Home » કિતાબો

ઇસ્લામ અને અઝાદારી

Print Friendly, PDF & Email

ઇસ્લામ અને અઝાદારી
બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ઉપર ઉપકાર કરનારની યાદને જીવંત રાખવી એ સ્વભાવગત કાર્ય માને છે. દુનિયાની બધીજ કોમ પોતાની ઉપર ઉપકાર કરનાર અને માર્ગદર્શક નેતાને હંમેશા યાદ કરીને તેનું સન્માન કરે છે અને પોતાના માર્ગદર્શક, નેતા અને રેહબર કે મોહસીન ને વિસરી જનારને જનસાધારણની ભાષામાં ‘એહસાન ફરામોશ’ (નગુણા) અથવા તો ‘ખુદગર્ઝ’ (સ્વાર્થી) કહેવામાં આવે છે. પ્રતિષ્ઠિત લોકો અને સમાજ આવા લોકોને સારા ગણતો નથી.
વર્તમાન સંજોગોમાંજ નહીં બલ્કે હંમેશ માટે મુસલમાનોનો કિંમતી ખજાનો ‘દીને – ઇસ્લામ’ છે. દીને ઇસ્લામને ખુદાએ પોતાની દ્રષ્ટિમાં સૌથી વધારે સન્માનીય અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જેમના કારણે જ જગ નિર્માણ થયું તેવા હઝરત ખતમી મરતબત જનાબે મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) મારફત મોકલ્યો. આજ દીન (દીને – ઇસ્લામ) અલ્લાહને સૌથી વધારે પસંદ દીન છે અને આજ દીનના દામનમાં દુનિયા અને આખેરતની તમામ સફળતાઓ છૂપાએલી છે. કોઇ સારી બાબત કે કાર્યો એવા નથી જે કરવાનો દીને ઇસ્લામમાં આદેશ અપાયો ન હોય. તેવી જ રીતે કોઇ પણ ખરાબી કે દૃષ્કૃત્ય આચરવાની મનાઇ કરવામાં ન આવી હોય તેવું પણ નથી.
ઇસ્લામની જ્યોતિ (શમ્એ – ઇસ્લામ)
હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ જે વખતે દીને ઇસ્લામની ઘોષણા કરી તે જમાનામાં કુફ્ર અને શીર્કના ઘટાટોપ અંધકાર ભર્યા વાદળો છવાએલા હતા, એવા વખતે તેઓએ ઇમાનની જ્યોત જલાવી હતી. જે જમાનાથી કુફ્ર અને ગુમરાહી, શીર્ક અને અત્યાચારની આંધીઓ તે જ્યોતને બુજાવવા માટે પ્રયત્નશીલ રહી હતી. ઇસ્લામની જ્યોત બુજાવવા માટે તે લોકોએ તેમનાથી બનતા બધાજ પ્રયત્નો કર્યા અને તેઓને તેમના બધા પ્રયત્નો નિષ્ફળ જતા લાગ્યા ત્યારે થાકી હારીને નિફાકનો પોશાક ધારણ કરીને ઇસ્લામને આંતરિક રીતે ખોખરો કરવાની કોશિષો શરૂ કરી દીધી. એટલે સુધી કે રસૂલે અકરમ (સ.અ.વ.)ના જમાનામાં પણ આ પ્રકારની કોશિશો થતી રહી. ‘મસ્જીદે ઝરાર’ આની ખુલ્લી દલીલ છે અને જનાબે ‘હુઝૈફા’ પાસે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના સૂચવેલા નામો, એ લોકોનો પરિચય મેળવવા માટે પૂરતા છે.
સંસારનું કાળચક્ર
કાળ ક્રમ ચાલતો ગયો. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) એ દુનિયાી વિદાય લીધી. કિસ્મત અજમાવનારાઓએ કિસ્મત અજમાવી અને રાજકારણીઓએ સમયની નાજુકતાનો લાભ લીધો. પોતાની ‘કહેવાતી મસ્લેહતો’ને કારણે ખુદા અને રસૂલ (સ.અ.વ.)ના હુકમ અને એઅલાનથી મુખ ફેરવી લીધું. રસૂલ (સ.અ.વ.)ની વિરૂદ્ધની બાબતોને ‘જરૂરતો’નો સુંદર પોશાક પહેરાવી પછી તે કહેવાતી ‘જરૂરતો’ અને ‘મસ્લેહતો’ એ એવા એવા ‘મહાન કાર્યો (?)’ કર્યા કે તૌબા!, અને એ પછી જેમના દિલોમાં ઇસ્લામ વિરૂદ્ધ કાવત્રા કરવાની યોજનાઓ જન્મી હતી તેનો યુગ શરૂ થયો.
ધીમે ધીમે ઇસ્લામી કાનૂનો અને હુકમોનું સ્વરૂપ બદલાતું ગયું. ઇલાહી કાનૂનો એમ કહીને ટાળવામાં આવતા કે : અત્યારે એ કાનૂનોને અમલમાં મુકવામાં મસ્લેહત નથી. ખાલીદ બિન વલીદનો ગુન્હો સાબિત થઇ જવા પછી તેને ‘હદ જારી કરવા’ની સજા કરવામાં ન આવી. તે વખતે પણ ‘મસ્લેહત’ આડી આવી. કુફાનો ગર્વનર શરાબના નશામાં ચકચુર હાલતમાં પકડાયો. હુકુમતને ફરિયાદો કરવામાં આવી. હુકુમતે પોતાની ‘મસ્લેહત’ને ઇસ્લામના હુકમો પર અગ્રતા આપીને હદ જારી કરવાનો ઇન્કાર કર્યો. આ નીતિના પરિણામે યઝીદ બિન મોઆવિયા બિન અબુ સુફયાન ખુલ્લમખુલ્લા શરાબ પીવા લાગ્યો અને ઇસ્લામે જે કામ કરવાની સખ્ત મનાઇ ફરમાવી છે, તેવા કાર્યો કરવા લાગ્યો. આના પરિણામે ઇસ્લામના કાનુનોમાં ફેરફાર (પરિવર્તન) થવા લાગ્યા અને ખુદાએ જે હેતુ માટે ‘દીન’ મોકલ્યો હતો અને જેના અમલ માટે રસૂલ (સ.અ.વ.) એ અથાગ પ્રયત્નો કર્યા હતા તે હેતુનોજ નાશ થવા લાગ્યો.
સાચા સંરક્ષક
આવી પરિસ્થિતિમાં દીને – ઇસ્લામને અને તેની રચનાત્મક ક્ષમતાને સુરક્ષિત રાખીને એક હસ્તીએ આપણા ઉપર એવો મહાન ઉપકાર કર્યો છે, જેના લીધે આજે પણ ઇસ્લામ અસ્તિત્વમાં છે અને આપણે બધા પોતાને મુસલમાન કહેવડાવતા ગૌરવ અનુભવીએ છીએ. એ મોહસીને ઇસ્લામનું પવિત્ર નામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.) છે. ઇસ્લામ લાવનાર રસૂલ (સ.અ.વ.), ફેલાવનાર અલી (અ.સ.) અને ઇસ્લામને બચાવનાર હઝરત હુસૈન ઇબ્ને અલી (અ.સ.) છે. આ ત્રણેય મહાન હસ્તીઓના ઉપકાર હેઠળ એક એક મુસલમાન એટલા બધા દબાએલા છે કે એ ઉપકાર સામે કદી માથું ઉંચકી શકશે નહીં.
