હઝરત સય્યદુશ્શોહદા અને અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કરની ફરજ

Print Friendly, PDF & Email

અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કર દીને ઈસ્લામની મહત્વની ફરજોમાંથી છે. કુરઆને કરીમની અસંખ્યા આયતો અને મઅસુમીન (અ.સ.)ની રિવાયતોએ માત્ર તેની તરફ ઈશારો કર્યો છે એટલું જ નહિ, બલ્કે પૂર્ણ રીતે વિગતવાર ચર્ચા પણ કરી છે. ખુદાની કિતાબે હુકમ આપ્યો છે કે મુસલમાનોની એક એવી પણ જમાત હોવી જોઈએ જે લોકોને સારા કાર્યો તરફ આમંત્રણ આપે અને ખરાબ કાર્યોથી રોકે.
વલ્તકુન મીન્કુમ ઉમ્મતન યદઉન એલલ ખયરે વ યામોરૂન બિલ્મઅરૂફે વ યન્હવન અનિલ મુન્કરે વ ઉલાએક હોમુલ્મુફલેહુન. આલે ઈમરાન-૧૦૪
અને તમારામાંથી એક સમૂહ એવો હોવા જોઈએ જે લોકોને ભલાઈની તરફ આમંત્રણ આપે, સારા કાર્યો કરવાનો હુકમ આપે અને બુરા કામોથી રોકે. આ જ લોકો સફળ અને વિજયી હશે.
આ વિષયની વિશાળતા એટલી છે કે તેને એક ટૂંકા લેખમાં સમાવી શકાય નહિ. પરંતુ આ ખાસ અંક સય્યદુશ્શોહદા સંબંધી છે, તેથી અમે તેના મહત્વ અને વિશેષતાને લક્ષમાં લઈને ઈમામ હુસયન (અ.સ.)ના કથનના પ્રકાશમાં સમજવાની કોશીશ કરશું. આપણે એ સમજી લઈએ કે આ ફરજ આપણા મઝલુમ ઈમામને કેટલી પ્યારી હતી. આપે જે કાંઈ પગલાં ભર્યા તે માત્ર અલ્લાહના હુકમને પૂરો કરવા માટે ભર્યા છે.
અંતમાં એ કે જો આપણે દાવો કરતા હોઈએ કે આપણે આપણાં ઈમામ (અ.સ.)ને ચાહીયે છીએ તો આપણા માટે એ જરૂરી છે કે આપણે પણ આ ફરજ પૂરી કરવામાં કચાશ ન રાખીએ અને તેને સંપૂર્ણ રીતે પૂરી કરીએ.
ઈબ્ને શેઅબા હર્રાની અ.ર.ના નામે ઓળખાતા અલ્લામા હુઅયન બીન અલી (ચોથી સદીના મશ્હુર ઓલમાઓમાંથી હતા અને જનાબ શયખ સદુકના સમકાલીન હતા) તેમની કિતાબ તોહફૂલ ઓકુલમાં હઝરત સિબ્તે રસુલ ઈમામુલ હોદા સય્યદુશ્શોહદા (અ.સ.)થી અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કરની શાન અને ફઝીલતમાં આ ખુત્બો નકલ કર્યો છે. આપે ફરમાવ્યું: મારા વાલીદે બુઝુર્ગવાર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ફરમાવ્યું: બિસ્મીલ્લાહિર્રહમાનિર્રહીમ, એ લોકો! બોધપાઠ મેળવો. ખુદાવંદે આલમની આ નસીહત અને શીખામણ – ભલામણને જે તેણે પોતાના દોસ્તોને કરી છે જેમાં તેણે યહુદના આલીમોનો તિરસ્કાર કર્યો છે અને ફરમાવ્યું છે:
લવલા યન્હોખુર્રબ્બાનીય્યુન વલ અહબારો અને કવલેહેમુલ ઈસ્મ વ અકલેહેમુલ સોહત લબેઅસ મા કાનુ યસ્નઉન. માએદાહ-૬૩. તરજુમો: તેમને અલ્લાહવાળાઓ અને આલીમો જુઠુ બોલવા અને હરામખોરીથી કેમ નથી રોકતા. આ લોકો ઘણું બુરૂ કરી રહ્યા છે. (૧) હઝરત શોએબ ઉપર વહી ઉતરી કે હું તમારી કોમના એક લાખ માણસો ઉપર જેમાં ચાલીસ હજાર બુરા છે અને સાંઈઠ હજાર નેક, અઝાબ ઉતારીશ. આપે અરજ કરી, ખુદાવંદા બુરા તો ખયર, પરંતુ નેકી કરનારાઓ ઉપર કેમ અઝાબ થશે? જવાબ મળ્યોઃ એ શોઅયબ, કારણકે તે લોકોએ બુરાઓ તરફ ગફલત કરી. ન મારી તાબેદારીમાં તેઓ ઉપર ગુસ્સે કર્યો, ન તેમનાથી નફરત કરી, ન તેઓને નસીહત કરી. બલ્કે તેઓની સાથે ખાતા પીતા રહ્યા તે કારણથી તેઓની હિંમત અને બેશર્મીમાં વધારો થયો. (કસસુલ અમ્બીયા, પા. ૨૨૬, લે. નેઅમતુલ્લાહ જઝાએરી)
અને ફરમાવ્યું: લોએનલ્લઝીન કફરૂ મીમ બની ઇસ્રાઈલ અલા લેસાન દાઉદ વ ઈસબ્ન મરયમઝઝાલેક બેમા અસવ વ કાનુ યઅતદુન. કાનુ લા યતના હવન અન મુનકરીન ફઅલુહો લબેઅસ મા કાનુ યફઅલુન. માએદા ૭૮-૭૯, તરજુમો: બની ઇસ્રાઈલમાંથી જે લોકો કાફર હતા તેઓના ઉપર દાઉદ અને મરીયમના પુત્ર ઈસાની ઝબાનથી લઅનત કરવામાં આવી. આ તે કારણે કે (એક તો) તે લોકોએ નાફરમાની કરી અને (દરેક મામલામાં) હદથી વધી જતા હતા અને કોઈ બુરા કામથી કે જે તે લોકોએ કર્યા, અટકતા ન હતા. (બલ્કે તેઓને નસીહત કર્યા પછી પણ તેને વળગી રહેતા હતા) જે કામ આ લોકો કરતા હતા કેટલું બુરૂ કામ હતું. (૨) આ આયતથી સાફ રીતે ખબર પડે છે કે લઅનતના લાયક હોય તેઓ પર લઅનત કરવી માત્ર જાએઝ નહિ પરંતુ સારી બાબત છે. નહિતો અમ્બીયા (અ.સ.) તેનો અમલ ન કરતે.
સૃષ્ટિના સર્જનહારે તેઓના તિરસ્કાર એટલા માટે કર્યો છે કે તેઓ ઝાલીમોને જોતા હતા, જે બુરાઈ અને ફસાદ ફેલાવતા હતા, પરંતુ તેઓને રોકતા ન હતા. (આ ન રોકવું તે કારણો ને લીધે હતું) કાં તો તે લાભો જે તેઓને આ ગુનેહગારોથી મળનાર હતા અથવા ગુનેહગારોની ધમકીઓનો ભય. જ્યારે ખુદાવંદે આલમનો સ્પષ્ટ હુકમ છે. ફલા તખ્શવુન્નાસ વખ્શવને. માએદહ-૪૪ અને લોકોથી ભય ન પામો બલ્કે મારાથી ડરો. અને પછી ફરમાવ્યું: અલ મુઅમેનુન વલ મુઅમેનાતો બઅઝોહુમ અવલેયાઓ બઅઝ. યા મોરૂન બીલ મઅરૂફે વ યન્હવન અનીલ મુન્કર. તૌબા-૭૧. મોઅમીન મર્દ અને મોઅમીન સ્ત્રીઓ એકબીજાના દોસ્ત છે. તે લોકોને નેકીઓનો હુકમ આપે છે અને બુરાઈઓથી રોકે છે. તેથી ખુદાવંદે આલમે અમ્ર બે મઅરૂફ અને નહી અઝ મુન્કરને ફરઝ પાડીને વાતની શરૂઆત કરી છે. કારણકે તે જાણે છે કે જો આ ફરજ (અમ્ર બે મઅરૂફ અને નહી અઝ મુન્કર) અદા થઈ ગઈ તો બાકીની બધી ફરજો અદા કરવામાં આવશે. પછી ભલે તે સહેલી હોય કે અઘરી. તે એટલા માટે કે અમ્ર બે મઅરૂફ અને નહી અઝ મુન્કર ઈસ્લામની તરફ લોકોને દઅવત આપવાનું છે. ઝુલ્મો રદ કરવા (જો કોઈએ કોઈને સતાવ્યા છે અથવા કોઈ ઉપર ઝુલ્મ કર્યો છે અને તે તેને ઓળખતો નથી અથવા તેના સુધી પહોંચવાનું શકય નથી તેવા સંજોગોમાં તે ખુદાની બારગાહમાં તેની હેસીયત મુજબ કંઈક કફફારો અદા કરે.) ઝાલીમનો વિરોધ કરવો, બયતુલ માલ અને ગનીમતના માલની વહેંચણી અને સદકાને (હયસીયત ધરાવનાર પાસેથી) મેળવવો અને તેને હક્કદારો સુધી પહોંચાડવો, આ બધું અમ્ર બે મઅરૂફ અને નહી અઝ મુન્કરની અમુક અસરો છે.

તેથી તમે લોકો, એ શકિતશાળી અને મજબુત સમુહ, મશહુર છો પોતાના ઈલ્મને માટે. નેકીઓ માટે યાદ કરવામાં આવો છો. નસીહતો માટે જાણીતા છો અને લોકોના દિલોમાં ભય અને હયબત ઉભી કરો છો. શરીફ લોકો ઉપર તમે રૂઆબ ધરાવો છો અને નબળા અને વૃદ્ઘ લોકો તમારૂં સન્માન કરે છે. જે તમારી સમાન કક્ષાના અને તમારા બરોબરીયા છે અને તમે જેની ઉપર હક્કે નેઅમત નથી ધરાવતા, તેઓ તમને પોતાના ઉપર શ્રેષ્ઠતા આપે છે. તમે તે હાજતોના કડીરૂપ છો કે જેની ઉપર પાબંદી લગાડવામાં આવી છે અને તે મેળવવા માટે હાજતમંદો માટે અંતરાયો શોધવામાં આવ્યા છે. (એટલે તમારાજ થકી આ નેઅમતોને તેઓના હકદારો તરફ પહોંચાડવામાં આવે છે) તમે બાદશાહોના રૂઆબ અને ભવ્યતાની શાન અને રસ્તાઓ ઉપરથી પસાર થાઓ છો. શું આ બધું એટલા માટે નથી કે લોકો તમારી પાસે એ આશા અને ઉમ્મીદ માંડીને બેઠા હોય છે કે તમે ખુદાની રાહમાં સંઘર્ષ કરશો. (અહીં ઈમામ (અ.સ.) એક ખૂબજ મહત્વના મુદ્દા તરફ ઈશારો કરે રહ્યા છે અને તે એ કે જે કાંઈ પણ તમારી પાસે છે, જ્ઞાન, પ્રસિદ્ઘિ, મહાનતા, ભવ્યતા, રૂઆબ, હેબત, વિગેરે આ બધી ખુદાવંદે આલમે અર્પણ કરેલી નેઅમતો છો. તેથી તેનો માત્ર અને માત્ર તેનાજ માર્ગમાં ઉપયોગ કરો, જેથી તેના નેક અને સારા કાર્ય કરનાર બંદાઓ તમારા અસ્તિત્વ (વુજુદ)નો લાભ મેળવી શકે. એવું કદાપી ન બને કે તમે તે વસ્તુઓને પોતાના માન-પાન, ઉચ્ચતા અને પ્રગતિના માર્ગ માટે ઉભો કરો. જો તે સમાજના હકમાં કચાશ રાખશો તો યકીનથી પોતાના ઈમામોના હક્કો અને તાબેદારીથી પણ લાપરવાહ થઈ જશો. (હાય અફસોસ) નબળાઓ અને ફકીરોનો હક તમે વેડફી નાખો છો. જેને પોતાનો હક ગણો છો તે માગો છો. ન તો તમે અલ્લાહના માર્ગમાં માલ અને દૌલત ખર્ચ કરો છો અને ન તમે પોતાની જાનને અલ્લાહની રાહમાં ખતરામાં નાખો છો. જ્યારે તમારી જાન પણ તેણેજ આપેલી છે. ન તો તમે અલ્લાહને ખાતર તમારા સગાઓનો વિરોધ કરો છો. (એટલે કે તમારા સગા સંબંધીઓ દુનિયાના સર્જનહારની નાફરમાની કરે છે અને તેના ગુનાહોમાં ડૂબેલા છે. તમે જાણે કે તેનાથી રાજી છો, તેના ખરાબ કામોનો વિરોધ નથી કરતા) જ્યારે એવા કાર્યો કર્યા પછી પણ તમે અલ્લાહની જન્નત, તેના રસુલનો પાડોશ અને તેના અઝાબથી મૂકિત મેળવવાની તમન્ના ધરાવો છો?
એ અલ્લાહ પાસે આ તમન્નાઓ રાખનારાઓ! મને ભય છે કે એવું ન બને કે ખુદા પોતાના અઝાબોમાંથી કોઈ અઝાબ તમારા ઉપર ઉતારે. કારણકે ખુદાએ તમને પોતાની તરફથી ઉચ્ચતા અને કરામતથી નવાજ્યાં છે, જેના કારણે તમને બીજાઔે ઉપર શ્રેષ્ઠતા મળી છે. જે ખુદાના બંદાઓ તેની મઅરેફત અને ઓળખ ધરાવે છે તમે તેને સન્માન નથી આપતા. જ્યારે તમને જે કાંઈપણ ઈઝઝત અને બખ્શીશો અલ્લાહના બંદાઓ દરમ્યાન મળ્યા છે તે માત્ર તેની જાત (સુબ્હાનહુ)ના પાયા ઉપર છે તમે જોઈ રહ્યા છો કે અલ્લાહના કોલ અને કરારને પામાલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમારા ઉપર તેની કોઈ અસર નથી થતી. પરંતુ જ્યારે તમારા બાપદાદાના થોડાક હક્કોને પામાલ કરવામાં આવે છે ત્યારે તમે પરેશાન થઇ જાઓ છો. તમારા ઉપર ઘણી અસર થાય છે. (તમે જોઈ રહ્યો છો) રસુલ સ.અ.વ.ના કોલ અને કરારને અપમાનિત કરી નાશ કરવામાં આવી રહ્યો છે અને અંધજનો, બહેરાઓ અને અપંગો દરેક શહેરની અંદર નોધારા અને લાવારીસ છે. અને તેઓના ઉપર દયા કરવામાં આવતી નથી. પરંતુ તમે અજ્ઞાનતા દેખાડો છે. જો કોઈ કામ કરી પણ રહ્યું છે તો તમે તેની સાથે નિખાલસ વર્તન કરતા નથી. (ફરી એક વખત અહિં ઈમામ (અ.સ.) આપણું ધ્યાન દોરે છે કે જો કોઈ કારણથી આપણી દીની ફરજ અદા ન કરી શકીએ તો ઓછામાં ઓછું જે લોકો આ ફરજ બજાવી રહ્યા છે તેમની સાથે નિખાલસતાભર્યું વર્તન તો કરીએ અને તેઓને સાથ અને સહકાર આપીએ. અફસોસ છે કે આપણે ખુદ પણ કામ નથી કરતા અને બીજુ કોઈ કામ કરવાની કોશીશ પણ કરે છે તો તેને સાથ અને સહકાર આપવાની વાત તો બાજુ ઉપર રહી, આપણે તેની મશ્કરી કરીએ છીએ. ટીકા, ટીપ્પણ કરીએ છીએ અને જેટલી અડચણો શકય છે તે બધી તેના માર્ગમાં નાખવાની કોશીશ કરીએ છીએ.) અને ઝાલીમો અને અત્યાચારીઓને તાબે થઈને અને તેઓની સાથે કાવત્રું કરીને ઘણું આરામદાયક જીવન પસાર કરી રહ્યા છે. આ બધી એવી બાબતો છે જેનાથી ખુદાવંદે આલમે તમને દુર રહેવાનું કહ્યું છે. પરંતુ તમે તે ભુલી ગયા છો. બીજા લોકોની સરખામણીમાં તમારી ઉપર આ મુસીબત વધુ છે કારણકે તમે પોતાના આલીમો અને બુદ્ઘિમાન લોકોના મોભાને ગણકારતા નથી. અફસોસ! તમે વધુ કોશીશ કરતે.
તેનું કારણ એ છે કે દીનના હુકમોનું અમલીકરણ કરવું તે મઅરેફત ધરાવનાર આલીમોના હાથોમાં છે. જે તેના હલાલ અને હરામ હોવાના અમાનદતદાર છે. તમારી પાસેથી આ સ્થાન આંચકી લીધું છે. આ આંચકી લેવાનું બીજું કોઈ કારણ નથી. પરંતુ તમે તમારી જાતને હક વાતથી જુદી કરી લીધી છે. સ્પષ્ટ દલીલો અને બયાનો હોવા છતાં સુન્નત (રસુલ સ.અ.વ.)માં વિવાદ ઉભો કરી દીધો અને તેનો વિરોધ કર્યો. જો તમે મુસીબતો ઉપર સબર કરતે અને અલ્લાહના માર્ગમાં મુશ્કેલીઓ સહન કરતે તો તમારાજ થકી આ હુકમોને જાહેર કરવામાં આવતે અને તમેજ તેને રજૂ કરતે, લોકો પોતાના પ્રશ્નો તમારીજ તરફ રજુ કરતે. પરંતુ તમે તમારૂં સ્થાન અને મોભો ઝાલીમોને સોંપી દીધો. તેનેજ તમારા હાકીમ બનાવ્યા. અલ્લાહના હુકમોની લગામ તેઓના હાથોમાં આપી દીધી. જેથી ઝાલીમો શંકાઓથી કામ લે અને હવસ અને ઈચ્છાઓ પૂરી કરે. તેઓ આ સ્થાન ઉપર બેસી ગયા કારણકે તમે મોતથી ડરતા હતા અને આ હયાત (જીવન) ઉપર એટલા આશિક થઇ ગયા જે તમારી પાસેથી જલ્દીથી જુદા થવાની છે. પછી તમે વૃદ્ઘો અને અશકતોને તેઓના હવાલે કરી દીધા. (તે ઝાલીમોએ) અમુક અશકતોને પોતાની સાથે રાખીને તેઓની આબરૂનું લીલામ કર્યું. બીજાઓને એક કોળીયો પણ ન આપીને લાચાર કરીને તેઓના ઉપર ધાક બેસાડી દીધી. તેઓ દેશનો વહીવટ પોતાની ઈચ્છા મુજબ ચલાવે છે. (એટલે ખુદાના હુકમોનો તેમાં કોઈ અમલ કે દખલ નથી.) પોતાની ઈચ્છાઓ મુજબ બદનામીને અનુકુળ બનાવે છે. (આ નિતિમાં) તેઓ (તેઓના પહેલા) ખરાબ કાર્યોનું અનુસરણ અને અમલ કરે છે. અને ખુદાએ જબ્બારની વિરૂધ્ધ હૃદયને પથ્થર બનાવી દીધું અને બેહુદીથી કાર્ય કર્યું. તેઓએ દરેક શહેરમાં પોતાના મીમ્બર ઉપર એક બોલનારો વકતા નિમી દીધો છે. સમગ્ર ઈસ્લામી દુનિયા તેઓના પગ તળે છે. તેઓના હાથ દરેક જગ્યાએ ફેલાએલા છે. આખી વસ્તી તેઓની સલ્તનત અને સત્તા હેઠળ છે. જ્યારે પણ કોઈ આ વસ્તી ઉપર હુમલો કરે છે ત્યારે તે બિચારો કાનુનથી લાચાર બની જાય છે: અમુક ઝાલીમો અને સિતમગરો અશકતો અને લાચારો ઉપર દબાણ લાવે છે. અમુક સત્તાધીશો ન તો ખુદા ઉપર યકીન ધરાવે છે ન કયામત ઉપર. હાય આશ્ચર્ય! મને આશ્ચર્ય કેમ ન થાય? જમીન ઝાલીમો અને દગાખોરોના હાથોમાં છે. ઝકાતનો ખર્ચ અને ઉપયોગ સાચી રીતે થઇ નથી રહ્યો. મોઅમીનો ઉપર એક એવો હાકીમ સત્તા ઉપર છે જે તેઓના ઉપર રહેમ નથી કરતો. ખુદા હાકીમ છે તે વાત ઉપર જેના ઉપર આપણામાં વિવાદ છે અને આપણા ઝઘડાઓમાં તેનીજ પાસેથી ચૂકાદાની આશા છે.
પરવરદિગાર! તું જાણે છે કે જે કાંઈપણ મેં જાહેર કર્યું તે એટલા માટે ન હતું કે મને હુકુમત અને સલ્તનતની હવસ છે. ન તો દુનિયાદારીના કોઈ માલ કે સંપત્તિમાં કોઈ રસ છે. હું તો માત્ર એટલું ચાહું છું કે તારો દીન અમલી રહે, અને તારા શહેરોમાં સંપ અને સુલેહ રહે. હતાશ કચડાએલા અને જેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવા બંદાઓને આરામ પહોંચે. જેથી તારા વાજીબ અને સુન્નત હુકમો ઉપર અમલ થઈ શકે. એ લોકો! મારી મદદ કરો, ન્યાય કરો, ઝાલીમોની શકિત તમારા માથા ઉપર ફરી વળી છે અને તે તમારા પયગમ્બરના નૂરને બુજાવવાની કોશીશમાં છે. ખુદા અમારા માટે કાફી છે. તેની ઉપર જ અમે ભરોસો કરીએ છીએ. તેનીજ તરફ આપણે પાછા ફરવાનું છે. આપણો અંજામ પણ તેની જ ઉપર છે.
સય્યદુશ્શોહદાનું આ કથન આપ (અ.સ.)ની લાગણી પ્રત્યે નિર્દેશ કરે રહ્યું છે. આવા સંકટભર્યા સમયમાં પણ આપ (અ.સ.) લોકોને હિદાયતના અને નેકીના માર્ગ તરફ સતત રીતે દોરી રહ્યા અને બુરાઈઓથી રોકતા રહ્યા. આપ હંમેશા કોશીશ કરતા રહ્યા કે આ લાગણી મુસલમાનો અને ખાસ કરીને શીઆઓ વચ્ચે જીવંત રહે. આપે આજ ફરજને પોતાના સંઘર્ષ અને ક્રાન્તિનો હેતુ પણ ગણ્યો. આપે પોતાના ભાઈ મોહમ્મદ બીન હનફીયાને પોતાની નસીહતમાં ફરમાવ્યું: ઈન્નમા ખરજતો લતલબે ઈસ્લાહે ફી ઉમ્મતે જદ્દી રસુલિલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી, ઓરીદો અને આમોર બિલ મરૂઅફે વ અન્હા અનીલ મુન્કરે. હું માત્ર એટલા માટે કયામ કરી રહ્યો છું જેથી આપણા નાના બુઝુર્ગવાર રસુલે ખુદા સ.અ.વ.ની ઉમ્મતની સુધારણા કરૂં. હું તે ઈરાદો ધરાવું છું કે (આ કયામ થકી) લોકોને નેકીઓ તરફ દઅવત આપું અને બુરાઈઓથી રોકું.
આજે જો આપણે આપણા શીઆના સમાજ તરફ નજર નાખીએ તો આપણે જાણી શકીશું કે ખરેખર આપણા સમાજમાં આ મહત્વની ફરજની કોઈ કદર કે કિંમત નથી. જે લોકો આ કાર્યમાં રોકાએલા છે તે એટલા છે કે જેવી રીતે દાળમાં નિમક.
જો આપણે આપણા ઈમામની ખુશી મેળવવા ઈચ્છતા હોઈએ તો આપણા માટે જરૂરી છે કે આપણે આપણા સમાજને એક ઈસ્લામી સમાજ બનાવીએ, હુસયની સમાજ, ન કે યઝીદી સમાજ. એક એવો સમાજ જ્યાં અલ્લાહના હુકમો ઉપર અમલ થઇ રહ્યો હોય. તેના કાનુનો લાગુ પાડવામાં આવ્યો હોય અને બધા લોકો એકબીજાની મદદ કરતા હોય. આપણા માટે જરૂરી છે કે જે અંધકાર આપણા દિલોમાં છવાએલો છે તેને ઈસ્લામી શિક્ષણથી પ્રકાશિત કરી દઈએ. આપણી તરસી રૂહને ખુદાની ઈબાદત થકી તૃપ્ત કરીએ અને નિરાશાઓને આશાઓમાં પલ્ટાવી દઈએ. જો આપણે આ કાર્યો કરીએ તો જ આપણે તે મહદી ઉઝઝમાં (અ.સ.)ની આશા રાખી શકીએ છીએ. જે ખરા અર્થમાં હુસયનના ખુનનો બદલો લેનાર હશે અને જે દુનિયાને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે જે રીતે તે અન્યાય અને અત્યાચારથી ભરાઈ ગઈ હશે.
અલ્લાહુમ્મ અજ્જીલ ફરજે મવ્લાન-લ-મહદી અલયહિસ્સલામ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *