ખાકે શીફા

Print Friendly, PDF & Email

ખુદાવંદે આલમે હઝરત ઈમામ હુસયન અલયહિસ્સલામને તે વિશેષતાઓ આપી છે જેને સમજવી ઈન્સાનની શકિત બહાર છે. ઈન્સાન પોતાની તમામ ઈલ્મી અને અર્થપૂર્ણ મહેનત પછી પણ તે સ્થાનો ઉપર નથી પહોંચી શકતો જે ખુદાવંદે આલમે ઈમામ હુસયન (અ.સ.)ના અસ્હાબોને અર્પણ કર્યા છે. જો આપણે ઈમામ હુસૈન (અ.સ.)ના સાથીદારોની વિશેષતાઓની કલ્પના નથી કરી શકતા તો ખુદ ઈમામ હુસૈન (અ.સ.)ની અઝમતોનો શું અંદાજો કરી શકીએ. અસ્હાબોની અઝમત માટે શું એ ઓછું છે કે મઅસુમ ઈમામો (અ.સ.) તેઓની ઝિયારત કરતા હતા. તેમજ લોકોને તાલીમ આપતા હતા કે અસ્હાબની ઝિયારત કરતી વખતે આ વાકયો અદા કરે:

بِاَبِیْ اَنْتُمْ اُمِّیْ طِبْتُمْ وَ طَابَتِ الْاَرْضُ الَّتِیْ فِیْہَا دُفِنْتُمْ

મારા મા-બાપ આપ ઉપર કુરબાન આપ પાક અને પાકીઝા થઈ ગયા અને તે જમીન પણ પાક થઈ ગઈ જેમાં આપ દફન છો. આપ હઝરતો સફળતાના મહાન શીખર ઉપર બિરાજ્યા છો. અફસોસ! હું પણ આપની સાથે હતે અને આપની સાથે સફળતા ઉપર પહોંચતે (ઝિયારતે વારેસા)

ખુદાવંદે આલમે હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ને આ વિશેષતાઓ આપી છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

1) હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના ગુંબજ નીચે દોઆ કબુલ થાય છે.

2) તેમની તુરબતમાં શેફા છે.

3) ઈમામત તેમના વંશમાં છે.

(મુસ્તદરકુલ વસાએલ નવી આવૃત્તિ, 10-335, હદીસ: 15)

આ લેખમાં ખાકે શફા અંગે ચર્ચા કરવી છે. આપ જૂઓ કે આ માટીનું શું મહત્વ છે. કરબલાની જમીનને બાકીની જમીનો કરતા કઈ ફઝીલતો મળેલી છે. આ માટી કોણે કોને આપી અને તે વ્યકિતએ તેને કેવું સન્માન આપ્યું. મઅસુમોએ આ માટીનો કેવી રીતે ઉપયોગ કર્યો. આ માટીની અસરો શું છે? જે લોકોએ તેની હુરમત ન જાળવી તેનો અંત કેવો આવ્યો?

કરબલાની જમીન અને અમ્બીયા (અ.મુ.સ.):

કરબલાની જમીન પહેલેથી જ અમ્બીયા (અ.સ.)ની ઝિયારતનું સ્થળ રહી છે. જનાબે આદમ, જનાબે નૂહ, જનાબે ઈબ્રાહીમ, જનાબે ઈસ્માઈલ, જનાબે યુશઅ બીન નુન, જનાબે સુલયમાન, જનાબે ઈસા અલયહેમુસ્સલામ આ જમીન ઉપરથી પસાર થયા. રિવાયત મુજબ તો એવી પરિસ્થિતિ ઉભી થઈ કે અમ્બીયા (અ.સ.)નું ત્યાંથી પસાર થવું જરૂરી બન્યું. દરેકને ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદતનું વર્ણન કરવામાં આવ્યું. દરેક રડયા અને આપના કાતીલ ઉપર લઅનત કરી. સીફફીનના રસ્તે હઝરત અલી (અ.સ.) પણ ત્યાંથી પસાર થયા. અને મોટા અવાજે ઈબ્ને અબ્બાસને કહ્યું:

‘એ ઈબ્ને અબ્બાસ! તમે આ જગ્યાને ઓળખો છો?’ અરજ કરી: ‘અમીરૂલ મોઅમેનીન, હું આ જગ્યાને નથી જાણતો.’

ફરમાવ્યું: ‘જો તમે જાણતે તો તમે પણ મારી જેમ રડતે.’ તે પછી હઝરત અલી (અ.સ.) એટલા રડયા કે આપની મુબારક દાઢી આંસુઓથી તર થઈ ગઈ. ફરમાવ્યું:

‘અહીં તેઓની સવારીઓ ઉતરશે, અહીં તેઓના તંબુઓ ઉભા થશે. અહીં તેઓનું ખુન વહાવવામાં આવશે. આલે મોહમ્મદના જવાનોનો એક સમુહ અહીં શહીદ કરવામાં આવશે. જીબ્રઈલે તેની તુરબત મને દેખાડી છે.’ (મોઅજમે કબીર તિબરાની 3/115, હ. 2819 હવાલો: અસરા રૂશ્શહાદહ ભા. 1/270 નવી પ્રત)

આ બનાવોથી અંદાજ આવી જાય છે કે કરબલાની જમીન શરૂઆતથી જ મુલ્યવાન અને પવિત્ર છે. તે શહાદત કેટલી ભવ્ય હશે જેનું આ રીતે સન્માન જાળવવામાં આવે છે.

કરબલાની જમીન અને કાબા:

અસંખ્ય રિવાયતોથી જાણવા મળે છે કે ખુદાવંદે કરીમે કરબલાની જમીન કાબાની જમીનથી 24 હજાર વરસ પહેલા પૈદા કરી.

1) કાબાથી પહેલા કરબલાને હરમ (પવિત્ર) ગણી

2) આ જમીન દુનિયાના સર્જનોની પહેલા મુબારક હતી.

3) આ જમીન એવી જ રીતે પવિત્ર અને મુબારક રહેશે અને આ જ જમીન જન્નતની સૌથી વધુ ફઝીલતવાળી જમીન ગણાશે.

4) જન્નતમાં આ જમીન ઉપર અવલીયાઓના મકાનો હશે.

5) આ જમીન પોતાની તુરબતના કારણે નુરાની પાક અને પાકીઝા છે.

6) આ જમીન ઉપર જન્નતમાં અમ્બીયા, રસુલો, ઉલુલ અઝમ અમ્બીયા રહેશે.

7) તેનું નુર જન્નતવાસીઓને આંજી દેશે.

8) આ જ જમીન અવાજ દેશે.. હું અલ્લાહની તે પવિત્ર, પાકીઝા અને બરકતવાળી જમીન છું. મારા પાલવમાં સય્યદુશ્શોહદા, જન્નતના જવાનોના સરદાર આરામ કરી રહ્યા છે.

9) આ જ તે જમીન છે જ્યાં ખુદાવંદે આલમે જનાબ મુસા (અ.સ.) સાથે વાતચીત કરી. આ જ જગ્યાએ જનાબ નુહ (અ.સ.) એ મુનાજાત કરી. આ જમીન સૌથી વધુ ઈઝઝતદાર જમીન છે.

10) ઈસ્લામમાં બીજી જમીનો પણ હુરમતવાળી અને પવિત્ર છે. પરંતુ કરબલાની જમીનની શું વાત?

