હઝરત વલી અસ્ર (અ.સ.)ની વિશેષતાઓ

Print Friendly, PDF & Email

ખુદાવંદે આલમે આપણ ઈમામે ઝમાના (અ.સ.)ને અસંખ્ય વિશેષતાઓથી સન્માનિત કર્યા છે. જેથી જાણી શકાય છે કે ખુદાવંદે કુદ્દુસની પવિત્ર બારગાહમાં હઝરતનો કેવો મરતબો અને સ્થાન હશે. બધીજ વિશેષતાઓની ગણત્રી કરવી તે આપણા માટે શકય નથી. ઉદાહરણ રૂપે માત્ર થોડી વિશેષતાઓની ચર્ચા નીચે મુજબ કરીએ છીએ.

(1) નુર: જ્યારે પયગમ્બર અકરમ (સ.અ.વ.) મેઅરાજ ઉપર તશ્રીફ લઈ ગયા ત્યારે ત્યાં અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ના નુરને જોયા પરંતુ તે નુરોમાં ઈમામે ઝમાના (અ.સ.)નું નુર સૌથી વધુ પ્રકાશિત હતું. સિતારાઓની વચ્ચે સૌથી વધુ ચમકતો સિતારો આ એકજ નુર હતું જે સ્થીર ઉભેલી હાલતમાં હતું.

(2) વંશ: આપનો વંશ ઉચ્ચ અને શરીફ છે. અઈમ્મએ તાહેરીન (અ.સ.) અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) સાથેના સગપણ ઉપરાંત આપના વાલેદાનો વંશ રોમના બાદશાહ સુધી પહોંચે છે. આ રીતે હઝરતનો સિલસિલો જનાબે ઈસ્માઈલ અને જનાબે ઈસ્હાક (અ.સ.) થકી હઝરત ઈબ્રાહીમ (અ.સ.) સુધી પહોંચે છે. ઈબ્રાહીમ (અ.સ.)ની દોઆ પૂરેપૂરી રીતે કબુલ થતી દેખાઈ રહી છે.

(3) આસમાન ઉપર જવું: જે સમયે હઝરત (અ.સ.)ની વિલાદત થઈ તે સમયે બે મલાએકા આવીને હઝરત (અ.સ.)ને અર્શ ઉપર લઈ ગયા. ખુદાવંદે આલમે હઝરતને સંબોધીને કહ્યું: સ્વાગત છે મારા બંદા, તું મારા દીનની મદદ કરવા માટે, મારી શાનને જાહેર કરવા માટે છે. એ બંદાઓના મહદી, હું કસમ ખાઈને કહું છું, તારા થકી કબુલ કરીશ, તારા થકી રદ્દ કરીશ અને તારા કારણથી માફ કરીશ.

(4) બયતુલ હમ્દ: હઝરત (અ.સ.)નું એક ઘર છે જેને ‘બયતુલ હમ્દ’ કહેવામાં આવે છે. તેમાં એક ચિરાગ (દિવો) છે. જે હઝરત (અ.સ.)ના વિલાદતના દિવસથી પ્રકાશિત છે અને આપ (અ.સ.)ના ઝુહુર થવા સુધી પ્રકાશમાન રહેશે.

(5) નામ અને રસુલ (સ.અ.વ.)ની કુન્નીયત: રિવાયતોમાં એ વાતની મનાઈ કરવામાં આવી છે કે એક માણસ રસુલ (સ.અ.વ.)નું નામ અને કુન્નિયત બન્ને એક સાથે રાખે. ઈમામે ઝમાના (અ.સ.)નું નામ પણ રસુલે ખુદાનું (મોહમ્મદ) નામ છે અને આપ (અ.સ.)ની કુન્નિયત પણ રસુલે ખુદા (સ.અ.વ.)ની કુન્નીયત (અબુલ કાસીમ) છે.

(6) ઈમામતની પૂર્ણતા: હઝરત (અ.સ.) ઈમામતના સિલસિલાની અંતીમ કડી છે.

(7) ગયબત: આપ (અ.સ.) જન્મના દિવસથીજ જાહેરમાં લોકોની નજરોથી ગાયબ છે. આપ (અ.સ.)ને નૂરની દુનિયા અને પાક વાતાવરણમાં રૂહુલ કોદુસ (આ ફરિશ્તા જીબ્રઈલે અમીનથી પણ મોટા છે જેમકે સુરે ઈન્ના અન્ઝલનાની તફસીરમાં જોવા મળે છે). ના હવાલે કરી દેવામાં આવ્યા હતા. જ્યાં આદમના ફરઝંદો અને શયતાનના (બહેકાવવાથી) અમલ કરેલા ગુનાહોની ગંદકી ન હતી. આપ (અ.સ.) હંમેશા ઉચ્ચ મલાએકા અને પાક રૂહોમાં રહ્યા.

(8) કાફીરો, ગુનેહગારો અને મુનાફીકોથી દુર: કોઈ ઝાલીમ, કાફીર, ગુનેહગાર અને મુનાફીકથી ભયમાં ન રહ્યા. તે લોકોમાંથી કોઈ એકનો હાથ આપ (અ.સ.)ને સ્પર્શ સુધ્ધા નથી કર્યો.

(9) ઝાલીમની હુકુમતથી દૂર: આપ (અ.સ.) ઉપર કોઈ પણ ઝાલીમની હુકુમત નથી રહી.

(10) ઈમામતની મોહર: જેવી રીતે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની પીઠ ઉપર ખત્મે નબુવ્વતની મોહર હતી તેવીજ રીતે હઝરત (અ.સ.)ની મુબારક પીઠ ઉપર ખત્મે ઈમામત અને વસાયતની મોહર છે.

(11) આસમાની કિતાબો: બધી આસમાની કિતાબો અને મેઅરાજની ખબરોમાં ખુદાવંદે આલમે આપ (અ.સ.)ના લકબ બલ્કે અસંખ્ય અલ્કાબોનો નિર્દેશ કર્યો છે.

(12) આસમાન અને જમીનની નિશાનીઓ: આપની વિલાદતના સમયે જેવી નિશાનીઓ જાહેર થઈ અને ઝહુર થવાના સમયે એવી નિશાનીઓ જાહેર થશે જે કોઈના માટે જાહેર નથી થઈ. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ આ આયત:

(‘અમે નજદીકમાં અમારી નિશાનીઓ દુનિયામાં અને ખુદ તેમના વુજુદમાં (અસ્તિત્વમાં) દેખાડી દેશુ, જેથી તેઓ સમજી જાયકે શું હક-સાચુ છે’ – ફુસ્સેલત-53) ને હઝરત કાએમ (અ.સ.)ના ઝુહુરનું અર્થઘટન કર્યું છે.

અમુક વ્યકિતઓએ ચારસો નિશાનીઓની ચર્ચા કરી છે.

(આ વાત ધ્યાનમાં રહે, હઝરતનું જાહેર થવું નિશાનીઓ ઉપર આધારિત નથી. પરંતુ ખુદાવંદે આલમના નિમંત્રણ ઉપર આધારીત છે) (જુઓ અલમુન્તઝર શાબાન-1412)

(13) આસમાની અવાજ: હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.)થી રિવાયત છે કે (જાહેર થવાના સમયે) આસમાનમાંથી એક મુનાદી (પોકારવાવાળો) પોકાર કરશે જે આખી દુનિયાના લોકો સાંભળશે. જો કોઈં ઉંઘતા હશે તો અવાજ સાંભળીને જાગી જશે. જે ઉભા હશે તે બેસી જશે જે બેઠા હશે તે ભયથી ઉભા થઈ જશે અને આ અવાજ જીબ્રઈલ (અ.સ.) દેશે.

(14) આસમાનની ગતિ: હઝરત (અ.સ.)ના ઝુહુરના ઝમાનામાં આસમાનની ચાલ ધીમી પડી જશે. હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)થી રિવાયતોમાં છે: ‘હઝરત (અ.સ.)ની હુકુમત સાત વરસ રહેશે અને દરેક દસ વરસની બરાબર હશે.’ રાવીએ પૂછયું: ‘દિવસ કેટલો લાંબો થઈ જશે?’ ઈમામ (અ.સ.) એ ફરમાવ્યુ. ‘ખુદાવંદે આલમ આસમાનની ગતિને ઓછી કરી દેશે.’ રાવીએ કહ્યું: ‘લોકો કહે છે કે જો આસમાનમાં પરિવર્તન થઈ જાય તો દુનિયા બરબાદ થઈ જશે?’ ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: ‘આ બેદીન અને કાફરનો કોલ છે. મુસલમાનો માટે તેને સ્વિકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.’ કારણકે પયગમ્બર (સ.અ.વ.) એ ચાંદના બે ટુકડા કર્યા, યુશોઅ બીન નુનના માટે સૂરજને પલટાવ્યો અને કાંઈ ન થયું. જ્યારે કે કયામતનો એક દિવસ દુનિયાના હજાર વરસની બરાબર હશે.

(15) અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો ગ્રંથ:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ એક કિતાબ તૈયાર કરી હતી. જેમાં રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર મોઅજીઝા રૂપે ઉતરેલી બધીજ માહિતી જરાપણ સુધારા વધારા કે ફેરફાર કર્યા વગરની મૌજુદ હતી. જ્યારે લોકોએ તે ગ્રંથથી મોઢું ફેરવી લીધું ત્યારે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ આ ગ્રંથ પોતાની પાસે સાચવી રાખ્યો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો આ ગ્રંય હઝરત ઈમામે ઝમાના (અ.સ.) પાસે મૌજુદ છે. ઝહુરના ઝમાનામાં હઝરત (અ.સ.) તે જાહેર કરશે.

(16) સફેદ વાદળ: હઝરત (અ.સ.)ના પવિત્ર માથા ઉપર હંમેશા સફેદ વાદળ રહેશે. તે વાદળ ઉપરથી એક મુનાદી પોકારશે જે આખી દુનિયા અને બધા જીન્નાત અને ઈન્સાન સાંભળશે. ‘આ મહદીએ આલે મોહમ્મદ (અ.મુ.સ.) છે. જે દુનિયાને ન્યાય અને ઈન્સાફથી એવી રીતે ભરી દેશે, જેવી રીતે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી છે.’ આ અવાજ તે અવાજથી જુદો હશે જેની વાત ઉપર 13 માં કરવામાં આવી છે.

(17) આપ (અ.સ.)નું લશ્કર: આપ (અ.સ.)ના લશ્કરમાં જીન્નાતો અને મલાએકા રહેશે અને હઝરતના અન્સારની સામે જાહેર થશે.

(18) હંમેશા જવાન: આસમાનની ગતિએ દરેક પર અસર કરી છે. દરેકને બાળકથી જવાન અને જવાનથી વૃધ્ધ બનાવ્યા છે. કુરઆને કરીમમાં અંબીયા (અ.મુ.સ.)ના બુઢાપાની વાતો લખવામાં આવી છે. (સુરા હુદ આ. 72, સુ. મરયમ-4). પરંતુ જે સમયે હઝરત (અ.સ.) ઈન્શાઅલ્લાહ જાહેર થશે તે સમયે તેમની પવિત્ર ઉમરના હજારથી વધુ વરસ વિતી ચૂકયા હશે. પરંતુ જે સમયે હઝરત (અ.સ.) ઈન્શાઅલ્લાહ જાહેર થશે તે સમયે તેમની પવિત્ર વય હજારથી વધુ વરસ વિતી ચુકયા હશે, પરંતુ આપ (અ.સ.) ચાલીશ વરસના કે તેથી પણ ઓછી વયના લાગશો.

(19) તિરસ્કાર અને ભયનો અંત: માણસોમાં સામાન્ય રીતે અને જાનવરોમાં ખાસ એક બીજાથી વિરૂધ્ધ નફરત અને દુશ્મનાવટની લાગણી જોવા મળે છે. પરંતુ હઝરત (અ.સ.)ના જાહેર થયા પછી નફરત અને દુશ્મનાવટનો અંત આવી જશે. હઝરત અલી (અ.સ.)ની રિવાયત મુજબ જંગલી-ફાડી ખાનારા પશુઓ અને બીજા જાનવરો વચ્ચે મેળ થઈ જશે. માણસોને જંગલી પશુઓનો ભય નહિ રહે.

(20) મૃત્યુ પામેલાઓનું જીવંત થવું: હઝરત (અ.સ.)ની મદદ માટે અમુક લોકો કબરોમાંથી નીકળશે. જેવાકે અસ્હાબે કહફ, યુશોઅ બીન નુન (અ.સ.), જનાબે સલમાન (ર.હ.), જનાબે અબુઝર (ર.હ.), જનાબે અબુ દજાનાએ અન્સારી (ર.હ.), જનાબે માલિકે અશ્તર (ર.હ.) વિગેરે આ ગ્રહસ્થો હઝરત (અ.સ.)ની તરફથી શહેરોમાં હાકિમ તરીકે નિમવામાં આવશે. રિવાયતમાં છે કે જો કોઈ માણસ 40 સુધી દોઆએ અહદ (અલ્લાહુમ્મ રબ્બન્નુર..) પડશે અને ઝુહુરની પહેલા તે મૃત્યુ પામશે તો ઝુહુરના સમયે તેઓને જીવતા કરવામાં આવશે અને હઝરત (અ.સ.)ના મદદગારોમાં અને અન્સારોમાં શામીલ થશે. તે દોઆનું એક વાકય આ રીતે છે.

‘પરવરદિગાર! જો મારી અને તેમની (અ.સ.) (એટલે કે ઈમામ અ.સ.) ના ઝુહુર દરમ્યાન મોત વચ્ચે આવી જાય જેને તેં તારા બંદાઓ ઉપર અટલ અને જરૂરી ગણ્યું છે. પસ મને તું મારી કબરમાંથી બહાર કાઢજે એવી હાલતમાં કે હું માં કફન પહેરલો હોઉં, મારી તલ્વાર અને ભાલા ખુલ્લા મારા હાથોમાં હોય અને હું બોલાવનારની દઅવત ઉપર લબ્બય્ક (હાજર છું) કહેતો હોઉં, વસ્તીયોમાં તેમજ નિર્જનતામાં.’

(21) ઝમીનમાના ખજાનાઓ: જમીન પોતાના છુપાવેલા ખજાનાઓ હઝરત (અ.સ.)ને હવાલે કરી દેશે.

(22) નેઅમતોની વિપૂલતા: વરસાદ, શાકભાજી, ફળ, ખેતી, એવી રીતે ફેલાઈ જશે કે આ ઝમીન બીજી ઝમીન દેખાવા લાગશે અને ખુદાનો એ કોલ સાચો ઠરશે:

જે દિવસ જમીન બીજી ઝમીનમાં પલ્ટાઈ જશે. (સુ. ઈબ્રાહીમ – 48)

(23) અક્કલો પૂર્ણ થઈ જશે: ઝુહુરની પછી હઝરત લોકોના માથા ઉપર હાથ ફેરવશે જેથી તેઓની અક્કલ સુપૂર્ણ થઈ જશે અને દિલો કીના અને ઈર્ષાથી પાક થઈ જશે. જ્ઞાન અને ડહાપણથી મોઅમીનોના હૃદય ભરપૂર થઈ જશે. પછી બિરાદરે મોઅમીન બીજા કોઈ બિરાદરના ઈલ્મનો મોહતાજ નહિ રહે. તે ઝમાનો આ આયતનું અમલી સ્વરૂપ હશે:

“ખુદા દરેકને વિશાળ ફઝલ અને કરમથી એક બીજાથી બેનિયાઝ કરી દેશે.’ (સુ. નિસા 130)

(24) જોવા સાંભળવાની ભરપૂર શકિત: હઝરત (અ.સ.)ના અસહાબોની નજર અને કાન એટલા વધુ શકિતશાળી થઈ જશે કે 4 ફરસખ (આશરે 22 કીલોમીટર)ના દુરના અંતરેથી લોકો હઝરત (અ.સ.)ને જોઈ શકશે અને તેમની વાતો સાંભળી શકશે.

(25) લાંબી ઉમર: હઝરત (અ.સ.)ના અસહાબ અને અનસારની ઉમર લાંબી હશે ત્યાં સુધી કે એક એકને હજાર હજાર સંતાનો હશે.

(26) બલાઓનો અંત: બલાઓ, મુસીબતો, નબળાઈઓ દૂર થઈ જશે. હઝરત (અ.સ.)ના અસહાબો ઝઈફીનો અહેસાસ નહિ કરે.

(27) ચાલીસ ગણી શકિત: હઝરત (અ.સ.)ના એક એક દોસ્ત અને મદદગાર ચાલીસ મર્દોની શકિત ધરાવતો હશે. તેમના હૃદય લોખંડની જેટલા મજબુત હશે. જો ધારે તો પહાડોને ઉખેડી નાખશે.

(28) સૂરજથી બેપરવા: હઝરત (અ.સ.) ના નુરને કારણે લોકો સૂરજના પ્રકાશથી બેપરવા થઈ જશે તે સમયે આ આયતે શરીફની તફસીર જાહેર થશે.

“જમીન પોતાના સરપરસ્તના નુરથી પ્રકાશિત થઈ જશે. (સુ. ઝુમર-69)

(29) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નો ઝંડો: હઝરત (અ.સ.)ની સાથે હશે.

(30) હઝરત રસુલે ખુદાનું બખ્તર: હઝરત (અ.સ.) ના પવિત્ર શરીર ઉપર રસુલે ખુદા (સ.અ.વ.)નું બખ્તર એવી રીતે બંધ બેસતુ આવી જશે જે રીતે આં હઝરત (સ.અ.વ.)ના મુબારક શરીર ઉપર બંધ બેસતુ આવતું હતું.

(31) ખાસ વાદળ: ખુદાવંદે આલમે હઝરત (અ.સ.)ના માતે એક ખાસ વાદળ સંઘરી રાખ્યું છે જેમાં વિજળી અને ગડગડાટ છે. હઝરત (અ.સ.) તેની ઉપર સવાર થશે. તે હઝરત (અ.સ.)ને સાત આસમાનો અને સાત ઝમીનોમાં લઈ જશે.

(32) ભયથી છુપાઈને રહેવાનો અંત: હઝરત (સ.અ.વ.)ના ઝમાનામાં કાફીરો, મુશ્રીકો અને મુનાફીકોનો ભય અને ઈર્ષાનો અંત આવી જશે. ખુદાની ઈબાદતના ભરપૂર મોકાઓ મળશે. આખી દુનિયામાં માત્ર ખુદાની ઈબાદત થશે અને ઝમાનો આ આયતનું ઉદાહરણ હશે.

“ઈમાન લાવનારાઓ અને નેક કાર્યો કરનારાઓ સાથે ખુદાએ આ વાયદો કર્યો છે કે તેઓને દુનિયામાં જરૂર પોતાના ખલીફા બનાવશે જે રીતે તેણે પહેલા બનાવ્યા હતા અને પોતાના પસંદ કરેલ દીનને તેઓના અખત્યારમાં આપશે અને તેઓના ભયને શાંતિ અને સલામતીમાં ફેરવી નાખશે. તે સમયે સૌ બસ મારીજ ઈબાદત કરશે કોઈ એકને મારો શરીક નહિ બનાવે. (સુ. નુર:55)

(33) દુનિયાની હુકુમત: દુનિયાના તસુએ તસુ ઉપર હઝરત (અ.સ.)ની હકુમત હશે. આસમાનથી જમીન સુધી દરેક તેના તાબેદાર હશે અને તેનો હુકમ બજાવી લાવશે તે સમયે દુનિયા ઉપર આ આયતનું અમલીકરણ થઈ રહ્યું હશે.

“જમીન અને આસમાનમાં દરેક રાજીખુશીથી અને ઈચ્છાથી અથવા બેખબર અને કરાહતથી તેનીજ સામે ઝુકે છે. (સુરા આલે ઈમરાન-38)

(34) અદલ અને ઈન્સાફ: આખી દુનિયા ઈન્સાફ અને ન્યાયથી ભરાઈ જશે. આ વાત તો એટલી બધી અપષ્ટ છે કે જ્યાં હઝરત ઈમામ મહદી (અ.સ.)ની વાત આવે છે ત્યાં હઝરત (અ.સ.) થકી ઝમીનના અદલ અને ઈન્સાફને ભરી દેવાનો ઝીક્ર છે.

(35) દાઉદી ફેસલાઓ: હઝરત (અ.સ.) લોકોના મામલાઓમાં જનાબ દાઉદ અને જનાબ સુલયમાન (અ.સ.)ની જેમ પોતાના ઈમામતના ઈલ્મના આધારે ફેંસલાઓ કરશે.

(36) ખાસ હુકમોનો અમલ: તે હુકમો જે હજી સુધી આપવામાં નથી આવ્યા, હઝરત (અ.સ.) તેનો અમલ કરવાનું ફરમાન કરશે. જેમકે ઝકાત અદા ન કરનારાઓ, વૃધ્ધો, બદકારો અને એજ રીતે વીસ વરસનો માણસ જે દીનના હુકમો નહિ જાણતો હોય તેને કત્લ કરવામાં આવશે. તે બે વ્યકિતઓ જેઓના વચ્ચે આલમે ઝરમાં વાયદો અને વચન અપાયા હતા તેઓને એક બીજાને વારસો આપશે.

(37) ઈલ્મની પરિપૂર્ણતા: જ્યારે હઝરત (અ.સ.) જાહેર થશે ત્યારે બધા ઈલ્મો જાહેર થઈ જશે. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ની એક રિવાયતમાં છે ‘ઈલ્મના 27 અક્ષરો છે અત્યાર સુધીમાં બધા નબીઓ અને રસુલો (અ.મુ.સ.) પાસેથી જે ઈલ્મ જાહેર થયું છે તે માત્ર બે અક્ષરોની તફસીર છે. અમારા કાએમ (અ.સ.)નો જ્યારે ઝુહુર થશે ત્યારે ખુદાવંદે આલમ બાકીના 25 અક્ષરોને પણ જાહેર કરી દેશે અને પહેલાના બે અક્ષરોને તેમાં મેળવી દેશે. આ રીતે 27 અક્ષરો પૂરા થઈ જશે.’

(38) આસમાની તલ્વારો: હઝરત (અ.સ.)ના અસહાબો માટે આસમાનમાંથી તલ્વારો ઉતરશે.

(39) પશુઓની તાબેદારી: બધા પશુઓ હઝરત (અ.સ.)ના તાબેદાર અને હુકમોનું પાલન કરનારા હશે.

(40) પાણી અને દુધની નહેરો: હઝરત (અ.સ.) પાસે જનાબે મુસા (અ.સ.)નો તે પથ્થર છે જેમાંથી ઝરણાઓ ફુટે છે. હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની રિવાયત છે: કાએમ (અજ.) નો ઝુહુર થશે અને તેઓ મક્કાએ મુકર્રમાંથી કુફા જવાનો ઈરાદો કરશે તો એક મુનાદી નીદા કરશે, ‘કોઈપણ ખાવા પીવાની વસ્તુ પોતાની સાથે ન લે. જનાબ મુસા (અ.સ.)ન તે પથ્થરને સાથે લઈ લો જેમાંથી 12 ઝરણા ફૂટયા હતા.’ જે જગ્યાએ રોકાણ કરશે તે જગ્યાએ પથ્થર ખોડી દેશે તેમાંથી ઝરણાઓ ફૂટી નીકળશે. તરસ્યા લોકો પીશે અને તરસથી તૃપ્તી મેળવશે. ભૂખ્યા પીશે તો પેટ ભરાઈ જશે. આ પથ્થર એમની સાથે રહેશે ત્યાં સુધી કે આપ (અ.સ.) નજફે અશ્રફ પહોંચી જાય. કુફાના કિનારાથી નજફે અશ્રફ પહોંચશે ત્યાં સુધી આ પત્થરમાંથી પાણી અને દુધ સતત વહેતુ રહેશે.

(હઝરત અ.સ.ના દોસ્તો અને અન્સારોને દુનિયામાંજ જન્નતની જેમ દુધની નહેરો નસીબ થશે.)

(41) હઝરત ઈસા (અ.સ.)નું ઉતરવું: અસંખ્ય રિવાયતોમાં આ વાત જોવા મળે છે કે જ્યારે હઝરત (અ.સ.)નો ઝુહુર થશે ત્યારે જનાબે ઈસા (અ.સ.) તશ્રીફ લાવશે અને હઝરત (અ.સ.)ની પાછળ નમાઝ પડશે.

(42) દજ્જાલનો કતલ: દજ્જાલ એક પ્રકારનો ખુદાવંદાનો અઝાબ છે, હઝરત (અ.સ.) દજ્જાલને કતલ કરશે અને ફીત્ના અને જાળ પાથરવાનો અંત લાવી દેશે.

(43) સાત તકબીરો: હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની સિવાય કોઈના પણ જનાઝા ઉપર સાત તકબીરો જાએઝ નથી. હઝરત અલી (અ.સ.)ની પછી આ સાત તકબીરો હઝરત ઈમામ મહદી (અ.સ.)થી મખ્સુસ છે.

(44) હઝરતની તસ્બીહ: દરેક મહીનાની ખાસ તારીખો હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની તસ્બીહ સાથે મખ્સુસ છે. પહેલી તારીખે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની તસ્બીહ બીજી તારીખે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની તસ્બીહ, ત્રીજી તારીખે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ની તસ્બીહ… 10-11 હઝરત રઝા (અ.સ.)ની તસ્બીહ, 12-13 હઝરત મોહમ્મદ તકી (અ.સ.)ની તસ્બીહ, 14-15 હઝત ઈમામ અલી નકી (અ.સ.)ની તસ્બીહ, 16-17 હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની તસ્બીહને 18 થી મહીનાના અંત સુધી બધી તારીખો હઝરત હુજ્જત (અ.સ.)ની તસ્બીહ સાથે મખ્સુસ છે અને હઝરત (અ.સ.)ની તસ્બીહ આ છે:

સુબ્હાનલ્લાહે અદદો ખલ્કેહી, સુબ્હાનલ્લાહે રેઝા નફસેહી, સુબ્હાનલ્લાહે મેદાદે કલેમાતેહી, સુબ્હાનલ્લાહે ઝેનત અર્શેહી, વલ હમ્દો લીલ્લાહે મીસ્લ ઝાલેક.

(45) ઝાલીમ હુકુમતોનો અંત: હઝરતના ઝુહુર પછી આખી દુનિયામાં ઝાલીમોનો સફાયો થઈ જશે. હઝરતની હુકુમતનો સિલસિલો કયામતની સવાર સુધી ચાલુ રહેશે. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) વારંવાર આ સેર પડયા કરતા હતા.

‘દરેક પોતાની હુકુમતનો ઈન્તેઝાર કરી રહ્યું છે. અમારી હુકુમત આખરી ઝમાનામાં જાહેર થશે.’ અલહમ્દોલિલ્લાહે રબ્બીલ આલમીન.

સારાંશ:

આ બધી વિશેષતાઓ મહાન હદીસકાર હઝરત શયખ અબ્બાસ કુમ્મી (અ.ર.) (મફાતીહુલ જીનાનના કર્તાની કિતાબ ‘મુન્તહુલ આમાલ’ભાગ 2, પા. 763 થી 771 નવી આવૃતિમાંથી ખુલાસા રૂપે નોંધ કરવામાં આવી છે.

ખુદા તેમને તથાપ આપણને સૌને ઈસ્લામની તરફથી શ્રેષ્ઠ બદલો અર્પણ કરે… આમીન

અને તે દિવસ માટે જીવતા રાખે અથવા તે દિવસે ફરી જીવતા કરે જ્યારે હઝરત ઈમામ મહદી (અ.સ.) આ વિશેષતાઓ સાથે જાહેર થશે. આમીન યા રબ્બીલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *