Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૩ » વિલાયત અને બરાઅત

બરાઅત અથવા દુશ્મનોથી બેઝારી ઇમાનની શર્ત છે.

Print Friendly, PDF & Email

દીને ઇસ્લામ તે એવો મઝહબ છે કે જેના તમામ ઉસુલ અને કાનુનો પવિત્ર ફિતરત અને અકલે સલીમની દ્રઢ બુનિયાદ પર આધારિત છે. ઇસ્લામનો કોઇપણ હુકમ ન તો ફિતરતની વિરૂધ્ધ છે અને ન તો અક્કલથી વિરૂધ્ધ. જ્યાં આ કાનૂનો અને ઉસુલની જરૂરીયાતી શર્ત છે, કે ખુદા, રસુલ(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.) અને તેમના દોસ્તોથી મોહબ્બત અને મવદ્દતમાં તરબોળ હોય. ત્યાં સાથો સાથ તેમના દુશ્મનોથી નફરત ત્થા અણગમો ઇમાનની બુનિયાદ મજબુત હોવાની દલીલ છે. એ શક્ય છે કે કોઇ એમ વિચારે કે ઇસ્લામ તો બસ મોહબ્બત અને પ્યારનો મઝહબ છે, નફરત અને અણગમો ઇસ્લામનું સુત્ર નથી. આના લીધે તે અલ્લાહ અને રસુલ(સ.)ના દુશ્મન અને ખાસ કરીને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોથી બેઝારીમાં માનતો ન હોય અને તેને ઇસ્લામી શિક્ષણની વિરૂધ્ધ સમજતો હોય તો તે અક્કલ અને ડહાપણથી દૂર હશે, કારણ કે દરેક ચીજને તેની વિરૂધ્ધની ચીજથી ઓળખવામાં આવે છે. જેમ કે રાતના વુજુદથીને દિવસને ઓળખવામાં આવે છે.
કુર્આને હકીમ અને દુશ્મનોથી બેઝારી:
કુર્આને કરીમની રોશનીમાં દુશ્મનોથી બેઝારી એ મોહબ્બત અને મવદ્દત વ્યક્ત કરવાથી પહેલા છે. સુરે બકરહ, આયત ૨૫૬, જે આયતુલ કુરસીની એક આયત પણ છે, જે દરેકને યાદ છે.
“ફ મય્યકફુર્ બિત્તાગૂતે વ યુઅમીમ્ બિલ્લાહે ફકદીસ્ તમ્સક બિલ ઉર્વતીલ્ વુસ્કા
“પછી જેણે તાગુતનો ઇન્કાર કર્યો અને ખુદાનો ઇકરાર કર્યો અને તે ઇમાન લાવ્યો, યકીનન તે સૌથી મજબુત રસ્સીથી મુતમસ્સીક થઇ ગયો
આ આયતમાં તાગુતનો ઇન્કાર કરવાનો ઉલ્લેખ અલ્લાહ પર ઇમાન લાવવા પહેલા થયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ખુદાવંદે આલમ પર ઇમાન તે સમય સુધી સંપૂર્ણ જ નથી થતુ જ્યાં સુધી તાગુતી એટલે કે ગૈરે ખુદાઇ તાકતોનો સંપૂર્ણ રીતે ઇન્કાર ન થાય. તૌહિદનો કલેમો જે મુસલમાન અને મોઅમીન હોવાની પહેલી શર્ત છે અને સૌથી બુનિયાદી કલેમો છે જ્યાંથી ઇસ્લામની શરૂઆત થાય છે ત્યાં પણ ખુદાના સ્વિકાર પહેલા ગૈરે ખુદાની ખુદાઇનો સંપૂર્ણ ઇન્કાર કરવામાં આવ્યો છે. “લા એલાહ ઇલ્લલ્લાહ ઇન્કારને ઇકરારથી પહેલા મુકવામાં આવ્યો છે. આ ઇન્કાર પછી સ્વિકારની મંઝિલ છે.
હવે જરા આ આયતો ઉપર વિચાર કરો.
” અ ઇન્નકુમ લ તશ્હદૂન અન્ન મઅલ્લાહે આલેહતન ઉખરા, કુલ લા અશ્હદો કુલ્ ઇન્નમા હોવ એલાહુન વાહેદુન વ ઇન્નની બરીઉમ્ મીમ્મા તુશ્રેકૂન
“(કાફીરો અને મુશ્રીકોથી સંબોધન છે) શું તમે એ વાતની ગવાહી આપો છો કે ખુદા સિવાય પણ બીજો કોઇ ખુદા છે? અય પૈગમ્બર આપ કહી દયો, હું આ પ્રકારની ગવાહી હરગીઝ નથી આપતો અને કહી દયો યકીનન બેશક તે અલ્લાહ બસ એક છે અને તમે લોકો જેને ખુદાના શરીક બનાવો છો, હું યકીનન તેનાથી દૂર અને બેઝાર છું.
