Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૭

અલ્લાહની સમિપતાનું માધ્યમ

Print Friendly

‘ફ કુલ ઇન્નમલ ગયબો લીલ્લાહે ફન્તઝેરૂ ઇન્ની મઅકુમ મેનલ મુન્તઝેરીન’
(અય રસુલ!) તમે કહી દો કે ગૈબની વાત તો માત્ર અલ્લાહ માટે ખાસ છે તમે પણ પ્રતિક્ષા કરો અને તમારી સાથે હું પણ (નિશંસય) પ્રતિક્ષા કરનારાઓમાં છું. (સુરએ યુનુસ 10, આ. 20)
જો માનવી પોતાના યુગના ઇમામ સાથે રૂહાની સંપર્ક નથી રાખતો તો તેમાં શંકા નથી કે તે કોઇ પ્રકારનો રૂહાની અને અર્થ પૂર્ણ લાભ નથી મેળવી શક્તો. આમ હોવા પછી શું કોઇ સંપર્ક અને સંબંધ જાળવી શકે છે? આ સવાલનો જવાબ ખુદ કુરઆન હકીમે આ શબ્દોમાં આપ્યો છે,
‘એ ઇમાનદારો! અલ્લાહથી ડરતા રહો અને તેની સમિપતાના માઘ્યમની શોધમાં રહો’ (સુરએ માએદાહ, 35) તફસીરે કુમ્મીમાં ઇમામ (અ.સ.) ફરમાવે છે : ઇમામના વસીલા અને માઘ્યમ થકી અલ્લાહની નઝદીકી તલાશ કરો. ઇબ્ને શહેર આશુબે મૌલાએ મુત્તકીયાન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)થી ઉપરોક્ત આયતના સંદર્ભમાં નકલ કરી છે કે તે હઝરત અલયહિસ્સલાતો વસ્સલામ એ ફરમાવ્યું : હું ખુદાનું માઘ્યમ (વસીલો) છું. (મનાકેબે ઇબ્ને શહરે આશુબ, જી. 3/75)
એક માણસ ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) અને ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને અરજ કરી : એક જમાઅતને જોઉં છું કે જાહેરમાં ઇબાદત અને અલ્લાહના હુકમોના સખ્તાઇથી પાબંદ છે અને જાહેર રીતે એકાગ્રતાથી ઇબાદત કરે છે. તો શું આ ઇબાદતો તેઓને ફાયદારૂપ છે, જયારે તેઓને આપ હઝરત (અ.સ.) ની સાથે જરાપણ સંપર્ક નથી? ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું : બની ઇસરાઇલમાં એક જમાત એવી હતી જેઓમાં કોઇ વ્યક્તિ ચાલીસ રાતો સુધી દોઆ કરતી તો તેની દોઆ કબુલ થઇ જતી હતી એક માણસ સતત ચાલીસ દિવસ સુધી દોઆ કરી પરંતુ તેની દૂઆ કબુલ ન થઇ. તે હઝરત ઇસા (અ.સ.) સમક્ષ હાજર થયો અને દોઆ કબુલ ન થવાની ફરિયાદ કરીને તે હઝરત (અ.સ.) થી પોતાના માટે દૂઆ કરવાની માંગણી કરી. હઝરત ઇસા (અ.સ.) બે રકાઅત નમાઝ પડ્યા અને પછી દોઆ કરી. વહી ઉતરી ‘અય ઇસા! એ માણસે મેં હુકમ આપ્યો હતો એ રસ્તાથી હટીને અને એ વસીલાથી દૂર રહીને ઇબાદત કરી છે. તે દોઆ તો કરે છે પરંતુ તેના દિલમાં તારી નબુવ્વત અને મહાનતા વિષે શક છે. આ રીતે જો તે એટલી દોઆ કરે કે તેની ડોક કપાઇ જાય અને તેના શરીરના સાંધે સાંધા જુદા થઇ જાય તો પણ હું તેની દોઆ હરગીઝ – ક્યારે પણ કબુલ નહીં કરૂં.’ જમાનાનાં ઇમામ, સૃષ્ટિ, તેનું સર્જન તૌહિદ (અલ્લાહનું એક હોવું) અને મઅરેફત (દિવ્ય જ્ઞાન) ના હુકમો અને અમલોમાં એક ચાવીરૂપ ચારિત્ર્ય અદા કરે છે તેના માટે અન્ય માઘ્યમ વગર અસંભવ છે કે કોઇ વ્યક્તિ જ્ઞાન, પરીપકવતા અને રૂહાનિય્યતના ઉચ્ચ દરજ્જા સુધી પહોંચી શકે. જે લોકો પોતાની સમજ આંતરિક અને બાહ્ય જ્ઞાનના આધારે અલ્લાહના હક્કો સુધી પહોંચવામાં ઇમામ (અ.સ.)ના અસ્તિત્વ અને ઓળખને બિન-અસરકારક અને અર્થ વગરની સમજે છે તે વાસ્તવામાં અજ્ઞાનતા અને અણસમજના સ્વપ્નમાં પડીને સૂઇ રહ્યા છે. અને પોતાની ક્ષુલ્લક સમજમાં પોતાની જાતને એકલા વ્યક્તિવાદી તરીકે કલ્પ્ના કરે છે. જો કે તે માત્ર કુફ્રની સ્થિતિમાં પોતાના જીવનના દિવસો વિતાવી રહ્યા છે. ખબર નથી આવા લોકો અજ્ઞાનતાની ઉંઘમાંથી ક્યારે ચોંકી ઉઠશે પરંતુ દુ:ખની સાથે કહેવું પડે છે કે જો આવા લોકો જાગૃત થશે તો એવા સમયે જાગૃત થશે કે જ્યારે વાત સરી ચૂકી હશે, સમય વિતી ચૂક્યો હશે, પસાર થએલા સમયનું પાછું ફરવું શક્ય નથી જેથી તે વિતી ગએલી વાતોને ભરપાઇ કરી શકે.
તરજૂમો : ‘તે દિવસે મુનાફિક (દંભી) સ્ત્રી – પુરૂષો ઇમાનદારોને કહેશે કે એક લાગણીભરી નજર અમારી તરફ પણ કરો જેથી અમે પણ તમારી દિવ્યતામાંથી – તમારા નૂરમાંથી થોડા પ્રકાશ મેળવીએ તો તેઓને કહેવામાં આવશે, તમે તમારી દુનિયામાં પાછા ફરો અને ત્યાં કોઇ નૂરની શોધ કરો.’ (સુરએ હદીદ, 13)
હવે આપજ બતાવો કે શું આ અગત્યનું વ્યક્તિત્વ પવિત્રતાને – એહતેરામને લાયક નથી? મોહબ્બતને લાયક નથી? જો તકય્યાનો અવકાશ નથી તો શું આ એહતેરામભર્યા વ્યક્તિત્વના દુશ્મનોથી દિલ, જીવ અને કાર્યથી દૂર રહેવું તે ‘તબર્રા’નો અમલ નથી? શું તે ઇમાન અને ઇસ્લામના દુશ્મનોનો તિરસ્કાર આપણો અમલ ન હોવો જોઇએ? નિશંક! અક્કલ અને ઇમાનની જરૂરિયાતજ એ છે. તેમ છતાં તેના ટેકામાં જ્યારે આપણે આયતો અને રિવાયતો ઉપર દ્રષ્ટિપાત કરીએ છીએ – શોધખોળ કરીએ છીએ તો આપણને આ વિષય અંગેની અસંખ્ય આયતો અને રિવાયતો મળે છે કે મઝહબનો પાયો અને અલ્લાહની સાચી મોહબ્બત તેના દુશ્મનો અને વિરોધીઓથી દૂર રહેવું અને તિરસ્કાર કરવો તે છે. આજે મોહબ્બત, દૂરી અને તિરસ્કાર ઇમાનની મજબૂત સાંકળ છે. જે ને ‘ઉરવતુલ વુસ્કા’ ના નામથી પ્રાયોજિત કરવામાં આવે છે.
એક દિવસ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાના સાથીદારોને ઉદ્દેશીને જણાવ્યું : ઇમાનના સંબંધમાં સૌથી મજબૂત સંબંધ ક્યો છે? અમૂક સાથીઓએ જવાબ આપ્યો : નમાઝ, અમૂકે કહ્યું – રોઝા. અમૂક કહ્યું – જેહાદ. એક સમૂહ બોલ્યો – હજ્જ અને ઉમરહ. આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું : આ બધી બાબતો નિશંક તેના સ્થાન ઉપર મૂલ્ય અને મહત્વ ધરાવે છે પણ તેને મજબૂત (દોરી) (ઉરવતુલ વુસ્કા) ન કહી શકાય. પરંતુ સૌથી વધુ મજબૂત ઇમાનનો સંબંધ
‘અલ્લાહના માટે દોસ્તી અને અલ્લાહના માટે દુશ્મની, ખુદાના અવલેયાનું અનુસરણ અને ખુદાના દુશ્મનો પ્રત્યે તિરસ્કાર અને તેમનાથી દૂર રહેવું’ તે આપણી સૌની પ્રથમ ફરજ છે. (ઉસુલે કાફી, પુ. 3, પા. 190)
અલ્લાહથી મોહબ્બત અને અલ્લાહના દુશ્મનોથી નફરત કરવી તેનો ત્યાં સુધી અમલ થઇ શકતો જ નથી જ્યાં સુધી કોઇ વ્યક્તિ આયતો અને રિવાયતના મૂળ અર્થ મુજબ ખુદાની હુજ્જતો (અઇમ્મએ તાહેરીન)થી મોહબ્બત અને તેઓના દુશ્મનોથી દૂરી અને નફરત પ્રદર્શિત ન કરતો હોય.
એવી ઘણી રિવાયતો પણ મૌજુદ છે જેમાં આપણે વાંચીએ છીએ. :
‘જે વ્યક્તિ અમે અહલેબૈત રિસાલત (અ.સ.)થી મોહબ્બત રાખે છે તે અલ્લાહને પણ મહેબૂબ રાખે છે અને જે વ્યક્તિ અમે અહલેબય્ત (અ.સ.) થી કિનો અને દુશ્મની રાખે છે તે અલ્લાહથી પણ બુગ્ઝ અને દુશ્મની રાખે છે.’ (બેહાર, પુ. 27, પા. 88)
ઝીયારતે જામેઆ સગીરહના લખાણના લખાણને જુઓ : ‘સલામ થાય તે પવિત્ર વ્યક્તિઓ ઉપર જે વ્યક્તિ તેમનાથી મોહબ્બત કરે છે તો તે અલ્લાહથી પણ મોહબ્બત કરે છે અને જે તેઓનાથી દુશ્મની અને – અદાવત રાખે છે. તો તે અલ્લાહથી પણ દુશ્મની અને અદાવત રાખે છે અને જેણે તેઓને ઓળખી લીધા તો નિશંક તેણે અલ્લાહને પણ ઓળખી લીધો અને જે અજ્ઞાન અને અજાણ રહ્યો તે અલ્લાહ થી પણ અજાણ અને દૂર રહ્યો . ’ (મફાતીહલ જીનાન, ઝીયારતે જામેઆ સગીરા)
જો આપણે ઝીયારતે જામેઆ કબીરાના વાક્યોને ઊંડા ઘ્યાનથી અભ્યાસ કરીએ તો કોઇપણ અપવાદ વગર એ સઘળા વાક્યો આ હકીકતની બોલતી તસ્વીર છે. જેને નકારવું સંભવ નથી. અલબત્ત આ મોહબ્બત અને નફરત અને દૂરી અખત્યાર કરવી તે હૃદયના પરદામાંથી નિકળી જીભ સુધી આવવી જોઇએ અને જીભ ઉપર આવ્યા પછી એક મોમીન બંદાના અમલમાં પરિણમવું જરૂરી છે. જો આ ત્રણેય બાબતો મોહબ્બત, નફરત અને દૂરી અખ્તારી કરવી, તેમાં કાર્યરત થઇ જાય તો તેનું ઇમાન સંપૂર્ણ થઇ જાય નહિ તો ખુદાની સમક્ષ તેની દીનમાં તેની કોઇ કદર અને કિંમત નહીં હોય.
પયગમ્બરે અકરમ (સ.અ.વ.) થી ઇરશાદ છે : ‘ઇમાન જીભથી ઇકરાર (કબુલ કરવું) દિલથી ઓળખ અને અંગ – ઉપાંગોથી કાર્યશીલ થવાને કહેવામાં આવે છે.’(બેહાર, પુ. 64, પા.69)
આ વિષય સ્વયં તેના સ્થાને ઘણો મહત્વનો છે કે મોહબ્બતની અપેક્ષા પણ એજ છે કે પ્રિય પાત્રના કાર્યની ખુશી અને પસંદગી મુજબ હોય. નહિ તો મોહબ્બત તેના મૂળ અર્થ અને સમજથી અલિપ્ત થઇ જશે. મૌલાએ કાએનાત ફરમાવે છે :
‘જે વ્યક્તિ અમને દોસ્ત રાખે છે તેની ફરજ કે તે જે કાર્ય કરે તે અમારા કાર્ય મુજબ કરે એટલે કાર્યમાં અમને અનુસરે’(બેહાર, પુ. 67, પા. 30)
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે : ‘હું તે વ્યક્તિને મોઅમીન પણ નથી ગણતો જે તેના સમગ્ર કાર્યમાં અમને અનુસરનાર અને અનુકરણ કરવાની ઇચ્છા ન ધરાવતો હોય.’(ઉસુલે કાફી, પુ. 3, પા. 124)
આ ચર્ચાને આ સ્થાને પુરી કરતા એટલું જ કહેવું છે કે અર્થ જાણનારા બુદ્ધિમાન અને સમજદાર લોકો આ હુકમને ખૂબીપૂર્વક જાણે છે કે ખુદાવંદે તબારક વ તઆલાએ ધરતી ઉપર પોતાના ખાસ પ્રતિનિધી ઇમામે ઝમાના (અ.સ.) ને સંપૂર્ણ ગયબતમાં એવી રીતે છુપાવીને નથી રાખ્યા કે કોઇપણ સંજોગોમાં કોઇ વ્યક્તિ પણ તે હઝરત (અજ્જલલ્લાહ તઆલા ફરજહ)ની ખિદમતમાં જઇજ ન શકે. શું તે બધા પ્રસંગોને નકારવા સંભવ છે જે આધારભૂત પુસ્તકોમાં મહાન આલીમોએ તે હઝરત (અજ.) ની મુલાકાતનો શરફ મેળવનારઓના બારામાં લખાએલ છે. તદ્ઉપરાંત અનેક પ્રસંગો અનેક લોકોના હૃદયમાં અમૂક કારણો અને મસ્લેહતથી ધરબાઇને દફન થઇ ગયા છે. જ્યારે આવા પ્રસંગોનો ઘ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો તેનો સાર એ નીકળે છે કે જે વ્યક્તિને હઝરત (અ.સ.)ની મુલાકાતનું સન્માન મળ્યું તેણે ખાસ પ્રકારની રીત અપનાવીને હઝરત વલી અસ્ર (અજ.)થી સંપૂર્ણ રૂહાની સંપર્ક અને સંબંધ પૈદા કરવા માટે સંઘર્ષ, શોધખોળ અને કોશિષ કરી.
ગમે તેમ પણ એ હકીકત નકારી નથી શકાતી કે જે વ્યક્તિ સાચી અને શરઇ રીતે તે હઝરત (સલવાતુલ્લાહે વસલામોહ અલયહે) ની પવિત્ર બારગાહમાં આહોઝારીની સાથે મદદ માગે અને એવા કાર્યો કરે જેથી એટલી હદ સુધી આપ હઝરત અજ. નું ધ્યાન અને તવજ્જોહ પોતાની તરફ આકર્ષિત કરે કે આપ (અ.સ.) ની ઝીયારતથી મુશર્રફ થઇ જાય અને તેની સમજમાં વાત આવી જાય કે ‘રબ’ની મુલાકાતમાં કેવી લજ્જત અને મીઠાશ હોય છે. જે લોકો જલ્દી પુરી થઇ જનારી મોજમજા અને નાશ થનાર જગતની લજ્જતો ઉપર ધ્યાન આપીને તેની અંતિમ મોજમજા માણવામાં સંપૂર્ણ રીતે સફળ થઇ જાય છે, તે કેવી રીતે ગફલત અને નાદાનીમાં સંપડાઇ જઇને પોતાના જીવનના દિવસો પાસર કરી રહ્યા છે. સાચું તો એ છે કે તે લોકો મૃગજળને એમ સમજે છે કે તેઓ પાણી સુધી પહોંચી ગયા.
દરેક મોઅમીનની એ ઇચ્છા હોવી જોઇએ કે તેણે તે હઝરત અલયહીસ્સલાતો વસ્સલામની ભરપુર ઓળખ (મઅરેફત)ની સાથે તે હઝરત અ.સ.ની મુલાકાતનો શરફ (ઇઝઝત) મેળવે. પછી ભલે તેને આ મહાન શરફ (ઇઝઝત) અને મહાનતા મેળવવા માટે તેની હેસિયત, પ્રતિષ્ઠા, અસ્તિત્વ અને જીવનથી કિંમત ચૂકવવી પડે.
‘(અય લોકો!) આ ગુલામ ઉપર તે બાબત કષ્ટદાયક છે કે સર્જનની તમામ વસ્તુઓને તો જાઉં પરંતુ આપની ઝિયારતથી અલિપ્ત રહું અને ત્યાં સુધી કે આપનો કોઇ અવાજ ચાહે તે ધીરે થી કેમ ન હોય મારા કાન સુધી ન પહોંચે …… મારી જાનની કસમ! તું તે છુપાએલી હકીકત છો જે અમારાથી ક્યારેય દૂર નથી. મારી જાનની કસમ ખાવ છું કે તારી હસ્તી જે પવિત્ર, મહાન, પ્રતિક્ષામાં હેરાન અને મુંજવણમાં રહં, છેવટે ક્યાં સુધી? અંતે ક્યા શબ્દોમાં આપના સદ્ગુણો રજુ કરૂં અને કેવી રીતે દિલનું રહસ્ય આપની સમક્ષ બયાન કરૂં? મારા માટે સખત મુશ્કેલ અને અસંભવ છે કે આપના સિવાય અન્ય કોઇથી જવાબ મેળવું . મારા ઉપર કેવા પ્રકારની સખ્તી છે કે હું આપની જુદાઇમાં રોક્કળ કરૂં છું જ્યારે કે દુનિયાના આપને ભુલી ગઇ છે. અને આપની યાદથી મોઢું ફેરવી લીધું છે.’ (દોઆએ નુદબહ)
હઝરત મહદી (અજ.) ની મુલાકાત માટે એવી તીવ્રતા હોવી જોઇએ કે બારગહે અઝઝ વ જલ્લમાં એવી ઇચ્છા કરે કે જો દુનિયાથી ચાલ્યો પણ જાય તો ખુદાવન્દે આલમ તે હઝરત (અ.સ.) ના જાહેર થવાના સમયે તેને ફરીવાર તે હઝરતના સાથી બનવા માટે દુનિયામાં પાછો મોકલે.
હઝરત બકીયતુલ્લાહ (અજ.) ના સંદર્ભમાં દોઆમાં આ ફકરો ફરી ફરીને દોહરાવવો જોઇએ. :
‘એ મારા આકા! જો તમારા દિવ્ય, પ્રકાશિત અને લહેરાતા ઘ્વજ હેઠળનો ન્યાય અને હકુમતનો યુગ પામું તો તમારા હુકમ અને નિષેધની આજ્ઞાપાલનનું ભરપુર અનુસરણ કરીશ અને તે અનુસરણ અને તાબેદારી દ્વારા અને તેના માઘ્યમથી તમારા સંગાથમાં રહીને તમારી હજુરમાં શહાદતના ઉચ્ચતર સ્થાન અને મોભાની આશા અને ઇચ્છા ધરાવું છું. એ આકા! જો ઝુહરની પહેલા મૃત્યુની ગોદમાં સમાઇ જાઉં તો પણ ખુદાએ મોતઆલાની પવિત્ર બારગાહમાં આપની પવિત્ર જાતનું માઘ્યમ બનાવીને વિનંતી કં છું કે (હે અલ્લાહ) મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ (અ.સ.) ઉપર રહેમત મોકલ અને મને આપના (અસ્ર) જાહેર થવાના કાળમાં ફરી વખત નવજીવન આપ અને આપની હકુમતના કાળમાં દુનિયામાં ફરી મોકલ જેથી આપની ખિદમતમાં આપની દ્રષ્ટિ સમક્ષ આપની ઇતાઅત અને અનુસરણ કરતા કરતા તે મહાન ધ્યેય કે જેની તમન્ના છે તે પ્રાપ્ત કરી શકું અને આપના દુશ્મનોથી બદલો લઇને મારા (દુ:ખી અને ગમઝદા) દિલને શફા આપું.’(મફાતીહ)
જે હઝરત (અ.સ.)નો એક સાચો મોહીબ અને ઝીયારતની તમન્ના ધરાવવાવાળો છે અને જેને ખુદાના પ્રતિનિધીની ઝીયારતની ખૂબ જ ઇચ્છા છે તે હંમેશા જ ખુદાવંદે આલમની બારગાહમાં બેહદ આજીઝીની સાથે કરગરે છે કે પ્રતિક્ષાના વિલંબના કારણે તેની શ્રદ્ધા – યકીન છીનવાઇ ન જાય અને તે હઝરત (અ.સ.) નો ઝીક્ર કરવાનું ભૂલી ન જાય. બલ્કે તેને હઝરત (અ.સ.)ના અસ્તિત્વ અને જાહેર થવા ઉપર યકીનનો દરજ્જો રસુલે ખુદા (સ.અ.વ.) ની બેઅસત ઉપરના યકીનની જેમ થઇ જાય.
તેથી ગયબતે ઇમામે ઝમાના (અ.સ.) ની દોઆમાં નીચેના ફકરા નકલ કરવામાં આવ્યા છે, જેનો અર્થ ઉપર આપવામાં આવ્યો છે.
‘પરવરદિગાર! તે હઝરત (અ.સ.) ના મુબારક અસ્તિત્વ, આપની લાંબી ગયબત અને તેની કોઇ ખબર ન મળવાના કારણથી તે હઝરત (અ.સ.) ઉપરની અમારી શ્રદ્ધાને ન આંચકી લે અને તે હઝરત (અ.સ.) નો ઝીક્ર, તે હઝરત (અ.સ.) ના ઝુહુરની પ્રતિક્ષા, તે હઝરત (અ.સ.) ના અસ્તિત્વ ઉપર ઇમાન. અને તે હઝરત (અ.સ.) ના ઝુહુર ઉપર અમારા યકીનને ક્યારેય ઓછું ન કરતો. દોરૂદ અને સલામ અમારા દિલ અને દિમાગમાંથી ભુલાઇ જવા ન દેતો જેથી તે હઝરત (અ.સ.)ની વિલંબભરી ગયબત અમને તેમના અસ્તિત્વ અને તેમની હકુમતની સ્થાપ્ના ઉપર અમારૂં યકીન, રસુલે (સ.અ.વ.) ની હકુમતની સ્થાપ્ના, આપના ઉપર વહી આવવા અને આસમાની કિતાબ ઉતરવા ઉપરના યકીનની જેમ પ્રતિપાદિત કર.’(મફાતિહ, દોઆ દર ગૈબત)
નિશંક! જે લોકો મઅરેફત ધરાવે છે તે હુજ્જતે ખુદા ઇમામ ઝમાન (અ.સ.) ની મુલાકાત અને ઝીયારતની નેઅમતને દુનિયાની નેઅમતો કરતા વધુ પસંદ કરે છે.
માનવીએ આ આદેશના ખૂબીપૂર્વક જાણકાર થવું જોઇએ. ત્યાં સુધી કે એકાંતમાં પણ તે પવિત્ર અસ્તિત્વથી કેવા પ્રકારની અને કેટલી હદે નિકટતા રાખવી જોઇએ. માત્ર એ રીતે નહી કે જાહેર લોકો વચ્ચે તેમની મોહબ્બત અને નિકટતા પ્રદર્શિત કરે. કારણકે એકાંતમાં હઝરત (અ.સ.)ની નિકટતાથી ખાસ પ્રકારના લાભો મળશે. જેમકે માઅસુમ (અ.સ.) કહે છે : ‘અમે અમારા દોસ્તો માટે કોઇ પણ વસ્તુની ઓછુંપ નથી રાખતા જેને લીધે તેને મજબુર થઇને અમારા સિવાય બીજાઓ પાસેથી એ વસ્તુઓ માંગવી પડે. તકવા પરહેઝગારીનો ખ્યાલ રાખવા પછી અમારી મોહબ્બતની બેહતરીન રાહ કુરઆનની આયતો અને માઅસુમીન (અ.સ.)ની હદીસો થકી વધારેમાં વધારે ફાયદો ઉપાડે.’
એટલે જ કુરઆનમાં ખુદા ફરમાવે છે :
‘જો તમે અલ્લાહથી ડરશો તો અલ્લાહ તઆલા તમને ફુરકાન એટલે કે સત્ય અને અનિષ્ટ સમજવાની શક્તિ (અને આંતરિક દિવ્યતા અર્પણ કરશે.’(સુરએ અન્ફાલ, આયત 29) જે સત્યની ઓળખ અને જાણકારી માટે પાયાની શરત છે. આજ કારણ છે કે મઅરેફતવાળાને સવાલ પૂછવામાં આવે કે ઇમામ ઝમાન (અ.સ.) ની શોધ કેવી રીતે કરી શકાય તો કહેશે કે તમે પોતે તમારી જાતની સુધારણા કરો ઇમામ (અ.સ.) ખુદ તમારી શોધ કરશે.
કુરઆનની આયતો, હદીસો અને રિવાયતોમાં આ વિશેની દલીલો મૌજુદ છે. તેથી આપણે ઇતિહાસમાં આ પ્રસંગ વાંચીએ છીએ કે ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ની એક કનીઝ આપના સર મુબારક ઉપર એક વાસણથી પાણી નાખી રહી હતી અને આપ સર મુબારક ધોઇ રહ્યા હતા. તે સ્થિતિમાં કનીઝ ઉંઘી ગઇ. પાણીનું વાસણ તેણીના હાથમાંથી છટકીને આપના સર મુબારક ઉપર પડ્યું આપનું સર મુબારક ઝખ્મી થઇ ગયું. ઇમામ (અ.સ.) એ માથું ઉંચું કરીને કનીઝની સામે જોયું.
કનીઝે કહ્યું : ખુદાવંદે આલમ ફરમાવે છે કે :
‘અને તે લોકો જે ક્રોધ અને ગુસ્સા પર કાબુ મેળવી લે છે.’
ઇમામે ફરમાવ્યું : ‘મેં ક્રોધ અને ગુસ્સાને ખતમ કર્યો’
કનીઝે કહ્યું : ‘લોકોની ભુલોને માફ કરે છે.’
ઇમામ (અ.સ.) કહ્યું : ‘ખુદાવંદે આલમ તારી ભૂલને માફ કરે.’
કનીઝે કહ્યું : ‘અને અલ્લાહ નેકી કરવાવાળાને દોસ્ત રાખે છે.’
ઇમામે (અ.સ.) કહ્યું : ‘જા મેં તને ખુદાવંદે આલમની ખુશ્નુદી માટે આઝાદ કરી………’
આપે વિચાર્યું, કનીઝે કુરઆનની આયતોથી ફાયદો ઉઠાવીને આપની ખુશ્નુદી, રાજીપો અને માફી મેળવી લીધી. ખુદાના વલી સાથે નિકટતા અને મોહબ્બત રાખનાર બારગાહે માઅસુમીન (અ.સ.) માં આ રીતે દરખાસ્ત કરે છે.
‘એ અહલેબૈતે અત્હાર! આપ જ અલ્લાહ અઝઝ વ જલ્લના રહેમ અને કરમ, ક્રોધ તથા એહસાનના દ્રષ્ટાંત છો. જો મારાથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો આપની મહાનતાથી અપેક્ષા એ છે કે તેને જોયા પછી પણ ન જોઇ ગણીને બક્ષી આપવા વિનંતી છે.’
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઇરશાદ ફરમાવે છે: ‘સદ્ગુણીઓના સૌથી વધારે સારા કામોમાંથી સાં અને મહાન કામ (એ છે કે) જેને તે જાણતો હોય તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.’ એટલે કે બીજાની ભુલને જોઇને અજાણ બની જાય છે. નહજુલ બલાગાહમાં અન્ય સ્થળે ઇરશાદ ફરમાવે છે : ‘જે વ્યક્તિ તમારા વિષે સારા (અને ઉચ્ચ) વિચારો ધરાવે છે, તેની માન્યતાને તમારા કાર્યથી સાચી સાબિત કરો.’કોઇ વ્યક્તિ આપની (અ.સ.) બારગાહમાં અરજ કરે છે. ‘અય ફરઝન્દે રસુલ! હું આપ્નાથી ભલાઇની આશા રાખું છું અને આપની પવિત્ર જાતથી (પ્રતિભા – ઉચ્ચતાથી) નેકી અને ભલાઇની સિવાય અન્ય કોઇ બાબત અંજામ નથી પામતી. (આપના દરેક કામમાં નેકી – ભલાઇ જ હોય છે, આપ કોઇ કામ નેકી – ભલાઇ સિવાયનું અંજામ નથી આપતા) આપ્નાથી ભલાઇની આશા રાખુ છું, આપ મારી આશાને નિરાશામાં ન ફેરવશો. વિગેરે..’
અર્થાંત મોઅમીન અને ઇમાનના અનુસંધાનમાં જેટલી પણ આયતો છે અને તેવી જ રીતે માઅસુમીન અ.સ. થકી જે રિવાયતો આવી છે તે આ પવિત્ર હસ્તીઓના વિલાયતના હુકમથી જુદી નથી પડતી.
ગમે તેમ પણ ખુદ અઇમ્મએ તાહેરીન અ.સ. ખુદાવંદે મોતઆલ અને ખુદ તેઓ પવિત્ર હસ્તીઓ પ્રત્યે લાગણી અને મોહબ્બત રાખવા વિશે અસંખ્ય રિવાયતો અને આધારભૂત દોઆઓ દ્વારા દર્શાવે છે. ખાસ કરીને ઇ. ઝમાન અ.સ.ના બારામાં તેઓના (ઇમામોના) કૌલ (ઇરશાદ) તે હઝરત (અજ.) પ્રત્યે તેમની (ઇમામોની) મોહબ્બત તે હઝરત (અજ.) ખાસ સંપર્ક જાહેર કરે છે. મૌલાએ કાએનાત અલી બીન અબી તાલીબ (અ.સ.)તે હઝરત (અજ.)ના સદ્ગુણો અને પ્રસંશા કરતા ઇરશાદ ફરમાવે છે :
‘તે હઝરત (અજ.) નું સ્થાન તમારા સૌથી વધુ વિશાળ, તેમનું જ્ઞાન તમારા સૌથી વધુ, સગાં – સંબંધીઓ સાથેનું સદવર્તન (સિલે રહેમી) તમારા સૌથી સારૂં છે. ખુદાવંદા! તેમની બયઅતને દરેક રીતે રંજ અને ગમ દૂર કરનાર બનાવ, તેમની મઅરેફત ઉમ્મતની બેદીલી, જુદાઇ અને કુસંપ્ને એકતા અને સંપમાં બદલી દે અને જો ખુદાવંદે આલમ તારા માટે ભલાઇ અને સદવર્તનનો ઇરાદો રાખે તો તારા માટે (નસીબમાં) અડગતા લાવે જેથી તું પહાડોની જેમ અડગ અને અચલ રહે. જો તે હઝરત (અ.સ.) નો સાશનકાળ તને નસિબ થાય તો તેમની સિવાય અન્ય કોઇ તરફ મોઢું ન ફેરવજે, જો તે ગલી સુધી પહોંચવાનો રસ્તો તને મળી જાય તો તે ચૂકી ન જતો.’ પછી આપો આપ પોતાની છાતી તરફ ઇશારો કરતા ફરમાવ્યું : ‘આહ! કેવી રીતે તેના દિદારનો મુશ્તાક છું.’(બેહારૂલ અન્વાર, જી. 51, પા. 115)
ઇમામ હસન (અ.સ.) ફરમાવે છે :
‘કેટલા ખુશ નસીબવાળા છે તે લોકો જે તેમનો સાશનકાળ પામે અને તેમના હુકમ ઉપર અમલ કરતા હોય!’
ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ અબુ હમઝાને ઇરશાદ ફરમાવ્યું : ‘અમારા કાએમ (અજ.) તે સમયે સ્થિત થશે જ્યારે સમગ્ર જગતમાં ભય અને દેહશતનું રાજ્ય હશે. બલાઓ, આફતો, લડાઇ અને ઝઘડા લોકો ઉપર ઉમટી આવ્યા હશે. તે ફિત્નાઓની પહેલાં પ્લેગ ફેલાઇ જશે. આરબોની વચ્ચે તલવારો રાજ્ય કરશે. મઝહબમાં વિરોધ અને ફાટફૂટ ઉત્પન્ન થશે. પરિસ્થિતિ એટલી વણસી જશે કે લોકો જીવવા માટે નાસીપાસ થઇ જશે અને કંટાળી જશે એટલે સુધી કે ખુદાની બારગાહમાં સવાર – સાંજ મરવા માટે દૂઆ કરશે. આવી નિરાશજનક પિરિસ્થિતિ વચ્ચે અમારા કાએમ (અજ.) જાહેર થશે. કેવા ખુશનસીબ હશે તે લોકો કે જેઓ તેમનો સાશનકાળ પામે અને તેમના અનુસરણ અને મદદ માટે ઉભા થઇ તૈયાર થઇ જાય. તે લોકોના હાલ ઉપર અફસોસ છે કે જેઓ તેમનો વિરોધ કરવા તૈયાર થઇ જશે અને તેમના હુકમની અવગણના કરશે અને દુશ્મની અને અદાવત માટે ઉભા થશે.’(બશારતુલ ઇસ્લામ પાના 105)
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
‘જો હું તેમનો સાશનકાળ પામું તો સમગ્ર જીવન તેમની સેવા કરવામાં પસાર કરૂં.’
અહલેબૈત (અ.મુ.સ.) ના મશહુર શાયરે દેઅબીલ ખોઝાઇ ઇમામ રેઝા (અ.સ.) ની ખિદમતમાં પહોંચ્યા અને તેમનો મશહુર કસીદો ‘મદારેસો આયાતીઅ ખલત મીન તેલાવતીન’તે હઝરત (અ.સ.) સમક્ષ વાંચવાનો શરૂ કર્યો. જ્યારે આ અશઆર સુધી પહોંચ્યા :
(1) એવા ઇમામનું જાહેર થવું જેનું બહાર આવવું જરૂરી છે અને જેમાં વિશ્ર્વાસ છે ખુદાના નામ સાથે ઉપસ્થિત થશે અને ખુદાએ અઝઝ વ જલ્લ ની બરકતો પોતાની સાથે લાવશે.
(2) અમારી દરમ્યાન હક અને બાતીલને જુદા કરશે અને સદ્કાર્યો અને બદ્કાર્યોનો બદલો અને સજા આપશે.
દેઅબીલે જ્યારે આપને આ બન્ને શેરો કહ્યા તો ઇમામ રેઝા (અ.સ.) ખૂબ જ રડવા લાગ્યા. જ્યારે રડવાનું રોકાયું ત્યારે આપ (અ.સ.) સર મુબારક ઉંચુ કરીને દેઅબીલને સંબોધન કરતાં ફરમાવ્યું : ‘એ દેઅબીલ! રૂહલ કુદસેઆ બન્ને શેરો તમારી જીભ ઉપર મૂક્યા છે. શું તમે જાણો છો કે ઇમામ કોણ છે? અને તે ક્યારે જાહેર થશે?’ દેઅબીલે જવાબ દીધો : ‘નહિ, મારા આકા, સય્યદ અને સરદાર! મેં માત્ર સાંભળ્યું છે કે આપના વંશજમાંથી એક ઇમામ જાહેર થશે અને જગતને બરબાદી અને તબાહીથી પાક કરીને તેને અદલ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે કે જ્યારે તે અન્યાય અને ઝુલ્મથી ભરાઇ ગઇ હશે.’ ઇમામ રેઝા (અ.સ.) ફરમાવે છે : ‘અય દેઅબરીલ! મારા પછી મારા પુત્ર મોહમ્મદ હશે, મોહમ્મદ (અ.સ.)ની પછી તેમના પુત્ર અલી (અ.સ.) હશે, અલી (અ.સ.) પછી તેમના પુત્ર હસન (અ.સ.) અને હસન (અ.સ.) પછી તેમના પુત્ર હુજ્જત છે જે કાએમ છે. (સલામુલ્લાહે અલયહીમ અજમઇન) લોકો તેમની ગયબતના ઝમાનામાં તેમની પ્રતિક્ષા કરશે અને તેમના ઝુહુર પછી તેમના હુકમની તાબેદારી કરશે. જો દુનિયાની ઉમરમાં માત્ર એક જ દિવસ બાકી રહી જતો હશે તો પણ ખુદાવંદે આલમ એ દિવસ એટલો લાંબો કરી દેશે કે તેની હુજ્જતનો ઝુહુર થાય અને તે સમગ્ર જતગને અદલ અને ઇન્સાફથી એવી રીતે ભરી દશે કે જેવી રીતે તે અન્યાય, જોર અને ઝુલ્મથી ભરાઇ ગઇ હશે.’ (બેહાર, ભાગ 51, પા. 54)
ખુદાવંદે આલમ આપણને સૌને એ કાર્યની વધારેમાં વધારે તૌફીક અતા ફરમાવે કે આપણા અંતિમ શ્ર્વાસો પણ અલ્લાહ, તેના રસુલ (સ.અ.વ.) અને આલે રસુલ (સ.અ.વ.) ની મોહબ્બત અને પ્રેમ ખાસ કરીને હઝરત હુજ્જત (અજ.) ના માટે વકફ હોય અને દીને ઇસ્લામની સેવામાં જીવન પુરૂં થાય.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.