કુરઆનમાં ઇમામ મહદી (અજ.)નો ઝીક્ર

Print Friendly, PDF & Email

કુરઆને હકીમ જે સિદ્ધાંતો વિષે સ્પષ્ટ અને અંતિમ વાત કહે છે તેમાંનો એક સિદ્ધાંત ઇમામ મહદી (અ.સ.) અને તે હઝરત (અ.સ.)ની વિશેષતાના બારામાં છે. કુરઆને કરીમમાં ઇરશાદ છે: ‘એટલે કે અમે કિતાબ (કુરઆન)માં કોઇ પ્રકારની ઉણપ અને કમી નથી રાખી.’ (અન્આમ – 38) અને એક અન્ય જગ્યાએ ઇરશાદ થાય છે : ‘એટલે કે અમે તમારા ઉપર કિતાબ ઉતારી કે જેમાં દરેક બાબતોનું (સ્પષ્ટ અને ખુલ્લું) બયાન છે. આજ કારણ છે કે ફીતરી (પ્રકૃતિક) રીતે કિતાબ કુરઆને કરીમ ઇસ્લામના આ પાયાના પ્રશ્ર્નના બારામાં, જેનો ઇન્કાર કરનારાઓને પયગમ્બરે કરીમ (સ.અ.વ.) એ કાફીરના લકબથી યાદ કર્યા છે, મૂક અને ચૂપ નથી રહી શકતી.’
‘કુરઆનમાં મહદવીયતનો વિષય’ જાણવા માટે બહુ જ મોટી સંખ્યામાં હદીસો મૌજુદ છે. આ હદીસો કુરઆનની આયતોના સંદર્ભમાં અહલે સુન્નત અને શિયા બન્ને ફિરકાના મોહદ્દેસીન તથા તફસીરકારની કિતાબોમાં જોવા મળે છે. આ આયતો જેની તાવીલ તથા તફસીરમાં હઝરત ઇમામ મહદી (અ.સ.) નો સંબંધ બહુજ સ્પષ્ટ રીતે જાહેર થતો જોવામાં આવે છે.
એહલે સુન્નતની રિવાયતના પ્રકાશમાં હઝરત ઇમામ મહદી (અ.સ.)ને લગતી કુરઆનની આયતો ભેગી કરવાનું સૌથી વધુ સારૂં કામ કિતાબ મુસ્તતાબ ‘અલ – મહદી ફીલ કુરઆન’ છે જેને વિદ્વાન મોહતરમ સય્યદ સાદીક શિરાઝીએ ઇ.સ. 1978માં સંકલન કરીને પ્રકાશિત કરી છે.
આ પુસ્તકમાં કુરઆને કરીમની 86 આયતો એવી છે જે હઝરત મહદી (અ.સ.)ના સંબંધમાં એકઠી કરવામાં આવી છે. એટલે આ આયતોના સંદર્ભમાં અહલે સુન્નતના પુસ્તકોમાંથી રિવાયતો ભેગી કરીને પ્રમાણભૂત રીતે નકલ કરવામાં આવી છે. જ્યાં સુધી શીયા વિદ્વાનોનો સંબંધ છે, તેઓએ આ વિષય ઉપર અસંખ્ય પુસ્તકો લખ્યા છે. તેમાંથી સૌથી વધુ આધારભૂત પુસ્તક ‘અલ – મોહજ્જ ફીમા નઝલ ફીલ કાએમીલ હુજ્જહ’ છે. જેને શિયાઓના મહાન અને આધુનિક હદીસવેત્તા અલ્લામા સય્યદ હાશીમ બહરાની (તાબ સરાહા (1174 હિ.)) એ સંકલિત કર્યું છે. તેમણે આ અમૂલ્ય પુસ્તકમાં હઝરત ઇમામ મહદી (અ.સ.)ના બારામાં અહલેબૈત અત્હાર (અ.સ.) ની રિવાયતો ટાંકીને શિયા પદ્ધતિથી 120 આયતો હઝરત ઇમામ મહદી (અ.સ.)ના સંદર્ભમાં છે. (કિતાબ ‘અલ આયાતીલ બાહેર ફી બકીય્યતીલ ઇતરતીત તાહેરહ’ સંકલન સય્યદ દાઉદ મીર સાબરી તરફ રૂજુ કરો)
આ લેખમાં નમૂના રૂપે થોડી એવી આયતો રજુ કરીએ છીએ જેના ઉતરવાની (નાઝીલ થવાની) શાનના બારામાં તફસીલ અને તાવીલ કરવામાં આવી છે કે આ આયતો હઝરત (અજ.)ની શાનમાં ઉતરી છે. જે અમે શિયા અને અહલે સુન્નતના પુસ્તકોમાંથી નકલ કરી રહ્યા છીએ.
(અ) હઝરત ઇમામ મહદી (અ.સ.) ના બારામાં નાઝીલ થએલી આયતો જે અહલે સુન્નતના લેખકોએ નકલ કરી છે.
(1) હોઝયફાએ યમીનીનું બયાન છે : ‘એક દિવસ હું રસુલે ખુદા (સ.અ.વ.) ની સમક્ષ હાજર થયો. જ્યારે આ આયત-
એટલે કે ‘જેઓને ખુદાએ પોતાની નેઅમતો આપી છે એટલે કે અમ્બીયા (અ.સ.) અને સત્યવાદીઓ અને શોહદાઓ અને ઉત્તમ ગુણ ધરાવનારાઓ અને એ લોકો કેવા સારા દોસ્ત છે.’ (નીસા – 69) ના વિશે પુછ્યું : તે લોકો જેમની પ્રશંસા અને ગુણો ખુદાવંદે આલમે આયતમાં દશર્વ્યિા છે તેઓ કોણ છે?’
આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું : ‘એ હોઝયફા! ‘અન્નબીય્યીન’નો અર્થ એ લોકો છે જેઓને ખુદાવંદે આલમે નેઅમતો આપી છે – એ હું છું. હું પહેલો પયગમ્બર છું (દુનિયાથી પહેલાના સમયમાં) જેને પયગમ્બરી માટે સૌથી પહેલા નિમ્યો છે અને તેઓનો છેલ્લો નબી છું જેઓને દુનિયામાં નિમવામાં આવેલ છે. જ્યારે ખુદા અઝઝ વ જલ્લએ મને પયગમ્બર બનાવીને મોકલ્યો ત્યારે હઝરત અલી (અ.સ.) એ પહેલી વ્યક્તિ હતા જેમણે મારી પયગમ્બરીને અનુમોદન આપ્યું. ‘શોહદા’નો પર્યાય હમઝા અને જઅફરે તૈયાર માટે ઉપયોગમાં લેવાયો છે. ‘અસ્સાલેહીન’નો પર્યાય હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર માટે છે. ‘હસોના ઉલાએક રફીકા’નો પર્યાય મહદી (અ.સ.) ના સમય માટે છે.’ (શવાહેદુલ તન્ઝીલ હાકીમે હસ્કાની, 1/155)
હદીસનું છેલ્લું લખાણ એ અર્થમાં છે કે આ લોકો મહદી (અ.સ.) ના સમયમાં એક બીજાની સાથે દોસ્ત હશે અને ભેગા મળી રહેશે. આ લખાણ હઝરત (અજ.) ના જાહેર થવાના સમય ગાળામાં અહલેબૈત (અ.સ.) ની રજઅત તરફ ઇશારો કરે છે. (જ્યારે અહલેબૈત (અ.સ.)નું દરેક જણ આ ધરતી પર પાછા આવશે.)
(2) હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એક લંબાણપૂર્વકની હદીસમાં જાહેર થવાના દિવસના પ્રસંગો અંગે ઇરશાદ ફરમાવે છે : ‘જ્યારે મહદી (અ.સ.) જાહેર થશે ત્યારે તેમની પીઠ કાબાની દિવાલને અડકેલી હશે. હાલત એ હશે કે તેમના ચાહકો અને તાબેદારીમાંથી 313 વ્યક્તિઓ ચારે તરફ એકઠી થએલી હશે. સૌથી પહેલી જે વાત કહેશે તે આ આયત હશે :
‘જો તમે ઇમાન ધરાવતા હશો તો ખુદાના બાકી રહેલા (હુજ્જતે ખુદા) તમારા માટે ઘણા જ વધુ સારા અને બહેતર છે.’ (સુરએ હદ, આ. 86) ત્યાર પછી કહેશે. ‘હું, બકીયતુલ્લાહ, ખુદાનાં ખલીફા અને તમારા ઉપર તેની હુજ્જત છું, પછી જે વ્યક્તિ પણ તેમની પાસે આવશે, સલામ કરશે અને અરજ કરશે.
‘એ પૃથ્વીના પટ ઉપરની અલ્લાહની બાકી રહેનાર હુજ્જત! આપ ઉપર સલામ થાય’ (નુરૂલ અબ્સાર, સય્યદ મોમીન શબલન્જી શાફેઇ, વફાત – 172 હીજરી)’
(3) હસન બીન ખાલીદે હઝરત અલી બીન મુસા અલ – રેઝા (અ.સ.) થી નીચે લખેલ આયત –
એટલે : ‘એ મારા પરવરદિગાર! છેવટે તું મને તે દિવસ સુધીની મોહલત આપે જ્યારે લોકોને ફરી વાર જીવંત કરીને ઉઠાડવામાં આવશે. ખુદાવંદે આલમ ફરમાવ્યું : નક્કી કરેલા સમય સુધી તને મોહલત આપવામાં આવી.’ વિશે પુછ્યું, કે જે માટે શયતાન ખુદા પાસે કયામતના દિવસ સુધીની ઇચ્છા ધરાવે છે અને ખુદાવંદે આલમ તેને નક્કી કરેલા સમય સુધીની મોહલત આપે છે એટલે શું? તે હઝરત (અ.સ.) એ ઇરશાદ ફરમાવ્યું : ‘નક્કી કરેલો સમય એજ દિવસ હશે જ્યારે અમારો કાએમ (અજ.) બહાર આવશે. (જાહેર થશે) તે હઝરત (અ.સ.) ને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો : ‘એ ફરઝન્દે રસુલ! આપ અહલેબૈત (અ.સ.)માંથી કાએમ (અજ.) કોણ છે? આપે ફરમાવ્યું ‘મારા પુત્રોમાંથી ચોથી પેઢીમાં હશે. જે ખુદાની કનીઝોની સરદારના પુત્ર હશે. જે જગતને દરેક ત્રાસ અને અત્યાચારથી પવિત્ર કરશે અને દરેક પ્રકારના ગુનાહોથી સ્વચ્છ કરશે.’ (ફરાએદુસ સિમ્તૈન, ભાગ – 2)
આ હદીસ શરીફમાં આઠમાં ઇમામ રેઝા (અ.સ.) મે હઝરત મહદી (અ.સ.) ને પોતાની પુત્રોની ચોથી પેઢીથી એટલે કે બારમા ઇમામની ઓળખ આપી અને તે હઝરત (અ.સ.)ના માતુશ્રી હઝરત નરજીસ ખાતુન, સન્માનીય અને આબરૂદાર મા-બાપની પુત્રી, જેને કનીઝ બનાવવામાં આવ્યા હતા, તેમની પણ ઓળખ આપી.
(4) અહલે સુન્નતના મહાન તફસીરકાર સઇદ બીન જુબૈર આ આયત –
એટલે કે ‘તે એ જ તો છે જેણે પોતાના રસુલની હિદાયત અને સાચો ધર્મ આપીને મોકલ્યા જેથી તે સર્વે ધર્મો ઉપર વર્ચસ્વ સ્થાપે અને સાક્ષી માટે તો બસ અલ્લાહ તઆલા પુરતો છે.’ વિશે નકલ કરવામાં આવ્યું છે કે તે કહે છે : ‘લેયુઝહેરહુ અલદ દીને કુલ્લેહ’નો અર્થ એ જ ‘મહદી (અ.સ.) ’છે, જે જનાબે ફાતેમતુઝ ઝહેરા (સ.અ.) ના પુત્રોમાં છે.’ (અલ – બયાન ફી અખ્બારે સાહેબુઝ ઝમાન – હાફીઝ ગન્જી શાફેઇ, પા. 73)
એટલે ખુદાવંદે આલમનો એ વાયદો કે ‘ઇસ્લામ બધા જ ધર્મો ઉપર વર્ચસ્વ ધરાવશે,’હઝરત ઇમામ મહદી (અ.સ.)ના જાહેર થવાનો સમયમાં પુરો થશે.
(5) અહલે સુન્નતના ઈતિહાસકારોના પેશ્ર્વા હાફીઝ અબુ જઅફર તબરી, રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબી, ઝયદ બીન અરકમથી આ રીતે નકલ કરે છે : ‘જ્યારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અંતિમ હજની સફરથી પાછા ફરી રહ્યા હતા, ઝોહરના સમયે સખત ગરમી અને બળબળતો તડકો હોવા છતાં પણ ગદીરે ખુમમાં રોકાઇ ગયા. મુસલમાનોને નમાઝ પડાવી. પછી એક છટાદાર, અર્થપૂર્ણ અને અભૂતપૂર્વ સુશોભીત પ્રવચન કર્યું.’ પ્રવચન દરમ્યાન જ્યારે આં હઝરત (સ.અ.વ.) આયત :
એટલે કે ‘તો તમે અલ્લાહ, તેના રસુલ અને તે નૂર ઉપર ઇમાન લાવો જેને અમે નાઝીલ કર્યુ છે.’નો હવાલો આપ્યો અને પછી ફરમાવ્યું : ‘અય લોકો! જે નૂર ખુદાએ ઉતાર્યું તે મારામાં છે, પછી અલી (અ.સ.) માં પછી અલી (અ.સ.)ના વંશજોમાં છે, ત્યાં સુધી કે કાએમે મહદી (અજ.) સુધી પહોંચે’ (માઝાનીયત્તારીખ અલ્લામા કોબૈસી, પાનુ 145/147, પુ. 3)
આ નૂર, નૂરે હિદાયત ઇલાહી અને ઉમ્મતની ઇમામત અને સરદારીનું છે જે પહેલા અલ્લાહે રસુલ (સ.અ.વ.)માં, પછી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના મઅસુમ પુત્રોમાં ત્યાં સુધી કે તે નૂરે હઝરત મહદી (અ.સ.) સુધી ચાલુ રહેશે. આ સૌ અલ્લાહની હુજ્જત હશે.
(બ) હઝરત મહદી (અ.સ.)ના બારામાં ઉતરેલી આયતો શીયાઓએ નકલ કર્યા મુજબ :
(1) યહ્યા ઇબ્ને અબુલ કાસીમનું બયાન છે.
‘મેં ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને ખુદા અઝઝ વ જલ્લના આ કૌલના બારામાં પૂછ્યું :
હઝરત (અ.સ.) મે ફરમાવ્યું : ‘મુત્તકીન’હઝરત અલી (અ.સ.) ના શીયા છે અને ‘ગય્બે’નો અર્થ હુજ્જતે ગાએબ છે અમારા આ દાવાની કુરઆન કરીમ આ આયત દ્વારા સાક્ષી પુરે છે.:
‘અને કહે છે કે આ પયગમ્બર ઉપર (અમારી ઇચ્છા મુજબ) કોઇ મોઅજીઝો એના રબ તરફથી કેમ ન મોકલ્યો. તો (અય રસુલ!) તમે કહી દો ગૈબની વાતો તો માત્ર અલ્લાહના માટે ખાસ છે તો તમે પણ પ્રતિક્ષા કરો અને હું (પણ) તમારી સાથે નિશંક પ્રતિક્ષા કરનારાઓમાંથી છું.’ (કમાલુદ્દીન, શય્ખ સદ્દક, ભાગ – 2 પાનુ 340) આ વાત નજર સમક્ષ રહે કે હુજ્જતે ગાએબ, ઇમામ મહદી (અજ.) ઉપર ઇમાન, અલી અ.સ. ના શીયાઓની વિશેષતા છે.
(2) અબુલ – બેહાર, ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) થી આ આયતે શરીફના બારામાં રિવાયત રજુ કરે છે:
‘આ એ લોકો છે કે જો અમે તેઓને ધરતીના પટ ઉપર સત્તા આપીએ તો (પણ) આ લોકો નિયમિત રીતે નમાઝ પડશે, ઝકાત આપશે અને સારા સારા કાર્યોનો હુકમ કરશે અને અનિષ્ટ (ખરાબ – ગુનાહની) વાતોથી (લોકોને) રોકશે અને (આમ તો) દરેક કાર્યનું પરિણામ અલ્લાહના ઇખ્તેયારમાં (કાબુમાં) છે.’ (સુરે હજ્જ, 41)
આપ (અ.સ.) ઇરશાદ ફરમાવે છે : ‘આ આયત આલે મોહમ્મદ (અ.સ.) ના બારામાં છે. ખુદાવંદે આલમ હઝરત મહદી (અ.સ.) અને તેમના સાથીઓને પૂર્વથી પશ્ર્ચિમ સુધીની જમીન તેમના ઉપયોગ માટે ખાસ કરશે અને એમના થકી ધર્મને પ્રકાશિત કરશે અને ખુદાએ અઝઝ વ જલ્લ તે હઝરત (અજ.) અને તેમના સાથીઓ દ્વારા ધર્મની અંદર થઇ ગએલા અનિષ્ટો અને અસત્યને નષ્ટ અને નાબૂદ કરશે.’ (તાવીલુલ આયાતીઝ ઝાહેરહ, પા. 343)
આ આયએ શરીફમાં હઝરત મહદી (અ.સ.) ના જાહેર થવા સ્થાયી થવા અને તે હઝરત (અ.સ.)ના સાશનનો પાયો દર્શાવવામાં આવ્યો છે.
(3) અબુ બસીર ઇમામ જઅફરે સાદિક (અ.સ.) થી આયએ શરીફ : ‘એ ઇમાનવાળાઓ! તમારામાંથી જે લોકોએ ઇમાનનો સ્વિકાર કર્યો અને સદ્કાર્યો કર્યા તેમને અલ્લાહનો વાયદો છે કે તેઓને (એક ન એક દિવસે) જમીનના તટ ઉપર જરૂર (પોતાનો) પ્રતિનિધી બનાવશે. જે રીતે એ લોકોને પ્રતિનિધી બનાવવામાં આવ્યા હતા જે તેમની પહેલા થઇ ગયા અને જે ધર્મ તેણે (અલ્લાહે) તેઓ માટે પસંદ કર્યો છે (ઇસ્લામ), તેના ઉપર તેઓને જરૂર પુરે પુરી શક્તિ આપશે. અને તેઓના ડરવા પછી (તેમના ભય અને શંકાને) શાંતિ અને આશા – ધૈર્યતાથી જરૂર બદલી દેશે કે તે (સંતોષ) થી મારી જ ઇબાદત કરશે અને અન્ય કોઇને મારો સહભાગી નહિ બતાવે.’ (સુરએ નુર, આ. 55) વિશે તેનો અર્થ નકલ કરતા કહે છે કે તે હઝરત (અ.સ.) મેં ફરમાવ્યું:
‘આ પવિત્ર આયત કાએમ (અજ.) અને તેમના સાથીઓના બારામાં ઉતરી છે.’(અલ ગયબત, 126)
આ પવિત્ર આયત જે ઇમામ મહદી (અ.સ.) ના જાહેર થવા અંગે છે, તેની સાથે અહલે સુન્નતના આલીમો પણ સંમત થાય છે જેમાં તે હઝરત, અલયહે સલાતો વસ્સલામો, ના સાશનના ચાર હેતુઓ અને નિશાનીઓ બયાન કરવામાં આવી છે.
(અ) સમસ્ત દુનિયામાં એક જ હુકુમત સ્થાપિત થવી. (બ) દીને ઇસ્લામમાં વર્ચસ્વની સ્થાપ્ના થવી. (ક) શાંતિ અને સુલેહ – સલામતિના વાતાવરણનું સર્જન. (ડ) શીર્ક – (અલ્લાહની જાતમાં કોઇને શરીક ગણવો) નું નેસ્તો નાબુદ થઇ જવું.
(4) મોહમ્મદ બીન અબ્દુલ્લા બીન હસને ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) થી આ આયત:
‘…… અને અમે તો નસિહત (તૌરેત) ની પછી વિશ્ર્વાસપૂર્વક ઝબુરમાં લખી જ દીધું હતું કે જગતના વારસદાર અમારા સદ્ગુણી બંદાઓ હશે.’વિશે પુછ્યું તો આપ (અ.સ.) એ ફરમાવ્યું : ‘(અલ્લાહના નેક બંદાઓ) છેલ્લા ઝમાનામાં મહદી અ.સ. ના સાથીઓ છે.’(તાવીલુલ આયાતીઝ ઝાહેરહ) આ આયતએ હકીકત તરફ આંગળી ચીંધે છે કે હઝરત મહદી અ.સ. અને તેમના ઉપર ન્યોછાવર થવાવાળા સાથીઓના દુનિયા ઉપર હકુમતની આગાહી અને ખુશખબરી તૌરેત અને ઝબુરમાં દર્શાવવામાં આવી છે.
(5) અમ્મારે યાસીર (ર.અ.) એ વિગતવાર રિવાયત હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ના બારામાં રસુલે ખુદા (સ.અ.વ.) થી નકલ કરી છે :
જેમાં રસુલે ખુદા (સ.અ.વ.) એ હઝરત મહદી (અ.સ.) ને હઝરત અલી (અ.સ.) ના પુત્ર ગણાવીને ચર્ચા કરી છે અને અમ્મારે યાસીર (ર.અ.) ના તે સવાલના જવાબમાં કે મહદી કોણ છે? આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું : ‘એ અમ્માર! ખુદાવંદે આલમે મારી સાથે વાયદો કર્યો છે અને કહ્યું છે કે હુસૈન (અ.સ.) ના વંશમાંથી નવ ઇમામો પેદા થશે. તેમાંના નવામાં ઇમામ નજરથી છુપાએલા રહેશે.’ આજ કારણ છે કે ખુદાવંદે આલમે ફરમાવ્યું :
‘(અય રસુલ!) તમે કહી દો કે ભલા જુઓ તો કે જો તમાં પાણી જમીનની અંદર ચાલ્યું જાય તો કોણ એવું છે જે તમારા પાણીને બહાર કાઢી ઝરણારૂપે વહેતું કરે છે?’ એમના માટે (હઝરત મહદી (અ.સ.) માટે) એટલી લાંબી ગયબત હશે કે એક સમૂહ તો તેમના ઉપર ઇમાન અને અકીદાથી મોંઢું ફેરવી લેશે. જ્યારે બીજો સમૂહ પોતાની શ્રદ્ધા ઉપર ચલિત થયા વગર સ્થિતિ રહેશે. પછી તે અંતિમ યુગમાં દ્રશ્યમાન થશે અને દુનિયાને ન્યાય અને સમાનતાથી એવી રીતે ભરી દેશે જેવી રીતે ઝુલ્મ, ત્રાસ અને અત્યાચારથી ભરપુર હશે. (કિફાયતુલ અસર – 12)
આ પવિત્ર આયતમાં ઇમામ મહદી (અ.સ.) ના પવિત્ર અસ્તિત્વ ની સરખામણી જમીનમાંથી નીકળી ઝરણારૂપે રૂચિકર પાણીથી કરવામાં આવી છે.
આ ટૂંકી ચર્ચા એ વાતનો નિર્દેશ કરે છે કે હઝરત ઇમામ મહદી (અ.સ.) નું જાહેર થવું તેમની ગૈબત અને બીજી બધી વિશેષતાઓ અને આપ હઝરત (અ.સ.) નો ઝીક્ર સંપૂર્ણ રીતે કુરઆને હકીમમાં મૌજુદ છે જેને શીયા સુન્ની બન્ને કબુલ કરે છે અને જેના ઉપર સર્વેને સંપૂર્ણ વિશ્ર્વાસ છે.
ખુદાવંદે આલમ પોતાના માનવંતા વલીઓના માધ્યમથી આ માનવજાતની અંતિમ આશા, હઝરત હુજ્જત અજ્જલલ્લાહો તઆલા ફરજહુ શરીફના ગયબતને સમાપ્ત કરે અને આપ (અ.સ.)ના ઝુહરને જલ્દી કરે અને આપણને તે હઝરત મહદી (અ.સ.)ના મદદગારોમાં અને નાસિરોમાં ગણના કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *