પયગમ્બરે અકરમ સ.અ.વ.ના સ્વમુખે હઝરત ઈમામ હુસયન (અ.સ.) અને તેમના ફરઝન્દોની દોઆઓ

Print Friendly, PDF & Email

હદીસોના સંચયમાં અસંખ્ય હદીસે નબવી એ વાત ઉપર દલીલ કરે છે કે આપના બાર વારસદારો હશે અને બધા કુરયશ કબીલા – કુટુંબમાંથી હશે. માત્ર શીઆ લેખકોજ નહિ બલ્કે અસંખ્ય વિશ્વાસપાત્ર સુન્ની ફીરકાના લેખકો જેવા કે સહીહ બુખારી વિગેરે હદીસકારોની રિવાયતો આ વિષય ઉપર જોવા મળે છે. આ બાર વારસદારોમાંથી નવ હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પીઠમાંથી હશે. નબી સ.અ.વ.ની હદીસોમાં પવિત્ર ઈમામોની વાત ક્રમબધ્ધ રીતે તેઓના નામો અને લકબો સાથે સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. જે રસુલે ખત્મી મરતબતની સચ્ચાઈ અને આપણે હક ઉપર હોવાની શ્રેષ્ઠ દલીલ છે. આ હદીસોના અભ્યાસથી આપણા ઈમાનમાં વધારો અને યકીનમાં મજબુતી અને પુખ્તતા મળે છે. એ વાતનો અંદાજ પણ આવી જાય છે કે હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ ઉમ્મતની હિદાયત અને માર્ગદર્શન માટે કેટલી મજબુત વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ દુ:ખ તો એ વાતનું થાય છે કે મુસલમાન ઉમ્મતે આ હિદાયતોનો કોઈ લાભ ન ઉઠાવ્યો. આલે મોહમ્મદ સ.અ.વ.ના બેશુમાર ફઝાએલો અને કારકીર્દીને સમજ્યા અને જાણ્યા પછી પણ તેઓને સતત ત્રાસ અને તકલીફો પહોંચતી રહી. ગમે તેમ, સુજ્ઞ વાંચકોની સમક્ષ અમે એક એવીજ હદીસ રજૂ કરીએ છીએ જેમાં હઝરત રસુલે અકરમ સ.અ.વ.એ ઈમામ હુસયન (અ.સ.)ની કારકીર્દી બયાન કરી છે. આપના વંશમાંથી થનારા નવ ઈમામોની ચર્ચા કરી છે બલ્કે દરેક ઈમામની ખાસ દોઆ અને તેની થનારી અસરોને પણ બયાન કરી છે.
શયખ બુઝુર્ગવાર જનાબ મોહમ્મદ બીન બાબવય કુમ્મી (રીઝવાનુલ્લાહ તઆલા અલય્હ) વિશ્વાસ પાત્ર સનદની સાથે રિવાયત કરે છે કે ઈમામ મોહમ્મદ તકી (અ.સ.) પોતાના પવિત્ર પૂર્વજોથી નકલ કરે છે કે હઝરત ઈમામ હુસયન (અ.સ.)એ ફરમાવ્યું: એક દિવસ હું મારા બુઝુર્ગ નાના હઝરત રસુલે ખુદા સ.અ.વ.ની ખિદમતમાં હાજર થયો. આપના એક સાથીદાર જનાબ ઓબય ઈબ્ને કઅબ (ર.) પહેલેથીજ આં હઝરતની ખિદમતમાં મૌજુદ હતા. જેવો હું (એટલે હ. ઈમામ હુસયન (અ.સ.) દાખલ થયો કે હઝરતે ફરમાવ્યું: મરહબા! એ આસમાન અને જમીનના શણગાર! જનાબ ઓબયને આ સાંભળી તાજ્જુબ થયું અને તેમણે રસુલે અકરમ સ.અ.વ.ને પૂછયું : યા રસુલુલ્લાહ સ.અ.વ.! એ કેવી રીતે શકય છે કે આપની સિવાય બીજુ કોઇ આસમાન અને જમીનનો શણગાર બની શકે? આપે જવાબ આપ્યો: એ ઓબય! કસમ એ ખુદાએ મોતઆલની જેણે મને દુનિયામાં રસુલ બનાવીને મોકલ્યો, યકીનથી જમીનની સરખામણીમાં આ હુસયન (અ.સ.)નું સ્થાન આસમાનમાં ઘણું ઉંચુ અને વિશાળ છે. અલ્લાહના અર્શની જમણી બાજુએ લખાએલું છે હુસયન (અ.સ.) હિદાયતના ચિરાગ છે અને ઉમ્મતના માટે મૂકિતની હોડી છે. તે દુનિયાના સરદાર છે તેમાં સુસ્તી અને કમજોરી જોવા નથી મળતી અને તમામ દુનિયાને મૂકિત આપવા કાર્યશીલ છે. એ ઓબય! યકીનથી ખુદાએ તેમની પીઠમાં એક પવિત્ર અને મુબારક નુત્ફો મુકયો છે અને તેને થોડી દોઆઓની તાલીમ આપી છે. કોઈ ખુદાનો બંદો નથી સિવાય કે તે જે ખુદાને આ દોઆઓથી પૂકારે તો ખુદા અઝઝ વ જલ્લા તેને કયામતના દિવસે હુસયન (અ.સ.)ની સાથે હશ્ર કરશે અને છેવટે હુસયન (અ.સ.) તેના ગુનાહોની માફીની ભલામણ કરશે. માત્ર એટલુંજ નહિ બલ્કે આ દુનિયામાં ખુદાવંદે આલમ તેના ગમને દૂર કરી દેશે. તેના કરજને ચૂકવી આપશે તેના માટેના દીનના માર્ગોને વિશાળ કરી દેશે. તેને દુશ્મન ઉપર વિજયી બનાવશે અને તેના અવગુણો ઉપર પર્દો નાખી દેશે.
જનાબ ઓબય એ પૂછયું: આ રસુલુલ્લાહ સ.અ.વ.! તે દોઆઓ શું છે? આપે ફરમાવ્યું: જ્યારે નમાઝ પૂરી કરો તો બેઠકની સ્થિતિમાં આ દોઆ પડો,
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે કલેમાતેક વ મઆકેદે અર્શેક વ સુક્કાને સમાવાતેક વ અમ્બીયાએક વ રોસોલેક અન તસ્તજીબ લી ફકદ રહકની મીન અમ્રી ઉસ્રુન ફઅસ્અલોક અન્તો સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન વ અન તજઅલ લી મીન ઉસ્રીય યુસ્રન.
એ ઓબય, જે કોઈપણ આ દોઆ પડશે ખુદા સુબ્હાનહુ વ તઆલા તેના કામોને આસાન કરી દેશે. તેના દિલને ઈલ્મ અને મઅરેફતથી વિશાળ કરી દેશે અને મૃત્યુના સમયે લા એલાહ ઈલ્લલ્લાહની તલ્કીન કરશે.
જનાબ ઓબય એ પૂછયું: યા રસુલુલ્લાહ! તે કયો નુત્ફો છે જે મારા હબીબ હુસયન (અ.સ.)ની પીઠમાં છે? આપે ફરમાવ્યુ, આ નુત્ફાનો દાખલો ચાંદની જેવો છે. આ નુત્ફા થકી ઈલ્મો અને મઅરેફતો જાહેર થશે જે કોઈપણ તેને અનુસરશે તે હિદાયત મેળવશે. જે કોઈપણ તેનો સાથ છોડી દેશે તે યકીનથી ગુમરાહી અને નીચતામાં સપડાઈ જશે. જનાબ ઓબયએ ફરી સવાલ કર્યો: તેનું નામ શું છે એ તેની દોઆઓ કઈ છે? તેનું નામ અલી (અ.સ.) છે અને દોઆ આ છે,
આ દાએમો! આ દયમુમો! યા હય્યો! યા કય્યુમો! યા કાશેફલ ગમ્મે! યા ફારેજલ હમ્મે! વ યા બાએસલ રોસોલે! વ યા સાદેક વઅદે!
જે કોઈ પણ આ દોઆને પડશે ખુદા અઝઝ વ જલ્લ તેને અલી બીન હુસયન (અ.સ.)ની સાથે હશ્ર ફરમાવશે અને આપ જન્નતની તરફ તેને માર્ગદર્શન આપશે અને સાર સંભાળ રાખશે.
જનાબ ઓબય એ પૂછયું: શું તેમના કોઈ ખલીફા કે વસી હશે? ફરમાવ્યું: ચોક્કસ, તેના માટે આસમાન અને જમીનનો વારસો હશે. પૂછયું, જમીન અને આસમાનના વારસાનો શું અર્થ? ફરમાવ્યું: તે લોકો વચ્ચે હકની સાથે ફેંસલા કરશે અલ્લાહના હુકમોની સમજણ આપશે અને સ્પષ્ટીકરણ કરશે. તે પોતાના મૃત્યુ પછી અને કયામત સુધીમાં થનારી ઘટનાઓની પણ લોકોને જાણ કરશે.
જનાબ ઓબયએ પૂછયું: તેનું નામ શું છે? ફરમાવ્યું: તેનું નામ મોહમ્મદ (અ.સ.) છે. અને યકીનથી મલાએકા આસમાનોમાં તેની સાથે સ્નેહ રાખે છે અને તેની દોઆ પડે છે: અલ્લાહુમ્મ ઈન કાન લી ઈન્દક રીઝવાનુન વ વોદુન ફગફીરલી વલે મન તબેઅની મીન ઈખ્વાની વશીય્યતી વ તય્યબ માફી સુલ્બી.
એ ઓબય! ખુદાવંદે આલમે તેની પીઠમાં એક પવિત્ર નુત્ફો મૂકયો છે. જીબ્રઈલે મને ખબર આપી છે કે ખુદા અઝઝ વ જલ્લે તે નુત્ફાને નેક અને પવિત્ર કર્યો છે. પોતે તેનું નામ જઅફર (અ.સ.) રાખ્યું છે. તેને હિદાયતથી ભરેલા અને હિદાયત કરનાર બનાવ્યા છે. માત્ર એટલુંજ નહિ અલ્લાહની મરજીથી રાજી અને પોતાના પ્રિય ગણ્યા છે. તે ખુદાવંદે આલમને આ દોઆથી પોકારે છે: યા દાનીન ગયર મોતવાનીન! યા અરહમર્રાહેમીન! ઈજઅલ લી શીય્યતી મેનન્નારે વેકાઅન વલહુમ ઈન્દક રેઝન વગ્ફીર ઝોનુબહુમ વ યસ્સીર ઓમુરહુમ વકઝે દોયુનહુમ વસ્તુર અવરાતેહીમ વહબ લહુમ અલ કબાએરલ્લતી બય્નક વ બય્હુમ. યા મન લા યખાફો ઝય્યમ વલા તા ખુઝહો સેનતુન વલા નવમુન ઈજઅલ લી મીન કુલ્લે ગમ્મીન ફરજન.
જે કોઈ પણ આ દોઆની તિલાવત કરશે તો ખુદાવંદે મોતઆલ કયામતના દિવસે તેના ચહેરાને પ્રકાશિત કરી દેશે. કયામતમાં તેનો હશ્ર જઅફર બીન મોહમ્મદ (અ.સ.)ની સાથે થશે અને આપ તેને જન્નતની તરફ લઈ જશે.
એ ઓબય! યકીનથી ખુદાવંદે મોતઆલએ તેનાથી એક પાક અને પાકીઝા નુત્ફાને અસ્તિત્વમાં લીધો છે. તે નુત્ફા ઉપર પોતાની રહેમત ઉતારી છે અને તેનું નામ મૂસા (અ.સ.) રાખ્યું છે: જનાબ ઓબય એ પુછયું: શું તેની પણ કોઈ દોઆ છે? ફરમાવ્યું, તે દોઆ આ રીતે પડે છે:
યા ખાલેકુલ ખલ્કે! વયા બાસેતુર રીઝકે! વ યા ફાલેકલ હબ્બે વન નવા! વ યા બારેઅન્નસમે! વ મોહયેયલ મવ્તા વ લ મોમીતુલ એહયાએ વ દાએમસ્સબાતે ઈકઅલ લી મા અન્ત અહલોહુ.
જે કોઈ પણ આ દોઆ પડશે. તો ખુદાવંદે આલમ તેની હાજતોને પૂરી કરશે અને કયામતના દિવસે તેનો મુસા બીન જઅફર (અ.સ.)ની સાથે હશ્ર કરશે.
એ ઓબય! યકીનથી ખુદાવંદે આલમે તેની પીઠમાં એક પાક અને પસંદગીનો નુત્ફો મૂકયો. પોતે તેનું નામ અલી (અ.સ.) રાખ્યું. પોતાના જ્ઞાન અને ડહાપણમાં તે ખુદાના પ્રિય બંદા છે. ખુદા અઝઝ વ જલ્લે તેને તેના દોસ્તો ઉપર પોતાની હુજ્જત નિર્માણ કરી. જેથી કયામતના દિવસે તેના થકી તેની હુજ્જત પૂરી કરી શકે. તેની દોઆ આ છે,
અલ્લાહુમ્મ! અઅતેનીલ હોદા વ સબ્બીતની અલય્હે વહશુરની અલય્હે આમેનન અમ્ન લા ખવ્ફ અલય્હે વ લા હુઝન વલા જઝઉન ઈન્નક અહલુત્તકવા વ અહલુલ મગ્ફેરહ.
એ ઓબય! યકીનથી ખુદાવંદે અઝઝ વ જલ્લે તેની પીઠમાંથી એક પાક અને પાકીઝા પસંદ કરેલો નુત્ફો મૂકયો અને તેનું નામ મોહમ્મદ (અ.સ.) નક્કી કર્યું અને તેને શીઆઓના કયામતના દિવસે મદદ કરનાર બનાવ્યા. તે ઈલાહી ઈલ્મના વારસદાર છે. પરવરદિગારની એક પ્રકાશિત અને સ્પષ્ટ નિશાની છે અને પરવરદિગારની જાહેરી હુજ્જત છે. જન્મ પ્રસંગે તે ફરમાવશે,
લા ઈલાહ ઈલ્લલ્લાહ મોહમ્મદુર રસુલુલ્લાહ પછી પોતાની દોઆ પડશે.
યા મન લા શબીહે લહુ વલા મીસાલ, અન્તલ્લાહો લા ઈલાહા ઈલ્લાહ અન્ત, વલા ખાલેક ઈલ્લા અન્ત, તુફનીલ મખ્લુકીન વ તબ્કા અન્ત, હલુમ્ત અમ્મન અસાક વ ફીલ મગ્ફેરતે રેઝાક.
જે કોઈ પણ આ દોઆને પડશે તો મોહમ્મદ બીન અલી (અ.સ.) કયામતના દિવસે તેના મદદગાર થશે.
એ ઓબય! ખુદાવંદે મોતઆલે તેની પીઠમાં એક નુત્ફો મૂકયો છે જે ન તો ઝુલ્મ કરનારો છે ન ફસાદ ફેલાવનાર. બલ્કે તે તો નેક, પવિત્ર, પાક અને પરહેઝગાર હશે. ખુદા અઝઝ વ જલ્લે તેનું નામ અલી (અ.સ.) રાખ્યું છે. તેને મોભાદાર, આરામદાયક અને ભવ્યતાવાળા બાદશાહી પોષાકથી શણગર્યા છે. પોતાનું ઈલ્મ તેને સોંપી દીધું છે. બધા રહસ્યો અને છુપી વાતોથી તેને જાણકાર કરી દીધા છે. જે કોઈ તેની મુલાકાત કરશે અને તેના દિલમાં કોઈ રહસ્ય છુપાએલું હશે તો ખુદાવંદે આલમ તે રહસ્યને તેની પાસે ખુલ્લું કરી દેશે અને તેના દુશ્મનોની ઓળખ કરાવી દેશે. તે પોતાની દોઆ આ રીતે પડે છે.
યા નૂરો! યા બુરહાનો! યા મોનીરો! યા મોબીનો! યા રબ્બકફેની શર્રશ્શોરૂરે વ આફાતીદ્દોહુરે વ અસઅલોકન્નજાત યવ્મ યુન્ફખો ફીસ્સુરે.
જે કોઈ પણ આ દોઆ પડશે તો કયામતના દિવસે તેના મદદ કરનાર અલી બીન મોહમ્મદ (અ.સ.) હશે અને જન્નત તરફ તેની દોરવણી કરશે.
એ ઓબય! યકીનથી બુઝુર્ગ અને મહાન અલ્લાહે તેની પીઠમાં એક પાક નુત્ફો મૂકશે અને પોતે તેનું નામ હસન (અ.સ.) રાખશે. તેને પોતાના શહેરોમાં પોતાનું નુર અને પોતાની જમીન ઉપર પોતાના વારસદાર નિમ્યા છે. તેને તેના દાદાની ઉમ્મતના માટે મહાન ઈજ્જત આપી છે અને તેને શીઆઓના માટે માર્ગદર્શન આપનાર અને કયામતના દિવસે શફા આપનાર તરીકે ચૂંટયા છે. તેના વિરોધીઓને અલ્લાહ અઝાબમાં સપડાવી દેશે. તેણે તેમને લોકો ઉપર પોતાની હુજ્જત બનાવ્યા છે. તેના સરપરસ્ત હોવાને અને તેની મોહબ્બતને દિલો જાનથી કબુલ કરવાને તે લોકો માટે દલીલ ગણી છે જે તેને પોતાના ઈમામ અને પેશ્વા માને. તેની દોઆ જેની તે તિલાવત કરે છે તે આ છે:
યા અઝીઝુલ ઈઝઝે ફી ઈઝઝેહી! મા અઅઝ અઝીઝીલ ઈઝઝે ફી ઈઝઝેહી! યા અઝીઝો! અઅઝેની બે ઈઝઝેક વ અય્યદની બે નસ્રેક વ અબ્ઈદ અન્ની હમઝાતિશ્શયાતીને વદફઅ અન્ની બે દફએક વમ્નઅ અન્ની બે મન્એક વજઅલ્ની મીન ખેયારે ખલ્કેક! યા વાહેદો યા અહદો! યા ફર્દો! યા સમદ!
જે કોઈપણ આ દોઆ પડશે તો બુઝુર્ગ અને મહાન ખુદા તેનો કયામતના દિવસે હસન બીન અલી (અ.સ.) સાથે તેનો હશ્ર કરશે અને તેને દોઝખની આગથી મૂકિત અપાવશે. પછી ભલે તે કેટલા પણ ગુનાહનો હકદાર કેમ ન હોય.
ખુદાની કસમ! ખુદા અઝઝ વ જલ્લ તેની પીઠમાં એક એવો નુત્ફો મૂકશે જે પવિત્ર થએલો પાક અને પાકીઝા હશે. દરેક વ્યકિત કે જેણે આલમે ઝરમાં તેની ઈમામતનો એકરાર કર્યો, તેને ખુદાએ મોઅમીન ઠેરાવ્યો અને તેના નકાર (મુન્કીરને) કરનારને કાફર બનાવ્યો. તે એક પરહેઝગાર પવિત્ર, ચારિત્ર્યવાન, પરહેઝગારોને ખુશ કરનાર પોતાના રબનો મહેબુબ, હિદાયત પામેલા અને હિદાયત કરનાર છે. તેના ચુકાદાઓ સાચા અને તેના કાર્યો ન્યાય ઉપર આધારિત હશે. તે ખુદા અઝઝ જલ્લની સચ્ચાઈ સાબિત કરશે. ખુદાવંદે આલમ પણ તેના દરેક કથનને સાચા સાબિત કરશે. તે એ સમયે બહાર આવશે જ્યારે દુનિયામાં તેના જાહેર થવાની નિશાનીઓ અને બનાવે જાહેર થઇ ચૂકયા હશે. તેની પાસે એક શ્રેષ્ઠ ખજાનો હશે. જેમાં ન તો સોનુ છે ન ચાંદી. બલ્કે તેનો ખજાનો સુંદર ઘોડાઓ અને બહાદુર વ્યકિતઓ હશે. આ વ્યકિતઓને બુઝુર્ગ અને શ્રેષ્ઠ ખુદાએ તેના માટે ભેગા કર્યા છે. તેની સંખ્યા બદ્રવાળાની જેમ ૩૧૩ની હશે. તેની પાસે એક નોંધપોથી હશે. તેની ઉપર મહોર મારેલી હશે. તેમાં તેના સાથીદારોના નામ, વંશ, ઉપનામ, ઈલ્કાબ, શહેર, ગુણો અને વિશેષતાઓ લખેલી હશે. આ જ તે લોકો છે જે તેનું અનુસરણ અને ઘણું સન્માન કરશે.
જનાબ ઓબયએ સવાલ કર્યો, યા રસુલુલ્લાહ! આં હઝરતના જાહેર થવાની નિશાનીઓ કઈ છે? આપે ફરમાવ્યું: તેમની પાસે એક ઈલ્મ છે. જ્યારે તેમના જાહેર થવાનો સમય આવશે ત્યારે તે ઈલ્મ આપમેળે લહેરાવવા લાગશે અને ઉંચુ થશે. ખુદાવંદે આલમ તે ઈલ્મમાં વાત કરવાની શકિત પૈદા કરશે. જેથી તે ઈલ્મ આપને અવાજ દેશે: એ ખુદાના વલી! જાહેર થઈ જાવ અને પોતાના દુશ્મનોને કત્લ અને તબાહ કરી નાખો. તેની પાસે એક તલ્વાર પણ હશે જેના ઉપર એક ગિલાફ ચડાવેલો હશે. ઝુહુરના સમયે ખુદ તલ્વાર ગીલાફમાંથી બહાર નીકળી જશે અને તેમને પોકારશે, એ વલીએ ખુદા! બહાર નીકળી જાઓ. આ સમયે આપને બેસી રહેવું જાએઝ નથી. ઉઠો! અને ખુદાના દુશ્મનો સાથે લડાઈ કરો. જાહેર થઈ જાવ અને જ્યાં જ્યાં ખુદાના દુશ્મનને જુઓ, તેમને કત્લ કરી નાખો. જેવા આં હઝરત બહાર તશરીફ લાવશે ત્યારે જીબ્રઈલ આપની જમણી બાજુએ અને મીકાઈલ આપની ડાબી બાજુએ હશે.
એ ઓબય! મેં તમને આ વાતો જણાવી દીધી જો કે આ વાત બનાવાને એક મુદ્દતની વાર છે. ખુદાવંદે આલમ યકીનથી આ કાર્યોને પૂરા કરશે. એ ઓબય! ખુશનસીબ છે તે લોકો જે તેમની મુલાકાતનું સન્માન મેળવશે. જે તેમની સાથે દોસ્તી રાખશે, તેમને માટે જન્નત યકીનથી છે. સદ્ભાગી છે તે માણસ જે તેમની ઈમામતને સ્વિકારશે.
એ ઓબય! ખુદા શીઆઓને કત્લ થવાથી બચાવશે. ખુદા, રસુલ અને ઈમામોને એકરાર કરવા અને ઈમાદ્વન લાવવા બદલ જન્નતના દરવાજા ખોલી નાખશે. તે ઈમામોનું ઉદાહરણ કસ્તુરી જેવું છે જે સદાય ખશ્બુ ફેલાવ્યા કરે છે. તેમાં કયારેય પવિર્તન નથી આવતું. તેનું ઉદાહરણ આસમાનના તે નુરાની ચાંદ જેવું છે જે હંમેશા પ્રકાશ ફેલાવ્યા કરે છે. તેનો પ્રકાશ કયારે પણ ઓજલ નથી થતો. જનાબ ઓબયએ પૂછયું: એ રસુલુલ્લાહ! ખુદા તે ઈમામોને તેમના કાર્યો અને જવાબદારીઓની કેવી રીતે જાણ કરે છે? ફરમાવ્યું: હક સુબ્હાનહુ વ તઆલાએ બાર મોહર મારેલી નોંધપોથીઓ આસમાનમાંથી મોકલી છે. દરેક ઈમામનું નામ તેની મોહર ઉપર લખ્યું છે. તેની વિગતો અને હુકમો તે નોંધપોથીમાં નોંધાએલા છે. (રજઅત, લેખક અલ્લામા મોહમ્મદ બાકિર મજલીસી, હદીસ નં. ૯, પાના નં. ૭૯-૮૫)
આ હતી હદીસે નબવી જેમાં આપ સ.અ.વ.એ ઈમામ હુસયન (અ.સ.)ની પીઠમાંથી થનારા ઈમામોની ઓળખ કરાવવામાં આવી. ખુદા આપણને સૌને તૌફીક આપે કે આપણે તે બધી દોઆઓ જે દરેક ઈમામ (અ.સ.)ની સાથે સંકળાએલી છે તે પડીએ તેનાથી આપણી દુનિયા પણ સુધરી જશે અને આખેરતમાં પણ આપણે સફળ રહીશું. અંતમાં આપણે બુઝુર્ગ અને શ્રેષ્ઠ ખુદાની પાસે દોઆ કરીએ કે તે જલ્દીમાં જલ્દી ઈમામે ઝમાના (અ.સ.)ના અલમ અને તલ્વારને હરકત આપે અને દુનિયા તેમના પવિત્ર ઝુહુરથી પ્રકાશિત થઇ જાય અને આપણને ઈમામ (અ.સ.)ના મુખ્લીસ અને વફાદાર સાથીદારો અને અન્સારોમાં ગણત્રી કરે.
આમીન બેહક્કે મોહમ્મદીંવ વ આલેહીલ મઝલુમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *