ઇમામ હુસૈન(અ.સ)ના અસ્હાબની રજઝ અને તેમની શહાદત
‘ફિરોઝુલ્લુગાત’માં રજઝ એ શેરને અથવા એ અશ્આરને કહેવાય છે જેને કોઇ બહાદુર જંગના મેદાનમાં ઉતરતા જ પઢે છે, જેથી તે પોતાનો પરિચય કરાવીને જંગનો મકસદ બયાન કરી શકે કે શું તેની લડાઇ દૌલત માટે છે કે માલ-સામાન માટે છે, જમીન માટે છે કે સોના ચાંદી માટે છે, કુફ્રના માટે છે કે ઇમાન અને દીનની હિફાઝત માટે છે. જે પણ હેતુ હોય, કોઇ પણ સિપાહીની રજઝ એ સાબિત કરી દેય છે કે તે મેદાનમાં શા માટે પોતાની જાનની બાજી લગાવવા માટે આવ્યો છે?
એહલે તસન્નુનના અમુક ઓલમા ઇમામ હુસૈન (અ.સ) અને તેમના જાંનિસાર સાથીઓની અઝીમ શહાદતનો દરજ્જો ઓછો કરવાની નિય્યતથી આ મહાન જંગને બે શાહઝાદાઓની જંગ કહે છે અને ફરમાવે છે કે કરબલાની જંગ તો બે શાહઝાદાઓની જંગ હતી અને તેમનો મકસદ શામની હુકૂમત હાસિલ કરવી હતી. તેને મઝહબ સાથે શું લેવા દેવા? આ પાયા વગરની તોહમતના જવાબ માટે ફક્ત શોહદાએ કરબલાની રજઝ પુરતી છે અને તે એ રીતે કે અગર કોઇ આકીલ શખ્સ આ રજઝને વાંચે તો તે ગૌર કરશે કે આ બુલંદ શખ્સીય્યતોને અગર કોઇ ચીજની ફિક્ર હતી તો તે ફક્ત અને ફક્ત ખુદાના દીન, દીને ઇસ્લામની હિફાઝતની હતી અને આ ફાની દુનિયાની નાશ પામનારી લઝ્ઝતોની તેમને બિલ્કુલ પરવાહ ન હતી. આમ કહેવુ હકીકતથી દુર નહિ ગણાય કે તેઓ આ દુન્યવી ચીજો જેમકે માલ, દૌલત, સામાન, જમીન-જાયદાદ, હુકૂમત વિગેરેને તુચ્છ નજરોથી જોતા હતા અને મઝહબે ઇસ્લામના ઉસૂલ અને ફુરૂઅને તેઓએ પોતાની જીંદગીનો મકસદ અને હંમેશાની જીંદગીનો ઝરીઓ બનાવ્યા હતા. કદાચ એહલેબૈત (અ.મુ.સ)ની મોહબ્બતે તેમને જન્નતના બગીચાની સફર કરાવી દીધી હતી અને તેમને યકીન અપાવી દીધુ હતુ કે અગર આ ખુશ્બુદાર ઘર અને બગીચાઓને ખરીદવા છે તો પોતાની જાનને આલે રસુલ(સ.અ.વ)ના કદમોમાં નિસાર કરી દેવી પડશે. હુસૈને મઝલુમના મદદગારોમાં બચ્ચાઓ પણ હતા અને બુઢાઓ પણ, જવાન પણ હતા અને કમસિન પણ, ગુલામ પણ હતા અને આકા પણ હતા. દરેકે કોઇ પણ જાતના શક વગર પોતાની શહાદતનો મકસદ સૌથી પહેલા એલાન કરી દીધો હતો. રજઝ ફક્ત એમનો મકસદ જ જાહેર નહોતી કરતી પરંતુ તેમની મઅરેફત, તેમના અખ્લાક, તેમનો તકવા જાણે કે એમની સંપૂર્ણ શખ્સીય્યતનો અરીસો હતો.
તો આવો! કરબલાના મૈદાનમાં જઇએ, મોહર્રમની દસમી તારીખ છે, આશુરાનો દિવસ છે, ઝોહરનો સમય છે. ઇમામ હુસૈન(અ.સ)ના સાથીઓ દુશ્મનોની સામે ઉભા છે અને પોતાની શહાદતનો મકસદ બયાન કરી રહ્યા છે.
જનાબે વહબ(અ.ર.)ની શહાદત:
વહબ ઇબ્ને અબ્દુલ્લાહ ઇબ્ને હબાબે કલ્બી પોતાની માતા અને પત્ની સાથે હુસૈની લશ્કરમાં હાજર હતા. પોતાની માતાના શોખ દેવરાવવાના લીધે જેહાદ માટે તૈયાર થયા. મેદાનમાં ઘોડો દોડાવ્યો અને આ રજઝ પઢી.
ઇન્ તુન્કેરૂની ફ અનબ્નુલ્ કલ્બે
સવ્ફ તરવ્ની વ તરવ્ન ઝરબી
વ હમલતી વ મસુલતી ફિલ્ હર્બે
ઉદ્રેકો સારી બઅ્દ તારે સહબી
વ અદ્ફઉલ્ કર્બો અમલ્ કર્બે
લય્સ જેહાદી ફિલ્ વગા બિલ્ લઅબે
અય વહબની માતા! હું તારી તરફથી ઝામિન થાવ છું કે તેઓમાં ક્યારેક નેઝો અને ક્યારેક તલવાર ચલાવવાનો આ એવા નવજવાનની ઝર્બ છે કે જે પોતાના રબ પર ઇમાન રાખે છે.
પછી 19 સવારો અને 12 પગપાળા દુશ્મનોને કત્લ કર્યા અને થોડી વાર સુધી જંગ કરતા રહ્યા, ત્યાં સુધી કે તેમના બંને હાથોને કાપી નાખવામાં આવ્યા. તે સમયે તેમની માતાએ ખૈમાના થાંભલાને પોતાના હાથમાં લીધો અને મેદાનમાં ગઇ અને કહ્યુ: અય વહબ! મારા માં-બાપ તારા પર કુરબાન થાય. જેટલી થઇ શકે એટલી જંગ કરો અને રસુલેખુદા(સ.અ.વ)ના એહલે હરમથી દુશ્મનોને દૂર કરો. વહબે ચાહ્યુ કે પોતાની માતાને પરત મોકલી દેય. તો વહબની માતાએ તેમનો દામન પકડી લીધો અને કહેવા લાગી કે ‘હું ત્યાં સુધી પરત નહી જાવ જ્યાં સુધી તારી સાથે મારા ખુનમાં નહાઇ ન લવ. ઇમામ હુસૈન(અ.સ)એ જ્યારે આ જોયુ તો ફરમાવ્યુ: એહલેબૈત (અ.મુ.સ) તરફથી ખુદા તમોને જઝાએ ખૈર અતા કરે, ઔરતોનાં ખૈમાઓ તરફ પાછા આવી જાવ. ખુદા તમારા પર રહેમ કરે. તો પછી તે ખાતુન ખૈમાંઓ તરફ પરત ફરી અને તે કલ્બી જવાન જંગ કરતા કરતા શહીદ થઇ ગયા. રાવી કહે છે કે વહબની પત્ની પોતાના શૌહરની શહાદત પછી બેચૈન થઇને તેની તરફ દોડી અને પોતાનું મોઢું તેના મોઢા પર રાખી દીધુ. શિમ્ર મલઉનના કહેવાથી તેના ગુલામે તેમના માથા પર ગુર્ઝ માર્યો અને તેમના શૌહરની સાથે તેમને કત્લ કરી દીધા. તેઓ પહેલી ઔરત હતા કે જેઓને સૈયદુશ્શોહદા (અ.સ)ના લશ્કરમાં શહીદ કરી દેવામાં આવ્યા.
ઉમ્રૂ ઇબ્ને ખાલિદ અઝદી અસદી સૈદાવીની રજઝ અને શહાદત:
ઉમ્રૂ ઇબ્ને ખાલિદ અઝદી અસદી સૈદાવી મેદાનમાં જવા માટે તૈયાર થયા. ઇમામ હુસૈન (અ.સ)ની ખિદમતમાં આવીને અરજ કરી, હું તમારા પર કુરબાન થઇ જાવ. અય અબા અબ્દીલ્લાહ! મેં ઇરાદો કર્યો છે કે આપના અસ્હાબ પર જે શહીદ થઇ ગયા છે, તેઓથી જઇને મળુ અને મને એ પસંદ નથી કે જીવતો રહીને આપને એકલા શહીદ થતા જોવ. હવે મને રજા આપો. આપ (અ.સ)એ રજા આપી અને ફરમાવ્યુ અમે પણ થોડીવારમાં તમારાથી આવી મળીશું. આ ખુશનસીબ જ્યારે મેદાનમાં આવ્યા ત્યારે આ રીતે રજઝ પઢી.
એલૈક યા નફસો મેનર્ રહ્માને
ફ અબ્શેરી બિર્ રૂહે વર્ રૈહાને
અલ્ યૌમ તજ્ઝીન બિલ્ એહસાને
અય નફસ તને ખુદાએ રહેમાન તરફથી રૂહ અને રૈહાનની બશારત થાય. આજે તને નેકીનો બદલો મળશે.
પછી જંગ કરીને શહીદ થયા પછી તેમનો ફરઝંદ ખાલિદ બિન ઉમ્રૂ મૈદાનમાં ગયો.
ખાલિદ બિન ઉમ્રૂ સૈદાવીની રજઝ અને શહાદત:
મેદાનમાં આવીને ખાલિદ બિન ઉમ્રૂ સૈદાવીએ રજઝ પઢી:
સબ્રન્ અલલ્ મૌતે બની વ કહ્તાને
કય્ મા તકૂનૂ ફી રેઝર્ રહમાને
યા અબ્તાહ્ કદ્ સેરત ફિલ્ જેનાને
ફી કસ્રે દુર્રિન હસનિલ્ બુન્યાને
અય બની કહતાન! મૌત પર સબ્ર કરો, જેથી ખુદાએ રહેમાનની રેઝામાં દાખલ થઇ જાવ. અય બાબા! તમે તો જન્નતમાં પહોંચી ગયા. એવા મહેલોમાં કે જે મોતીથી બનેલા છે અને તેની બુનિયાદો બહેતરીન છે.
પછી તેઓ જેહાદ કરીને શહીદ થયા.
આપણે સૌ હઝરત ઇમામ હુસૈન (અ.સ)ના વસીલાથી ખુદાવંદે આલમથી દુઆ કરતા હાથ બુલંદ કરીએ કે તેમના ખુનનો બદલો લેવાવાળા હઝરત ઇમામે ઝમાના(અ.ત.ફ.શ)ના ઝુહૂરમાં જલ્દી કરે અને આપણને સૌને તેમની સાથે મળીને અઇમ્મએ માસુમીન (અ.મુ.સ) પર કરવામાં આવેલ ઝુલ્મનો બદલો લેવાની તૌફીક ઇનાયત ફરમાવે. આમીન..
Comments (0)