એક વખત કાબાની જમીને ગર્વથી કહ્યું: ‘મારી જેવું કોણ છે. ખુદાએ મારી પીઠ ઉપર પોતાનું ઘર બનાવ્યું છે. દુનિયાના ખુણે ખુણામાંથી લોકો મારી ઝિયારત માટે આવે છે. મને અલ્લાહનું હરમ અને તેની જગ્યા ગણવામાં આવી છે.’

ખુદાએ તેની તરફ વહી કરીને ફરમાવ્યું: ‘ચૂપ રહે ને અટકી જા. મને મારી ઈઝઝત અને જલાલની કસમ જે ઉચ્ચ સ્થાન મેં કરબલાની જમીનને આપ્યું છે તે તને નથી આપ્યું. કરબલાની સરખામણીમાં તારૂ સ્થાન એવું છે જેમકે સમુદ્રની સરખામણીમાં સૂઈના નાકાનું ટપકું. જો કરબલાની તુરબત ન હતે તો હું તને ઉચ્ચ સ્થાન ન આપતે. જો કરબલાની જમીનમાં સુવાવાળો ન હતે તો હું તને પૈદા પણ ન કરતે અને તે ઘરને પણ પૈદા ન કરતે જેની ઉપર તું ગર્વ અને અભિમાન કરી રહી છે. રોકાઈ જા. નમ્ર થઈ જા. ઘમંડ અને અભિમાન ન કર. કરબલાની જમીનથી મોટી હોવાની કોશિશ ન કર. નહિ તો હું તારાથી નારાઝ થઈ જઈશ અને તને જહન્નમમાં નાખી દઈશ.’ (કામેલુઝ ઝિયારત, પા. 267, હ. 13 ઈમામ જઅફર સાદિક અ.સ. તરફથી)

આથી જાહેર થાય છે કે આપણે કરબલાની વિશેષતાઓનો અંદાજો નથી કરી શકતા. કાબાની જમીન જેની સામે એક ટીપાંની હયસીયત ધરાવતી હોય તો તેની બુઝુર્ગીનો અંદાજ કોણ કરી શકે? નીચેની વાતોથી કરબલાની મહાનતાનો હજુ વધુ અંદાજ થશે.

નમ્રતા, ઉચ્ચતાનું કારણ:

ખુદાવંદે આલમે કરબલાની જમીનને દરજ્જાઓ એમજ નથી આપ્યા. બલ્કે આ જમીનની નમ્રતા અને વિનયના કારણે ઉચ્ચ સ્થાન આપ્યું છે.

સફવાન જમ્માલે હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી રિવાયત કરી છે:

‘…જ્યારે જમીન અને પાણી એકબીજા પર ફખ્ર અને અભિમાન કરી રહ્યા હતા ત્યારે કરબલાને કહેવામાં આવ્યું તમે પણ તમારી ફઝીલત રજુ કરો.’ તેણે કહ્યું:

‘હું અલ્લાહની મુબારક અને પવિત્ર જમીન છું. મારી તુરબત અને મારા પાણીમાં શફા છે, પરંતુ મને અભિમાન નથી. પરંતુ હું તેની બારગાહમાં હલ્કી અને વિનમ્ર છું. બાકી કોઈ ઉપર મને ફખ્ર મળેલ નથી. બલ્કે ખુદાનો શુક્ર છે.’ ખુદાએ તેની નમ્રતા અને શુક્રના કારણે હઝરત ઈમામ હુસયન (અ.સ.) થકી તેનો દરજ્જો ઘણો વધારી દીધો.

તે પછી ઈમામ સાદિક (અ.સ.) એ ફરમાવ્યું: ‘જે ખુદાને ખાતર નમ્રતા ધરાવે છે, ખુદા તેને બુલંદી અતા કરે છે અને જે ઘમંડ કરે ચે, ખુદા તેને હલ્કો પાડે છે. (કામેલુઝ ઝિયારાત-271, બેહાર 101, પા. 109-110, હ. 17)

જે કોઈ બુલંદીઓ અને દરજ્જાઓનો ઈચ્છુક હોય તો તેના માટે નમ્રતા અને વિનય જરૂરી છે. નમ્રતા પણ દેખાવ પૂરતી નહિ બલ્કે દિલના ઉંડાણમાંથી નમ્રતા. ઈમામ સજ્જાદ (અ.સ.) મકારેમુલ અખ્લાકની દોઆમાં ફરમાવે છે, ‘એ ખુદા, જે રીતે જાહેરમાં ઈઝઝત નસીબ થાય તે રીતે ખાનગીમાં હલ્કાપણાનો એહસાસ થાય.’ ઘમંડ અને અભિમાન પડતીનું કારણ છે. અફસોસ, ઘમંડી અને અભિમાની ઈન્સાન આ મુદ્દાને સમજી લેતે.

સજદહગાહ:

નમાઝ ઈબાદતોમાં મહત્વની ઈબાદત છે. જો તે કબુલ તો બાકીના આમાલ કબુલ અને જો એ રદ થઈ ગઈ તો બાકીના આમાલ રદ કરવામાં આવશે. નમાઝ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની આંખોની ઠંડક છે. નમાઝમાં સજદહ ખુદાવંદીની નઝદીકીનું સ્થાન છે. બંદો સજદામાં પોતાના રબથી સૌથી વધુ નજદિક હોય છે. આજ સજદો છે જેના ઈન્કારે શયતાનને શયતાન બનાવી દીધો. આપણે ત્યાં સજદો દરેક ચીજ ઉપર નથી થઈ શકતો. ખાસ વસ્તુઓ છે જેની ઉપર સજદો થઈ શકે છે. જેની વિગત તવઝીહુલ મસાએલમાં આપેલી છે. તે વસ્તુઓ જેના ઉપર સજદો થઈ શકે છે તેમાં સૌથી વધુ મહત્વની અને ફઝીલતવાળી કરબલાની માટી એટલે હઝરત સય્યદુશ્શોહદા (અ.સ.)ની તુરબત છે.

નીચેની હદીસો ઉપર ધ્યાન આપીએ:

સાત જમીનો નુરાની થઈ જાય છે:

ઈમામ સાદિક (અ.સ.)મે ફરમાવ્યું: હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની કબરની ખાક ઉપર સજદો કરવાથી સાત જમીનો (સાત તબક્કાઓ) પ્રકાશિત થઈ જાય છે. (વસાએલુશ શીયા 5/365-366)

સાત પરદાઓ હટી જાય છે:

મોઆવીયા બીન અમ્મારની રિવાયત છે: હઝરત ઈમામ સાદિક (અ.સ.) પાસે જરી ભરેલી એક થેલી હતી. જેમાં ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની પાક માટી હતી. જ્યારે નમાઝનો વખત થતો ત્યારે તે માટી (તુરબત)ને નમાઝની જગ્યા ઉપર ફેલાવી દેતા અને તેની જ ઉપર સજદો કરતા હતા. હ. સાદિક (અ.સ.) એ ફરમાવ્યું: હ. ઈ. હુસૈન (અ.સ.)ની તુરબત પર સજદાહ કરવાથી સાત પરદા હટી જાય છે. એક બીજી રિવાયતમાં છે: હ. સાદિક (અ.સ.) ખુદાની બારગાહમાં નમ્રતા માટે ફકત ઈ. હુસૈન (અ.સ.)ની તુરબતે પાક પર સજદહ કરતા હતા (હવાલો: ઉપર મુજબ પા. 366, હ. 3 અને 4)

