અઝાદારી-અલ્લાહની કુરબત હાસિલ કરવા માટે શ્રેષ્ઠ વસીલો
બિસ્મીલ્લાહ હિર્રહમા નિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન
ખુદાવંદે આલમે ઇન્સાનને ઇબાદત કરવા માટે પૈદા કર્યા છે. આ ઇબાદતને ઇન્સાનની તરક્કી અને સંપૂર્ણતાનું માધ્યમ બનાવ્યું છે. ઇન્સાનની સંપૂર્ણતા ભૌતિક દુનિયા અને તેનાથી સંબંધિત બાબતોથી બુલંદ થઇને ખુદાથી નજદીક થવુ એ છે. રિવાયતોમાં છે કે ઇન્સાન નાફેલા ઇબાદત વડે ખુદાથી એટલો બધો નજદીક થઇ જાય છે અને એટલો બધો પવિત્ર થઇ જાય છે કે ખુદાની આંખથી જુએ છે અને તેની ઝબાનથી બોલે છે અને તેના કાનથી સાંભળે છે. એટલે કે તે એ જુએ છે જે ખુદા દેખાડવા ચાહે છે અને જે ખુદાને પસંદ છે અને જીભથી એવી વાતો નિકળે છે જે ખુદાની મરજી મુજબની હોય છે અને તે એવી વાતો સાંભળે છે જેમાં ખુદાની ખુશ્નુદી હોય છે.
અગર આપણે પોતાની જાત પર નજર કરીએ અને થોડો વિચાર કરીએ કે એ કઈ ચીજ છે જે રબ્બુલ અરબાબની બારગાહમાં પેશ કરી શકીએ છીએ અને તેનાથી કુરબત હાસિલ કરી શકીએ છીએ.
ઇમાન તમામ આમાલની કબુલીય્યતનું માધ્યમ છે. ઇમાનની બુનિયાદ પર જ નજાત થશે. જ્યારે આપણે આપણા ઇમાન પર નજર નાખીએ છીએ તો ઇમાનની નિશાનીઓ દૂર દૂર સુધી દેખાતી નથી. ઇમાનનો નાનામાં નાનો દરજ્જો ઇબાદત પ્રત્યે લગાવ અને ખુદાની નાફરમાનીથી નફરત છે. રિવાયતમાં છે કે અગર કોઇ ગુનાહને જુએ અને ઓછામા ઓછુ તેને નફરત ન કરે અને તે ગુનાહ તેને ખરાબ ન લાગે તો તે શખ્સ મુર્દા છે, ભલે ને તે જીવતો જ કેમ ન હોય? કેટલાય એવા ગુનાહો છે જે આપણી સામે થતા રહે છે પણ આપણે જરા જેટલી પણ નફરતનો અહેસાસ નથી કરતા, દિલ તેનાથી અણગમો અનુભવતુ નથી. ખૌફની હાલત તો એવી છે કે આપણે ખુદા સિવાય દરેક ચીજથી ડરીએ છીએ. જ્યારે કે અલ્લાહ ઇરશાદ ફરમાવે છે:
શું એ સમય નથી આવ્યો કે ઇમાનદાર લોકોના દિલ ખુદાની યાદથી ખૌફઝદા થઇ જાય?
(સુરએ હદીદ: આયત નં.16)
અખ્લાક: અખ્લાક કે જે ઇસ્લામની ખાસ ખાસિયત છે જેની સંપૂર્ણતા માટે હઝરત મુરસલે આઝમ (સ.અ.વ.)ને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે પોતાની જાતમાં અવલોકન કર્યુ તો અખ્લાક તો ક્યાંય દેખાતો જ નથી પરંતુ અખ્લાકની વિરુદ્ધ બાબતો દરેક જગ્યાએ નજર આવી.
આમાલ: આમાલને જોવાનું શરૂ કર્યુ તો આમાલના સ્વરૂપો તો દેખાયા પરંતુ જ્યારે આમાલ કબુલ થવાની શર્તો પર વિચાર કર્યો તો શરમીંદગીથી માથું નીચે ઝુકાવવું પડ્યુ, કારણકે આમાલની પહેલી શર્ત નિય્યત છે અને નિય્યત માટે ખુલુસ જરૂરી છે.
