Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૦ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. અને ઇમામે ઝમાના અ.ત.ફ.શ. » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની અઝાદારી

ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે

Print Friendly

ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું

દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે

કરબલાની ઘટના ઈતિહાસમાં વિગતવાર વર્ણવવામાં આવી છે. અમુક ઈતિહાસકારોએ પૂરેપૂરા સંશોધન વગર પ્રસંગોને વર્ણવ્યા છે. જેના કારણે અમુક બિન સત્તાવાર પ્રસંગો પણ ઈતિહાસના પુસ્તકોમાં જોવા મળે છે. આવા પ્રસંગોના કારણે મોટાભાગના લોકોમાં મતભેદો, વિવાદ અને ઝઘડાઓ સુધી વાત પહોંચી જાય છે. સય્યદુશ્શોહદાના વારસદાર, હઝરત વલી-એ-અસ્ર ઈમામે ઝમાના અ.સ. એ “ઝિયારતે નાહિયા” માં પોતાના મઝલુમ દાદાની શહાદતનું વર્ણન કર્યું છે. મઅસુમના બયાનથી વધુ સારૂં બયાન કયુ હોઈ શકે? આ ઝિયારતના અમુક ચુંટી કાઢેલા અવતરણો વાંચકોને રજુ કરીએ છીએ અને આશા રાખીએ છીએ તેઓ પણ “ઝિયારતે નાહિયા” પડીને હુસયને મઝલુમ અ.સ. ઉપર ખુનના આંસુ વહાવે. ઈમામે વકત, ઝમાનાના ઈમામ છે. અને સમય આપના કબ્જામાં જકડાએલો છે. આપ સમયની ડોરને ખેંચીને પસાર થયેલો સમય ફરીને સામે લાવી શકે છે. આ ઝિયારતમાં ઈમામે ઝમાના અ.સ. એવા અંદાઝથી વર્ણન કર્યું છે કે જેમકે તે દ્રષ્ય આપની નજરની સામે હોય. તેનાથી એ પણ સમજાય જશે કે જ્યારે કરબલાના પ્રસંગો સાંભળીએ છીએ ત્યારે મોઅમીન એવી રીતે બેચેન થઇ જાય છે કે દિલ ઉપર કાબુ નથી રહેતો. તો જે ઈમામ પોતાની આંખોથી આ દ્રષ્ય જોઈ રહ્યા હોય, તેની શું હાલત હશે? ઈમામ હુસયન અ.સ. ની અનંત તરસ, એકલતા, અહલેહરમની મજબુરી, બેશરમ શીમ્રનો ઝુલ્મ અને બેકસ ઝયનબની ફરિયાદો જે બહેનની સામે તેનો લાડીલો ભાઈ બે દર્દીથી કત્લ થઇ રહ્યો હોય અને તે બચાવી ન શકતી હોય તેના દિલની શું દશા હશે? આ દ્રષ્ય જ્યારે દિલમાં ઉપસતું હશે તો દિલની શું હાલત થતી હશે? આવો, ઈમામે ઝમાના અ.સ. ના સ્વમુખે આ દુ:ખભર્યું દ્રષ્ય સાંભળીએ:

ઈમામ હુસયન અ.સ. ની શાન, ગુણ અને ચારિત્ર્યની પ્રસંશા

ઈમામે ઝમાના અ.સ. પોતાના વડીલ દાદાની શાન અને ગુણોનું વર્ણન કરતા ફરમાવે છે:

