ઇમામ(અ.સ.)ના કલામ અને ખામોશીની અસરો અને બરકતો

Print Friendly, PDF & Email

ખામોશી-અર્થ અને અર્થઘટન:

ખાલીકે અકબરે તેની સૌથી શ્રેષ્ઠ મખ્લુક એટલે કે માનવજાતને સાંભળીને ખામોશ રહેવાની અને સાંભળીને બોલવાની બંને સલાહીયત આપી છે. ઇન્સાનને એ કુદરત અતા કરી છે કે જ્યારે તે બોલવાનો ઇરાદો કરે તો બોલે છે અને એજ રીતે જ્યારે ચાહે ત્યારે ખામોશી અપનાવે છે. ઇન્સાન એક સામાજીક પ્રાણી છે. તેની અઝમત અને બુઝુર્ગી તેની વાત અને અમલની બુનિયાદ ઉપર છે. આથી ઇન્સાનની વ્યક્તિગત અને સામાજીક જીંદગીમાં તેના તમામ કાર્યોને તરતીબવાર સીધા રસ્તા પર ન્યાયપૂર્વક રાખવા માટે હિદાયતને બંને તરફથી સ્થાપિત કરી, જેથી કયામતના દિવસે તે આ ફરીયાદ ન કરી શકે કે મને એવી કોઇ હિદાયત નથી મળી, જેના લીધે હું મારી જાતને આખેરતમાં કામિયાબીને લાયક બનાવી શકું. આથી ખાલિકે પોતાની મખ્લૂકને કિતાબ અને મીઝાન (અઇમ્મએ મઅસૂમીન(અ.સ.) સાચા હાદીઓ) એક ખામોશ અને એક બોલતુ બંનેની રહેબરીથી નવાઝ્યા અને ફરમાવ્યું

‘લકદ્ અર્સલ્ના રોસોલના બિલ્ બય્યેનાતે વ અન્ઝલ્ના મઅ્હોમુલ્ કિતાબ વલ્ મીઝાનલે યકૂમન્નાસો બિલ્ કિસ્તે’

બેશક! અમે રસૂલોને મોકલ્યા સ્પષ્ટ નીશાનીઓની સાથે અને તેની સાથે કિતાબ અને મીઝાન પણ કે જેથી લોકો અમન અને સલામતીની સાથે જીંદગી પસાર કરે.

આ મશીયતે ઇલાહીને રજુ કરતી કિતાબ જે આયતો  એટલે કે કલામે  ઇલાહીની સચ્ચાઇ ધરાવે છે, કે જેમાં 114 સુરાઓ શામિલ છે. આ આયતોમાં નાસિખ, મન્સુખ, મોતશાબેહ અને મોહકમ આયતોની અલગ અલગ યાદી છે. આ કિતાબે મોબીન એવું સંક્ષિપ્તમાં છે કે જેનું વિગતવાર વર્ણન શક્ય નથી, પરંતુ ઇન્સાનની અકલ મુજબ સમજવું એક હદ સુધી શક્ય છે. આથી તફસીરે કુરઆન પર અકલને રોશની દેવા માટે મીઝાન જરૂરી છે, જે ઇન્સાનને સિરાતે મુસ્તકીમ એટલે શરીઅતના કાનુનના પાબંદ રાખી શકે. સાચા હાદીઓ એજ હોઇ શકે છે, કે જેની અંદર આ બંને સિફતો એવી રીતે મળી આવે કે તેમની ખામોશી અથવા ચુપ રહેવું પણ એજ રીતે હિદાયતનું કામ કરે છે, જે રીતે તેમનું બોલવું. ખાલિકે અકબરે હઝરત આદમ(અ.સ.)થી લઇને ખાતેમુલ અંબીયા(સ.અ.વ.) સુધી આ રવીશ ઉપર ચાલવાની કુવ્વત, સલાહીયત અને કુદરત અતા ફરમાવી છે. દા.ત. જનાબે અય્યુબ(અ.સ.)નું સબ્ર અને જનાબે યઅકુબ(અ.સ.)નું રડવું, આ જ અંદાજમાં હિદાયત પર કાયમ રહ્યા અને જ્યારે બોલવાનો મોકો આવ્યો તો ઝબાને મુબારકથી કામ લીધુ.

આજ અને આવતી કાલથી પસાર થતા તે ઝમાનો યાદ કરી લઇએ જ્યારે મુરસલે આઝમ(સ.અ.વ.) એ બેઅસતનું એલાન કર્યુ અને પછી હિદાયતના તબક્કાઓમાંથી પસાર થવા લાગ્યા. 12 થી 13 વર્ષ મક્કામાં રિસાલતનો સિલસિલો અર્શથી ફર્શ સુધી કાયમ હતો. હઝરત અલી(અ.સ.) દરેક પગલે અને ક્ષણે દરેક સ્થળે હુઝુરે સરવરે કાએનાત(સ.અ.વ.)ની સાથે સાથે દરેક મુસીબત અને વિરોધોનો સામનો કરી રહ્યા હતા, તે લોકો ઇસ્લામના રસ્તા પર ચાલી નીક‏‎ળ્યા હતા. ખામોશીની સાથે એક જગ્યાએ ભેગા થઇ જતા, કુર્આનની આયતો નાઝિલ થતી તો દરેક મુતવજ્જેહ અને તૈયાર રહેતા કે મક્કાના કુરૈશો ક્યારે અને કેવી રીતે મુસીબત ઉભી કરી દેશે, તેનો મુકાબલો સબ્ર અને અડગતા અને સાબિત કદમી સાથે કરવાનો છે.

આ બાજુ પુરા મક્કા શહેરમાં હલચલ હતી, બગાવત હતી, શોર બકોર હતો, ઝુલ્મો સિતમનું બજાર ગરમ હતું. બિલાલની છાતી પર ગરમા-ગરમ એક મોટો પત્થર રાખીને તકલીફ આપવામાં આવી, પરંતુ અહદ-અહદ સિવાય બીજી કોઇ અવાજ ન હતી. ઇતિહાસ સાક્ષી છે, જે કહી રહ્યો છે.

રાહ જીન મરાહિલ પે મોહમ્મદ સે બશર ચલતે હૈ,

ઉનપે  ચલતે  હુવે  જીબ્રઇલ  કે  પર  જલતે  હૈ.

મક્કાના કુરૈશ પોતાના કાવતરાને અમલી સ્વરૂપ આપી રહ્યા હતા કે રસુલ(સ.અ.વ.)ની હિજરૂરતનો સમય આવી ગયો, જાણે કે એ પર્દા પાછળ રિસાલતનું કામ સુકૂન અને ઇત્મીનાનથી અંજામ થઇ રહ્યું હતું, નહિતર આટલા બધા ઇત્મીનાન સાથે અલી(અ.સ.) જીંદગીભરની તમામ રાત્રીઓમાં કોઇ એવી રાત ન હતી કે આટલી બધી ગાઢ ઉંઘ સુતા હોય. સાચુ છે . . . .

સરે બિસ્તર હો તો યે હક કા વલી હોતા હય,

કરબલા હો તો હુસૈન ઇબ્ને અલી હોતા હય.

આજ એ સાચી વાત છે, જેને ઇલ્મ કહેવાય છે, અને જે અંબીયા(અ.મુ.સ.) અને અવલીયા(અ.મુ.સ.)ને કુદરતના તરફથી અતા હોય છે.

મક્કાથી મદીના તરફ હિજરૂરત થઇ અબુ અય્યુબ અન્સારીના દરવાજાને ફઝીલત નસીબ થઇ. હુઝુરનો ઉંટ ખુબજ શાનો-શૌકતથી ત્યાં જઇને બેસી ગયો. ઇલાહી સંદેશાઓ પહોંચાડવાના સિલસિલા શરૂ થયા. મસ્જીદે નબવીનું બાંધકામ શરૂ થયું. યહુદી અને મક્કાના બુતપરસ્ત કુરૈશ ચૂપ રહેવાવાળા થોડા હતા?! ગઝવાતની શરૂઆત થઇ. લગભગ 80 વખત મોટી જંગો થઇ અને દરેક જંગ અલી(અ.સ.)ના હાથો પર ફતેહ અને જીતની સાથે ખત્મ થઇ.

આ દસ અથવા અગિયાર વરસ મદીનામાં રસુલે અકરમ(અ.સ.)એ ઇલાહી રિસાલતની જવાબદારીઓ અંજામ આપી. જેમાં એટલી બધી જંગો, કુર્આનની આયતો નાઝિલ થઇ, આપ(અ.સ.)ની સિરતમાં અમલ, ખામોશી અને લખાણ પર આધારિત એક ઇસ્લામી તહેઝીબના તમામ કાર્યો અંજામ અપાયા અને ઇસ્લામી તહેઝીબના બંધારણ પર એલાને ગદીરના દિવસે ‘અતમમ્તો વ અસ્લમ્તો’ની મહોર લાગી. ત્યાં સુધી કે હવે જરૂરત હતી આ રિસાલતની સંપૂર્ણતા અને દીનની સંપૂર્ણતા અને દીનની એ રીતે હિફાઝત કરવી કે  તેનો અંદાઝ, તેની રીતભાત, તે પ્રમાણે જીંદગીની રવીશ એટલે કે ઇકરારને એવી રીતે સંવારવામાં આવે કે તેમાં કોઇ ગુંચવણ અથવા રાજનીતિની કોઇ રજ પણ ન પડે, એટલા માટે મૃત્યુના સમયે મુરસલે અઅ્ઝમ (સ.અ.વ.) એ અલ્લાહની વહીની ઝબાનમાં આ કલેમાત જારી કયર્િ કે મને કલમ અને કાગળ આપવામાં આવે, જેથી હું તે લખાણ લખી આપુ કે જેનાથી તમે લોકો ગુમરાહીથી બચી જાઓ. ઇતિહાસ બતાવે છે કે વિરોધીઓના મોટા ટોળામાંથી એક શોર બલંદ થયો, અને તેમાંથી એક માણસે અવાજ બલંદ કર્યો, કે તેમને કાગળ અને કલમ ન આપવામાં આવે, નહિંતર તે અલી(અ.સ.)ની ખિલાફતના બારામાં લખાણ લખી દેશે.

બની હાશિમની અવાજ અને તેમની હિમાયત આ બારામાં કામ ન આવી અને ખામોશી ઇખ્તેયાર કરવી પડી. પરંતુ શું ખામોશીનો કલામ વિશ્ર્વવ્યાપી ન ઉઠ્યો કે મુરસલે અઅઝમ સ.અ.વ. એ પોતાની જીંદગીમાં ફેંસલો કરી દીધો. તેની વધારે તસ્દીક તે સમયે થઇ, જ્યારે જનાબે ઝહરા(સ.અ.)એ અલી(અ.સ.)ને ફરમાવ્યું: અય અબુલ હસન! આખરે આપે શા માટે ખામોશી ઇખ્તેયાર કરી? જેના જવાબમાં મૌલાએ ઇરશાદ ફરમાવ્યો: બીબી! હું આપના પિતાની વસીય્યત ઉપર કાએમ છું, કે આપ (સ.અ.વ.)એ તેમના અંતિમ સમયમાં મને કરી હતી, અને કહ્યું કે, અય અલી! જ્યારે આ કૌમ દુનિયા તરફ પલ્ટી જાય, તો તમે દીનની હિફાઝત કરજો. આ હતી મંઝીલ કે જેના લીધે ખામોશીની મંઝીલ ઉપર વારિદ થયા.

ટુંકમાં સારાંશ એ કે વાંચકોને દાવતે ફિક્ર આપી રહ્યા છીએ કે, તેઓ ફેંસલો કરે કે અક્લ અને ડહાપણથી કે શું આજ રસ્તો, આજ સ્વભાવ અને આજ રીતભાત, આજ સંસ્કૃતિને નબી(સ.અ.વ.) પછી અલીએ મુરતઝા (અ.સ.), પછી ઇમામ હસન(અ.સ.)ની સુલેહ અને પછી ઇમામ હુસૈન(અ.સ.)એ બાકી નથી રાખી? અને જ્યારે યઝીદનો સમય આવ્યો તો ફરી તે જ શોર અને મકરો ફરેબ, તે જ આવેલ સમયનો ગેરફાયદો ઉપાડવો, તે જ બદઅમલી, ઇકરારે ઇસ્લામીનો અહદ પૂરી તાકત અને કુવ્વતની સાથે સામે આવી ગયો. ઇમામ હુસૈન (અ.સ.)થી યઝીદ મલઉન જેવો ફાસિક અને ફાજીર પોતાની હુકુમતના ઘમંડમાં બયઅત તલબ કરે. બયઅતનો ઇન્કાર એ સર્વવ્યાપી હકીકતને દશર્વિી રહી હતી અથવા તે ઝબાનથી કલામ મકસદે ઇલાહી બલંદ થઇ રહ્યો હતો. જે તે કાફલાના રસ્તામાં ઉંચી અવાજ (બાંગે દરા)ની હૈસીયત રાખતી હતી. જે હક પરસ્તોનો એક કાફેલો એટલી મુદ્દતમાં ખામોશીની સાથે પોતાના કદ્રોની હિફાઝતમાં ચાલી રહ્યો હતો.

સર  દાદ  ન  દાદ દસ્ત દર દસ્તે યઝીદ

હક્કાકે બિનાએ લા એલાહ હસ્ત હુસૈન

જેવી રીતે ઇસ્લામના અગાવના સમયમાં અંબીયા (અ.મુ.સ.)નું આવવું, જ્યાં જ્યાં, જયારે જ્યારે હુકુમત, તાકત, તેમની ઉંચી અવાજ એટલે કે અંબીયા(અ.મુ.સ.) ની તબ્લીગી અવાજને દબાવવા માટે જબરદસ્ત મોટા લશ્કરની સાથે આવી ગઇ હતી, તેજ રીતે ઇમામ હુસૈન(અ.સ.)ના હિજરૂરતના સમય સુધી તમામ ફરેબ દેવાવાળાના નવા નવા સમૂહો પણ તેજ રીતે આવી ગયા હતા કે જાણે ઇસ્લામ તેમના માટે એક મદારીની ઢીંગલી બની ગયો હતો. પરંતુ બેખબર, પોતાની તાકાત મુજબ, પોતાની સોચને થોડું અજવાળુ આપી શકતા હતા, તે ઇરફાન, હુકુમતે ઇલાહીયા, વહીનું આવવું જવું, આસ્માની ઇલ્હામનો સિલસિલો અને ઇલાહી કુદરતના સામે ક્યાં સુધી ટકી શકે તેમ હતા? અને કેટલો સમય પોતાના પગ પર ઉભા રહી શકતા હતા?

અમે તે સમયની તે નિશાનીઓ અને બરકતોની રૌશનીના પ્રકાશની એક કિરણની ઝલક જેટલી ક્ષમતાની હદ સુધી કલમ રાખવા ઇચ્છીએ છીએ, જેનો સંબંધ ઇમામ ઝયનુલ આબેદીન અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.)ની સીરત સાથે છે. 28 રજબનો સુરજ નીકળી ચુક્યો છે, સુરજની રોશની શહેરના બજારો પર ઉતરી ચુકી છે. ઇમામ હુસૈન(અ.સ.) પોતાના કાફલાની સાથે નાનાના મદીનાથી હિજરૂરત કરતા શહેરની હદોથી બહારની તરફ આગળ વધી રહ્યા છે. ઇમામ સજ્જાદ(અ.સ.)અને આપના ફરઝંદ એટલે કે ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.) જેઓ બહુજ નાની ઉમ્રના હતા, સાથે સાથે હતા. કાફેલો મક્કામાં દાખલ થયો. હકને શોધનારાઓ ઇબ્ને ઝુબૈરના દાયરાને છોડીને ઇમામ હુસૈન(અ.સ.)ની આસપાસ જમા થવા લાગ્યા. હકની રોશની ધોકો આપનારાઓના પડછાયાઓને નાબુદ કરી રહી હતી. આ મક્કાના રોકાણ દરમિયાન ઇમામ હુસૈન (અ.સ.)ની પાસે કુફાવાસીઓના પત્રો આવી રહ્યા હતા. આ તરફ મોહમ્મદે હનફીયા, અબ્દુલ્લા બિન જઅ્ફર ભલામણ કરી રહ્યા હતા કે ભાઇ ઇરાક તરફની સફર છોડી મદીના પરત આવી જાઓ. ઇમામ હુસૈન(અ.સ.)એ સહુને આશ્વાસન આપતો જવાબ આપ્યો, પોતાની સફર ચાલુ રાખી. મક્કાથી કરબલાની મંઝીલ સુધી ઇમામ હુસૈન(અ.સ.)ની હિકમત ઉપર હઝરત આબિદ(અ.સ.)એ કયારેય અને કોઇ પણ સમયે સવાલ કર્યો હોય? તો ઇતિહાસ સાક્ષી કે આપ(અ.સ.) ખામોશ રહ્યા, એટલા માટે કે..

બાપ કા ઇલ્મ ન બેટે પર ઇગરાઝ બર હો

ફિર પિસર લાયકે મીરાસે પિદર કયું કર હો

એટલા માટે કે ઇમામની મસ્લેહત ઇમામના પછી આવનારા ઇમામના ઇલ્મમાં હોય છે. અહીં આપ (અ.સ.)ને ઇલ્મ હતું કે, ઇમામ હુસૈન(અ.સ.)ની મંઝીલ શહાદત છે અને ઇમામ સજ્જાદ(અ.સ.)ની ઇમામતની શરૂઆત સામે આવી. જ્યારે દુશ્મનો આગ લઇને ખૈમાઓને સળગાવવા આગળ વધ્યા, આલેમા એ ગયરે મોઅલ્લેમા જનાબે ઝયનબ(સ.અ.) ઇમામ સજ્જાદ(અ.સ.)ના ખૈમામાં તશરીફ લાવ્યા. પહેલા ઇમામતની ગવાહી આપી, પછી ફરમાવ્યું: બેટા, સય્યદે સજ્જાદ! તમે ઇમામે વક્ત છો, હુક્મ આપો, આ ખૈમામાં અમો બધા બળીને ખત્મ થઇ જઇએ કે બહાર નીકળીએ? આપ(અ.સ.)એ ફરમાવ્યું: ફુફી અમ્મા! જીવનું બચાવવું વાજીબ છે, ખૈમામાંથી બધા બહાર આવી જાઓ. આ હતી ઇમામતની તે નિગરાની જે શરીઅત ઉપર મોહીત હતી. આ પ્રકારે શરીઅતની હિફાઝતના પછી એક બોલતી એવી ખામોશીનો સિલસિલો શરૂ થયો.

આહ વોહ દશ્તે બલા ઉફ વો અસીરાને બલા

ચાદરે બિન્તે અલી બિસ્તરે બીમાર છીના,

સિર્ફ ખૈમા નહીં દામન ભી સકીના કા જલા,

કૌન સા ઝુલ્મ થા જો આલે અબા પર ન હુવા,

લુટ ગએ ખૈમએ હરમ હો કે ગિરફ્તાર ચલે,

કરબલા રોતી રહી આબીદે બીમાર ચલે.

કદમોમાં ઝંજીર અને ગળામાં કાંટાળો તોક, આ દ્રશ્યને જોઇને પત્થર દિલ પણ ચીખી ઉઠે છે, પરંતુ આપણા ચોથા ઇમામ ખામોશ છે. ઝબાન પર મૌન છે, ત્યાં સુધી કે. . .

બે રિદા ખાક બસર જાન સે બેઝાર આએ

હાય કિસ હાલમેં કૈદી સરે દરબાર આએ

આ તે કાફેલો છે, જેમાં મઅસુમ બચ્ચાઓ છે, દુ:ખમાં ઘેરાએલ હુસૈન(અ.સ.)ની પ્યારી બેટી સકીના છે, બેરીદા ખાક પર રાત પસાર કરનાર ઇસ્મતો તહારતવાળી ઔરતો છે, આપના જાનશીન ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) એટલા કમસિન હતા કે ચહેરો સુરજની ગરમીથી અને પ્યાસની શિદ્દતના કારણે કુમળાએલો હતો, અને આગેવાની તે કૈદીની હતી કે જે બીમારના પગો ઝંજીરથી ઝકડાએલા, હાથો બંધાએલા અને કાંટાદાર ભારે તૌક ગળામાં હતો. આજ હાલતમાં કાફેલો શામની તરફ રવાના થયો, કાફેલો શામ સુધીની લાંબી સફર કરીને જ્યારે પહોંચ્યો હશે, તો કોઇનું દિમાગ આ મુસીબતોનો અંદાઝો લગાવી નથી શકતું. ફક્ત આ શબ્દોમાં અમુક હાલાત વર્ણવી શકાય છે …

લકદ્ અઝોમતિર્ રઝીય્યતો વ જલ્લત્ વ અઝોમતિલ્ મુસીબતો બેક અલય્ના વ અલા જમીએ અહ્લિલ્ ઇસ્લામે વ જલ્લત્ વ અઝોમત્ મુસીબતોક ફીસ્સમાવાતે અલા જમીએ અહ્લીસ્સમાવાતે

જે મુસીબતોના હુમ્લા પર ઇમામ સજ્જાદ(અ.સ.) જેવા સાબિરની ઝબાનથી ઠંડી આહમાં લપેટાએલ શબ્દો અશ્શામ અશ્શામ કે જેને સાંભળીને આજ સુધી દરેક ઇન્સાનના દિલ દર્દને લીધે તડપી રહ્યું છે. કલમ તેનું વર્ણન કરવામાં ટુંકી પડે છે તેમજ દરેક ઝબાન ગુંગી છે. ટુંકમાં કાફેલો આ હાલતમાં દરબારે યઝીદમાં લાવવામાં આવ્યો, યઝીદના દરબારી અને અન્ય રાજ્યોના સફીરો બેઠા હતા. હબશી ગુલામોએ સોનાના પટ્ટા પોતાની કમરે બાંધેલ, ઉઘાડી તલ્વારો સાથે કે આ નઝારાનું વર્ણન કરવું કોઇના બસમાં નથી. આવા સમયમાં શેરદીલ અલી ઇબ્ને હુસૈન(અ.સ.) જો કે તેઓ કંઇ બોલતા ન હતા પરંતુ હાશમી જલાલના તેવરથી એક અક્લને હૈરતમાં નાંખી દેનાર રોબ મોટા ઝાલીમોની નિગાહોને નીચું જોવરાવી રહી હતી. યઝીદનું પોતાના વડવાઓના વખાણમાં કયારેય તમે તેવું જોશો નહી તેવુ કહેવું, ઇસ્લામને જુઠલાવનારા શબ્દો સાથેનું તેનું આ બયાન ઇતિહાસમા મૌજુદ છે.

ત્યાર પછી બીમાર કૈદી ઇમામ(અ.સ.)એ યઝીદથી રજા માંગી કે તે મિમ્બર પર જઇને પોતાનું થોડું બયાન આપી શકે. દરબારીઓના આગ્રહના કારણે યઝીદને રજા આપવી પડી. ઇમામ(અ.સ.)ની ખામોશી ટુટી, હકની અવાજ મુબારક ઝબાનો પરથી નીકળીને હાઝેરીનના કાનો સુધી પહોંચી. અલ્લાહ તઆલાની હમ્દો સના પછી પોતાની ઓળખાણ કરાવી અને પોતાના જદ્દ પર નાઝીલ થયેલ ઇસ્લામના બારામાં બોલ્યા તો એવું લાગી રહ્યુ હતું કે, લવ્હે કલમથી લબ્બૈકની અવાજ આવવા લાગી.

જ્યારે ઇન્કેલાબના પડઘમ સંભળાવા લાગ્યા તો યઝીદ ડરી ગયો અને જાણી લીધુ કે પોતાની હુકુમત વિખરાવાવાળી છે, એક બેકસના કલામે દરબારીઓને ખુલ્લા પાડી દીધા. (ઇમામ સજ્જાદ(અ.સ.)નો ખુત્બો તરજુમા સાથે છપાઇ ચુક્યો છે.) એક ઇન્કેલાબ આવ્યો, કૈદથી છુટવાનો હુકમ જાહેર થયો. અફસોસ તે રિહાઇના સમયે ઉમ્મે રબાબ બાલી સકીનાની નાની કબ્રથી કેવી રીતે અને કઇ હાલતમાં જુદા થયા હશે? તેને કોઇ કેવી રીતે બયાન કરી શકે? જેવી રીતે મારી સામે કોઇ બેઠેલું પુછી રહ્યુ હોય કે પછી શું થયું?

યઝીદના મહેલમાંથી લાલ પરદાઓને ઉતારી દેવામાં આવ્યા. કાળા પરદાઓ લગાડવામાં આવ્યા. જનાબે ઝયનબ(સ.અ.)એ કાળા કપડા પહેરેલ શામની ઔરતોને સંબોધન કર્યુ. શહેરના ઘરો પર લાલ પરચમના બદલે કાળા પરચમ આવી ગયા, ગમનાક નૌહાઓ પડાવા લાગ્યા, આંખોથી આંસુઓનો વરસાદ થવા લાગ્યો. આ એક સમય હતો ઇમામ સજ્જાદ(અ.સ.)ની ઇમામતનો, જેના કલામ અને ખામોશીની એક ઝલક લેખકોએ વાંચકોની સામે પેશ કરવા માટે કલમ ઉઠાવી. બીજો સમય આપ(અ.સ.)ની સીરત, આપ(અ.સ.)ની હયાતે તય્યબા મદીનામાં આપ(અ.સ.)ના કયામનો છે. ઇન્શાઅલ્લાહ તેના પર લખવામાં આવશે.

નસીહત:

આપણા જવાનો અને બુઝુર્ગો માટે આ પયગામ છે, કે ઇમામ સજ્જાદ(અ.સ.)ની જીંદગીને સામે રાખ્યા પછી એ સબક લે કે ક્યારે, ક્યાં અને કેવી રીતે ઝબાનથી કામ લેવું અને કેવી રીતે તેને કાબુમાં રાખવી.

અંતમાં ઇમામે હાઝિર(અ.સ.)ના દરે મુકદ્દસ પર પોતાનો દામન ફેલાવીને વળગી રહ્યા છીએ. અય ખુદાના વલી! અય અમારા નિગેહબાન ઇમામ! અમને તૌફીક આપો કે અમે આપના જદ્દ ઇમામ સજ્જાદ(અ.સ.)ની સહીફએ કામેલાને સમજી શકીએ. દીલમાં ઉતારી દઇએ અને તેના પર અમલ કરવામાં આગળ વધીએ.

મૌલા! આપના જદ્દે અમને આ શબ્દોમાં હક તઆલાની બારગાહમાં આહોઝારી કરવાની રીત શીખવાડી:

ઇલાહી કય્ફ અદ્ઉક વ અના અના વ કય્ફ અક્તઓ રજાઇ મિન્ક વ અન્ત અન્ત

પરવરદિગાર! હું તને કેવી રીતે બોલાવુ, કારણ કે હું હું છું, પરંતુ હું કેવી રીતે તારાથી મારી ઉમ્મીદોને છોડી દઉ, કારણ કે તું તું છે!

મૌલા અમારી દુઆઓમાં અસર અને અમારી ફિક્રમાં રૌશની આપના જ દરવાજેથી નસીબ થાય. એક નઝરે ઇનાયત, એક નઝરે કરમ!!

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *