અલહિસ્સલામના ખુત્બામાંથી થોડી રત્ન કણિકાઓ
અલહિસ્સલામના
ખુત્બામાંથી થોડી રત્ન કણિકાઓ
મોહર્રમુલ હરામ આવતાની સાથેજ બકીયતુલ્લાહીલ અઅઝમ હઝરત વલીએ અસ્ર ઈમામે ઝમાના અ.સ. અને મોહિબ્બાને સય્યદુશ્શોહદા અ.સ. ની ખીદમતમાં આંસુ ભરી આંખો અને શોકથી ભરપુર દિલથી પુરસો અને સાંત્વન રજુ કરીને ખુદાવંદે આલમની બારગાહમાં દોઆ કરીએ છીએ કે અમને પણ ઈમામે હુસયન અ.સ. ના નિર્મળ બલીદાન આપનારાઓમાં ગણના કરે. જેથી અમારા સૌની ગણના ખુદા અને રસુલ (સ.અ.વ.) ના અન્સારોમાં થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આમીન.
એ વાત સૌ જાણે છે કે ઈમામ હુસયન અ.સ. ની શહાદત વ્યકિતગત લાભ કે હેતુ માટે ન હતી. બલ્કે આપે ખુદા અને રસૂલ સ.અ.વ. ના દીનના ઉચ્ચ સ્થાન માટે અને રસુલ સ.અ.વ. ની ઉમ્મતને સત્યનો માર્ગ દર્શાવવા માટે આ મહાન શહાદત વ્હોરી હતી.
ઈમામ હુસયન અ.સ. એ શહાદતના પુષ્પ ગુચ્છમાં જે સદાબહાર ફુલોને એકઠા કર્યા હતા, તેમાંના દરેક દીની તાલીમાતની જીવંત તસ્વીર હતા. અસ્હાબની શહાદત લાગણીઓને કારણે ન હતી. બલ્કે, મઅરેફતના કારણે હતી. એવી મઅરેફત કે જ્યાં ઉંડી સમજનો પ્રકાશ પુંજ હતો. તલ્વારની ધારથી વધુ તિક્ષણ ઉંડી દ્રષ્ટિ જે સત્ય અને ઝમાનાના ઇમામની મઅરેફતનું પ્રચંડ પુર હતું. એજ શહાદત અમુલ્ય છે જેની પાછળનો દ્રષ્ટિ-બિંદુ મઅરેફત હોય.
ઈમામ હુસયન અ.સ. એ એમના એક ખુત્બામાં આ વાતનો નિર્દેશ કર્યો છે કે સમાજ કઈ રીતે બુરાઈઓ તરફ આગળ વધી જાય છે. નાની નાની વાતો કેવી રીતે મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે. જ્યારે લોકો પોતાની જવાબદારીઓમાંથી ચલિત થઇ જાય છે, ત્યારે સમાજ કેવી રીતે તબાહ અને બરબાદ થઇ જાય છે. આ વિનાશ ગુનેહગારોની પ્રસંશાથી શરૂ થાય છે.
ગુનેહગારોની પ્રસંશાઃ
વ્યકિતગત લાભ અને દુનિયાની જાહોજલાલીથી પ્રેરાઈને અથવા ભવિષ્યના આકર્ષક લાભોની આશામાં ગુનેહગારોના એવા તો ગુણગાન ગાવામાં આવે છે કે તેમના દિલોમાંથી ગુનાહનો એહસાસ નષ્ટ પામે છે અને બીજાને ગુનાહની પ્રેરણા મળે છે. ઈમામ હુસયન અ.સ. ફરમાવે છેઃ
“ખુદાવંદે આલમે તેના અવલીયાઓને જે બોધપાઠ આપેલ છે, લોકા! તેનાથી નસીહત પ્રાપ્ત કરો. ખુદાએ લોકોને “અહબાર” (યહુદી આલીમ – શકય છે કે આ એક નીશાની હોય) ને ખોટા વખાણ અને પ્રસંશા કરવાની મનાઈ કરી અને તે વાત ઉપર તેની ટીકા કરી છે કે “છેવટે અલ્લાહવાળા આલીમો તેઓને ખોટું બોલવા અને હરામ ખાવાની ના શા માટે નથી પાડતા?”
(સુરએ માએદાહ – 63)
“ખુદા એમ પણ કહે છે કે બની ઈસ્રાઈલમાં કુફ્ર કરનારાઓ ઉપર જનાબે દાઉદ અ.સ. અને જનાબે ઈસા અ.સ. ની ઝબાનથી લઅનત કરવામાં આવી છે. (એ કારણથી લઅનત કરવામાં આવી) કે આ લોકો નાફરમાની કરીને ગુમરાહીમાં હદ વટાવી જતાં અને બુરા કામો કરવાથી રોકાતા નહી અને કેટલાય ખરાબ કાર્યો કરતા હતાં. ”
(સુરએ માએદાહ – 78-79)
“ખુદાવંદે આલમે આ કારણે તેઓને વખોડીને ઠપકો આપ્યો કે આ લોકો તેઓની સામે ઝાલીમોને ખરાબ કૃત્યો કરતા અને ઝઘડા કરતા જોતા હતા પરંતુ તેઓને રોકતા ન હતા. ઝાલીમો તરફથી મળતા ઈનામો અને તેઓના ભયથી ચૂપ રહેતા હતા. જ્યારે ખુદા ફરમાવે છે કે લોકોથી ન ડરો, માત્ર મારાથી ડર્યા કરો.”
(સુરએ બકરહ – 150)
“ખુદાએ (મોઅમિનોના ગુણ આ રીતે બયાન ફરમાવ્યા છે) મોઅમિન પુરૂષો અને મોઅમિન સ્ત્રીઓ એક બીજાના વલી અને દોસ્ત છે. તેઓ એક બીજાને સારા કાર્યો કરવાનો હુકમ આપે છે અને ખરાબ કાર્યોથી અટકાવે છે..”
(સુરએ તવબા – 71)
“ખુદાવંદે આલમે અમ્ર બીલ મઅરૂફ (નેકીઓનો હુકમ આપવો) અને નહી અનીલ મુન્કર (ખરાબ કાર્યોથી અટકાવવા) વાજીબ કર્યા છે. આ એ માટે કે ખુદા જાણે છે કે જો આ વાજીબ અદા કરવામાં આવે અને તેની પાબંદી કરવામાં આવે તો બાકીની બધી વાજીબાતો જળવાય રહેશે. પછી તે સખત અને ભારે હોય કે સહેલી હોય. કારણકે અમ્રબીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કર ઈસ્લામ પ્રત્યે આમંત્રણ આપે છે. ઝુલ્મથી રોકે છે. ઝાલીમોનો વિરોધ કરે છે. બયતુલ માલની સારી રીતે વહેંચણી કરાવે છે. સદકાઓ (ટેકસ) ને સાચી રીતે મેળવે છે અને સાચી જગ્યાએ વાપરે છે.”
આ વાકયો સ્પષ્ટતા કરી રહ્યા છે કે લોકોએ દુનિયાના લાભ માટે કેવી રીતે ઝાલીમોના ઝુલ્મની સામે ચૂપકીદી સાધી લીધી અને કેવી રીતે ઝઘડાને ફુલતો ફાલતો જોતા રહ્યા. દુનિયાની મોહબ્બત કેવી રીતે માનવીને પોતાના દીનની જવાબદારીઓને ભુલાવી દે છે.
દીન ઈઝઝતનું કારણ
જે લોકો દીનથી સંકળાએલા છે અથવા દીન પ્રત્યે ઢળેલા છે, તેઓને લોકો ઈઝઝતની નજરે જુએ છે. પરંતુ કયારેક એવું પણ જણાય છે કે તે પોતે દીનના શિક્ષણના પાંબદ નથી. અલબત્ત, જ્યારે પોતાના હક અને લાભનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે ચુપ નથી રહેતા પરંતુ જ્યાં નિર્બળો અને ખુદાના હક્કોનનો સવાલ થાય છે ત્યાં નિષ્ક્રીય થઈ જાય છે. ઈઝઝત દીનથી મેળવે છે અને રક્ષણ પોતાના લાભોનું કરે છે.
ઈમામ હુસયન અ.સ. ફરમાવે છેઃ “તમે લોકો એવા સમુહ છો કે જે ઈલ્મના કારણે મશહુર હોય, નેકીઓમાં તમારી ચર્ચા હોય. બોધપાઠના કારણે ઓળખાતા હોય અને ખુદાને ખાતર લોકોના દિલોમાં તમારી ઈઝઝત અને માન હોય. શરીફ તમારી ઈઝઝત કરે છે નબળાઓ તમને માન આપે છે અને બાકીના લોકો પોતાના કરતા તમને અગ્રતા આપે છે જેમના ઉપર તમને કોઈ શ્રેષ્ઠતા પ્રાપ્ય નથી. લોકોની જરૂરીયાતો તમારી ભલામણથી પૂરી થઈ જાય છે. તમે રસ્તાઓ ઉપર બાદશાહોની જેમ ચાલો છો. શું આ બધું એ કારણ નથી કે તમારી પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે અલ્લાહના હકોને સ્થાપિત કરશો. જો કે, તમે તેના મોટા ભાગના હકોને હલકો ગણો છો. તમે લોકોએ નિર્બળ લોકોના હકોને વેડફી નાખ્યા, પરંતુ તમારા મત મુજબ તમારા હકોને માંગી લીધા છે. જે હેતુ માટે તમને પૈદા કરવામાં આવ્યા હતા, ન તો તમે તેના ખાતર કોઈ માલ ખર્ચ કર્યો ન તો કોઈ કુરબાની પણ આપી. ન ખુદાની ખુશ્ નુદી માટે કોઈ કૌમને દુશ્મન બનાવી. તેમ છતાં તમારી અપેક્ષાઓ એ છે કે તમને ખુદાની જન્નતમાં જગ્યા મળે. તેના રસુલ સ.અ.વ. નો પાડોશ નસિબ થાય અને તેના અઝાબથી સુરક્ષિત રહો.”
“એ ખુદા પાસે આશા રાખનારાઓ! મને ભય છે, કયાંક ખુદાનો અઝાબ તમારી ઉપર ન ઉતરે કારણ કે તમને ખુદાની તરફથી ઈઝઝત અને મોટાઈ નસિબ થઈ છે, પરંતુ જેઓ ખુદાને ઓળખે છે, તમે તેનું સન્માન નથી કરતા જ્યારે તમે સમાજમાં ખુદાનાજ કારણે મોભો ધરાવો છો.”
એ કેટલી દુ:ખદાયક બીના છે કે લોકો દીનના કારણે સન્માનીત થયા હોય તેઓજ દીનનું સન્માન નથી કરતા. વાતને જરા તે દ્રષ્ટિથી પણ વિચારો કે આપણી ઈઝઝત ઈમામ હુસયન અ.સ. ના કારણે છે. ઈન્સાનીયતનો તકાઝો તો એ છે કે આપણે આપણા કાર્યો દ્વારા ઈમામ હુસયન અ.સ. ના સંદેશાનું માન જાળવીએ. પરંતુ આપણે કાર્ય અને અનુસરણના ક્ષેત્રમાં સંપૂર્ણ સુસ્ત ગતીએ ચાલીએ છીએ અને આશાઓ અને અપેક્ષાઓમાં તેજ ગતીએ દોડીએ છીએ.
ખુદાના વચનનો વિનાશ અને અમારી ચુપકીદીઃ
ઈમામ હુસયન અ.સ. ફરમાવે છેઃ “તમે લોકો જોઈ રહ્યા છો કે અલ્લાહના વચન અને વાયદાને તોડવામાં આવી રહ્યા છે, પરંતુ તમને તેની કાંઈજ પરવા નથી. પરંતુ જો તમારા ખાનદાન અને વડવાઓના વચન અને કરારનો ભંગ થાય તો તમે ફરિયાદ કરો છો. જ્યારે કે તમે રસુલે ખુદા સ.અ.વ. સાથે જે વાયદો અને કરાર કર્યા તેનો નાશ કરી નાખ્યો છે.”
એટલે કે જ્યારે માનવીના પોતાના હકની વાત થાય છે ત્યારે કાગારોળ કરી મુકે છે. પરંતુ જ્યારે ખુદા અને રસુલ સ.અ.વ. નો હક પામાલ થાય છે ત્યારે ખામોશ તમાશો જોનાર બની જાય છે. જ્યારે રીત રિવાજને અનુસરવામાં નથી આવતા ત્યારે કેટલું ખરાબ લાગે છે. ખુદાના હુકમનો નાશ થઈ જાય તો કાંઈ વાંધો નહી પરંતુ રીત રિવાજને આંચ ન આવવી જોઈએ.
આ બધું શા માટે થઈ રહ્યું છે? તેનો જવાબ હઝરત ઈમામ હુસયન અ.સ. ખુત્બામાં આ રીતે મળે છે “આ બધું એ કારણે છે કે તમે મૃત્યુથી ભાગી રહ્યા છો અને દુનિયાની જીંદગીના મોહમાં છો. પરંતુ આ દુનિયાનું જીવન એક દિવસ તમારી પાસેથી જુદું થઈ જશે.” (તોહફુલ ઓકુલ, પા. 168)
“કોણ આ મામલામાં પડે. ચુપ રહેવું જ વધું સારૂં છે.” આ પ્રકારના વાકયો ઈમામ હુસયન અ.સ. ના મંતીક (બુઘ્ધી પૂર્વકની દલીલ) થી વિરૂધ્ધ છે.
મોતનો ભય અને અલ્પ જીવનનો મોહ માનવીને ઘણી જવાબદારીઓ માંથી ચલિત કરી દે છે.
ઈમામ હુસયન અ.સ. ના ઉપરના વાક્યો ઉપર ગંભીરતા પૂર્વક વિચાર કરીએ અને વારંવાર વાંચીએ અને કોશીશ કરીએ કે આપણી ગણતરી આ વાક્યોના અર્થમાં ન હોય.
હઝરત ઈમામ જઅફરે સાદિક અ.સ. એ ફરમાવ્યુઃ ખુદાવંદે આલમ જેને નેકી અતા કરવા ચાહે છે તેના દિલમાં ઈમામ હુસયન અ.સ. ની મોહબ્બત અને તેમની ઝીયારતની મોહબ્બત રોપી દે છે. (વસાએલ 388-10, બેહાર ભા. 101, પા. 76, કામેલુઝ ઝીયારત પા. 142)
અને ઈમામ હુસયન અ.સ. ની સૌથી ટુંકી ઝીયારત આ છેઃ
“અસ્સલામો અલયક યા અબા અબ્દિલ્લાહે, અસ્સલામો અલયક વરહમતુલ્લાહે વ બરકાતોહ.”
(મફાતીહુલ જીનાન)
Comments (0)