Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૦

રજઅત

Print Friendly

‘રજઅત’ ઇસ્લામનો એક માન્ય અકીદો છે કુરઆની આયતો અને રિવાયતો તેની હક્કાનિયત પર (સચ્ચાઇ પર) દલીલો રૂપે પ્રકાશ પાડે છે, પણ અફસોસ કે આટલી સ્પષ્ટ હકીકત પણ કૌમી તઅસ્સુબ (પક્ષપાત) અને શૈતાની વસવસાઓને ભેટ ચઢી ગયેલ છે. એ જ વસ્તુઓ જેની બિના પર અહલેબૈતે અત્હાર (અલૈહિમુસ્સલામ)ની ફઝીલતને છુપાવવામાં આવી અથવા તેમાં ફેરફાર કરવામાં આવ્યો, જેની બિના પર હદીસો ઘડવામાં આવી, એ જ કારણો કે જેની બિના પર હકીકતોને વિપરીત કરી નાખવામાં આવી, એ જ સૌ વાતોની બિના પર ‘અહલે સુન્નત’ના ભાઇઓએ ઇસ્લામના આ સ્પષ્ટ અકીદાથી પણ ઇન્કાર કરી દીધો. અને કુરઆન અને રિવાયતોની વાઝેહ – સ્પષ્ટ દલીલો છતાં તેનો મુસ્અલો શીયા અને સુન્ની આલિમો વચ્ચે ચર્ચા અને વાદવિવાદનો અગત્યનો વિષય બનીને રહ્યો અને તેના પર ગરમાગરમ ચર્ચાઓ થતી રહી. સવાલ એ છે કે શું સુન્ની આલિમો શીયા આલિમોની દલીલોના જવાબ આપી શક્યા કેમ નહીં?
– આ સવાલનો જવાબ આપને આ લેખ વાંચ્યા પછી જાણી શકાશે….
(1) ‘રજઅત’નો શો અર્થ છે?
– રજઅત – ‘રૂજૂઅ’માંથી બનેલો છે જેનો અર્થ થાય છે ‘બાઝગત’-(પડઘો) – વાપસી (પાછા ફરવું) અને ‘ઇફતિલાહી’ (પારિભાષિક) રીતે અમૂક રીતે મરી ગયેલાઓનું કિયામત થવા પહેલા ઝિંદા થવું – જીવતા થઇ જવું – તે લોકો જેઓ મૌતના ખોળે ભરઊંઘમાં સૂતેલા છે તેમને ખુદાની લાઝવાબ કુદરત, આ દુનિયામાં ફરીથી જીવતા કરશે.– એટલે કે સામાન્ય રીતે લોકો એક વખત આ દુનિયામાં મરશે તો પછી કિયામતમાં જીવતા કરવામાં આવશે, જ્યારે આ લોકોને બે વખતે જીવતા અને મુર્દા કરવામાં આવશે, એક વેળા આ જ દુનિયામાં અને બીજી વેળા કિયામતમાં.
(2) શું રજઅત મુમક્નિ (શક્ય) છે?
અહલે સુન્નતની તરફથી ‘રજઅત’નો ઇન્કાર કરવાનું કારણ ખરૂં જોતા આ જ સવાલ છે. દુનિયામાં ફરીથી જીવતા થવાનું ખૂબ વધારે મુશ્કેલ છે જો કે ખુદા અને તેની અપાર કુદરત (શક્તિ) પર જેઓ યકીન ધરાવે છે તેમની દ્રષ્ટિએ મુરદાઓનું ફરીથી જીવતા થવું મુશ્કેલ નથી, કારણ તે જ ખુદા તેમને ફરથી ઝિંદા કરશે, જેણે તેમને અગાઉ પેદા કર્યા હતા. આ ઉપરાંત તમામ મુસલમાનોનો એ સર્વસામાન્ય અકીદો છે કે કિયામતમાં તમામ ઇન્સાનોને ફરી ઝિંદા કરવામાં આવશે. એ ખુદા જે તમામ ઇન્સાનોને ફરીથી ઝિંદા કરી શકે છે, તેને માટે અમૂક લોકોને ફરીથી જીવતા કરવાનું કાર્ય ક્યાં અઘરૂં છે? આ બિના પર – રજઅત – કિયામતથી વધુ આસાન છે.
(3) શું બધી જ વ્યક્તિઓની રજઅત થશે?