મવલા અને આકા! આપ જવાબદારીઓને પુરી કરનારા, પ્રસંશનીય ગુણો ધરાવનારા, સખાવત અનેપ ઉદારતામાં મશહુર, રાત્રીના અંધકારમાં તહજ્જુદ (શબ નમાઝ) પડનારા, મજબુત રીતોને ગ્રહણ કરનારા, અલ્લાહના સર્જનમાં સૌથી વધુ ખુબીઓ ધરાવનારા, મહાન ભુતકાળનો બોજો ઉઠાવનાર, ઉચ્ચ વંશ અને કુળવાળા ઉચ્ચ કારકીર્દી અને અપાર ખુબીઓનું કેન્દ્ર સ્થાન, પસંદ પામેલા નમુના-રૂપ કાર્યોમાં અનુકરણીય જીવન પસાર કરનારા, ઉચ્ચ સ્થાન અને મોભાવાળા, ઉંચા મરતબાવાળા, દરિયાદીલ, શાણપણ અને દીર્ધ દ્રષ્ટિવાળા, મક્કમ નિર્ધાર, અલ્લાહને પારખનાર માર્ગદર્શક, અલ્લાહની ડર રાખનારા, દર્દ અને તડપ રાખનારા, ખુદાને ચાહનારા તેમજ તેની બારગાહમાં માથું નમાવનારા, આપજ રસુલ સ.અ.વ. ના પુત્ર, કુરઆનને બચાવનાર, ઉમ્મતના મદદગાર, અલ્લાહની બંદગીમાં પરિશ્રમ કરનાર, વચન અને વાયદાનું પાલન અને રક્ષણ કરનાર, જુઠ્ઠાઓના માર્ગથી દુર રહેનાર, હેતુ અને ધ્યેયને માટે જીવ સટોસટની બાજી લગાડનાર અને લંબાણ પૂર્વકના રૂકુઅ અને સિજદા કરનાર. મવલા! આપે દુનિયાથી એ રીતે મોઢું ફેરવી લીધું, એવી રીતે નિરસતા દેખાડી જે રીતે દુનિયાથી હંમેશા કુચ કરનારા કરે છે. દુનિયાથી ભય પામેલા લોકો તેને જુએ છે. આપની ઈચ્છાઓ અને આશાઓ દુનિયાથી ફરી ગએલી હતી. આપની હિંમત અને ખેંચાણ તેની રંગીનીઓથી અલિપ્ત હતા. આપે તો દુનિયાની સામે અછડતી નજર પણ નથી નાખી. અલબત્ત, આખેરતમાં આપની દીલચસ્પી દુનિયાભરમાં મશહુર હતી.

ઈમામ હુસયન અ.સ. ની ગુલામી ઈમામે ઝમાના અ.સ. પોતાના વડીલ દાદા હુસયન અ.સ. ની સેવામાં ખુદને રજુ કરીને એવી રીતે સલામ કહે છે જેવી રીતે એક સાચો આશીક અને ગુલામ પોતાના સરદારને આવો જોઈએ:

“આકા! અમારા આજીજી પુર્વકના સલામ કબુલ ફરમાવો.

હું આપ અ.સ. ની સમક્ષ પ્રેમભર્યો સલામનો ઉપહાર લઈને વિજય અને સફળતાની આશા સાથે હાજર થયો છું. આકા! એવા ગુલામના અકીદતથી ભર્યા સલામ સ્વિકારો જે આપના સન્માન અને મોભાને જાણે છે. આપની વિલાયતમાં નિખાલસ, આપની મોહબ્બતના માધ્યમથી અલ્લાહની નજદીકીના ચાહક અને આપના દુશ્મનોથી નારાજ અને ખફા છે તેવા આશિકના સલામ કબુલ ફરમાવો. જેનું દિલ આપની મુસીબતના કારણે ઝખ્મોથી વિંધાય ચૂકયું છે અને આપની યાદમાં ખુનના આંસુ વહાવે છે.

મવલા! આ ચાહનારાના સલામ સ્વિકારો જે આપના ગમમા નિÅચેત, બેહાલ અને બેચેન છે. આકા! આ જાંનિસારના સલામનો હદીયો કબુલ કરો. જો કરબલામાં આપની સાથે હોત તો આપના રક્ષણ માટે તલ્વારોથી ટકરાઈને જાનની બાજી લગાવી દેતે. દિલ અને જાનથી આપ ઉપર ફીદા થવા માટે મોતની સાથે પંજો ભીડાવતે. આપની સામે લડાઈ અને જંગના રંગ દેખાડતે. આપની વિરૂધ્ધ બગાવત કરનારાઓના મુકાબલામાં આપની મદદ કરતે અને તેના પરિણામે મારૂં શરીર અને જાન, રૂહ અને માલ, આલ અને અવલાદ બધુંજ આપની ઉપર કુરબાન કરી દેતે. આકા! આ જાંનિસારના સલામનો સ્વિકાર કરો જેની રૂહ આપની રૂહ ઉપર ફીદા અને જેના કુટુંબીજનો આપના કુટુંબીજનો ઉપર સદકો.”

ઈમામ હુસયન અ.સ. એ મદીના છોડયું: હઝરત ઈમામે ઝમાના અ.સ. પોતાના બુઝુર્ગ નાનાની મુસીબતોને યાદ કરે છે અને દ્રષ્યને રજુે કરે છે કે કેવી રીતે આપ મદીના છોડવા ઉપર મજબુર થઇ ગયા. ફરમાવે છે:

“તે સમય આવ્યો જ્યારે કષ્ટદાયક ત્રાસે લાંબા લાંબા ડગ ભરીને માથું ઉચકાવનું શરૂ કરી દીધું. ઝુલ્મ બધી શકિતઓ ભેગી કરીને સખત જંગના માટે તૈયાર થઈ ગયો અને દ્રોહીઓએ પોતાના બધા સાક્ષીઓને બોલાવી લીધા. તે સમયે આપ, આપના નાના ના હરમમાં રક્ષણ શોધીને જાલીમોથી જુદા મસ્જીદ અને મહેરાબના આશ્રયે, આનંદ-પ્રમોદ અને મનોકામનાઓથી પર થઈને બેઠા હતા. આપ પોતાની શકિત, સમય અને સંજોગ મુજબ દિલ અને જીભથી લોકોને બુરાઈઓથી રોકતા હતા. પરંતુ પછી આપના જ્ઞાનની માંગણી એ હતી કે આપ ખુલ્લમ ખુલ્લા બયઅતનો ઈન્કાર કરે અને જુઠ્ઠા અને પ્રપંચીઓની વિરૂધ્ધ વિરોધ દર્શાવવા માટે આવાહન આપે. તેથી આપ પોતાના કુટુંબીજનો, પોતાના શીયાઓ, ચાહક વર્ગ અને જાંનિસારોને લઈને રવાના થઇ ગયા. પોતાની નાની એવી પરંતુ ભવ્ય અને આત્મ નિર્ભર સેનાની મદદથી સત્યની દલીલોને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધી. લોકોને હિકમત અને સારા બોધપાઠની સાથે અલ્લાહ તરફ બોલાવ્યા. અલ્લાહના હુકમોની સ્થાપના અને અલ્લાહની બંદગી કરવા હુકમ આપ્યો. તેમજ લોકોને ખરાબ કાર્યો, ખરાબ વર્તન અને દ્રોહ કરવાથી અટકાવ્યા. પરંતુ લોકો ઝુલ્મ અને સિતમની સાથે આપની સામે મુકાબલે આવ્યા. આવા વખતે પણ આપે પહેલા તો ખુદાના અઝાબથી ડરાવ્યા અને તેઓના ઉપર હુજ્જત પુરી કરી પછી તેઓની સાથે લડાઈ કરી. તે લોકોએ આપને આપેલું વચન તોડી નાખ્યું. આપની બયઅતમાંથી નીકળી જઈને આપના રબ અને આપના મહાન અને બુઝુર્ગ નાના ને નારાજ કર્યા. આપની સાથે લડાઈ શરૂ કરી દીધી.

હઝરત અબા અબ્દીલ્લાહીલ હુસયન અ.સ. મહાનતા:

“ઝિયારતે નાહિયા” માં ઈમામે ઝમાના અ.સ. પોતાના જદ્દે બુઝુર્ગવાર, હઝરત ઈમામ હુસયન અ.સ. ની મહાનતાને યાદ કરીને આ પ્રમાણે રજુ કરે છે:

સલામ હુસયન અ.સ. ઉપર જેમણે સંપૂર્ણ નિખાલસતાથી રાહે ખુદામાં જીવન અર્પણ કરી દીધું.

સલામ તેના ઉપર જેણે એકાંતમાં અને સમુહમાં છુપી રીતે અને જાહેરમાં અલ્લાહની ઈતાઅત અને બંદગી કરી.

સલામ તેના ઉપર જેની કબરની માટી ખાકે શફા બની.

સલામ તેના ઉપર જેના હરમમાં દોઆઓ કબુલ થાય છે.

સલામ તેના ઉપર જેના વંશમાં (વારસોમાં) ઈમામતનો સિલસિલો છે.

સલામ ખત્મી મર્તબતના ફરઝંદ ઉપર.

સલામ અવસીય્યાના સરદારના પુત્ર ઉપર (એટલે અલી અ.સ. ના પુત્ર ઉપર)

સલામ ફાતેમહ ઝહરા સ.અ. ના પુત્ર ઉપર સલામ ખદીજતુલ કુબરાના નવાસા ઉપર.

સલામ સિદરતુલ મુન્તહાના વારીસ અને મુખ્તાર ઉપર.

સલામ જન્નતુલ માવાના માલિક ઉપર.

સલામ ઝમઝમ અને સફાના માલિક ઉપર.

સલામ તેના ઉપર જેને બુઝુર્ગ અને મહાન ખુદાએ પાક કર્યા.

સલામ તેના ઉપર જેની સેવા કરવાનો જીબ્રઈલને ગર્વ હતો.

સલામ તેના ઉપર જેને મીકાઈલે ઘોડીયામાં હલારડાંથી સુવરાવ્યા.

સલામ કિસાઅની પાંચમી વિભૂતિ ઉપર.

સલામ શહિદોના સરદાર ઉપર.

સલામ તેના ઉપર જેની ઉપર ફરિશ્તાઓ રડયા.

સલામ તેના ઉપર જેના વંસ વારસો પવિત્ર છે.

સલામ દીનના સય્યદ અને સરદાર ઉપર.

સલામ તેના ઉપર જે સરદારોના સરદાર અને ઈમામ છે.

ઈમામ હુસયન અ.સ. ની મઝલુમીય્યત

સલામ તેના ઉપર જે ખાક અને ખુનમાં તરબોળ થયા.

સલામ તેના ઉપર જેની સરકાર (અધિકાર) લુંટવામાં આવી.

સલામ ફાટી ગએલા ગિરેબાન (કપડા) ઉપર. સલામ સુકાએલા હોઠો ઉપર.

સલામ દુ:ખ અને તકલીફમાં ઘેરાએલા ચુરચુર માનવો ઉપર.

સલામ તે રૂહો ઉપર જેના શરીરોને છળ કપટથી તલ્વારોની નીચે જેર કરવામા. આવ્યા.

સલામ કફન-દફન વગરની લાશો પર.

સલામ તે શરીરો ઉપર કે જેના રંગ સખત તડકામાં બદલાય ગયો.

સલામ લોહીની તે ધારાઓ ઉપર જે કરબલાના પાલવમાં શોષાઈ ગઈ.

સલામ વિખરાએલા અંગો ઉપર. સલામ તે સરો ઉપર જે નેઝા ઉપર ઉંચા કરવામાં આવ્યા.

સલામ તે બાનુઓની ઈસ્મત ઉપર જેઓને બેપર્દા ફેરવવામાં આવ્યા.

સલામ તેના ઉપર કે જેના દુશ્મનોએ તેના અને તેના કુટુંબીજનોના સિલસિલમાં પોતાનું વચન ભંગ કર્યું.

સલામ તેના ઉપર જેના લોહી વહેવાથી ઈસ્લામની આબરૂં પામાલ થઈ.

સલામ ઝખ્મોથી નહાવાવાળા ઉપર.

સલામ તેના ઉપર જેઓને સખત તરસમાં ભાલાની અણીઓના કડવા ઘુંટડા પીવરાવવામાં આવ્યા.

સલામ તેના ઉપર જેઓને ઝુલ્મ અને સીતમના નીશાના પણ બનાવવામાં આવ્યા અને તેઓના તંબુઓ અને તેઓના કપડા પણ લૂંટી લેવામાં આવ્યા.

સલામ તેના ઉપર જેને આટલા મોટા જગતમાં એકલા છોડી દેવામાં આવ્યા.

સલામ તેના ઉપર જેને એટલા ઉઘાડા છોડી દેવામાં આવ્યા જેનું ઉદાહરણ નથી મળતું.

સલામ તેના ઉપર જેની ધોરી નસ કાપી નાખવામાં આવી.

સલામ દીનના એ મદદગાર ઉપર જેણે કોઈની મદદ વગર દીનના બચાવ માટે લડાઈ લડી.

સલામ એ પવિત્ર દાઢી ઉપર જે ખુનથી રંગીન થઈ.

સલામ તેઓના માટીથી ભરેલા ગાલો ઉપર.

સલામ એ શરીરો ઉપર જેમને મર્યા પછી લુંટી લેવામાં આવ્યા.

સલામ એ પવિત્ર દાંતો ઉપર જેની લાકડીથી બે હુરમતી કરવામાં આવી.

સલામ કપાઈ ગએલી ગળાની રગ ઉપર.

સલામ ભાલાઓ ઉપર ઉંચા કરવામાં આવેલ પવિત્ર માથાઓ ઉપર.

સલામ એ પવિત્ર શરીરો ઉપર જેના ટુકડાઓ રણમાં વિખરાઈ ગયા.

ઈમામે ઝમાના અ.સ ફરમાવે છે:

“યા લયતની કુન્તો મઅકુમ: એ મારા મવલા! (ઈમામ હુસયન અ.સ.) હું શહાદતના બનાવ પછી પૈદા થયો અને અલ્લાહની તકદીરના કારણે આપની મદદ ન કરી શકયો. આપની નજર સામે, લડાઈના મૈદાનમાં ઉતરનારાઓમાં ન ભળી શકયો, ન તો હું આપના દુશ્મનો સાથે જંગ કરી શકયો. તે માટે હવે હું દુ:ખ અને દર્દની સાથે આપ ઉપર તુટી પડેલા દુ:ખો ઉપર અફસોસ, તડપ, ગમ, રંજ અને દર્દના કારણે સવાર સાંજ સતત રૂદન અને ફરિયાદ કરતો રહીશ અને આંસુઓની જગ્યાએ ખુન વહાવીશ.”

આજ તે બેચેની અને દિલની હાલત છે જે ઈમામે ઝમાના અ.સ. એ પ્રદર્શિત કરી છે.

“એ જદ્દે બુઝુર્ગવાર! આપ (અ.સ.) લડાઈના મૈદાનમાં ઉતરી આવ્યા. આપે દુશ્મનોના લશ્કરને કચડી નાખ્યું. ઝુલ્ફીકાર સંભાળીને લડાઈથી ઉડતી ધુળના વાદળોમાં ધસી ગયા અને એવી ઘમસાણ લડાઈ કરી કે લોકોને અલી અ.સ. ની લડાઈ યાદ આવી ગઈ. દુશ્મનોએ આપની અડગતા અને દિલેરી જોઇ, તો તેઓના હાંજા ગગડી ગયા, અને તેઓએ સામનો કરવાને બદલે કપટતાથી કામ લીધું. આપને કત્લ કરવા માટે છળકપટની જાળ પાથરી દીધી. મલઉન ઉમર સઅદે લ.અ. લશ્કરને હુકમ આપ્યો કે આપના માટે પાણી પહોંચવાના તમામ માર્ગોની નાકાબંદી કરી દે.”

“પછી દુશ્મને ભારે લડાઈ શરૂ કરી દીધી. આપ ઉપર ઉપરા ઉપરી હુમલાઓ કરવા લાગ્યા. જેના પરિણામે આપને તીર અને ભાલાથી વીંધી નાખ્યા અને અતિશય હેવાની પાશવતાથી આપને લૂંટી લીધા.”

“આપ લડાઈના મૈદાનમાં સૌથી આગળ વધી દુ:ખ અને મુશ્કેલીઓને એટલી બધી સહન કરી કે આસમાનના ફરિશ્તાઓ પણ આપના ધૈર્ય અને અડગતા ઉપર દંગ થઇ ગયા.”

“પછી દુશ્મનો આપની ઉપર બધી બાજુએથી તુટી પડયા. તેઓએ આપને ઝખ્મોથી ચુર ચુર કરીને નીસ્ત્રેત કરી દીધા અને શ્વાસ લેવાની પણ તક ન આપી. ત્યાં સુધી કે આપના નાસીર કે દોસ્ત બાકી ન રહ્યા. આપ અનંત ધીરજ અને સહનશીલતાથી બધું જોતા અને સહન કરતા કરતા પોતાના સ્ત્રી વર્ગની ઈસ્મત અને પવિત્રતા અને બાળકોને હુમલાઓથી બચાવવામાં રોકાએલા રહ્યા. ત્યાં સુધી કે દુશ્મનોએ આપને ઘોડા ઉપરથી પછાડી દીધા. આપ ઝખ્મોથી લથપથ જમીન ઉપર પડી ગયા. પછી તેઓ આપ ઉપર તલ્વારોથી તુટી પડયા અને ઘોડાની એડીથી પામાલ કરી દીધા.”

“આ તે સમય હતો જ્યારે આપના મુબારક કપાળ ઉપર મૃત્યનો પસીનો આવી ગયો. રૂહ નીકળવાના કારણે આપનું મૃદુ શરીર જમણી-ડાબી બાજુએ ખેંચાવા અને ફેલાવા લાગ્યું. હવે આપે પોતાના તંબુઓની તરફ છેલ્લી વખત હસરત ભરી નજર દોડાવી અને આપનો વફાદાર ઘોડો ઝડપથી હણહણીને અને રડતો રડતો ખબર આપવા માટે તંબુઓ તરફ રવાના થઇ ગયો.”

“જ્યારે ઈસ્મત અને પવિત્રતાવાળી પરદાનશીનોએ આપના દુલ દુલને ખાલી અને જીનને ઉંધુ વળેલું જોયું તો એક હલચલ મચી ગઈ. અને દુ:ખ સહન ન થવાથી તંબુઓમાંથી બહાર નીકળી આવ્યા. તેઓએ પોતાના વાળ ચહેરા ઉપર વિખેરી નાખ્યા અને પોતાના ગાલો ઉપર તમાચા મારી પોતાના બુઝુર્ગો ઉપર પોકારી પોકારીને નવહા અને રૂદન શરૂ કર્યું અને શહાદતની જગ્યા તરફ આગળ વધ્યા.”

ઝોબેહલ હુસયન:

“શીમ્ર મલઉન આપની છાતી ઉપર બેસીને આપના મુબારક ગળા ઉપર પોતાની તલ્વાર રાખી હતી. તે આપની મુબારક દાઢી પકડીને હીન્દી તલ્વારથી આપને ઝબ્હ કરી રહ્યો હતો. ત્યાં સુધી કે આપ અ.સ. ની શુધ બુધ ચાલી ગઈ. શ્વાસ ધીમો પડી ગયો અને આપના પાક અને પાકીઝા સરને ભાલા ઉપર ઉંચું કરી દેવાયું.”

અહલેબયત અ.સ. બંદીવાન:

ઈમામે ઝમાના અ.સ. ફરમાવે છે કે “આપના કુટુંબીજનોને ગુલામો અને કનીઝોની જેમ કૈદ કરી લેવામાં આવ્યા. લોખંડની સાંકળથી બાંધીને એવી રીતે બેઠક વગરના ઉંટો ઉપર સવાર કરી દેવામાં આવ્યા કે અસહ્ય ગરમી તેઓના ચહેરાઓને દઝાડી રહી હતી. બેશરમ દુશ્મનો તેઓને જંગલો અને રેતાળ પ્રદેશોમાં લઈ જઈ રહ્યા હતા. તેઓના નાજુક હાથોને ગળાની પાછળ બાંધીને શેરીઓ બજારોમાં તેઓનું પ્રદર્શન કરી રહ્યા હતા.”

ફલ વયલો લીલ ઓસાતીલ ફુસ્સાક

“જેણે આપને કત્લ કરીને ઈસ્લામને કત્લ કર્યો તે ગુનેહગાર કૌમ ઉપર લઅનત.”

ઈમામ હુસયન અ.સ. ના અસ્હાબોની મઝલુમીય્યત

સલામ આપ ઉપર અને આપના શહિદ પુત્રો ઉપર.

સલામ આપ ઉપર અને આપને મદદ કરનાર વારસો ઉપર.

સલામ આપ ઉપર અને આપની કબ્રના મુજાવર ફરિશ્તાઓ ઉપર.

સલામ આપના ઝેરથી શહિદ થનાર ભાઈ ઉપર.

સલામ અલી અકબર ઉપર. સલામ દુધમલ બાળક ઉપર.

સલામ નાજુક શરીરો ઉપર જેના ઉપર કોઇ કપડું રહેવા દેવામાં ન આવ્યું.

સલામ આપના દરબદર ફેરવેલા ખાનદાન ઉપર. સલામ એ લાશો ઉપર જે રણોમાં વિખરાએલી રહી.

સલામ તેઓના ઉપર જેમનાથી તેઓનું વતન છોડાવવામાં આવ્યું.

સલામ તેઓના ઉપર જેઓને કફન વગર દફનાવવામાં આવ્યા.

સલામ તેઓના સરો ઉપર જેને શરીરથી જુદા કરી દેવામાં આવ્યા.

એ ખુદા! ઈમામે ઝમાના અ.સ. ની આ મુસીબત અને તે હઝરત અ.સ. ના રંજો ગમના આ દિવસોમાં અમને સૌને તેમના સાથી બનાવ અને તેમના ઝુહુરના સમયે તેમના મદદગારો અને તેમના ઉપર બલીદાન આપનારાઓમાં ગણના કર.

ઈમામ હુસયન અ.સ. ની ઝીયારત કરનારાઓ ઉપર ઈમામે ઝમાના અ.સ. ના સલામ

“આપની કુબ્બાની આસપાસ પરવાનાની જેમ બલીદાન આપનારાઓ, આપની તુરબતને હમેંશા ઘેરી રાખનારાઓ, આપની પવિત્ર ઝરીહનો હમેંશા તવાફ કરનારાઓ અને આપની ઝિયારતના માટે આવનાર ફરિશ્તાઓ ઉપર અમારા સલામ નિછાવર થાય.”

હવાલો:

આ લેખ “ઝિયારતે નાહિયા” માંથી સંક્ષિપ્તમાં છે. મોટા ભાગે બુઝુર્ગ શીયા આલીમોએ આ ઝીયારતને ઝીયારતની કિતાબોમાં લખી છે.

જુઓ: “તોહફતુઝ ઝાએર” – લે. અલ્લામા મજલીસી (રહ.)

“કિતાબુલ મેઝાર” – લે. શયખ મુફીદ (રહ.)

“ઈકબાલ” – લે. સય્યદ ઈબ્ને તાઉસ (રહ.)

“બેહારૂલ અન્વાર” ભાગ-૯૮, પાના ૩૧૭ થી ૩૨૮ – લે. અલ્લામા મજલીસી (રહ.)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.