જનાબ ઝોહયર બિન કૈન બજલી

Print Friendly, PDF & Email

કરબલાની ઘટનાની મહાન વિભૂતિઓમાં સૌથી વધુ મહત્વની અને અસરકારક વિભૂતિ તો ખુદ ઈમામ હુસય્ન અ.સ.નું વ્યકિતત્વ અને પ્રતિભા છે, પરંતુ અમુક ચહેરાઓ તેમાં શામીલ થઈને તેને ઈતિહાસની એક અજોડ ઘટના બનાવી દીધી છે. ઈમામ હુસય્ન અ.સ.ના અસ્હાબો પૈકી દરેક પોતાની જુદી જુદી પ્રતિભા પણ ધરાવે છે. અને શહાદતના ગુલદસ્તામાં ભળી જઈને તેની સામુહીક ભવ્યતા અને સ્વરૂપમાં વધારો પણ કર્યો છે. આ સૌની રહેણી કરણીમાં, સિધ્ધાંતો અને અકીદાઓમાં, ધ્યેય અને વિચાર સરણીમાં, જીવન અને મૃત્યુની ઈચ્છાઓમાં, હુસયની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેઓ ઈમામ હુસય્ન અ.સ. માટે ગર્વને પાત્ર હતાં. આજ કારણથી તો ઈમામ હુસય્ન અ.સ.એ પોતાની પવિત્ર ઝબાનથી તેમની પ્રસંશા અને અહોભાવ દર્શાવ્યો છે. “ફ ઈન્ની લા અઅલમો અસ્હાબન અવફા વલા ખયરા મીન અસ્હાબી.” “હું કોઈ અસ્હાબને નથી જાણતો જે મારા અસ્હાબોથી વધુ વફાદાર અને વધુ સારા હોય.” આ સિવાય ઈમામ સાદિક અ.સ.એ પોતાના સહાબી “સફવાન”ને કરબલાના શોહદાઓની ઝીયારતની તાલીમ આપતા ફરમાવ્યું “બે અબી અન્તુમ વ ઉમ્મી” અર્થાત્ મારા મા-બાપ તમારા સૌ ઉપર કુરબાન થઈ જાય.

આ કથન શોહદાએ કરબલાની ભવ્યતાની એટલી મોટી સનદ છે કે તેના પછી અન્ય કોઈને કંઈ પણ કહેવાની જરૂર રહેતી નથી.

આ ફીદાકારોમાં એક શુરવીર મર્દ જનાબ ઝોહયર બિન કયન બજલી અ.સ. હતા. આપના શરૂઆતના જીવનનાં પ્રસંગોની વિગતો પુસ્તકોમાં લખવામાં નથી આવી. અલબત્ત, એટલું જરૂર મળે છે કે અરબોના શરીફોમાંથી કુફાના રહીશ અને બહાદુર હતા. લડાઈઓમાં ભાગ લઈ ચૂકયા હતા. જે લોકો મોઆવીયાની તરફેણ કરતાં હતા તેઓને “ઉસ્માની” કહેવામાં આવતા હતા અને જે લોકો અલી અ.સ.ની તરફેણ કરતા હતા તેઓને “અલવી” કહેવામાં આવતા હતા. જનાબે ઝોહયર અ.સ. સામાન્ય રીતે “ઉસ્માની” ગણાતા હતા અને જાહેરમાં તે નબી સ.અ.વ.ની એહલેબય્તની સાથે કોઈ ખાસ સંબંધ ધરાવતા ન હતા. ઈતિહાસના પુસ્તકોમાં આપની વિગતોનો સંદર્ભ આપની ઈમામ હુસય્ન અ.સ.ની સાથે ઝુરૂદમાં થએલ મુલાકાતથી મળે છે.

ઈમામ હુસય્ન અ.સ. સાથે જનાબે ઝોહયરની મુલાકાત

આ મુલાકાતને હદીસવેત્તા શયખ અબ્બાસે કુમ્મીએ નફસુલ મહમુમ પાના ૧૮૦ ઉપર અને તબરીએ તેની “તારીખ” ભાગ-૩ પાના ૨૨૪ (મીસરમાં છપાએલી) માં આ રીત રજુ કરી છે.

“અબુ મખનફથી રિવાયત છે કે સદી બિન ફરારહે કહ્યું કે એક ઉસ્માની વ્યકિતએ તેને કહ્યું કે અમે ઝોહયર બિન કયન બજલીની સાથે મક્કાથી બહાર નીકળ્યા અને રસ્તામાં હુસય્ન બિન અલી અ.સ.ની સાથે ભેગા થયો. અમારા માટે કોઈ બાબત એથી વધુ નાપસંદ ન હતી કે અમે કોઈ સ્થળે આં જનાબ અ.સ.ની સાથે ઉતરીએ. જ્યારે હુસય્ન અ.સ. કોઈ સ્થળે રોકાઈ જતા તો ઝોહયર આપનાથી પહેલા રવાના થઈ જતાં. ત્યાં સુધી કે એક દિવસ અમે એક સ્થળે ઉતર્યા કે જ્યાં આપની સાથે રોકાવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

હુસય્ન અ.સ. એક તરફ ઉતર્યા અને અમે બીજ તરફ બેઠા હતા. જે જમવાનું અમારી સાથે હતું તે અમે જમી રહ્યા હતા. કે હુસય્ન અ.સ.નો સંદેશાવાહક અમારી પાસે આવ્યો અને સલામ કરી પછી અંદર તંબુમાં દાખલ થયો અને કહ્યું, એ ઝોહયર, મને હુસય્ન અ.સ.એ આપની પાસે મોકલ્યો છે જેથી આપ લોકોને હું તેમની પાસે લઈ જાઉં. અમારામાંથી દરેકના હાથમાં જે કાંઈ હતું તે પડી ગયું, જાણે પક્ષીઓ અમારા માથા ઉપર બેસી ગયા કેમ ન હોય. અબુ મખનફ કહે છે કે ઝોહયરના પત્નિ દિલહમ બિન્તે અમરૂએ મને કહ્યું કે મેં (પત્નિએ) ઝોહયરને કહ્યું કે ફરઝંદે રસુલ આપની પાસે કાસીદને મોકલે છે અને આપ તેમની પાસે નથી જતાં. સુબ્હાનલ્લાહ! ઉઠો અને જાવ અને તેમની વાત સાંભળો અને પાછા આવી જાવ. તે ખાતુને કહ્યું અને જ. ઝોહયર હ. ઈમામ હુસય્ન અ.સ. પાસે ગયા. હજુ વધુ સમય વિત્યો ન હતો કે તે ખુશખુશાલ પાછા ફર્યા અને હુકમ કર્યો કે પોતાના તંબુઓ અને સર-સામાન હુસય્ન અ.સ. તરફ લઈ જવામાં આવે અને પોતાની પત્નિને કહ્યું “અન્ત તાલીક” તને તલાક છે. તારા કુટુંબ સાથે ભળી જા, કારણકે હું નથી ઈચ્છતો કે મારા તરફથી તને સારી બાબતો અને ખુબીઓ સિવાય બીજી કોઈ વસ્તુ મળે. પછી તેણે કહ્યું કે મેં ઈમામ હુસય્ન અ.સ. ને સાથ આપવાનો નિર્ણય કરી લીધો છે જેથા મારી જાતને તેમની ઉપર કુરબાન કરૂં અને મારી જાન આપીને તેમને બચાવી લઉં. પછી તે ખાતુનને તેનો માલ આપ્યો અને કોઈ સગાને હવાલે કર્યા જેથી તેણીના કુટુંબીજનો સુધી પહોંચાડી દે.

તે ખાતુન ઉભી થઈ ગઈ અને પોતાના પતિને અલવિદા કહ્યું અને રડીને કહ્યું, ખુદા તમારા દોસ્ત અને મદદગાર થાય અને તમારી ખયર અને ભલાઈ કરે. હું આપની પાસેથી માત્ર એટલું જ ઈચ્છું છું કે મને કયામતના દિવસે હુસય્ન અ.સ.ના નાના સલવાતુલ્લાહે અલયહની પાસે યાદ કરજો. પછી જનાબે ઝોહયર અ.સ.એ પોતાના અસ્હાબને કહ્યું, કે જે શખ્સ મને દોસ્ત માને છે તે મારી સાથે આવે નહીંતો મારી તેમનાથી આ અંતિમ મુલાકાત છે. આ રીતે આપ ઈમામ હુસય્ન અ.સ.ના અસ્હાબની સાથે ભળી ગયા. આ પ્રસંગથી અમુક મહત્વની બાબતો ઉપસી આવે છે.

ઈમામ હુસય્ન અ.સ.ની સિવાય કોણ જાણી શકતું હતું કે જનાબે ઝોહયર અ.સ.ના દિલમાં હક અને બાતિલ વચ્ચે નિર્ણય લેવામાં શું અડચણ હતી. ક્યા પ્રકારની મુંજવણ હતી. ક્યો પરદો હતો જે ઉંચકવાની કોશીશ છતાં ઉચકાતો ન હતો આ ગડમથલની પરિસ્થિતીમાં તે ઈમામ હુસય્ન અ.સ. થી દૂર દૂર પોતાના માર્ગ પસાર કરી રહ્યા હતા. તેમના દિલની અંદર ઈમામ હુસય્ન અ.સ.ની સિવાય કોઈ દ્રષ્ટિપાત કરીને જોઈ ન શકયું કે અંતિમ નિર્ણય લેવા માટે ક્યા ઈશારાની પ્રતિક્ષામાં હતાં. જો તેમનામાં પરિવર્તન ન થયું હોત તો ઈમામ હુસય્ન અ.સ.થી બચી બચીને તેમ છતાં, શા માટે થોડા જ અંતરે પડાવ નાખતા હતા. શક્ય છે કે ખાનએ કાબામાં ઈમામ હુસય્ન અ.સ.ને શહિદ કરવા માટેની જે જાળ બીછાવવામાં આવી હતી તેની અસર જનાબે ઝોહયર અ.સ. ઉપર થઈ હોય. શક્ય છે કે તેમની પત્નિએ તેમની ગડમથલ ઓછી કરી હોય કારણ એ છે કે જ્યારે ઈમામ હુસય્ન અ.સ.એ આપને બોલાવ્યા તો ત્યારે આપ ગભરાઈ ગયા હતા. આ ગભરાઈ જવું બિલ્કુલ કુદરતી હતું. તેની આંતરિક ગડમથલનો ભેદ ઈમામ હુસય્ન અ.સ. જાણી ગયા હતા. નિર્ણય લેવાની અને નવી દિશામાં પગ માંડવાની ઉલ્જન હંમેશા હિંમતની કસોટી કરતી હોય છે. તેથી જ્યારે ઈમામ હુસય્ન અ.સ.એ બોલાવ્યા ત્યારે તેમની પત્નિની ભરપૂર સંસ્કારી વાણીથી હિંમત મળી. આ એક જબરદસ્ત રહસ્ય છે કે જનાબે ઝોહયર અ.સ. જ્યારે ઈમામ હુસય્ન અ.સ. પાસે પહોંચ્યા ત્યારે આપની સાથે શું વાતચીત થઈ. ટૂંકી વાતચીત – પરંતુ પરિણામની દ્રષ્ટિએ લાખો તાર્કિક તર્કબદ્ધ દલીલો ઉપર ભારે હતી. જ્યારે જનાબે ઝોહયર અ.સ. ત્યાંથી ઊભા થયા ત્યારે તેમનું નસીબ બદલાઈ ચૂકયું હતું. ઝીંદગીનો નકશો બદલાઈ ચૂકયો હતો. પરિણામ દ્રષ્ટિ સમક્ષ આવી ગયું હતું. કારણકે પત્નિને તલાક આપતી વખતે આ વિચાર પણ પ્રદર્શિત કર્યો હતો કે હું ઈચ્છું છું કે તમે મારા પછી તકલીફો ન ઉઠાવો. જનાબ ઝોહયર અ.સ. ઉમવી મીજાઝ – ચાલચલણને સારી રીતે જાણતા હતા. તરત જ સમજી ગયા કે ભવિષ્યમાં શું થવાનું છે. આપના આ પરિવર્તનમાં નફસની પાકીઝગીનો પણ હાથ હતો અને ઈમામ હુસય્ન અ.સ.ની કીમીયા દ્રષ્ટિની દિવ્યતાનો. પરંતુ દરેક ધાતુ સોનું નથી હોતી. જનાબ ઝોહયર અ.સ.માં બધા સદગુણો મૌજુદ હતા. તક આવી તો સંપૂર્ણ ચમક અને દમકની સાથે તમામ સદગુણો પ્રકાશિત થઈ ગયા.

જનાબે ઝોહયર અને શબે આશુર

આ શુરવીર સૈનિકે કરબલાના મૈદાનમાં દરેક વખતે પોતાની બહાદુરી અને ફીદાકારીનું પ્રદર્શન કયું<. જેમકે તારીખે તબરી ભાગ-૩, પા. ૨૩૭ દ્યપર મળે છે કે ૯ મોહર્રમની સાંજે જ્યારે હબીબ ઈબ્ને મઝાહીર અ.સ.એ વિરોધી દળો વિરૂધ્ધ આગળ વધીને શબ્દો દ્વારા પ્રતિકાર શરૂ કર્યો હતો. ઉઝવહ બિન કયસે વાતચીત દરમ્યાન દખલગીરી કરવાની ધૃષ્ટતા કરી તો જનાબ ઝોહયર બિન કયને તેનો જવાબ આપ્યો હતો કે બેશક હબીબના નફસને ખુદાએ પાક કર્યો છે અને તેમને માર્ગદર્શન આપ્યું છે. એ ઉઝવહ! હું તમને નસીહત કરૂં છું અને અલ્લાહનો વાસ્તો આપું છું કે તમે એ સમુહની સાથે ન રહો જે ગુમરાહીના માર્ગ તરફ દોરી રહ્યો છે અને પાક નફસોને કતલ કરે છે. જનાબ ઝોહયર અ.સ.નો અવાજ આશ્ચર્યની સાથે સાંભળવામાં આવ્યો અને ઉઝવહે તેમને ઓળખી લીધા અને કહ્યું આ સમયે મારા અહીં ઉભા રહેવાથી તમારે સમજી લેવું જોઈએ હું અલી અ.સ.નો શીયા છું. ખુદાની કસમ! મેં હુસય્ન અ.સ.ને ન કયારેય પત્ર લખ્યો હતો અને ન તો બલીદાન આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ માર્ગમાં આકસ્મિક રીતે તેમનો સાથ થઇ ગયો. જ્યારે મેં આપને જોયા તો રસુલ સ.અ.વ. યાદ આવી ગયા. અને તેમના ખાનદાનની વિશિષ્ટતાનો પણ વિચાર આવી ગયો. મને એહસાસ થયો કે આપ દુશ્મનોના અત્યાચાર અને દબાણમાં સપડાએલા છો. બસ, મેં નિર્ણય લઈ લીધો કે મારે તેમની મદદ કરવી જોઈએ અને તેમના સમૂહમાં ભળી જઈને તેમની ઉપર મારા જીવનનું બલીદાન આપવું જોઈએ. ખુદા અને રસુલ સ.અ.વ.ના તે હકને અદા કરવા માટે જે હકને તમે લોકોએ નષ્ટ અને બરબાદ કરી દીધા છે.

પછી આશુરાની રાત્રીએ ઈમામ હુસય્ન અ.સ.એ અસ્હાબને ભેગા કર્યા અને તેઓની પોતાની બયઅતની જવાબદારીમાંથી મૂકત કરવાની જાહેરાત કરી, અસ્હાબમાંથી જનાબ મુસ્લીમ બિન અવસજા અ.સ. અને જનાબ સઈદ બિન અબ્દુલ્લાહ અ.સ.ની પછી જનાબ ઝોહયર અ.સ.એ પણ તકરીર કરી. જેના શબ્દોને ખુદ ઈમામે ઝમાના (અજ.) એ ઝીયારતે શોહદામાં આ રીતે બયાન ફરમાવ્યા છે. સલામ હો ઝોહયર બિન કયન ઉપર જેમને ઈમામ હુસય્ન અ.સ.એ પાછા ચાલ્યા જવા માટે પરવાનગી આપી હતી ત્યારે કહ્યું, ખુદાની કસમ! અમે કયારેય પણ આપને છોડીને ચાલ્યા નહીં જઈએ. શું અમે ફરઝંદે રસુલને દુશ્મનોના ઘેરાવમાં છોડીને પોતાને બચાવી લઈએ. ખુદા અમને એ દિવસ કદી ન દેખાડે. કલેમતુલ ઈમામ અલ-મહદી અજ., પા. ૨૭, તારીખે તબરી ભાગ-૩, પા. ૨૩૯ માં લખાએલ છે.

