Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૯

હઝરત ઇમામ મહદી(અ.સ.)નો પરચમ

Print Friendly

કૌમ અને રાષ્ટ્રનું અઝીમુશ્શાન અને ઉચ્ચ મરતબાનું કોઇ નિશાન  હોય તો તે  પરચમ છે, જે નિર્જીવ હોવા છતા એટલો બધો ઇઝ્ઝતદાર, વકાર ધરાવનાર અને એહતેરામને લાયક છે કે દરેક વ્યક્તિ જે તે કૌમ અને મિલ્લતથી સંબંધ ધરાવે છે, તેની સામે જુકે છે. જ્યારે તે ખુલ્લે છે અથવા સ્થાપિત થાય છે તો તેની અઝમતની સામે કૌમી તરાનાઓ વાતાવરણમાં ગુંજી ઉઠે છે. લશ્કરી ટુકડી જ્યારે તેની સામેથી પસાર થાય છે અને તેને સલામી આપ્યા વગર પસાર થઇ જાય તો તેની શાન અને શૌકત તથા રોબ અને જલાલની બેઅદબી ગણવામાં આવે છે. બહાદુરી અને શુજાઅતના તકાઝાઓ આ નિશાનના છાંયામાં પરવરિશ પામે છે. આ એક નિર્જીવ નિશાન છે, પરંતુ કૌમ અને મિલ્લતનું દરેક બાળક, જવાન તેમજ બુઝુર્ગ તેના પર પોતાની જાન નિસાર કરે છે.

ખિલ્કતની શઆતથી જ જમીન ફિત્ના અને ફસાદની જગ્યા રહી છે, જુના જમાનાથી એ નિશાનીઓ જે ઇન્સાની સંસ્કૃતિનો ઇતિહાસ લખવામાં મદદગાર થાય છે અથવા એ નિશાનીઓ જે સંસ્કૃતિના વિકાસ પર પ્રકાશ ફેંકે છે તો આપણને એ મળી આવે છે કે દુનિયા પ્રદેશોમાં વહેંચાઇ ગઇ અને દરેક જગ્યા કૌમો અને રાષ્ટ્રોએ પોતાનું એક બંધારણ સ્થાપિત કર્યુ, જેની ઓળખાણ માટે જેટલી પણ કૌમો વુજુદમાં આવી પોતાનો એક પરચમ તૈયાર કરી લીધો.

આ પરચમની હેઠળ કૌમે પોતાની એક જુટતાનો પૈગામ અને પોતાના વકારનું નિશાન સ્થાપિત કર્યુ. આપણે બધા પરચમનું નામ સાંભળીને તેની બનાવટના આધારે તેના છાંયામાં તે કૌમની સાંસ્કૃતિક પ્રગતિને જાણીએ છીએ અને ઓળખીએ છીએ.

હવે આપણે કૌમ અને રાષ્ટ્રોના બેશુમાર પરચમોની વાતથી હટીને વાંચકોને ઇસ્લામી પરચમની તરફ ધ્યાન દોરીએ છીએ.

એ પહેલા કે આપણે તેનો ઐતિહાસિક અભ્યાસ કરીએ અમે એ વાતની જરત સમજીએ છીએ કે પરચમનો ડીક્ષનરી અને પારિભાષિક અર્થ બયાન કરીએ અને તેના ભૂતકાળ પર એક ઉડતી નજર નાંખીએ, જેથી આપણે ઇસ્લામી પરચમની મહાનતા અને મહત્વને અનુભવી શકીએ.

અરબી ભાષામાં પરચમ માટે રાયત, લેવાઅ, અલમ વિગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.

મજમઉલ બહરૈનના લેખકે રાયત અને લેવાઅના અર્થ આવી રીતે બયાન કર્યું છે.

“અરર્યિતો અલ્ અલમુલ્ કબીરો વલ્લેવાઓ દુન ઝાલેક વરર્યિતો હેયલ્લતી યતવલ્લાહા સાહેબુલ હર્બે વ યોકાતેલો અલયહા વ એલય્હા તમીલુલ મોકાતેલતો.”

(મજમઉલ બહરૈન, ભાગ: 1, પાના: 199)

“રાયત એટલે મોટો અલમ અને તે સિવાયના અલમને લેવાઅ કહે છે. રાયત જંગ લડવાવાળાની પાસે હોય છે અને તેના આધારે જંગ કરવામાં આવે છે અને તેના તરફ જ જંગ પાછી ફરે છે.”

ઇન્સાનીયતના ઇતિહાસમાં સૌથી પહેલા જનાબે ઇબ્રાહીમ(અ.સ.)એ પરચમ બનાવ્યો.

આથી હઝરત ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયત છે કે…

અવ્વલો મનિત્તખઝરર્યિતો ઇબ્રાહીમો(અ.સ.)

(તહઝીબુલ અહકામ, ભાગ:1, પાના:170)

સૌથી પહેલા જેમણે પરચમ બનાવ્યો તે જનાબે ઇબ્રાહીમ(અ.સ.)છે.

માનવ ઇતિહાસમાં લડાઇઓ બે પ્રકારની થઇ છે, હકની અને બાતિલ સાથે અથવા બાતિલની બાતિલ સાથે. બે હક-પરસ્તો વચ્ચે ક્યારેય જંગ થઇ નથી. ભૂલ ચૂકથી પણ વાદ-વિવાદ થઇ શકે છે, પરંતુ જંગ નથી થતી. પરંતુ ઇન્સાની ફિતરત જંગ અને લડાઇ, ઝઘડો વિગેરેને નાપસંદ કરે છે અને આના જ આધારે ફિત્ના અને ફસાદને જડમૂળથી દૂર કરવા માટે થોડા સમય માટે બળજબરીથી પણ મોઢુ નથી ફેરવતી.

અલબત્ત, લોકોના સમૂહોની ઓળખાણ માટે પોત-પોતાના પરચમ બનાવ્યા અને દરેક પરચમ તેના ઉપાડનારની માન્યતાની નિશાની સમજવામાં આવે છે. આ તમામ પરચમોની વિગતવાર બાબતોથી પોતાના દામનને સંકેલતા મૂળભૂત ત્રણ પરચમ વિષે વાત કરીશું.

આ પરચમોમાં હકનો પરચમ ફક્ત હુજ્જતે ખુદાની પાસે હોય છે, જેના સિવાયના બાકીના તમામ પરચમો બાતિલ હોવાનું દશર્વિે છે. આથી હઝરત અમીલ મોઅમેનીન(અ.સ.)નો ઇરશાદે ગિરામી છે:

મઅના રાયતુલ હક્કે વલ્ હોદા, મન્ સબકહા મરક વ મન્ ખઝલહા મોહેક, વ મન્ લઝેમહા લહેક

(બેહારૂલ અન્વાર, ભાગ:34, પાના:262)

હક અને હિદાયતનો પરચમ અમારી સાથે છે, જે તેનાથી આગળ વધી ગયો તે ગુમરાહ થયો, જેણે તેને છોડી દીધો તે નાશ પામ્યો અને જે જોડાએલો રહ્યો તે હિદાયત યાફતા થયો.

આ હકનો પરચમ હુજ્જતે ખુદાની સિવાય બીજા કોઇને શોભતો નથી. અગર કોઇ ગૈર આ પરચમને ઉઠાવી પણ લે તો આ પરચમ તેની અયોગ્યતા અને તેની ઝિલ્લતનો મઝહર બની જાય છે અને પછી અલ્લાહના રસુલ(સ.અ.વ.)નો આ કૌલ ફિઝાની અંદર ગુંજી રહ્યો છે:

લ અદ્ફઅન્નરર્યિત ગદન એલા રજોલિની યોહીબ્બોહુલ્લાહો વ રસૂલોહૂ વ યોહીબ્બુલ્લાહ રસૂલહૂ લય્સ બે જબાનિન્ વલા ફર્રિરિન યફતહોહલ્લાહો અલા યદય્હે

(કિતાબ સુલૈમ બિન કૈસ, ભાગ:2, પાના:641)

આવતી કાલે હું અલમ એ મર્દને આપીશ, જેને અલ્લાહ અને તેનો રસૂલ મોહબ્બત કરે છે અને તે અલ્લાહ અને તેના રસૂલ(સ.અ.વ.)ને મોહબ્બત કરે છે, ન તો તે બુઝદિલ છે અને ન ડરપોક અને ન તો મૈદાને જંગમાંથી  ફરાર કરવાવાળો, અલ્લાહ તેમના હાથો પર જીત અપાવશે.

આ અલમદારી દુનિયા અને આખેરતમાં ફક્ત એહલેબૈત(અ.મુ.સ.)થી ખાસ સંબંધિત છે અને આ જ તો એલાને રિસાલત છે.

યા અલી અન્ત સાહેબો રાયતી ફીદ્ દુનિયા વલ્ આખેરતે

(અમાલીએ તુસી, પાના: 550)

અય અલી! તમે દુનિયા અને આખેરતમાં મારા અલમદાર છો.

આ પરચમ હંમેશા હઝરત અલી(અ.સ.)ની પાસે રહ્યો. તેમના બાદ આ પરચમ હઝરત ઇમામ હસન(અ.સ.) અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.) પાસે આવ્યો. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ આ પરચમ કરબલામાં કમરે બની હાશીમ, વફાની ઐતિહાસિક આફાકી અને અફલાકી હૈસિયતના ધરાવનારા હઝરત અબુલ ફઝલીલ અબ્બાસ(અ.સ.)ના હવાલે કર્યો, ત્યાં સુધી કે કરબલામાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાની નાનકડી ફૌજને ગોઠવી અને આ અલમની એ વિરાસત જે રસુલે ખુદા(સ.અ.વ.)એ હઝરત અલી(અ.સ.)ને બક્ષી હતી આપ(અ.સ.)એ જનાબે અબુલ ફઝલીલ અબ્બાસ(અ.સ.)ને અતા કરી. લેખકની શું તાકાત છે અરે મોટા મોટા  ઇલ્મ ધરાવનારાઓ આ પરચમના વકાર અને  અઝમતને બયાન કરવા માટે ટુંકા પડે છે. તેની આસ્માની ફઝીલતને બયાન કરવા માટે એક વાક્ય પુરતુ છે અને તે એ છે કે જ્યારે હઝરત અબ્બાસ અલમદારના બંને હાથો શહીદ થઇ ચુક્યા અને મશ્કે સકીના(સ.અ.)ને પોતાના સીના પર દબાવી દીધી અને તે અલમની બુલંદીને કાયમ રાખી, જ્યારે આપની શહાદતનો સમય નજદીક આવ્યો તો આપે વસિયત કરી હતી કે મારા શરીરને ખૈમાગાહ સુધી ન લઇ જશો. આ વસિયત પર અમલ કરતા હઝરત ઇમામ હુસૈન(અ.સ.) જેવી અર્શનશીન શખ્સીયતે હઝરત અબ્બાસ(અ.સ.) બાવફાના જસદે મુબારકને મૈદાને જંગમાં છોડી દીધુ અને પરચમને ખૈમાગાહ સુધી લઇ આવ્યા.

અગર પરચમ નિર્જીવ ન હોત અને આપણામાંથી કોઇ તેને પુછત કે અય પરચમ! તારી ફઝીલતો શું છે અને પરચમ પોતાની શાનના દરજ્જાઓ અને મરતબાઓની સ્પષ્ટતા કરતા કહેત કે હું એ છું જે હવે આના પછી ઇમામ સજ્જાદ(અ.સ.)ના હાથોથી થતો થતો ઇમામ અસ્કરી(અ.સ.) સુધી તમામ મસાએબ અને મુસીબતોથી ટકરાતો, દીનની હિફાઝત કરતો, રિસાલતની તઅલીમાતનું એલાન કરતો, સામરર્મિાં તેમના હાથમાં જવાનો શરફ હાસિલ કરીશ જે મને આખી દુનિયામાં લહેરાવશે, જેની આગાહી મેહબુબે ખુદા, મુરસલે આઝમ, મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.)એ બયાન કરી: મારા પછી મારા બાર ખલીફાઓ થશે અને આખરી એ હશે જે મહદીએ મવઉદ હશે, કાએમ(અ.સ.) હશે અને તેઓ જ આ દુનિયાને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે આ દુનિયા ઝુલ્મો-જોરથી ભરેલી હશે. એ આપણા ઇમામે ઝમાના(અ.સ.) છે જેમના હાથમાં આ પરચમ હશે.

ઇમામ મહદી(અ.સ.)ના પરચમની ખાસિયતો:

હઝરત ઇમામ સાદિક(અ.સ.)થી મનકુલ છે:

“….. તે રસુલે ખુદા(સ.અ.વ.)નો પરચમ છે જેને જનાબે જિબ્રઇલ(અ.સ.) બદ્રમાં લાવ્યા હતા… અલ્લાહની કસમ! આ પરચમ ન તો કોટનનો છે ન ઉનનો, ન રેશમનો અને ન હરીરનો … આ પરચમ જન્નતના પાંદડાઓનો છે. જેને રસુલે ખુદા(સ.અ.વ.)એ બદ્રના દિવસે ફેલાવ્યો પછી તેને લપેટીને હઝરત અલી(અ.સ.)ના હવાલે કર્યો પછી આ પરચમ હંમેશા હઝરત અલી(અ.સ.)ની પાસે હતો, ત્યાં સુધી કે જંગે જમલમાં આપ(અ.સ.)એ તેને લહેરાવ્યો અને અલ્લાહે આપને વિજયી બનાવ્યા પછી તેને લપેટીને રાખી દીધો અને હવે તે અમારી પાસે છે. હવે કોઇ તેને લહેરાવશે નહી ત્યાં સુધી કે ઇમામે કાએમ(અ.સ.) કયામ ફરમાવશે. પછી જ્યારે તેઓ કયામ ફરમાવશે તો તેને લહેરાવશે. તો પૂર્વ અને પશ્ર્ચિમમાં કોઇ એવુ બાકી નહી રહે સિવાય કે તે તેને આવીને મળી જશે. તેનો રોબ એક મહીનાની મુસાફરી સુધી તેની આગળ અને પાછળ, તેની જમણી અને ડાબી બાજુ ચાલશે.”

(બેહારૂલ અન્વાર, ભાગ: 52, પાના: 360)

ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:

“…જ્યારે તેઓ(ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) કોઇના મુકાબલામાં તે પરચમને લઇ જશે તો અલ્લાહ તે શખ્સને ઝલીલ કરશે અને જ્યારે તે પરચમને લહેરાવશે તો (તેની બરકતથી) મોઅમેનીનના દિલો ફૌલાદની જેમ મજબુત થઇ જશે.”

(કામેલુઝ્ ઝિયારાત, પાના:120, હદીસ:5)

મોહમ્મદ બિન મુસ્લીમ કહે છે કે હું ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.)ની ખિદમતમાં હાજર થયો અને હું તેમને કાએમ આલે મોહંમ્મદ(અ.સ.)ના બારામાં સવાલ કરવા ચાહતો હતો, ઇમામ(અ.સ.)એ વાતચીતની શઆત કરતા મને ફરમાવ્યું:

“અય મોહમ્મદ બિન મુસ્લીમ! ચોક્કસ કાએમે આલે મોહમ્મદ(અ.સ.)માં પાંચ રસુલોની સરખામણી મવજુદ છે. . . અમારા જદ્દ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની સાથે તેમની સરખામણી એ છે કે તેઓ તલ્વાર સાથે ખુજ ફરમાવશે, અલ્લાહ અને અલ્લાહના રસુલ(સ.અ.વ.)ના દુશ્મનોને કત્લ કરશે અને તલ્વાર તથા રોબ થકી તેમની નુસ્રત અને મદદ કરવામાં આવશે અને તેમનો પરચમ ક્યારેય પરાજીત નહી થાય.”

(કમાલુદ્દીન, ભાગ:1, પાના:327, હદીસ:7)

ઇમામ મહદી(અ.સ.)ના પરચમનું લખાણ:

રિવાયતમાં મળી આવે છે કે હઝરત ઇમામ મહદી (અ.સ.)ના પરચમ પર આ લખાણ લખેલુ હશે. . .

અલ બય્અતો લિલ્લાહે અઝ્ઝ વ જલ્લ

બયઅત અલ્લાહ અઝ્ઝ વ જલ્લ માટે છે.

(કમાલુદ્દીન, ભાગ:2, પાના:654, હદીસ:22)

અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વારમાં કિતાબ ફઝ્લ ઇબ્ને શાઝાનથી રિવાયત વર્ણવી છે કે હઝરત ઇમામ મહદી(અ.સ.)ના પરચમ પર આ લખાણ લખેલુ હશે.

ઇસ્મઉ વ અતીઉ

સાંભળો અને ઇતાઅત કરો

(બેહાર, ભાગ: 52, પાના: 305, હદીસ:77)

હઝરત ઇમામ મહદી (અ.સ.) અને તાગુતી ઝંડાઓ:

ઇન્સાની ફિતરત પ્રમાણે બુરાઇથી નફરતની હેઠળ દરેક ઝમાનામાં સુધારાવાદી ચળવળો દ્રશ્યમાન થઇ અને ઝાલિમ તથા બળવાખોર લોકોની વિધ્ધ સફો તૈયાર થઇ પરંતુ મોટે ભાગે એવુ જોવામાં આવ્યુ છે કે હુજ્જતે ખુદાનો દામન છોડીને સુધારાવાદી ચળવળો ચલાવવા વાળાઓ અને ઝુલ્મ તથા જબ્રની વિધ્ધ નારો બુલંદ કરવાવાળાઓ જ્યારે સત્તા મળી જાય છે ત્યારે ખુદ પોતે તે રીત પર ચાલવા લાગ્યા જેની વિધ્ધ તેઓએ ચળવળ ચલાવી હતી. આ રીતે બની ઉમય્યાની વિધ્ધ બની અબ્બાસની ચળવળનું ઉદાહરણ આપણી સામે છે. જ્યારે મન્સુરે દવાનકી હુકુમત મળી ગયા પછી દસ્તરખ્વાન પર બેઠો તો કહેવા લાગ્યો કે આના માટે જ આપણે જંગ લડી. કાલ સુધી આ દસ્તરખ્વાન પર બની ઉમય્યા હતા અને આજે આપણે છીએ. આ ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેવાના નામ પર દેખાવાવાળી ચળવળોનો અંત હતો. જેની શઆત યઝીદની વિધ્ધ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની એલાને જંગથી હતી.

હઝરત ઇમામ સાદિક(અ.સ.)એ એક હદીસમાં ઇરશાદ ફરમાવ્યું છે:

કુલ્લો રાયતીન્ તુર્ફઓ કબ્લ કેયામીલ્ કાએમે ફ સાહેબોહા તાગુતુન્ યુઅ્બદો મીન્ દુનીલ્લાહે અઝ્ઝ વ જલ્લ

(અલ-કાફી, ભાગ: 8, પાના: 295, હદીસ: 452)

દરેક પરચમ જે ઇમામે કાએમ(અ.સ.)ના કયામ પહેલા બુલંદ થશે, તેનો ઉઠાવનારો તાગુત હશે. અલ્લાહ અઝ્ઝ વ જલ્લ સિવાય તેની ઇબાદત કરવામાં આવશે.

અને અંતમાં એ પરચમનો ઝિક્ર જરૂરી સમજીએ છીએ જે ઇન્તેઝારે મહદી(અ.સ.)માં 14 સદીઓથી કાએમ છે અને મુન્તઝીરોની હરારતે ઇન્તેઝારને કાએમ રાખેલ છે. આ એ લાલ પરચમ છે જે ગરીબે ઝહરા(સ.અ.)ના ગુંબદ પર બેકરાર છે. કારણ કે અરબના દસ્તુર પ્રમાણે જ્યારે કોઇ મકતુલના ખુનનો બદલો લેવામાં ન આવ્યો હોય તો તેની કબ્ર ઉપર એક લાલ પરચમ સ્થાપિત કરવામાં આવે છે. સૈયદે મઝલુમે શબે આશુર પોતાના વફદાર અસ્હાબ સામે હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર કર્યો હતો, તે હઝરત ઇમામ મહદી(અ.સ.) છે જેઓ ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેવાવાળા છે અને કબ્રે હુસૈન(અ.સ.)નો આ પરચમ પુકારી રહ્યો છે: “અલ્ અજલ “અલ્ અજલ

આપણે ખુદાવંદે આલમની બારગાહમાં હાથો બુલંદ કરીને દુઆ ગુઝારીએ છીએ કે આ લાલ પરચમ હઝરતે વલીએ અસ્ર(અ.સ.)ના પરચમની સાથો સાથ લહેરાય. ખુદા હઝરતે વલીએ અસ્ર(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કરે અને આપણને હઝરતના મદદગારો અને નાસિરોમાં શુમાર ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન……..

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.