અઝાદારી એ વાસ્તવમાં મોહસીને ઇસ્લામ હઝરત હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની યાદ છે. આ યાદ આપણે બધા મુસ્લીમો દર વર્ષે મનાવીએ છીએ અને સૈયદુશ્શોહદા હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની બારગાહમાં અશ્રુભરી અંજલિ પેશ કરીએ છીએ. તેઓ પર થએલા મસાએબને સાંભળીએ છીએ, તે સાંભળીને ગમગીન થઇએ છીએ. તેના કારણે મઝલુમો પ્રત્યે હમદર્દી અને ઝાલિમો સામે નફરત દૃઢ બને છે…..
અઝાદારી પ્રત્યે અણગમો
આમ છતાં, કેટલાક લોકોને હઝરત હુસૈન ઇબ્ને અલી (અ.સ.)નો ઝીક્ર થાય તે ગમતું નથી. અઝાદારીના નામ માત્રથી તેઓ વ્યાકુળતા અનુભવે છે અને એ વ્યાકુળતાની હાલતમાં અઝાદારી વિશે ન જાણે કેવા કેવા ફત્વાઓ બયાન કરી દેવાય છે. એ લોકોને મોહસીને ઇસ્લામના ઉલ્લેખથી કોણ જાણે શું તકલીફ થાય છે? કે તેઓ તેમના દિલનો બળાપો ફત્વા રૂપે ઓકી નાખે છે.
હુકમનો માપદંડ
જીવનના કોઇ પણ પ્રશ્ન વિશેનો હુકમ (હુકમે શરઇ) જાણવો હોય તો તેનું સૌથી વધુ ભરોસાપાત્ર માધ્યમ અને માપદંડ કુરઆને કરીમ અને હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની સુન્નત છે. જો કુરઆને કરીમમાં કોઇ બાબતને જાએઝ ગણાવવામાં આવી હોય અને તે કાર્યનું વખાણવા લાયક અને શ્રેષ્ઠ કાર્ય તરીકે વર્ણન થયું હોય તો તેને નાજાએઝ કહેવાની કોઇની મજાલ નથી અને એવા કાર્યની કદ્રો મંઝેલત પણ ઘટાડી શકાતી નથી અને તેવું જ સુન્નતે રસૂલ (સ.અ.વ.) વિશે છે. જે કોઇ સુન્નતે રસૂલ (સ.અ.વ.)ની વિરૂદ્ધનો દૃષ્ટિકોણ અપનાવે અને તેની વિરૂદ્ધનો હુકમ આપે, તે કામને ખરાબ સમજે તે વાસ્તવમાં મુસલમાન જ નથી. કારણકે હુકમે ખુદા અને રસૂલ (સ.અ.વ.)ને માનનાર સિવાય બીજા કોઇને ખરા અર્થમાં મુસલમાન કહી જ શકાય નહીં.
માનવ પ્રકૃતિ
ગમગીન બનાવની અસર થવી એ માનવની પ્રકૃતિ છે. એ માણસ જેનામાં દર્દમંદ દિલ ન હોય તે માનવ કહેવાને લાયક પણ નથી. જે માણસને તેના સગા સંબંધી, વડીલો, મિત્રો વિગેરેના ગમ અને મુસીબતની અસર થતી ન હોય તો તે પત્થર હશે માણસ નહીં હોય. સગા વ્હાલા, વડીલો, મિત્રો વિગેરેના ગમમાં શરીક થવું એ માનવ સ્વભાવ છે. અંબિયા (અ.મુ.સ.) ‘સંપૂર્ણ માનવ’ હતા તેથી તેઓ આવા ગમ અને મુસીબતમાં મુતઅસ્સીર પણ વધારે બની જતા હતા. અંબિયાઓનો આ અમલ એકબાજુથી તો માનવપ્રકૃતિના પાયાની વાતની મજબુત દલીલ છે. તો બીજી બાજુથી તેમના માનનારાઓ માટે અનુકરણીય પણ છે. આમ ન કરવું એ અંબિયાઓથી જ નહીં પણ ઇન્સાનીય્યતથી પણ વિમુખ થઇ જવા સમાન છે.
જનાબે આદમ (અ.સ.)
જ્યારે હઝરત આદમ (અ.સ.)ના પુત્ર હાબિલને બીજા પુત્ર કાબિલે કત્લ કરી નાખ્યા ત્યારે જ. આદમ (અ.સ.) રડ્યા હતા અને તે ગમના પ્રભાવમાં તેઓએ મરસિયો પણ લખ્યો હતો જે નીચે મુજબ છે.

તોગય્યરાતુલ બેલાદ વ મન અલય્હા
ફલવ નુલ અરઝા મુગૈરે કબીહ
તોગય્યરો કુલ્લો ઝી અ તૌમો લવનીન
વકુલ બશાશતુલ વજહીલ મલીહ
‘શહર બદલ ગયા ઔર બસને વાલે બદલ ગયે
ઔર ઝમીના કા રંગ ગુબાર આલુદ હો ગયા,
હર ચીઝકા ઝાયકા બદલ ગયા,
ચહેરીકી તાઝગી ખત્મ હો ગઇ.’
(તીબરી ભાગ – ૧, પા. ૭૨)
આ બનાવ એ પૃથ્વી પર બનેલો પહેલો માનવ હત્યાનો બનાવ હતો અને જે આ બનાવથી ગમગીન બન્યા તે પહેલા મઅસુમ નબી હતા. અહીં એમ કહેવું જરાય અસ્થાને નહીં ગણાય કે જ્યાંથી મઝલમુના કત્લ (નિર્દોષ વ્યક્તિની હત્યા)ની શરૂઆત થઇ ત્યાંથી ‘અઝાદારી’નો પણ પ્રારંભ થયો છે.
જનાબે યઅકુબ (અ.સ.) – જનાબે યૂસુફ (અ.સ.)
કુરઆને કરીમે જનાબે યૂસુફ (અ.સ.)ની દાસ્તાનનું ‘એહસનુલ – કસસ’ વર્ણન કર્યું છે અને કુરઆનમાં બીજા કીસ્સાઓની સરખામણીએ આ કિસ્સાનું વર્ણન વધારે વિગતવાર કરવામાં આવ્યું છે. જ્યારે જનાબે યુસુફ (અ.સ.) તેમના ભાઇઓની અદેખાઇ અને ઇર્ષાનો ભોગ બનીને તેમના પિતાની નજરોથી દૂર થઇ ગયા, તો આ ઘટનાની જનાબે યઅકૂબ (અ.સ.) પર એટલી બધી ગંભીર અસર પડી કે તેઓ સતત રડતા રહ્યા અને જે લોકોએ જ. યુસુફ (અ.સ.) પર ઝુલ્મ કર્યો હતો તેમને જનાબે યઅકૂબ (અ.સ.)ના રૂદની ખૂબજ વ્યાકુળતા તી હતી. જ્યારે આ રૂદન તેઓની સહનશક્તિની બહારનું થઇ ગયું ત્યારે તેઓએ એક દિવસ કહી દીધું કે ‘બસ, હવે યુસુફ (અ.સ.)નો ઉલ્લેખ કરવાનું બંધ કરો.’
આ એઅતેરાઝ પછી જનાબે યઅકુબ (અ.સ.) તેઓથી વિમુખ થઇ ગયા અને ‘હાય યુસુફ’ કહીને ઠંડો નિશ્ર્વાસ નાખ્યો. દુ:ખ અને રૂદનના કારણે તેમની આંખો સફેદ ઇ ગઇ હતી. આંખોનું નૂર ચાલ્યું ગયું હતું અને અંધ બની ગયા હતા. જ. યઅકૂબ (અ.સ.)નું અંધ બની જવું તેમની અસાધારણ સબ્રનું પરિણામ હતું. એટલે કે ધીરજ અને સહનશક્તિ રાખ્યા પછી પણ તેમની એવી હાલત થઇ હતી કે તેઓ અંધ બની ગયા હતા.
તબરીએ તેમની તફસીરમાં આ ઘટનાનું વર્ણન કરેલ છે. જનાબે યૂસુફ (અ.સ.)એ, જ. યઅકૂબ (અ.સ.)ની જુદાઇ વખતે જ. જીબ્રઇલ (અ.સ.)ને પુછયું હતું કે : ‘મારી જુદાઇમાં મારા પિતાની હાલત કેવી થઇ છે’? જીબ્રઇલ (અ.સ.)એ જવાબ આપ્યો કે : ‘કોઇ માતા પોતાની ૭૦ (સિત્તેર) અવલાદના મૃત્યુથી જેવું દુ:ખ અનુભવે તેવી હાલત તમારા વિયોગમાં હઝરત યઅકૂબ (અ.સ.)ની થઇ છે.’ ત્યારે જ. યુસુફ (અ.સ.)એ પુછયું કે ‘તેમની આ હાલત માટે અલ્લાહ તરફથી તેમને (હ. યઅકૂબ (અ.સ.)ને) શું અજ્ર મળશે?’ ત્યારે જીબ્રઇલ (અ.સ.)એ જવાબ આપ્યો: ‘૭૦ (સિત્તેર) અથવા ૧૦૦ (એકસો) શહીદોનો સવાબ મળશે.’
આ વાત પણ તબરીએ પોતાની તફસીરમાં હસને બસરીના હવાલાથી નોંધી છે. હઝરત યુસુફ (અ.સ.) અને હઝરત યઅકૂબ (અ.સ.) વચ્ચે ૮૦ (એંસી) વર્ષ સુધી વિયોગ રહ્યો હતો. પરંતુ આ સમય દરમ્યાન જ. યઅકૂબ (અ.સ.)નો ગમ એક દિવસ પણ ઓછો થયો ન હતો. તેઓ એટલું બધું રડ્યા કે તેમની આંખો સફેદ (નૂર વિહીન) થઇ ગઇ હતી.
સિત્તેર શહીદોનો સવાબ
જનાબે યઅકુબ (અ.સ.) તેના ફરઝંદના વિયોગમાં જેટલા ગમગીન થયા હતા તેવી જ રીતે પિતાથી વિખુટા પડવાનો હઝરત યુસુફ (અ.સ.)નો ગમ પણ ઓછો ન હતો. એક વખતે તેઓએ હઝરત યઅકૂબ (અ.સ.)ની હાલત વિશે જાણ્યું. જીબ્રઇલ (અ.સ.)એ કહ્યું કે આપના ગમમાં તેમની આંખોની રોશની ચાલી ગઇ છે. આ સાંભળીને હઝરત યુસુફ (અ.સ.)એ પોતાનો હાથ માથા પર રાખી દીધો અને ફરમાવ્યું કે : કાશ, મારી માતાએ મને પૈદા ન કર્યો હોત!. (આગળના હવાલા મુજબ)
આ જનાબે યઅકુબ (અ.સ.) અને જનાબે યુસુફ (અ.સ.) બંને નબી છે અને બંને હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ના દીનના પૈરવ છે. આ બંને પયગમ્બરોનો અમલ એ વાત દર્શાવે છે કે ગીર્યા અને રૂદનનું કાર્ય દીનમાં શામેલ છે. આ પ્રમાણે અઝાદારી અને ગીર્યા-બુકાથી વિમુખ રહેવું અથવા તો તેના ઉપર એઅતેરાઝ કરવો એ દીને ઇબ્રાહીમ (અ.સ.)થી વિમુખ થવા સમાન જ નહીં પરંતુ દીને ઇબ્રાહીમ (અ.સ.) પર એઅતેરાઝ કરવા બરાબર છે. અને આવો હવે એ જોઇએ કે આ વિષયમાં કુરઆને કરીમની આ આયત શું ફરમાવે છે.
“દીને-ઇબ્રાહીમ (અ.સ.)થી એ લોકો જ મુખ ફેરવશે જે બેવકુફ હશે.
(સુરએ બકરહ, આયત : ૧૩૦)
આ તો થઇ બીજા અંબિયાઓની વાત. આવો હવે જોઇએ કે આ વિષયમાં આપણા નબીએ કરીમ (સ.અ.વ.)નો શું અને કેવો અમલ છે.
પ્રથમ મજલીસ
હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી એટલે કે હાલના સમયમાં તેઓ પર રૂદન (ગીર્યા) કરવું અને તેમની અઝાદારી કરવી એ કેવું કાર્ય છે.??
આ વિશે આપણે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના જીવનનો અભ્યાસ કરીશું તો આપણને આપ (સ.અ.વ.)ની જીંદગીમાં ઠેર ઠેર એ વાત નજરે પડશે કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ઇમામે હુસૈન (અ.સ.) પર, તેમની શહાદત અને તેમની ઉપર થનાર ઝુલ્મો સિતમને યાદ કરીને રૂદન કર્યું છે અને માત્ર પોતેજ ગીર્યા અને રૂદન નથી કર્યું પરંતુ ઇમામ હુસૈન (અ.સ.)ના મસાએબ બયાન કરીને બીજાઓને પણ રડાવ્યા છે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ મજલીસ પઢી હતી અને એ રીતે ‘અઝાદારી’ તે રસૂલે ખુદા (સ.અ.વ.)નો ‘કૌલ અને અમલ’ બંને પ્રકારની સુન્નત છે.
આવો, હવે એ ઘટનાઓ પર એક નજર કરીએ જેમાં હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત પહેલાં તેમની શહાદતની ખબર આપવામાં આવી હતી અને (કરબલાના) બનનાર બનાવની ખબર આપીને ગીર્યા-રૂદન કરવામાં આવ્યું હતું.
રાસ જાલુત
રાસ જાલુતે તેમના વાલીદથી આ વાત વર્ણવી છે. તેઓએ કહ્યું કે અમે જ્યારે પણ કરબલાના મૈદાનમાંથી પસાર થતા હતા, ત્યારે પોતાની સવારીને ઝડપથી પસાર કરી દેતા હતા. મેં તેઓને પુછયું કે આનું કારણ શું છે? તેઓએ જવાબ આપ્યો કે અમે સાંભળ્યું છે કે એક નબીના ફરઝંદને અહીં કત્લ કરવામાં આવશે મને એ વાતનો ડર લાગે છે કે તે ક્યાંક હું ન હોઉં. પરંતુ જ્યારે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા ત્યારે કહ્યું કે આ એજ બનાવ છે, જેનો અમે ઉલ્લેખ કરતા હતા.
કઅબ
હઝરત અલી (અ.સ.) કઅબની સામેથી પસાર થયા. કઅબે કહ્યું કે આમનો એક ફરઝંદ કત્લ કરવામાં આવશે, હજુ તેમના ઘોડાનો પસીનો પણ સૂકાયો નહીં હોય ત્યાં આ લોકો હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થશે (એટલે કે શહીદ થવાની સાથે જ જન્નતમાં જશે) તેજ અરસામાં ઇમામે હસન (અ.સ.) ત્યાંથી પસાર થયા. લોકોએ કઅબને પુછયું કે શું આમને કત્લ કરવામાં આવશે? કહ્યું: ના. તે પછી ત્યાંી હઝરત ઇમામ હુસૈન (અ.સ.) પસાર યા. લોકોએ પુછયું આમને કત્લ કરવામાં આવશે? જવાબ આપ્યો હા.
(મોઅજમે અલ તબરાની અલ કબીરહ ૮૫, તબકાતે ઇબ્ને સાદ હાલાતે ઇમામ હસન મઆલેમુલ મુદ્દર્રેસીન, ભાગ-૩, પા. ૨૬)
આ બંને બનાવથી સ્પષ્ટ થાય છે કે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતની ખબર કેટલી પ્રચલિત હતી. આવો, હવે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર મુખેથી હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતની ખબર સાંભળીએ અને એ પણ જોઇએ કે આ રિવાયતોનો ક્યા ક્યા લોકોએ ઉલ્લેખ કર્યો છે.
ઉમ્મૂલ ફઝલ
ઉમ્મુલ ફઝલ બિન્તે હારિસનું બયાન છે કે હું રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થઇ અને અર્ઝ કરી. અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.) મેં રાત્રે એક ખરાબ સ્વપ્ન જોયું છે. રસૂલે ખુદા (સ.અ.વ.)એ સ્વપ્ન નું વર્ણન કરવા કહ્યું. મેં કહ્યું, બહુજ ખરાબ સ્વપ્ન છે. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું : શું જોયું? મેં કહ્યું, મેં જોયું કે આપ (સ.અ.વ.)ના શરીરનો ટુકડો જુદો થઇને મારા ખોળામાં આવી પડ્યો છે. રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું સારૂં સ્વપ્ન છે. ઇન્શાઅલ્લાહ ફાતેમા (સ.અ.)ને ત્યાં એક બાળક પૈદા થશે જે તારા ખોળામાં આપવામાં આવશે.
જનાબે ફાતેમા (સ.અ.)ને ત્યાં ઇમામ હુસૈન (અ.સ.)ની વિલાદત થઇ અને હુસૈન (અ.સ.) મારા ખોળામાં હતા. એક દિવસ હું રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થઇ અને મેં મારી પાસેથી ઇમામ હુસૈન (અ.સ.)ને આપ (સ.અ.વ.)ના ખોળામાં આપ્યા. મેં જોયું કે રસૂલે ખુદા (સ.અ.વ.)ની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. મેં અર્ઝ કરી કે. અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.) મારા ર્માં-બાપ આપની ઉપર કુરબાન થઇ જાય, આપને આ શું થયું? ફરમાવ્યું: જીબ્રઇલ (અ.સ.) આવ્યા અને મને ખબર આપી કે મારી ઉમ્મત મારા આ ફરઝંદને કત્લ કરી નાખશે. મેં પુછયું આ ફરઝંદ (હુસૈન)ને? ફરમાવ્યું: હા, અને જીબ્રઇલ (અ.સ.)એ મને તેની આ લાલ માટી પણ આપી છે.
(મુસ્તદરકુસ સહીહૈન, ૧૭૬/૩, મજમઉઝ ઝવાએદ ૧૭૯/૯)
અસ્હાબોનો સમૂહ અને મજલીસે હુસૈન (અ.સ.)
અખ્તબુલ ખોતબા-ખ્વારઝમીએ તેમની મકતલ ૧૬૩/૧માં એક રિવાયતનું વિગતવાર વર્ણન કર્યું છે જેનો સારાંશ નીચે મુજબ છે.
જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ની વય એક વર્ષની થઇ ગઇ તે વખતે રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં બાર ફરિશ્તા નાઝીલ થયા. જેમના ચહેરા લાલ હતા. તે બધાએ તેમની પાંખો ફેલાવેલી હતી અને તે બધા રસૂલ (સ.અ.વ.)ને કહી રહ્યાં હતાં કે આપના ફરઝંદ હુસૈન (અ.સ.)ને એવી મુસીબતો ઉઠાવવી પડશે જેવી મુસીબતો હાબિલને કાબિલના હાથે ઉઠાવવી પડી હતી અને ખુદાવંદા તેમને હાબિલ જેવો અજ્ર આપશે અને કાબિલ (હાબિલના કાતિલ)ની જેવો અઝાબ તેમના કાતિલોને પણ આપવામાં આવશે.
આ પછી આસમાનના તમામ ફરિશ્તાઓએ રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિમદતમાં તાઅઝીયત (શોકાંજલી – દિલસોજી) પેશ કરી અને ઇમામ હુસૈન (અ.સ.)ને તેમની શહાદત બદલ મળનાર અજ્રો – સવાબનું વર્ણન કર્યું, અને તુરબતે હુસૈની (અ.સ.) (કરબલાની ખાક) પેશ કરી. એ વખતે રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવતા જતા હતા.
‘ખુદાયા, જે એમની (હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની) મદદ કરે તું તેઓની મદદ કર, જે એમને કત્લ કરે તું તેઓને કત્લ કર અને એ લોકો (એમના કાતિલ) જે કાંઇ માગે તેનાથી તેને વંચિત રાખ.’
શું આ કાતિલે હુસૈન (અ.સ.) પર રસૂલે ખુદા (સ.અ.વ.)ની લઅનત નથી?
જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) બે વર્ષના થયા, તે વખતે રસૂલે ખુદા (સ.અ.વ.) એક પ્રવાસમાં તશરીફ લઇ ગયા હતા. પ્રવાસ દરમ્યાન એક જગ્યાએ રોકાયા. તે વખતે આપની પવિત્ર ઝબાન ઉપર અફસોસના શબ્દો આવ્યા અને આપ (સ.અ.વ.)ની આંખો ભીંજાઇ ગઇ. લોકોએ આમ થવાનું કારણ પુછયું ત્યારે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું : આ જીબ્રઇલ (અ.સ.) છે. તેમણે મને એક જમીન વિશે ખબર આપી જે ફુરાતના કિનારા પર છે. જેને ‘કરબલા’ કહેવામાં આવે છે. ત્યાં મારા ફરઝંદ હુસૈન (અ.સ.) ઇબ્ને ફાતેમા (સ.અ.)ને કત્લ કરવામાં આવશે. લોકોએ પુછયું. અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.) તેમને કોણ કત્લ કરશે? ફરમાવ્યું: એક શખ્સ જેને યઝીદ કહેવામાં આવે છે. ખુદા તેને બરકતથી વંચિત રાખે. હું જાણે કે હુસૈન (અ.સ.)ની દફનની જગ્યા નિહાળી રહ્યો છું અને તેઓનું મસ્તક હદીયા તરીકે આપવામાં આવે છે. ખુદાની કસમ! જે કોઇ મારા ફરઝંદ હુસૈન (અ.સ.)ના મસ્તકને જોઇને ખુશ થાય, ખુદા તેના દિલ અને ઝબાનમાં જુદાઇ કરી નાખશે. (એટલે કે તે સાક્ષી, કલ્મ-એ- શહાદતૈન મરતી વખતે આપી નહીં શકે.)
જ્યારે રસૂલે ખુદા (સ.અ.વ.) આ પ્રવાસથી ગમગીન પાછા ફર્યા ત્યારે મીમ્બર ઉપર તશરીફ લઇ ગયા. ખુત્બા અને વાએઝ ફરમાવી. તે વખતે હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) તેઓની સામે હતા. ખુત્બો પૂરો કર્યા પછી આપ (સ.અ.વ.)એ પોતાનો જમણો હાથ હુસૈન (અ.સ.)ના માથા પર રાખીને પોતાના માથાને આસમાન તરફ બુલંદ કરીને ફરમાવ્યું: ‘અય પરવરદિગાર, હું તારો નબી અને બંદો મોહમ્મદ છું. અને આ બંને મારી પાકીઝા ઇતરત, મારી શ્રેષ્ઠ ઝુર્રીય્યત અને અસ્લ છે… પરવરદિગાર, મને જીબ્રઇલે ખબર આપી છે કે મારા ફરઝંદને કત્લ કરવામાં આવશે અને લોકો તેને સાથી અને મદદગાર વગરનો (એકલો – અટુલો) કરી નાખશે. પરવરદિગાર, તેના કત્લને મારા માટે બરકતવંત બનાવ અને તેમને શહીદોના સરદાર બનાવ. બેશક તું દરેક ચીઝ પર કાબુ ધરાવનાર છો. પરવરદિગાર, તેમના કાતિલ અને તેમનો સાથ છોડી દેનારને બરકત વગરના કરી દે.’
ઉપરનો ખુત્બો સાંભળીને મસ્જીદમાં હાજર લોકોના ગીર્યા-રૂદનનો અવાજ બુલંદ થયો તે વખતે આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: ‘શું તમે રડી રહ્યા છો અને તેની મદદ નહીં કરો? પરવરદિગાર, તું જ તેનો વલી અને નાસીર થજે.’
આ પ્રકારની કેટલીએ રિવાયતો જુદા જુદા રાવીઓએ બયાન કરી છે. કેટલીક રિવાયતો પ્રમાણે આવા બયાન વખતે હ. અબુ બક્ર અને હ. ઉમર પણ મૌજુદ હતા. અલ્લામા સૈયદ મુરતઝા અસ્કરીએ મોઆલેમુલ મુદર્રેસીન ભાગ-૩માં આ પ્રકારની ૪૦ રિવાયતો ૧૬ રાવીઓના હવાલાથી નકલ કરી છે અને આ બધી રિવાયતો એહલે સુન્નતના રાવીઓની કિતાબમાંથી નકલ કરવામાં આવી છે જેમાંના કેટલાક રાવીઓના નામ આ પ્રમાણે છે.
અનસ બીન માલીક, ઝૈનબ બિન્તે હજશ,, અબી યમામહ, ઉમ્મે – સલમા, આઇશા, મઆઝ બિન જબીલ, ઇબ્ને અબ્બાસ અને હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.).
જીબ્રઇલ અને તુરબતે હુસૈન (અ.સ.)
અસ્હાબોના મજમામાં હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)નું ઇમામે હુસૈન (અ.સ.)ના મસાએબનું બયાન કરવું, અસ્હાબોનું ચીસો પાડીને (મોટા અવાજે) રડવું, ગીર્યા – વિલાપનો અવાજ બુલંદ થવો. આ બધી બાબતો અઝાદારી નથી તો બીજું શું છે? અને તુરબત (ખાકે કરબલા)ને પેશ કરવી એ ગમગીની વ્યક્ત કરવાનું માધ્યમ નથી? અને તેને એક પ્રકારની શબીહ ગણી ન શકાય? ઇમામ હુસૈન (અ.સ.)ના મસાએબને બયાન કરીને રડવું એ શ્રેષ્ઠ અમલ છે. જેની ઉપર રસૂલ (સ.અ.વ.) એ પોતે અને તમામ અસ્હાબો એ રસૂલ (સ.અ.વ.)ની હાજરીમાં જ આ અમલ કર્યો છે. જો આ કામ (કરબલાના) બનાવ બનતા પહેલા બેહતરીન (શ્રેષ્ઠ કામ) ગણાતું હોય તો, બનાવ બન્યા પછી તો તેને તેનાી પણ વધારે બહેતરીન (શ્રેષ્ઠ કામ) ગણાવવું જ જોઇએ તેમાં કોઇ બેમત નથી. જો અત્યારે રસૂલે ખુદા (સ.અ.વ.) આ દુનિયામાં હોત તો વાકએ – કરબલાથી કેટલાય ગણા વધારે ગમગીન રહેતા હોત તેમાં કોઇ શંકા નથી.
રોઝે – આશૂર રસૂલ (સ.અ.વ.)નું રૂદન
જનાબે ઉમ્મે સલમાનું બયાન છે કે : મેં રસૂલે ખુદા (સ.અ.વ.)ને આશૂરાના દિવસે ખ્વાબમાં જોયા કે તેઓ રડી રહ્યા છે. આપના માથા અને દાઢી પર ધૂળ ચોંટેલી છે. મેં આપને તેનું કારણ પુછયું. ત્યારે આપે ફરમાવ્યું. હુસૈનને કત્લ કરી નાખવામાં આવ્યા.
આ પ્રકારનું એક ખ્વાબ ઇબ્ને અબ્બાસે પણ જોયું હતું. જેમાં તેમણે જોયું કે આં હઝરત (સ.અ.વ.)ના ચેહરએ અનવર પર ધૂળ ચોંટી છે અને હાથમાં એક શીશી છે, જે લોહીથી ભરેલી છે. મેં એનું કારણ પુછયું ત્યારે આપે ફરમાવ્યું. ‘આ હુસૈન (અ.સ.) અને તેમના અસ્હાબોનું લોહી છે.’
(સવાએકે મોહર્રેકા ફેઅલ ૩, બાબ : ૭, પાના નં. ૧૧૯, પ્રકાશન વર્ષ ૧૩૦૭)
ઉપરના બનાવથી એક તો રસૂલે ખુદા (સ.અ.વ.)ની હયાત સાબિત થાય છે જ્યારે તેની સાોસા એ વાત પણ સાબિત થાય છે કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ઉપર હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતથી કેટલી અસર થઇ હતી. આ વાત જાણ્યા સમજ્યા પછી પણ જો કોઇ આશૂરાના દિવસે ખુશી મનાવે તો શું તે રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખૂશીનું કારણ બનશે? રસૂલે ખુદા (સ.અ.વ.) તો દુ:ખી થઇને ખાક ઉડાડે અને તેમનો પવિત્ર ચહેરો ધૂળથી રગદોળાએલો રહે અને તેમની મોહબ્બતના દાવેદારો (ઇમામ હુસૈન (અ.સ.)નો) ગમ મનાવનારની મજાક ઉડાવે. કદાચ તેઓ એ વાત જાણતા નથી કે એ ગમ મનાવનારાઓની આગળ આગળ રસૂલે ખુદા (સ.અ.વ.) પોતે ચાલે છે.
ઉપરની ઘટનાઓના વર્ણન પછી હવે રસૂલે ખુદા (સ.અ.વ.)એ બીજાઓ ઉપર રૂદન કર્યું હોય અથવા રડનારાઓને દોઆ આપી હોય એવા બનાવોનું વર્ણન કરવાની જરૂર જણાતી નથી. જ્યારે અઝાદારીએ હુસૈન (અ.સ.) માટે આવી સ્પષ્ટ અને નોંધનીય દલીલો મૌજુદ છે ત્યાર પછી સામાન્ય બનાવો અને દલીલોને વળગી રહેવાની ખાસ કોઇ જરૂર રહેતી નથી.
શરમજનક વલણ
કેટલાક લોકોની એવી ટેવ હોય છે કે જ્યારે તેઓ પોતાના મકસદને સાબિત કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે આમ તેમ હાથ – પગ પછાડવા લાગે છે. જ્યારે અઝાદારીના વિરોધીઓ ગમે – હુસૈન (અ.સ.)માં રડવાને બિદઅત સાબિત ની કરી શકતા તો એમ કહે છે કે: હા, ગમ તાજો હોય તો રડવામાં કશો વાંધો નથી. હવે આટલા વર્ષો પછી રડવામાં શું ફાયદો?
આ વાતના જવાબમાં એટલું કહેશું કે આ તો લાગણી અને સંવેદનશીલતાની વાત છે. કોઇના
માટે ગમ તરતજ જુનો થઇ જાય છે તો કેટલાક માટે ગમ હંમેશા તાજો રહે છે. ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ ક્યારેય જુનો નથી થતો. એટલે કે અવિસ્મરણીય છે. તેની દલીલ એ છે કે તે ગમની તાસીર અને અસર એવી છે, જે ક્યારેય પણ ભૂલી શકાય તેમ નથી. આ સિવાય આ બાબતમાં હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)નો અમલ પણ આપણા માટે પથદર્શક અને વિરોધીઓ માટે લપડાક રૂપ છે.
અબુ હુરૈરાથી રિવાયત છે કે : હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ તેમની માતાની કબ્રની ઝિયારત કરી હતી તે વખતે આપ (સ.અ.વ.) પોતે પણ રડ્યા અને આપની આજુબાજુમાં હતા તેઓને પણ રડાવ્યા હતા.
(સહીહ મુસ્લિમ, ભાગ-૪, પા.નં.૩૨૪ જે ઇરશાદુસ્સારીના હાંશિયા પર છપાએલ છે.)
કબ્રોની ઝિયારત
આઅલામુલ વરાની રિવાયત આ પ્રમાણે છે. રસૂલે ખુદા (સ.અ.વ.) એક કબ્રના નિશાન પાસે પહોંચ્યા અને ત્યાં બેસી ગયા. જે લોકો આપ (સ.અ.વ.)ની સાથે હતા તેઓ પણ બેસી ગયા. રસૂલે ખુદા (સ.અ.વ.) જાણે કે કોઇની સાથે વાતચીત કરી રહ્યા હોય તે રીતે પોતાનું માથું હલાવતા હતાં. ત્યાર પછી આં હઝરત (સ.અ.વ.) રડવા લાગ્યા. લોકોએ આ રૂદનનું કારણ પુછયું. આપે ફરમાવ્યું આ (મારી વાલેદા) આમેના બિન્તે વહબની કબ્ર છે. જેણે ખુદા પાસે ઝિયારતની રજા માંગી અને ખુદાએ તેને રજા આપી દીધી. મને રડવું આવી ગયું તેથી હું રડવા લાગ્યો. રાવી (ઇતિહાસકાર)નું બયાન છે કે આ પહેલા અમે ક્યારેય રસૂલે ખુદા (સ.અ.વ.)ને આટલા લાંબા સમય સુધી રડતા જોયા ન હતા.
માતાની કબ્ર
જ્યારે રસૂલ (સ.અ.વ.)ની વય છ વર્ષની હતી ત્યારે જનાબે આમેના બિન્તે વહબનો ઇન્તકાલ થઇ ગયો હતો. આપ (સ.અ.વ.)એ ૪૦ વર્ષની વયે રિસલાતની જાહેરાત કરી. આપ (સ.અ.વ.) ૧૩ વર્ષ મક્કામાં રહ્યા અને ત્યાર પછી મદીનામાં તશરીફ લાવ્યા. લગભગ ૫૦ થી ૫૫ વર્ષ પછી આં હઝરત (સ.અ.વ.)એ પોતાની માતાની કબ્રની ઝિયારત કરી અને તે વખતે રૂદન કર્યું. આનો અર્થ એ થયો કે રડવા માટે ગમ તાજો હોય તે જરૂરી નથી. ગમગીન બનાવની અસર દિલ ઉપર ઉંડી થઇ હશે તો તે જ્યારે પણ યાદ આવશે ત્યારે કુદરતી રીતે અશ્રુ વહેવા લાગશે. આની સાથોસાથ આ વાકેઆથી બીજી એક વાત પણ સ્પષ્ટ થાય છે કે મુર્દા સાથે વાતચીત પણ થઇ શકે છે….. કારણકે અસ્હાબોનું બયાન છે કે તેઓએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને કોઇની સાથે વાતચીત કરતી વખતે જે રીતે મસ્તક હલાવવામાં આવે છે, તેમ આપ (સ.અ.વ.)ને તેઓનું મસ્તક હલાવતા જોયા અને એ વાત પણ સાબિત ઇ જાય છે કે કબ્રોની ઝિયારત કરવી એ સુન્નતે પયગમ્બર (સ.અ.વ.) છે. પયગમ્બર (સ.અ.વ.) કબ્રની ઝિયારત માટે ખાસ તશ્રીફ લઇ ગયા હતા. તે અમલ દર્શાવે છે કે કબ્રોની ઝિયારત માટે પ્રવાસ કરી શકાય છે. આ કામને બિદઅત અથવા શીર્ક કહેવું એ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નો ખુલ્લો વિરોધ કરવા સમાન છે.
જ્યારે અઝીઝોની જુદાઇ પર રડવું અને વિલાપ કરવો ખાસ કરીને સૈયદુશ્શોહદા ઇમામ હુસૈન (અ.સ.)ની મુસીબતોનો ઉલ્લેખ કરીને રડવું એ વિશેષ ઇસ્લામી કાર્ય છે. આ માટે કુરઆનની આયતો, રસૂલ (સ.અ.વ.)ની હદીસો, આં હઝરત (સ.અ.વ.)નો અમલ અને અસ્હાબોનું સમર્થન સ્પષ્ટ દલીલરૂપ છે. આ બધી ખુલ્લી સાબિતિઓ હોવા છતાં ગીર્યા-રૂદનનો વિરોધ શા માટે કરવામાં આવે છે? આનું મૂળ ક્યાં છે?
રૂદનનો વિરોધ
કિતાબોમાં એવા બનાવો જોવા મળે છે જેનાથી જણાય છે કે ‘કેટલાક લોકોને’ રૂદન પસંદ ન હતું. જ્યારે પણ કોઇના રૂદનનો અવાજ સાંભળવા મળતો કે તુરતજ અવાજ બંધ કરાવી દેવામાં આવતો અને જો કોઇ તેની મનાઇ થયા પછી પણ રડવાનું બંધ ન કરતું તો તેને કોરડા મારવાની સજા કરવામાં આવતી.
‘જ્યારે પહેલા ખલીફાનો ઇન્તેકાલ થયો ત્યારે તેમની વ્હાલી પુત્રી હ. આઇશાએ તેમની પાછળ મોટા અવાજે વિલાપ કરવાનું શરૂ કર્યું. તેવામાં હ. ઉમર બિન ખત્તાબ આવ્યા અને દરવાજા ઉપર ઉભા રહીને તેમણે હ. અબુ બકર ઉપર રડવાની મનાઇ ફરમાવી. ઔરતોએ તેમની આ વાત માનવાનો ઇન્કાર કર્યો. ત્યારે હ. ઉમર બિન ખત્તાબે હિશ્શામ બિન વલીદને કહ્યું કે, અંદર જાવ અને અબુ કહાફાની દિકરી અને હ. અબુ બકરની બહેનને બોલાવી લાવો. જ્યારે હ. આઇશાએ હ. ઉમરની વાત સાંભળી ત્યારે હિશામ બિન વલીદને કહ્યું કે મારા ઘરમાં આવવાની (તમને) ઇજાઝત નથી. તે વખતે હ. ઉમરે હિશામને કહ્યું કે : જાવ હું તમને રજા આપું છું. હિશામ અંદર ગયા અને હ. અબુ બકરની બહેન ‘ઉમ્મે ફરવાહ’ને બોલાવીને લાવ્યાં. તે પછી ફરવાહને કેટલાય કોરડા ફટકારવામાં આવ્યાં. જ્યારે ઔરતોએ કોરડા ફટકારવાનો અવાજ સાંભળ્યો ત્યારે તે બધી વિખરાઇ ગઇ.’
(તબરી, ભાગ – ૪, પાના નં. ૪૯, હવાદીસ – સાલ – ૧૩)
દુર્રહે – ફારૂકી
પોતાના પિતા અને ભાઇની મૌત પર રડવું કેટલું ખરાબ અને હરામ કાર્ય હતું. જેના કારણે આટલી સખ્તાઇ કરવામાં આવી અને ઘરના માલિકે ઘરમાં પ્રવેશવાની મનાઇ કરી હોવા છતાં ઘરમાં ઘુસી ગયા.
જ્યારે કે કુરઆનમાં ઇર્શાદે ઇલાહી છે કે :
“પણ જો તમને જણાય કે તે (ઘર)માં કોઇ નથી તો (પણ) જ્યાં સુધી તમને રજા ન મળે તેમાં હરગીઝ જાઓ નહિં, અને અગર તમને (એમ) કહેવામાં આવે કે પાછા ચાલ્યા જાઓ તો (તરતજ) પાછા જાઓ એજ તમારા માટે વધારે પાકીઝગીનું કારણ છે; અને તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે.
(સુરએ નૂર : ૨૮)
ફારૂકનું રૂદન
જ્યારે ખાલીદ બિન વલીદનો ઇન્તેકાલ થયો તે વખતે તેમની સાથે બીજા ખલીફાના સંબંધ સારા ન હતા. એટલું જ નહીં, સંબંધો કપાએલા હતા. તે વખતે ઔરતોએ ખલીફાના ડરથી ખાલીદ પર રૂદન કર્યું નહીં. જ્યારે હ. ઉમર બિન ખત્તાબને આ સમાચાર મળ્યા ત્યારે તેણે કહ્યું કે બની મુગૈરહની ઔરતો રૂદન શા માટે કરતી નથી? તેમણે તેમના આંસુઓ શા માટે રોકી રાખ્યા છે? હા, મોટે અવાજે ન રડે અને માથા પર ખાક (માટી) ન નાખે.
(સહીહ બુખારી ઇરશાદુસ્સારી ભાગ – ૨, પાના નં. ૩૮૮, ઇસ્તીઆબ હાલાતે ખાલીદ બિન વલીદ – ઇબ્ને હજરે અસ્કલાની, ઇસાબા હાલાતે – ખાલીદ ઉકદુલ ફરીદ – ૨)
એક જગ્યાએ ઔરતો રડી રહી છે તો તેમની ઉપર કોરડાઓ વીંઝવામાં આવે છે અને બીજી બાજુ ઔરતોને રડવા માટે રજા આપવામાં આવી રહી છે. જો રડવું હરામ હોય તો રજા શા માટે આપવામાં આવે છે? અને જો રડવું જાએઝ હોય તો તેની મનાઇ શા માટે કરવામાં આવી હતી? શું કોઇ ઇન્સાનને ખુદાના દીનમાં પોતાની મરજી મુજબ હરામ અને હલાલમાં ફેરફાર કરવાની પરવાનગી છે ખરી?
આ ઘટના ધ્યાન આકર્ષે તેવી છે. જ્યારે યમામહમાં હ.ઉમર બિન ખત્તાબના ભાઇ ઝૈદ બિન ખત્તાબને કત્લ કરવામાં આવ્યો ત્યારે ઇસ્તીયાબ અને ઇસાબાહના મુજબ તેના ઉપર હ. ઉમરને ખુબજ રંજ, સંતાપ, ગમ અને અફસોસ થયો. વાત આટલેથીજ અટકતી નથી. પરંતુ ઇબ્ને જાબિરની રિવાયત મુજબ હ. ઉમર બિન ખત્તાબે તેમને કહ્યું: ‘જ્યારે પણ પરોઢિયાની હવા લહેરાય છે ત્યારે (મને) ઝૈદની ખુશ્બુ આવે છે.’ અને જ્યારે બની અદી બિન કઅબના કબીલાનો એ માણસ પાછો આવ્યો જે ઝૈદ બિન ખત્તાબનો સાથી હતો તો તેને જોતાની સાથે જ હ. ઉમરની આંખોમાં આંસુ આવી ગયા અને તેને કહ્યું :
ઝૈદને ત્યાં દફન કરીને મારી પાસે આવ્યા છો.
નોઅમાન બિન મુકર્રીનના જીવન ચરિત્રના વર્ણનમાં આ બનાવનો ઉલ્લેખ છે. ‘જ્યારે નહાવન્દના વિજયમાં નોઅમાન કત્લ થઇ ગયા અને તેની મૌતની ખબર હ. ઉમર બિન ખત્તાબને મળી ત્યારે તેણે લોકોની વચ્ચે આવીને લોકોને આ ખબર સંભળાવી અને પોતાના માથા ઉપર હાથ રાખીને રડવા લાગ્યા. જેનાથી વાત સમજાય છે કે તેને આ સદમાની કેટલી ઘેરી અસર પડી હતી.’
(ઇસ્તીઆબ ઔર ઇસાબહ હાલાતે – ઝૈદ બિન ખત્તાબ)
ઉપરના વર્ણનથી એ સમજાય છે કે જ્યારે દિલ પર ચોટ લાગે છે ત્યારે આંસુ નિકળી જ પડે છે. અલબત્ત આ વાતને જે તે વ્યક્તિના હૃદયની વિશાળતા અને સંવેદનશીલતા પર આધારીત છે, કોઇ માણસને બીજાની મુસીબતની અસર થાય છે અને તેના દર્દો ગમનો તે અનુભવ કરે છે અને કોઇ માત્ર પોતાના ગમને જ ગમ સમજે છે.
અસરકાર વિરોધ
મજાની વાત છે કે હ. ઉમરની આ પ્રણાલિકા હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ના જમાનાથી જ પ્રચલિત બની હતી. તે જમાનામાં પણ લોકોને રડવાથી રોકવામાં આવતા હતા. પરંતુ હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ રડવાની મનાઇ કરવાથી હંમેશા તેમને રોક્યા હતા.
અબુ હુરૈરાની રિવાયત છે કે રસૂલે ખુદા (સ.અ.વ.)ની સામેથી એક જનાઝો પસાર થયો, જેની સાથે જનારા લોકો રડી રહ્યા હતા. હ. ઉમરે તે રડનારાઓને રડવાની મનાઇ કરી. રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું. રડતા રોકો નહીં. કેમકે તેઓનું દિલ મુસીબતઝદા છે, આંખો અશ્રુભરી છે અને ગમ તાજો છે.
(મુસ્નદે એહમદ બિન હમ્બલ, ભાગ – ૨, પાના નં. ૨૩૩)
આ પ્રકારનો બીજો બનાવ બન્યો જ્યારે અન્સારની ઔરતો તેના પતિ પાછળ રૂદન કરી રહી હતી. તે વખતે હ. ઉમરે તેમને રડવાની મનાઇ કરી ત્યારે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) એ હ. ઉમરને તેમ કરતા રોક્યા.
કિતાબોમાં આ પ્રકારના અનેક બનાવ જોવા મળે છે. આ સંદર્ભમાં સોનને ઇબ્ને માજા ભાગ – ૧, પાના નં. ૨૪૭ અને સોનને નેસાઇ ભાગ પહેલો, પાના નં. ૨૬૩નો અભ્યાસ કરી શકાય છે.
ઉપરની ઘટનાઓથી એ વાત જાણવા મળે છે કે હ. ઉમરને બીજાઓના રડવા પ્રત્યે ખાસ નફરત હતી. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ તેમને આ કામ કરવાની મનાઇ કરી હોવા છતાં તેમની આ ટેવ ગઇ ન હતી. આજ કારણથી તેમણે પોતાની ખિલાફતના જમાનામાં હ. અબુ બકરની બહેન ઉમ્મે ફરવાહ અને તેની પુત્રી હ. આઇશાને રડવા દીધા ન હતાં અને રૂદન કરતા તેમને કોરડા ફટકાર્યા હતા.
કોની તાબેદારી?
અહીં માત્ર એક પ્રશ્ર્ન રજુ કરીને આગળ વધી જશું અને તે પ્રશ્ર્ન એ છે કે દીને ઇસ્લામમાં પૈરવી કરવા માટે સૌથી વધારે હકદાર કોણ છે? કોણે હલાલ કરેલી બાબતો હલાલ અને કોણે હરામ કરેલી બાબતો હરામ છે? અને કુરઆને કરીમે કોની પૈરવી કરવાનો હુકમ આપ્યો છે? હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની કે હ. ઉમરની? જે લોકો કુરઆનની આયતોની રોશનીમાં હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની સિરતને હલાલ અને હરામનો માપદંડ માને છે, તેઓજ ગીર્યા-રૂદન કરે છે. અઝીઝોના મૌત પર અશ્રુ વહાવે છે અને જે લોકો હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) કરતા બીજા કોઇને (વધારે અનુકરણીય) માને છે તે રૂદન ઉપર પ્રતિબંધ મૂકે છે અને તેને બિદઅત માને છે.
(ફઅતબેરૂ યા ઉલીલ અબ્સાર)
મજલીસે – સૈયદુશ્શોહદા (અ.સ.)
અઝાએ સૈયદુશ્શોહદા મરસીયા રૂપે અથવા હાલમાં થતી આપણી મજલીસોના રૂપમાં થાય છે. મજલીસોમાં સૌ પ્રથમ પરવરદિગારની હમ્દો-સના, ત્યાર પછી મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.) પર દુરૂદ અને તેમના દુશ્મનો પર લઅનત (ધિક્કાર, ફીટકાર). તે પછી કુરઆનની કોઇ આયત, હદીસ અથવા કોઇ ઐતિહાસિક બનાવનું વિવરણ અને તેમાંથી નિકળતો સારાંશ અને બોધપાઠનો ઉલ્લેખ અને અંતમાં મસાએબનું બયાન થાય છે.
હવે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે આમાં કઇ બાબત હરામ અને બિદઅત છે? પરવરદિગારની હમ્દો – સના (અલ્લાહની – સ્તુતી)? કુરઆને શરીફનો આરંભ જ અલ્લાહની હમ્દો-સનાથી થાય છે ‘અલહમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન.’ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.) ઉપર દુરૂદ અને સલામ? તો ખુદાવંદે આલમે પોતેજ કુરઆનમાં તેનો હુકમ આપ્યો છે:
“ઇન્નલ્લાહ વ મલાએકતહુ યોસલ્લુન અલનનબી યા અય્યોહલ લઝીન આમનુ સલ્લુ અલય્હે વ સલ્લેમુ તસ્લીમા.
તા નમાઝમાં રસૂલ (સ.અ.વ.) ઉપર સલામ મોકલવામાં આવે છે અને તેમની આલ ઉપર દુરૂદો સલામ મોકલવામાં આવે છે. પછી દુશ્મનો પર લઅનત? કુરઆને કરીમે ડગલે ને પગલે, અવાર નવાર સતત ઝાલિમો જાબિર, કાફીરો અને મુનાફીક ઉપર લઅનત મોકલી છે. મજલીસોમાં કોઇનું ખાસ વિશેષ નામ લઇને લઅનત કરવામાં આવતી નથી. પરંતુ તેની સિફત (લક્ષણો)નો ઉલ્લેખ કરીને લઅનત કરવામાં આવે છે. તેથી આ લક્ષણો જેનામાં હશે તે લઅનતને પાત્ર બનશે.
તફસીરે કુરઆન અને હદીસ
શું કુરઆનની આયતોની સ્પષ્ટતા (વિવરણ) કરવી એ ગુનો છે? અને જો ગુનો હોય તો એ તમામ તફસીરો અને તેના મહાન, વિદ્વાન તફસીરકર્તાનું શું થશે? તેના વિશે શું અભિપ્રાય છે? શું હદીસો બયાન કરવી પણ ગુનો છે? જો એમ હોય તો હદીસોની તમામ કિતાબો ખાસ કરીને ‘સિહાહે – સિત્તા’ તેના અર્થઘટનની કિતાબો, તેના સંપાદકો, હદીસવેત્તાઓનો હશ્ર શું હશે? શું ઐતિહાસિક બનાવોનું વર્ણન કરવું ગુનો છે? કુરઆનમાં ઠેકઠેકાણે ઐતિહાસિક બનાવો આપવામાં આવ્યા છે અને વિતી ગયેલા જમાનાનો ઇતિહાસ વાંચવાની ભારપૂર્વક ભલામણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇતિહાસકારોમાં ઉચ્ચ દરજ્જાના આલીમો જોવા મળે છે. તેઓનો અંત શું થશે? હવે છેલ્લે વાત રહી મસાએબની તો આપણે આગળ જોઇ ગયા તેમ રસૂલે ખુદા (સ.અ.વ.) પોતે પણ ઇમામ હુસૈન (અ.સ.)ના મસાએબનું વર્ણન કરતા હતા. આ વર્ણન કરીને પોતે પણ રડતા હતા અને બીજાઓને પણ રડાવતા હતા. હવે બતાવો કે મજલીસની કઇ બાબત ‘બિઅદત’ છે? બિદઅતનો પોકાર કરનારા કેટલાક લોકો ઇમામ હુસૈન (અ.સ.) પર ઝુલ્મો સિતમ કરનારાના વંશજ માંથી આવ્યા હોય એવું તો નથીને?
મરસીયા – અસ્હાબોની પ્રણાલિકા
બીજી એક વાત મરસીયાની છે. મરનાર પાછળ મરસીયા પઢવાનો અરબ લોકોને પૂરાણો રિવાજ છે. રસૂલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી હિસાન બિન સાબિતે મરસીયો કહ્યો હતો. એક મરસીયાના શબ્દો આ પ્રમાણે છે.
‘મા બાલ અયનલ લા તનામ કઅન્નમા
કહલત મા તયહા બે કોહલીલ અરમદ’
આ પ્રકારના ઘણા મરસીયાઓ કિતાબોમાં મૌજુદ છે.
(ઇકનાઉલ અઇમ, ૧૨૪/૧૨૫)
આ સિવાય જનાબે ફાતેમા ઝેહરા (સ.અ.) એ રસૂલે ખુદા (સ.અ.વ.)ના ઇન્તેકાલ પછી મરસીયો કહ્યો હતો. જે તમામ નાના મોટા લોકોના મુખે છે.
‘સુબ્બત અલય્ય મસાએબુન લવ અન્નહા.
સુબ્બત અલલ અય્યામે સિરન લેયા લેયા.’
અરબી સાહિત્ય આ પ્રકારના મરસિયાઓથી ભર્યું પડ્યું છે. આખરે આ વાતનું રહસ્ય શું છે કે બધા માટે મરસીયા કહેવા પઢવા અને સાંભળવા જાએઝ છે. પ્રતિબંધ હોય તો ફક્ત હુસૈન બિન અલી (અ.સ.)ના મરસીયા ઉપર છે?
ટૂંકમાં એવી કોઇ સચોટ દલીલ મળતી નથી જેના આધારે હઝરત હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની અઝાદારી અને તેમની મજલીસે અઝાને બિદઅત કહી શકાય.
અત્યાર સુધીની સમગ્ર ચર્ચાનો આધાર એહલે સુન્નતની કિતાબો અને તેમના ઓલમાઓના વિધાનો હતા. અગર આપણે જાણવું હોય કે મઝહબે ફીકહે શીઆ ઇસ્નાઅશરીના અઇમ્મએ – માઅસુમીન (અ.મુ.સ.)એ અઝાદારી – એ – સૈયદુશ્શોહદા (અ.સ.) વિશે શું બયાન કર્યું છે. તો તે સંદર્ભમાં અલ-મુન્તઝરનો મોહર્રમ વિશેષાંક હિજરી સન ૧૪૧૪માં શિર્ષક ‘અઝાદારીનો સવાબ’ લેખ વાંચવા વિનંતી છે.

પુસ્તકનું નામ : ઇસ્લામ અને અઝાદારી

સંકલન અને પ્રકાશન : એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)

પ્રકાશનનું વર્ષ : ફેબ્રુઆરી – ૨૦૦૯

એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
પો. ઓ. બોક્સ નં. ૧૯૮૨૨,
મુંબઇઃ ૪૦૦ ૦૫૦

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.