ખુદાની કસમ! હું પસંદ કરૂં છું કે એક વખત કતલ થાઉં – ફરી જીવતો થાઉં, ફરી કતલ થાઉં આ રીતે હજાર વખત થાય. પરંતુ આપ અને માત્ર આપના ખાનદાનના જવાનો કતલ થવાથી બચી જાય. આ સાંભળીને ઈમામ અ.સ.એ કહ્યું, ખુદા તમને જઝાએ ખયર સદ્‌કર્મોનો બદલો આપે. આમ કહી ઈમામ હુસૈન અ.સ. ખૈમામાં ચાલ્યા ગયા.

જનાબે ઝોહયર અ.સ. અને આશુરાનો દિવસ

જનાબ ઝોહયરની એક વધુ કારકીર્દી જે ઉપસી આવે છે તે આશુરાના દિવસનું ફોજની સામે સંબોધન હતું. ઈમામ અ.સ.એ યઝીદના લશ્કરને એક લંબાણપૂર્વકના પ્રવચનમાં એ વાતની નસીહત કરી કે આપ અ.સ.નું ખુન વહાવવા અને બે હુરમતી કરવાથી અટકી જાય. અને આ રીતે તેમના ઉપર હુજ્જત તમામ કરી. આપની તકરીર પછી તુરત જ જનાબ ઝોહયર અ.સ. એ પણ તકરીર કરી. જે તબરીએ તેની તારીખ ભાગ-૩, પા. ૨૪૩ માં અને શયખ અબ્બાસ કુમ્મીએ નફસુલ મોહીમ્મા પા. ૨૪૨ ઉપર આ રીતે નકલ કરી છે. કુફાવાળા! ખુદાના અઝાબથી ડરો. એક મુસલમાનની ગરદન ઉપર તેના ઈસ્લામી ભાઈનો એ હક છે કે તે ભલાઈની નસીહત કરે. આપણે આપસમાં અત્યાર સુધી ભાઈ ભાઈ છીએ અને એક જ મિલ્લતની તાબેદારીનું સ્થાન ધરાવીએ છીએ. લડાઈમાં અમારી અને તમારી વચ્ચે તલ્વારો ખેંચાવા નથી લાગી. અને તમે અમારા તરફથી નસીહતના હકદાર છો. બેશક, તલ્વારો ખેંચાશે તો આ સંબંધ તૂટી જશે અને આપણે જુદી જુદી મિલ્લતના તાબેદાર થઇ જશું. ખરેખર અલ્લાહે અમારી અને તમારી કસોટી કરી છે. આપણે નબી સ.અ.વ.ની અવલાદ દ્વારા, જેથી તેઓ જુએ કે અમે તેઓની સાથે શું કરીએ છીએ અને તમે શું વર્તન કરો છો. અમે તમને સૌને દઅવત આપીએ છીએ કે તેઓની મદદ કરો અને ઓબય્દુલ્લાહ બિન ઝીયાદનો સાથ છોડી દો. યઝીદ અને ઈબ્ને ઝીયાદથી તમને તેની હુકુમતના સમગ્ર સાશન દરમ્યાન બુરાઈ સિવાય કોઈ સારૂં વર્તન દેખાશે નહીં. આ સાંભળીને ઈબ્ને ઝીયાદના ખુશામતખોરોએ કહ્યું, અમે તે સમય સુધી દમ નહીં લઈએ જ્યાં સુધી તમારા સરદાર અને તમામ સાથીદારોને કતલ ન કરી નાખીએ અથવા કૈદ કરીને ઈબ્ને ઝીયાદ પાસે ન લઈ જઈએ. આ પછી પણ જનાબ ઝોહયર અ.સ. શાંત ન થયા અને તેઓની હિદાયત કરતા રહ્યા. ત્યાં સુધી કે શીમ્રએ તીર માર્યુ અને કહ્યું, બસ ખામોશ! ખુદા તારી ઝબાનને ચૂપ કરે. પરંતુ જનાબ ઝોહયર અ.સ.એ તીરની પણ કોઈ પરવા ન કરી અને શીમ્ર સાથેના સંવાદમાં લાગી ગયા. અને શીમ્રના એ કહેવા ઉપર કે જુઓ થોડીવારમાં તમે અને તમારા સરદાર સૌ કતલ થઇ જશો. જનાબ ઝોહયર અ.સ.એ ઈમાનની શકિતની સાથે જવાબ આપ્યો. તું મને મૌતના ભયથી ડરાવે છે? ખુદાની કસમ! આ લોકો સાથે મરવું મને તમારા લોકો સાથેનું જીવન પ્રાપ્ત કરવા કરતાં વધારે પ્રિય છે. તે પછી વિરોધી લશ્કર તરફ ફરીને કહ્યું, એ અલ્લાહના બંદાઓ! પૈસાના પુજારીઓના કહેવામાં ન આવી જાવ. ખુદાની કસમ! પયગમ્બરે ખુદા સ.અ.વ.ની શફાઅત તે લોકોને કયારેય નસીબ નહીં થઈ શકે જેમણે પયગમ્બરે ખુદા સ.અ.વ.ની અવલાદનું ખુન વહાવ્યું હોય અને તેમના મદદગારોને કતલ કર્યા હોય. ઈમામ હુસય્ન અ.સ.એ, એ જોયું કે વાતોનો જવાબ તીરથી અપાઈ રહ્યો છે અને તમામ હુજ્જતની ફરજ પૂરી થઈ ગઈ છે, કહ્યું: ઝોહયર પાછા ચાલ્યા આવો જે રીતે મોઅમીને આલે ફીરઓને પોતાની કૌમને નસીહત કરીને પોતાની ફરજ અદા કરી હતી, તે રીતે યકીનન તમે પણ તમારી ફરજ પૂરી કરી ચૂકયા અને નસીહતનો હક અદા કર્યો, પરંતુ નસીહત અને તબ્લીગનો કોઈ ફાયદો નથી. ઈમામ અ.સ.નો અવાજ સાંભળીને જનાબે ઝોહયર અ.સ. પાછા ચાલ્યા આવ્યા.

આજ ખુત્બાએ જનાબ હુર અ.સ.ને ઈમામ અ.સ.ના લશ્કરમાં આવવા માટે મજબુર કરી દીધા. જેમકે તારીખે તબરી ભાગ-૩, પા. ૨૪૪ ઉપર છે કે જ્યારે જનાબ ઝોહયર અ.સ.એ તકરીર કરી અને જે રીતે યઝીદના લશ્કર ઉપર આ તકરીરની કોઈ અસર ન થઈ તો જનાબ હુર અ.સ.ને ખાત્રી થઈ ગઈ કે હવે લડાઈ થશેજ. અને યઝીદનું લશ્કર આ લડાઈ માટે પૂરે પૂરી રીતે તૈયાર છે. તેમણે ઉમરે સઅદને પુછયું, શું તમે એમની સાથે ખરેખર લડાઈ કરશો? જેનો જવાબ મળ્યો, જો મામલો મારા હાથમાં હોત તો હું લડાઈ ન કરત. પરંતુ તમારો હાકીમ યઝીદ બિન ઝીયાદ નથી માનતો. આ સાંભળીને જનાબ હુર અ.સ. તક મળતાં જ યઝીદના લશ્કરમાંથી બહાર આવીને ઈમામ અ.સ.ના લશ્કરમાં ભળી ગયા.