(સુ. અન્આમ, આયત: ૧૯)
હઝરતે હુદ(અ.સ.)ની જીભ પર બયાન થાય છે:
“કાલ ઇન્ની ઉશ્હેદુલ્લાહ વશ્હદૂ અન્ની બરીઉમ્ મીમ્મા તુશ્રેકૂન
“અને તેમણે કહ્યું, હું ખુદાને ગવાહ બનાવું છું અને તમે બધા પણ આ વાત પર ગવાહ રહેજો કે તમે જે બંદાઓને ખુદાના શરીક બનાવો છો, તેનાથી હું દૂર અને બેઝાર છું
(સુ. હુદ, આયત: ૫૪)
બેઝારી ઇમાનની જરૂરત (શર્ત) છે:
આ પ્રકારની ઘણી બધી આયતો કુર્આને કરીમમાં મૌજુદ છે જેમાં ખુદા સિવાયની તાકતોથી સ્પષ્ટ રીતે બરાઅત વ્યક્ત કરવામાં આવી છે. આનો મતલબ એ છે કે તૌહિદના અકીદાની શર્ત છે: ગૈરે ખુદાઇ તાકતોથી બરાઅત. આ આયતોમાં તો ગૈરે ખુદા અથવા અલ્લાહના વિરૂધ્ધની તાકતોથી દૂરી અને બરાઅતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુર્આને કરીમની આયતોમાં આ તમામ લોકોથી દોસ્તી ન કરવી અને તેનાથી દૂરી રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે, જે ખુદા અને રસુલ(સ.અ.વ.)ના દુશ્મન છે.
જે કુર્આની શિક્ષણ છે તે જ મકતબે એહલેબૈત (અ.મુ.સ.)નું શિક્ષણ છે. દાખલા તરીકે બેહતરીન અમલના વિશે હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું છે:
“ઇન્ન અફઝલદ્દીને અલ્ હુબ્બો ફીલ્લાહે વલ્ બુગ્ઝો ફીલ્લાહે
“યકીનન ખુદાના માટે કોઇનાથી મોહબ્બત કરવી અને ખુદાના માટે કોઇથી નફરત અને બુગ્ઝ રાખવું એ સૌથી ઉત્તમ દીન છે.
(ગોરરૂલ હેકમ, મિઝાનુલ હિકમત હદીસ નં: ૩૧૮૩)
એટલુ જ નહી પણ જે આલિમે અક્કલ અને ડહાપણથી ઇન્સાફ કર્યો છે અને પોતાના ઇલ્મને હકની કસોટી પર ચકાસ્યું છે, તેણે પણ આ લખાણ પર અમલ કરવાની કોશિશ કરી છે. આ વિષયમાં વાંચકો માટે આ રિવાયત વર્ણવીએ છીએ.
આ રિવાયત એહલે સુન્નતના આલીમેદીન મુત્તકી હિન્દીએ ક્ધઝુલ ઉમ્માલ (૨૪૬૩૮ મી હદીસ)માં નકલ કરી છે.
“અફ્ઝલુલ્ અઅ્માલે અલ્ હુબ્બો ફીલ્લાહે વલ બુગ્ઝો ફિલ્લાહે
“સૌથી શ્રેષ્ઠ અમલ અલ્લાહ માટે મોહબ્બત અને અલ્લાહ માટે નફરત છે.
મામુને હઝરત ઇમામ રેઝા(અ.સ.)થી સવાલ કર્યો કે આપ ખાલિસ દીન અને તેનો ખુલાસો અને તેની રૂહ બયાન ફરમાવો. ઇમામ(અ.સ.) અમુક વાક્યોમાં આ વાત બયાન કરતા કહ્યું:
“વ હુબ્બો અવ્લીયાઇલ્લાહે તઆલા વાજીબુન વ કઝાલેક બુગ્ઝો અઅદાઇલ્લાહે વલ બરાઅતો મીન્હુમ વ મીન અઇમ્મતેહીમ
“અલ્લાહના અવ્લીયાથી મોહબ્બત કરવી વાજીબ છે અને એ રીતે અલ્લાહના દુશ્મનોથી નફરત કરવી અને દુશ્મની રાખવી અને તેમના રેહનુમાઓથી બરાઅત અને દૂરી રાખવી વાજીબ છે.
(ઓયુને અખ્બારે રેઝા(અ.), ભાગ: ૨, પાના: ૧૨૧)
આથી સ્પષ્ટ થાય છે કે ઇસ્લામમાં જ્યાં ખુદા, તેના રસુલ અને તેના અવ્લીયાથી મોહબ્બત લાઝીમ છે, ત્યાં તેમના દુશ્મનોથી નફરત અને બરાઅત પણ લાઝીમ છે. અગર કોઇ શખ્સ ખુદા, રસુલ અને તેના અવ્લીયાથી મોહબ્બત તો રાખે છે પરંતુ તેમના દુશ્મનોથી બેઝાર નથી તો તેનું ઇમાન અધુરૂ છે અને પરિભાષામાં તેને મુનાફીક કહેવામાં આવે છે. આ મોહબ્બત અને નફરત એટલી બધી મહત્વની છે કે:
ખુદાવંદે આલમે હઝરત મુસા(અ.સ.) તરફ વહી કરી:
“અય મુસા(અ.સ.) શું તમે મારા માટે કોઇ કામ કર્યુ છે? જ.મુસા(અ.)એ અર્જ કરી, હા પરવરદિગાર મેં તારા માટે નમાઝ પઢી, તારા માટે રોઝા રાખ્યા, તારી રાહમાં ખર્ચ કર્યો અને હંમેશા તારી યાદમાં રહું છું.
ખુદાએ ફરમાવ્યું: ” નમાઝ તમારા માટે હકની નિશાની અને અલામત છે, રોઝા જહન્નમની આગ સામે ઢાલ છે, મારી રાહમાં ખર્ચ કરવો તે કયામતના દિવસે છાયાવાળું ઝાડ હશે, મારી યાદ નૂર છે. એ બતાવો કે તમે મારા માટે કયો અમલ અંજામ આપ્યો? જ.મુસા(અ.)એ અરજ કરી “પરવરદિગાર! આ બાબતમાં તું જ મારી રેહનુમાઇ કર.
અલ્લાહ તબારક વ તઆલાએ ફરમાવ્યું:
“હલ વાલય્ત લી વલીય્યન વ હલ આદય્ત લી અદુવ્વન કત્તો ફ અલેમ મુસા અન્ન અફઝલલ અઅ્માલે અલ હુબ્બો ફીલ્લાહે વલ્બુગ્ઝો ફીલ્લાહે
“શું તમે મારા માટે કોઇને દોસ્ત રાખ્યો છે. શું ફક્ત મારા માટે કોઇનાથી દુશ્મની કરી છે. તે સમયે મુસા(અ.)ને માલુમ થયું કે સૌથી અફઝલ અમલ ખુદાના માટે મોહબ્બત કરવી અને ખુદાના માટે દુશ્મની રાખવી તે છે.
(સફીનતુલ બેહાર, ભાગ: ૧, પાના: ૨૦૧)
(તફસીરે નમુના, ભાગ: ૨૩, પાના: ૪૭૩-૪૭૪)
નેકીની ઓળખાણ :
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યું:
“અગર તમે એ જાણવા ચાહતા હો કે તમારામાં કંઇક ભલાઇઓ અને નેકી છે, તો તમે તમારા પોતાના દિલ ઉપર નજર કરો, અગર તે ખુદાના મુતીઅ (ઇતાઅત ગુજારો) અને ફરમાબરદારોને દોસ્ત રાખે છે, ગુનેહગારો અને નાફરમાનોથી નફરત કરે છે, તો અલ્લાહ તમને દોસ્ત રાખે છે અને અગર તે મુતીઅ અને ફરમાબરદારોથી નફરત કરે છે અને ગુનેહગારો અને નાફરમાનોને દોસ્ત રાખે છે, તો તમારામાં કોઇ ભલાઇ અને ખૈર નથી અને ખુદા તમારાથી નફરત કરે છે, તમને નાપસંદ કરે છે, કારણ કે માણસ તેના ચાહવાવાળાઓની સાથે છે.
(સફીનતુલ બેહાર, ભાગ: ૧, પાના: ૨૦૧)
(તફસીરે તમુના, ભાગ: ૨૩, પાના: ૪૭૪)
એ વાત એકદમ સ્પષ્ટ છે કે એહલેબૈત(અ.સ.)થી વધીને કોઇ પણ અલ્લાહના મુતીઅ અને ફરમાબરદાર નથી અને તેઓ(અ.સ.) એટલા બધા અલ્લાહના ઇતાઅત ગુઝાર છે કે તેમની ઇતાઅત અલ્લાહની ઇતાઅત અને તેમની મોહબ્બત ખુદાની મોહબ્બત છે. હવે જ્યારે આ હઝરતો(અ.સ.) પરવરદિગારની ઇતાઅત અને મોહબ્બતના મુજસ્સમ મઝહર છે તો પછી દરેક એ શખ્સ જે તેમનો વિરોધી છે, તે ખુદાનો નાફરમાન છે અને તેમનો દુશ્મન ખુદાનો દુશ્મન છે. હવે કોઇ શખ્સ પોતાની જાતને પારખવા માંગે અને પોતાના વુજુદમાં ખૈર અને નેકીને જાણવા ચાહે તો જુએ કે તેના દિલમાં મોહમ્મદો આલે મોહમ્મદથી કેટલી મોહબ્બત અને લાગણી છે અને તેમના દુશ્મનોથી કેટલી નફરત અને બુગ્ઝ છે. અગર મોહબ્બતની લાગણી તો છે, પરંતુ તેમના દુશ્મનોથી નફરત નથી તો આ એ શખ્સ છે જેનામાં ખૈર નથી કારણ કે એક દિલમાં બે વિરોધી બાબતો હરગીઝ ભેગી નથી થઇ શક્તી. એહલબૈત(અ.સ.)ની મોહબ્બતની સાથો સાથ તેમના દુશ્મનોથી લગાવ પણ!! ખુદા અને મુર્તિ એક જગ્યાએ જમા નથી થઇ શક્તા.
આ પણ એક હકીકત છે કે જે દિલમાં એહલેબૈત(અ.સ.)ના દુશ્મનોથી લગાવ હોય અને દિલમાં તેમના(અ.સ.)ના દુશ્મનો પ્રત્યે કુણી લાગણી હોય તો એવા ગંદા દિલમાં કોઇ બીજાની મોહબ્બત આવે તો આવે પણ પાકો પાકીઝા આયતે તત્હીરના માલિકની મોહબ્બત હરગીઝ આવી નથી શકતી. પરંતુ આ કસોટી પાર પાડવા માટે કોઇ એવી રીત અને પદ્ધતિ પણ હોવી જોઇએ જે ખુદ પોતે કહે કે મોહબ્બતનો હક અદા થયો છે અને તબર્રા અને બરાઅતનો પણ હક અદા થયો છે. આ તરસને છીપાવવા માટે આપણા માસુમ રેહનુમાઓએ આપણને ઝિયારતનો મજમુઓ અને તેને પઢવાની રીત પણ શીખવાડી છે અને તેના ‘મઆરીફ’ થી આપણને આગાહ પણ કર્યા છે.
મઆરીફે ઝિયારત:
અઇમ્મએ માસુમીન(અ.સ.)ની જે ઝિયારતો વર્ણવવામાં આવી છે, તેમાં ઇસ્લામી શિક્ષણને ખુબ જ સુંદર અંદાજમાં બયાન કરવામાં આવ્યું છે. આ ઝિયારતો હકીકતમાં હદીસો અને રિવાયતો છે જે ઝિયારતના રૂપમાં બયાન કરવામાં આવી છે. જે બાબતો એ ઝિયારતોમાં બયાન કરવામાં આવી છે તે હક છે, તેને તસ્લીમ કરવું અને તેમાં જણાવ્યા મુજબ પોતાના અકીદા, એહકામ અને અખ્લાકને બનાવવા તમામ મોહિબ્બાને એહલેબૈત(અ.સ.)ની જવાબદારી છે. આ ઝિયારતો ઇસ્લામી શિક્ષણના એ એવા મોટા અરિસા છે, જેમાં જોઇને ઇન્સાન પોતાની ઝીંદગીના તમામ પાસાઓ અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની સીરત પ્રમાણે બનાવી શકે છે.
સનદ પ્રમાણે મોટા ભાગની ઝિયારતો મોઅતબર અને સનદ ધરાવનાર છે પરંતુ આ ઝિયારતોમાં ઝિયારતે આશુરા અને ઝિયારતે જામેઆ કબીરા ખાસ મહત્વ ધરાવે છે. આ એ ઝિયારતો છે જે સનદના દ્રષ્ટિકોણથી એકદમ ભરોસાપાત્ર અને મુસ્તનદ છે. અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.) અને ખાસ કરીને ઇમામે ઝમાના(અ.સ.)એ આ ઝિયારતોને વારંવાર પઢવાની તાકીદ કરી છે. આ અઇમ્મએ માસુમીન(અ.)ની તાકીદની અસર છે કે દરેક ઝમાનાના ઓલમા તેમની ઝિયારતોના પાબંદ રહ્યા છે. ઓલમાએ કરામનો આ સતત અમલ આ ઝિયારતોના ભરોસાપાત્ર અને પ્રમાણીત હોવાની એક વધુ દલીલ છે. ટુંકાણને ધ્યાનમાં રાખીને ઝિયારતે આશુરા અને ઝિયારતે જામેઆ કબીરાના અમૂક વાક્યોનું વર્ણન કરવાની ખુશનસીબી હાંસિલ કરીએ છીએ.
ઝિયારતે આશુરા અને બરાઅત:
(૧)
ઝિયારતે આશુરામાં ૭ જગ્યાએ બરાઅતનો ઉલ્લેખ છે. આ પુનરાવર્તન નથી પરંતુ બરાઅતના મહત્વ પર ભાર મુકે છે. આ પણ ધ્યાનમાં રહે કે બરાઅત અને લાઅનત બંને સ્વતંત્ર જવાબદારી છે. એહલેબૈત(અ.મુ.સ.)ના દુશ્મનો અને કાતિલો પર લાઅનત કર્યા પછી આ વાક્ય છે.
“બરેઅ્તો એલલ્લાહે વ એલય્કુમ મિન્હુમ્ વ (મિન્) અશ્યાએહીમ્ વ અત્બાએહીમ્ વ અવ્લેયાએહીમ્
“હું ખુદાની બારગાહમાં અને અય એહલેબૈત(અ.) આપની બારગાહમાં એ તમામ લોકોથી, તેમના અનુયાયીઓથી, તેમની પૈરવી કરવાવાળા અને તેમને દોસ્ત રાખવાવાળાઓથી પોતાની બરાઅત અને બેઝારી તથા દૂરીનું એલાન કરૂ છું
આ જુમ્લામાં ફક્ત એ લોકોથી દૂરીને વ્યક્ત નથી કરી જેઓએ ઇમામ હુસૈન(અ.સ.) પર ઝુલ્મ કર્યા અને તેમને શહીદ કરી દીધા બલ્કે સાથો સાથ તે લોકોથી પણ બેઝારીનું એલાન છે જે તે ઝાલિમો અને કાતિલોના નક્શે કદમ પર ચાલી રહ્યા છે, તેઓની પૈરવી કરી રહ્યા છે અથવા તેઓને દોસ્ત રાખે છે. કારણ કે આ પ્રકારના લોકો દરેક ઝમાનામાં જાહેર થતા રહે છે. આ કારણે બરાઅતને જાહેર કરવું દરેક ઝમાનામાં જરૂરી છે.
(૨)
“યા અબા અબ્દીલ્લાહે ઇન્ની અતકર્રબો એલલ્લાહે વ એલા રસુલેહી વ એલા અમીરીલ્ મોઅ્મેનીન વ એલા ફાતેમત વ એલલ્ હસને વ એલય્ક બેમોવાલાતેક વ બીલ્ બરાઅતે મિમ્મન્ અસ્સસ અસાસ ઝાલેક વ બના અલય્હે બુન્યાનહુ વ જરા ફી ઝુલ્મેહી વ જવ્રેહી અલય્કુમ વ અલા અશ્યાએકુમ
“અય અબા અબ્દીલ્લાહ (હુસૈન ઇબ્ને અલી અ.સ.) હું અલ્લાહની બારગાહમાં નજદીકી ચાહું છું, તેના રસુલની બારગાહમાં, અમીરૂલ મોઅમેનીનની બારગાહમાં, જનાબે ફાતેમા ઝહરા(સ.)ની બારગાહમાં, ઇમામ હસનની બારગાહમાં અને આપ(અ.સ.)ની બારગાહમાં…
(થોડું વિચારો ખુદા અને પંજેતન પાકની બારગાહમાં કુરબત, શું દુનિયામાં ખુદા અને પંજેતન પાકથી વધીને કોઇ મહાન હસ્તીઓ છે જેનાથી નજદીકી હાંસિલ કરવામાં આવે? અને જે ચીજ વડે કુરબત હાંસિલ થાય તેનાથી વધુ મહત્વની બીજી કઇ ચીજ હોય શકે? એ વાત પણ યાદ રહે કે ઝિયારતનો આ જુમ્લો ફક્ત ગુનેહગાર લોકો જ અદા નથી કરતા બલ્કે માસુમીન(અ.મુ.સ.)એ પણ અદા કર્યો છે. જેઓ પોતે પણ અલ્લાહથી ખૂબ નજદીક છે. પરંતુ આ વાક્ય જાહેર કરે છે ખુદા અને પંજેતને પાકની બારગાહમાં કુરબત અને વધારે કુરબતનો મકસદ છે તો તેનો તરીકો છે અને જ્યારે બારગાહે ખુદા અને પંજેતનમાં આ વાક્ય કુરબતનું માધ્યમ છે તો બાકીની ઉમ્મત માટે તેનાથી વધારે ભરોસાપાત્ર કઇ વાત હોઇ શકે)
“આપની મોહબ્બત અને મોવદ્દત તથા તે લોકોથી બેઝારી થકી જે લોકોએ એ ઝુલ્મ અને જોરની બુનિયાદ રાખી અને તે લોકોથી પણ જેઓએ તે બુનિયાદ પર ઇમારત બનાવી અને તે લોકોથી પણ જેઓ આ ઝુલ્મના રસ્તા પર ચાલ્યા જેઓએ આપ પર ઝુલ્મ કર્યા અને આપના શીઆઓ પર ઝુલ્મ કર્યા
૩, ૪, ૫:
“બરેઅ્તો એલલ્લાહે વ એલય્કુમ મિન્હુમ્ વ અતકર્રબો એલલ્લાહે સુમ્મ એલય્કુમ બે મોવાલાતેકુમ વ મોવાલાતે વલીય્યેકુમ વ બીલ્ બરાઅતે મિન્ અઅ્દાએકુમ્ વન્નાસેબીન લકોમુલ્ હર્બ વ બીલ્ બરાઅતે મિન્ અશ્યાએહીમ્ વ અત્બાએહીમ્
(આ અમુક વાક્યોમાં ત્રણ વખત શબ્દ ‘બરાઅત’નો ઉપયોગ થયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ખુદા, રસુલ(સ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોથી દૂરી કેટલી હદે જરૂરી છે.)
“હું અલ્લાહની બારગાહમાં અને આપ હઝરાતની બારગાહમાં એ તમામ લોકોથી બરાઅત અને બેઝારીનું એલાન કરૂ છું અને અલ્લાહથી કુરબત હાંસિલ કરૂ છું. પછી આપ હઝરાતની બારગાહમાં કુરબતનો તલબગાર છું. આપની મોહબ્બત અને મવદ્દત વડે અને આપના ચાહવાવાળાઓની મોહબ્બત વડે અને એ તમામ લોકોથી બરાઅત અને બેઝારી વડે જે આપના દુશ્મન છે અને આપની સામે જંગ કરનારા છે. હું તેઓથી પણ દૂર અને બેઝાર છું. તેમના ચાહવાવાળાઓથી પણ અને તેમની પૈરવી કરવાવાળાઓથી પણ દૂર છું.
ઝિયારતના આ વાક્યો ન ફક્ત એહલેબૈત(અ.)થી મોહબ્બત અને મવદ્દત તથા તેમના દુશ્મનોથી દૂરી અને બેઝારી એ અલ્લાહ અને એહલેબૈત(અ.)ની કુરબતનો ઝરીઓ છે, બલ્કે એહલેબૈત(અ.)ના ચાહવાવાળાઓથી મોહબ્બત અને તેમના દુશ્મનોથી દુશ્મની એટલુ જ નહી, બલ્કે તેમના દુશ્મનોના ચાહવાવાળાઓથી બરાઅત અને બેઝારી પણ ખુદાની કુરબતનો ઝરીઓ છે. આથી જ્યાં સુધી આ દુનિયામાં એહલેબૈત(અ.)ના ચાહવાવાળા અને તેમના દુશ્મનોના ચાહવાવાળા મૌજુદ છે, ત્યાં સુધી આ મોહબ્બત અને બરાઅતનો સિલસિલો શરૂ છે કારણ કે આ પ્રકારના લોકો દરેક જગ્યાએ છે. આથી દરેક જગ્યાએ મોહબ્બત અને બરાઅત જરૂરી છે.
(૬)
“ફ અસ્અલુલ્લાહલ્લઝી અક્રમની બે મઅ્રેફતેકુમ્ વ મઅ્રેફતે અવ્લેયાએકુમ્ વ રઝકનીલ્ બરાઅત મિન્ અઅ્દાએકુમ્ અન્ યજ્અલની મઅકુમ્ ફીદ્ દુન્યા વલ્ આખેરતે
“પછી અલ્લાહની બારગાહમાં દુઆ કરૂ છું કે જેણે આપની માઅરેફત અને આપના દોસ્તોની માઅરેફત આપીને મને કરામત અને ઇઝ્ઝત બક્ષી અને આપના દુશ્મનોથી દૂરી અને બરાઅતનું મહાન રિઝ્ક અતા કર્યુ. દુનિયા અને આખેરતમાં અમને આપની સાથે રાખે.
દુનિયા અને આખેરતમાં કોઇનો પણ મરતબો મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મુ.સ.)થી ઉંચો નથી. ન કોઇ નબી, ન કોઇ રસુલ, ન કોઇ શહીદ, ન કોઇ મુકર્રબ ફરિશ્તો, ન કોઇ ઇબાદત ગુઝાર, ન કોઇ ….. સૌથી બુલંદ દરજ્જો અને મંઝેલત મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મુ.સ.)ને મળેલ છે. દુનિયામાં અને આખેરતમાં તો શું કહેવું. આખેરતમાં મોહમ્મદો આલે મોહમ્મદની શાન અને મંઝેલત એ હશે કે, તેને જોઇને બારગાહે ખુદાવંદીમાં મુકર્રબતરીન લોકો પણ ખ્વાહીશ કરશે. દુનિયા અને આખેરતમાં આ બુલંદ તરીન મંઝેલત પર બિરાજમાન શખ્સીયતોની સાથે રહેવા માટે બે શર્તો છે. એક મોહમ્મદો આલે મોહમ્મદ અને તેમના દોસ્તોની મઅરેફત અને બીજુ તેમના દુશ્મનોથી બરાઅત અને બેઝારી. ઉડવા માટે બે પાંખો જરૂરી છે. ફક્ત એક પાંખથી ઉડવું અશક્ય છે. અલ્લાહ તઆલાની કુરબત અને મોહમ્મદો આલે મોહમ્મદની સાથે રહેવાની મહાન મંઝિલ સુધી ઉડવા માટે બે પાંખો જરૂરી છે. એક વિલાયત અને મોહબ્બતની પાંખ અને બીજી બરાઅત અને બેઝારીની પાંખ. જેની એક પાંખ પણ લકવાગ્રસ્ત થઇ ગઇ હોય અથવા કમઝોર થઇ ગઇ તો તે પડતી તરફ ફડફડાતો રહેશે.
(૭)
“અલ્લાહુમ્મ ઇન્ની અતકર્રબો એલય્ક ફી હાઝલ્ યવ્મે વ ફી મવ્કેફી હાઝા, વ અય્યામે હયાતી બીલ્ બરાઅતે મીન્હુમ્ વલ્લઅ્નતે અલય્હીમ્ વ બીલ્ મોવાલાતે લેનબીય્યેક વ આલે લેનબીય્યેક અલય્હે વ અલય્હેમુસ્સલામ
“ખુદાયા! હું તારી બારગાહે અકદસમાં કુરબત હાંસિલ કરી રહ્યો છું આજના દિવસે અને આ જગ્યાએ, બલ્કે મારી જીંદગીમાં દરરોજ. આ (એહલેબૈત(અ.)ના દુશ્મનો)થી બેઝારી અને બરાઅત અને તેના પર લાઅનત મોકલીને અને તારા નબી અને તારા નબીની આલ (તેમના ઉપર અને તેમની આલ પર તારા સલામ થાય)ની મોહબ્બત અને મવદ્દત અને વિલાયત થકી
અહીં પણ અલ્લાહની કુરબત માટે બે ચીજોને જરૂરી ગણવામાં આવી છે. એક મોહબ્બત અને બીજુ બરાઅત. પરંતુ એક વધારાની સાથે કે આ કુરબત ફક્ત એક દિવસ અથવા એક ખાસ જગ્યાથી મખ્સુસ નથી ‘અય્યામ હયાતી’ આખી ઝિંદગી અને દરરોજ એટલે કે જ્યારે પણ કુરબતે ખુદાનો ઇરાદો હોય અને બારગાહે ઇલાહીમાં હાજરીનો ઇરાદો હોય તો આ બંને ચીજો જરૂરી છે.
જનાબ શૈખ અબ્બાસે કુમ્મી(રેહમતુલ્લાહે અલય્હે) મફાતિહુલ જીનાનમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતના પ્રકરણમાં લખે છે કે આ ઝિયારત જનાબે યુનુસ બીન ઝબયાનના થકી હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)થી નકલ થઇ છે. આ રિવાયત સનદના દ્રષ્ટિકોણથી ભરોસાપાત્ર અને મુસ્તનદ છે. આ બેહતરીન ઝિયારત છે. આ ઝિયારતમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની મુસીબત અને તેમની અઝમત અને વિશાળતાનું વર્ણન કરવામાં આવ્યું છે અને નિઝામે કાએનાતમાં એહલેબૈત(અ.મુ.સ.)ની અઝમત અને તેમના વસીલાને બયાન કરવામાં આવ્યો છે અને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખુદાની બારગાહમાં જે કાઇ પણ ઇનાયત અને ફઝ્લ થાય છે, તે તમામ મોહમ્મદો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના વસીલાથી થાય છે. આ ઝિયારતનું આખરી વાક્ય આ છે કે ત્રણ વખત કહે.
“અના એલલ્લાહે મીમ્મન્ ખાલફક બરીઉન્
“હું ખુદાની બારગાહમાં જે લોકોએ આપની મુખાલેફત કરી તેમનાથી બરાઅત અને બેઝારીનું એલાન કરૂ છું
ઝિયારતે જામેઆ અને બરાઅત:
ઝિયારતે જામેઆનો આ ફકરો કેટલો અર્થસભર છે. ક્યા ક્યા લોકો અને સમૂહોથી બરાઅત જરૂરી છે, તે દર્શાવે છે.
“ફ મઅકુમ્ મઅકુમ્ લા મઅ ગય્રેકુમ્ આમન્તો બેકુમ્ વ તવલ્લય્તો આખેરકુમ્ બેમા તવલ્લય્તો બેહી અવ્વલકુમ્ વ બરેઅ્તો એલલ્લાહે અઝ્ઝ વ જલ્લ મિન્ અઅ્દાએકુમ્ વ મેનલ્ જીબ્તે વત્તાગુતે વશ્શયાતીને વ હિઝ્બેહેમુઝ્ ઝાલેમીન લકુમ્ વલ્જાહેદીન લે હક્કેકુમ્, વલ્મારેકીન મિન્ વલાયતેકુમ્ વલ્ ગાસેબીન લેઇર્સેકુમ્, વશ્શાકીન ફીકોમુલ્ મુન્હરેફીન અન્કુમ્, વ મિન્ કુલ્લે વ લીજતે દૂનકુમ્ વ કુલ્લે મોતાઈન્ સેવાકુમ્ વ મેનલ્ અઇમ્મતીલ્ લઝીન યદ્ઉન એલન્નારે
“પછી હું તમારી સાથે છું તમારી સાથે છું. હું આપના સિવાયનાની સાથે નથી. આપના પ્રથમ અને આખીરની વિલાયત અને ઇમામતનો માનવાવાળો છું, એટલે કે તમામ ઇમામોની ઇમામતનો માનનારો છું અને અલ્લાહ તઆલાની બારગાહમાં બેઝારી અને બરાઅતનો ઇઝહાર કરૂ છું …..
હવે જરા વિચારો કે કેવા કેવા લોકોથી બરાઅત અને બેઝારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનાથી અંદાજો આવી જશે કે એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત અને વિલાયતો ઇકરાર તેમની મોહબ્બત અને મવદ્દતનો તકાઝો છે કે એ તમામ લોકોથી બરાઅત અને બેઝારી રાખવામાં આવે. ધ્યાન આપો:
(૧) આપના દુશ્મનોથી (૨) જીબ્તથી (૩) તાગુતથી (૪) શયતાનથી (૫) તેમના સમૂહોથી (૬) જેઓએ આપ પર ઝુલ્મ કર્યો તેનાથી (૭) જેઓએ આપના હકનો ઇન્કાર કર્યો તેનાથી (૮) જેઓ આપની વિલાયત અને ઇમામતથી નીકળી ગયા તેઓથી (૯) જેઓએ આપની મિરાસને છીનવી લીધી તેનાથી (૧૦) તેઓ કે જેઓ આપની ઇમામત અને હક્કાનીય્યતમાં શક કરે છે, તેનાથી. (૧૧) તે લોકોથી કે જેઓએ આપનાથી મોઢુ ફેરવી લીધેલુ છે (૧૨) તે લોકોથી કે જેઓ નાહક પોતાને શરીઅતના જવાબદાર સમજે છે (૧૩) તેઓ કે જેઓ આપના મુકાબલામાં પોતાની ઇતાઅતને જરૂરી સમજે છે (૧૪) અને એ તમામ રહેનુમાઓથી કે જેઓ લોકોને જહન્નમની આગ તરફ બોલાવે છે.
આ રીતે આ ૧૪ પ્રકારના સમૂહો છે જેનાથી બરાઅત અને બેઝારી જરૂરી છે. આથી આપણે જ્યારે ઝિયારતે જામેઆ પઢીએ તો એ વાતનો ખ્યાલ રહે કે આ પ્રકારના વાક્યો પઢતી વખતે બલ્કે ઝિયારતના દરેક જુમ્લા પઢતી વખતે દિલ અને જીભ એક સાથે હોય. જીભથી બેઝારી કરવા પહેલા દિલથી બેઝારી કરવી જરૂરી છે. આમાંથી દરેક વાક્યો કાયદેસર સમજણ માંગી લે તેમ છે.
કુર્આની આયતો અને મકતબે એહલેબૈત(અ.મુ.સ.)થી વારિદ થવાવાળી ઝિયારતો થકી એકદમ ટુંકમાં અભ્યાસ કર્યો છે. પરંતુ આ ખુબ જ રસપ્રદ અને વિશાળ વિષય છે જેના વિશે લખવા માટે અમૂક પાનાઓ પુરતા નથી. અંતમાં ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની દુઆ પર સુંદર અંતની ખુશનસીબી હાંસિલ કરીએ છીએ.
“ખુદાયા! હું તારી પાસે તારી મોહબ્બતની દરખાસ્ત કરૂ છું અને એ લોકોની મોહબ્બત જે તને મોહબ્બત કરે છે અને દરેક એ અમલની મોહબ્બત જે તારી કુરબતનો સબબ છે. ખુદાયા! તારી મોહબ્બત મને સૌથી વધારે પ્રિય હોય અને મારી આ મોહબ્બત તારી જન્નતના માટે રહેનુમા બને
(મુનાજાતે મોહિબ્બીન, મુનાજાત: ૯)
————————————————————————-
હુસૈનીયત શું ખબર કેવી બરકતો અને આસાર છે જેણે પક્ષપાતના લોખંડી કિલ્લાઓની સરહદોને તોડીને દરેક ગૌરો ફિક્ર કરનાર શખ્સ અને દર્દમંદ દિલ તથા ઇન્સાનીય્યતથી ઇન્સાફ કરવાનો કોઇ ખુણો (બાબત) અગર પ્રકાશિત છે તો તે ઇમામ હુસૈન(અ.સ.)ની સબ્ર, સ્વતંત્રતા, મજબુત ઇરાદો અને ઇમામ હુસૈન(અ.સ.)ના હકના રક્ષણમાં જે જુરઅત અને હોંસલાને બતાવ્યું અને આપના એહલે હરમે જે મંઝિલોથી પસાર થઇને ઇસ્લામનો વકાર, તેની ઇઝ્ઝત અને તેનો એહતેરામ બચાવ્યો છે. તેનો સ્વિકાર કરી લીધો અને ઇમામ હુસૈન(અ.સ.)ના ચાહક બની ગયા અને આપના દુશ્મનોથી બેઝાર થઇ ગયા છે. આ સમૂહમાં એક હિંદુ શાયરે મરકઅ નિગારી ને એક અલગ રંગ આપ્યો છે. જનાબે ઝયનબ જ્યારે પોતાની માદરે ગિરામીની કબ્ર પર આવે છે તો ફરમાવે છે:
કરબલા જલ્વાગીરે શાને ખુદાથી બીબી
કરબલા એહમદે મુરસલકી દુઆથી બીબી
કરબલા મરકઝે મેઅરાજે વફાથી બીબી
કરબલા મંઝિલે તસ્લીમો રઝાથી બીબી
દીન કી જલ્વાગીરી અર્શ તલક જાતી થી
ઝીંદગી રક્સ મેં થી, મૌત મરી જાતી થી
આ શેરમાં મરકઝે મેઅરાજે વફા, મંઝિલે તસ્લીમો રઝા, એહમદે મુરસલ(સ.)ની દુઆ. એવું લાગે છે કે કરબલાના માટે એક એક વિષય છે અને આ સારી શાયરીનો કમાલ છે કે ઝીંદગી ખુશખુશાલ હતી અને મૌત મરતી હતી. આની કળા, તજનીસ અને એવા અંદાજમાં છે કે વાત દિલમાં ઉતરી જાય છે.
————————————————————————-

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.