સાનીએ ઝહરા, શરીકતુલ્ હુસૈન(સ.અ.)ના અમુક લકબો
કોઇ પણ વ્યક્તિના લકબો તેની શખ્સીયતની ઓળખાણ હોય છે. લકબોને જોઇને કોઇ પણ વ્યક્તિના રહેણી કરણી અને રીતભાતનો અંદાજો લગાવવામાં આવે છે. લકબો બાબતે આ વાત પણ નજરઅંદાઝ ન કરવી જોઇએ કે વ્યક્તિને દેવામાં આવેલો લકબ કોના દ્વારા આપવામાં આવેલ છે? નહિતર આપણને ઇતિહાસના ઉકરડામાં કેટલાય આપમેળે બની બેઠેલા અમીરૂલ મોઅમેનીન મળી આવશે, પરંતુ તેમને આ લકબ આપનાર પોતે ઝમાનાના બદનામ લોકો છે. સય્યદા ઝયનબ (સ.અ.)ના ખાસ લકબો ખુદાના અતા કરેલા છે. આ પ્રકરણમાં આપણે સાનીએ ઝહરા(સ.અ.)ના લકબો અને તેની વિગતો અંગે ટુંકમાં વર્ણન કરીશુ.
મઅસુમા અને ઇસ્મતે સુગરા:
ઇસ્મતનો અર્થ ગુનાહ અને ખતાથી સુરક્ષિત રહેવાનો છે. મઅસુમ શબ્દ અંબીયા અને અવસીયાથી મખ્સુસ છે. જો કે સાનીએ ઝહરા જનાબે ઝયનબ (સ.અ.)નો શુમાર તે લોકોમાં નથી, તેમ છતા આપ (સ.અ.)ની ઝાત માટે ગુનાહ અથવા ખતા અંગે ગુમાન કરવુ પણ ખુદ ગુનાહ છે. આપ(સ.અ.)ની જીંદગી તકવા અને ઝોહદની બેહતરીન મિસાલ છે. આપનો સંબંધ જ ખાનદાને તહારત અને ઇસ્મત સાથે છે. આપનો સંબંધ એ પવિત્ર હસ્તીઓ સાથે છે કે જેઓની તહારતની ઝમાનત ખુદ પરવરદિગાર લેય છે. તેની દલીલ માટે આયતે તત્હીર પુરતી છે. આપ(સ.અ.)ની પરવરિશ મઅસુમીન(અ.મુ.સ.)ની આગોશમાં થઇ છે અને ખુદ આપ(સ.અ.)ની આગોશમાં ઇમામો(અ.મુ.સ.)એ પરવરિશ મેળવી છે. આટલુ જ નહી પરંતુ આપ(સ.અ.) ની ગોદમાં પરવરિશ પામેલ આપ(સ.અ.)થી ઇસ્મતના દર્સ શીખી ઇસ્મતે સુગરાનો દરજ્જો હાસિલ કરી શકયા જેમકે જનાબે અબ્બાસ(અ.સ.) અને જનાબે અલી અકબર(અ.સ.) વિગેરે.
જનાબે ઝયનબ(સ.અ.)ની એ ઝિયારત કે જે આપ (સ.અ.)ના રોઝએ મુકદ્દસમાં પડવામાં આવે છે કે જેમાં આપ(સ.અ.)ના હાલાત આ રીતે વર્ણવવામાં આવ્યા છે.
ઝિયારતમાં છે:
સલામ થાય આપ ઉપર અય ઇસ્મતે સુગરા! હું એ વાતની ગવાહી આપુ છુ કે આપ(સ.અ.) એ તમામ હાલાત, સખ્તીઓ, મસાએબ, બલાઓ અને ઇમ્તેહાનોમાં સબ્ર અને શુક્રથી કામ લીધુ. . . .
(મઝલુમએ કરબલા, સૈયદ મીર હુસૈન જઅફરી)
વલીય્યતુલ્લાહ:
વલીયુલ્લાહ ખુદાના મહેબુબ બંદાઓને કહેવામાં આવે છે. સાનીએ ઝહરા(સ.અ.) કેટલાય કારણોસર આ લકબના હકદાર છે.
પ્રથમ: એ કે આપ(સ.અ.)ની ઇબાદત બહુ જ છે. આપ(સ.અ.) સખ્ત તકલીફોમાં પણ નમાઝો અદા કરતા રહ્યા, મુસીબતોના દિવસોમાં ન ફકત વાજીબ નમાઝો પરંતુ મુસ્તહબ નમાઝો પણ અદા કરતા રહ્યા. આવી ઇબાદતોનું ઉદાહરણ ફકત ખુદાના નેક બંદાઓ જ પેશ કરી શકે છે.
બીજુ: એ કે ખુદાના દીનને બાકી રાખવા માટે આપ (સ.અ.)એ ખુબ જ તકલીફો, મસાએબ અને અઝીમ કુરબાનીઓ પેશ કરી. રાહે ખુદામાં અઝીય્યતો સહન કરી અને પોતાના વતનને છોડ્યુ. દીને ખુદાની હિફાઝત માટે પોતાના બંને દિકરાઓની કુરબાની અને લાંબા સમય સુધી કૈદની મુસીબતો સહન કરી.
ત્રીજુ: રસુલે ખુદા(સ.અ.વ.)ની હદીસ: ઉદાહરણ તરીકે આ હદીસને જ જોઇએ કે “જે ઇમામ હુસૈન(અ.સ.)ને દોસ્ત રાખે તેને ખુદા દોસ્ત રાખે છે” આ હદીસથી એ જાણવા મળે છે કે જે ઇમામ હુસૈન (અ.સ.)થી મોહબ્બત રાખે છે, ખુદા તેનાથી મોહબ્બત રાખે છે અને તે અલ્લાહનો દોસ્ત એટલે કે વલીયુલ્લાહ છે.
જ્યારે ઇમામે હુસૈન(અ.સ.) રહબા નામની જગ્યાએ પહોંચ્યા અને હુર ઇબ્ને રિયાહી સાથે મુલાકાત થઇ અને હુરે ઇમામે હુસૈન(અ.સ.)નો રસ્તો રોકયો તો ઇમામ(અ.સ.)એ તેના પર નફરીન કરી. જનાબે સકીના (સ.અ.) ફરમાવે છે કે, હું આ બનાવ જોઇને ફુફીજાન પાસે ગઇ અને રડતા-રડતા પુરો બનાવ વર્ણવ્યો. તે સમયે ફુફી ઝયનબ(સ.અ.)એ આ શબ્દોમાં નૌહા અને ફરીયાદ કરી:
હાય નાના! હાય બાબા અલી! હાય હસન! હાય હુસૈન! હાય મદદગારોની કમી! ખબર નહી કેવી રીતે દુશ્મનોથી નજાત મળશે. અય કાશ! દુશ્મન એ વાત પર રાઝી થઇ જાય કે મારા ભાઇના બદલે અમને બધાને કત્લ કરે.
જનાબે ઝયનબ(સ.અ.)ના આ અલ્ફાઝથી ઇમામ હુસૈન(અ.સ.)થી આપ(સ.અ.)ની શદીદ મોહબ્બત જાહેર થાય છે અને ફક્ત આટલુ જ નહી કે ફકત સાનીએ ઝહરા(સ.અ.)ને જ સૈયદુશ્શોહદા(અ.સ.)થી બેપનાહ મોહબ્બત હતી, પરંતુ આપ(સ.અ.)ની શાન પણ એટલી જ અઝીમ છે કે ઇમામ હુસૈન(અ.સ.) પણ પોતાની બહેનથી એવી જ મોહબ્બત અને શફકતનો ઇઝહાર કરતા હતા.
આલેમતો ગૈરો મોઅલ્લેમા:
આનો અર્થ તે આલેમા છે કે જેણે કોઇ ઇલ્મ શીખવનાર ઔરત પાસેથી ઇલ્મ હાસિલ કર્યુ ન હોય. આ લકબ આપ(સ.અ)ને ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) આપ્યો હતો. ઇમામ(અ.સ.)એ જનાબે ઝયનબ(સ.અ.) ની તસલ્લી માટે અને આપ(સ.અ.)નો મરતબો જાહેર કરવા માટે આ અલ્ફાઝનો ઉપયોગ કર્યો હતો. જ્યારે જનાબે ઝયનબ(સ.અ.) કુફાના જાહેર મજમામાં ખુત્બો ઇરશાદ ફરમાવી રહ્યા હતા, તો આપના ચહેરાનો રંગ બદલવા લાગ્યો. ઇમામ(અ.સ.)ને ખૌફ લાગ્યો કે ક્યાંક આપ(સ.અ.)ની રૂહ ન નિકળી જાય. એટલા માટે આપ (અ.સ.)એ અદબ સાથે અરજ કરી કે:
અય ફુફીજાન! યોગ્ય છે કે આપ(સ.અ.) ખામોશ થઇ જાવ. જે બાબતો પસાર થઇ ચુકી છે તેના કરતા હવે થનાર બાબતો વધારે મોઅતબર છે. અલહમ્દો લિલ્લાહ આપ(સ.અ.) તો આલેમતો ગૈરે મોઅલ્લેમા અને ફહેમાતો ગૈરે મુફહ્હેમા છો.
ઇમામ આલી મકામ(અ.સ.)ના આ વાક્યોથી આ વાત સ્પષ્ટ રીતે જાહેર થાય છે કે સાનીએ ઝહરા(સ.અ.) એ કોઇ મોઅલ્લેમાની પાસે તઅલીમ હાસિલ કરેલ નથી. આપ(સ.અ.)નું ઇલ્મ વહીની જેમ હતુ, જે અન્ય કોઇ ગૈરે મઅસુમ પાસે ન હતુ. એટલે કે અલ્લાહે અતા કરેલ ઇલ્મ હતુ, હાસિલ કરેલુ ન હતુ.
ઝાહેદા:
જનાબે ઝયનબ(સ.અ.)નો એક લકબ ઝાહેદા છે, જેનું કારણ વધારે પ્રમાણમાં ઝોહદ અને ઇબાદત છે. આપ(સ.અ.)ના ઝોહદ અને તકવાના બારામાં કિતાબ “સૈયદા(સ.અ.)કી બેટી”માં મૌલાના રાઝેકુલ ખૈરી લખે છે કે:
“ઝયનબે કુબરા(સ.અ.)નો ઝોહદ અને તકવા એ દરજ્જાનો હતો કે ખુબ જ ઓછી ઔરતોને નસીબ થયુ હશે. દુનિયાના ઘરેણા, દુનિયાની લઝ્ઝતો, દુનિયાની વસ્તુઓથી તેમને કોઇ લગાવ ન હતો. દુન્યવી સુખ, દુન્યવી સામગ્રી અને દુન્યવી રાહત ઉપર તેઓ(સ.અ.) હંમેશા આખેરતને અગ્રતા આપતા હતા.”
ખુદાવંદ તઆલા ફરમાવે છે:
અલ્ માલો વલ્ બનૂન ઝીનતુલ્ હયાતિદ્ દુન્યા
માલ અને ઔલાદ દુનિયાની ઝીનત છે.
અને આ દુનિયાની ઝીનતને છોડી દેવાનું નામ ઝોહદ છે. જનાબે ઝયનબ(સ.અ.)એ જનાબે સૈયદા (સ.અ.)ની સીરત પર અમલ કરવાના લીધે પણ માલ જમા કરવાની કોશીશ ન કરી, પરંતુ તે ચીજોને હંમેશ હકીર અને ઝલીલ સમજી. સાથો સાથ પોતાના બંને વ્હાલા દિકરાઓને ખુદાની રાહમાં કુરબાન કરી દીધા અને તેમના ઉપર રડ્યા પણ નહી અથવા તેમની જુદાઇનો ગમ પણ ન મનાવ્યો. આ તમામ વાકેઆથી આપ(સ.અ.)નો લકબ ઝાહેદા આપ(સ.અ.)ની શખ્સીયતમાં ઝોહદની તમામ સિફતોની એક સંપુર્ણ વ્યાખ્યા છે.
રાઝેયતો બિલ કદ્રે વલ્ કઝા
આ લકબનો અર્થ જનાબે ઝયનબ(સ.અ.)ની શખ્સીયતને જોઇને સારી રીતે સમજી શકાય છે. આપ (સ.અ.)એ તમામ મસાએબ અને બલાઓને ખુબ જ સબ્ર, શુક્ર અને અડગતાથી બરદાશ્ત કર્યા. આપ (સ.અ.) અગર ખુદાએ અતા કરેલ કુવ્વત અને ઇખ્તેયારનો ઉપયોગ કરત તો આપ(સ.અ.) પહાડોને પણ ટુકડે ટુકડા કરી નાખત, પરંતુ આપ(સ.અ.)એ આ ઇખ્તેયાર હોવા છતા સબ્ર અન સહનશીલતાથી કામ લીધુ અને ખુદાની મરઝીની સામે માથુ ઝુકાવવાની સાથે સફર અને સખ્તીની હાલતમાં સખ્તીઓ અને મસાએબને આવકાર્યા. આપ (સ.અ.)નો અલ્લાહથી કુરબતનો એ દરજ્જો હતો કે જ્યારે હઝરત સૈયદુશ્શોહદા(અ.સ.)ની શહાદત થઇ અને નેઝા પર બલંદ ભાઇનું ખુન વહેતુ મુબારક સર જોયુ તો બંને હાથ ઉઠાવીને અલ્લાહ જલ્લ શાનહુની બારગાહમાં અરજ કરી: “બારેઇલાહા! આ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની કુરબાની કબુલ ફરમાવ”
બાકીયતા:
એટલે કે ખુબ જ વધારે પ્રમાણમાં રડનાર. આપ (સ.અ.)નો આ લકબ ખુદાના ખૌફથી અને હઝરત સૈયદુશ્શોહદા(અ.સ.)ની મુસીબત ઉપર ખુબ જ વધારે પ્રમાણમાં રડવાના લીધે હાસિલ થયો. આ બંને અમલ બહેતરીન ઇબાદતોમાં શામિલ છે. હદીસમાં મળે છે કે:
કુલ્લો અય્નીન્ બાકેયતુન્ યવ્મલ કેયામતે ઇલ્લા અય્નુન્ બકત્ મિન્ ખશ્યતિલ્લાહે
કયામતના દિવસે તમામ આંખો રડશે સિવાય કે તે આંખ કે જે દુનિયામાં ખૌફે ખુદામાં રડી હશે.
અને હઝરત સૈયદુશ્શોહદા(અ.સ.) પર રડવા બાબતે હદીસમાં જોવા મળે છે:
મન્ બકા અવ્ અબ્કા અવ્ તબાકા અલલ્ હુસૈને અલૈહિસ્સલામો વજબત્ લહુલ જન્નતો
જે કોઇ હુસૈન(અ.સ.) પર રડે અથવા રડાવે અથવા રડવા જેવી સુરત બનાવે, તેના પર જન્નત વાજીબ છે.
જનાબે ઝયનબ(સ.અ.)ની જીંદગીનો અભ્યાસ કરવાથી એ માલુમ પડે છે કે આપ(સ.અ.) કેટલા પ્રમાણમાં ખૌફે ખુદાથી રડતા હતા અને જ્યાં સુધી સૈયદુશ્શોહદા(અ.સ.) ઉપર રડવાની બાબત છે તો આપ (સ.અ.)એ ફકત પોતાના ભાઇનું માતમ કર્યુ, ત્યાં સુધી કે પોતાના બાળકો પર પણ એટલુ ગિર્યા ન કર્યુ, જેટલુ સૈયદુશ્શોહદા(અ.સ.)ની મુસીબતો પર ગિર્યા કર્યુ.
આ ઉપરાંત આપ(સ.અ.)એ ઇમામ હુસૈન (અ.સ.) ની અઝાદારીની બુનિયાદ રાખી જેના કારણે આજે દુનિયામાં હઝરત સૈયદુશ્શોહદા (અ.સ.)નો ગમ મનાવવામાં આવે છે અને આપ(અ.સ.)ના મસાએબને યાદ કરીને રડે છે. આપ(સ.અ.)એ સૌપ્રથમ સૈયદુશ્શોહદા(અ.સ.)ની મજલીસ ખુદ યઝીદ મલ્ઉનના ઘરમાં બર્પા કરી અને કયામત સુધી અઝાદારીએ સૈયદુશ્શોહદા(અ.સ.)નો ઇન્તેઝામ કરી નાખ્યો.
આબેદા
આપ(સ.અ.)ની ઇબાદતના બારામાં ઇમામ હુસૈન (અ.સ.)ની વસીયતનો એ જુમ્લો પુરતો છે, આશુરાના દિવસે આખરી રૂખ્સતના સમયે સૈયદુશ્શોહદા(અ.સ.) એ જનાબે ઝયનબ(સ.અ.)ને ફરમાવ્યુ:
યા ઉખ્તાહો લા તુન્સેની ફી નાફેલતિલ્ લૈલે
અય બહેન! નાફેલએ શબ પડતી વખતે મને ન ભુલતા.
આ જુમ્લામાંથી કેટલાય તારણો કાઢી શકાય છે:
પહેલુ:
આ જુમ્લાથી જનાબે ઝયનબ(સ.અ.)ની નમાઝે શબની પાબંદીનો ખ્યાલ આવે છે. આલીમે જલીલ હાજી શૈખ અબ્દે બાકિર પોતાની કિતાબ કુરબતે અહેમદમાં અલ મકાતિલે મોઅતબેરાથી જનાબે ઝયનુલ આબેદીન (અ.સ.)ની હદીસ બયાન કરે છે કે, શામના સફરમાં એ તમામ મસાએબ અને સખ્તીઓ જે આપ(સ.અ.) ઉપર પડી એ છતા આપ(સ.અ.)એ ક્યારેય નમાઝે શબ તર્ક ન કરી. આપ(સ.અ.) ખુબ જ વધારે ઇબાદતોના લીધે ખુદાવંદે મુતઆલની નઝદીક ઉચ્ચ દરજ્જા પર ફાએઝ હતા, જેથી આપ(સ.અ.) આબેદા લકબથી મશ્હુર છે.
બીજુ:
ઇમામ હુસૈન(અ.સ.) આ વાતથી ખુબ જ સારી રીતે વાકેફ હતા કે આપ(અ.સ.)ની શહાદત પછી આપ (અ.સ.)ના એહલે હરમને કૈદ કરવામાં આવશે અને તેઓને કૈદખાનામાં સખ્તીઓ અને મુસીબતોનો સામનો કરવો પડશે. પરંતુ આ જુમ્લો બતાવે છે કે ઇમામ હુસૈન (અ.સ.)ને યકીન છે કે જનાબે ઝયનબ(સ.અ.) મુશ્કેલીઓ હોવા છતા નમાઝે શબની પાબંદી કરશે.
ત્રીજુ:
એ ખ્યાલ આવે છે કે ઇમામે વક્ત જેનાથી નમાઝે શબમાં ન ભુલવાની ભલામણ કરે તેમની નમાઝ કેટલા દરજ્જાની હશે?
શજીય્યા
શુજાઅતથી મુરાદ દિલની તાકત છે. હદીસમાં છે કે:
અશ્જઉન્નાસે મન્ ગલબ હવાહો
સૌથી વધારે શુજાઅ શખ્સ તે છે જે પોતાના ખરાબ નફસ પર ગાલિબ આવી જાય.
આ હદીસથી જનાબે ઝયનબ(સ.અ.)ની શુજાઅત સાબિત છે. આપ(સ.અ.)ના વાલિદે ગિરામી હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ની શુજાઅત મશ્હૂર છે અને આ શુજાઅત આપ(સ.અ.)ને વારસામાં મળેલ છે. આશુરએ મોહર્રમથી પહેલાનો માહોલ હોય કે પોતાના ભાઇ ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લ પછીના હાલાત, શામના કૈદખાનાની મુસીબતો હોય કે કુફા અને શામના બજારોમાં કૈદીઓની હાલત, દરબારે યઝીદ હોય કે મદીના પરત ફરવાનો સફર, દરેકે દરેક મૌકા પર હઝરતે ઝયનબ(સ.અ.)એ પોતાની શુજાઅતનો ઉપયોગ કરીને પોતાના ભાઇના પયગામને ફેલાવ્યો. પોતાના ભાઇના મકસદને ઉજાગર કરવામાં સાનીઅતુઝ્ ઝહરા (સ.અ.)નો કિરદાર મહત્વનો રહ્યો છે. આ બધુ તે દીલેર ખાતુનની શુજાઅતના લીધે શક્ય બન્યુ.
ફાઝિલ દરબંદી(અ.ર.) કહે છે કે જનાબે ઝયનબ (સ.અ.)ના તે ખુત્બાઓથી કે જે આપ(સ.અ.)એ ઇબ્ને ઝિયાદ અને યઝીદના દરબારમાં આપ્યા, આપ (સ.અ.) ના રોબ અને જલાલ તેમજ બહાદુરીનો હાલ જાહેર થાય છે. આપ(સ.અ.)એ ભરેલ દરબારમાં યઝીદને કાફિર અને ઝિન્દીક કહ્યો.
આ જ રીતે આપ(સ.અ.)ના ખુત્બાથી આપ (સ.અ.)ની બહાદુરીનો ખ્યાલ આવે છે. આ ખુત્બાઓથી આપ(સ.અ.)એ યઝીદની હાર અને ઇમામ હુસૈન (અ.સ.)ની જીત અને હકકાનીયતનું એલાન કર્યુ છે.
નાએબે ઝહરા(સ.અ.)
જનાબે ઝયનબ(સ.અ.)ને નાએબે ઝહરા(સ.અ.) એટલા માટે કહેવામાં આવે છે કે આપ તમામ સિફાતો અને ફઝીલતોમાં આપના માદરે ગિરામીના જેવા હતા. આપ(સ.અ.)એ ઇસ્મત, તહારત અને સદાકત વિગેરે ખાસિયતો પોતાના માદરે ગિરામીથી વારસામાં મેળવેલ છે. આપ(સ.અ.)ને આ લકબો આપવા માટે ઘણા કારણો છે.
પ્રથમ: સહાબાની ઔરતો આપ(સ.અ.)ના વર્તાવ, વાતચીત, આદતો, રીતભાત અને અખ્લાકને જોઇને કહેતા હતા કે આપ(સ.અ.) પોતાની માતાના જાનશીન છે.
બીજુ: ઇમામ હુસૈન(અ.સ.) સાથે આપ(અ.સ.)નો વર્તાવ એવો જ રહ્યો જેવી રીતે માતાનો. અગર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) જીવિત હોત તો પોતાના વ્હાલા દિકરા સાથે આજ પ્રકારનો સુલુક રાખત.
ત્રીજુ: રસુલે અકરમ(સ.અ.વ.)ની શહાદત પછી લોકોએ અમીરૂલ મોઅમેનીન(અ.સ.)નો હક ગસબ કરી લીધો હતો અને તેમના કત્લ માટે તૈયાર થઇ ગયા, જનાબે સૈયદા(સ.અ.)એ જેવી રીતે તેમની હિફાઝત કરી એવી જ રીતે જનાબે ઝયનબ(સ.અ.)એ પણ ઇમામ સજ્જાદ (અ.સ.)ને પણ ઝાલીમોના નુકશાનથી મહેફુઝ રાખ્યા અને તેમની હિફાઝત કરી.
અલ્ ફસીહતો વલ્ બલીગહ:
એટલે ફસાહત અને બલાગત ધરાવનાર. આપ (સ.અ.)ની ફસાહત અને બલાગતનો હાલ આપ (સ.અ.)ના બયાનો અને ખુત્બાઓથી જાહેર થાય છે. જનાબ રાઝેકુલ ખૈરી પોતાની કિતાબ ‘સૈયદા(સ.અ.)કી બેટી’માં લખે છે કે:
“બીબી ઝયનબ(સ.અ.)ને ખિતાબતના ક્ષેત્રમાં અસાધારણ મહારત હાસિલ હતી. આપ(સ.અ.)ના બયાન દર્દ અને અસરકારકતાથી એ પ્રકારે ભરેલા હતા કે સાંભળનારાઓની આંખોમાં આપમેળે આંસુ આવી જતા હતા. એટલા જ માટે આપ(સ.અ.)ને ફસીહા અને બલીગા કહેવામાં આવે છે. એ સાચુ છે કે કુદરતે તેમને ફસાહત અને બલાગતનો તે હુનર અતા કરેલ હતો કે જે ખુબ જ ઓછી ઔરતોને મળેલ છે. યઝીદના દરબારમાં, કુફાના હાકિમની સામે અને કુફાની બજારોમાં બીબી ઝયનબ (સ.અ.)એ જે તકરીરો કરી હતી તે બતાવે છે કે, ખિતાબતના હુનરમાં બીબી ઝયનબ (સ.અ.)નો દરજ્જો ખુબ જ ઉચ્ચ છે.
“ઇલ્મ, ફઝ્લ અને ફસાહત અને બલાગતમાં હઝરત અલી(અ.સ.) પોતાની કોઇ મિસાલ ધરાવતા ન હતા. નસ્ર વ નઝ્મ બંનેમાં આપ(અ.સ.)નો રૂત્બો બલંદ હતો. આપ(અ.સ.)ની તકરીરો ખુબ જ ઉચ્ચ દરજ્જાની અને ફસાહત અને બલાગતવાળી હોતી હતી અને એટલી જ દિલને સ્પર્શનારી અસકરકારક, ફસાહત અને બલાગત, સબ્ર અને અડગતા અને મુસીબતના સમયે સુકુન અને ઇત્મીનાનની સિફતો હઝરત અલી (અ.સ.)ની ઔલાદમાં ખાસ કરીને આપ (અ.સ.)ની સાહબઝાદી હઝરત ઝયનબ (સ.અ.)માં જોવા મળે છે. પરંતુ એમ કહેવુ જોઇએ કે શેરે ખુદાની મોટા ભાગની સિફતો બીબી ઝયનબ(સ.અ.)માં હતી.” એ જ કારણસર તો આપ(સ.અ.)નુ પવિત્ર નામ “ઝૈન-અબ” એટલે બાપની ઝીનત નકકી થયુ. અય અલ્લાહ તબારક વ તઆલા અમો તારી બારગાહમાં તારા અસ્માએ હુસ્નાને પોતાની ઝબાનથી દોહરાવતા શહઝાદી ઝયનબ(સ.અ.)ના વસીલાથી દુઆ કરીએ છીએ કે અમારા ઇમામ હુજ્જત ઇબ્નીલ હસન (અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી ફરમાવ. આમીન સુમ્મ આમીન.
Comments (0)