અલ્લાહ! અલ્લાહ! શું પાક ખાક છે અને કેટલી ઉંડી અસર છે. જમીનના સાત તબક્કાઓ પ્રકાશિત થઈ જાય છે. સાત પરદાઓ ઉંચકાઈ જાય છે. પ્રકાશનો એક ગુણ એ છે કે કોઈપણ મજબુત વસ્તુ તેને આગળ વધવાથી રોકી લે છે. સૂર્યના ઝળહળતા પ્રકાશને એક નજીવો પુઠાનો ટૂકડો આગળ વધવા નથી દેતો. માટીની દિવાલ તેના માર્ગમાં આડશ બની જાય છે. આ બધી વસ્તુઓ આવરણ બની જાય છે અને પ્રકાશને રોકી લે છે. પરંતુ આ પાક ખાક ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની છે. જેના ઉપર સજદો કરવાથી જમીનના સાત તબક્કાઓ પ્રકાશિત થઈ જાય છે. અને સાત પરદાઓ ઉલ્ટી જાય છે. જ્યારે હઝરત ઈમામ હુસયન (અ.સ.)થી નિસ્બત આપેલ એક ખાકની આ અસરો છે ત્યારે ખુદ ઈમામ હુસયન (અ.સ.), આપની કુરબાની અને પવિત્ર ખુનની શું અસર હશે. આ ઈમામ હુસયન (અ.સ.)ની કુરબાનીની જ અસર છે. જેથી આજે સજદો બાકી છે.

પ્રાણીઓ પાસે આંખની દ્રષ્ટિ છે, પરંતુ દિલની દ્રષ્ટિ નથી. બુધ્ધિ નથી, તેથી માત્ર નેઅમત ઉપર નજર કરે છે. નેઅમત આપનાર ઉપર નજર નથી પહોંચતી. ઈન્સાન નેઅમતની સાથે નેઅમત આપનારને પણ ઓળખે છે. નેઅમત મળવાથી નેઅમત આપનારનો પણ શુકર અદા કરે છે. પવિત્ર ખાક ઉપર એટલા માટે સજદો કરીએ છીએ કે સજદાની સાથે સજદાના રક્ષણહારોની કુરબાનીઓને યાદ કરીએ.

પરદાઓ:

હઝરત ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) અબુ હમઝા સેમાલીની દોઆમાં ફરમાવે છે:

વ ઈન્નક લા તહતજેબો મીન ખલ્કેક ઈલ્લા અન તહજોબહોમુલ્ અઅમાલો દુનક.

‘એ ખુદા! તું તારી મખ્લુકથી છુપાએલો નથી બલ્કે તેઓના આમાલે તારા અને તેઓના વચ્ચે પરદો પાડી દીધો છે.’ અમારા ગુનાહો અને બિન ઈસ્લામી આદતો તે પરદાઓ છે જે અમારી અને ખુદાની વચ્ચે આડશ છે. અમારા ખરાબ કામોએ ખુદાની મઅરેફતના દરવાજા બંધ કરી દીધા છે. ખુદા તો ગરદનની રગથી વધુ નજદિક છે. દિલ ઉપર ગુનાહોના એવા પરદાઓ પડેલા છે જેના કારણે અમે ખુદાથી દૂર થઈ ગયા છીએ. ઈમામ હુસયન (અ.સ.)ની પાક ખાકની અસર એ છે કે તેના ઉપર સજદો કરવાથી પરદાઓ હટી જાય છે. ઈન્સાન ખુદાની નજદીક થઈ જાય છે. આ રીતે આ પાક ખાક ઉપર સજદો કરવાથી તે હેતુ પૂરો થઈ જાય છે જેના માટે આપણે સજદો કરી રહ્યા છીએ. એટલે ખુદાવંદાની નજદીકી.

મહાન મરતબાવાળા આલીમોએ સાત પરદાઓ હટી જવા અને સાત તબક્કાઓ પ્રકાશિત થવાને આ રીતે વર્ણવ્યા છે:

નફસની સાત ખરાબ આદતો છે. જે સત્યના પ્રકાશિત માર્ગમાં અડચણરૂપ બને છે. તે છે દ્વેષ, ઈર્ષા, લાલચ, તુંડ, મીજાજીપણું, મુર્ખાઈ, દગો અને બનાવટ અને બદનામી અને હલ્કાઈ. આમાંથી દરેક ચીજ દિલને અંધકારમય બનાવી દે છે. સત્યનો પ્રકાશ આવવાના તમામ માર્ગો બંધ કરી દે છે. અંધકાર વધતો જાય છે. અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન ધીરે ધીરે નીચતાની સૌથી ઉતરતી કક્ષા ઉપર પહોંચી જાય છે.

પરંતુ જ્યારે તે આ પાક ખાક ઉપર સજદો કરે છે ત્યારે તેમાં નમ્રતા અને આજીજી પૈદા થાય છે. જે બંદગીની નિશાની અને બંદાનો કમાલ છે. આ નમ્રતા અને આજીજી આ સાત પરદાને ચીરી નાખે છે. પરદા હટી જવાથી સત્યનો પ્રકાશ ઝળહળી ઉઠે છે અને સાત શ્રેષ્ઠ આદતોથી દિલ શોભી ઉઠે છે. ડહાપણ, વચન, નરમ દિલ, નરમ સ્વભાવ, પુખ્ત નિર્ણય, શરમ અને હયા અને મોહબ્બત અને મોવદ્દતથી દિલની દુનિયા હરીભરી થઈ જાય છે. હ. રસુલે ખુદા (સ.અ.વ.) એ સાચું જ ફરમાવ્યું છે:

હુસયન યકીનથી હિદાયતના ચિરાગ અને નજાતની કશ્તી છે.

‘ઈન્નલ હુસયન મીસ્બાહુલ હોદા વ સફીનતુન્નજાત’

આ પવિત્ર ખાકની અસર છે. તેના ઉપર સજદો કરવાથી માનવી ખરાબ આદતોથી પાક થઈ જાય છે અને આ ખાક ખુદાની નજદીક કરી દે છે.

અમુક લોકોને આ પાક ખાક ઉપર સજદો કરવાનું નથી ગમતું. તેઓ તેને શીર્ક, બીદઅત, ન જાણે શું શું કહે છે. કોને ખબર આ લોકોને આ માટીથી દુશ્મની છે કે તેમાં સુવાવાળાથી.

ઈસ્લામના પવિત્ર એહલેબૈતને ચાહનારાઓ એ અકીદો ધરાવે છે કે સજદો અલ્લાહ અને માત્ર અલ્લાહ માટે જ છે. તે સિવાયની કોઈપણ વ્યકિત સજદાને લાયક નથી. વિરોધ કરનારાઓ આ ફરકને સમજી નથી શકતા. અથવા સમજવાની કોશિશ નથી કરતા. અથવા દુશ્મની આ હકીકતને સ્વિકારવાથી રોકી લે છે.

બધા શીઆઓ ખાક ઉપર સજદો કરે છે, ખાકને સજદો નથી કરતા. ખાકે પાક પર સજદો કરવો ઓર છે અને ખાકનો સજદો કરવો ઓર છે. બધા મુસલમાનો ઝમીન પર સજદો કરે છે, ઝમીનને સજદો નથી કરતા. કરબલાની જમીનને દુનિયાની બધી જમીનો ઉપર શ્રેષ્ઠતા મળેલી છે, હ.ઈ. હુસૈન (અ.સ.)ને લીધે આ જમીનની પાક ખાકને દરેક જમીનની ખાક ઉપર અગ્રતા મળેલી છે. આ કારણે આ પાક ખાક ઉપર સજદો કરવાની જે વિશેષતા છે તે બીજી કોઈ ખાકને મળી નથી. અમુક તરફદારી કરનાર લોકોના કહેવાથી ફઝીલતને છોડી દેવી તેમાં ડહાપણ નથી.

