Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૧ » અલ-મુન્તઝર માહે શાબાન

મહદી (અ.સ.)ની ચર્ચા અર્શ પર

Print Friendly

ઈતિહાસના બનાવો, પ્રસંગો અને ઘટનાઓથી કાંઈક એવું પરિણામ નીકળે છે કે દિલ અને દિમાગ ધરાવતા, ન્યાય પ્રીય સંશોધન કરનારા અને જ્ઞાન પીપાસુ માનવીઓને દિગ્મુઢ નથી કરી દેતા બલ્કે તેમને ખુદાંવદે મોતઆલ તરફથી કોઈ અડગ નિર્ણય અથવા અલ્લાહના સર્જનોની મહાનતાના દિદાર કરીને સર્વશકિતમાન બેનીયાઝની સામે માથુ ઝુકાવીને તેને માટી ઉપર રાખીને તેની કુદરતનો સ્વિકાર કરવા મજબુર કરી દે છે.

આ વાત સમજમાં નથી આવતી કે એક બાજુ લોકોની હિદાયતનો પ્રશ્ન અને બીજી તરફ રસુલે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર જીવન પછી અરબસ્તાનના વાતાવરણમાં એવું ઝેર ફેલાઈ ગયું જેનો સામનો અજ્ઞાનતાના ઝમાનાના મક્કાના કુરયશીઓથી પણ ન થઈ શકયો. એક તરફ નબુવ્વતના અનુયાયીઓ અને સંસ્કારી થોડી વ્યકિતાઓ પર આધારિત સમૂહ અને બીજી તરફ મોહાજીર અને અન્સારની ઘણી ભારે સંખ્યા જેના માટે મૌલાએ કાએનાતે કહ્યું હતું કે આ ખિલાફત એક ઉંટણી જેવી છે જેની લગામ મેં તેનીજ ઉપર નાખી દીધી. મસ્જીદમાં કયારેક જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ફરિયાદ ગુંજી ઉઠી જ્યારે બાગે ફીદક આપની પાસેથી છીનવી લેવામાં આવ્યો. કયારેક રાતના સન્નાટામાં બયતુલ હુઝન જન્નતુલ બકીઅથી મઅસુમએ કવનયનની દિલ હલાવી દે તેવી રડવાની આહો બુકા સંભળાઈ. કયારેક અલી (અ.સ.)ને દોરડુ બાંધીને ખેંચવામાં આવ્યા, કયારેક આપના ઘરને આગ લગાડવામાં આવી. આ બધા તો એજ લોકો હતા જે રસુલે ખુદા (સ.અ.વ.)ના તબ્લીગના સમૂહ અને બેઠકમાં વરસો સુધી શ્ર્વાસ લઈ ચૂકયા હતા. આ એકાએક આટલી મોટી ક્રાન્તી કેમ આવી? આ એક સવાલમાં બીજા પણ અનેક સવાલો ઉભા થાય છે. બધા સવાલોમાંથી એક સવાલ સૌથી મોટો, જવાબ ન આપી શકાય તે એ છે કે તે હદીસો જેને ‘હદીસે કુદસી’તરીકે ઓળખવામાં આવે છે અને જે ચિંતન અને મનન કરવા માટે પ્રેરે છે અને જે કુરઆનની પાકીઝા અને રહસ્યભરી હકીકતોની તફસીર અને સમજ આપનારી છે, જેમા અલ્લાહ તઆલાએ નિમણુંક કરેલા સૌથી વધુ પ્યારા અને સૌથી વધુ મહાન નબીને અલ્લાહ તબારક વ તઆલાની તરફથી કોઈ કથન કે કથનો એવા નથી છોડયા કે જેના શબ્દો દિલમાં સંઘરાએલા હોય. તો શું આવા મહાન પયગમ્બર (સ.અ.વ.)ની જાનશીનીની વાત અલ્લાહે નહી જણાવી હોય? જેથી ઉમ્મતમાં હઝરત (સ.અ.વ.)ની વફાત પછી ફીત્ના ઉભા ન થાય?

અફસોસ તો એ જ વાતનો છે આટલી બધી સચોટ દલીલો અને હદીસે કુદસીનો એક સિલસિલો છે જે નબી કરીમ (સ.અ.વ.)ની મુબારક જીભે પોતાના વરાસદારોના બારામાં ખૂબજ વિસ્તાર પૂર્વક અને ભરપૂર સ્પષ્ટીકરણ સાથે બયાન ફરમાવી છે. કયાંયથી કોઈ ઈન્કાર અથવા અર્થઘટનનો અવકાશજ નથી.

શીઆ ઈસ્નાઅશરી અકીદાઓમાં સૌથી મજબુત અને તૂટી ન જાય તેવી રસ્સી ઈમામતની છે. આજે ઈસ્લામની બહુમત સંખ્યા કોઈપણ મજબુત અને સચોટ દલીલ વગર મહદવીય્યતના વિષય પર જે ઝગડા ફસાદ છે તેની ઉાપર ઈસ્લામની લોકશાહીએ ઘણી ખયાનત કરી છે, ભલા ભોળા લોકોને ખૂબજ અંધારામાં રાખ્યા છે. હઝરત મહદી અજ. નો જન્મ, આપનું અસ્તિત્વ, આપનું બરકતવાળુ વ્યકિતત્વ, આપની રેહબરી, પયગમ્બરે ઈસ્લામની આપની વારસદારી, કુરઆન અને ઈસ્લામના રક્ષક હોવા આ બધું ઈસ્લામની લોકશાહીમાં દાસ્તાની હૈસીયત પણ નથી ધરાવત તે છતાં આ પ્રકારનું દુર્લક્ષ સેવવા પછી પણ કુદરતના કરિશ્મા આપના વ્યકિતત્વ સંબંધે ગાઢ અંધકારમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે. આ અલ્લાહની કરામત છે કે તેણે પોતાની હુજ્જતને ગયબતના પરદામાં રાખીને પણ એવી વ્યવસ્થા ગોઠવી દીધી છે કે બુધ્ધીશાળી લોકો, સમજદાર અને વિદ્વાન લોકો તેનો ઈન્કાર કરી શકતા નથી.

અમે હદીસે કુદસીના જ પ્રકાશમાં થોડી હદીસોની વાત કરવા માગીએ છીએ જેથી તૌહીદ, રિસાલત અને ઈમામતના જાણકારો એ વાત દિલમાંથી કાઢી નાખે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ પોતાના અંતિમ વારસદાર સુધી ઓળખાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. દરેક પ્રસંગ પર દરેક તકે રસુલુલ્લાહ (સ.અ.વ.)મે આ અરબોને સમજાવ્યા, ખાત્રી કરાવી અને તેઓને આસમાની લખાણો દેખાડી પણ દીધા. તે પછી પણ તે ઝમાનાના મુસલમાનોની બદનસીબી સિવાય શું કહેવું, બધુ કરીને પોતાની આખેરતના પાલવામાં ઝવેરાતને બદલે ઠીકરા ભરી લીધા. કુરઆને મજીદમાં સુરે ઈસરાની પહેલી આયતે કરીમા છે:

“પાક અને પાકીઝા છે તે ઝાત જે પોતાના બંદાને મસ્જીદુલ હરામથી મસ્જીદે અકસા સુધી લઈ ગઈ જેના અતરાફને અમે બરકતવાળા બનાવ્યા, જેથી અમે અમારી અમુક નિશાનીઓ દેખાડીએ.”

જાહેર છે કે જ્યારે આપ (અ.સ.)એ મેઅરાજનો પ્રસંગ દોહરાવ્યો હશે ત્યારે અસહાબોએ ખણ ખોદ કરીને આસમાનો ઉપર દેખાતી પ્રકાશિત જગ્યાઓના બારામાં શું શું નહિ પૂછયું હોય. દરેક વખત તે કબીલાની-કુટુંબની રિવાયતોને આં હઝરત (સ.અ.વ.) એ દોહરાવી હશે જે આપના વારસદારોના બારામાં હતી. અહિં આશ્ર્ચર્યની વાત એ છે કે ત્રણ ખલીફાઓના ઝમાનામાં હદીસોને કહેવા-સાંભળવા ઉપર ભારે પ્રતિબંધ હતો તેમ છતાં હઝરત (સ.અ.વ.)ની જીભ ઉપર વહેલા વહીના કલામો જાહેરમાં પ્રકાશિત થઈને રહ્યા. દાખલા તરીકે અલકમા બીન કયસ કહે છે: હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ અમારી સામે લોઅલોઅતનો ખુત્બો ઈરશાદ ફરમાવ્યો… અને આપે ત્યાં સુધી ફરમાવ્યું કે એક માણસ કે જેનું નામ આમીર બીન કસીર હતું, તે લોકો વચ્ચેથી ઉભા થયા અને કહ્યું: મને કાફરો અને બાતીલોના ઈમામોના બારામાં માહિતી આપો અને તેના પછી બરહક અને સાચુ બોલનાર ઈમામો જે આપ (અ.સ.)ની પછી ઈમામતના સ્થાન ઉપર બિરાજમાન હશે તેઓના બારામાં પણ મને જણાવો.

આપ (અ.સ.) એ ફરમાવ્યું: આ તે હોદ્દો છે જે રસુલે ખુદા (સ.અ.વ.) એ મને અર્પણ કર્યો છે. તેમણે મને ખબર આપી છે કે ઈમામના હોદ્દા ઉપર બાર પવિત્ર હસ્તીઓ બિરાજમાન થશે. તેઓના નવ, ઈમામ હુસયન (અ.સ.)ના વંશમાંથી હશે. પયગમ્બરે ગીરામી (સ.અ.વ.) એ યકીન સાથે મને કહ્યું: જ્યારે મને આસમાનની સફર કરાવવામાં આવી ત્યારે આસમાન પર અચાનક મારી નજર એક લખાણ ઉપર પડી તેમાં લખેલું હતું લા એલાહ ઈલ્લલ્લાહ, મોહમ્મદુર રસુલુલ્લાહ અય્યદતોહુ બે અલીયીન (ખુદા અલ્લાહની સિવાય કોઈ નથી, મોહમ્મદ (સ.અ.વ.) ખુદાના રસુલ છે અને મેં અલીની મારફતે તેમની મદદ કરી છે)

અને મેં બાર નૂર જોયા. રસુલ (સ.અ.વ.) એ ખુદાને પૂછયું મારા પરવરદિગાર આ નૂર કોના છે? જવાબ મળ્યો: એ મોહમ્મદ (સ.અ.વ.)! આ નૂર ઈમામોના છે જે તમારા વંશમાં છે.

હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ઈરશાદ ફરમાવ્યું: પછી મેં રસુલ (સ.અ.વ.)ને પૂછયું: અય રસુલુલ્લાહ! શું તેઓના નામો આપ (અ.સ.) ઈરશાદ ફરમાવશો? આં હઝરત (સ.અ.વ.) એ તેના જવાબમાં ફરમાવ્યું ‘એ અલી! મારા પછી તમે મારા વારસદાર હશો, મારા કરજને અદા કરશો અને મારા વચનોને પૂરા કરશો (તે પછી એક એક ઈમામના નામ આં હઝરત સ.અ.વ. એ વહીની જબાની ઈરશાદ ફરમાવ્યા) ત્યાં સુધી કે અલી નકી (અ.સ.) પછી આપના ફરઝંદ હસન (અ.સ.) હશે જેને લોકો અમીનના નામથી યાદ કરશે તેમના ફરઝંદ ‘કાએમ’ છે. જે મારા નામેરી અને મારા ચહેરાને મળતા હશે. તે દુનિયાને ન્યાય અને ઈન્સાફથી ભરી દેશે જે રીતે તે અત્યાચારોથી ભરેલી હશે.’ (કિફાયતુલ અસ્ર, પા. 213-219, ‘બેહારૂલ અન્વાર’માં પણ છે.)

આવીજ રીતે ઈમામ જઅફર સાદિક (અ.સ.) પોતાના બાપ દાદાઓની રિવાયત કરે છે કે: રસુલે અકરમ (સ.અ.વ.) જ્યારે આસમાનોની સફરના માટે મેઅરાજ ઉપર ગયા ત્યારે બયાન ફરમાવ્યું: ‘મારા ખુદાએ કહ્યું જરા માથુ ઉચું કરીને જૂઓ. હવે જ્યરો મેં જોયુ તો ચમકતા પ્રકાશમાં નૂરે અલી (અ.સ.)મ ફાતેમા (સ.અ.), હસન, હુસયન (અ.સ.), અલી હુસયનના પુત્ર, મોહમ્મદ અલીના પુત્ર, જઅફર મોહમ્મદના પુત્ર, મુસા જઅફરના પુત્ર, અલી મુસાના પુત્ર, મોહમ્મદ અલીના પુત્ર, અલી મોહમ્મદના પુત્ર, હસન અલીના પુત્ર અને મોહમ્મદ બીન હસન અલ કાએમ (અ.સ.)ના ભવ્ય નામો મારી સામે હતા અને મેં જોયું કે છેલ્લુ નામ મઅસુમીન ઈમામોની વચ્ચે સુંદર રીતે ચમકી રહ્યું હતું.’ પછી રસુલે ખુદા (સ.અ.વ.) એ ઈરશાદ ફરમાવ્યું: કે આ કોના મહાન નામો છે. ખુદાવંદે મોતઆલએ ઈરશાદ ફરમાવ્યું કે આ બધા ઈસ્લામના પેશ્વાઓ છે અને એજ કાયમ છે, દુનિયામાં મેં જેને હલાલ કર્યું છે તેને તે હલાલ ગણશે અને જેને મેં હરામ કર્યું છે તેને હરામ કહેવરાવશે. (કમાલુદ્દીન, ભા. 1, પા. 252, પ્ર. 23, હદીસ-2)

હઝરત ઈમામ અલી બીન મુસરરઝાથી રિવાયત છે કે આપ (અ.સ.) એ પોતાના પવિત્ર મઅસુમીન (અ.સ.)ના પૂર્વજોના સિલસિલાને નકલ કરીને ફરમાવ્યું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જ્યારે મને મેઅરાજ ઉપર લઈ જવામાં આવ્યો તો મેં અરજ કરી, અય પરવરદિગાર! મારા વારસદારો કોણ છે? બસ, એક અવાજ સાંભળ્યો કે તેઓના નામો અર્શના પાયા ઉપર લખેલા છે. જ્યારે અર્શ તરફ જોયું તો 12 નુરની ચમકતી રોશનીઓ જોઈ. તેમાંની દરેક રોશની નૂરની લીલી લાઈન પર લખેલી ચમકી રહી હતી. બાર ઈમામોના નામો લખેલા હતા અને આખરી નામ મારી ઉમ્મતના મહદી હશે, એ લખેલું હતું. (કમાલુદ્દીન ભાગ 1, પા. 254, પ્ર. 23, હ. 4, યનાબીઉલ મોવદ્દત પા. 486)

જનાબે ઉમ્મે સલમાથી રિવાયત છે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: જ્યારે હું અર્શ ઉપર શબે મેઅરાજ ગયો, તો મેં અરજ કરી, એ પરવરદિગારા આ નૂર જે હું જોઈ રહ્યો છું તે કોના છે. તો બારી તઆલાએ ઈરશાદ ફરમાવ્યું, એ મોહમ્મદ (સ.અ.વ.) આ નુર અલી, ફાતેમા અને બીજુ નુર હસન અને હુસયન (અ.સ.)નું છે અને તે નુર જે તમે જોઈ રહ્યા છો તે તમારી ઉમ્મતના પેશ્ર્વાઓનું છે જે હુસયનના વંશમાંથી થશે અને અંતમાં જે નુર છે તે ‘હુજ્જત’નું છે જે દુનિયાને ન્યાય અને ઈન્સાફથી ભરી દેશે. (કિફાયતુલ આસાર પા. 185-186, બેહારૂલ અન્વાર, ભાગ. 36, પા. 348, હ. 217)

(નોંધ: શબે મેઅરાજ રસુલે અકરમ (સ.અ.વ.) એ ઘણા મૌકા ઉપર પોતાની આખરી હુજ્જતના માટે વિગતો આપીને વર્ણનો કર્યો છે જેમાંથી નમુના રૂપે સુજ્ઞ વાંચકોના માટે ટુંકાવીને નકલ કરવામાં આવ્યા છે).

જેવી રીતે શબે મેઅરાજની ઘટનામાં પયગમ્બરે ઈસ્લામને વારસદારીના મસઅલામાં એક ખાસ હયસીયત પ્રાપ્ત હતી, તેવીજ રીતે અહાદીસે કુદસીમાં સિલસિલાબંધ અને સર્વમાન્ય ‘હદીસે લવ્હ’ ઘણે સ્થાને બયાન થઈ છે. ખાસ કરીને પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની વફાત પછી હઝરત મહદી (અજ.) ના નામ સુધીના નામો લખવામાં આવેલા છે જે કુદરતના કાનુન અને અલ્લાહના ઉસુલોનું રક્ષણ અને મુસલમાનોની ઉમ્મતની હિદાયત માટે અલ્લાહ તઆલા તરફથી નિયુકત થશે અને આં હઝરત (સ.અ.વ.)ના વારસદાર થશે.

જાબીર બીન અબ્દુલ્લાહ અન્સારી (ર.હ.) નોંધ કરે છે કે ઈમામ હુસયન (અ.સ.)ના જન્મના દિવસે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરે ગયા ત્યાં એક લીલા રંગની તખ્તી જે ઝમરૂદ જેવા કિંમતી પથ્થર જેવી હતી, તેના દિદારનો મૌકો નસીબ થયો, જેના ઉપર સફેદ અક્ષરોથી જે શબ્દો નુરની જેવા હતા તે ઉભરી રહ્યા હતા. તેનો દેખાવ ચમકતો અને ખુબસુરત હતો જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને જ્યારે આ તખ્તીના બારામાં પૂછયું તો મઅસુમએ કવનયન (સ.અ.)એ ઈરશાદ ફરમાવ્યું: ‘જાબીર આ તખ્તી મારા પરવરદિગારે મને મોકલી છે જેની ઉપર મારા બાબાનું નામ, મારા શવહરનું નામ અને મારા બન્ને ફરઝંદોના નામો લખાએલા છે અને મારા તે ફરઝંદો જે પયગમ્બરના વારસદારો બનશે તેઓના મહાન નામો લખેલા છે.’ તે તખ્તી રસુલે અકરમ (સ.અ.વ.)ની પુત્રીએ મારા હાથમાં આપી દીધી. મે તેને મારા મોઢા ઉપર મસ કરી.

હ. જાબીર (અ.ર.) એ આ પ્રસંગ હઝરત મોહમ્મદ બાકીર (અ.સ.)ની ખિદમતમાં તેમની બારગાહમાં હાજર થયા પછી નકલ કર્યો. હઝરત (અ.સ.) એ જાબીરને કહ્યું “તેની નકલ જે તમારી પાસે છે તે મને દેખાડો. હઝરત જાબીર (ર.હ.) એ હરણની એક પાતળી ખાલ જે તેમના પાસે મૌજુદ હતી તે હઝરત (અ.સ.)ની ખિદમતમાં રજુ કરી દીધી અને કહ્યું કે ‘ખુદાવંદે મોતઆલને સાક્ષી રાખીને કહું છું કે ઉપરોકત વર્ણન કરેલ જે તખ્તી ઉપર લખાએલું હતું તેની નકલ કરી છે.’ તે જ નકલમાં હઝરત વલી અસ્ર (અજ.) ના બારામાં જે લખાણ છે તેનો છેલ્લો ભાગ વાંચકોનાં માટે નકલ કરીએ છીએ:

“તેના પછી આપના વંશ (ઈમામ અલી નકી અ.સ.)થી હસન અસ્કરી (અ.સ.)ને આ દુનિયામાં અસ્તિત્વ આપીશ જે મારા ઈલ્મનો ખજાનેદાર હશે. તે પછી હું હસન અસ્કરી (અ.સ.)ના ફરઝંદ ‘મીમ-હય-મીમ-દાલ’જે દુનિયાના લોકો માટે દયાવાન હશે, તેને પૈદા કરીશ. તે આ દુનિયાને કમાલ ઉપર પહોંચાડશે. તે મુસા (અ.સ.)ની હયબત, ઈસા (અ.સ.)ની કુદરત અને અય્યુબ (અ.સ.)ના સબરનું પ્રતિબિંબ ધરાવતા હશે અને આ તેજ હશે જે મારા અવલીયાઅ અને દોસ્તોના આગેવાન અને સરદાર હશે. તેની ગયબતમાં મારા ચાહનારા પરેશાન હશે. તેઓના માથાઓને ભેટ રૂપે જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવશે. જેવી રીતે (આ ઝમાનાના કાફરો તૂર્ક દયલમના માથાઓની સાથે વર્તણુંક કરે છે) બસ કતલ થશે. આગમાં સળગાવી દેવામાં આવશે. ડરેલા અને ભય પામેલા પરેશાન દિલ રહેશે. તે (નિર્દોષો)ના ખુનથી ઝમીન રંગીન થઈ જશે. તેમની સ્ત્રીઓનું રડવું અને ફરિયાદ વધી જશે. બેશક તે મારા (મહેબુબ બંદા) વસીઓ હશે અને તેઓને ખાતર એ થશે કે (હું મારા ખાસ બંદાઓ મારફતે) દરેક ફીત્ના અને ફસાદના અંધકારને દૂર કરીશ. તેઓની ધ્રુજી રહેલી પીંડલીઓને સ્થીરતા અને સાબીત કદમી બક્ષીશ. તેઓની પડી ભાંગેલી હિંમત, પરેશાનીઓ અને સખ્તીઓને દૂર કરી દઈશ. ખુદાની રહેમત થાય તેઓના ઉપર અને તેઓ નેક રસ્તા ઉપર હિદાયત પામેલા હશે.’

આ હદીસ માટે અબુ બસરીએ કહ્યું જો આખી ઝીંદગીમાં કોઈ બીજી રિવાયત ન હતે તો આ હદીસ તેઓના માટે પૂરતી હતી. (‘જામેઉલ અખયાર-અલ જવાહેરૂલ સુન્નીયહ’‘ઈરશાદુલ કોલુબ’)

બીજી રિવાયત અબુલ મુફઝઝલે આએશાથી પાંચ રીતે બયાન કરી છે. આએશાથી રિવાયત છે કે મારા ઘરમાં એક ઓરડો હતો ત્યાં એક પત્થર હતો. જનાબે રસુલે ખુદા (સ.અ.વ.) હઝરત જીબ્રઈલ સાથે મુલાકાત કરવાનો ઈરાદો કરતા ત્યારે તેના ઉપર બિરાજમાન થતા. એક વખત હઝરત (સ.અ.વ.) એ જીબ્રઈલ (અ.સ.) સાથે મુલાકાત કરી ત્યારે આપ (સ.અ.વ.) એ ઈરશાદ ફરમાવ્યું કે બીજા કોઈને મારી પાસે આવવાની પરવાનગી નથી. તે દરમ્યાન હુસયન (અ.સ.) બીન અલી (અ.સ.) તશ્રીફ લાવ્યા અને પોતાના નાના પાસે ચાલ્યા ગયા. હું કોઈ કામમાં રોકાએલી હતી અને જોયું નહિ કે તે આં હઝરત (સ.અ.વ.)ની પાસે કયારે પહોંચી ગયા તેથી હું તેમને રોકી ન શકી. બસ જીબ્રઈલે હઝરતને પૂછયું, ‘આ કોણ છે?’ આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, ‘મારો ફરઝંદ હુસયન છે!’ જીબ્રઈલે હઝરત હુસયન (અ.સ.)ની શહાદતની ખબર આપી અને તે કરબલાની જમીન પણ દેખાડી જ્યાં હઝરત (અ.સ.) શહીદ થશે અને તેની માટી પણ હઝરત (સ.અ.વ.)ની ખિદમતમાં રજુ કરી. આ હઝરત (સ.અ.વ.) એ કરબલાના બનાવને સાંભળ્યો તો રડવા લાગ્યા. જીબ્રઈલે કહ્યું, ‘ગમ ન કરો અને રડો નહિ. આ ફરઝંદની નવમી નસલમાંથી આપની અહલેબય્તના ‘કાએમ’ હશે અને તે બદલો લેશે. પછી કહ્યું (હઝરત હુજ્જતના બારામાં) તે એમના (એટલે કે હસન અસ્કરી અ.સ.)થી પૈદા થશે. એટલે ખુદાવંદે મુતઆલ પોતાના સુંદર કલેમા, સાચી ઝબાન અને ઝળહળતા હકને પોતાની હુજ્જત બનાવીને મોકલશે (અને ખુદાએ ફરમાવ્યું છે કે તે મારા સર્જનો ઉપર મારી હુજ્જત હશે). (કીફાયતુલ અસ્ર, બેહારૂલ અન્વાર-અબ્કરીયુલ હેસાન)

‘બેહારૂલ અન્વાર’, ‘ઈકબાલુલ અઅમાલ’, ‘અબ્કરીયુલ હેસાન’માં છે કે સય્યદ ઈબ્ને તાઉસ વિસ્તારથી ખબરે મુબાહેલાને સહીફાએ ઈબ્રાહીમ (અલા નબીય્યેના વ આલેહી વ અલયહિસ્સલામ)થી નકલ કરે છે:

ઈબ્રાહિમ (અ.સ.) એ નઝર કરી પછી આપે આખરી પયગમ્બર (સ.અ.વ.)ને એવી રીતે જોયા કે આપની જમણી બાજુ હઝરત અલી (અ.સ.) હતા… આપે આ રીતે ચૌદ મઅસુમોની ઝિયારત કરી અને ખુદાવંદે આલમે બધાની ઓળખાણ કરાવી અને અંતમાં હઝરત મહદી (અજ.)ની ઓળખ કરાવીને ફરમાવ્યું: “અને આ મારો વાયદો છે કે તેની મારફતે દરેક વસ્તીમાં મારી રહેમત વરસશે અને તેના દ્વારા અમે અમારા નેક બંદાઓને ઝીનત અતા કરશું. આ બધું એ સમયે થશે જ્યારે અમારા બંદાઓ અમારી રહેમતથી નિરાશ થઈ ચૂકયા હશે અને આશા છોડી દીધી હશે કે અમે તેઓની ફરિયાદને નહિ સાંભળીએ.

બસ જ્યારે મારા મોહમ્મદને યાદ કરો અને તેમની ઉપર સલામ મોકલો ત્યારે તેની સાથે વસીઓ ઉપર (જરૂર) સલવાત મોકલતા રહો.’

અબ્દુલ્લાહ બીન સુલયમાન બુધ્ધિમાન વ્યકિત હતો. જેને આસમાની કિતાબો પર પ્રભુત્વ હતું. તે બયાન કરે છે. (અહિં હદીસના બે ભાગ જે હઝરત મહદી (અ.સ.)ને લગતા છે તેજ લખ્યા છે) હઝરત ઈસા (અ.સ.) એ પૂછયું: ખુદાવંદા! તૂબા શું છે? અવાજ આવ્યો: તે જન્નતનું એક ઝાડ છે જે આખી જન્નત ઉપર છાંયો કરી રહ્યું છે તેને મેં ખુદ ઉછેર્યું છે. તસ્નીમના ઝરણાનું પાણી મેં તેને પાયું છે. આ તે ઝરણું છે જેની ઠંડક કપુર જેવી છે અને તેનો સુંદર સ્વાદ ઝન્જબીલ જેવો છે. જો કોઈ એક કુંજો પી લે તો તેની પછી તેને કયારેય પણ તરસ નહિ લાગે.

હઝરત ઈસા (અ.સ.) એ ફરમાવ્યું: ‘મારા પરવરદિગાર! તે પાણી મને પણ આપ’ખુદાવંદે મોતઆલે ફરમાવ્યું: ‘આ ઝરણાનું પાણી માણસો માટે હરામ છે તે સમય સુધી કે મારો મહેબુબ પયગમ્બર તેમાંથી ન પી લે. એ ઈસા હું તમને ઉપર બોલાવી લઈશ અને તમે આસમાન ઉપર ત્યાં સુધી રહેશો જ્યાં સુધી છેલ્લો ઝમાનો આવી જશે, પછી તમને ફરીવાર નીચે જમીન ઉપર ઉતારીશ જેથી તમે તે ઉમ્મતના બુઝુર્ગ અને મહાન સંદેશ વાહકને જૂઓ અને તેની સાથે મળીને દજ્જાલની સાથે લડાઈ કરો. હું તમને તે સમયે ઉતારીશ કે જ્યારે નમાઝના સમયે તમે તેની બાજુમાં-કિનારે હશો. આ જેના ઉપર રહેમત ઉતારવામાં આવી છે, તે ઉમ્મત છે.’ (કમાલુદ્દીન ભા. 1, પા. 261, હદીસ 18, આમાલીએ શયખ સદુક)

આ ઉપરાંત હદીસે મીસાકના બારામાં પણ લખવું જરૂરી લાગે છે.

ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

ખુદાવંદે મોતઆલે પયગમ્બરો પાસેથી વાયદો અને વચન લીધું: ‘શું હું તમારો પરવરદિગાર નથી? શું મોહમ્મદ (સ.અ.વ.) મારા પયગમ્બર નથી? અને શું અલી (અ.સ.) મોઅમીનોના સય્યદ અને સરદાર નથી? સૌએ ઈકરાર કર્યો બસ, આજ દલીલથી તે પવિત્ર હસ્તીઓની, પયગમ્બરના વારસ હોવાની વાત સાબિત થઈ જાય છે.

તે પછી ઓલુલ અઝમ પયગમ્બરો પાસેથી વચન લીધું:

‘હું તમારો પરવરદિગાર છું, મોહમ્મદ (સ.અ.વ.) મારા પયગમ્બર છે. અલી (અ.સ.) મોઅમીનોના સરદાર અને તેમના પછી તે મારા વારસદાર હશે જે મારા તરફથી ફરમાન કરનાર અને નિગાહેબાન હશે અને તે મારા ઈલ્મનો પ્રકાશ ફેલાવનારા હશે અને મહદી (અ.સ.) તે છે કે હું તેમના હાથ અને બાવડાની શકિતથી મારા દીનની મદદ કરીશ. મારી જાતની ઝલકને પ્રકાશિત કરીશ. દુશ્મનો સામે બદલો લઈશ. દુનિયાના ખુણે ખુણામાં મારીજ ઈબાદત થશે અને માત્ર મારાજ હુકમો ચાલશે. પછી તે જુએ તો લોકોને સારા લાગે કે ન લાગે તેની ઈચ્છા હોય કે ન હોય પરંતુ આ થઈને રહેશે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.