જ્યારે ખાત્રી થઈ ગઈ કે લડાઈ થશેજ ત્યારે ઈમામ હુસય્ન અ.સ.એ પોતાના નાના એવા લશ્કરને ગોઠવી દીધું. મૈમના (સેનાનો એ ભાગ જે જમણી તરફ હોય) ઉપર જનાબ ઝોહયર અ.સ., મૈસરહ (સેનાનો એ ભાગ જે ડાબી તરફ હોય) ઉપર જનાબે હબીબ અ.સ. અને અલમદાર જનાબ અબ્બાસ અ.સ.ને નક્કી કર્યા. મયમનાની સરદારી એ વાતની સાક્ષી છે કે આપ કેટલા બહાદુર હતા અને ઈમામ અ.સ. આપની કેટલી કદર કરતા હતા.

જનાબ ઝોહયર અ.સ. અને અહલેબય્ત અ.સ.નું રક્ષણ

તારીખે તબરી ભાગ-૩, પા. ૨૫૧ ઉપર લખેલું છે કે લડાઈ દરમ્યાન શીમ્ર હુમલો કરતા કરતા પાછળનાં ભાગ તરફથી ઈમામ અ.સ.ના ખાસ તંબુ પાસે પહોંચ્યો અને કહ્યું કે આગ લાવો જેથી હું આ તંબુને તેમાં રહેનારા સહિત સળગાવી દઉં. આ સાંભળીને હરમ સરાએ ઈસ્મતમાં આક્રંદ અને ફરિયાદનો એક શોર મચી ગયો. ઈમામ અ.સ.એ તેને લલકાર કર્યો અને કહ્યું એ શીમ્ર! તું આગ એટલા માટે મંગાવી રહ્યો છે કે મારા તંબુને મારા કુટુંબ-કબીલા સહીત સળગાવી દે. ખુદા તને આગથી સળગવાનું નસીબ કરે. તેટલી વારમાં જનાબ ઝોહયર અ.સ. એ દસ સાથીઓની સાથે હુમલો કરી દીધો. એટલો સખત હુમલો કે શીમ્ર અને તેની સાથેના લશ્કરને તંબુઓ પાસેથી હટાવી દીધા અને અબુ ગઝહ ઝબાબી જે શીમ્રનો ખાસ માણસ હતો તેને કતલ કરી નાખ્યો. યઝીદના લશ્કરોએ જોયું કે તેમના એક માથાના ફરેલ સાથીને કતલ કરી નાખ્યો છે તો પૂરા જોશ સાથે તેઓ દસ સાથીઓ ઉપર તૂટી પડયા અને સખત લોહીયાળ લડાઈ થઈ. પરંતુ આ બહાદુરોએ પણ મદા<નગીથી સામનો કર્યો. જેના પરિણામે દુશ્મનોની હાર થઈ.

નમાઝે ઝોહર અને જનાબ ઝોહયર અ.સ.ની શહાદત

નમાઝે ઝોહરનો જેવો સમય થયો કે જનાબ અબુ સુમામા અમરૂ બિન અબ્દુલ્લાહ સાઅદીએ ઈમામ હુસય્ન અ.સ.ની ખિદમતમાં અરજ કરી, મૌલા! આ લોકો આપની બિલ્કુલ નજદીક આવી ગયા છે અને એ ચોક્કસ છે કે આપની ઉપર આંચ આવતા પહેલા હું કત્લ થઇ જઈશ. હું ઈચ્છું છું કે આ નમાઝ કે જેનો વખત થઇ ગયો છે આપની સાથે અદા કરૂં અને ત્યાર પછી ખુદાની બારગાહમાં જાઉં. ઈમામ અ.સ.એ આસમાન ઉપર નજર કરતા ફરમાવ્યું તમે નમાઝને યાદ કરી, ખુદા તમારી ગણતરી નમાઝ પડનારા અને યાદ રાખનારાઓમાં કરે. હા, આ નમાઝનો અવ્વલ વખત છે, તે લોકોને કહી દો કે એટલી વાર જંગને રોકી લે કે આપણે નમાઝ પડી લઈએ. (તારીખે તબરી, ભાગ-૩, પા. ૨૫૧) તે પછી ઈમામ અ.સ.એ જનાબ સઈદ બિન  અબ્દુલ્લાહ અને જનાબ ઝોહયર અ.સ.ને જવાબદારી સોંપી અને નમાઝે ઝોહર અદા કરી લઈએ ત્યાં સુધી તમે અમારૂં રક્ષણ કરો. નમાઝ પૂરી થતાંજ જનાબ સઈદ બિન અબ્દુલ્લાહ અ.સ. એટલા ઝખ્મી થઇ ગયા હતા કે તે બચી ન શકયા અને જનાબ ઝોહયર અ.સ.ના પણ હાથ અને બાવડા જવાબ દઈ ચૂકયા હતા તેમ છતાં પણ નમાઝે ઝોહર પછી જ્યારે દુશ્મનો ઘણા જ નજદીક આવી ગયા ત્યારે આપે પોતાની અંતિમ જંગ કરી. જેમકે તારીખે તબરી ભાગ-૩, પા. ૨૫૨ ઉપર અને નફસે મહમુમ પાના ૨૭૬ ઉપર ટાંકવામાં આવ્યુ છે કે જનાબ ઝોહયર અ.સ.એ ઘણી સખત લડાઈ કરી અને આ કહેતા હતા:

હું ઝોહયર છું, કયનનો પુત્ર છું. હું તલ્વારથી હુસય્ન અ.સ.નું રક્ષણ કરીશ. કારણકે હુસય્ન અ.સ. પયગમ્બર સ.અ.વ.ના નવાસાઓમાંથી એક છે. જે સારા, પાક અને પવિત્ર અને ઈજ્જત આપવાને લાયક સંતાનમાંથી છે. તેઓ અલ્લાહના પ્રતિનિધી છે. તેમાં કોઈ જૂઠ (ખોટું) નથી. હું તમને મારીશ અને તેમાં કોઈ દોષ નથી. કાશ! મારૂં શરીર બે કટકામાં વહેંચાઈ જાય! રાવી કહે છે કે જનાબે ઝોહયર અ.સ. ઈમામ મઝલુમ અ.સ.ના ખભા ઉપર હાથ રાખીને કહેવા લાગ્યા. આગળ વધો કે હાદી અને મહદી! આપ આપના નાના નબી સ.અ.વ. સાથે, હસન અ.સ. અને મુરતુઝા અલી અ.સ. સાથે, હથીયારમાં ડુબેલા જવાન મર્દ અને બે પાંખોવાળા (જનાબ જઅફર તય્યાર અ.સ.) અને શેરે શહીદ (જનાબ હમ્ઝા અ.સ.) જે જીવંત છે તેઓની સાથે મુલાકાત કરશો. પછી આપે જંગ કરી, એટલે સુધી કે ૧૨૦ જણાને જહન્નમમાં ધકેલી દીધા. પછી આપની ઉપર કસીર બિન અબ્દુલ્લાહ શોઅબી અને મહાજીર બિન અવસ તમીમીએ હુમલો કર્યો અને બન્નેએ સાથે મળીને આપને શહીદ કરી દીધા. જ્યારે આપ જમીન ઉપર પડયા ત્યારે ઈમામ હુસય્ન અ.સ.એ ફરમાવ્યું: એ ઝોહયર! ખુદા તને તેની રેહમતથી દૂર ન રાખે અને તારા કાતીલો ઉપર એવી લઅનત કરે કે તેઓ વાંદરાઓ અને સુવ્વરની શકલમાં ફેરવાય જાય.

તો આ હતું ઝોહયર બિન કયન બજલીના જીવવનું વર્ણન. આપના જીવનના આ પ્રસંગો એ બોધપાઠ આપે છે કે આપણે આપણા ઝમાનાના ઈમામ (અજ.) ની ખીદમતમાં આપણા જીવનનું પણ બલીદાન આપવા તૈયાર રહેવું જોઈએ અને ઈમામ (અજ.) ના હક્કોના રક્ષણ માટે આપના દુશ્મનોનો સામનો કરવો જોઈએ. એ ખુદા! તને વાસ્તો છે ચહારદા મઅસુમીન અ.સ.નો કે ઈમામે ઝમાન અજ. ના ઝુહુરમાં જલ્દી કર જેથી તે જનાબ ઝોહયર અ.સ.ના ખુને નાહકનો બદલો લઈ શકે અને તું અમને સૌને જનાબ ઝોહયર અ.સ. ના ગુલામ અને ખીદમત ગુઝારોમાં શુમાર કર (ઈલાહી આમીન).

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *