Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૦

ઇમામ (અ.સ.)ના સાથીઓની ઓળખ

Print Friendly

દરેક મોઅમીનની ઝબાન પર અને દિલમાં એક આરઝુ એક ઇચ્છા છે. :
‘અલ્લાહમ્મજ અલની – મીન – અન્સારેહ..’
‘અંય – યર – ઝોકની – તલબ – સારેક – મઅ – ઇમામીન- મન્સુરીન – મીન અ અહલેબયતે – મોહમ્મદીન (સઅવવ)’
‘પરવરદિગાર- મને એમના મદદગારોમાં શુમાર કર…..’
‘(અય સય્યદુશ્શોહદા) આપ મને એવી તૌફીક અને સઆદત (ક્ષમતા અને શક્તિ) અપાવો કે મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) નાં એહલેબૈતમાંથી મદદ પામેલા ઇમામ (મહદી અ.સ.)ની સાથે આપના ખૂનનો બદલો લઇ શકું.’ – હર મોઅમીનની આ જ તમન્ના – ઇચ્છા – છે કે ઇમામે આખર (અ.સ.) ના મદદગારમાં શુમાર થાય અને જ્યારે હઝરતનો ઝહુર થાય ત્યારે એ પણ આપના હમ – સફર, સાથે સાથ કૂચ કરવાવાળા હોય. અઇમ્માએ માઅસુમીન (અ.સ.) ની રિવાયતોમાં હઝરતના મદદગારોની સીફતો – ગુણો – બયાન થાય છે. અમૂક લાક્ષણિકતાઓ નીચે જણાવીએ છીએ.
ઇમાન : હઝરતના મદદગાર અને દોસ્તોમાં શામેલ થવા માટે સૌથી પહેલી શર્ત ‘ઇમાન’ છે. હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે : ‘મહદી મારી ઔલાદમાંથી છે, જેના થકી ખુદા પૂર્વ અને પશ્ર્ચિમને ફતેહ કરશે. એ (મહદી) પોતાના દોસ્તોથી છુપાયેલા રહેશે. એમની ઇમામત પર ફક્ત એ લોકો જ સાબિત – કદમ રહેશે જેમના દિલની ખુદાએ ઇમાન થકી (ઇમ્તેહાન) પરીક્ષા લીધી હશે.’ આ જ કારણે ગૈબતના જમાનાની દોઆઓમાં ઇમાન પર સાબિત કદમ રહેવા માટેની વારંવાર દરખાસ્ત કરવામાં આવી છે. ઝહુરમાં ઢીલનું એ એક કારણ છે, જેથી મોમીનની અજમાઇશ થઇ જાય. મુખ્લીસ અને ગૈરમુખ્લીસ (સાચા દિલથી ઇમાન લાવવાળા અને ઢોંગીઓ) એકબીજાથી જુદા થઇ જાય. જેનું ઇમાન મજબૂત હશે એ જ હઝરતના અન્સાર – મદદગારમાં સુમાર થશે.
ઇબાદત :- ઇબાદત મઅરેફતથી હાસીલ થાય છે. મઅરેફત એટલે કે જેટલી જાણકારી અને ઓળખ વધારે હશે એટલી જ ઇબાદતમાં વધારે ખુલુસ એટલે નિર્મળતા, સરળતા તથા શુદ્ધતા આવશે. હઝરતના મદદગારોની ઇબાદત, પણ નૂમનારૂપે (બેમિસાલ) હશે. એક રીવાયતમાં હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે (હઝરત મહદી (અ.સ.)ના મદદગાર વિશે બોલતા): એ એવા લોકો છે, જે રાત્રે સૂતા નથી. નમાઝોમાં એમના અવાજો મધમાખીઓના ગણગણાટ જેવા લાગે છે. (એટલે આખી રાત ઝીક્રે રૂકુઅ અને સુજુદમાં મશગુલ હોય છે.) રાતે ઊભા ઊભા જ આરામ કરતા હોય છે. સવારે પોતાના ઘોડાઓ પર સવાર થાય છે. આખી રાત ઇબાદત કરવાવાળા, દિવસમાં સિંહ જેવા થઇ જાય છે…. એમના દિલો કંદીલોની જેમ (ફાનસની જેમ) અજવાળું પાથરતા હશે…..(‘બેહારૂલ અન્વાર’ જી. 52 પાનું – 308)
એક બીજ રીવાયતમાં હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે : ‘એ લોકો રાત્રે ખુદાના ખોફથી એવી રીતે રોતા હશે, જેવી રીતે મા પોતાની ઔલાદના ગમમાં રૂએ છે.’ (‘ઇલ્ઝામુન – નાસીબ’ જી. 2 પાનું – 200)
રાત ઇબાદતમાં પસાર કરવી હઝરત મહદી (અ.સ.) ના મદદગારોનો શોખ છે. (જેવી રીતે થાક્યા પછી લોકો મદદગારોનું – એક લક્ષણ – રાત ઇબાદતમાં પસાર કરવી – એ છે.) એમનો આરામ ખુદાની બંદગીમાં છે.
શુજાઅત : હઝરતનો ઇન્કીલાબ શહેરો અને દેશોની ચાર દિવાલો વચ્ચે સિમીત નહી હોય, બલ્કે દુનિયામાં ખૂણે ખૂણે ફરી વળશે, દુનિયાનો કોઇ પણ ખૂણો આપના ઇન્કલાબ – પરિવર્તનથી ખાલી નહિ હોય. આવા મોટા પાયા પરના પરિવર્તન માટે ખૂબ જ દિલેર, ન્યાયાધીન મર્દની જરૂર હશે, જેમની બહાદૂરીને દરેક જણ વખાણશે. રિવાયતોમાં કંઇક આ પ્રમાણે જોવામાં આવ્યું છે: ‘જ્યારે ઝહુરનો આદેશ (કુદરત તફરથી) આપવામાં આવશે ત્યારે હરએક ને ચાલીસ મરદોની તાકત આપવામાં આવશે ત્યારે એમના દિલ ફૌલાદી જેવા હશે. અગર એ પહાડ પર મારશે. તો પહાડ એની જગ્યાએથ ઉખડી જશે.’(‘ઇલ્ઝામુન-નાસીબ’ પાનું,227) એ એવા લોકો હશે જે સૂઝબુઝ બુદ્ધિમત્તાને પોતાની તલવારો પર રાખીને ફરતા હશે. અને પોતાના ઇમામના હુકમથી ખુદાની નજદીકી મેળવશે. એકેએક જણ સિંહ જેવો હશે. તાકત – શક્તિ એવી હશે જો પહાડને ઉખાડી નાખવાની ઇચ્છા કરશે તો પહાડ પોતાની જગ્યાએથી ખસી જશે. (‘ઇલ્ઝામુન – નાસીબ’ પાનું – 199) આ તાકત ખુદાની આપેલી હશે પણ એની બુન્યાદ – પાયો – મઅરેફતે પરવરદિગાર અને ઇતાઅતે ઇમામ હશે. (અલ્લાહની ઓળખ – જાણકારી અને ઇમામના હુકમની તાબેદારી હશે.)
અંધકારના દિવા : હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ઇરશાદ ફરમાવે છે : ‘ખુદાયા! મને મારા ભાઇઓથી મેળવી આપ!’ એક સહાબીએ કહ્યું : ‘અય ખુદાના રસૂલ (સ.અ.વ.) શું અમે આપના ભાઇઓ નથી?’ ફરમાવ્યું : ‘તમે મારા અસ્હાબ છો, ભાઇ નહીં. મારા ભાઇઓ એ લોકો છે જે આખરી ઝમાનામાં હશે, જે મને જોયા વગર મારા પર ઇમાન લાવશે. ખુદાએ મને એમના અને એમના બાપદાદાઓના નામ બતાડી દીધા છે….. આ લોકો અંધકારના દિવા છે. ખુદા એમને દરેક પ્રકારની ફીત્ના – ફસાદથી મહેફૂઝ રાખશે.’
એક ઢંગ, હાવભાવ, એક રીત : હઝરતના મદદગારો કેવી રીતે મક્કએ – મોઅઝઝમામાં એકઠા થશે એ દ્રશ્યને મૌલાએ કાએનાત કંઇક આવી રીતે બયાન કરે છે. :
‘જેમ કે હું એમને મારી આંખો સામે જાઉં છું, બધા એક જ રંગ, એક જ કદ, એક જ રૂપે, એક જ પહેરવશે, જાણે કે બધા એક જ દિલવાળા, પોતાની ખોવાઇ ગયેલી વસ્તુને શોધી રહ્યા છે. અને એમની પોતાની હાલત હેરાન – પરેશાન છે એવામાં એક શખ્સ કાબાની દિવાલને ખૂણેથી જાહેર થશે અને ગીલાફ (કાઅબાની દિવાલ ફરતે કાળું કપડું) ની નીચેથી નીકળશે… જેની સૂરત અને શકલ, શિષ્ટાચાર, ચાલ ચલણ રૂપે તેમજ મોહકતા રસૂલે ખુદા (સ.અ.વ.) થી મળતા હશે. લોકો એમને પૂછશે : ‘શું આપ મહદી છો?’ એ એમને જવાબ આપશે : ‘હા! હું મહદી છું.’ પછી બધા એમના હાથો પર બયઅત કરશે. (પ્રતિજ્ઞા લેશે)’ (‘અલ મુલાહીમ વલ ફતન’ પાનું 122) ખરેખર કેટલા ખુશનસીબ એ લોકો હશે જેમને હઝરતની ઝીયારત કરવાનું માન (આદર) મળશે. આ લોકો દુનિયાના ખૂણેખૂણેથી ફરતા ફરતા કાઅબામાં ભેગા થશે. એમાંથી કેટલાક એવા હશે કે જે જમીનના પંથને એક પળમાં કાપી નાખશે. વળી કેટલાક એવા હશે જે વાદળોની જેમ સરતા – સરતા પલકવારમાં આવશે. એમાંના બધા જ જવાન હશે. આટલી બધી ખૂબીઓ હોવા છતાં એ લોકો નમ્રતાના સ્વામી હશે. એટલે સુધી કે હઝરતના અશ્ર્વની પીઠ ઉપરના જીન પર પોતાના હાથ ફેરવતા હશે એન બરકત મેળવતા હશે. એમની બધીજ ખૂબીઓ અને એમના નામો ઇમામ (અ.સ.) ને ખબર છે.
આપણે બધા ઇમામ (અ.સ.)ના મદદગાર અને સાથીઓમાં શામેલ થવાની ઇચ્છા રાખીએ છીએ….. કાશ….. આપણે આ બધી ખૂબીઓ પણ આપણામાં પેદા કરવાની કાશિષ કરતે…..

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.