તસ્બીહ:

નમાઝની તઅકીબાતોમાં ફાતેમતુઝ ઝેહરા સલામુલ્લાહે અલયહાની તસ્બીહ એક મહત્વની તઅકીબ છે. સૌ પ્રથમ આપે દોરાની તસ્બીહ બનાવી હતી અને ખુદાનો ઝીક્ર કરતા હતા. જનાબે હમઝાની શહાદત પછી આપે તેમની કબરની માટીમાંથી તસ્બીહ તૈયાર કરી હતી. આ સિલસિલો ચાલુ હતો. હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની શહાદત પછી આપની પાક તુરબતથી તસ્બીહ તૈયાર થવા લાગી. (બેહારૂલ અન્વાર પૂ. 101, પા. 33, મકારેમુલ અખ્લાક, પા. 281)

છ હજાર દરજ્જાઓ:

હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પાક તુરબતથી તૈયાર કરેલ તસ્બીહની ફઝીલત જ કંઈક જુદી છે. ઈમામ રઝા (અ.સ.)ની રિવાયત છે: ‘જો કોઈ પાક તુરબતથી બનેલી તસ્બીહ ઉપર સુબ્હાનલ્લાહે વલ હમ્દોલિલ્લાહે વલાએલાહ ઈલ્લલ્લાહો વલ્લાહો અકબર કહે તો અલ્લાહ દરેક દાણા ઉપર છ હજાર નેકીઓ આપે છે. છ હજાર ગુનાહો માફ કરે છે અને છ હજાર દરજ્જાઓ બલંદ કરે છે.’

સવાબનો સિલસિલો બાકી રહે છે:

આ તસ્બીહની એક વિશેષતા એ પણ છે કે જો કોઈ માણસ તેને હાથમાં રાખે, તે તસ્બીહ ન પણ કરી રહ્યો હોય, તો તેને તસ્બીહનો સવાબ મળતો રહે છે. (બેહારૂલ અન્વાર, 101/133)

હુરોની તમન્ના:

જ્યારે કોઈ ફરિશ્તો આસમાનથી જમીન ઉપર આવે છે ત્યારે હુરો તેને કહે છે કે અમારા માટે તોહફામાં ઈમામ હુસયન (અ.સ.)ની કબરની તસ્બીહ લાવજે. (બેહારૂલ અન્વાર, 101/136)

શીઆઓ માટે જરૂરી છે:

હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની રિવાયત છે: શીઆઓ માટે જરૂરી છે કે આ ચાર ચીજો હંમેશા પોતાની સાથે રાખે. ખજુરની ચટાઈ જેની ઉપર નમાઝ પઢી શકે, વીંટી, દાંતણ અને ઈમામ હુસયન (અ.સ.)ની કબરની ખાકથી બનેલી તસ્બીહ જેમાં 33 દાણા હોય. જો તેને પઢવાની સાથે ફેરવશે તો દરેક દાણા ઉપર 40 નેકીઓ મળશે અને જો એમજ ફેરવશે તો 20 નેકીઓ મળશે. (બેહારૂલ અન્વાર 101/132)

અમુલ્ય તોહફો:

દરેક માણસ ભેટ-સોગાદમાં સારી વસ્તુ આપે છે. તોહફો આપસના સંબંધોને વધુ મજબુત કરે છે. એ વાત થઈ ચૂકી છે કે હુરો મલક પાસે આ ખાકનો તોહફો લાવવાની ફરમાઈશ કરે છે. તેથી અંદાજો આવે છે કે આ ખાક જમીનથી વધુ આસમાનવાળાઓ બલ્કે બેહિશ્તમાં રહેનારાઓ માટે વધુ મહત્વ ધરાવે છે. તેના વધુ મહત્વનો અંદાજ આ રિવાયતથી આવે છે.

હઝરત ઈમામ અલી રઝા (અ.સ.) એ ખુરાસાનથી એક માણસને એક પોષાક મોકલ્યો. તેમાં ખાક પણ હતી. તે માણસે લાવનારને પૂછયું: આ ખાક કેવી છે? આ ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક છે. આપ જ્યારે પણ કોઈને પોષાક કે કોઈ બીજી વસ્તુ મોકલતા ત્યારે આ ખાકે પાક અચૂક રાખતા હતા અને ફરમાવતા હતા, ‘અલ્લાહના ઈઝનથી આ ખાક રક્ષણનું માધ્યમ છે.’ (કામેલુઝ ઝિયારાત પા. 278, હ. 1)

દરેક બીમારી માટે શફા:

દુનિયામાં અસંખ્ય રોગો છે. દરેક રોગનો એક ખાસ ઈલાજ છે, ખાસ દવા છે. દરેક દવા દરેક રોગને માટે અસરકારક નથી હોતી. એવું થાય છે કે એક દવા એક બીમારી માટે લાભદાયક હોય એ જ દવા બીજા રોગ માટે નુકસાનકર્તા હોય. બીજું એ કે દવાને અસર કરતા પણ સમય લાગે છે. પરંતુ ઈમામ હુસયન (અ.સ.)ની કબરની પાક ખાકમાં એવો ગુણ છે કે તે દરેક બીમારી માટે શફા છે.

હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.)ની રિવાયત છે:

‘ખુદાવંદે આલમે મારા દાદા હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પાક તુરબતને દરેક બીમારીની શફા અને દરેક ભયથી રક્ષણ બક્ષ્યું છે.’ (અમાલીએ શયખ તુસી 1/326)

એક બીજી રિવાયતમાં છે: ‘ઈમામ હુસયનના પવિત્ર હરમની ખાક દરેક બીમારીની શફા છે અને દરેક ભયથી મુકિત છે.’ (કામેલુઝ ઝિયારાત, પા. 289)

એક રિવાયતમાં આ રીતે છે: ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક દરેક બીમારી માટે શફા છે અને એ જ સૌથી મોટી દવા છે ‘વહોવ-દ-દવાઉલ અકબર.’ (કામેલુઝ ઝિયારાત પા. 275)

આ રિવાયતોથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે ઈમામ હુસયન (અ.સ.)ની કબરની ખાક દરેક બીમારીની દવા છે અને દરેક ભયથી મુકિત છે. માત્ર દવા નથી, પરંતુ સર્વશ્રેષ્ઠ દવા છે. આ રિવાયતોમાં ન તો કોઈ ખાસ બિમારીનું નામ છે ન ખાસ ભયનું.

‘બીમારી શારીરિક હોય અથવા ચારિત્ર્યની કે રૂહની બીમારીઓ. શારીરિક બીમારીનો ઈલાજ તો હજુ શકય છે, પરંતુ નફસની, રૂહની, ચારિત્ર્યની બિમારીનો ઈલાજ ઘણો મુશ્કેલ છે. અને સમય સંજોગોને જોતાં લગભગ અશકય છે. પરંતુ આ પાક ખાક દરેક બીમારીનો ઈલાજ છે. ભય પણ માત્ર દુનિયાનો જ નહિ, બરઝખનો ભય, મુન્કર નકીરનો ભય, કબરના અઝાબનો ભય… આ પાક ખાક દરેક ભયથી મુકિત મેળવી આપે છે. બસ એક શરત છે. આ ખાક માત્ર તે લોકોને લાભદાયી થશે જે શફાના યકીન સાથે ઉપયોગ કરશે. જે લોકો શંકા અને અવિશ્ર્વાસથી ઉપયોગ કરશે તેઓને ખાસ લાભ નહિ મળે.’ (કામેલુઝ ઝિયારાત પા. 274)

આ ખાક કયાંથી મેળવી શકાય?

એક સવાલ એ છે કે આ વિશિષ્ટ ખાક કરબલાએ મોઅલ્લાના કયા ભાગમાંથી મેળવવી?

આના અનુસંધાનમાં જુદી જુદી રિવાયતો છે. અમૂક રિવાયતોમાં છે કે પવિત્ર કબર ઉપરથી મેળવવામાં આવે.

1) જ્યારે અમૂકમાં 70 વાર દૂરના અંતર સુધી મેળવી શકાય છે.

2) અમૂકમાં 70 હાથ કહેવામાં આવ્યા છે.

3) અમૂકમાં એક માઈલ લખ્યું છે.

4) અમૂકમાં ચાર માઈલની પણ વાત છે.

5) જ્યારે અમૂકમાં દસ માઈલ લખ્યા છે.

6) અમૂકમાં ચારે બાજુએથી પાંચ ફરસખ (17.5 માઈલ અથવા 27.5 કિ.મી.) છે.

7) અમુકમાં આ રીતે છે: 25 ડગલાં પગની તરફ, 25 ચહેરાની તરફ, 25 પીઠની તરફ, 25 માથાની તરફ.

8) અમુક રિવાયતોમાં 20 ડગલાની વાત છે.

આ રિવાયતો એકબીજાની વિરૂધ્ધમાં નથી. તેનું કારણ કદાચ એ હોય કે ખાકની ખુદ પોતાની અસર નથી, પરંતુ ઈમામ હુસયન (અ.સ.)ની દેણ છે. ખરેખર તો આપ અને આપના અસહાબોના ખુનનું પરિણામ છે. આ ખુન કરબલામાં માત્ર એક જ જગ્યાએ તો નહોતું વહ્યું, પરંતુ લડાઈના મૈદાનમાં ઠેક ઠેકાણે વહ્યું હતું. જ્યાં જ્યાં એક ટીપું પણ પડયું તે શફાનું સ્થાન બની ગયું.

આ સિવાય આ ખાક જેટલી કબરની નજદીકથી લેવામાં આવશે તેટલી જ તેની ફઝીલત વધુ હશે. અસર તેની વધુ મહાન હશે. દેખીતી વાત છે કરબલાની જમીનનો તે ભાગ જ્યાં હઝરત ઈમામ હુસયન (અ.સ.) આરામ ફરમાવી રહ્યા છે તે તમામ ભાગોથી ઉચ્ચતર અને બુઝુર્ગીવાળી છે.

જીબ્રઈલે ખાક રસુલે ખુદાને આપી:

આ પાક ખાકની એક વિશેષતા એ પણ છે કે આ ખાક પવિત્ર હાથોમાં રહી અને ખૂબજ માનપૂર્વક સાચવવામાં આવતી રહી. ઈમામ સાદિક (અ.સ.)ની રિવાયત છે: હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ઉમ્મે સલમાના ઘરમાં હતા. એટલામાં ઈમામ હુસયન (અ.સ.) આવ્યા. તે સમયે જનાબે જીબ્રઈલ પણ હતા. જીબ્રઈલે રસુલે ખુદા (સ.અ.વ.)ને કહ્યું: આપની ઉમ્મત આપના આ ફરઝંદને કત્લ કરશે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: મને એ ખાક દેખાડો જેના ઉપર આ ફરઝંદનું ખૂન વહાવવામાં આવશે. જીબ્રઈલે એક મુઠ્ઠી ખાક આપને આપી. આ ગુલાબી રંગની ખાક હતી. (કામેલુઝ ઝિયારાત 3/60)

એક રિવાયતમાં આ રીતે છે. રસુલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં જે ફરિશ્તો આવતો હતો તે ઈમામ હુસયન (અ.સ.)ની શહાદતનો પુરસો આપતો હતો અને ખુદાએ તઆલાએ નક્કી કરેલ જમીનની ખબર આપતો હતો અને તેની સાથે તે ખાક પણ આપતો હતો જ્યાં ઈમામ હુસયન (અ.સ.)ને ઝખ્મોથી ચૂર ચૂર શહિદ કરવામાં આવશે. (કામેલુઝ ઝિયારાત પા. 61 હ. 8)

એક રિવાયતમાં છે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ આ પાક ખાક જનાબે ઉમ્મે સલમાને આપી. (કામેલુઝ ઝિયારાત પા. 60, હ. 4)

આ પ્રસંગો ઉપરથી ન માત્ર ખાકની વિશેષતા અને મહત્વનો અંદાજ આવે છે, બલ્કે એ પણ જણાય આવે છે કે આ ખાકને પોતાની પાસે રાખવી, સુંઘવી અને તેને સાચવવી સુન્નતે રસુલ છે. હવે કોઈ તેનું સન્માન ન કરે અને તેના મહત્વને ન માનતો હોય તો તે રસુલ અને જીબ્રઈલની સુન્નતનો વિરોધી છે. તે લોકો આ પાક ખાકનો એહતેરામ અને હિફાઝત કેવી રીતે કરી શકે જે ઈમામ હુસયન (અ.સ.)ના કત્લમાં સંડોવાયેલા હતા અને હાલમાં તેના ઉપર રાજી છે.

ખાક મેળવવાના નિયમો:

આ પાક ખાક કોઈ મામુલી માટી નથી કે જ્યારે ઈચ્છા થઈ અને જેવી રીતે વિચાર્યું તેવી રીતે ઉઠાવી લીધી અને રાખી લીધી. પરંતુ તે લેવાના અને રાખવાના નિયમો છે. એક માણસે હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને અરજ કરી: ‘મેં આપને કહેતા સાંભળ્યા હતા કે ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક દરેક બિમારીની શફા છે.’ ફરમાવ્યું, હા. તેણે અરજ કરી: પરંતુ મેં ઉપયોગ કર્યો અને મને કાંઈ ફાયદો નથી થયો. ફરમાવ્યું: આ ખાક મેળવવાના નિયમો છે. જે આ નિયમોને પાળ્યા વગર ઉપયોગ કરશે તેને ફાયદો નહિ થાય. (બેહાર, 101/135)

જુદી જુદી રિવાયતોમાં જુદા જુદા નિયમો અને દોઆઓ લખેલી છે. ટૂંકમાં માત્ર બે રિવાયતો લખીએ છીએ:

જનાબ અબુ હમઝા સેમાલીએ હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી રિવાયત કરી છે: આપ ફરમાવે છે: જ્યારે તમે હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાકના ઉપયોગનો ઈરાદો કરો ત્યારે સુરાઓ હમ્દ, કુલઅઉઝો બે રબ્બિલ ફલક, કુલ અઉઝો બેરબ્બીન્નાસ, કુલહો વલ્લાહો અહદ, ઈન્ના અન્ઝલ્ના, યાસીન અને આયતુલ કુરસીની તિલાવત કરો અને આ દોઆ પઢો:

