૧૪૦૯ Category

‘નહજુલ બલાગાહ’ માં ઇમામ મહદી (અ.સ.)

ગત વર્ષે શઅબાન મહિનાના ખાસ અંકમાં, ઇમામે ઝમાના (અ.સ.) વિશેની કુરઆનની આયતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શીઆ અને સુન્ની બન્ને ફિરકાના મુહદિસોએ નકલ કરેલ આ આયતો વડે અમે પુરવાર કર્યું હતું કે હઝરત ઇમામ મહદી (અ.સ.) વિશેનો અકીદો (માન્યતા) એક ઇસ્લામી હકીકત છે, તે માત્ર શીઆઓનો જ અકીદો નથી.
આ અંકમાં અમે મવલાએ કાએનાત હઝરત અલી અબી તાલિબ (અ.સ.) ના એ અકવાલ (કથનો) રજુ કરી રહ્યા છીએ કે જે તેમણે ઇમામે ઝમાના (અ.સ.) વિશે પોતાના ખુત્બાઓમાં ક્યાંક ક્યાંક બયાન કર્યા છે. આના ઉપરથી જાણવા મળે છે કે ઇમામ મહદી (અ.સ.) એમના વંશમાં કેટલીક પેઢીઓ પછી જન્મશે. ટૂંકમાં અમે એમના બે ખુત્બાઓમાંથી કેટલાક અવતરણો રજુ કરીએ છીએ.

મહદી (અ.સ.) કોણ?

ઇમામે હસન અસ્કરી (અ.સ.) ના નૂરેનઝર અને જનાબે નરજિસ ખાતુનના લખ્તે જીગર છે. એમનું મુબારક નામ ‘મિ’ ‘હય’ ‘મિમ’ ‘દાલ’, કુન્નિયત ‘અબુલ કાસિમ’ અને મશ્હર લકબો : ‘અલ મુન્તઝર’ ‘અલ મહદી’, ‘અલ કાએમ’, ‘અલ હુજ્જત’, ‘ખલફે સાલેહ’ અને ‘સાહેબુઝ – ઝમાન’ છે. તેઓ ઇસ્લામના પયગમ્બરના બારામાં જાનશીન અને હઝરત અલી (અ.સ.)ની અવલાદમાંથી છે.
રસૂલે ખુદા (સ.અ.વ.) ના નામ અને તેમની જેવી જ કુન્નિયત ધરાવનાર દેખાવમાં પણ હુબહુ આપ હઝરત (સ.અ.વ.) જેવા જ છે.
તેઓ બારમાં ઇમામ અને શીઆઓના છેલ્લા ઇમામ છે.
આપ બધાય નબીઓ અને વસીઓના સંપૂર્ણ ઇલ્મના વારીસ છે. આપે લાંબી જીંદગી મેળવવાની સાથે દરેક નબી અને ઇમામની એક એક નિશાની પણ મેળવી છે.
આપની બે ગયબતો છે : એક ગયબતે કુબરા અને બીજી ગયબતે સુગરા. ગયબતે કુબરાની મુદ્દત એટલી લાંબી છે કે કમજોર ઇમાનના લોકો આપના વજૂદ (અસ્તિત્વ) સંબંધે શંકામાં પડી જાય છે.
આપની પવિત્ર જીંદગીનો આ લાંબો સમય પણ વૃદ્ધત્વ (બુઢાપા)નો કોઇ અસર કે ચિહન નથી પેદા કરી શક્તો. આપ હંમેશાં જવાન રહેશે.
લોકોનું ભારે કઠીન ઇમ્તેહાન અને કસોટી થયા પછી આપનો ઝુહૂર થશે. અન્યાય અને અત્યાચારથી ભરાઇ ગયેલી આ ધરતીને અદલ અને ઇન્સાફથી ભરી દેશે. વેરાન અને ઉજ્જડ જમીન આબાદીઓમાં ફેરવાઇ જશે. અલ્લાહ સિવાય કોઇ બીજાની ઇબાદત કરવામાં નહિ આવે. આપણી મુશ્કેલીઓ આસાન થઇ જશે. ચિંતન અને વિચારોમાં તાજગી આવી જશે.

બીસ્મીલ્લાહ હીર રહમાન નરી રહીમ

બીસ્મીલ્લાહ હીર રહમાન નરી રહીમ
શરૂ કરું છું અલ્લાહ નામથી જે મહાન દયાળું,
મહેરબાન છે.
વ બે ઝીક્રે મવાલાના – અલ – મહદી (અ.ત.ફ.શ.)
અને અમારા મૌલા ઇમામ મહદી (અ.સ.) ના
નામથી (અલ્લાહ એમના ઝુહરને નજદીક કરે.)

બીરાદરાને મોઅમીન,

સલામુન અલયકુમ
અલ્લાહ પાકનો લાખો શુક્ર છે જેણે આપણને મોકો આપ્યો કે આપણે 15મી શાબાન જોવા માટે જીવતા રહ્યા.
અય કાશ કે એ જ પ્રમાણે પરવરદિગાર મોકો આપતે કે દરેક મોમીન 15મી શાબાન સાથે, ખુદ ઇમામે ઝમાના (અ.સ.)ના પવિત્ર દિદારથી પણ ધન્ય થતે! ઇમામ (અ.સ.) ના જન્મદિવસની સૌ પ્રથમ એ હઝરત ખુદને, પછી એમના જુદ્દે બુઝુર્ગવાર રસુલે અકરમ (સ.અ.વ.) ને અને અગિયાર ઇમામોને ખૂબ ખૂબ મુબારકબાદ! અને હા, એમની દાદી જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ને કેમ ભૂલાય? જરૂર જરૂર અય ફાતેમા ઝહેરા (સ.અ.) આપના ફરઝંદ રાહ જુએ છે, ક્યારે અલ્લાહનો હુકમ થાય અને ઝહુર કરે. આપના દુ:ખી દિલને આરામ પહોંચાડવાનો સમય નજદીક થઇ ગયો છે. !