ખુલુસની વ્યાખ્યા આમ કરવામાં આવી છે કે આમાલને અંજામ દીધા બાદ ન તો વખાણની અપેક્ષા કરવામાં આવે અને ન તો લોકોની ટીકાનો ડર હોય પરંતુ અહીં હાલત એવી છે કે દરેક અમલ પછી લોકોની તરફથી વખાણનો ઇન્તેઝાર રહે છે. આવી પરિસ્થિતિમાં કઇ ચીજ થકી ખુદાની કુરબત હાસિલ કરવામાં આવે અને કેવી રીતે નજાતના માધ્યમો ઉપલબ્ધ કરવામાં આવે. આ ફિક્રમા પોતાના વુજુદનો અભ્યાસ કરી રહ્યો હતો. દિલને આમ તેમ ફેરવીને જોઇ રહ્યો હતો. નિરાશાના વાદળો ઘેરાતા જતા હતા. નિરાશાની સરહદો નજીક થઇ રહી હતી કે દિલની દુનિયામાં એક રોશની નજર આવી, ઉમ્મીદ પૂરી થઇ. આ રોશની, મોહમ્મદ વ આલે મોહમ્મદ(અ.મુ.સ)ની વિલાયતની રોશની હતી. દિલ એ એહલેબૈત(અ.મુ.સ) ની ખુશીમાં ખુશ થઇને અને તેમના ગમમાં ગમઝદા થઇને આ રોશનીના વુજુદની તસ્દીક કરી દીધી.
પણ સવાલ એ હતો કે મોહબ્બત અને મવદ્દત, માત્ર ઝબાનથી કબૂલ કરવાનું નામ તો નથી. મોહબ્બત તો મોહિબમા મહેબૂબનો રંગ જોવા ચાહે છે. મોહબ્બત પૈરવી અને કુરબાનીની માંગ કરે છે. આપણે કઇ કઇ બાબતોમાં એહલેબૈત(અ.મુ.સ)ની પૈરવી કરી છે? જેમ જેમ તપાસ કરતા ગયા શરમીંદગીનો અહેસાસ વધતો ગયો.
હા, ખુદાવંદની કુરબતનો એક ખૂબ જ મહત્વનો વસીલો દેખાયો, જેનો ફાયદો મહાન હતો અને સવાબ પુષ્કળ હતો. શર્તો સહેલી હતી અને લાભો બેહદ હતા. તેમાં નિય્યત પણ ખાલિસ હતી અને જઝબો પણ પાક હતો, બદલો અને વખાણની કોઈ તમન્ના ન હતી, ઠપકો અને ટીકાનો કોઇ ડર ન હતો. તે જન્નતનાં જવાનોના સરદાર, હઝરત રસુલે ખુદા(સ.અ.વ)નાં જીગરના ટુકડા, બતુલ(સ.અ)ના દિલ પસંદ, અલીએ મુર્તઝા(અ.સ)ના નૂરે નઝર, હસને મુજતબાના કુવ્વતે બાઝુ, સૈયદુશ્શોહદા અરવાહુલ આલમીન લહુલ ફિદાની મુસીબતમાં દિલનું ગમગીન થવુ, દિલનું મગમુમ હોવુ, આંખોમાં આંસુ આવવા એ હતું.
આ નેઅમત પર જ્યારે વિચાર કર્યો તો માલુમ થયુ કે આ પણ મારી પોતાની હાસિલ કરેલ નથી. ખુદાની અતા કરેલ છે. ખુદ મઅસૂમનો કૌલ છે: “અમારા શિઆ અમારી વધેલી તીનતથી ગમઝદા થાય છે.”
સૈયદુશ્શોહદા(અ.સ)ના ગમમાં વહેનારા આંસુ જાહેરી રીતે તો એક પાણીનુ ટીપુ છે પરંતુ રાબેતાનો એ મજબૂત વસીલો છે જે ઇન્સાનને આઝાદ બનાવીને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. ઇમાન, આમાલ, અખ્લાક તમામમાં પરિવર્તન પૈદા કરી નાખે છે.
અઝીઝાને ગિરામી! આ ગમનાં રાબેતાની હિફાઝત કરો. આ ચિરાગની જ્યોતને બુજાવા ન દો. ખુદા પાસે દુઆ કરો કે ઇમામ હુસૈન(અ.સ)ની મોહબ્બતની ગરમી વધતી રહે.
આ એ મહાન મુસીબત છે કે જેમાં સંપૂર્ણ કાએનાત, જમીન, આસ્માન, જમીનવાળાઓ અને આસ્માનવાળાઓ, મલાએકા, અંબીયા, મુરસલીન, અવલીયા, અવસીયા, શોહદા, સિદ્દીકીન, સાલેહીન તમામ ગમઝદા છે અને તમામ અશ્કબાર છે.
આવો! ઇમામ હુસૈન(અ.સ)ના પ્યારા ફરઝંદ, સાહેબે અઝા, સૈયદુશ્શોહદા(અ.સ)ના ગમના વારિસ, હઝરત ઇમામ મહદી(અ.સ)ની ઝબાનથી તેમના જદ્દે બુઝુર્ગવારનો મરસીયો સાંભળીએ અને તેમની ખિદમતમાં તેમનાં જદ્દે બુઝુર્ગવારની તઅઝીયત પેશ કરીએ.
સલામ થાય તે દાઢી પર કે જે ખુનથી રંગીન કરવામા આવી.
સલામ થાય ધૂળભર્યા રુખ્સારો પર
સલામ થાય તે બદનો પર કે જેનાથી લિબાસને છીનવી લેવામા આવ્યો.
સલામ થાય તે હોઠો પર જેના પર છડી મારવામા આવી.
સલામ થાય તે સરો પર કે જેને નૈઝા પર બુલંદ કરવામાં આવ્યા.
સલામ થાય તે શરીરો પર જે કફન વગર મૈદાનમાં પડયા રહ્યા. જો કે એ સમયે દુનિયામા ન હોવાના લીધે આપ(અ.સ)ની મદદ ન કરી શક્યો અને આપના દુશ્મનો સાથે જંગ અને જેહાદ ન કરી શક્યો.
હવે, હું આપ(અ.સ.) પર રડીશ અને સવાર સાંજ ગિર્યા કરીશ. આંસુઓના બદલે ખુન વહાવિશ. ઝાલીમોએ આપ(અ.સ.)ને ચારેય બાજુએથી ઘેરી લીધા હતા અને દરેક આપ(અ.સ.)ને ઝખ્મ લગાવી રહ્યા હતા.
આપ(અ.સ.) અને આપ(અ.સ.)ના અહલે હરમની દરમિયાન દુશ્મનની ફૌજ હતી.
આપ(અ.સ.)નું કોઇ નાસિર અને મદદગાર ન હતુ.
આપ(અ.સ.) સબ્ર કરી રહ્યા હતા.
આપ(અ.સ.)ની ઔરતો અને આપ (અ.સ.)ના બચ્ચાઓની તરફથી બચાવ કરી રહ્યા હતા.
ત્યાં સુધી કે ઝાલીમોએ આપ(અ.સ.)ને ઘોડાથી ગિરાવી દીધા.
આપ(અ.સ.) ઝખ્મોથી ચૂર ચૂર જમીન પર આવ્યા.
ઘોડાની ટાપોથી આપ(અ.સ.)ને પામાલ કરવામા આવ્યા.
દુશ્મનોએ આપ(અ.સ.) પર હુમ્લો કર્યો.
મૌતનો પસીનો પેશાની પર આવ્યો.
શ્ર્વાસ રોકાવા લાગ્યો.
આપ (અ.સ.) પોતાની ડાબી અને જમણી તરફ જોવા લાગ્યા.
નિગાહો ખૈમા તરફ લાગેલી હતી.
આ હાલતમા આપ(અ.સ.)નો ઝુલજનાહ ખબર લઇને ખૈમા તરફ આવ્યો. જ્યારે ઔરતોએ જોયુ કે ઝુલજનાહ ખાલી છે. ઝીન ઢળેલું છે.
રોતા પીટતા ખૈમાંથી બહાર નિકળ્યા. આપ(અ.સ.)ના મકતલની પાસે આવ્યા.
શિમ્ર આપ(અ.સ.)ની છાતી પર બેઠો હતો.
તેની તલ્વાર આપ(અ.સ.)ની ગર્દન પર હતી.
આપ(અ.સ.)ની દાઢી મુબારક તેના હાથમા હતી.
અને તે આપ(અ.સ.)ને ઝબ્હ કરી રહ્યો હતો.
અને આપ(અ.સ.)ના એહલે હરમ હસરતથી જોઇ રહ્યા હતા.
આપ(અ.સ.)નો શ્ર્વાસ રોકાઇ ગયો.
નૈઝા પર સર બુલંદ થઇ ગયું.
અહલે હરમ અસીર કરી લેવામા આવ્યા.
ઝંજીરોમાં કૈદ કરી લેવામા આવ્યા.
(ઝિયારતે નાહીયા)
ખુદાવંદા! અહલેબૈત(અ.મુ.સ)ને તે જે બુલંદી અને મંઝેલત અતા કરી છે, જે લોકોએ આવા પ્રકારના ઝુલ્મો સિતમ માટે જમીન તૈયાર કરી અને જે લોકોએ આ ઝુલ્મોમાં સાથ આપ્યો અથવા આપી રહ્યા છે, તેઓ તમામ પર તારી બેશુમાર લઅનત અને ગઝબ નાઝિલ ફરમાવ. વારિસે હુસૈન(અ.સ)ના ઝુહૂરમાં જલ્દી ફરમાવ અને અમને સૌને તેમની સાથે ઇમામ હુસૈન(અ.સ)નો બદલો લેવાની તૌફીક અતા ફરમાવ. આમીન
Comments (0)