દીનનું નવજીવન

Print Friendly, PDF & Email

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદિરકના
માહે મોહર્રમ
દીનનું નવજીવન
મોહર્રમ આવતાની સાથેજ અમુક લોકો અર્થ વગરની ચિંતા કરવા લાગી જાય છે કે કઈ રીતે કરબલાના બનાવોની ચર્ચાઓને રદ કરી શકાય અથવા લોકોને મજલીસમાં જવાથી રોકી શકાય. તેથી કયારેક એહલેબય્ત (અ.સ.) ના ગમને બિદઅત કહેવામાં આવે છે તો કયારેક અઝાદારીનો વિરોધ કરવામાં આવે છે. કયારેક પારકા વિરોધ કરે છે અને કયારેક પોતાના લોકો સુધારાવાદની આડ લઈને મોઘમ રીતે આવું કહેતા હોય છે.
દરેકે આ વાત ખૂબ સારી રીતે ધ્યાનમાં લેવી જોઈએ કે ઈમામ હુસયન (અ.સ.) એ ખુદાને ખાતર કેવી રીતે દુ:ખો ઉપાડયા છે અને કેવી રીતે પોતાના ખુનથી ખુદાના દીનને નવજીવન બક્ષ્યું છે. આ ચર્ચા દીનનો એક મહત્વનો ભાગ બની ચૂકયું છે. હવે આ કરૂણ કથાને ભુલી જવી તે કોઈના હાથની વાત રહી નથી.
વિરોધ કરવાથી આ ઘટનાના મહત્વ અને સચ્ચાઈ ઉપર કાંઈ અસર થતી નથી. આજે અમુક લોકો તૌહીદ (અલ્લાહ એક હોવા)ને સ્વિકારતા નથી. અમુક એવા લોકો છે જે ખત્મે નબુવ્વતને માનતા નથી. કેટલાક એવા મળી જશે જે હઝરત અલી (અ.સ.)ની ખીલાફતને અંતર વગર સ્વિકારતા નથી. શું આવા લોકોના ન માનવાથી કે ઈન્કાર કરી દેવાથી તૌહિદ, નબુવ્વત અને ઈમામતની સચ્ચાઈ ઉપર કોઈ આંચ આવે છે?
ચોક્કસ નહિ! બલ્કે જે નથી માનતા તે ખુદ પોતાનું નુકસાન કરી રહ્યા છે. શકય છે કે આ નુકસાનનો એહસાસ દુનિયામાં ન પણ થાય, પરંતુ આખેરતમાં તે ભારે નુકસાન ભરપાઈ કરવાની કોઈ પણ જોગવાઈ ન હશે, તે સમયે ઘણો પસ્તાવો થશે.
હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની કથા એટલી કરૂણ અને જુદા જુદા પરિણામો સાથે સંકળાએલી છે જેનાથી અમુક લોકો વ્યાકુળ રહે છે અને રહેશે. કારણકે આ કથા તે લોકોની આશાઓ ઉપર પાણી ફેરવી દે છે. જે ઈસ્લામના દીનનો નાશકરવા કે તેમાં ફેરફાર કરવા માગે છે. આ તે ચર્ચાની વિશેષતા છે કે તેનાથી લોકોના દિલોને અત્યાચાર કરનારાઓ સામે તિરસ્કારથી ભરી દીધા છે. આ ચર્ચાથી અત્યાચારી અને અત્યાચાર સહન કરનાર, કતલ કરનાર અને કતલ થનાર બંને સાથે સંબંધો નથી રહી શકતા, બંને સાથે અકિદત નથી રાખી શકાતી. એ બાબત અશકય છે કે હઝરત ઈમામ હુસયન (અ.સ.) સાથે મોહબ્બત ધરાવનાર પોતાના દિલમાં યઝીદને માટે પણ એક ખુણામાં નરમાશ ધરાવતો હોય. માનવી પોતાના જીવનમાં કોઈ એક માર્ગ પસંદ કરી શકે છે. એકી સાથે જુદા જુદા માર્ગો ઉપર ચાલી નથી શકતો. ઈમામ હુસયન (અ.સ.)