અલ્લાહુમ્મ બેહક્કે મોહમ્મદીન અબ્દેક વ રસુલેક વ હબીબેક વ નબીય્યેક વ બેહક્કે અમીરીલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અબ્દેક વ અખી રસુલેક વબેહક્કે ફાતેમહ બીન્તે નબીય્યેક વ ઝવ્જતે વલીય્યેક વબેહક્કીલ હસને વલ હુસયન વબેહક્કે અઈમ્મતી રાશેદીન વબેહક્કે.. તુરબતેહી વબેહક્કીલ મલેકીલ મોવક્કલે બેહા, વલેહક્કીલ વસીય્યીલ્લઝી હલ્લ ફીહા વહેહક્કીલ જસદીલ્લઝી તઝનનમ્ત વબેહક્કે સીબ્તીલ્લઝી ઝમ્મન્ત વબેહક્કે જમીએ મલાએકતેક વ અમ્બેયાએક વ રોસોલેક સલ્લે અલા મોહમ્મદીંવ વ આલે મોહમ્મદ વજઅલ્લી હાઝત તીન શફાઅન મીન કુલ્લે દાઈન વલેમન તશ્ફા બેહી મીન કુલ્લે દાઈન વ સકમીન વ મરઝીન વ અમાનન મીન કુલ્લે ખૌફ. અલ્લાહુમ્મ બેહક્કે મોહમ્મદીંવ અહલે બયતેહી અજઅલહુ ઈલમન નાફેઅન વ રીઝકૌંવ વાસેઅન વ શેફાઅન મીન કુલ્લે દાઈન.. અ આફતીન વ આહતીન વ જમીઈલ ઔજાએ કુલ્લેહા ઈન્નક અલા કુલ્લે શયઈન કદીર.

તેની પછી કહે:

અલ્લાહુમ્મ રબ્બ હાઝેહી તુરબતીલ મુબારકતીલ મયમુનતે વલ મલકે અલ્લઝી વુક્કેલા બેહા વલ્વસીયીલ્લઝી હોવ ફીહા સલ્લે અલા મોહમ્મદીંવ વ આલે મોહમ્મદ વસલ્લમ વ અન્નફઅનીયબેહા ઈન્નક અલા કુલ્લે શયઈન કદીર. (કામેલુઝ ઝિયારાત: 283-284 હ. 12)

ટૂંકાણને ધ્યાનમાં રાખીને તરજુમો રજૂ કરતા નથી. નહિ તો આ દોઆના વાકયોમાં ઘણા ઉંડાણભર્યા અર્થ છે.

2) એક માણસે હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને અરજ કરી: ‘હું ઘણો બિમાર રહું છું. જાતજાતના રોગમાં સપડાએલો છું. દોઆઓનો ઉપયોગ કરી ચૂકયો છું, પરંતુ કોઈ ફાયદો નથી થતો.’ ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાકનો ઉપયોગ શા માટે નથી કરતો? તેમાં દરેક બીમારીની શફા છે અને દરેક ભયમાંથી મુકિત છે. જ્યારે તમે ખાક લેવા ચાહો ત્યારે કહો:

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બેહક્કે હાઝેહી ત્તિનતે વ બેહક્કીલ મલ્કલ્લઝી અખઝહા વબેહક્કે નબીયીલ્લઝી કબઝહા વબેહક્કીલ વહ્યીલ્લઝી હલ્લ ફીહા સલ્લે અલા મોહમ્મદ વ અહલેબયતેહી વજ અલ લી ફીહા શેફાઅન મીન કુલ્લે દાઈન વ અમાનન મીન કુલ્લે ખૌફીન.

(ખુદાયા, તારી પાસે સવાલ કં છું આ ખાકના હકના વાસ્તા અને તે મલકના હકથી જેણે આ ખાકને લીધી અને તે નબીના હકથી જેણે તેને પોતાની પાસે રાખી અને તે વસીના હકથી જે આમાં આરામ કરી રહ્યા છે. મોહમ્મદ અને તેમની અહલેબયત ઉપર દુરૂદ અને સલામ મોકલ. આ ખાકને મારા માટે દરેક બીમારીની શફા અને દરેક ખૌફથી નજાત કરાર દે (અતા કર).

તે પછી ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: ‘જે મલકે તે લીધી તે જીબ્રઈલ છે, જેમણે તે નબીને દેખાડી અને કહ્યું કે આ આપના ફરઝંદની તુરબત છે જેને આપના પછી આપની ઉમ્મત કત્લ કરશે. જે નબીએ તે રાખી તે મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) છે. અને જે વસી તેમાં આરામ કરી રહ્યા છે તે ઈમામ હુસયન (અ.સ.) છે.’

રાવીએ અરજ કરી: આ ખાકથી શફા થવું તો સમજમાં આવ્યું, પરંતુ આ દરેક ભયથી મુકિત કેવી રીતે છે?

ફરમાવ્યું: જ્યારે તમને કોઈ બાદશાહ અથવા બીજા કોઈનો ભય હોય ત્યારે ઘરેથી નીકળતી વખતે આ પાક ખાક તમારી પાસે રાખો અને તેને તમારી પાસે રાખતી વખતે આ દોઆ પઢો:

રાવી કહે છે કે ઈમામે જે રીતે સૂચના આપી હતી તેવી જ રીતે ઉપયોગ કર્યો. હું સંપૂર્ણ રીતે તંદુરસ્ત થઈ ગયો અને દરેક ભયથી મુકિત મળી ગઈ. (કામેલુઝ ઝિયારાત પા. 282-83, હ. 10)

ખાકનો ઉપયોગ કરવાના નિયમો:

ખાકે શેફા મેળવવાની સાથે તેને ખાવાના પણ નિયમો છે. તે માટે પણ જુદી જુદી દોઆઓ આવેલી છે. ટૂંકાણને ધ્યાનમાં રાખીને અહીં માત્ર એક હદીસ રજૂ કરીએ છીએ.

હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) એ ફરમાવ્યું: હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની પાક ખાક બરકતવાળી કસ્તુરી છે. અમારા શીઆઓમાંથી જે તે ખાશે તેના માટે દરેક બીમારીની શફા છે. અમારા દુશ્મન જો તેનો ઉપયોગ કરશે તો તે ચરબીની જેમ ઓગળી જશે. જ્યારે તમે આ પાક ખાક ખાવાનો ઈરાદો કરો તો આ દોઆ પઢો:

અલ્લાહુમ્મ ઈન્ન હાઝેહી તીનતો કબ્રીલ હુસયન વલ્લીયેક વબ્ન વલીય્યેક ઈત્ત્ાકખઝતોહા હિરઝન લેમા અખાફો વલેમા લા અખાફો

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બેહક્કીલ્લઝી કબઝહા વબેહક્કીન્નબીલ્લઝી ખઝનહા વ બેહક્કીલ વસીયીલ્લઝી હોવા ફીહા અન તોસલ્લેય અલા મોહમ્મદીંવ વ આલે મોહમ્મદ વ અન તજઅલ લી ફીહે શેફાઅન મીન કુલ્લે દાઈન વ આફેયતીન મીન કુલ્લે બલાઈન વ ઈમાનન મીન કુલ્લે ખૌફ બેરહમતેક યા અરહમ રાહેમીન વ સલ્લલ્લાહો અલા મોહમ્મદીંવ વ આલેહી વસ્સલમ.

તે પછી આ પ્રમાણે પઢો:

અલ્લાહુમ્મ ઈન્ની અશ્હદો અન્ન હાઝેહી તુરબતો.. વલીય્યેક વ અશ્હદો અન્નહા શેફાઅ મીન કુલ્લે દાઈન વ ઈમાનન મીન કુલ્લે ખૌફીન લેમન શેઅત મીન ખલકેક વલીય્યે રહમતેક વ અશ્હદો અન્ન કુલ્લ મા કબ્લ ફીહીમ વ ફીહા હોવલ હક્કો મીન ઈન્દેક વ સદકલ મુરસલુન. (‘મુસ્તદરકુલ વસાએલ’ પૂ. 10 પા. 339-340, હદીસ 2 વિ.)

તેના પછી આ પણ કહે:

અલ્લાહુમ્મ રબ્બ હાઝેહી તુરબતે મોબારકતે વ રબ્બ હાઝલ વસીયીલ્લઝી વારત્હો સલ્લે અલા મોહમ્મદીંવ આલે મોહમ્મદ વજઅલ્હો ઈલ્મન નાફેઅન વ રીઝકન વાસેઅન વ શેફાઅન મીન કુલ્લે દાઈન. (કામેલુઝ ઝિયારાત 284, હ. 2)

આ સિવાય બીજા પણ વિગતવાર નિયમો છે. જે ઉપરની કિતાબમાં આપવામાં આવ્યા છે. ખુદ આ દોઆઓમાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે આ પાક ખાકમાં બીમારીથી શફા, ભયની મુકિતની સાથે સાથે ફાયદાકારક ઈલ્મ અને વિશાળ રોઝી પણ છે.

કેવી રીતે ઉપયોગ કરવો:

રિવાયતમાં છે કે માત્ર એક ચણાના દાણા જેટલી લેવી. પછી ધીરે ધીરે એક ઘુંટડો પાણી પીવું. (કામેલુઝ ઝિયારાત પા. 286)

ફકીહોએ (રીઝવાનુલ્લાહે તઆલા અલયહુમ) રિવાયતોના પ્રકાશમાં માટી ખાવી હરામ ગણી છે. પરંતુ તમામ ફકીહોએ સર્વાનુમતે એ કહ્યું છે કે હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની પાક ખાકનો (ઉપર દર્શાવેલ માત્રામાં) ઉપયોગ કરવો જાએઝ છે. બલ્કે બાળકના જન્મ વખતે ખાકે શફા ખવરાવવી મુસ્તહબ છે. કબરમાં રાખવી પણ મુસ્તહબ છે.

થોડા પ્રસંગો:

1) ખાક ખુન થઈ ગઈ:

સઈદ બીન જુબૈરે જનાબ અબ્દુલ્લા બીન અબ્બાસથી રિવાયત કરી છે કે મેં નબી (સ.અ.વ.)ના બીબી જનાબ ઉમ્મે સલમાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો. ઘરેથી નીકળી અને જોયું તો બધા સ્ત્રી પુરૂષો તેમના ઘરની તરફ જઈ રહ્યા હતા. મેં અરજ કરી, એ ઉમ્મુલ મોઅમેનીન આપ આ રીતે શા માટે રડી રહ્યા છો? તેમણે કંઈ જવાબ ન આપ્યો અને બની અબ્દુલ મુત્તલીબની સ્ત્રીઓને કહ્યું કે મારી સાથે રડો અને કલ્પાંત કરો. તમારા આકા, જન્નતના સરદાર રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ હુસયન (અ.સ.) શહીદ કરી દેવામાં આવ્યા. લોકોએ તેમને પૂછયું કે આપને આ ખબર કયાંથી મળી. આપે કહ્યું: ‘મેં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને સ્વપ્નમાં જોયા કે તેમના માથા ઉપર ધુળ અને માટી છે. મેં પુછયું, તો ફરમાવ્યું કે મારા દીકરા હુસયન (અ.સ.)ને કત્લ કરી દેવામાં આવ્યા. હું તરત જ અંદર ગઈ. જીબ્રઈલે અમીને જે તુરબત આપી હતી તે જોઈ. ત્યાં તાજુ અને ઘટ્ટ લોહી દેખાણું. કારણ કે મને ફરમાવ્યું હતું કે જ્યારે આ ખાક ખુન થઈ જાય તો સમજી લેવું કે હુસયન (અ.સ.) કત્લ કરી દેવામાં આવ્યા.’ જનાબે ઉમ્મે સલમાએ આ ખુન પોતાના ચહેરા ઉપર મસળી લીધું. (આમાલીએ શયખ તુસી 1/322)

આ કરબલાની ખાક છે જે ઈમામ હુસયન (અ.સ.)ના ગમમાં ખુન બની જાય છે.

2) સંપૂર્ણ શફા મળી ગઈ:

આ પાક ખાકથી શફા મેળવનારાઓની સંખ્યા ઘણી વધારે છે. આપ પણ આવા ખુશનસીબ લોકોને જાણતા હશો. જેઓને આ પાક ખાકથી શફા મળી હોય. જો માત્ર આ પ્રસંગોને ભેગા કરવામાં આવે તો એક મોટું એવું પુસ્તુક તૈયાર થઈ શકે. નીચે માત્ર એક પ્રસંગનું વર્ણન કરીએ છીએ. આ બનાવ સનદથી બિલકુલ વિશ્ર્વસનીય છે. આ બનાવમાં મઅસુમ પણ સાથે હોવાથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. જે ખૂબજ ટૂંકાણમાં રજુ કરીએ છીએ.

જનાબ મોહમ્મદ બીન મુસ્લિમ ઈમામ બાકીર અને ઈમામ સાદિક અલયહેમુસ્સલામના ખૂબજ વિશ્ર્વાસપાત્ર અને નજદિકના સાથીદાર હતા. તેઓ લખે છે:

હું મદીનએ મુનવ્વરા ગયો. તે સમયે મારા પગોમાં એટલો સખત દુ:ખાવો હતો કે ઉભું નહોતું થઈ શકાતું. લોકોએ ઈમામ બાકીર (અ.સ.)ને મારા દર્દની વાત કરી. ઈમામ (અ.સ.)એ રૂમાલમાં ઢાંકેલો એક પાણી પીવાનો પ્યાલો પોતાના ગુલામની સાથે મોકલ્યો. ગુલામે પ્યાલો આપ્યો અને કહ્યું કે આ પી જાવ. ઈમામે મને ફરમાવ્યું છે કે હું ત્યાં સુધી ન જાઉં જ્યાં સુધી તમે આ પાણી પી ન જાવ. મેં તે પ્યાલો લીધો તેની સુગંધ કસ્તુરી જેવી હતી. તેનો સ્વાદ શ્રેષ્ઠ હતો. પ્યાલો ઘણો ઠંડો હતો. જ્યારે મેં તે પ્યાલો પી લીધો ત્યારે ગુલામે મને કહ્યું, તમારા આકાએ કહ્યું છે કે પ્યાલો પીને પછી મારી પાસે આવો. હું વિચારવા લાગ્યો કે હું તો ઉઠી પણ નથી શકતો. હું કેવી રીતે જાવ. પરંતુ જેવું તે પાણી મારા પેટમાં પહોંચ્યું તેવું જ મારા પગનું બધું દર્દ મટી ગયું. હું ઉભો નહોતો થઈ શકતો પરંતુ તે પીધા પછી ખૂબજ આરામ અને આસાનીથી મારા પગે ચાલીને ઈમામ (અ.સ.)ની ખિદમતમાં પહોંચ્યો. મેં રજા માગી. ઈમામ (અ.સ.) એ બુલંદ અવાજથી મારા તંદુરસ્ત થવાની ખબર આપી અને હાજર થવાની રજા આપી. હાજર થઈને મેં સલામ કરી. હાથો અને પવિત્ર કપાળને ચુંબન કર્યું.. ઈમામ (અ.સ.) એ પૂછયું: તમને તે પાણી કેવું લાગ્યું. મેં અરજ કરી: હું ગવાહી આપું છું કે આપ એહલેબયતે રહેમત છો અને આપ ખરેખર વસીઓના વસી છો. આપે મોકલેલ પાણી આપના ગુલામે મને આપ્યું. તે સમયે હું ઉભો નહોતો થઈ શકતો. હું ખુદ નિરાશ થઈ ચૂકયો હતો. મેં તે પાણી પીધું. મેં તેનાથી વધુ સુગંધી, સ્વાદિષ્ટ અને ઠંડુ પાણી નથી જોયું. પાણી પીધા પછી ગુલામે કહ્યું: ઈમામે તમને બોલાવ્યા છે. મેં વિચાર્યું હું જરૂર જઈશ પછી ભલે જીવ પણ નીકળી જાય. પરંતુ પીધા પછી મારા બધા દર્દો મટી ગયા. વખાણ તે ખુદાના જેણે આપને આપના શીઆઓ માટે રહેમત બનાવ્યા.

ઈમામે ફરમાવ્યું: એ મોહમ્મદ તમે જે પાણી પીધું તેમાં હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક ભળેલી હતી. શફા માટે સૌથી વધુ સારી આજ પાક ખાક છે. તેની સરખામણીમાં કોઈ ચીજ નથી. અમે અમારી સ્ત્રીઓ અને બાળકોને આ જ પીવરાવીએ છીએ અને દરેક પ્રકારની બરકતો મેળવીએ છીએ. (કામેલુઝ ઝિયારાત 7/275-77)

આ બનાવ ઉપરથી ખ્યાલ આવે છે કે ઈમામ પોતાના શીઆઓને કેટલા ચાહે છે અને કેટલું ધ્યાન રાખે છે. (આ વિશેષતા આપણા ઝમાનાના ઈમામ (અ.સ.)માં પણ છે. આપણે માત્ર મોહમ્મદ બીન મુસ્લિમ બનવું જોઈએ.) ખાકની તાસીર, પીવડાવવાનો અંદાજ, તાસીરની ઝડપ, પીનારાનો વિશ્વાસ ઝમાનાના ઈમામ ઉપર, આ બધા થકી અસર ઉપજે છે.

3) જન્નતની ખાક:

સફવી બાદશાહના ઝમાનામાં ઈસ્ફહાનમાં યુરોપથી એક એલચી આવ્યો. તે આપણા આલીમો પાસેથી આપણા નબી (સ.અ.વ.)ની નબુવ્વતની દલીલ માગતો હતો. આ એલચી પોતાના હુન્નરમાં નિષ્ણાંત હતો. આંકડાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વિગેરેમાં નિષ્ણાંત હતો. લોકોની સ્થિતિ બતાવતો હતો તે રીતે પોતાની મોટાઈ સાબિત કરતો હતો, અને પોતાનો રૂઆબ જમાવવા માગતો હતો. એક દિવસ તેણે બાદશાહને કહ્યું કે શહેરના તમામ વિધ્વાનોને બોલાવે જેથી તે પોતાની હોશિયારી અને કુશળતા બતાવી શકે. વિધ્વાનોમાં તફસીરે સાફી અને કિતાબે વાફીના લેખક જનાબ મોહમ્મદ ફયઝે કાશાની પણ હતા. તેમણે એલચીને કહ્યું: તમારા બાદશાહ અને તમારા વઝીરોની અક્કલ કેટલી ઓછી છે. તેમણે આ મહાન કામ માટે તમારી જેવા માણસને મોકલ્યા છે. આ કામ માટે તો એવા માણસે આવવું જોઈએ કે જે ઈલ્મ અને કુશળતામાં પ્રભુત્વ ધરાવતો હોય.

આ વાતો સાંભળીને એલચી ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. એવું લાગતું હતું કે તે હલાક થઈ જશે. તેણે કહ્યું કે એ ઈસ્લામી બુધ્ધિવાન! જરા વિનય અને વિવેકથી વાત કરો. જનાબ ઈસા અને તેમની વાલેદાની કસમ, જો આપ માં ઈલ્મ અને કમાલો જાણતા હતે તો યકીનથી આ જ કેહતે કે સ્ત્રીઓએ મારી જેવો પૈદા નથી કર્યો. હું કમાલોનો સંગ્રહ છું. પરીક્ષા વખતે લોકોની કદર થાય છે.

જો શંકા હોય તો અજમાવી જુઓ. જનાબ મોહદ્દીસ ફયઝે કાશાનીએ પોતાના ગજવામાં હાથ નાખ્યો અને બંધ મુઠ્ઠી કાઢીને પૂછયું: મારી આ મુઠ્ઠીમાં શું છે? અર્ધી કલાક સુધી એલચી વિચાર કરતો રહ્યો. ચહેરો પીળો પડી ગયો, રંગ બદલાઈ ગયો.

ફયઝે કાશાનીએ કહ્યું, અજ્ઞાનતા ખુલ્લી પડી ગઈ. હકીકત જાહેર થઈ ગઈ. એલચીએ કહ્યું: જનાબ ઈસા અને તેમની વાલેદાની કસમ. આપની મુઠ્ઠીમાં શું છે તે મને ખબર છે. મારી ચિંતા અને ચૂપકીદીનું કારણ કોઈ બીજું છે. ફરમાવ્યું, તે શું?

એલચીએ કહ્યું, આપની મુઠ્ઠીમાં જન્નતની માટી છે. હું વિચાર કરૂ છું કે આ માટી આપની પાસે કયાંથી આવી.

ફયઝે કાશાનીએ કહ્યું, બનવાજોગ છે કે તમારો હિસાબ ખોટો હોય. સિધ્ધાંત અને નિયમ સાચો ન હોય.

એલચીએ કહ્યું, એવું નથી. હું માત્ર આ બારામાં વિચારી રહ્યો છું.

ફયઝે કાશાનીએ કહ્યું, એ એલચી મારી મુઠ્ઠીમાં કરબલાની ખાક છે. અમારા નબી હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે, કરબલા જન્નતનો એક ટૂકડો છે. જો તમારા હિસાબ, સિધ્ધાંત અને નિયમો સાચા છે તો તમારે ઈમાન લાવવું જોઈએ.

સફીરે કહ્યું, આપનું કહેવું સાચું છે. સફીર (એલચી) ત્યાંજ મુસલમાન બની ગયો. (અસરારુશ-શહાદત 1/523-24)

ઈમામ હુસયન (અ.સ.) માત્ર હિદાયતના ચિરાગ નથી, બલ્કે જે ચીજ આપનાથી સંલગ્ન થઈ જાય છે તે પણ માથાથી પગ સુધી હિદાયત બની જાય છે. રસુલે ખુદા (સ.અ.વ.) એ સાચું ફરમાવ્યું છે: ‘ખરેખર હુસયન હિદાયતના ચિરાગ છે અને નજાતની કશ્તી છે.’

વાતો તો હજી ઘણી છે, પરંતુ અવકાશના કારણે આ લેખને અહીં પૂરો કરીને દોઆ માટે હાથ ઉંચા કરીએ છીએ. આ પાક ખાક આપણા માટે દુનિયા અને આખેરતની તમામ બીમારીઓ માટે અને તમામ ભયથી મુકિતનું કારણ બને. આપણને પણ આ ખાકની જેમ પાક થવું નસીબ થાય.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *