ઝર્રા ઝર્રા સૈયદુશ્શોહદા(અ.સ.)ના અઝાદાર
અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ)થી જે રિવાયતો વર્ણન થઇ છે, તેમાંથી એક મહત્વનો બાબ ઝિયારતો પર આધારિત છે. આ વિષય પર આપણા ભરોસાપાત્ર અને વિશ્વાસુ ઓલમાઓએ સ્વતંત્ર કિતાબો સંકલિત કરી છે અને ખુબ જ મોઅતબર અને સનદની દ્રષ્ટિએ સહીહ ઝિયારતો વર્ણન કરી છે.
સામાન્ય રીતે લોકો ઝિયારતોના સવાબ પ્રત્યે ધ્યાન આપતા હોય છે અને ઝિયારતમાં જે બાબતો બયાન કરવામાં આવી છે અને ઝિયારત પઢતી વખતે કયા શબ્દો અને લકબોથી પોતાના ઇમામને સંબોધન કરી રહ્યા છીએ તેના તરફ ખુબ જ ઓછુ ધ્યાન આપતા હોઇએ છીએ, પરંતુ ઝિયારતમાં જે મકામ બયાન કરવામાં આવ્યા છે તેના તરફ ભાગ્યે જ ધ્યાન આપતા હોઇએ છીએ. આથી એ વાતનો પણ ખ્યાલ નથી રહેતો કે આપણે આ ઝિયારત થકી પોતાના ઇમામ સાથે શું વાયદો અને અહદ કરી રહ્યા છીએ. અગર એ અહેસાસ થઇ જાય કે આપણે શું વાયદો કર્યો છે અને કોને કોને ગવાહ બનાવીને વાયદો કર્યો છે, તો એ શક્ય છે કે આપણે તેના પર અમલ પણ કરવા લાગીએ, કારણકે દરેક શરીફ માણસ પોતાના વાયદા અને અહદનો ખ્યાલ રાખે છે.
અઇમ્મા(અ.મુ.સ.)ની ઝિયારતની મંઝેલત
અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ)ની મંઝેલત અને અઝમત અને મઅરેફતનો શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર ઝરીયો ઝિયારતો છે. આ ઝિયારતોમાં જ્યાં અઇમ્મએ મઅસુમીન (અ.મુ.સ)ના ફઝાએલ અને કમાલોનો ઉલ્લેખ છે અને તેમની કુરબાનીઓનો ઝિક્ર છે ત્યાં એ હેતુઓનુ વર્ણન પણ છે જેના માટે આપ હઝરતે દરેક પ્રકારના ઝુલ્મો સહન કર્યા અને શહાદત કબુલ કરી. તેની સાથોસાથ આપના દુશ્મનોની હકીકત અને તેઓના દર્દનાક અઝાબનો પણ ઉલ્લેખ કરવામા આવેલ છે.
આપણી જવાબદારીઓનો ઝિક્ર પણ કરવામાં આવેલ છે અને એ પણ ઉલ્લેેખિત છે કે તેમની શહાદતની અસરો ક્યાં ક્યાં સુધી પહોંચી છે અને કોણે કોણે ગમ મનાવ્યો છે? આ અનુસંધાનમાં સૈયદુશ્શોહદા ઇમામ હુસૈન(અ.સ)ની ઝિયારતો ખાસ મહત્વ ધરાવે છે. અગર ઇન્સાન માત્ર આ ઝિયારતો પર નજર કરે તો ખરેખર તેને અંદાજો આવી જશે કે હઝરત ઇમામ હુસૈન (અ.સ)ની અઝાદારી ક્યાં ક્યાં સુધી ફેલાયેલી છે અને કોણે કોણે આપનો ગમ મનાવ્યો છે? અને એ પણ સ્પષ્ટ થઇ જશે કે હઝરત ઇમામ હુસૈન (અ.સ)ની અઝાદારીને મર્યાદિત કરવા અથવા તેની અસરોને ઓછી કરવાની કોઇ પણ કોશિશ કોઇ પણ સ્વરૂપમાં હોય હરગીઝ હરગીઝ કામયાબ નહી થાય. કારણકે અઝાએ હુસૈન (અ.સ) એ કુરઆની અઝા છે જેને મશીય્યતે ઇલાહીએ વજુદના કાગળ પર જોહરે ઓબુદીય્યતથી લખી છે. જેને વારંવાર પઢવાથી એક રોનક પૈદા થાય છે અને ઇન્સાનના વુજુદમાં શરાફત ફેલાવવા લાગે છે. જરાક યાદ કરો એ સૌથી પહેલી મજલીસ જેમાં ખુદાના હુકમથી જીબ્રઇલ ઝાકીર હતા અને હઝરત રસુલે ખુદા(સ.અ.વ) સાંભળનાર હતા. પછી હઝરત રસુલે ખુદા(સ.અ.વ) ઝાકીર હતા અને અલી(અ.સ) અને જનાબે ફાતેમા (સ.અ) સાંભળનાર હતા. શું મંઝર રહ્યો હશે અને માહોલ કેવો મહેકી ઉઠ્યો હશે?
હવે આપણે હઝરત ઇમામ હુસૈન (અ.સ)ની ઝિયારતો પર એક નજર કરીશુ અને વાતને આગળ વધારતા ટૂંકાણને ધ્યાનમાં રાખીને ફક્ત બે ઝિયારતોના અમુક હિસ્સાઓ પેશ કરવાની ખુશનસીબી હાસિલ કરીશું.
સેકતુલ મોહદ્દેસીન, જનાબ શૈખે અબ્બાસ કુમ્મી(અ.ર)એ પોતાની અમૂલ્ય કિતાબ મફાતિહુલ જીનાનમાં હઝરત ઇમામ હુસૈન (અ.સ)ની ઝિયારતના બાબમાં સૌથી પહેલી જે ઝિયારત વર્ણન કરી છે તેના અમુક શબ્દો આ મુજબ છે.
યુનૂસ બિન ઝબ્યાને હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ)ની ખિદમતમાં અરજ કરી: હું ઇમામ હુસૈન (અ.સ)ની ઝિયારત કરવા માટે જવા ચાહુ છું, હું કેવી રીતે ઇમામ હુસૈન(અ.સ)ની ઝિયારત કરૂ?
આપ(અ.સ)એ ફરમાવ્યુ: જ્યારે ઇમામ હુસૈન (અ.સ)ની ઝિયારત કરવા જાવ તો ફુરાતના પાણીથી ગુસ્લ કરો, પાકીઝા કપડા પહેરો, ખુલ્લા પગે થઇ જાવ. કારણકે તમે ખુદા અને તેના રસુલના હરમમાં છો અને રસ્તામાં ચાલતી વખતે આ કલેમાત પઢો:
અલ્લાહો અકબર વ લાઇલાહ ઇલ્લલ્લાહો વ સુબ્હાનલ્લાહ
સલવાત પઢો……
એનો મતલબ એમ છે કે ઇમામ હુસૈન (અ.સ)ની ઝિયારત, ઇન્સાનને ખુદાથી કરીબ કરે છે, તૌહિદનો દર્સ આપે છે, દીન શીખવાડે છે અને શિર્કથી બેઝારીનો હુકમ આપે છે.
ઝિયારતના અમુક જુમ્લાઓ આ મુજબ છે:
“હું ગવાહી આપું છું કે ચોક્કસ તમારૂ પવિત્ર ખુન, અબદી જન્નતમાં સુરક્ષિત છે. તેને જોઇને અર્શે ઇલાહીના રહેવાવાળા થરથર કાંપે છે અને તેના પર તમામ મખ્લુકે ગિર્યા કર્યુ. તેના પર સાતેય આસ્માનો અને સાતેય જમીનોએ ગિર્યા કર્યુ છે અને એ તમામ ચીજોએ પણ ગિર્યા કર્યુ જે આસ્માનો અને જમીનોમાં છે અને એ ચીજોએ પણ ગિર્યા કર્યુ જે આસ્માનો અને જમીનોની દરમિયાન છે અને ખુદાની એ મખ્લુકાતે પણ ગિર્યા કર્યુ જે જન્નત અથવા જહન્નમમાં છે અને એ ચીજોએ પણ ગિર્યા કર્યુ જેને જોઇ શકાય છે અને એ ચીજોએ પણ ગિર્યા કર્યુ જે જોઇ નથી શકાતી….”
મખ્લુકાતે ખુદાવંદીમાં સૌથી બુલંદતરીન મંઝીલ અર્શે ઇલાહી છે.
આ તે જગ્યા છે જ્યાં આ દુનિયામાં આવવા પહેલા, અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ)ની રહેવાની જગ્યા હતી. ઝિયારતે જામેઆ કબીરામાં છે કે:
ખલકકોમુલ્લાહો અન્વારન્ ફજઅલકુમ્ મુહ્દેકીન
“ખુદાએ આપને નૂરની શકલમાં પૈદા કર્યા અને આપને પોતાના અર્શ પર કરાર દીધા.”
જમીન સૌથી હલ્કી જગ્યા છે જેનુ નૂરાની હોવુ અને એહતેરામને લાયક થવુ એ અઇમ્મએ તાહેરીન (અ.મુ.સ)ના ખુશબખ્ત પગલાઓના લીધે છે. રૂહાનીય્યત અને મઅનવીય્યતની દ્રષ્ટિએ અર્શ, સૌથી બુલંદ જગ્યા છે. જ્યારે કે ભૌતિકતામા જમીન સૌથી હલ્કી મંઝિલ ગણવામાં આવે છે. શરૂઆતથી લઇને અંત સુધી અને તેની દરમિયાન જે પણ છે તે સૌએ ઇમામ હુસૈન(અ.સ) પર ગિર્યા કર્યુ છે.
જોઇ શકાય તેવી અને ન જોઇ શકાય તેવી મખ્લુકાતે પણ ગિર્યા કર્યુ. આજનો માણસ હજારો વર્ષની મહેનત પછી એ પરિણામ પર પહોંચ્યો છે કે દુનિયામાં એવી પણ મખ્લુકાત છે જે નરી આંખે તો શું માઇક્રોસ્કોપમાં પણ મુશ્કેલીથી જોઇ શકાય છે પરંતુ હઝરત ઇમામ જઅફરે સાદીક(અ.સ)એ હજારો વર્ષ પહેલા ઝિયારતના સ્વરૂપમાં આ હકીકત તરફ ધ્યાન દોર્યુ હતુ. કાશ! આપણે ઝિયારતના આ મતલબો પર ધ્યાન આપત તો ઇલ્મ અને રિસર્ચની કઇ બુલંદી પર હોત.
ગિર્યા શું છે? તેની વ્યાખ્યા શું છે?
ગિર્યાનો સંબંધ સમજણ, અહેસાસ અને મહોબ્બતની સાથે છે. ગિર્યા ફક્ત મામુલી અસરથી પૈદા નથી થતું. ગિર્યા ગમની એ મંઝિલ છે જ્યાં સહન કરવુ અશક્ય હોય છે. દિલમાં સહન કરવાની શક્તિ નથી રહેતી, ગિર્યા એ ગમની શિદ્દતની નિશાની છે. આ ઉપરાંત, ગિર્યા એ સમયે થાય છે, જ્યારે સાંભળનારને જેનો ગમ હોય તેની સાથે નજીકનો સંબંધ હોય છે, નહિતર દુનિયામાં દરરોજ એકથી એક ચડિયાતા બનાવો બનતા હોય છે, પરંતુ આપણી આંખો આંસુઓથી ભરાતી નથી, બલ્કે તેની કોઇ અસર પણ નથી થતી હોતી. આથી ગિર્યા એ સમયે થશે જ્યારે ગમગીન શખ્સ સાથે એક ખાસ અને નજીકનો સંબંધ હોય.
જબ યાદ તેરી આએ હૈં, તબ આંખ ભર આએ
યે ઝીંદગી કરનેકો કહાંસે જીગર આએ
આ ઉપરાંત આંખોમાં આંસુ તેને આવશે જે સમજણ રાખતો હોય, દર્દ રાખતો હોય, મોહબ્બત અને સંબંઘ રાખતો હોય. ઝિયારતના જુમ્લાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખુદાની દરેક મખ્લુક, સમજણ ધરાવનારી અને અહેસાસ અને દર્દમંદ છે. આ આપની ટુંકી દ્રષ્ટિ છે કે આપણે તેને સમજણ વગરના અને અહેસાસ વગરના સમજીએ છીએ. અગર એ ચીજોમાં સમજણ અને અહેસાસ ન હોત તો કેવી રીતે તેમને હઝરત ઇમામ હુસૈન (અ.સ)ની અઝીમ મોહબ્બતનું ઇલ્મ હોત અને અગર અહેસાસ ન હોત તો કેવી રીતે આપ(અ.સ) પર શદીદ ગીર્યા કરત? અને અગર હઝરત ઇમામ હુસૈન (અ.સ)ની અસરો તેમના સુધી ન પહોંચી હોતે તો શા માટે આ તમામ મખ્લુક અસરઅંદાજ હોત.
ખુદાવંદે આલમની દરેક મખ્લુક હઝરત ઇમામ હુસૈન (અ.સ)ના ગમથી ગમગીન શા માટે છે? તેનો ઉલ્લેખ આગળ જતા કરીશું. અત્યારે ઝિયારતે આશુરાના અમુક જુમ્લાઓ વર્ણન કરીએ છીએ.
“અય અબા અબ્દીલ્લાહ! આપની મુસીબત અને શહાદત અમારા માટે ખુબજ વધારે મહાન અને મોટી છે. બલ્કે આ તમામ ઇસ્લામવાળાઓ માટે અઝીમ અને મોટી છે અને આપની મુસીબત આસ્માનો માટે મોટી છે, બલ્કે તમામ આસ્માનવાળાઓ માટે મોટી છે.”
મુસીબતની અઝમત ફક્ત ઝુલ્મ અને મસાએબથી સંબંધિત નથી, પરંતુ તેમાં મુસીબત ઝદા અને મઝલુમની પણ મહત્વતા નજરમાં રાખવામાં આવે છે.
હઝરત ઇમામ હુસૈન(અ.સ)ની મુસીબત તમામ અહલે ઇસ્લામ માટે મહાન છે, તેનો મતલબ એ છે કે અગર કોઇ હઝરત ઇમામ હુસૈન(અ.સ)ની આટલી બધી અઝીમ મુસીબતથી પણ પ્રભાવિત ન થાય તો તે ઇસ્લામવાળાઓમાં શુમાર કરવામાં નહી આવે અને આ મુસીબત કંઇક એવી છે કે જેનાથી આસ્માન અને આસ્માનવાળા પ્રભાવિત થયા, સખત ગિર્યા કર્યુ અને ઇસ્લામવાળાઓમાં દરેક માટે એક અઝીમ મુસીબત છે.
જાહેર છે, આસમાન અને આસમાનવાળાઓ જમીન ઉપર થવાવાળા બનાવોથી પ્રભાવિત નથી થતા, પરંતુ કરબલાના આ બનાવની અઝમત એ છે કે આસમાનો પર તેની અસર છવાએલી છે. હઝરત ઇમામ હુસૈન (અ.સ)ની મુસીબતથી ફક્ત આસમાન અને આસમાન વાળાઓ જ ગમઝદા નથી થયા, પરંતુ આ તેમના માટે ખુબ જ અઝીમ મુસીબત છે. અગર કોઇ બનાવ, આસમાનવાળાઓ માટે મહાન અને અઝીમ હોય તો તેની મહાનતાનો અંદાજો લગાવવો કોઇ ઇન્સાનની સમજની બહાર છે.
ઇતિહાસની ભરોસાપાત્ર કિતાબોમાં આ પ્રકારના બનાવોનો ઉલ્લેખ થયેલ છે કે ઇમામ હુસૈન(અ.સ)ની શહાદત પછી કરબલાના મેદાનમાં દિવસ હોવા છતા એવુ અંધારૂ છવાઇ ગયુ હતુ કે સિતારાઓ દેખાવા લાગ્યા હતા. યાદ રાખવુ જોઇએ કે ખુબજ વાદળા હોય તો પણ તારાઓ દેખાતા નથી. આ ઇમામ હુસૈન (અ.સ)ની શહાદતની અસર હતી કે સૂરજે ગમગીન થઇને પોતાનુ નૂર સમેટી લીધુ. ત્યાર પછી ક્ષિતિજ પર લાલાશ છવાઇ ગઇ. કહેવાય છે કે ઇમામ હુસૈન(અ.સ)ની શહાદત પહેલા ક્ષિતિજ આ રીતે લાલ થતુ ન હતુ. શહાદત પછી 40 દિવસ સુધી જે પથ્થરને પણ ઉપાડવામા આવતો તેની નીચેથી તાજુ લોહી નીકળતુ હતુ. દરવાજા અને દિવાલો પર સૂરજ ઉગવાના સમયે અને સુરજ આથમવાના સમયે ખૂન દેખાતું હતુ. આ કાએનાતમાં કોઇ એવી ચીજ ન હતી જે હઝરત ઇમામ હુસૈન(અ.સ)ની દર્દનાક શહાદતથી પ્રભાવિત ન થઇ હોય અને તેણે ઇમામ હુસૈન (અ.સ)નો ગમ ન મનાવ્યો હોય. આ અસરો એક જઝબાતી અસરો નથી, પરંતુ હકીકી અસરો હતી. દરેક ચીજ આ અઝીમ શહાદતથી ગમગીન હતી અને આ સિલસિલો આજ સુધી શરૂ છે.
ભરોસાપાત્ર કિતાબોમાં આ પ્રકારની અસંખ્ય રિવાયતો મળે છે કે દરરોજ અંબીયા(અ.મુ.સ) અને મુકર્રબીને બારગાહે ઇલાહી ફરિશતાઓની એક સફ ઇમામ હુસૈન(અ.સ)ની ઝિયારત માટે આવે છે અને પાછા જાય છે. જાણે કે દરેક સમયે હઝરત ઇમામ હુસૈન (અ.સ)ના પવિત્ર હરમમાં અંબીયા(અ.મુ.સ) અને ખુદાવંદની બારગાહના મુકર્રબીન ફરિશતાઓ ઝિયારતમાં મશ્ગુલ રહેતા હોય છે. રિવાયતોમાં ફક્ત અંબીયા (અ.મુ.સ) અને ફરિશ્તાઓની ઝિયારતનો જ ઉલ્લેખ નથી, પરંતુ એ પણ છે કે આ હઝરાત જ્યારે ઝિયારત માટે આવે છે, તો એવી રીતે આવે છે કે વાળ વિખરાયેલા હોય છે, માથા પર ખાક હોય છે, રોતા રોતા અને ખૂબજ વધારે ગમગીન સુરતમાં આવે છે. રિવાયતમાં એ વાતની સાબિતી છે કે 1400 વર્ષ પસાર થઇ ગયા બાદ પણ ઇમામ હુસૈન(અ.સ)નો ગમ એટલો જ તાજા છે, જેટલો હિ.સ. 61 ની આશુરામાં હતો.
જ્યારે મઅસૂમ અંબીયા(અ.મુ.સ) અને ફરિશ્તાઓની આ હાલત છે, તો ઇમામ હુસૈન (અ.સ)ની અઝાદારી કોઇની નજરમા ભલે ને કેટલીય વધારે દેખાતી હોય, પરંતુ હકીકતમાં એ બહુ જ ઓછી છે. જનાબે અઝીઝ બનારસીનો એક શેર છે:
લોગ કહેતે હૈ કે તુમ લોગ બહોત રોતે હો
હમ કો ઝહરાસે નિદામત હૈ કે કમ રોતે હૈં
હઝરત ઇમામ હુસૈન(અ.સ)ના ગમની ઉંડાઇ અને વિશાળતાનો રાઝ તો ખુદાને જ ખબર છે. કાએનાતની ખિલ્કતના બારામાં જે રિવાયતોનો ઉલ્લેખ થયો છે, તેનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે અહલેબૈત(અ.મુ.સ) ના લીધે જ કાએનાત પૈદા થઇ છે અને તેમના સદકામાં આ સમયે કાએનાતને જીંદગી મળી રહી છે. જેને જે કંઇ મળી રહ્યુ છે તે અહલેબૈત (અ.મુ.સ)ના લીધે અને તેમના થકી જ મળી રહ્યુ છે. શરાફતનો તકાઝો એ છે કે ઇન્સાન તો શું પરંતુ દરેક ચીજ પોતાના વલીએ નેઅમતના ગમમાં ગમગીન થઇને પોતાના વુજૂદનો હક અદા કરે.
ટૂંકાણને ધ્યાનમા રાખીને રિવાયતનો ફક્ત તરજુમો પેશ કરીએ છીએ:
જનાબ અલ્લામા મજલીસી(અ.ર)એ પોતાની અમુલ્ય કિતાબ, બેહારૂલ અન્વાર ભાગ:57, પાના નં. 169 પર આ હદીસ આ રીતે વર્ણન કરી છે:
જનાબે જાબિરે જોઅફીએ ઇમામ બાકિર (અ.સ)થી રિવાયત વર્ણવી છે. ઇમામ(અ.સ)એ ફરમાવ્યુ:
અય જાબિર! ખુદા હતો અને તેના સિવાય બીજુ કંઇ ન હતુ, ન કોઇ જાણીતી ચીજ ન કોઇ અજાણી ચીજ. ખુદાવંદે આલમે સૌથી પહેલા મોહમ્મદ (સ.અ.વ)ને પૈદા કર્યા અને તેમની સાથે અમો અહલેબૈત(અ.મુ.સ)ને પોતાની અઝમતના નૂરથી પૈદા કર્યા. અમે તેની સામે લીલા છાયાની સુરતમાં રહ્યા. તે સમયે ન આસમાન હતુ, ન જમીન, ન મકાન, ન રાત, ન દિવસ, ન સૂરજ, ન ચાંદ. અમારૂ નૂર ખુદાના નૂર સાથે એવી રીતે ચમકતુ હતુ જેવી રીતે સૂરજથી તેની કિરણો. અમે ખુદાની તસ્બીહ અને તકદીસ કરતા હતા અને તેની હમ્દો સના કરતા અને તેની ઇબાદતમાં દરેક સમયે મશ્ગુલ રહેતા હતા. ત્યાર પછી ખુદાવંદે આલમે મખ્લૂકાતની ખિલ્કતથી ખિલ્કતનો સિલસિલો શરૂ કર્યો. મકાનને પૈદા કર્યુ અને મકાન પર લખ્યુ:
લા ઇલાહ ઇલ્લલ્લાહો મોહમ્મદુર્ રસુલુલ્લાહ અલીયુન્ અમીરૂલ્ મોઅ્મેનીન વ વસીયોહુ વ અય્યદ્તોહુ વ નસર્તોહુ
“અલ્લાહ સિવાય કોઇ ખુદા નથી, મોહમ્મદ (સ.અ.વ) અલ્લાહના રસુલ છે. અલી (અ.સ) અમીરૂલ મોઅમેનીન અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ)ના વસી છે અને મેં રસુલે ખુદાની મદદ, અલી(અ.સ) વડે કરી છે.”
ત્યાર પછી ખુદાવંદે આલમે અર્શને પૈદા કર્યુ અને અર્શની છત પર આ જ લખાણ લખ્યુ. પછી ખુદાવંદે આલમે આસ્માનોને પૈદા કર્યા અને તેના કિનારાઓ પર આ જ લખાણ લખ્યુ. પછી જન્નત અને જહન્નમ પૈદા કરી અને ત્યાં પણ આ જ લખાણ લખ્યુ. પછી ખુદાવંદે આલમે ફરિશ્તાઓને પૈદા કર્યા અને તેમને આસ્માનોમાં જગ્યા આપી પછી ખુદાએ હવાને પૈદા કરી અને તેના પર પણ આ જ લખાણ લખ્યુ. પછી ખુદાએ જીન્નાતને પૈદા કર્યા અને તેઓને હવામાં સ્થાયી કર્યા પછી ખુદાવંદે આલમે જમીનને પૈદા કરી અને તેના ખૂણે ખૂણામાં આ જ લખાણ લખ્યુ, આ જ કારણે આસ્માન કોઇ પણ જાતના થાંભલા વગર સ્થિર છે અને જમીન પર સ્થાયી છે…… પછી ખુદાવંદે આલમે આદમ(અ.સ)ને જમીનની માટીથી પૈદા કર્યા…..
…….. આથી અમે ખુદાવંદે આલમની પ્રથમ મખ્લુક છીએ અને સૌથી પ્રથમ મખ્લુક છીએ, જેણે ખુદાની ઇબાદત કરી અને તેની તસ્બીહ કરી અને અમે જ મખ્લુકાતની ખિલ્કતનો સબબ છીએ. અમે જ તમામ મલાએકા અને ઇન્સાનોની તસ્બીહ અને ઇબાદતનો સબબ છીએ.
(બેહારૂલ અન્વાર, ભાગ:57, પાના:169, હદીસ:112)
આ હદીસથી એ સ્પષ્ટ થાય છે કે ખુદાવંદે આલમે સૌથી પહેલા પોતાની અઝમતના નૂરથી મોહમ્મદ વ આલે મોહમ્મદ(અ.મુ.સ)ને પૈદા કર્યા. આ લોકો પ્રથમ દિવસથી જ ખુદાની તસ્બીહ અને તકદીસ કરતા હતા અને તેની ઇબાદત કરતા હતા.
જ્યારે ખુદાએ આ કાએનાતને પૈદા કરી તો તેના કપાળ પર પોતાની તૌહીદ, રસુલે ખુદા (સ.અ.વ)ની રિસાલત અને અલી(અ.સ)ની ઇમામત લખી દીધી. આનાથી સ્પષ્ટ થાય છે કે કાએનાતના કપાળ પર અમારો જ કલેમાહ (લા ઇલાહ ઇલ્લલ્લાહો, મોહમ્મદુર્ રસુલુલ્લાહ, વ અલીય્યુન્ વલીયુલ્લાહ) લખેલો છે.
હવે આના અનુસંધાનમાં એક બીજી રિવાયત જોઇએ. ટુંકાણને ઘ્યાનમાં રાખીને ફક્ત તરજુમાને પુરતો સમજીએ છીએ.
આ રિવાયત અલ્લામા મજલીસી(અ.ર)એ મિસ્બાહુલ્ અન્વારના હવાલાથી પોતાની અમુલ્ય કિતાબ બેહારૂલ અન્વારમાં વર્ણન કરી છે.
અનસ એ હઝરત રસુલે ખુદા (સ.અ.વ)થી વર્ણન કર્યુ છે કે આપ હઝરત(સ.અ.વ)એ પોતાના કાકાને ફરમાવ્યુ:
“ચોક્કસ અલ્લાહે મને અને અલી(અ.સ.)ને પૈદા કર્યા. ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.)ને પૈદા કર્યા. જનાબે આદમ (અ.સ.)ની ખિલ્કત પહેલા, એ સમયે ન આસ્માનની છત હતી ન તો જમીનનુ પાથરણું. ન તો અંધારૂ હતુ ન તો નૂર હતુ, ન સૂરજ હતો અને ન ચાંદ અને ન આગ.”
આપ હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યુ:
અય ચચા! જ્યારે ખુદાવંદે આલમે અમોને પૈદા કરવા ચાહ્યુ, તો તેણે એક કલેમો કહ્યો, તેનાથી નૂર પૈદા કર્યુ. પછી એક બીજો કલેમાહ કહ્યો, તેનાથી રૂહને પૈદા કરી પછી નૂરને રૂહમાં મેળવી દીધુ, તેનાથી મને, અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન(અ.સ.)ને પૈદા કર્યા. અમે તે સમયે ખુદાની તસ્બીહ કરી રહ્યા હતા જ્યારે તસ્બીહનો વુજૂદ ન હતો અને અમે તે સમયે તકદીસ કરી જ્યારે તકદીસનો વુજૂદ ન હતો. (એટલે કે અમોએ આ તસ્બીહ કોઇ પાસેથી શીખી નથી, અમને કોઇ બીજી મખ્લુકે શિખવાડી નથી)
જ્યારે ખુદાવંદે આલમે પોતાની મખ્લુકાતને પૈદા કરવા ચાહ્યુ, તો મારા નૂરના ભાગ કર્યા અને તેના થકી અર્શને પૈદા કર્યુ, તો અર્શ મારા નૂરથી છે અને મારૂ નૂર અલ્લાહના નૂરથી છે. આમ મારૂ નૂર અર્શથી અફઝલ છે. ત્યાર પછી ખુદાએ મારા ભાઇ અલી(અ.સ.)ના નૂરથી ફરિશ્તાઓને પૈદા કર્યા, તો ફરિશ્તાઓ અલી (અ.સ.)ના નૂરથી છે અને અલી (અ.સ.)નું નૂર અલ્લાહના નૂરથી છે આમ અલી(અ.સ.) ફરિશ્તાઓથી અફઝલ છે.
ત્યાર પછી મારી બેટી ફાતેમા(સ.અ.)ના નૂરથી આસ્માનો અને જમીનને પૈદા કર્યા, તો આસ્માનો અને જમીન મારી બેટી ફાતેમા (સ.અ.)ના નૂરથી છે અને મારી બેટી ફાતેમા (સ.અ.)નુ નૂર અલ્લાહના નૂરથી છે અને મારી બેટી ફાતેમા(સ.અ.), આસ્માનો અને જમીનથી અફઝલ છે.
પછી ખુદાએ મારા ફરઝંદ હસન(અ.સ.)ના નૂરથી સૂરજ અને ચાંદને પૈદા કર્યા તો સૂરજ અને ચાંદ, મારા ફરઝંદ હસન(અ.સ.)ના નૂરથી છે અને હસન(અ.સ.)નુ નૂર અલ્લાહના નૂરથી છે આમ હસન(અ.સ.) સૂરજ અને ચાંદથી અફઝલ છે.
પછી ખુદાએ મારા ફરઝંદ હુસૈન(અ.સ.)ના નૂરથી જન્નત અને હુરૂલઇનને પૈદા કર્યા તો જન્નત અને હુરૂલઇન મારા ફરઝંદ હુસૈન (અ.સ.)ના નૂરથી છે અને મારા ફરઝંદ હુસૈન (અ.સ.)નુ નૂર અલ્લાહના નૂરથી છે. આમ મારા ફરઝંદ હુસૈન(અ.સ.), જન્નત અને હુરૂલઇનના નૂરથી અફઝલ છે.”
(બેહારૂલ અન્વાર, ભાગ:67, પાના:191-193, હદીસ:139)
આ હદીસથી અંદાજો આવી જાય છે કે તમામ કાએનાત મોહમ્મદ વ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના પવિત્ર નૂરથી પૈદા કરવામાં આવી છે. તમામ કાએનાત તેમના જ નૂરના કારણે જ છે. તો અહલેબૈત (અ.મુ.સ.) \ી કાએનાતનો સંબંધ એક હકીકી અને હંમેશાનો સંબંધ છે, એક જઝબાતી અને મર્યાદિત સમય માટેનો સંબંધ નથી. આ સંબંધ માતા પિતા અને અવલાદના સંબંધ કરતા વધારે મજબુત છે. હવે જરા વિચારીએ કે સંબંધ જેટલો વધારે મજબુત હશે ગમનો અસર પણ એટલો જ વધારે હશે. અહલેબૈત (અ.મુ.સ.)ના કાએનાત સાથે બે ખુબ જ મજબુત સંબંધ છે. એક વુજૂદનો સંબંધ અને બીજો હિદાયતનો સંબંધ. માટે આ વાત પુરાવો બની કે તમામ કાએનાતને ખુદાની મઅરેફત તેમજ તેની તસ્બીહ અને તકદીસ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની જ તઅલીમ થકી જ હાસિલ થાય છે અને આ સંબંધ મર્યાદિત સમય પુરતો જ નથી પરંતુ હંમેશ માટેનો છે… ભાવનાત્મક નથી પરંતુ હકીકી છે. કાલ્પનિક નથી પરંતુ હકીકી છે. તેથી અહલેબૈત(અ.મુ.સ.)ના ગમમાં અને ખાસ કરીને સૈયદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ગમમાં તમામ કાએનાતનું અસરઅંદાજ \વુ તે એક ફિતરી બાબત છે અને ગમની શિદ્દત સંબંધના કારણે છે. સંબંધ હકીકી છે, તેથી આ ગમ પણ હકીકી છે. કારણકે આ સંબંધ કદી પણ તુટી શકતો નથી, તેથી આ ગમ પણ ક્યારેય ખત્મ નહી થાય. અગર કાએનાત આ ગમ ન મનાવે તો તે લાયક નહી કહેવાય.
ઇમામ હુસૈન(અ.સ.)ની અઝીમ મુસીબતથી ન ફકત કાએનાતને અસર થઇ છે, પરંતુ તે હઝરાત સૌથી વધારે ગમઝદા છે, જેઓ કાએનાતની ખિલ્કતનું કારણ છે. આ વાત ધ્યાનમાં રહે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) આ કાએનાતમાં સૌથી શ્રેષ્ઠ અને ઉમદા છે. આપ(સ.અ.વ.)નો દરેક અમલ ખુદાની અઝમતનો તરજુમો છે. આપ(સ.અ.વ.)નો કોઇ પણ અમલ સામાન્ય માણસની જેમ જઝબાતી નથી. જનાબે ઇબ્ને અબ્બાસનુ બયાન છે કે:
મેં રસુલે ખુદા(સ.અ.વ.)ને બપોરના સમયે ખ્વાબમાં જોયા કે આપ(સ.અ.વ.)ના વાળ વિખરાએલા હતા અને તેના ઉપર ખાક પડેલી છે. આપ(સ.અ.વ.)ના મુબારક હાથોમાં એક શીશી છે, જેમાં ખુન છે. મેં અરજ કરી: અય અલ્લાહના રસુલ(સ.અ.વ.)! મારા મા-બાપ આપના પર કુરબાન! આ શું છે? આપ(સ.અ.વ.)એ ફરમાવ્યુ:
હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબોનું ખુન છે. આજ સવારથી હું આ ખુનને જમા કરી રહ્યો છું.
અમ્માર બયાન કરે છે કે: જ્યારે અમોએ ગણતરી કરી, તો ખબર પડી કે આ તે જ દિવસ હતો કે જે દિવસે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) કત્લ કરવામાં આવ્યા હતા.
એક રિવાયતમાં આ પ્રમાણે છે:
જે દિવસે ઇમામ હુસૈન(અ.સ.) કત્લ કરવામાં આવ્યા, એક રાત્રે ઇબ્ને અબ્બાસે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને ખ્વાબમાં જોયુ કે આપ(સ.અ.વ.)ના હાથમાં એક શીશી છે, જેમાં ખુન છે. મેં સવાલ કર્યો: અય અલ્લાહના રસુલ(સ.અ.વ.)! આ શું છે?
ફરમાવ્યુ:
આ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબનું ખુન છે. હું આ ખુનને ખુદાની બારગાહમાં લઇ જઇ રહ્યો છુ.
(તારીખે ઇબ્ને અસીર, પાના: 582, પ્રકાશન: બૈરૂત)
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)નુ આ રીતે ગમઝદા થવુ, વાળોનું વિખેરવુ અને તેના પર ધુળ અને માટીનુ હોવુ, કાએનાતના ગમઝદા હોવા કરતા કેટલુય વધારે અસામાન્ય છે. આ જ કારણસર હઝરત ઇમામ હુસૈન (અ.સ.) પર થવાવાળા ઝુલ્મોની શિદ્દતનો અંદાજો લગાવવો કોઇ અન્યના હાથની વાત નથી.
અગર આપણે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની સુન્નત પર અમલ કરવા ચાહીએ છીએ અને કાએનાતની ખિલ્કતના કારણથી આપણે સુસંગત થવા ચાહીએ છીએ અને આપણા વુજૂદના તકાઝાને પુરો કરવા ચાહીએ છીએ તો આપણે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ મનાવવો જોઇએ અને શિદ્દત સાથે મનાવીએ. જો કે આપણે શું અને આપણા ગમની શિદ્દત શું? આ ગમમાં આંસુ વહાવનાર તો તેઓ છે કે જેમના બારામાં મર્હુમ મીર અનીસે કહ્યુ છે:
રોનેમે ફુઝું હૈ ચશ્મ સે ચશ્મ
દરીયા દરીયા સે બઢ ગએ હૈ
Comments (0)