નો માર્ગ અને યઝીદનો માર્ગ બંને એકબીજાથી જુદા છે. એક સારો માર્ગ છે. સારી બાબતો તરફ દોરવાનો માર્ગ છે બીજો બુરાઈઓનો, શયતાન અને નમરૂદનો માર્ગ જે બુરાઈઓ તરદ દોરે છે. એક ખુદા અને રસુલનો માર્ગ છે. બીજો શયતાન અને નમરૂદનો. એક દીનનું રક્ષણ, સંસ્કારની મુડી અને ઉચ્ચતા, માનવતા અને હમદર્દીનો માર્ગ છે. એક મૂકિત, પવિત્રતા અને પ્રગિતનો માર્ગ છે. બીજો અપિવત્રતા અને હયવાનીયતનો માર્ગ છે. એકની શરૂઆત અને અંત અલ્લાહ, અલ્લાહની મરજી, ખુદાની સમિપતા, નઝદીકી … ખુદાનો ગુસ્સાનો માર્ગ. તો બીજો નફસની ખ્વાહીશાત હવસ, દુનિયાની માલ મિલ્કત અને સત્તા, પરવરદિગારની નારાઝગી, ખુદાના ગુસ્સાનો માર્ગ…… જયાં સુધી ઈમામ હુસયન (અ.સ.)ની કથાની ચર્ચા થતી રહેશે આ બંને માર્ગો એક બીજાથી જુદાજ રહેશે. તેની સમગ્ર ઘટના સ્વ પ્રકાશિત રહેશે. કારણકેઈમામ હુસયન (અ.સ.) તે હિદાયતના નુરના સ્તંભ છે જેણે ખુદાને પસંદ તેવા જીવનના તમામ પાસાઓ પ્રકાશિત કરી દીધા તેની સાથે સાથે એ પણ સ્પષ્ટ અને પ્રકાશિત કરી દીધું છે કે જીવનનું કયુ પગલું અને કયો અંદાજ ખુદાની નારાજગીનું કારણ છે. કરબલાના મૈદાનમાં ન માત્ર જીંદગીના બે માર્ગો મૌજુદ હતા બલ્કે તેની ઉપર અમલ કરનારાઓ પણ મૌજુદ હતા.
કરબલાની ઘટનામાં આ હકીકત પૂરે પુરી રીતે પ્રકાશિત થએલી દેખાય છે. જીંદગી દરેક રીતે મુશ્કેલીઓમાં ઘેરાએલી હતી. ડગલેને ને પગલે મુસીબતો અને દુ:ખો. એવી કઈ મુસીબત હતી જે ત્યાં મૌજુદ ન હતી. પરંતુ તેમ છતાં પણ હુસયનની સાથે જે જે વ્યકિતઓ હતી તે પોતાની જવાબદારીથી અજાણ ન હતી. એવો કોઈ પ્રસંગ નથી દેખાતો કે કોઈ એકે પણ મુશ્કેલીઓથી ગભરાઈ જઈને દીનનો દામન છોડી દીધો હોય. અથવા કોઈ શરીઅત વિરૂધ્ધના કામને અનુસર્યા હોય. પરંતુ મુશ્કેલી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ દીન પ્રત્યેની લાગણીઓ ઉભરાતી ગઈ.
આજે તેવી મુશ્કેલીઓ નથી, ડર કે ભય નથી. દુ:ખોના તે પહાડો નથી તેમ છતાં દીનની પાબંદીની તે ધગશ નથી (તે એક હકીકત છે કે જો કરબલાની ઘટનાની સતત ચર્ચા ન થતે તો આ પ્રકારની ધગશ પણ ન હતે) ખુદા અને રસુલના હુકમોના પાલનની તે ધગશ નથી. દીન ઉપર અમલ તો થઈ રહ્યો છે. પરંતુ કયારેક પોતાની વ્યકિતગત પસંદગી અને વ્યકિતગત સ્વાર્થને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. ખુદાની વહદાનિયતનો સ્વિકાર અને માત્ર તેની ઈબાદત કરનારા શા માટે પોતાના અહમને ભેળવી દે છે? દીનદારીમાં વિરોધાભાસ આ જ અહમનું સર્જન છે. આ બધું શા માટે … ?
તેનું મહત્વનું કારણ એ છે કે કરબલાના મૈદાનમાં માત્ર દીન ન હતો. તેની સાથે સાથે હ. ઈમામ હુસયન (અ.સ.)નું માર્ગદર્શન હતું અને માત્ર માર્ગદર્શન ન હતું બલ્કે માર્ગદર્શન અને અનુસરણની સાથે સાથે હુસયન (અ.સ.)ના અન્સારોને ઝમાનાના ઈમામના હુકમની સામે પૂરે પૂરી રીતે ઝુકી જવું, તે હકીકત હતી. તે લોકો ઈમામ હુસયન (અ.સ.)ને માત્ર અકીદાના ઈમામ નહોતા માનતા બલ્કે પોતાના અસ્તિત્વના દરેક અંગ અને કાર્યથી ઈમામ હુસયન (અ.સ.)ની ઈમામતમાં શ્રધ્ધા ધરાવતા હતા. તેઓએ પોતાના વિચારોને ઈમામના વિચારોમાં ઢાળી દીધા હતા. તેમાના દરેક ઈમામની દ્રિષ્ટથી જોતા હતા અને દરેક ઈમામના વિચારની રીતે વિચારતા હતા. દરેક પગલે ઈમામે ઝમાના પાસેથી હિદાયત અને માર્ગદર્શન મેળવતા હતા અને તેના ઉપર અમલ કરતા હતા.
હિદાયત અને માર્ગદર્શનનો પવિત્ર સિલિસલો આજે કપાઈ નથી ગયો બલ્કે આજે પણ મૌજુદ છે. એ આપણું કામ છે કે આપણે ઝમાનાના ઈમામ પાસેથી હિદાયત અને માર્ગદર્શન મેળવીએ. આજે વાત વાતમાં દીનનો દામન આપણા હાથમાંથી છૂટી જાય છે અને થોડી મુશ્કેલીમાં દીનના હુકમોનું અનુસરણ મુશ્કેલ થઈ જાય છે. તેનું કારણ એ છે કે ઈમામે વકતની ઈનાયત વગર દીનના પાબંદ રહેવા ઈચ્છીએ છીએ.
હિદાયત અને માર્ગદર્શનનો ખાનદાની અને પવિત્ર સિલિસલો આજે પણ મૌજુદ છે તે અત્યારે ગયબતમાં જરૂર છે પરંતુ હિદાયતની શકયતા ગયબતમાં નથી. જો આપણે અત્યારે ઈમામની મદદ ખરેખર માગીએ તો તે આપણી જરૂર મદદ કરશે. જો તેમની કૃપા થઈ જાય તો સૌથી વધુ મુશ્કેલ શરતોથી પણ દીનનું અનુસરણ કરવું સંપૂર્ણ સહેલું થઈ જશે.
અઝાદારીના દિવસો તેનો શ્રેષ્ઠ મૌકો છે જયારે આપણે આપણા ઈમામનું ધ્યાન આપણી તરફ દોરી શકીએ છીએ અને તેમની કૃપા દ્રષ્ટિથી ખુદને અન્સારે હુસયનીના ઝુમખામાં ગણતરી કરાવવાનો લાભ મેળવી શકીએ તેમ છીએ.
વારીસે હુસયન (અ.સ.) ઈમામે અસ્ર હઝરત વલીએ અસ્ર, આપણી રૂહો એમના ઉપર ફીદા થાય, તેમની પવિત્ર ખીદમતમાં તેમના બુઝુર્ગ દાદા હઝરત ઈમામે હુસયન (અ.સ.)નો પૂરસો રજુ કરીને શ્રેષ્ઠ તૌફીક મેળવવાની દોઆઓ કરીએ છીએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *