો આપના વિરોધમાં ઉભા થયા હતા. કિસ્સાઓમાં મળે છે કે, આપના ઉપર લોકો એટલા પથ્થર મારતા હતા કે આપનું શરીર પથ્થરોમાં છુપાઇ જતુ હતુ. ખુદાવંદે જબ્બાર અને કહ્હારે તે કૌમ પર અઝાબ નાઝિલ કર્યો. એ સમયે સમગ્ર દુનિયા પાણીમાં ડુબી ગઇ, સિવાય એ ૮૦ લોકો કે જેઓ આપે બનાવેલી કિશ્તીમાં આવી ગયા. એટલુ જ નહી બલ્કે એ જાનવરો પણ તોફાનથી સુરક્ષિત રહ્યા કે જેઓ તે લોકોની સાથે, હઝરત નૂહ(અ.સ.)ની દાવત પર કિશ્તી પર સવાર હતા. તે ૮૦ લોકોથી આ દુનિયા ફરી આબાદ થઇ. પછી આ દુનિયા લીલીછમ અને હરીયાળી થઇ. ફરી નવી વસંત આવી. ફરી જમીને વિકાસની શક્તિની અસર દેખાડી. ફરી દીવાલો ઉપર ફુલ નવા રંગોથી મસ્ત ખુશ્બુ લઇને ચઢવા લાગ્યા. પરંતુ ડુબનારની અઝાબી તકલીફને તો એ જ જાણે કે જેના ઉપર આ સમય આવી પડયો હતો કે ગળામાં દમ રોકાય ગયો, શ્ર્વાસ ટુટવા લાગ્યો, જીગર ફાટી રહ્યા હતા, દિલની એક એક રગ ટુટી રહી હતી, નાક અને મોઢામાંથી ફક્ત પાણી વહી રહ્યુ હતુ, હિંચકીયા લઇ રહ્યા હતા, દરેક મોજાના તમાચા ચેહરા ઉપર લાગી રહ્યા હતા, મહા મુશ્કેલીથી એક એકનો દમ નિકળ્યો હશે. આ હાલ થયો હતો આ દુનિયાનો.

પ્રથમ : એક કિતાબ થોડા સમય પહેલા પ્રકાશિત થઇ હતી જેનુ નામ હતુ “અલીયા એલીયા તેમાં લખેલુ હતુ કે હઝરત નૂહ(અ.સ.)ની કિશ્તીના અમૂક ટુકડાઓ મળ્યા છે, જેના ઉપર અમૂક નામ કોતરેલા છે. ભાષાવિદોએ શબ્બર અને શબ્બીર નામની ઓળખ કરી છે. આપણા આલિમો પણ બયાન કરે છે કે જ્યારે હઝરત નૂહ(અ.સ.) પંજેતનના નામની ખીલીઓ લગાવી રહ્યા હતા, તો છેલ્લી ખીલી કે જે ઇમામ હુસૈન(અ.સ.)ના નામની હતી, તેને ઉઠાવી તો હઝરત નૂહ(અ.સ.) સાહજીક રડવા લાગ્યા અને એ સમય સુધી રડતા રહ્યા કે જ્યાં સુધી તે ખિલીને કિશ્તીના લાકડામાં જડી ન દીધી.

બીજુ : મુરસલે આઅઝમ રસુલે અકરમ(સ.અ.વ.)ની ઝબાનથી નીકળેલ આ હદીસ કે જેને તમામ વિશ્ર્વના આલિમોએ સહી માની છે : “મારી એહલેબૈત(અ.મુ.સ.) હિદાયતના ચિરાગ અને નૂહ(અ.સ.)ની કિશ્તી સમાન છે. (મિસ્બાહુલ્ હોદા વ સફીનતુન્ નજાત) જે તેની પનાહમાં આવ્યો તેણે નજાત પામી અને જે પાછળ રહી ગયો તે પાણીમાં ડુબી ગયો. રિસાલત મઆબના એહલેબૈત(અ.મુ.સ.)ના દફતર પર એહલે કિસાઅના પાંચની મોહર કયામત સુધી ચમકતી રહેશે.

ત્રીજુ : ઓછી અને વધારે સંખ્યા : ફક્ત ૮૦ માણસો કે જે જનાબે નૂહ(અ.સ.)ની કિશ્તીમાં સવાર હતા, તે જ નેક બંદાઓથી આ દુનિયા ફરી આબાદ થઇ. કરબલાનો બનાવ સામે રાખો. કરબલામાં ઇસ્લામની કિશ્તી ઉપર ૭૨ અથવા ૧૦૦થી થોડા વધારે શહીદોએ કુફ્રો નિફાકના પૂર કે જેની સંખ્યા ઓછામાં ઓછી ૩૦૦૦૦ અને વધારેમાં વધારે ૧૩૦૦૦૦ હતી. તેમની સામે સૂર્યોદયથી લઇ અસ્રે આશુર સુધી મુકાબલો કર્યો અને ઇસ્લામની કશ્તી બચાવી ગયા. ચીટગરીએ કેટલુ સરસ કહ્યુ છે: “ડુબ કર પાર હો ગયા ઇસ્લામ, આપ ક્યા જાને યે કરબલા ક્યાં હૈ ?

હવે જેઓ પાણીમાં ડુબી ગયા અને જેમના પર અઝાબ થયો, ડુબીને મોતના શીકંજામાં આવ્યા, તેમનો દાખલો પણ સાંભળી લો. રિવાયતમાં મળે છે કે ઇમામ હુસૈન(અ.સ.) પોતાના કાફલાની સાથે જ્યારે કાદસિયાથી આગળ વધ્યા તો એક મંઝિલ ઉપર આપને ખબર મળી કે અબ્દુલ્લાહ બિન હૂર જોઅફી પણ નજીક છે, પોતાના કાર્યકરો સાથે આવેલ છે. ઇમામ હુસૈન(અ.સ.) અબ્દુલ્લાહ બિન હૂર જોઅફી પાસે ખુદ પોતે તશ્રીફ લઇ ગયા અને ફરમાવ્યું : “અબ્દુલ્લાહ! મારી મદદ માટે મારી સાથે થઇ જા અબ્દુલ્લાહ બિન હૂર જોઅફી એહલેબૈત(અ.મુ.સ.)ને ચાહનારો ચોક્કસ હતો. તે આપની અઝમત અને જલાલને માનનારો હતો પરંતુ તેનુ દિલ કમઝોર હતુ. તેણે જવાબમાં કહ્યુ : “મૌલા! હું કુફામાં જનાબે મુસ્લીમની લાશને સડકો અને ગલીઓમાં ઢસડવામાં આવતી જોઇને આવ્યો છું. મૌલા! મારામાં એટલી તાકત નથી કે ઇબ્ને ઝિયાદની સામે મુકાબલામાં ઉભો રહી શકુ. એટલુ ચોક્કસ છે કે મારો ઘોડો એ અરબનો એ ઘોડો છે કે તેના જેવો બીજો કોઇ ઘોડો નથી. આપ તેને લઇ લ્યો. મારી પાસે જેટલા હથિયાર છે તે બધા જ લઇ જાવ, પરંતુ હું આપની સાથે નથી આવી શક્તો. મારામાં એટલી હિંમત અને યોગ્યતા નથી. ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું : “હું નાનાના દીનના રક્ષણ માટે જઇ રહ્યો છું. અમ્રબિલ્ મઅરૂફ અને નહ્ય અનીલ્ મુન્કર મારા સફરનો મકસદ છે. મારી રાહમાં મારી મદદ કરનાર શહીદ થશે. મને તારા ઘોડા અને હથિયારની કોઇ જરૂરત નથી. આટલુ કહીને જ્યારે આગળ વધી રહ્યા હતા તો ફરી એક વાર પાછા ફર્યા અને ફરમાવ્યું : “હા, અબ્દુલ્લાહ બિન હૂર જોઅફી! મારી એક વાત સારી રીતે યાદ કરી લે નહીતર તુ પછતાશે. ઇબ્ને હૂર જોઅફીએ કહ્યુ : “મૌલા! એ કઇ વાત છે? આપે ફરમાવ્યું : “તુ એટલો દૂર ચાલ્યો જા, જ્યાં મારી ઇસ્તેગાસાહની અવાજ તારા કાનો સુધી ન પહોંચે. નહીતર જે કોઇ મારી ઇસ્તેગાસાહની અવાજ સાંભળશે અને મારી મદદ માટે કદમ નહી ઉઠાવે તે ત્રણ વર્ષની અંદર હલાક થઇ જશે. જાણે કે ઇમામ હુસૈન(અ.સ.)ની ઇસ્તેગાસાહનો અવાજ નૂહની કશ્તીની જેમ નજાત અને ડુબવાનો એક મજબુત ફેંસલો હતો, જેનો અમલ ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત પછીથી શરૂ થઇ ત્રણ વર્ષમાં પૂર્ણ થયો. (તેની વિગત ઇન્શાઅલ્લાહ કોઇ બીજા અંકમાં …….) બસ એટલુ સમજી લો કે ફક્ત એ જ લોકો બચ્યા કે જે નૂહ(અ.સ.)ની કિશ્તીમાં સવાર હતા, બાકીના લોકો ખુદાના અઝાબથી હલાક થયા. એ જ રીતે એ લોકો જ ત્રણ વર્ષ પછી જીવીત રહ્યા કે જેમના કાનોમાં ઇમામ હુસૈન(અ.સ.)ની ઇસ્તેગાસાહની અવાજ ન પહોંચી.

હઝરત નૂહ(અ.સ.) પછી હઝરત ઇબ્રાહીમ(અ.સ.)નો સમય આવે છે, જેના માટે ડો. ઇકબાલે કહ્યુ છે :

અજીબ સાદા વ રંગીન હૈ દાસ્તાને હરમ,

નિહાયત જીસ્કી હુસૈન, ઇબ્તેદા હૈ ઇસ્માઇલ.

ત્રીજો યુગ, ઇબ્રાહીમ ખલીલુલ્લાહનો યુગ છે : હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ની સામે નમરૂદ બાદશાહ હતો. બાબિલ અને કુલૈદાન બે મોટા શહેર હતા એ બન્ને શહેરોમાં શહેરી વિકાસ ઘણો થઇ ચુક્યો હતો. મૂર્તિઓના સ્થાનો આબાદ હતા. એ દૌરમાં કોઇ જીવ મુવહ્હિદ (એક ખુદામાં માનનાર) ન હતો. મૂર્તિઓના નવા-નવા આકારો બનાવી બુતખાનામાં રાખી દેવામાં આવ્યા હતા. તેની આસપાસ વિચારો અને અકીદાઓના નવા-નવા કિસ્સા જન્મ લઇ રહ્યા હતા. રસ્મો/રિવાજ એજ મૂર્તિઓથી સંબંધિત હતા. નમરૂદને ખુદા અને માલિક તેમજ મૌત અને હયાતનો દેનાર ગણવામાં આવતો હતો. હઝરત ઇબ્રાહીમ(અ.સ.) આ મૂર્તિને તોડનારા પ્રથમ મૂર્તિ તોડનારા ગણાયા. પરંતુ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ છે, જેમણે વર્ષોથી વિચારો અને અકીદાઓમાં બનેલ મૂર્તિઘરોને નાબુદ કરી દીધા. ઘણા દિવસો પહેલા બ્રિટનના એક અંકમાં એ તખ્તી કે જે માટીથી બનેલી હતી, જેના પર તસ્વીરની સાથે અક્ષરો પણ કોતરેલા હતા, તે છપાઇ હતી. તે તખ્તી હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ના ઝમાનાની હતી. જેને હઝરત ઇબ્રાહીમ(અ.સ.)એ તે સમયના લોકોથી બનાવડાવીને ઇલ્મની તકરીરની સાથે લખાણની છાપ લગાવી દીધી હતી, ભાષાવિદોનુ માનવુ છે, કે તે જ સમયમાં ઇલ્મનો ફેલાવો થયો. (સાચુ તો અલ્લાહ બેહતર જાણે છે.) બની શકે કે તે સમયના લોકોની ક્ષમતા મુજબ હઝરત ઇબ્રાહીમ(અ.સ.)એ આ રીત અપનાવી હોય.

વધુ વિગતમાં ન જતા આપણે ફકત એટલુ જ જોવુ છે કે એ સમયમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઓળખ અને તૈયારી કઇ રીતે હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ની જીંદગીમાં નુબુવ્વત, ખલીલિય્યત અને ઇમામતની તબ્લીગનો વિસ્તૃત નુકતો બનીને, હજારો વર્ષોને આવરી લેતો માનવ ઇતિહાસને પોતાના દામનમાં સમાવેલ હતો અને આવનાર ભવિષ્યમાં જેનો છેડો ઝુહુરે ઇમામ મહદી(અ.સ.)થી સિલસિલેવાર સ્થપાય છે.

આ લખાણ કુરઆનની તફસીરમાં દોહરાવવામાં આવે છે.

હઝરત ઇબ્રાહીમ(અ.સ.)નો દીને હનીફ : (૧) મૂર્તિઓને તોડનાર હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ની શરૂઆતની જીંદગી એટલે કે બચપણનું જીવન પહાડોની પનાહગાહોમાં છુપી રીતે વીત્યુ. આપનુ કદ ઝડપથી વધી રહ્યુ હતુ. હઝરત ઇબ્રાહીમ(અ.સ.) એકલા હતા જ્યારે યુવાન થયા, અને જેને પડકાર્યો હતો તે બાદશાહ હતો જેનું નામ નમરૂદ હતુ. તે પોતાને ખુદા કહેતો હતો. વધારે વિગત શક્ય નથી, પણ એક કિસ્સો વર્ણવતો જઉ. જ્યારે હઝરત ઇબ્રાહીમ(અ.સ.) મિસ્રથી પરત આવ્યા, ત્યારે જનાબે હાજરા સાથે હતા. નમરૂદના દરબારમાં રજૂ કરવામાં આવ્યા. નમરૂદે જ્યારે પોતાના બન્ને હાથ જનાબે હાજરા તરફ લંબાવ્યા, તો બન્ને હાથ જડ થઇ ગયા.

સરખામણી : આવો શામ તરફ પલટીએ. જ્યારે યઝીદે કહ્યુ કે હું અલી(અ.સ.)ની દીકરી સાથે સામે સામે વાત કરીશ, તેને મારી સામે લાવવામાં આવે. એક કાળા રંગની કનીઝ ફિઝ્ઝાએ પોતાના કબીલાવાળાઓને લલકાર્યા. ગૈરત અપાવી. બખ્તર પહેરેલા ગુલામો જે યઝીદની પાછળ ઉભા હતા તેઓ તલવાર ખેંચીને સામા આવી ગયા અને પછી જ્યારે બીબીએ ખુત્બો આપ્યો છે, તો લોકો કહેવા લાગ્યા કે, શું અલી(અ.સ.) જીવતા થઇ ગયા છે? આ કોણ અલી(અ.સ.)ના લહેજામાં યઝીદીય્યતના ધજ્જા ઉડાવી રહ્યુ છે?

(૨) જેવી રીતે હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ની નુબુવ્વતની તબ્લીગના કાર્યથી બીજા શહેર કુલયદાનમાં ખળભળાટ થઇ ગયો. એક હલચલ મચી ગઇ અને કબીલાઓ તથા ખાનદાનો હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ના ટેકામાં ઉભા થવા લાગ્યા અને હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ની જેમ બોલવા લાગ્યા. તેવી જ રીતે જ્યારે મસ્અબ બિન ઉમૈર, મુર્સલે આ’ઝમના એલચી મક્કાથી મદીના આવ્યા તો બની ખઝરજ અને બની ઔસ એ બન્ને કબીલાની જૂની દુશ્મની ખત્મ થઇ ગઇ અને ઇસ્લામ કબૂલ કરીને મસ્અબની પાછળ બન્ને કબીલાએ સાથે નમાઝ પઢી. આ મદીના છે કે જ્યાં હઝરત ઇમામ હુસૈન(અ.સ)નું બચપણ અને જવાની પસાર થઇ. જ્યાં આપની વિલાદત પર અર્શથી લવ્હે ફાતેમા (તખ્તી) નાઝિલ થઇ. જ્યાં ફિત્રૂસને પાંખ મળી. જ્યાં નાનાએ પોતાના ફરઝંદ માટે કહ્યુ કે, યાદ રાખો! આ હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું.

(૩) તેમજ અરફાત અને મીનાની સર જમીન હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ની ઝબાનમાં કંઇ કહી રહી છે. ત્યાં કુર્બાની અપાય છે, ઘેંટા ઝબ્હ કરાય છે. શૈતાન પર કાંકરી મરાય છે. હઝરત ઇબ્રાહીમ(અ.સ.)એ અરફાતમાં કયામ કર્યો હતો અને હાજીઓ તેમને અનુસરે છે.

ધ્યાનથી સાંભળો! સુન્ની આલિમો હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના આ કયામ વિશે વસિલો બનાવીને દોઆ કરે છે કે “એ ખુદાવંદા! હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના વાસ્તાથી અમારી દોઆ કબુલ કર. અને મીનાની સરઝમીન આ વાકેઆને વર્ણવી રહી છે કે જ્યારે હઝરત રસુલેખુદા(સ.અ.વ.)ના નવાસાએ કરબલામાં પોતાના હાથો પર પોતાના જવાન દીકરાની લાશ ઉઠાવીને આસમાન તરફ જોયુ અને ફરમાવ્યુ:

“હાઝા કુરબાનુન, તકબ્બલ્ મિન્ના.

“આ કુરબાની છે, અમારાથી કબૂલ કર.

આપણે તો ફક્ત એટલુ જ કહીને આગળ વધશુ કે જાણે હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ની પવિત્ર જીંદગીનો એક એક શ્ર્વાસ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના વારસામાં આવ્યો છે. ઇમામ હુસૈન(અ.સ.), ઇમામ હુસૈન(અ.સ.) છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *