Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૦

ઈમામે ઝમાના (અ.સ.)ના અસ્હાબો કુરઆન અને હદીસોના પ્રકાશમાં

Print Friendly

તમામ મુસલમાનો, ખાસ કરીને ઈસ્નાઅશરી શીઆઓની માન્યતા છે કે કયામતની પહેલા ખુદા પોતાની હુજ્જત દ્વારા આ દુનિયાને એવી રીતે અદલ અને ઈન્સાફથી ભરી દેશે, જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.

દુનિયાની વ્યવસ્થાને બદલવાના મહાન કાર્યને કરવા માટે એક મહાન વ્યકિતની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આ મહાન વિભૂંતી હઝરત કાએમ હુજ્જત (અ.સ.)ની સિવાય બીજું કોઈ નથી. આ ઈલાહી કામની સફળતા માટે હઝરત મહદી (અ.સ.)ને મદદગારોની જરૂર પડશે.

ઈન્શાઅલ્લાહ તેના ફઝલથી અને ઈમામ મહદી (અ.સ.)ની ઈનાયતોથી આપણે કુરઆન અને હદીસના પ્રકાશમાં તે વ્યકિતઓના બારામાં માહિતી મેળવવાનો સંઘર્ષ અને કોશિશ કરીશું, જે ઝુલ્મ અને અત્યાચારથી દુનિયાને અદલ અને ઈન્સાફથી ભરવામાં ઈમામ મહદી (અ.સ.)ની મદદ કરશે.

આપણે આ ચર્ચાને બે વિભાગમાં વહેંચી દેશું.

(૧) કુરઆનના પ્રકાશમાં ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબ.

(૨) હદીસોના પ્રકાશમાં ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબ.

કુરઆનના પ્રકાશમાં ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબો

મઅસુમોની હદીસોની જેમ કુરઆને મજીદની અસંખ્ય આયતોમાં ઈમામે ઝમાના (અજ.) (અરવાહોના ફીદાહના) મદદગારો અને સાથીઓનો ઉલ્લેખ છે. આ આયતોની તફસીર અને અર્થઘટન ઈમામ (અ.સ.)ના દોસ્તોની વિશેષતા ઉપર ધ્યાન દોરે છે.

(૧) “અયનમા તકુનુ યાતે બેકોમુલ્લાહો જમીઅન.

તમે જ્યાં કયાંય પણ હશો ખુદા તમને પોતાની તરફ લઈ આવશે. (સૂ. બકરહ ૧૪૮)

આ આયતના સંદર્ભમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે કે આ આયત અસલમાં કાએમ (અજ.)ના બારામાં ઉતરી છે. (ગયબતે નોઅમાની પા. ૩૧૩)

એક બીજી રિવાયત જે ઈમામ બાકીર (અ.સ.)થી કથિત છે કે આ આયત ખરેખર તો તે ૩૧૩ વ્યકિતઓ સંબંધિત છે કે જેઓ એક પળમાં ઈમામ અસ્ર (અ.સ.)ની પાસે આવી રીતે ભેગા થઈ જશે જેવી રીતે દિપકની આસપાસ પરવાનાઓ અને રૂકન અને મકાન, હજરે અસ્વદ અને મકામે ઈબ્રાહીમની વચ્ચે તે હઝરત (અજ.)ના હાથ પર બયઅત કરશે (રવઝએ કાફી પા. ૩૧૩)

(૨) “વલઈન અખ્ખરના અન્હોમુલ અઝાબ એલા ઉમ્મતીન મઅદુદતીલ લયકુલુન્ના મા યહબેસોહુ.

અને જો અમે એમના અઝાબને એક નક્કી કરેલી મુદ્દત સુધી ટાળી દઈએ તો જરૂર તેઓ કહેશે કે અઝાબને કાઈ વસ્તુએ રોકી લીધો છે. (સુ. હુદ : ૮)

હ. અલી (અ.સ.)ના કહેવા મુજબ “ઉમ્મતે મઅદુદહ (નક્કી કરેલી ઉમ્મત)થી મુરાદ હ. ઈમામ કાએમ (અજ.) ના ૩૧૩ સહાબીઓ છે. (તફસીરે કુમ્મી ૫૧. ૫૧૩૨૩)

(૩) “ફ ઈન યકફુર બેહા હાઓલાએ ફકદ વક્કલના બેહા કવમન લયસુ બેહા બે કાફેરીન

બસ અગર આ લોકો એને પણ ન માને તો (કંઈ વાંધો નહી) અમે તો એમના ઉપર એવા લોકોને નિયુકત કરી દીધો છે જે (એમની જેમ) ઈન્કાર કરવાવાળા નથી. (સુરએ અન્આમ : ૮૯)

હ. ઈ. જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે કે આ આયત સાહેબે અમ્ર (અજ.)ના ખાસ સહાબીઓના બારામાં છે. (ગૈબતે નોઅમાની પા. ૩૧૬)

(૪) “ફસવફ યાતીલ્લાહો બે કવમીન યોહીબ્બોહુમ વ યોહીબ્બુનહુ, અઝીલ્લતીન અલલ મોઅમેનીન, અઈઝઝતીન અલલ કાફેરીન

જલ્દીજ અલ્લાહ એવા લોકોને જાહેર કરશે, જેમને અલ્લાહ દોસ્ત રાખતો હશે અને તેઓ અલ્લાહને દોસ્ત રાખતા હશે, (તેઓ) મોઅમીનોની સાથે નરમીથી વર્તાવ કરવાવાળા હશે અને કાફીરોની સાથે સખ્ત રીતે… (સુ. માએદાહ: ૫૪)

હ. ઈ. જઅફર સાદિક (અ.સ.)ના આ આયતની તિલાવત કર્યા પછી આની અગાઉ ઉપર આપેલી આયત (નં. ૩ સામે) તિલાવત કરતા અને પછી ફરમાવતા કે આ આયતથી મુરાદ પણ ઉપલી આયતના અસ્હાબથી છે. (તફસીરે અય્યાશી પુ. ૧ પા. ૩૨૬)

(૫) “વ લકદ કતબ્ના ફી-ઝઝબુરે મીમ અદીઝઝીકરે અન્નલ અરઝ યરેસોહા એબાદેયસ સાલેહુન

અને અમે તો નસીહત (તવરેત)ની પછી યકીનથી ઝબુરમાં લખી જ દીધું હતું, કે ઝમીનના પટના વારસદાર અમારા નેક બંદાઓ હશે. (સૂ. અંબીયા આ. ૧0૫)

ઈમામ બાકિર (અ.સ.)આ આયતની સ્પષ્ટતા ફરમાવે છે કે તેઓનો (નેક બંદાઓનો) અર્થ આખર ઝમાનામાં મહદી (અ.સ.)ના દોસ્તો છે. (તફસીર ‘મજમઉલ બયાન’ભાગ ૭ પા. ૬૬)

(૬) “અલ્લઝીન ઈમ મક્ધનાહુમ ફીલ અર્ઝે અકામુસ સલાત વ આતવુઝઝકાત વ અમરૂબીલ મઅરૂફે વ નહવ અનીલ મુન્કરે વ લીલ્લાહે આકેબતુલ ઓમુર.

આ તે લોકો છે કે જો અમે તેમને જમીનના પટ ઉપર કાબુ દઈ દઈએ તો (પણ) આ લોકો પાબંદીથી નમાઝ અદા કરશે અને ઝકાત આપશે ને સારા કામોનો હુકમ કરશે અને ખરાબ વાતોથી (લોકોને) રોકશે અને (આમ તો) બધા કામોનું પરિણામ ખુદાના જ અખત્યારમાં છે. (સુરા હજ ૪૧)

ઈમામ બાકિર (અ.સ.) આ આયતની તફસીરમાં ફરમાવે છે કે અસલમાં આ આયત હઝરત મહદી (અજ.)ના અસ્હાબના સિલસિલામાં ઉતરેલી છે કે અલ્લાહ તઆલા જેમના અખ્તયારમાં પૂર્વ અને પશ્ચિમને કરશે અને તેઓના દ્વારા સમગ્ર દુનિયામાં દીન કાયમ કરશે. જમીનના પટ પર ઝુલ્મ અને અત્યાચારની કોઈ નિશાની બાકી ન રહેશે. (‘યનાબીઉલ મોવદ્દહ’પા. ૪૨૫)

(૭) વઅદલ્લાહુલ લઝીન આમનુ મિન્કુમ વઅમેલુસ્સાલેહાતે લયસ્તખલેફન્નહૂમ ફીલ અર્ઝે…

(એ ઈમાન વાળાઓ) તમારામાંથી જે લોકોએ ઈમાન કબુલ કર્યું અને સારા કાર્યો કર્યા તેઓ સાથે ખુદાએ વાયદો કર્યો છે કે તેઓને (એક ન એક દિવસે) જમીનના પટ પર (પોતાના) નાએબ નક્કી કરશે… (સૂરા નૂર ૫૫)

ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે કે ખુદાની કસમ આ અમારા ચાહનાર અને અમારા શીઆ છે અને ખુદાવંદે મોતઆલ અમારામાંથી એક વ્યકિતને જે આ ઉમ્મતના મહદી (અજ.) છે તેમના થકી તે લોકોને જમીનના પટ ઉપર વારસદાર નિમશે. (‘યનાબીઉલ મોવદ્દહ’પા. ૪૨૬)

સુજ્ઞ વાંચકો! વિચાર કરો કે આ અલ્લાહનો વાયદો છે અને અલ્લાહ તઆલા કયારે પણ વાયદાથી ફરી નથી જતો. જ્યારે ખુદાએ આ વાયદો કર્યો છે કે અંતે આ જમીનના વારસ ઈમામે ઝમાન (અ.સ.)ના દોસ્તો હશે, તો આપણે આ ભરપૂર સબકની હદીસનું અનુસરણ કરીને તે દિવસની બેચેનીથી પ્રતિક્ષા કરવી જોઈએ જ્યારે હઝરત વલી અસ્ર (અ.સ.) પોતાના ઝુહુરથી આ દુનિયાને અદલ અને ઈન્સાફથી ભરી દેશે. જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. એ ખુદા! બે હક્કે જનાબે ઝહરા (સ.અ.) અમને સૌને એ તૌફિક આપ કે અમે ખુલુસ નિય્યતથી અમારા ઈમામ (અજ.) નો ઈન્તેઝાર કરતા કરતા તે હઝરત (અ.સ.)ના ઝુહુર માટે પૂર્વભૂમિકા તૈયાર કરવાની કોશિશમાં મશ્ગુલ રહીએ. અને તેમના ઝહુર પછી તેમના નિર્મળ હૃદયના ગુલામોમાં ગણના કરાવ.

હદીસોના પ્રકાશમાં ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબ

આવો, હવે આપણે હદીસોના પ્રકાશમાં ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબોની વિશેષતા અને ગુણોનું મૂલ્યાંકન કરીએ.

(૧) અસ્હાબની સંખ્યા

અબાન બીન તગલબનું બયાન છે કે હું મક્કા મોઅઝઝમમાં મસ્જીદુલ હરામમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.)ની ખિદમતમાં હાજરૂર થયો અને ઈમામ (અ.સ.) સાથે મુસાફેહા કરવાનું બહુમાન મેળવ્યું. તેમણે ફરમાવ્યું એ અબાન! બહુજ જલ્દી અલ્લાહ, જલ્લ જલાલોહુ ત્રણસો તેર (૩૧૩) લોકોને આ મસ્જીદમાં ભેગા કરશે. (‘ગયબતે નોઅમાની’પા. ૩૧૩)

એક બીજી હદીસમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ ફરમાવ્યું, હઝરત કાએમ (અ.સ.) ત્યાં સુધી મક્કાની બહાર નહિ જાય જ્યાં સુધી તેમના સમૂહની સંખ્યા પૂરી ન થઈ જાય.

ઈમામ જઅફર સાદિક (અ.સ.)ના એક સહાબી અબુ બસીરે પૂછયું તેમના સમૂહમાં અસ્હાબની સંખ્યા કેટલી હશે? ફરમાવ્યું, દસ હજાર (૧0,000)

ઉપરોકત બે હદીસો એકબીજાથી જુદી જણાય છે. પરંતુ તેમ નથી. હદીસોમાં સ્પષ્ટતા મૌજુદ છે કે ઈમામ મહદી (અ.સ.)ના ત્રણસો તેર ખાસ અસ્હાબો હશે, તેમના સિવાય બીજા અસ્હાબો પણ હશે જે ઈમામ (અ.સ.)ની મદદ કરશે.

(૨) અસ્હાબની વિશેષતાઓ

ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબની વિશેષતા બયાન કરીને ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે, તેઓ એવા મરદ હશે જેમના દિલ લોખંડના ટૂકડા જેવા હશે.

તેઓની અંદર શંકા કુશંકાનો છાંટો સુધ્ધા ન હશે. ન તો તેઓ કયારે પણ શંકા કુશંકામાં સપડાશે. અલ્લાહના હકોને માટે તેઓ પથ્થરથી પણ વધુ સખત હશે. તેઓ ઈમામ (અ.સ.)ની આસપાસ એવી રીતે ચક્કર મારશે જેવી રીતે પરવાના પ્રકાશની આજુબાજુ ફરતા રહે છે. તે બધા પોતાની જાતને ઈમામ (અ.સ.)ની સેવામાં અર્પણ કરશે. તેઓ રાતો ખુદાની ઈબાદતમાં પસાર કરી નાખશે. તેઓની ઈબાદતના સમયે નીકળેલા અવાજો મધમાખીઓના ગણગણાટની જેમ જણાશે. તેઓ રાત્રે પહેરો ભરશે અને સવારે લડાઈમાં (જેહાદમાં) મશ્ગુલ હશે. તેઓ ઈમામ (અ.સ.)ની સેવા અને તાબેદારીમાં ઉભા હશે. (બેહારૂલ અન્વાર ભાગ ૫૨, પા. ૩00)

() તેઓની શકિત

“કાલ લવ અન્ન લી બેકુમ કુવ્વતન અવ આવી એલા રૂકને શદીદીન.’ (સૂરા હૂદ ૮0)

ઉપર લખેલી આયતની તફસીરમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે હઝરત લૂત (અ.સ.)એ નીચે લખેલ વાકય પોતાની કોમના માટે ફરમાવ્યું હતું “અફસોસ કે મારી પાસે તમને દબાવવાની અને કચડી નાખવાની તાકત અને શકિત ન હતી. કેટલું સાંરૂ થતે કે મને લોકોની મદદ પ્રાપ્ત થતે.’

ઈમામ (અ.સ.) પોતાના કથનને ચાલુ રાખતા ફરમાવે છે કે હઝરત લૂત (અ.સ.) જે તાકત અને શકિતની તમન્ના રાખતા હતા, તે હઝરત કાએમ (અ.સ.)ની તાકત છે અને તેમના અસ્હાબની મજબુતી છે.

ઈમામ મહદી (અ.સ.)ના દરેક સહાબી ચાલીશ (૪0) લોકોની તાકાત ધરાવતા હશે. તેઓના દિલ લોખંડના ટુકડાથી વધુ મજબુત અને અડગ હશે. જો તેઓ પર્વતો પાસેથી પસાર થશે તો પર્વત તુટી પડીને ચૂરેચૂરા થઈ જશે. (‘કમાલુદ્દીન’ભાગ ૨, પા. ૬૭૩)

ઉપરોકત હદીસથી એક હકીકતની જાણ થાય છે કે ઈમામ મહદી (અ.સ.) અને તેમના અસ્હાબની તાકાત અને શકિત એવી હશે કે હઝરત લૂત (અ.સ.) જેવા નબીએ પણ તેની તમન્ના કરી.

(૪) તેમનું વ્યકિતત્વ

ઈમામ બાકીર (અ.સ.) ફરમાવે છે:

‘હું જોઈ રહ્યો છું કે હઝરત મહદી (અ.સ.)ના અસ્હાબની શકિતના કબ્જામાં પૂર્વથી લઈને પશ્ચિમની દરેક વસ્તુ છે. આ દુનિયાની દરેક વસ્તુ તેઓની તાબેદારીમાં વ્યસ્ત છે. પશુ પક્ષીઓ પણ તેઓના તાબેદાર છે. અને નિશ્ર્વિત જમીનનો એક ભાગ બીજા ભાગ પર ગૌરવ લેશે અને કહેશે કે આજ ઈમામ મહદી (અ.સ.)ના સહાબીઓ મારા પર પોતાના કદમ રાખ્યા.’ (બેહાર, ભાગ ૫૬, પા. ૩૨૭)

ઉપરની બધી હદીસો એક ખાસ વિશેષતા તરફ ઈશારો કરે છે કે જે ઈમામ મહદી (અ.સ.)ના દરેક સહાબીમાં જોવા મળશે. એક મુદ્દો જે વિચારવા જેવો છે તે એ છે કે જે કંઈ ઉપર ચર્ચા થઈ છે જો તેને સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારવામાં આવે તો આપણે તે પરિણામ ઉપર પહોંચીશું કે આ મુદ્દો નવો નથી. બલ્કે આ એજ ઈસ્લામી જીવનની રીત છે જેની તાલીમ કુરઆન, પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ અને અઈમ્મા (અ.સ.)એ આપણને આપી છે.

આ વાત પણ આપણે સમજી લેવી જોઈએ કે બધીજ ખુબીઓ કંઈ એક દવાની ગોળી નથી, જે ઈમામ (અ.સ.)ના અસ્હાબની પાસે હશે અને એક જ રાતમાં (તે ખાઈ લેવાથી) તે બધા ગુણો મેળવી લેશે.

ઈતિહાસ ઉપર એક ઉડતી નજર નાખવાથી એ જાહેર થઈ જશે કે પયગમ્બર અકરમ (સ.અ.વ.)થી લઈને અગીયારમાં ઈમામ, ઈમામ હસન અસ્કરી (અ.સ.) સુધીના અસ્હાબો આ ઉચ્ચ ગુણો ધરાવતા હતા. ઉદાહરણ રૂપે સલમાન ફારસી, મીકદાદ, મીસમે તમ્માર, હુર્રે રિયાહી, હેશામ બીન હકમ, અબુ બસીર વગેરેના નામો યાદીમાં સૌથી ઉપર છે. આ બધા મહાનુભાવોમાં તે બધા ઉચ્ચ ગુણો મૌજુદ છે, જે ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબોમાં જોવા મળે છે.

આપણા સૌની ઈચ્છા અને તમન્ના છે અને ખુદાની બારગાહમાં આપણે દોઆ પણ કરીએ છીએ કે તે આપણને ઈમામ મહદી (અ.સ.)ના અસ્હાબમાં ગણના કરવાનું બહુમાન પ્રાપ્ત કરે. ખાસ કરીને દોઆએ અહદમાં કહીએ છીએ:

‘અલ્લાહુમ્મજ અલની મીન અન્સારેહી વ અઅવાનેહ વઝઝાબીન અન્હો…’

તેથી ઈમામ (અ.સ.)ના સહાબી થવાની ઈચ્છા રાખનારાઓએ અમલની બાબતમાં સૌ પ્રથમ કાળજી લેવી જરૂરી છે. ઈમામ મહદી (અ.સ.)ના સહાબી માટે પાત્ર થવા આ જરૂરી ગુણો મેળવવાની ભરપૂર કોશિશ અને સંઘર્ષ કરવો જરૂરી છે.

આપણે ખુદાવંદે મોતઆલ પાસે દોઆ કરીએ છીએ કે તે ઈમામ મહદી (અ.સ.)ના સહાબીઓની ગણના થવાની અમારી તમન્નામાં વધારો કરે. અમને તે ગુણો કે જે ઈમામ મહદી (અ.સ.)ના સહાબી બનવાનું બહુમાન મેળવવા જરૂરી છે તે માટે કોશિશ અને સંઘર્ષમાં વધારો કરવાની શકિત આપે. ઈન્શાઅલ્લાહ.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.