આયતો અને રિવાયતો અનુસાર, રજઅત – કિયામતની જેમ સૌ કોઇને માટે નથી. બલ્કે અમૂક લોકોની દુનિયામાં ‘રજઅત’ થશે. ‘અહલે બૈત’ (અ.સ.) ની રિવાયતો મુજબ ફક્ત બે પ્રકારની વ્યક્તિઓ-રજઅત કરશે – એક તો તે કે ખરેખર હકીકી મોમિન હશે અને બીજા તે જે પાક્કા કાફિર હશે. બાકીની વ્યક્તિઓની રજઅત નહી થાય અને તેમની પણ રજઅત નહી થાય જેઓ ઇલાહી અઝાબની બિના પર મરણ પામ્યા હશે.
(4) રજઅત ક્યાર થશે?
રિવાયતમાં જે – ‘રજઅત’ – તરફ ઇશારો છે તે હઝરત મહદી (અ.સ.)ના ઝહુરની સાથે હશે અને તે ચોક્કસ આખરી ઝમાનામાં થશે અને તે કિયામતની અલામતોની (નિશાનીઓ)માં એક ચોક્કસ અલામત છે.
(5) રજઅતનો ફાયદો શો છે?
જો કે આ રજઅત – ફક્ત ઇમામ મહદી (અ.સ.)ના ઝહુરની સાથો સાથ થશે, રિવાયતોમાં તેનો એક ફાયદો ઇસ્લામની ઇઝઝત, સરબુલંદી અને કુફ્રની ઝિલ્લત – પસ્તી (અધોગતિ) દખાડવાનો છે. જાણે કે રજઅત – કાફિરો, ઝાલિમો – સિતમગારો માટે દુન્યવી અઝાબ છે. એ લોકો કેવી રીતે મોમિનો અને મુસલમાનોને સતાવ્યા હતા. ઝલીલ કર્યા હતા, આજે તેઓ પોતાના અને તેમના અંજામને જોશે અને એવી જ રીતે આ – રજઅત – મોમીનીન માટે એક પ્રકારનો દુન્યવી સવાબ છે, જેથી તેઓ જુએ કે કેવી રીતે ખુદાએ ઝાલિમો પાસેથી આ દુનિયામાં ઇન્તેકામ લીધો અને કેવી રીતે મોમેનીનને અઝમત અને કુદરત અતા કરી. અલબત્ત તે બન્ને માટે આખિરતના અઝાબ સવાબ તો પોતાપોતાની જગ્યાએ બાકી જ રહે છે.
(6) શું ગત ઉમ્મતોમાં પણ – રજઅત – થયેલી છે?
ગત ( એટલે કે થઇ ચૂકેલી) ઉમ્મતો બાબત પણ કુરઆને કરીમે રજઅતનો ઉલ્લેખ કર્યો છે. (1) જ. મૂસા (અ.સ.) ના ઝમાનામાં સિત્તેર માણસો માર્યા બાદ ફરી જીવંત થવું (સૂરએ ‘બકરહ’ આયત – 6-55) (2) ‘બની ઇસ્રાઇલ’ના મકતુલનું કરીથી જીવંત થવું – (‘સુરએ બકરહ’ આયત – 3,72) (3) હ. હિઝકીલ (અ.સ.) ની ઉમ્મતમાં હઝારો આદમીઓનું ફરીથી જીવતાં થવું (સુરએ ‘બકરહ’ આયત – 3, 24) (4) હ. ઉઝૈર અને તેમના ગઘેડાનું સૌ વર્ષ પછી ફરીથી જીવતાં થવું. (સુરએ ‘બકરહ’ આયત – 259) (5) – ત્રણસો નવ વર્ષની મુદ્દત બાદ, ‘અસ્હાબે કહફ’નું ફરીથી ઝિંદા થવું. (સુરએ ‘કહફ’આયત – 25) – (6) હ. ઇસા (અ.સ.) ના હાથો પર મુર્દાનું જીવંત થવું. (સુરએ ‘આલે ઇમરાન’, આયત – 49, ‘માએદહ’ આયત – 110) – (7) હ. ઇબ્રાહીમ (અ.સ.) ની સામે ચાર પરિન્દાઓનું ફરીથી જીવતા થવું – (સુરએ ‘બકરહ’ આયત – 260) (8) હ. ઐયૂબ (અ.સ.)ના ફરઝન્દોનું મરવા પછી ઝિંદા થવું. (સુરએ ‘અમ્બિયા’ આયત -84)
આ તમામ વાકેઆઓની વિગતો ‘કસસુલ અમ્બિયા’ અંગેની કિતાબો એન ઉપરોક્ત આયતો અંગેની તફસીરોમાં જોઇ શકાય છે. આ મિસાલો પરથી આ વાત વાઝેહ થઇ જાય છે કે મરવા પછી અમૂક લોકો ફરીથી ઝિંદા થતા હોય છે. આ મિસાલો બાદ રજઅત, ‘નામુમકિન’ (અશક્ય) હોવાનો કોઇ સવાલ જ નથી. જ્યારે કે ‘ઇમકાન’ (શક્ય) માટે ફક્ત એક મિસાલ જ પૂરતી હોય છે.
