ઈમામ હુસયન અ.સ. ની બખ્શીશ અને ઉપહાર

ઈમામ હુસયન અ.સ. ની

બખ્શીશ અને ઉપહાર

હસને બસરીએ આ પ્રસંગની નોંધ કરી છે: એક દિવસ ઈમામ હુસયન અ.સ. પોતાના સાથીદારોની સાથે એક બાગમાં તશરીફ લઈ ગયા. આ બાગની દેખરેખ એક ગુલામ રાખતો હતો. તેનું નામ “સાફ” હતું. જ્યારે ઈમામ હુસયન અ.સ. બાગની પાસે પહોંચ્યા ત્યારે જોયું કે ગુલામ જમી રહ્યો છે. ઈમામ હુસયન અ.સ. એક ઝાડની આડમાં બેસી ગયા. જેથી ગુલામની નજર આપ ઉપર ન પડે. (અને તે શાંતીથી જમી લે. ગુલામોની આટલી કાળજી અહલેબયત અ.સ. ના સંસ્કાર છે.) ઈમામ હુસયન અ.સ. એ જોયું કે અડધી રોટલી ગુલામ પોતે ખાઈ રહ્યો છે અને અડધી રોટલી કુતરાને ખવડાવી રહ્યો છે. ઈમામ હુસયન અ.સ. ને ગુલામનું આ કાર્ય કંઇક વિચિત્ર લાગ્યું.

ગુલામે જમ્યા પછી કહ્યું, અલહમ્દોલિલ્લાહે રબ્બીલ આલમીન. એ ખુદા! મને માફ કરી દે મારા માલિકને માફ કરી દે. પરવરદિગાર જે રીતે તેમના મા બાપને બરકત આપી હતી, તેમને પણ બરકત અતા ફરમાવ, તને તારી રહેમતનો વાસ્તો એ અરહમર્રાહેમીન.

એ પછી ઈમામ હુસયન અ.સ. ઉભા થયા અને ઝાડની આડમાંથી બહાર તશ્ રીફ લાવ્યા અને ફરમાવ્યું “એ સાફી!” ગુલામ ડરી ગયો કહેવા લાગ્યો “ફરમાવો, મારા આકા અને તમામ મોઅમીનોના સરદાર! મને માફ કરી દો. મેં આપને જોયા ન હતા.” આપે ફરમાવ્યું “એ સાફી મને માફ કરી દો. તમારી પરવાનગી વગર તમારા બાગમાં પ્રવેશ કર્યો.” સાફીએ કહ્યું “આ આપ આપના ફઝલો કરમથી ફરમાવી રહ્યા છો.” ઈમામે ફરમાવ્યું “હું જોઈ રહ્યો હતો કે તમે અડધી રોટલી કુતરાને ખવરાવી રહ્યા હતા અને અડધી રોટલી ખુદ ખાઈ રહ્યા હતા. તેનું શું કારણ છે?”

ગુલામે કહ્યું “જ્યારે હું જમતો હોઉ છું, ત્યારે આ કુતરો મારી સામે જુએ છે. મને શરમ લાગે છે. આ આપનો કુતરો છે. આપના બાગનું રક્ષણ કરે છે. હું આપનો ગુલામ છું અને આ આપનો કુતરો છે. અમે બંને આપની રોઝી સરખા ભાગે ખાઈ રહ્યા છીએ.” (આ કુટુંબના ગુલામ પણ રીતભાત અને સંસ્કારમાં કેટલું ઉચ્ચ સ્થાન ધરાવે છે!)

આ સાંભળીને ઈમામ હુસયન અ.સ. રડવા લાગ્યા અને ફરમાવ્યું: “તમે ખુદાની રાહમાં આઝાદ છો. આ ઉપરાંત હું ખુશીથી બે હજાર દીનાર પણ આપી રહ્યો છું.” ગુલામે કહ્યું: ‘જો આપ આઝાદ કરી રહ્યા છો તો પણ હું આ બાગમાં રહેવા માંગુ છું.”

ઈમામે ફરમાવ્યું, “જ્યારે માણસ કોઈ વાત કહે ત્યારે તેને તેના કાર્યથી તે વાતની સચ્ચાઈ કરી દેખાડવી જોઈએ. મેં તમને કહ્યું હતું કે હું તમારી વગર રજાએ તમારા બાગમાં દાખલ થયો છું. આ બાગ તમને મારા કથનને સાચું કરી રહ્યો છું. હું આ બાગમાં અને તેમાં રહેલી બધી વસ્તુઓ તમને બખ્શીશ આપું છું. બસ એટલું કરો. મારા આ સાથીદારો આ બાગમાં ફળ અને ખજુર ખાવા આવ્યા છે. તમે તેમને તમારા મહેમાન બનાવો અને મારા કારણે તેઓનું સન્માન કરો. ખુદા કયામતના દિવસે તમને ઈઝઝત અતા કરશે. ખુદા તમારા સંસ્કારો અને રીતભાતમાં બરકત આપે.” ગુલામે કહ્યું “જો આપે આ બાગ મને બખ્શીશમાં આપ્યો તો મેં આ બાગ આપના સાથીદારો અને શીયાઓ માટે વકફ કરી દીધો છે.

ઈમામ હુસયન અ.સ. એ ફરમાવ્યું: “માનવીએ રસુલ સ.અ.વ. વંશ વારસોની જેમ જીવન વિતાવવું જોઈએ.” (મકતલુલ હુસયન – ખ્વારઝમી, ભાગ-૧, પાના ૧૫૩)

આ પ્રસંગ ઉપરથી નીચે મુજબના તારણો નીકળે છે:

૧. ઈમામ હુસયન અ.સ. ની બખ્શીશ અને ઉપહાર.

૨. સુંદર ચારિત્ર્ય માટે કેટલી હદ સુધી ઈનામ આપી શકાય છે.

૩. જમતી વખતે વિઘ્નરૂપ ન થવું.

૪. જમતી વખતે બીજાનું પણ ધ્યાન રાખવું, પછી ભલે તે પશુ હોય.

૫. માલિકની ગુલામીમાં માલીકની બીજી સંપત્તિનું ધ્યાન રાખવું.

૬. માલિકે ગુલામોનું સમાનતાથી ધ્યાન રાખવું.

૭. આઝાદ થવા પછી પણ સેવાનો એહસાસ રહેવો અને માલિકથી જુદા ન થવું.

૮. નાદારીમાંથી અચાનક માલદાર થવાથી ઘમંડમાં ન સપડાવું.

૯. નેઅમતનો શુક્ર અદા કરવાના હેતુથી ખુદાની રાહમાં વકફ કરી દેવું.

૧૦. ઈમામ હુસયન અ.સ. ની ખાતર એમના દોસ્તોનું સન્માન કરવું.

૧૧. નેઅમત મેળવીને નેઅમત આપનારના વંશ વારસોના હકમાં દોઆ કરવી.

૧૨. રસુલ સ.અ.વ. ના ખાનદાનના સંસ્કારનું અનુસરણ કરવું.

૧૩. પોતાના કથનની સચ્ચાઈ પોતાના અમલથી સાબિત કરવી.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *