Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૭ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. ની ગયબત

ગયબતનો ઝમાનો – કસોટીનો યુગ

Print Friendly, PDF & Email

પ્રસ્તાવના :
હાલમાં આપણે જે યુગમાંથી પસાર થઇ રહ્યા છીએ તે મોટી ગયબત એટલે કે ‘ગયબતે કુબરા’નો યુગ છે. આ તે યુગ છે જેમાં હઝરત હુજ્જત (અ.સ.)ના કોઇ ખાસ નાએબ નથી, જેમના થકી ઇમામ (અ.સ.)નો સંપર્ક સાધી શકાય અને આપણા સવાલો રજુ કરીને આપ (અ.સ.) પાસેથી જવાબો મેળવી શકાય. આ યુગ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખુદાવન્દે આલમ હઝરત મહદી (અ.સ.)ને ઝુહરની પરવાનગી ન આપે. જ્યારે આપ (અ.સ.) અલ્લાહના હકમથી જાહેર થશે ત્યારે લોકોને તેમની ઝિયારતની ખુશનસીબી હાંસિલ થશે. તેમની પવિત્ર સેવામાં હાજર રહેવાનું બહમાન પ્રાપ્ત થશે. જ્યાં સુધી અલ્લાહ ઝુહરની પરવાનગી નહિં આપે ત્યાં સુધી આ ‘ગયબતે કુબરા’નો યુગ ચાલુ રહેશે. આ યુગ કસોટી અને પરીક્ષાનો યુગ છે. આ યુગની અમુક લાક્ષણિકતાઓ છે.
૧. સંપર્ક વિહોણા :
‘ગયબતે સુગરા’માં પણ ઇમામે અસ્ર (અ.સ) સામાન્ય લોકોની નજરોથી છુપાએલા હતા પરંતુ આપ્ના ખાસ નાએબો થકી સંપર્ક સાધી શકાતો હતો. લોકો આ ખાસ નાએબો પાસે પોતાના પ્રશ્ર્નો લઇને જતા અને તેઓ ઇમામ (અ.સ.)ની પરવાનગીથી ઇમામ (અ.સ.)ની ખિદમતમાં પ્રશ્ર્નો રજુ કરતા તથા ઇમામ (અ.સ.) તેના જવાબો આપતા. શાઅબાન, હિ. સન. ૩૨૯ના ચોથા નાએબ જનાબે અલી બિન મોહમ્મદ સમરીના મૃત્યુ પછી આ સિલસિલો કપાઇ ગયો અને ગયબતે કુબરાની શરૂઆત થઇ. જેમાં લોકોનો ઇમામ (અ.સ.)ની સાથેનો સીધો સંપર્ક કપાઇ ગયો. ઇમામે ઝમાના (અ.સ.) આપણી નજરોથી ઓજલ છે પણ એટલું યકીન છે કે તેઓ જીવંત છે, આ જમીન ઉપર છે અને લોકોની વચ્ચે આવ-જા કરે છે પરંતુ લોકોને આપ્ના ઠેકાણાની જાણ નથી. આ સમયે ઇમામે ઝમાના (અ.સ.)થી દૂરી એ મોઅમીનો માટે સૌથી મોટી મુસીબત છે.
૨. ઝાલિમોની હકુમત :
આ જમાનાની એક ખાસ મુસીબત એ છે કે આ સમયે દુનિયાના કોઇપણ ખૂણામાં ઇસ્લામના ન્યાયપૂર્ણ, ઇન્સાફ પ્રિય અને જીવન મહેકી ઉઠે તેવા કાયદાઓ સંપૂર્ણ પણે અમલમાં નથી. દરેક બાજુ અત્યાચારી અને અજ્ઞાન માણસોએ બનાવેલા અન્યાય ભર્યા કાયદાઓ અમલમાં છે અને રાજ્ય સત્તા ઉપર ઝાલિમો બિરાજમાન છે. અત્યાચારી કાયદાઓ અને ઝાલિમ હકુમતોના કારણે આખી દુનિયામાં અત્યાચાર ફેલાઇ ગયો છે. ઝુલ્મને ઝુલ્મ વડે મિટાવવાની જેટલી કોશીશ કરવામાં આવે છે એટલો જ ઝુલ્મ વધતો જાય છે.
૩. પરીક્ષા અને કસોટી :
આ સમય પરીક્ષા અને કસોટીનો છે. તેમાં જમાનાની સૌથી મોટી કસોટી એ છે કે આપણા ઝમાનાના ઇમામ (અ.સ.) આપણી આંખોથી ઓજલ છે અને ઝાલિમ હકુમતોનું શાસન ચાલી રહ્યું છે. ચારે તરફ ઝુલ્મ અને અત્યાચારનો અંધકાર છવાએલો છે અને દરેક ડગલે ને પગલે લપસી પડવાનો ભય છે. તેમાંથી ત્રણ બાબતો એવી છે કે જેમાં લપસી પડવાનો ભય જબરદસ્ત છે. એવું લપસી પડવાનું જેના પછી વિનાશ અને કયામતનો દર્દનાક અઝાબ છે.
ક. ભૌતિક લગાવ :
ભૌતિકવાદ અને ભૌતિક ઇચ્છાઓ પૂરી કરવામાં દરેક વ્યક્તિ કાર્યરત છે. જ્યાં સુધી તે તેની ઇચ્છાઓ પૂરી નથી કરી લેતો ત્યાં સુધી તેને ચૈન પડતું નથી અને તકલીફ એ છે કે હજી પહેલી ઇચ્છા પુરી થાય તે પહેલાં બીજી ઇચ્છા ઉભરાઇને સામે આવે છે. આ ઇચ્છાઓ પૂરી કરવા માટે માનવી જાએઝ-નાજાએઝ અને હલાલ-હરામની પરવા નથી કરતો. આની સૌપ્રથમ અસર એ થાય છે કે ઇસ્લામના નિયમોનું મહત્ત્વ ધીરે ધીરે ઘટતુ જાય છે, પછી તેની મયર્દિાઓની અવગણના થવા લાગે છે પછી તેનો વિરોધ થવા લાગે છે. છેવટે પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચે છે કે ઇન્સાન સંપૂર્ણપણે દીનથી વિમુખ થઇ જાય છે.
ખ. માનસિક તાણ :
આજના સમયનો ઇન્સાન અને ખાસ કરીને મુસલમાન જુદા જુદા માનસિક તણાવમાં સપડાએલો છે. ડગલેને પગલે એટલી મુશ્કેલીઓ અને એટલી શંકા કુશંકાઓ છે કે ઇમાનનું રક્ષણ એક મોટી સમસ્યા છે. આવા સમયે ઇમાનનું રક્ષણ કરવા માટે ભરપૂર કુરબાનીની જરૂર છે.
ગ. વાંધાઓ :
ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબત જેટલી લાંબી થતી જાય છે, ઇસ્લામ અને એહલેબયત (અ.સ.)ના દુશ્મનો તરફથી વાંધાઓમાં વધારો થતો જાય છે. ભૌતિક વલણ આપણને ઇમામ (અ.સ.)થી દૂર કરી રહ્યું છે.
જુદા જુદા પ્રકારના વિરોધો ઉભરી રહ્યા છે તથા જુના વિરોધોને નવા સ્વરૂપે રજુ કરવામાં આવી રહ્યા છે. આજની વ્યસ્ત જીંદગીમાં લોકો પાસે એટલો સમય નથી કે તેઓ આ વિરોધોના સાચા જવાબો કિતાબોમાંથી અથવા વિશ્ર્વાસપાત્ર આલીમ પાસેથી મેળવી શકે.
પરિણામ એ આવે છે કે ગઇ કાલ સુધી જે વાત વાંધાના સ્વરૂપે હતી તે ધીરે – ધીરે શંકાનું સ્વરૂપ ધારણ કરી લે છે તથા અકીદા ઉપર અસર થવા લાગે છે. તે ઇમામ કે જેમની ઇમામતનો અકીદો જીંદગીની રૂહ અને દીનની જાન છે તે ઝીંદગીમાં ગૌણ બની જાય છે. અને જેમ જેમ આ સમસ્યાઓ વધતી જાય છે તેમ તેમ આપણું ઇમ્તેહાન વધુને વધુ સખ્ત થતું જાય છે. એહલેબયત (અ.સ.)ના દીન ઉપર અડગ રહેવું મુશ્કીલ થઇ જાય છે. રિવાયતોમાં આ યુગને પરિક્ષા અને કસોટીનો યુગ કહેવામાં આવ્યો છે. આ એવા સ્થળો છે જ્યાં ઇન્સાન ડગમગી શકે છે. અગર દરેક પળે ખુદા અને રસુલથી મદદ તલબ કરવામાં ન આવે અને પ્નાહ મેળવવામાં ન આવે તો રોજબરોજ વધતા જતાં માનસીક તણાવ અને સામાજીક દબાણ હેઠળ એક વખત લપસી જાય તો આખેરત બરબાદ થઇ શકે છે. રિવાયતોમાં આ ગયબતે કુબરાના ઝમાનાને જુદી જુદી રીતે બયાન કરવામાં આવ્યો છે. રિવાયતોમાં જે પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે તેને અમુક શિર્ષકો નીચે બયાન કરવાની તક લઇએ છીએ. શિયા રિવાયતોની સાથે એહલે સુન્નતની રિવાયતોનો ઉલ્લેખ પણ કરશું.
૧. ઝુલ્મ અને અત્યાચારથી દુનિયાનું ભરાઇ જવું.
શીયા અને એહલે સુન્નત બંનેએ આ વિષય ઉપર ઘણી બધી રિવાયતો નકલ કરી છે.
“તે (ઇમામ મહદી અ.સ.) દુનિયાને ન્યાય અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે અત્યાચારોથી ભરાએલી હશે.
ઝુલ્મનો અર્થ માત્ર એ નથી કે કોઇ બીજાને વગર કારણે ઇજા પહોંચાડે કે કોઇ યતીમને તમાચો મારે. ઝુલ્મનો એક વિશાળ અર્થ છે કે ન્યાય અને ઇન્સાફના માર્ગથી ચલિત થઇ જવું, સીધા માર્ગ (સેરાતલ મુસ્તકિમ)થી ફરી જવું, તૌહિદના સંદર્ભમાં શિર્ક એ ઝુલ્મ છે, નબુવ્વતના સંદર્ભમાં કુફ્રએ ઝુલ્મ છે, ઇમામતના સંદર્ભમાં મુનાફીકપણુંએ ઝુલ્મ છે. આ બધા લોકો જે એક યા બીજા પ્રકારે તૌહિદ, નબુવ્વત અને ઇમામતથી ફરી ગયા છે તે ઝુલ્મમાં સપડાએલા છે. દુ:ખ તો એ વાતનું છે કે આજે દુનિયાના મોટા ભાગના લોકો સાચા માર્ગથી હટી ગયા છે અને દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી છે. આ તો અકીદા અને માન્યતાની વાત છે જ્યાં સુધી અમલી ઝુલ્મ, અત્યાચાર અને અન્યાયની વાત છે તો એ એક એવી હકીકત છે જેનો એહસાસ દરેકને થઇ રહ્યો છે. તેના માટે કોઇ સાબિતી કે કોઇ બનાવનું વર્ણન કરવાની જરૂરત નથી. આથી ઇલ્મી, અમલી, વ્યક્તિગત, સામુહિક, રાજકીય કે આર્થિક દરેક ક્ષેત્રમાં ઝુલ્મ જ ઝુલ્મ છે.
ઇન્શાઅલ્લાહ, જ્યારે હઝરત વલીએ અસ્ર (અ.સ.) તશ્રીફ લાવશે ત્યારે આ દુનિયા દરેક પ્રકારના ઝુલ્મ અને અત્યાચારથી પાક થઇ જશે. ચારે તરફ ન્યાય અને ઇન્સાફ હશે અને અત્યાચારનું નામો નિશાન પણ નહિં હોય.
૨. ફિત્નાઓ માથું ઉંચકશે :
હઝરત ઇમામ મોહમ્મદ તકી (અ.સ.) ફરમાવે છે :
“કાએમ (અ.સ.)નો ઝુહર નહિં થાય પણ એ સમય કે જ્યારે લોકો ઉપર સખત ભયનો સાયો હશે. ધરતીકંપો, ફિત્નાઓ અને બલાઓ ચારે બાજુએથી લોકોને ઘેરી લીધેલ હશે.
(ગયબતે નોઅમાની, પા. ૨૩૫)
ઇમામ જાઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :
“આ ધરતીમાં ફીત્નાઓ હશે અને ગુમરાહીઓની બિહામણી પરિસ્થિતિ હશે.
(ગયબતે નોઅમાની, પા. ૧૫૩)
એહલે સુન્નતમાં પણ આ પ્રકારની રિવાયતો જોવા મળે છે.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“અનકરીબ એવો ઝમાનો આવશે, કામો ઓછા થઇ જશે, અહમ અને સ્વાર્થ વધી જશે, ઇષ્ર્યા અને વેર વૃત્તિ સામાન્ય થઇ જશે અને ફિત્નાઓ તથા બળવો માથુ ઉંચકશે.
(સહીહ બુખારી ૧૬૧-૯)
“હં તમારા ઘરોમાં ફીત્નાઓની જગ્યા જોઇ રહ્યો છું, જેવી રીતે તમારા ઘરોમાં વરસાદ વરસતો જોઇ રહ્યો છું.
(સહીહ મુસ્લિમ, ૧૬૮/૮)
અરબી ભાષામાં ‘ફીત્ના’ શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે.
(ક) કસોટી અને પરિક્ષા
કુરઆને કરીમમાં ઇરશાદ છે.
اَحَسِبَ النَّاسُ اَنْ یُّتْرَکُوْٓا اَنْ یَّقُوْلُوْٓا اٰمَنَّا وَہُمْ لَا یُفْتَنُوْنَ۝۲
“શું લોકો એમ માને છે કે તેઓના એમ કહેવાથી કે અમે ઇમાન લઇ આવ્યા, તેઓને છોડી દેવામાં આવશે અને તેઓની કસોટી નહિં થાય.
(સુરએ અન્કબુત, આયત : ૨)
ઇમામ મુસા કાઝીમ (અ.સ.) આ આયતના બારામાં ફરમાવે છે :
يُفْتَنُونَ كَمَا يُفْتَنُ الذَّهَب‏
“તેઓની પરખ એ રીતે કરવામાં આવશે જે રીતે સોનાની પરખ કરવામાં આવે છે. તે પછી ફરમાવ્યું : “તેઓ એ રીતે ખરા અને નિર્મળ થઇ જશે જે રીતે સોનુ ખરૂ થઇ જાય છે.
(ગયબતે નોઅમાની-૨૦૨)
સોનાને શુદ્ધ કરવા માટે તેને અગ્નિમાં તપાવવું પડે છે અને કસોટી કરવામાં આવે છે. ફીત્નાનો એક અર્થ એ છે કે આ યુગમાં તમારી પરિક્ષા કરવામાં આવશે, તકલીફોની આગમાં તપાવીને તમને નિર્મળ અને ખરા કરવામાં આવશે તથા સ્પષ્ટ છે કે આ કોઇ સહેલું કામ નથી.
(ખ) ગુમરાહી અને ગુનાહ :
‘ફાતીન’ તેને કહે છે જે સાચા માર્ગથી હટી ગયો હોય તથા ગુમરાહ થઇ ગયો હોય. તેથી શયતાનનું એક નામ ‘ફાતીન’ પણ છે. સુરએ બની ઇસરાઇલની ૭૩મી આયત માં ઇરશાદ થાય છે.
આ શબ્દ કુરઆને કરીમમાં પણ આ અર્થમાં વપરાયો છે.
وَ إِنْ كادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنا إِلَيْك‏
“આ લોકો (કાફરો) આપ્ને એ માર્ગથી હટાવી દેવા માગે છે જેની અમે આપ્ની તરફ વહી કરી છે.
અગર ફીત્નાને ગુમરાહીના અર્થમાં લેવામાં આવે તો રિવાયતોનો અર્થ એમ થશે કે આખર જમાનામાં એવા બનાવો બનશે જેના કારણે લોકો સાચા માર્ગ – સેરાતે મુસ્તકીમથી હટી જશે.
(ગ) ખૂના મરકી :
સુરએ નિસાની આયત નં. ૧૦૧માં છે
اِنْ خِفْتُمْ اَنْ یَّفْتِنَکُمُ الَّذِیْنَ کَفَرُوْا۝۰ۭ
“તમને એ વાતનો ભય છે કે તે લોકો તમને કત્લ કરશે જેઓ કાફર થઇ ગયા છે.
દુનિયાની વર્તમાન સ્થિતિ એ વાતની સાક્ષી પૂરે છે કે ચારે તરફ આંતકવાદીઓના ભયનું વાતાવરણ છવાએલું છે. ચારે તરફ ખૂના મરકી સામાન્ય થઇ ગઇ છે.
અગર થોડો પણ વિચાર કરવામાં આવે તો આ બધા અર્થો તેનાથી મુરાદ હોય શકે છે. આખર જમાનાની હાલત એવી હશે કે જ્યાં લોકો સાચા મઝહબથી વિમુખ થઇ રહ્યા હશે, દીનથી નફરત હશે, શાંતિ અને સલામતિ ચાલી જશે, ખુના મરકી સામાન્ય બની જશે. આવા સંજોગોમાં સાચા દીન ઉપર અડગ રહેવું તે ખરેખરી કસોટી અને સખત પરિક્ષા છે.
૩. મુસીબતો અને આફતો :
રિવાયતોમાં આખર ઝમાનાની વિશેષતાઓમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે તે ઝમાનામાં બહજ મુસીબતો હશે લોકો મુશ્કેલીઓ અને આફતોના કારણે મોતની તમન્ના કરશે.
ઇમામ બાકિર (અ.સ.)એ એક લાંબી હદીસમાં ફરમાવ્યું છે :
“હઝરત કાએમ (અ.સ.)નો ઝુહર એ જમાનામાં થશે જ્યારે લોકોમાં સખત ભય વ્યાપેલો હશે, ધરતીકંપો થશે, ફીત્નાઓ અને બલાઓએ લોકોને ઘેરી લીધેલ હશે, તેના પહેલા પ્લેગ ફેલાશે, આરબોની વચ્ચે ભીષણ લડાઇ થશે, લોકોમાં જબરદસ્ત મતભેદ હશે, દીન વિખરાઇ જશે તથા પરિસ્થિતિઓમાં ફેરફાર અને પરિવર્તન આવશે. એટલે સુધી કે લોકો સવાર-સાંજ મોતની તમન્ના કરશે અને લોકો તરફથી પડતી મુશ્કેલીઓ અને તકલીફોના કારણે આવુ હશે. લોકો એક બીજાને ખાઇ રહ્યા હશે.
(બેહાર, ભાગ – ૫૨, પાના નં. ૨૩૧)
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“કયામત ત્યાં સુધી નહિં આવે જ્યાં સુધી માણસ કોઇ કબરની પાસેથી પસાર થશે તો કહેશે કે અય કાશ કે કદાચ હં આની જગ્યાએ હોત.
(સહીહ મુસ્લિમ, ભાગ – ૮, પાના નં. ૧૮૨)
માનવી મોતની તમન્ના ત્યારેજ કરે છે જ્યારે ચારે તરફ મુસીબતોજ મુસીબતો હોય. આખો સમાજ ગુમરાહીનો શિકાર હોય. હાલમાં દુનિયા જે સખ્ત બલા અને મુસીબતમાં ઘેરાયેલી છે તે અમુક માથાભારે, ઝાલિમ, સિતમગર, દયાહીન, સ્વાર્થી, ઘમંડી, હૈવાની સિફત ધરાવતા, શયતાની ખસલત ધરાવતા, ઇન્સાનના રૂપમાં હૈવાની આદતો ધરાવતા શખ્સો દ્વારા કરવામાં આવતાં ઝુલ્મો છે. જેઓ આખી દુનિયા પર જુદા જુદા બહાનાઓ હેઠળ તુટી રહ્યા છે. દરરોજ હલાક કરી નાખે તેવા શસ્ત્રોની શોધ થઇ રહી છે અને નવા નવા જીવલેણ હથિયારોનું ઉત્પાદન થઇ રહ્યું છે. દરેક વખતે એક નવા જ અંદાઝથી આતંકવાદ માથુ ઉંચકી રહ્યો છે. અગર થોડો વિચાર કરવામાં આવે તો એવું લાગે છે કે ન જાણે ક્યારે આ દુનિયા દારૂગોળાના ઢગલામાં બદલાઇ જશે.
આશ્ર્ચર્યની વાત તો એ છે કે જેની પાસે માનવીને સૌથી વધુ તબાહ અને બરબાદ કરવાના સાધનો છે, જેનો મોટા ભાગનો વેપાર શસ્ત્ર સામગ્રીનો છે, એ જ માનવતાની હમદર્દીના ઢોલ વગાડી રહ્યા છે. એક બાજુથી તેઓ આતંકવાદીઓને ઉંચી કિંમતે શસ્ત્રો વહેંચીને પોતાનો ધંધો વિકસાવી રહ્યા છે જ્યારે બીજી બાજુથી આતંકવાદીઓનો વિરોધ પણ કરી રહ્યા છે.
જો કોઇ ચીઝ ઇન્સાનને સુકુન અને ધરપત આપી શકે છે તો તે છે હઝરત ઇમામ મહદી (અ.સ.)ના ઝુહરનો અકીદો. આ અકીદો ઇન્સાનને સૌથી કપરા સંજોગોમાં પણ દીન ઉપર અડગ રહેવાની તાકત તથા ઉત્સાહ આપે છે.
૪. હયરત અને પરેશાની :
હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ફરમાવ્‌યું :
“તેઓ માટે હયરત અને ગયબત છે, જેમાં અમૂક લોકો ગુમરાહ થશે અને અમૂક હિદાયત મેળવશે.
(કમાલુદ્દીન : પાના નં. ૨૮૯)
ઇમામે ઝમાના (અ.સ.)ના ગાએબ રહેવાથી લોકો હયરાન અને પરેશાન થશે. આ હયરત અને પરેશાની આ મુજબ હશે.
(ક) અકીદાઓમાં હયરત હશે:
અજ્ઞાન અને ઇસ્લામીક શિક્ષણથી અજાણ લોકો જુદા જુદા વિરોધો અને શંકાઓથી હયરાન હશે.
(ખ) ઇમામ (અ.સ.)ના બારામાં અચંબો હશે:
લાંબી ગયબતના કારણે લોકો હૈરાન હશે. ઇમામ ક્યાં છે? કેમ છે? કેમ નથી આવતા? સંજોગોને બદલતા કેમ નથી? વિગેરે.
(ગ) માર્ગદર્શકના બારામાં પરેશાની હશે:
કોઇ એવા માર્ગદર્શક નહિં હોય જેના માર્ગદર્શન ઉપર સૌ સહમત હોય. તે સમયે ઘણા બધા રેહબરોનું હોવું લોકોને વધુ પરેશાન કરી દેશે.
૫. સખત મતભેદ :
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની હદીસ છે.
“હં તમને મહદી (અ.સ.)ની ખુશખબરી આપી રહ્યો છું જે મારી ઉમ્મતમાં જાહેર થશે. જ્યારે લોકો એક બીજા સાથે સખત મતભેદ અને ધરતીકંપોના શિકાર હશે તે દુનિયાને ન્યાય અને ઇન્સાફથી ભરી દેશે.
(ગયબતે શયખે તુસી, ૧૧૧)
હઝરત ઇમામ બાકિર (અ.સ.)એ આ જમાનાની ખાસીયતો આ રીતે બયાન ફરમાવી છે :
“લોકોમાં સખત મતભેદ હશે, દીન વિખરાઇ જશે, પરિસ્થિતિમાં ઉથલ પાથલ થશે.
(ગયબતે નોઅમાની – ૨૩૫)
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“નજીકમાં જ ફીત્ના, ફાટફૂટ અને મતભેદો જાહેર થશે.
(સોનને ઇબ્ને માજા-૨, ૧૩૧૦)
આં હઝરત (સ.અ.વ.)એ આ પણ ફરમાવ્યું :
“હં મારી ઉમ્મતના બારામાં જેનાથી ડરી રહ્યો છું તે ગુમરાહ કરનારા આગેવાનો છે.
(સોનને ઇબ્ને માજા, ભાગ – ૨, પાના નં. ૧૩૦૪)
વિચારશ્રેણીમાં મતભેદ અને અકીદામાં ભાગલા એ ઝુલ્મ અને ગુમરાહીનું સ્પષ્ટ સ્વરૂપ છે. આ એવી હકીકત છે કે જે આપણે જીંદગીના દરેક ભાગમાં બહ ખરાબ રીતે જોઇ રહ્યા છીએ. ધાર્મિક, રાજકીય, સામૂહિક, આર્થિક વિગેરે. આ મતભેદો અને ફાટફૂટે બધાને એવી રીતે ઘેરી લીધેલ છે કે ચારે તરફ લોકો એક બીજા સાથે ઝઘડી રહ્યા છે અને ખૂના મરકી ફેલાઇ રહી છે. ફીત્ના ફસાદનું બજાર ઉભરાય રહ્યું છે.
દરેક યુગમાં એવા લોકો હોય છે જે સમાજને ખોટા માર્ગે દોરે છે. રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતથી લઇને આજ સુધી આ ક્રમ ચાલી રહ્યો છે. આજે પણ દુનિયાના ચાહક અને આખેરતથી અજાણ એવા લોકોઓ મળી જશે જે લોકોને કાદીયાની અને બહાઇ જેવા જુઠ્ઠા મઝહબની તરફ આમંત્રણ આપી રહ્યા છે. આ ઉપરાંત એક જ વિચારધારામાં જુદી જુદી વ્યક્તિઓ જોવા મળે છે જે પોતપોતાના અભિપ્રાયો વ્યક્ત કરીને કૌમમાં સખત મતભેદ ઉભો કરીને કૌમને જુદા જુદા સમૂહોમાં ભાગલા પાડીને કૌમને નબળી બનાવી રહ્યા છે અને તેમને મૂળ તથા જરૂરી મસઅલાઓથી ફેરવીને તેમનો વિકાસ રોકી રહ્યા છે. બાતિલ મઝહબો તરક્કી કરી રહ્યા છે જ્યારે આપણે અંદરો અંદરના મતભેદોનો શિકાર છીએ.
(૬) હઝરત વલીએ અસ્ર (અ.સ.)ના બારામાં મતભેદ :
હઝરત ઇમામ બાકીર (અ.સ.)એ હઝરત વલીએ અસ્ર (અ.સ.)ની બીજા નબીઓ સાથેની સરખામણી બયાન કરતા ફરમાવ્યું:
“તે મતભેદ જ. ઇસા (અ.સ.)ની જેમ છે. અમૂક લોકો કહેશે કે તેઓ હજી પૈદા જ નથી થયા, અમૂક કહેશે કે પૈદા થયા હતા પરંતુ મૃત્યુ પામ્યા અને અમૂક કહેશે કે કત્લ કરી દેવામાં આવ્યા.
(કમાલુદ્દીન : ૩૨૭)
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“ખુદાની કસમ! તમારા ઇમામ લાંબા સમય સુધી તમારી નજરોથી ગાએબ રહેશે. તે જમાનામાં તમારી પરિક્ષા અને કસોટી થશે. અહિંયા સુધી કે અમૂક લોકો કહેશે કે તેઓ મૃત્યુ પામ્યા, નાશ પામ્યા, કોઇ ગુફામાં ચાલ્યા ગયા. જ્યારે મોઅમીનોની આંખો તેમના માટે આંસુ સારતી હશે.
(કમાલુદ્દીન, ૩૪૭)
આ વાત ઉપર તો ઇસ્લામના બધા ફીરકાઓ સર્વસંમત છે કે આખર જમાનામાં રસુલે ખુદા (સ.અ.વ.)ના વંશમાંથી એક વ્યક્તિ જાહેર થશે જેનો લકબ મહદી (અ.સ.) હશે. તેમનું નામ રસુલે ખુદા (સ.અ.વ.)નું નામ હશે. તેઓ દુનિયાને અદ્લ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. પરંતુ આ બાબતમાં મતભેદ છે કે તે જનાબે ફાતેમા (સ.અ.)ના વંશમાંથી હશે કે બીજા કોઇના વંશમાંથી, તે ઇમામ હસન (અ.સ.)ની ઔલાદમાંથી છે કે ઇમામ હસૈન (અ.સ.)ની ઔલાદમાંથી. તે પૈદા થઇ ચૂક્યા છે કે પૈદા થશે. જો પૈદા થઇ ચૂક્યા છે તો શું હજી સુધી જીવંત છે કે મૃત્યુ પામ્યા. જો જીવંત છે તો ક્યાં છે અને ક્યારે આવશે?
આ બધા વિવાદોનું કારણ એ છે કે દુનિયાએ રસુલે ખુદા (સ.અ.વ.)ના હકમ ઉપર અમલ નથી કર્યો. તેમની ખૂબજ વિશ્ર્વાસપાત્ર હદીસ છે :
“હં તમારા વચ્ચે બે મૂલ્યવાન વસ્તુઓ છોડીને જઇ રહ્યો છું. એક અલ્લાહની કિતાબ કુરઆન અને બીજી મારી એહલેબયત. જ્યાં સુધી તમે આ બંનેને વળગી રહેશો ત્યાં સુધી ગુમરાહ નહિં થાવ અને આ બન્ને એક બીજાથી ક્યારેય જુદા નહિં થાય, ત્યાં સુધી કે હવ્ઝે કવસર ઉપર મારી સાથે મુલાકાત ન કરી લે.
કારણકે મોટા – ભાગની ઉમ્મત એહલેબયત (અ.સ.)ના દરથી વળગી રહી નહિં અને તેઓની પાસેથી દીની તાલીમ મેળવી નહિં, તેથી સખત મતભેદનો શિકાર બની ગઇ, અને જ્યાં સુધી આ દુનિયા એહલેબયત (અ.સ.)ના દર પર નહિં આવે ત્યાં સુધી આ જ રીતે મતભેદોનો શિકાર રહેશે.
૭. ગુમરાહ હાકીમો :
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને જ્યારે હઝરત ઇમામ મહદી (અ.સ)ના ઝુહર સંબંધમાં પુછવામાં આવ્યું ત્યારે તેમણે ફરમાવ્યું :
“ખુદાવન્દે આલમે મારા ઉપર વહી કરી છે કે ઝુહર તે સમયે થશે જ્યારે ઇલ્મ ચાલ્યું જશે અને જહાલત સર્વ સામાન્ય થઇ જશે….. હાકિમો કાફિર થઇ જશે, રાજ્યનો દોરી સંચાર ગુનેહગારોના હાથોમાં હશે, તેઓના દોસ્ત અને મદદગાર અત્યાચારી હશે, તેઓના વિચારધારકો ફાસિક અને ખરાબ કાર્યો કરનારાઓ હશે.
(કમાલુદ્દીન, પાના નં. ૨૫૧)
હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:
“અને જુઓ હાકીમો કાફિરોની નજીક હશે અને સદ્કર્મીઓથી દૂર. સરપરસ્ત અને હાકિમો ચુકાદો આપવામાં લાંચ લેશે અને વધુની ખ્વાહીશ કરશે.
(મુન્તખબુલ અસર, ૪૨૯)
સહીહ મુસ્લિમમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી આ રિવાયત નકલ કરવામાં આવી છે.
“મારી પછી એવા માર્ગદર્શકો આવશે જે મારી હિદાયત અને રસ્તા ઉપર નહિં હોય. તેઓ મારી સુન્નત ઉપર અમલ નહિં કરે, ટૂંક સમયમાં તેઓની વચ્ચે એવા લોકો પૈદા થશે જેઓના દિલ શયતાન જેવા હશે અને શરીર ઇન્સાન જેવા.
(સહીહ મુસ્લિમ, ૬/૨૦)
આ રિવાયતોથી અમૂક બાબતો ફલિત થાય છે.
અ. આ હાકીમો મુસલમાનોના વંશમાંથી હશે અને તેઓના જ સંતાનો હશે.
બ. ઘર અને સમાજને ગુમરાહ કરનાર શિક્ષણ અને સંસ્કારે તેઓને ગુમરાહ બનાવી દીધા.
આવા હાકીમો કે જે તે બગડેલા વાતાવરણમાં ઉછરેલ શખ્સો હશે તેઓ રાજ્યની ખુરશી ઉપર બેસશે. તો સ્પષ્ટ છે કે તેઓના ઝાલીમ વલણના લીધે તેઓની પાસેથી ઝુલ્મ અને ફસાદ સિવાય બીજી શું આશા રાખી શકાય?
આ ગુમરાહીનો ક્રમ તો હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી જ શરૂ થઇ ગયો હતો. આ જ ગુમરાહીના પરિણામે બની ઉમય્યા અને બની અબ્બાસ સત્તા ઉપર આવ્યા હતા. જે ઇસ્લામે તકવા, પરહેઝગારી, ઇમાન અને નેક કાર્યો ઉપર ભાર મૂક્યો હતો અને દરેકને તેની તરફ બોલાવ્યા હતા તેના જ માનનારાઓએ રાજકતર્ઓિને દરેક પ્રકારના સારા ચારિત્ર્યથી મુક્ત કરી દીધા. હવે તકવા અને પરહેઝગારી, ઇમાન અને ઇમાનદારી રાજકતર્ઓિ માટે જરૂરી શર્ત તો શું પરંતુ વધારાની શર્ત પણ ન રહી. જેના સ્પષ્ટ દ્રષ્ટાંતો આજે ચારે બાજુએ જોવા મળે છે. જ્યાં સુધી આવા શખ્સો સત્તા ઉપર કબ્જો જમાવી રહેશે ત્યાં સુધી સમાજમાં ઝુલ્મ – અત્યાચાર અને ફિત્ના – ફસાદ વધતા જ જશે.
૮. કસોટી અને પરિક્ષા :
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“આ હકમ તમારા સુધી નહિ પહોંચે, પરંતુ નિરાશા પછી. નહિં, ખુદાની કસમ! ત્યાં સુધી કે તમને એક બીજાથી જુદા કરવામાં આવે નહિં, ખુદાની કસમ! ત્યાં સુધી કે તમારી કસોટી કરવામાં આવે નહિં, ખુદાની કસમ! ત્યાં સુધી કે શકી અને બદબખ્ત વધુ શકી થઇ જાય અને નેક અને ખુશબખ્ત વધુ નેક બની જાય.
(કમાલુદ્દીન : ૩૪૬)
એક બીજી રિવાયતમાં ફરમાવે છે.
“તે સમયે તમારી શું હાલત હશે જ્યારે તમે માર્ગદર્શક અને ઇમામ વગરના હશો અને તમે એક બીજા સાથે નફરત વ્યક્ત કરતા હશો. તે સમયે તમારી પરિક્ષા થશે અને તમને એકબીજાથી અલગ તારવવામાં આવશે અને તમને ચાળવામાં આવશે.
(કમાલદ્દીન : ૩૪૮)
એહલે સુન્નતના મશ્હર હદીસકાર ઇબ્ને માજાએ તેમના પુસ્તક જે ‘સોનને ઇબ્ને માજા’ના નામથી પ્રખ્યાત છે તેમાં આં હઝરત (સ.અ.વ.)ની એક રિવાયત નકલ કરી છે કે તેમણે ફરમાવ્યું :
“આવનારો સમય તમારા માટે કેવો હશે કે જે નજીકમાં જ આવશે. જ્યારે લોકોને ચાળવામાં આવશે, પસ્ત અને સામાન્ય લોકો રહી જશે. જે પોતાના વાયદા અને વચનને તોડી નાખશે, એક બીજા સાથે ઝઘડા અને મતભેદ કરશે અને આ જરૂર બનશે.
(સોનને ઇબ્ને માજા, ભાગ – ૨/૧૩૦૭)
હઝરત અલી (અ.સ.)એ એક રિવાયતમાં છેલ્લા જમાનાની કસોટી અને પરિક્ષા અંગે વિગતવાર વર્ણન કર્યું છે. જો આ હદીસો ઉપર વિચાર કરવામાં આવે તો એમ લાગે કે પવિત્ર ઇમામો જાણે આંખે દેખ્યો અહેવાલ વર્ણવી રહ્યા છે. રિવાયત આ પ્રમાણે છે.
તે ખુદાની કસમ! જેની કુદરતના કબ્જામાં મારૂ જીવન છે. જે તમે પસંદ કરો છો તે નહિં બને, ત્યાં સુધી કે તમે એક બીજાના મોઢા ઉપર થૂકો નહીં અને એક બીજાને ખોટા કહો નહીં. એટલે સુધી કે તમારામાંથી (અથવા મારા શીયાઓમાંથી) માત્ર એટલા લોકો બચી જશે, જેટલા આંખોમાં સુરમો કે ખાવામાં નમક. તમારા માટે એક ઉદાહરણ આપું છું. એક માણસ પાસે અનાજ હતું. તેણે તે પાક અને સાફ કર્યું અને એક રૂમમાં રાખી દીધું. એક લાંબા સમય સુધી ત્યાં રાખી મુક્યું. તેણે થોડા દિવસો પછી જોયું તો તેમાં કીડા પડેલા હતા. તેણે અનાજ બહાર કાઢીને પાક અને સાફ કર્યું અને ફરી એજ રૂમમાં રાખી દીધું. તેણે ઘણી વખત આ રીતે કર્યું. એટલે સુધી કે માત્ર થોડું અનાજ વધ્યું. હવે તેમાં કોઇ કીડો લાગી શકે તેમ હતું નહિં. આવી જ પરિસ્થિતિ તમારી હશે. તમને એક બીજાથી જુદા પાડી દેવામાં આવશે અને તારવવામાં આવશે તમારામાંથી માત્ર એ લોકોજ બાકી રહી જશે કે જેની ઉપર કોઇ ફીત્ના કે કસોટીની અસર નહિં થાય.
(ગયબતે નોઅમાની, પાના નં. ૨૦૯-૨૧૦)
આ રિવાયતોથી આપણને ખ્યાલ આવે છે કે આખર જમાનાની સ્થિતિ કેવી હશે અને કેવી કડક કસોટી થશે. લોકોને ચાળવામાં આવશે. તેનો અર્થ એવો થાય કે ઘણા બધા લોકો છંટાઇ જશે, ખૂબજ થોડા લોકો બાકી રહી જશે. “લોકોનું એક બીજાને ખોટા પાડવું અને મોઢા ઉપર થૂંકવું,થી મુરાદ કદાચ એમ હોય કે માણસ પોતાની જાતની બંદગી કરવા લાગે છે. જ્યારે તે તેની મજબુત પકડમાં સપડાય જાય છે ત્યારે તે પોતાના અહમ ઉપર કોઇ હમલો સહન કરી શક્તો નથી.
લાડકોડમાં ઉછરેલાનો અહમ એટલો નાજુક મિજાજ થઇ જાય છે કે માણસ તેનો જરાપણ વિરોધ સહન કરી શકતો નથી. તે દરેક રીતે પોતાને સાચો માને છે. આથી તે પોતાની વિરૂદ્ધના વિરોધને ખોટો ઠરાવે છે અને પોતાની જાત ઉપર હમલો ગણે છે. તેથી તે વળતો હમલો કરવો જરૂરી સમજે છે. તે ખામોશી અથવા બીજા શબ્દોમાં કહીએ તો ધીરજ અને સહનશીલતાને કાયરતા માને છે. તેથી તે વળતા હમલામાં સામેવાળાને ખોટો ગણાવે છે.
મોઢા ઉપર થૂંકવું તે હીકકતમાં થૂંકવાના અર્થમાં પણ હોય શકે છે અને દિલની વરાળ કાઢવી. દરેકના દિલમાં બીજા માટે જે તિરસ્કારની લાગણી હોય છે તેને જીભથી દર્શાવવી અને નાની એવી વાત ઉપર કલાકો સુધી બુરાઇ કરવી વિગેરે પણ મોઢા ઉપર થૂંકવાથી મુરાદ છે.
દેખીતું છે કે આવા વાતાવરણમાં પોતાની જાત ઉપર કાબુ રાખવો, દીનના રસ્તા ઉપરથી ફરી ન જવું, એહલેબયત (અ.સ.)ની તાલીમ ઉપર અમલ કરવો, ધીરજ ધરવી, દિલને શયતાનને અનુસરવાથી પાક રાખવું, ત્યાર પછી દિલમાં તે લોકો માટે મોહબ્બત રાખવી, તેઓના માટે દોઆ અને ઇસ્તેગફાર કરવો વિગેરે સહેલા કામ નથી. હકીકતમાં તો તે હથેળીમાં સળગતા અંગારા રાખવા સમાન અને કાંટાળી ડાળીને પકડી લેવા બરાબર છે.
આ બધું શું કામ થશે?
આ કડક પરિક્ષા એટલા માટે થશે કે ઇમામે ઝમાના (અ.સ.) વડે જે વિશ્ર્વ હકુમત સ્થાપિત થશે તે એવી અજોડ હકુમત હશે, જે દુનિયાની શરૂઆતથી આજ સુધી ક્યારેય સ્થાપવામાં આવી નહિં હોય. આવી અદ્ભુત અને અજોડ વિશ્ર્વ હકુમત માટે તેવાજ સાથીદારો અને મદદગારોની જરૂરત છે. કારણ કે આ બધા કામો ચમત્કાર કે મોઅજીઝાથી નહિં થાય. તેથી દુનિયાની હકુમત માટેની વ્યક્તિઓની કેળવણી માટે આવી સખત પરીક્ષા અને કસોટીની જરૂર છે. કુરઆને કરીમમાં અસંખ્ય જગ્યાએ પરીક્ષા અને કસોટીનો ઉલ્લેખ છે. સુરએ આલે ઇમરાનની આયત નં. ૧૭૯માં છે કે :
مَا کَانَ اللہُ لِیَذَرَ الْمُؤْمِنِیْنَ عَلٰی مَآ اَنْتُمْ عَلَیْہِ حَتّٰى یَمِیْزَ الْخَبِیْثَ مِنَ الطَّیِّبِ۝۰ۭ
“(હે મુનાફીકો!) અલ્લાહ એવો નથી કે જે સ્થિતિમાં તમે છો તેજ સ્થિતિમાં મોઅમીનોને (તમારી સાથે એકઠા મળી) રહેવા દે, અહીં સુધી કે તે નાપાકને પાકથી જુદા પાડી ન નાખે.
આજ સુરાની આયત નં. ૧૪૧-૧૪૨માં છે.
وَلِیُمَحِّصَ اللہُ الَّذِیْنَ اٰمَنُوْا وَیَمْحَقَ الْکٰفِرِیْنَ۝۱۴۱
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّۃَ وَلَمَّا یَعْلَمِ اللہُ الَّذِیْنَ جٰہَدُوْا مِنْکُمْ وَیَعْلَمَ الصّٰبِرِیْنَ۝۱۴۲
“અને એ માટે કે અલ્લાહ ઇમાન લાવનારાઓની કસોટી કરે અને કાફીરોને નાબુદ કરે (હે મુસલમાનો!) શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં એમ જ ચાલ્યા જશો? જ્યારે કે હજુ સુધી અલ્લાહે (તમારી કસોટી કરીને) જોઇ નથી લીધું કે તમારામાંથી જેહાદ કરવાવાળા કેટલા છે અને વળી તમારામાંથી ધૈર્યવાન કેટલા છે.
આ વાત ધ્યાનમાં રહે કે આ પ્રકારની પરીક્ષાનો અર્થ એમ નથી કે ખુદા જોવા માગે છે કે કોણ કેવો છે. એવું હરગિઝ નથી. બલ્કે આ કસોટીની અસર એ થાય છે કે લોકોમાં જે ખૂબીઓ છુપાએલી છે તે ઉભરાઇને બહાર નિકળે, સાચા ખોટા એક બીજાથી જુદા પડી જાય, સંજોગોની ભઠ્ઠીમાં શેકાઇ શેકાઇને આપણે પુખ્ત અને નિર્મળ બની જઇએ. નહિં તો ખુદા તો દરેકની પરિસ્થિતિને જાણે જ છે.
આપણી જવાબદારીઓ :
અઇમ્મએ માઅસુમીન (અ.સ.)એ આ રિવાયતો થકી આવનારા જમાનાનું સ્પષ્ટ ચિત્ર રજુ કરી દીધું છે. પરંતુ શું આ બધી રિવાયતોને ફક્ત જાણી લેવાથી આપણી જવાબદારીઓ પૂર્ણ થઇ જાય છે? નહિં, બલ્કે આપણી જવાબદારીઓમાં વધારો થઇ જાય છે. આ સંજોગોમાં આપણી જવાબદારીઓ કંઇક આ મુજબ છે.
૧. સુધારણા :
સમાજની આ પરિસ્થિતિ આપણા કાર્યોનુંજ પરિણામ છે. કુરઆને કરીમમા છે :
“જમીન અને આસમાનના ફસાદ માનવીના આમાલનું પરિણામ છે.
(સુરએ રૂમ : ૪૧)
આ ઉપરાંત કુરઆને કરીમમાં આ પણ છે.
“ખુદાવન્દે આલમ તે કોમની હાલત તે સમય સુધી નથી બદલતો જ્યાં સુધી તે ખુદ પોતાની હાલત ન બદલે.
(સુરએ રઅદ : ૧૧)
જ્યારે વર્તમાન પરિસ્થિતિ આપણી અખ્લાકી અને અમલી કમીને લીધે છે તો પછી તેની સુધારણા ત્યારેજ શકય છે જ્યારે પરિવર્તન લાવવા માટે અડગ પગલાં ભરવામાં આવે અને દરેક વ્યક્તિ પોતાની સુધારણા તરફ ધ્યાન કેન્દ્રીત કરે.
ઇમામની બારગાહમાં હાજરી :
જ્યારે માણસ બિમાર પડી જાય છે ત્યારે તેને સ્વસ્થ બનાવવા માટે ડોક્ટર પાસે નિદાન કરાવવા જવું પડે છે. તેવીજ રીતે જો આપણી દીની, અમલી અને અખ્લાકી સ્થિતિ ખરાબ થઇ ગઇ છે તો પાક હસ્તીઓની બારગાહમાં હાજર થવું જરૂરી છે. જેઓને ખુદાવન્દે આલમે નફસની પાકીઝગી માટે નિમ્યા છે. સ્પષ્ટ વાત એ છે કે ડોક્ટર પાસે આપણે પોતે જવું પડે છે અને પોતાની જાતને તેની સામે રજુ કરવી પડે છે. તેની સલાહને ધ્યાનથી સાંભળીને તેની ઉપર અમલ કરવો પડે છે અને આપણા તરફથી કોઇ મત રજુ કરવાનો હોતો નથી. અગર આપણે આપણા નફસ, અમલ અને ચારિત્ર્યની સુધારણા ચાહતા હોઇએ તો આપણે આપણા ઇમામ (અ.સ.)ની પવિત્ર બારગાહમાં હાજર થવું જોઇએ. કાકલુદી અને રોકકળ કરવી જોઇએ તથા નિખાલસ દિલથી નફસની સુધારણા માટે આજીજી કરવી જોઇએ. ખુદાવન્દે આલમે તેઓને એવી શક્તિ અર્પણ કરી છે કે તેઓની એક નજર આપણામાં પરિવર્તન લાવી શકે છે. જે રીતે રસુલે ખુદા (સ.અ.વ.)એ મુશ્રિકોના દિમાગ અને દિલને પલ્ટાવીને તેમને ઇસ્લામની તંદુરસ્ત જીંદગી તરફ દોયર્,િ અને જેવી રીતે ઇમામ હસૈન (અ.સ.) જનાબે ઝોહૈરમાં અને જનાબે હરમાં ક્રાન્તિ લાવ્યા. ઇમામે ઝમાના (અ.સ.) ગયબતના પદર્મિાં જરૂર છે પરંતુ આપણાથી હરગીઝ ગાફીલ નથી. આપણા દરેક અમલ ઉપર તેમની નજર છે. તેમની એક તૌકીઅમાં તેઓ ફરમાવે છે: “જો કે અમે હાલમાં જાલીમોની વસ્તીથી દૂર જીવન પસાર કરી રહ્યા છીએ. ખુદાએ તેમાં જ અમારા માટે અને અમારા શિયાઓ માટે પોતાની મસ્લેહત ગણાવી છે, જ્યાં સુધી કે હકુમત જાલીમોના હાથમાં રહે.
فَإِنَّا نُحِيْطُ عِلْمًا بأنبائِكُمْ وَ لاَ يعزبُ عَنًا شَيْ‏ءٌ مِنْ أخبارِكم‏
“પરંતુ અમારા ઇલ્મે તમારી બધી માહિતીઓને ઘેરી લીધેલ છે તમારી કોઇ વાત અમારાથી છુપાએલી નથી.
જ્યારે વાત આમ છે તો પછી આપણી જવાબદારી એ છે કે આપણે આપણા ઇમામ (અ.સ.)ની પવિત્ર બારગાહમાં આપણા પુરા વજુદ સાથે હાજર થઇએ અને તેમની પાસે આપણી સુધારણા માગીએ. આ હાજરી માટે ક્યાંય પણ જવાની જરૂરત નથી. માત્ર શુદ્ધ દિલથી પોતાના ગુનાહોથી તૌબા અને ઇમામ (અ.સ.)થી તવસ્સુલ અને ઇસ્તેગાસા કરીએ. આ તવસ્સુલ અને ઇસ્તેગાસાને વધુ અસરકારક બનાવવા માટે સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હસૈન (અ.સ.)ના મસાએબનો ઝિક્ર અને તેમનો વાસ્તો આપીએ. કારણકે ન તો આપણે અને ન તો આપણા અમલ અને અખ્લાક એ લાયક છે કે ઇમામે ઝમાના (અ.સ.)ની ખિદમતમાં રજુ થઇ શકે. સય્યદુશ્શોહદાનો ગમ સૌથી ઉત્તમ વસીલો છે. ઇમામે ઝમાના (અ.સ.) ખુદ ફરમાવે છે.
“હં તે મોઅમીન માટે દોઆ કં છું જે મારા શહીદ જદ્દના મસાએબનું વર્ણન કરે છે અને મારા ઝુહર અને મદદ માટે દોઆ કરે છે.
(મીક્યાલુલ મકારિમ, ભાગ – ૨, પાના નં. ૩૬)
૨. ધીરજ
આ સંજોગોમાં એક મહત્ત્વની જવાબદારી ધીરજ છે. ધીરજના અમૂક પ્રકારો છે.
પરંતુ સૌથી પહેલા એ સ્પષ્ટ થઇ જાય કે ધીરજનો અર્થ એમ નથી કે આપણે હાથ ઉપર હાથ રાખી, ચૂપચાપ બેસીને પરિસ્થિતિઓનો અભ્યાસ કરતા રહીએ અને રાહ જોતા રહીએ. પરંતુ ‘સબ્ર’ મક્કમ રીતે અડગ રહેવાનું નામ છે. જો તમે ધીરજ ધરશો તો એકસોની શક્તિ બસો જેટલી થઇ જશે.
આનો અર્થ એમ થાય કે ધીરજ એક એવી ચીજ છે કે જે એક વ્યક્તિને તેની તાકતથી બમણો શક્તિશાળી બનાવી દે છે.
(૧) દુશ્મનોના ઝુલ્મો ઉપર સબ્ર :
વર્તમાન યુગમાં દરેક તરફ ઝુલ્મ અને અત્યાચારનું બજાર ગરમ છે. રાજ્ય સત્તાઓ નવા નવા ઝુલ્મો શોધી રહી છે. આવામાં એ મોઅમીનો માટે ખુશખબરી છે કે જેઓએ સબ્ર કરી અને અડગતાથી પોતાના દીનિ મુલ્યોનું રક્ષણ કરી રહ્યા છે. જેમ કે ઇમામે સાદિક (અ.સ.) ફરમાવે છે :
“શું તમે નથી જાણતા જે અમારા અમ્રનો ઇન્તેઝાર કરી રહ્યા છે અને જે તકલીફો અને ભયનો તેઓ સામનો કરી રહ્યા છે તેની ઉપર ધીરજ ધરી રહ્યા છે તે કાલે (કયામતમાં) અમારા સમૂહમાં હશે!!!
(બેહાર, ૫૨/૨૫૬, હ. ૧૪૭)
(૨) મુશ્કેલીઓ અને આફતો ઉપર ધીરજ
જ્યારે ઘરના રક્ષક દૂર ચાલ્યા જાય છે ત્યારે મુશ્કેલીઓ આવી પડે છે. કારણકે દુશ્મનો ભૂગર્ભમાંથી બહાર આવી જાય છે. હાલમાં ઇમામે ઝમાના (અ.સ.) ગયબતના પરદામાં છે અને જાહેરી રીતે લોકોની નજરોની સામે નથી. આથી મોઅમીનો ઉપર અનેક પ્રકારની બલાઓ અને આફતો આવી પડે છે.
અબુ સલાહે કનાનીએ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)ની ખિદમતમાં અરજ કરી :
અય અબા અબ્દીલ્લાહ! (આ ઇમામ સાદિક (અ.સ.)ની કુન્નીયત છે) હં આ વૃદ્ધાવસ્થામાં મારા સંતાનો અને મારા ભાઇઓ મને જે ઇજાઓ પહોંચાડે છે તેની ફરિયાદ કં છું. (આ શબ્દો અબુ સેલાહના છે પરંતુ આજે દરેકના દિલમાંથી આજ અવાજ નિકળે છે)
ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું : અય અબુ સેલાહ!
“ખરેખર હકની એક હકુમત છે અને બાતિલની પણ એક હકુમત છે. દરેક હકુમતમાં બીજી હકુમતના લોકો અપમાનિત હોય છે. બાતિલ હકુમતમાં મોઅમીનોને જે ઓછામાં ઓછી વસ્તુ મળશે તે પોતાના સંતાનો તરફથી ઝુલ્મ અને ભાઇઓ તરફની ઇજા હશે. અગર મોઅમીનને બાતિલ હકુમતમાં કોઇપણ આરામ અને શાંતિ મળે તો તેની સાથે તેને કોઇ ને કોઇ મુસીબત જરૂર નસીબ થશે. ચાહે તે તેના શરીરમાં હોય, માલમાં હોય અથવા અવલાદમાં. ત્યાં સુધી કે ખુદા બાતિલ હકુમતમાં મળનારી દરેક રાહતની ગંદકીથી મોમીનને સ્વચ્છ ન કરી દે. જેથી હકની હકુમતમાં તેને સંપૂર્ણ હિસ્સો મળી શકે. તેથી ધીરજ ધરો અને ખુશ રહો.
(કાફી, ૨/૪૨૧, હદીસ. ૧૨)
આ હદીસથી એ જાણવા મળે છે કે મોઅમીનોને માત્ર કાફીરો અને ઝાલીમો એટલે કે ફક્ત પરાયા લોકોથી જ ઇજાઓ નહિં પહોંચે પરંતુ પોતાના લોકો તરફથી પણ બલાઓ અને ઇજાઓ પહોંચશે.
આ વાત અમે વારંવાર અર્ઝ કરી છે કે દીને હક ઉપર અડગ રહેવું, એહલેબયત (અ.સ.)ની તાલીમ ઉપર અમલ કરવો અને ખુદાની ખુશી ખાતર આપણી દીનિ ફરજો પૂરી કરવી, લોકો ઇજા પહોંચાડે યા મલામત કરે એ છતાં દીનની વિરૂદ્ધ કોઇ કામ ન કરવું. તે ધીરજ અને સબ્રનું સૌથી ઉંચું સ્થાન છે. અહિં અમલ કરવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ અને સુંદર નમૂનો ખુદ આપણા ઇમામે ઝમાના હઝરત હુજ્જત ઇબ્નિલ હસનિલ અસ્કરી (અ.સ.)ની પવિત્ર જાત છે. જે રીતે તેમનો હક આંચકી લેવામાં આવ્યો, જે રીતે તેમને ગયબતમાં જવું પડ્યું, તેમના ઉપરના થતાં વિરોધો, તેમના શીયાઓ ઉપર થતાં અત્યાચારો, શહેરથી દૂરનું જીવન, ગયબતનું લાંબુ જીવન…. આ બધું આપ્ના ઉપર કેટલું દુ:ખદ છે તેનો અંદાજ માનવીની અક્કલમાં આવી શકે તેમ નથી.
આથી આપણે આપણા ઇમામે ઝમાના (અ.સ.)ની પવિત્ર બારગાહમાં કરબલાના શહીદોના વાસ્તાથી કરગરીને, ધીરજ અને સબ્ર તથા દીને હક ઉપર અડગ રહેવાની અરજ નિર્મળ દિલે કરવી જોઇએ. આ એક માત્ર દરવાજો છે જે આપણી વર્તમાન પરિસ્થિતિની વિનાશક બાબતોથી આપણું રક્ષણ કરી શકે છે.
اَللّٰھُمَّ عَجِّلْ فِيْ فَرَجِ مَوْلاَنَا صَاحِبَ الزَّمَانِ

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.