(7) રજઅતના અકીદા પર કુરઆનમાં કોઇ દલીલ છે?
ઉપર જણાવવામાં આવેલી આયતો રજઅતનો અકીદો સહીહ (સત્ય) હોવાની તેમ ઇસ્લામી હોવાની દલીલ રજુ કરે છે. આ આયતો ઉપરાંત પણ આયતો છે કેજે રજઅતને વાજહે રીતે બયાન કરે છે, જે આયતોમાંની એક આયત આ છે (સુરએ ‘નમ્લ’ – આયત – 83) – સારાંશ – ‘જે દિવસે અમે કાફિરોના દરેક ગિરોહમાંથી અમુક લોકોને ‘મશહુર’ (ફરીથી જન્માવવું) કરીશું.’
આ આયત ત્રણ બાબતોની બિના પર કિયામત સાથે સંબંધ ધરાવતી નથી. (અ) તમામ મુસલમાનો આ બાબત પર એક મત છે કે કિયામતમાં તમામ ઇન્સાનો અ મેહશુર થશે. જ્યારે કે આ આયતમાં દરેક ગિરોહમાંથી અમૂક લોકોને મેહશૂર – (પુનરજન્મ) કરવાનો ઉલ્લેખ છે. (બ) આ આયતની પહેલા ‘દાબ્બતુલ અર્ઝ’ નીકળવાનો ઝીકર છે. રસૂલે ખુદા (સ.અ.વ.)ની હદીસોમાં, ‘દાબ્બતુલ અર્ઝ’ને કિયામતની નિશાનીરૂપે બતાવવામાં આવ્યું છે. (‘સહીહ મુસ્લિમ’ કિતાબુલ ફિતન, બાબુલ આયાત ‘અલ્લતી તકૂન કબ્લસ્સાઅહ’) આ પરથી મઅલૂમ થાય છે કે અમુક લોકોનું, કિયામતથી પહેલા, જીવતાં થવું – ‘દાબ્બતુલ અર્ઝ’ – નીકળવાની સાથે થશે. (ક) આ આયત પછીની આયતોમાં ‘સૂર’ ફુંકવાનો અને કિયામત બર્પા થવા વિશેનો ઉલ્લેખ છે. આ પરથી જણાય છે. આ પરથી જણાય છે કે અમૂક લોકો – ‘સૂર’થી પહેલાં એટલે કે કિયામત અગાઉ ઝિંદા કરવામાં આવશે.
આ વાતોથી સ્પષ્ટ થાય છે કે કુરઆને કરીમ. કાયદેસર રીતે અ ‘રજઅત’ – નો ઉલ્લેખ કરે છે. આ બિના પર રજઅતનો અકીદો કુરઆન અને ઇસ્લામી અકીદો છે.
(8) શું આ આયતોની મતલબ રજઅતથી ઇન્કાર છે?
‘અહલે સુન્નત’- જ્યારે ગત આયતો અંગે કોઇ મઅકુલ – તવજીહ કરી નહી શક્યા તો તેઓએ રજઅતના ઇન્કાર અંગે બીજી આયતો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને અમુક આયતોની ઝાહેરી મઆનાથી તમસ્સુક કરીને (બાહૃયાર્થનો આશરો લઇને) રજઅતની વિરૂદ્ધ દલીલો કાયમ કરી અને આ આયતને દલીલરૂપે પેશ કરી. (સુરએ અમ્બિયા – 95) સારાંશ : ‘જેમને અમે હલાક કર્યા છે તેમની ફરીથી બે વખત વાપસી (પુનરાગમન) નહી થાય – એટલે કે – ‘રજઅત’ નહી થાય..’ ! પરંતુ જો કોઇ થોડીઘણી સમજ ધરાવતા હોય તો અને તેના અર્થને સમજવાની સલાહીયત રાખતા હોય તો તેઓ બહુ આસાનીથી સમજી શકશે કે આયતોમાં રજઅતનો ઇન્કાર કરવામાં નથી આવ્યો બલ્કે આ આયત તે લોકોનો હાલ બયાન કરી રહી છે કે જેઓ ઇલાહી અઝાબને ઝરીએ હલાક કરવામાં આવ્યા છે અને આ બાબત ત્રીજા સવાલમાં આવી ચૂકી છે.
આ ઉપરાંત એમ પણ કહે છે કે જ્યારે – મુશરેકીન – ખુદાવંદે આલમથી દુનિયામાં પાછા જવાની માંગણી કરશે તો તેમને નકારમાં જવાબ આપવામાં આવશે. (સુરએ ‘મોમેનૂન’- 99-100) અને જ્યારે વાપસીની ઇજાઝત, પાછા ફરવાની પરવાનગી નહી મળે તો રજઅત પણ નહીં થાય! જ્યારે કે વાત એમ નથી. કારણ કે કાફરો અને મુશ્કેરીનની બાઝગશ્તનો મકસદ નેક કામને અંજામ આપવાનો છે, જેથ કરી પાછા અઝાબમાં, મુબ્તેલા થાય નહીં. જ્યારે કે – રજઅતમાં એવું નહી થાય. અને આ બાબત પાંચમાં સવાલમાં થઇ ચૂકી છે કે રજઅતનો મકસદ અઅમાલની ઇસ્લાહ નથી અને અઅમાલની ઇસ્લાહ માટે રજઅત નથી અને કુરઆનના શબ્દોમાં જો તેમને ફરીથી મોહલત આપવામાં આવે તો પણ તેઓ એ જ કામ અન્જામ આપશે, જે પહેલાં તેઓ કરતા રહ્યા હતા…. (સુરએ ‘અન્આમ’ – 28) જ્યારે કે – રજઅત – ઇસ્લામની અઝમત અને બુલંદી અને કુફ્રની ઝબૂંહાલી (અવદશા) જોવા માટે હશે.
(9) – ‘રજઅત’ – અને સુન્ની મઅખઝ
દરેક ઇન્સાફપસંદ સુન્નીની ફરજ છે કે તે રજઅતનો સ્વિકાર કરે, કેમ કે –
(અ) રજઅત મુમકિન (શક્ય) છે અને મુમકિન ખુદાને માટે મુશ્કીલ નથી. (આ) કુરઆને સંખ્યાબંધ જગ્યાઓ પર રજઅત હોવા વિશેની ખબર આપી છે. (ઇ) કુરઆને વાઝેહ તરીકા પર કિયામતથી પેહલા રજઅત થવા વિશેનો ઉલ્લેખ કર્યો છે. (ઉ) રસૂલે ખુદા (સ.અ.વ.) એ સંખ્યાબંધ રિવાયતોમાં ઇરશાદ ફરમાવ્યું છે, ‘જે વાતો ગત ઉમ્મતો (ઇસાઇ અને યહુદી) માં થઇ ચૂકી છે, તે મારી ઉમ્મતમાં જેમની તમે હબહુ થશે, તે એટલે સુધી કે જો તે કોઇ જાનવરના નિવાસમાં થયા હશે તો તમે પણ ત્યાં કદમ મૂકશો.’ (બુખારી કિતાબુલ એઅતેસામ, બ – કૌલીન્નબી, ઇબ્ને માજાહ – અફઝાકુલ ઉમમ) આ રિવાયતોથી જાણી શકાય છે કે જે કાંઇ ‘બની ઇસ્રાઇલ’ કૌમમાં થયું છે, તે રસૂલે ખુદાની ઉમ્મતમાં જરૂર થશે.
જો આપણે છઠ્ઠા સવાલને ધ્યાનપૂર્વક વાંચીએ તો જણાશે કે ‘બની ઇસ્રાઇલ’માં સંખ્યાબંધ – રજઅતો – થયેલી છે.
આ બિના પર આ ઉમ્મતમાં પણ રજઅતનું થવું જરૂરી છે. આ છતાં પણ કોઇ રજઅતનો ઇન્કાર કરે તો રસૂલે ખુદા (સ.અ.વ.) ની હદીસનો ઇન્કારક કરી રહ્યા છે. કુરઆનની એક આયત અને રસૂલ (સ.અ.વ.) ની રિવાયત પર ઇમાન લાવવું દરેક મુસલમાનની પહેલી ઝિમ્મેદારી છે, એટલે જ-‘રજઅત’-નો અકીદો રાખવો દરેક મુસલમાનનો ફરીઝો છે.
(10) શું રજઅત તનાસુખ છે?
જે લોકો આ સવાલની બિના પર રજઅતનો ઇન્કાર કરવા ચાહે છે, તેમને જોઇએ કે તેઓ કિયામતનો ઇન્કાર પણ કરી દે. કારણ કે કિયામતની જેમ રજઅતમાં પણ લોકોને ફરીથી ઝિંદા કરવાનો ઉલ્લેખ છે, જ્યારે કે રજઅત, કિયામત અને તનાસુખમાં ઘણો ફરક છે. ‘તનાસુખ’એટલે કે મર્યા પછી રૂહનો કોઇ બીજા ઇન્સાન યા હેવાનના બદનમાં મુન્તકિલ (સ્થળાંતર) થઇ જવું. જ્યારે કે રજઅત અને કિયામતનો મતલબ રૂહનો નકલ અને ઇન્તેકાલ નથી બલ્કે મુર્દા ઇન્સાનને ફરીથી જીવતા કરવાનું છે અને તે જ ઇન્સાનને ઝિન્દા કરવાનું છે, નહી કે તેની રૂહ અને તેના બદનને – તે ઉપરાંત રજઅતની અકીદાનો મતલબ, હરગીઝ હરગીઝ કિયામતનો ઇન્કાર નથી.
(11) અહલે સુન્નત રજઅતનો શા માટે ઇન્કાર કરે છે?
સવાલ નં. 6,7, અને 9માં જવાબ વાઝેહ થઇ ગયા પછી રજઅતનો ઇન્કાર અથવા તેને મુશ્કેલ તરીકે ખ્યાલ કરવો તે માટેની કોઇ મઅફૂલ વજેહ નથી, તો હવે રજઅત કબૂલ નહી કરવાની વજેહ, યા તો તેને મુશ્કેલ ખ્યાલ કરવાની બિના પર છે, યા તો આયતો અને રિવાયતો પર સંપૂર્ણ ઇમાન નહી હોવાની બિના પર છે, અને આ બન્ને વાતો હકીકી મુસલમાનોની શાનની વિરૂદ્ધ છે અને ઇમાનની રૂહથી દૂર છે અને જેનું પરિણામ કુરઆન અને હદીસનો ઇન્કાર છે અને જે પર બાકી રહેવું ફ્રક છે.
(12) શું રજઅત પર એઅતેકાદ રાખવો જરૂરી છે?
દરેમ મુસલમાન કુરઆન અને હદીસ પર એઅતેકાદ ધરાવે છે અને કુરઆન અને હદીસમાં રજઅતનો રીતસરનો ઉલ્લેખ છે, તેવી રજઅત પર અકીદો રાખવો દરેક મુસલમાનની ફરઝ છે અને જ્યાં સુધી ‘અહલેબૈત’ ઇસ્મત અને તહારત (અ.સ.) ની રિવાયતોનો સવાલ છે, તો ત્યાં રજઅત એઅતેકાદ – ઇમાનનો અંશ ઠરાવવામાં આવ્યો છે. (મન – લા – યહઝરહલ – ફકીય, ભાગ – 3, પાનું -291, હદીસ 1384, નકલ અઝ : હઝરત ઇમામ જઅફર સાદિક અ.સ.)
ખુદાવંદે આલમે હઝરત ઇમામ મહદી (અ.સ.) ના ઝૂહુરમાં જલ્દ અઝ જલ્દ, તઅજીલ ફરમાવે, અને આપણને તેમના ઝમાનામાં રજઅત કરવાવાળા મોમેનીને ખાલિસમાં સુમાર, ફરમાવે, જેથી આપણી આંખોથી કુફ્ર પર ઇસ્લામની વાઝેહ ફતેહને જોઇ શકીએ, કુફ્ર અને ઝુલ્મની તબાહીને જોઇએ અને હ. મહદી (અ.સ.) ની આદિલોના (ન્યાયી) કરી શકીએ.- આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.