અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ
અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ
પ્રવર્તમાન યુગના એક ફાઝિલ (વિદ્વાન) અબ્દુલ ગફાર સાહેબે ૨૧ જુન ૧૯૯૩ના દૈનિક “હિન્દુસ્તાન”માં “ઈસ્તેકબાલે અઝા” (અઝાનું સ્વાગત)ના વિષય ઉપર કેટલાક એઅતેરાઝ પ્રસિધ્ધ કર્યા છે. એ વાત શકય છે કે આ વિષયના એક તરફી અભ્યાસના કારણે તેઓને ગેરસમજણમાં મૂકી દીધા હોય. અમારા માટે જરૂરી થઈ પડયું છે કે તેઓની આ ગેરસમજણનું નિવારણ કરીએ.
તેઓ જનાબનાં પાંચ પ્રશ્નો ઉપર આધારિત એઅતેરાઝ નીચે પ્રમાણે છે.
(૧) “ઈન્ન – લ – કતલલ – હુસયને – હરારતુન – ફી – કોલુબીલ – મૂઅમેનીન – લા – તબરદો – અબદા”.
આ હદીસ રસુલે ખુદા (સ.અ.વ.)ની છે તેની સનદ (અધિકૃતતા – સંદર્ભ) શું છે?
(૨) ઈમામ હુસયન (અ.સ.)ની વિલાદત પહેલા અંબિયા (નબીઓ) (અ.મુ.સ.) ની અઝાદારી કરવી અર્થહીન છે.
(૩) ઈસ્લામના પાયાના સિધ્ધાંતો નમાઝ, રોઝા, હજ વગેરે છે. ઈસ્લામનું અસ્તિત્વ આ બધા હુકમોનું પાલન કરવામાં છે. ઈમામ હુસયન (અ.સ.)ની અઝાદારી એ ઈસ્લામનું અસ્તિત્વ બાકી રહેવાનો આધાર નથી.
(૪) ઈમામ હુસયન (અ.સ.)ની અઝાદારી અને માતમ હરામ છે.
(૫) અઝાદારી અને માતમે હુસૈન (અ.સ.) કરવાનો દીન સાથે કોઈજ સંબંધ નથી – આલીમોની સુન્નતનું અનુસરણ નહીં, પણ કુરઆન અને હદીસનું અનુસરણ કરવું ઈન્સાન માટે જરૂરી છે.
હવે અમે ઉપરોકત એઅતરાઝના જવાબ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેથી અઝાદારીની બુનિયાદ નાના મોટા દરેકને સ્પષ્ટ રીતે સમજાય જાય અને અઝાદારીની સુન્નત તેમજ માતમ કરવા અંગેની મોઅતબર રિવાયતો ન જાણવા અને ગફલતના કારણે આ મહત્વનું કાર્ય ભૂલાવી ન દેવાય.
(૧) પહેલા એઅતેરાઝનો જવાબ
ઈન્ન – લ – કત્લાલ – હુસયને – હરારતુન – ફી કોલૂબિલ – મોઅમેનીન – લા – તબરદો – અબદા.
(શહાદતે ઈમામ હુસયન (અ.સ.)થી મોઅમિનોના દિલોમાં એ હરારત (ગરમી પૈદા થઈ) છે જે કયારેય ઠંડી નહીં થાય.)
આ લાંબી હદીસનો એક ભાગ છે. આ હદીસ ઈમામ જઅફર સાદિક (અ.સ.)એ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)થી નોંધી છે. આખી હદીસનું લખાણ નીચે પ્રમાણે છે.
ઈમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું: એક વખત જ્યારે હઝરત ઈમામ હુસયન (અ.સ.) આવી રહ્યા હતા ત્યારે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ તેઓ ઉપર દ્રષ્ટિ કરી અને તેઓને પોતાના દામનમાં લઈને ફરમાવ્યું: શહાદતે ઈમામ હુસયન (અ.સ.)થી મોઅમિનોના દિલોમાં એ હરારત (ગરમી) પૈદા થશે જે કયારેય ઠંડી નહીં પડે. પછી ફરમાવ્યું: મારા મા-બાપ તેઓ ઉપર ફીદા થાય જેઓ ગીર્યા ઝારીના ઉદ્ભવસ્થાન છે. લોકોએ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને પુછયુઃ “કુશ્ત એ ગીર્યા વ ઝારી” (કત્લ થવા પર રૂદન) અર્થ શું થાય? ત્યારે રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું: કોઈપણ મોઅમિન તેઓને ગીર્યા અને ઝારી સિવાય યાદ નહીં કરે.
ઉપરની હદીસે શરીફને આઠમી સદી હીજરીમા મશહુર દાનીશમંદ જનાબ શમસુદ્દીન મોહંમદ આમેલીએ (ઈન્તેકાલ ૭૮૬ હીજરી) જેઓને શૈખ મોહમ્મદ બિન યુસુફ કરશી શાફેઈએ “મજમઉલ મનાકિબ વલ કમાલાત વ જામેએ ઉલૂમે દુનિયા વ આખેરત”નો લકબ આપ્યો છે, તેઓએ પોતાની કિતાબ “મજમૂઅહ”માં શૈખ અબૂ અલી મોહંમદ બિન અબીબકર હુમામ બિન સુહૈલ કાતિબે અસ્કાની (ઈન્તેકાલ ૩૩૬ હીજરી) જેઓ ત્રીજી સદી હિજરીના મશહુર આલિમે એહલે સુન્નત મુહદ્દીસ અબ્દુલ રઝઝાકના શાર્ગીદ છે, તેમની કિતાબ “અલ અનવાર”થી નોંધી છે. આ હદીસના રાવી એહમદ બિન અબી હરાસેહ બાહેલીએ ઈબ્રાહીમ બિન ઈસ્હાકથી, તેઓએ હમ્માદ બિન ઈસ્હાક અન્સારીથી તેઓએ ઈબ્ને સનાનથી અને તેઓએ ઈમામે સાદિક (અ.સ.)થી રિવાયત કરી છે.
અમારા મોહતરમ બિરાદર જનાબ અબ્દુલ ગફફાર સાહેબને આ હદીસે આશ્ચર્યમાં ડૂબાડી દીધા. પરંતુ આ હદીસનું સમર્થન બુખારીએ “અલ અદબુલ મુફરદ”માં અને ઈબ્ને માજહે તેમની “સોનન”ના બાબે ફઝાઈલે અસ્હાબે રસુલે ખુદા (સ.અ.વ.)માં, તીરમીઝીએ પોતાની “સોનન”ના બાબે મનાકિબે ઈમામે હસન ઔર ઈમામે હુસૈન (અ.સ.)માં, હાકીમે પોતાની મુસ્તદરક જીલ્દ ૩, પાના નં. ૭૭ ઉપર અને એહમદ બિન હમ્બલે પોતાની મસ્નદ ભાગ ૪ ના પાના નં. ૧૭૨ ઉપર કરી છે. આ ઉપરાંત બીજા ઘણા બુઝુર્ગ હદીસ વેત્તાઓ યઅલી બિન મર્રહ અને જાબિર બિન અબ્દુલ્લાહ (રઝ) થી નોંધ્યું છે કે: રસુલે ખુદા સ.અ.વ એ પોતાના અસ્હાબની સાથે એક દાવત, (જમવાના નિમંત્રણ)માં જઈ રહ્યા હતા. રસ્તામાં આપે ઈમામ હુસૈન (અ.સ.)ને જોયા. જેઓ (અ.સ.) બીજા બાળકો સાથે રમી રહ્યા હતા. રસુલે ખુદા (સ.અ.વ.) ખૂબજ ઝડપથી આગળ વધ્યા. તેઓ ઈમામ હુસૈન (અ.સ.)ને ઉંચકી લેવા માગતા હતા. પરંતુ ઈમામ હુસયન (અ.સ.) હસતાં હસતાં આગળ પાછળ દોડવા લાગ્યા. આ જોઈને રસુલે ખુદા (સ.અ.વ.)ને પણ હસવું આવી ગયું. આપને આનંદ થયો. છેવટે આપ (સ.અ.વ.)એ હ. ઈ. હુસયન (અ.સ.)ને પકડી લીધા અને પોતાના હાથોમાં લઈને તેઓને ચૂંબન કર્યું અને ફરમાવ્યું: “હુસયન મારાથી છે અને હું હુસયનથી છું. ખુદાવંદે મુતઆલ એ (લોકો)ને દોસ્ત રાખે છે જેઓ હુસયન (અ.સ.)ને દોસ્ત રાખે. હુસયન મારા નવાસાઓ પૈકી એક નવાસા (દોહીત્ર) છે.”
(૨) બીજા એઅતેરાઝનો જવાબ
બીજા એઅતેરાઝમાં કહે છે કે ઈમામ હુસયન (અ.સ.)ની વિલાદત અને શહાદત પહેલા નબીઓએ અઝાદારી અને માતમ કેવી રીતે કર્યુ?
ઉપરનો એઅતેરાઝ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે અબ્દુલ ગફાર સાહેબ ઈલાહી પયગંબરોને સામાન્ય માણસો જેવા સમજે છે અને તેમની માન્યતા એવી છે કે ખુદાના પયગંબરો ભવિષ્યમાં બનનારા બનાવોથી બેખબર હોય છે. હકીકત એ છે કે ખુદા તરફથી તેઓને ઈલ્મ આપવામાં આવ્યું હતું, જેથી તેઓ ભવિષ્યમાં બનનારા બનાવો વિશે જાણતા હતા. ભવિષ્યમાં બનનારી ખુશી અને આનંદની ઘટનાઓથી તેઓ ખુશ થતા અને ભવિષ્યમાં બનનારી કરૂણ અને હૃદયદ્રાવક ઘટનાઓ તેઓને ઉદાસ અને ગમગીન બનાવી દેતી.
મુતવાતીર હદીસો એ વાતને સમર્થન આપે છે કે: હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ઈમામ હુસયન (અ.સ.)ની શહાદત ઉપર ગીર્યા રૂદન કર્યું હતું. હકીકતમાં એ રૂદન વાકએ કરબલાની પહેલા હતું.
દસમી સદી હીજરીના મશહુર બુઝુર્ગ આલિમ જનાબ અલ્લાઉદ્દીન મુત્તકી હિન્દીએ તેમની કિતાબ “કન્ઝુલ ઉમ્માલ”માં ઈબ્ને અબી શૈબાની કિતાબ “અલ મુસનફ”ના હવાલાથી રસુલે ખુદા (સ.અ.વ.)ના પત્ની જનાબે ઉમ્મે સલમા (રઝ.) થી રિવાયત કરી છે, આપ ફરમાવે છે કે: હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પાસે હ. ઈમામ હુસયન (અ.સ.) એ વખતે તશરીફ લાવ્યા જ્યારે હું દરવાજા પાસે બેઠી હતી. મેં જોયું કે રસુલે ખુદા (સ.અ.વ.)ની હથેળીમાં કોઈ વસ્તુ છે અને આપ તે વસ્તુ હલાવી રહ્યા છે અને રૂદન કરી રહ્યા છે. એ વખતે ઈમામ હુસયન (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ની ગોદમાં સૂતા હતા. મેં તેઓ (સ.અ.વ.)ને એ વિશે પૂછયું: પયગંબરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું: બેશક જીબ્રઈલ મારા માટે એ જમીનની માટી લાવ્યા, જે જમીન ઉપર હુસયનને કત્લ કરવામાં આવશે અને મને ખબર આપી કે મારી ઉમ્મત તેઓને કત્લ કરશે. (કન્ઝુલ ઉમ્માલ, ભાગ ૬, પાના નં. ૧૦૬)
આઠમી સદી હિજરીના બુઝુર્ગ આલીમ હાફીઝ નુરૂદ્દીન હયશમી શાફેઈએ તીબરાનીના હવાલાથી હ. રસુલે ખુદા (સ.અ.વ.)ના પત્ની જનાબે આયેશાથી આ પ્રમાણે રિવાયત નોંધી છે. હુસૈન બીન અલી (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ની ખીદમતમાં એ વખત હાજર થયા જ્યારે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર વહી નાઝીલ થતી હતી. હુસયન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની પીઠ અને ગરદન ઉપર સવાર થઈ ગયા. જીબ્રઈલે (રસુલે ખુદા સ.અ.વ.ને) પુછયું: શું આપ એમને (ઈમામ હુસયન અ.સ.)ને દોસ્ત રાખો છો? રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારા ફરઝંદને દોસ્ત કેમ ન રાખું? જીબ્રઈલે અર્ઝ કરી નિસંશય, આપના પછી, આપની ઉમ્મત એમને (હ. ઈ. હુસૈનને) કત્લ કરી નાખશે. આ પછી જીબ્રઈલે પોતાનો હાથ લંબાવ્યો અને રસુલે ખુદા (સ.અ.વ.)ને સફેદ માટી આપીને ફરમાવ્યું: આ જમીન ઉપર આપના ફરઝંદને કત્લ કરવામાં આવશે. એ જમીનનું નામ “તુફ” છે. જીબ્રઈલના ગયા પછી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) બહાર આવ્યા. આપ (સ.અ.વ.)ના હાથમાં એ માટી હતી અને આપ રૂદન કરી રહ્યા હતા. અને ફરમાવી રહ્યા હતા કે: અય આયશા, જીબ્રઈલે મને ખબર આપી છે કે મારા હુસયન (અ.સ.)ને “સરઝમીને તુફ” ઉપર કત્લ કરવામાં આવશે. મારા પછી મારી ઉમ્મત કસોટીમાંથી પસાર થશે. ત્યાર પછી રસુલે ખુદા (સ.અ.વ.) રૂદન કરતાં કરતાં બહાર પોતાના અસ્હાબ પાસે તશરીફ લાવ્યા. તે વખતે હઝરત અલી (અ.સ.), હઝરત અબૂ બકર, હઝરત ઉમર, હ. હોઝયફા, હ. અમ્માર અને હ. અબુઝર ત્યાં મૌજુદ હતા. તે હઝરાતે પુછયું: અય રસુલે ખુદા (સ.અ.વ.) આપના રૂદનનું કારણ શું છે? આપે ફરમાવ્યું: જીબ્રઈલે મને ખબર આપી છે કે મારા ફરઝંદ હુસયન (અ.સ.)ને મારી પછી સરઝમીને તુફ ઉપર કત્લ કરવામાં આવશે અને તેઓ મારા માટે એ માટી લાવ્યા અને ફરમાવ્યું કે આ માટી તેઓની કબ્રની જગ્યાની છે. (મજમઉઝ ઝવાએદ, ભાગ-૯, પા. ૧૮૭)
મોહદ્દીસે બુઝુર્ગ હાકીમ નૈશાપુરીએ જનાબ ઉમ્મે ફઝલથી એક રિવાયત નોંધી છે કે ઉમ્મે ફઝલે એક સ્વપ્ન જોયું કે રસુલે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર શરીરનો એક ભાગ જુદો પડીને તેમના (ઉમ્મે ફઝલના) દામનમાં પડયો. સ્વપ્નનું વર્ણન તેમણે રસુલે ખુદા (સ.અ.વ.) સમક્ષ કર્યુ: રસુલે ખુદા (સ.અ.વ.)એ તેમને ફરમાવ્યું: તમે ઘણું સારૂં સ્વપ્નું જોયુ છે. ઈન્શાઅલ્લાહ જનાબે ફાતેમા (સ.અ.)ને ત્યાં એક બાળકનો જન્મ થશે અને તે બાળક તમારી ગોદમાં ઉછરશે. જનાબે ઉમ્મે ફઝલ ફરમાવે છે કે: જનાબે ફાતેમા (સ.અ.)ની કૂખથી ઈમામ હુસયન (અ.સ.)નો જન્મ થયો અને રસુલે ખુદા (સ.અ.વ.)ના કૌલ (કહેવા) મુજબ તે બાળક મારી ગોદમાં આપવામાં આવ્યું. તે પછી એક દિવસ હું રસુલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થઈ અને હઝરત ઈમામ હુસયન (અ.સ.)ને તે હઝરત (સ.અ.વ.)ની ખિદમતમાં રજુ કર્યા. રસુલે ખુદા (સ.અ.વ.)એ મને જોઈ તે વખતે તેઓ (સ.અ.વ.)ની આંખોમાં અશ્રુ હતા. મેં (ઉમ્મે ફઝલે) અર્ઝ કરી. અય પયગંબરે ખુદા (સ.અ.વ.) મારા મા-બાપ આપ ઉપર કુરબાન, આપને શું થયું છે? આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારી પાસે જીબ્રઈલ તશરીફ લાવ્યા અને મને ખબર આપી કે મારી ઉમ્મત મારા આ ફરઝંદને કત્લ કરી નાખશે. મેં પૂછયું: આ ફરઝંદને? ફરમાવ્યું: હા, અને જીબ્રઈલ મારા માટે લાલ રંગની માટી પણ લાવ્યા. (મુસ્તદરકે હાકિમ, ભાગ ૩, પાના નં. ૧૭૬)
શું ઉપરની ત્રણેય રિવાયતો એ વાતની સાબિતિ માટે પૂરતી નથી કે અંબિયા-એ-કેરામ, ખાસ કરીને રસુલે ખુદા (સ.અ.વ.) ખુદાએ આપેલા ઈલ્મથી શહાદતે ઈમામે હુસયન (અ.સ.) વિશે (અગાઉથી) માહિતગાર હતા અને તેઓ તેમની મુસીબત ઉપર ગમગીન થયા તેમજ રૂદન વિલાપ કર્યો.
(૩) ત્રીજા એઅતેરાઝનો જવાબ
એ વાતમાં કોઈ શંકા નથી કે નમાઝ, રોઝા, ઝકાત, હજ વગેરે બાબતો દીને ઈસ્લામના સર્વ સ્વીકૃત મહત્વના કાર્યો છે. કોઈપણ મુસલમાન આ બાબતોનો ઈન્કાર કરી શકતો નથી. પરંતુ શું એવી બાબતો કે જેનો સંબંધ એઅતેકાદથી અથવા દિલથી માનવા સાથે છે તેવી બાબતો જેમકે ખુદાનું એક હોવું (તૌહીદ) હઝરત ખતમી મરતબતની રિસાલત, ખુદા, રસુલે ખુદા અને એહલેબયતે રસુલે ખુદાની મોહબ્બત પણ અમલી વાજીબાત છે. શું આ બધી બાબતોનો મરતબો અમલી ઉસૂલે ઈસ્લામ કરતા ઉંચો નથી? કુરઆન અને રિવાયત એ વાતની સાક્ષી પૂરે છે કે ઈમાનને અમલ ઉપર અગ્રતા આપવામાં આવી છે. નેક અમલ કબુલ થવાની શર્ત, સહીહ (સાચું) ઈમાન, ખુદા પયગંબરો અને કયામત પરનો સાચો અકીદો હોવો, શીર્ક અને કુફ્રનો ઈન્કાર કરવો, ઈસ્લામના દુશ્મનો સાથે દુશ્મની રાખવી. ખુદા, પયગંબરો અને એહલેબયતે પયગંબર (સ.અ.વ.) સાથે મોહબ્બત રાખવી આ બધી બાબતો ભેગી મળીને સંપૂર્ણ ઈમાન બને છે. અમલે સાલેહ (નેક અમલ) ઈમાનને સંપૂર્ણ કરનાર અને તેને બુલંદ મરતબા સુધી પહોંચાડનાર છે.
એહલે સુન્નત વલ જમાતના બુલંદ મરતબાવાળા આલીમ અલાઉદ્દીન મુત્તકી હિન્દીએ તેઓની કિતાબ કન્ઝુલ ઉમ્માલમાં બુઝુર્ગ ઈતિહાસકાર અને મોહદ્દીસે એહલે સુન્નત ઈબ્ને અસાકીરના હવાલાથી હઝરત અલી (અ.સ.)થી રિવાયત કરી છે કે આપે ફરમાવ્યું કે: રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યુઃ “અય અલી ઈસ્લામ નગ્ન છે, તેને છૂપાવનાર તકવા છે, તેનો પોશાક હિદાયત છે, તેની શોભા હયા, (શરમ) છે તેનો સ્તંભ પરહેઝગારી છે અને તેનો પાયો અમલે સાલેહ છે. ઈસ્લામની બુનિયાદ મારી મોહબ્બત અને મારી એહલેબય્ત (અ.મુ.સ.)ની મોહબ્બત છે. (કન્ઝુલ ઉમ્માલ, ભાગ ૧૩, પાના નં. ૯૦ અને ભાગ ૬, પાના નં. ૨૧૮)
ઈમામુલ મોહદ્દેસીન એહમદ બિન હમ્બલ રસુલે ખુદા (સ.અ.વ.)થી એક રિવાયત નોંધે છે કે જેમાં આપે આપના ચચાઝાદ / પિતરાઈ ભાઈ મતલુબ બિન રબીયહને સંબોધન કરતા ફરમાવ્યું: ખુદાની કસમ, કોઈ મુસલમાનના દિલમાં ઈમાન પ્રવેશ નહીં પામે જ્યાં સુધી કે તે ખુદા (ની ખુશી) માટે અને મારી સાથે મેળ મિલાપ (મૈત્રી) રાખવા માટે મારી એહલેબય્ત (અ.સ.) સાથે દોસ્તી (વ્યકત) ન કરે. (મુસનદે એહમદ, ભાગ-૩, પાના નં. ૨૦૧)
ઉચ્ચકક્ષાના હદીસવેત્તા, હાફીઝ જલાલુદ્દીન સુયુતી એ તબરાનીના હવાલાથી રસુલે ખુદા (સ.અ.વ.)થી હદીસ નોંધી છે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: અમારી એહલેબય્ત (અ.સ.) સાથે મોહબ્બત જાળવી રાખો જેઓ અમારી સાથે દોસ્તી રાખતા હોય તેવી હાલતમાં ખુદા સાથે મુલાકાત કરે તો તેઓ અમારી શફાઅતને કારણે બેહીશ્તમાં દાખલ થશે. એની કસમ, જેના કબ્ઝએ કુદરતમાં મારી જાન છે, અમો એહલેબય્તના હકની ઓળખ સિવાય કોઈપણ પોતાના અમલથી રાહે હક નહીં મેળવી શકે. (અહયાઉલ મય્યત, હદીસ નં. ૧૮)
આ રીતે જો દીનના સ્તંભ નમાઝ, રોઝા, હજ અને બીજી દીની વાજીબાતો છે, તો આ સ્તંભનો પાયો અને બુનિયાદ ઈમાન અને એઅતેકાદ છે અને તેના અનુસંધાને મોહબ્બતે એહલેબય્ત આવે છે અને ઈમામે હુસયન (અ.સ.) કોઈપણ શક કે સંદેહ વગર રસુલે ખુદા (સ.અ.વ.)ના એહલેબય્તમાંથી છે. તેથી તે હઝરત (અ.સ.) સાથે મોહબ્બત, તેઓ સાથે દિલી લગાવ અને તેઓ સાથે દોસ્તીનું એલાન મુતવાતીર હદીસો પ્રમાણે દીનની બુનિયાદ અને ઈમાનની જરૂરી અને અનિવાર્ય શરત ગણવામાં આવી છે.
હવે અમે સવાલ કરીએ છીએ કે: જો કોઈ વ્યકિત કુરઆન અને દીનના બંધારણ મુજબ ઈમામ હુસયન (અ.સ.)ને દોસ્ત રાખે અને પોતાના દિલમાં ઉંડાણથી એ હઝરત (અ.સ.) સાથે મોહબ્બત રાખે તો શું એ શકય છે કે, તેવી વ્યકિતએ હઝરત (અ.સ.)ની મુસીબતો પર અઝાદાર ન બને?
તેથી અમે એમ કહીએ છીએ કે નમાઝ, રોઝા, હજ, ઝકાત, દીનના સ્તંભ છે અને તે બજાવવાથી જ ઈસ્લામ બાકી રહેશે. રિવાયતના વિવરણથી એ વાત સાબિત થાય છે એહલેબય્ત (અ.મુ.સ.) સાથે સંપૂર્ણ રીતે મોહબ્બત રાખવી, મોહબ્બતે ઈમામ હુસૈન (અ.સ.) ને તેમની મુસીબતો ઉપર અઝાદારી કરવી જે મોહબ્બતે એહલેબય્ત (અ.સ.)ની એક શાખા છે તે – ઈસ્લામની બુનિયાદ અને પાયો છે અને તેને કાયમ રાખવી એ ઈસ્લામને કાયમ રાખવા સમાન છે.
(૪) ચોથા એઅતેરાઝનો જવાબ
આ એઅતેરાઝના જવાબની સ્પષ્ટતા આગળના જવાબમાં આવી જાય છે કારણકે ખુદાવંદે મુતઆલ સુરએ શૂરાની ૨૩મી આયતમાં ફરમાવે છે:
(અય રસુલ) તું કહી દે કે હું તો આ (રિસાલતના પ્રચાર) માટે તમારી પાસે મારા નઝદીકના સગાવ્હાલા (એહલેબય્ત અ.સ.)ની મોહબ્બત સિવાય કંઈ મહેનતાણું માગતો નથી.
કુરઆને મજીદની ઉપરની આયત પ્રમાણે મોહબ્બતે એહલેબય્ત (અ.સ.) પયગંબર (સ.અ.વ.) અને તેમાં હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની મોહબ્બત ખુદાના હુકમ પ્રમાણે વાજીબ છે, અને મોહબ્બતની શ્રેષ્ઠ અભિવ્યકિત, મેહબુબની ખુશીમાં ખુશ થવું અને તેની મુસીબતોમાં ગમ અને ઉદાસી વ્યકત કરવી તે છે. આથી એ દરેક મુસલમાન જે કુરઆને મજીદના સૂરએ શૂરાની આયત નં. ૨૩ ઉપર શ્રધ્ધા ધરાવતા હોય તેઓ ઉપર ઈમામ હુસયન (અ.સ.)નો ગમ અને માતમ જરૂરી અને વાજીબ (અનિવાર્યપણે આવશ્યક) છે.
વાસ્તવમાં એ આશ્ચર્યજનક વાત છે કે એક મુસલમાન નસ્સે કુરઆન અને રિવાયતની વિરૂધ્ધ જવાની હિંમત કેમ કરે છે? (આ લેખમાં એ રિવાયતો પૈકીની કેટલીક રિવાયતોનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ પ્રસ્તુત છે.) જે રિવાયતમાં ઈમામ હુસયન (અ.સ.) અને એ હઝરત (અ.સ.)ની અઝા જે દરેક મુસલમાનના ઈમાનનો ભાગ છે તેને હરામ કેમ ગણે છે? મને એ વાતનું પણ આશ્ચર્ય થાય છે કે એવી વ્યકિત કયામતના દિવસે રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમની એહલેબય્ત (અ.સ.)ની સામે કેવી રીતે આવી શકશે અને તેઓની મદદ અને શફાઅતની અપેક્ષા કઈ રીતે રાખી શકશે?
શું કુરઆને મજીદમાં હઝરત યાકૂબ (અ.સ.)નો બનાવ મૌજુદ નથી? જનાબે યાકૂબ (અ.સ.) પોતાના ફરઝંદ હ. યુસુફ (અ.સ.)ના વિયોગમાં એક મુદ્દત સુધી રૂદન કરતા રહ્યા. એટલે સુધી કે આપની આંખો સફેદ થઈ ગઈ હતી. વાસ્તવમાં, હ. યુસુફ (અ.સ.) પ્યાસથી બેહાલ થયા ન હતા કે ન તો તેમને બદતરીન રીતે કત્લ કરવામાં આવ્યા હતા, ન તો એમના ફરઝંદ એમના પોતાના હાથ પર કત્લ કરવામાં આવ્યા હતા, ન તો તેઓના પવિત્ર શરીરને ઘોડાઓના ડાબલાઓથી પાયમાલ કરવામાં આવ્યું હતું: ન તો તેમની સ્ત્રીઓ અને બાળકોને કૈદી બનાવવામાં આવ્યા હતા અને ન તો તેમના ખયમાઓને આગ લગાડવામાં આવી હતી.
બિરાદરે અઝીઝ, જનાબ અબ્દુલ ગફફાર સાહેબ! હવે આપજ કહો કે: સુન્નતે જનાબે યાકૂબની પૈરવી કરીને ગમે હુસયન (અ.સ.)માં કેટલું રૂદન કરીએ?
ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત થવા પહેલા, રસુલે ખુદા (સ.અ.વ.)એ ઘણી વખત રૂદન કર્યુ છે પયગંબરે અકરમ (સ.અ.વ.)ની વફાત પછી જનાબે ફાતેમા ઝહેરા સ.અ.એ એટલો બધો વિલાપ કર્યો હતો કે: ઈબ્ને સઅદની રિવાયત પ્રમાણે કોઈએ તેઓને એક પણ દિવસ સ્મિત કરતા જોયા ન હતા.
ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) અલી બિન હુસયન (અ.સ.) તેમના પિતા, (હ. ઈ. હુસયન અ.સ.)ની શહાદત પછી જીવનભર રડતા રહ્યા હતા. જ્યારે કોઈ ઘેટાને હલાલ કરી તેનું માથું ધડથી જુદું કરતું ત્યારે આપ બેહદ રૂદન કરતા અને ફરમાવતા કે: મારા પિતાનું માથુ યઝીદીઓએ આવી રીતે જુદુ કર્યુ હતું.
હવે અમે બિરાદરે મુકર્રમ જનાબ અબ્દુલ ગફફાર સાહેબને પ્રશ્ન કરીએ છીએ કેઃ (ઉપર જણાવેલ વિગત મુજબ) અઝા અને માતમ જે સુન્નતે ઈસ્લામી, સુન્ને રસુલે ખુદા (સ.અ.વ.), સુન્ને જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.), સુન્નતે ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.) અને સુન્ને જનાબે યાકૂબ (અ.સ.) છે, તેને માત્ર આપ સાહેબના ફત્વાનું અનુસરણ કરીને અઝા અને માતમને છોડી દઈએ અને મસાએબે ઈમામ હુસયન (અ.સ.) પર રૂદન ન કરીએ. તેમના અઝાદાર ન થઈએ અને તેઓ ઉપર માતમ ન કરીએ?
(૫) પાંચમા એઅતેરાઝનો જવાબ
ઉપરોકત બાબતો ઈમામ હુસયન (અ.સ.)ની અઝાદારીની હકીકત અને જાણકારી સાબિત કરવા માટે પુરતી છે. તેમજ દીનને શંકા અને સંદેહથી મુકત કરે છે, આથી અઝાએ ઈમામે હુસયન (અ.સ.)એ એવી સુન્નત છે જેની સરહદ કુરઆન અને સુન્નત સાથે મળેલા છે અને તે અધિકૃત હોવાનું સમર્થન ઈસ્લામના મહાન આલિમોએ કર્યુ છે. તેથી આ સુન્નતને ભૂલાવી દઈને અઝાએ ઈમામે હુસયન (અ.સ.)નું આયોજન ન કરવું એ અવળાઈની નીશાની અને ઈમાન વિશેની અવળી વિચારધારાની નિશાની છે. મોહબ્બતે એહલેબય્ત (અ.મુ.સ.) ન હોવી એ દીનના બંધારણ અને કુરઆનની વિરૂધ્ધની બાબત છે અને રસુલે ખુદા (સ.અ.વ.) (ના ઈમામ હુસયન અ.સ. પર રૂદન કરવું) ની સુન્નતની વિરૂધ્ધ બાબત છે. ઈમામે હુસયન (અ.સ.)નું માતમ કરવું દીનની પૈરવી, નબીએ અકરમ (સ.અ.વ.)ની પૈરવી અને અરબાબે ઈમામના બંધારણની પૈરવી છે. આ બધી બાબતો જુદી જુદી નથી.
અંતમાં, અમે બિરાદરે મોહતરમ જનાબ અબ્દુલ ગફફાર સાહેબને દરખાસ્ત કરીએ છીએ કે કોઈપણ દીની મસઅલામાં જ્યાં સુધી તટસ્થ રીતે ખાત્રી ન કરવામાં આવે ત્યાં સુધી કોઈનું આંધળુ અનુસરણ કરવું ન જોઈએ. એમ કરવાથી તમામ કાર્યો નિરર્થક બની જવાનો સંદેહ રહેશે. એહલે સુન્નત વલ જમાઅતની અધિકૃત કિતાબો, જેમકે “મકતલે હુસયન” મુસન્નફ (લેખક) અખતબે ખોતબા, મોવફફીક બિન અહમદ ખ્વારઝમી હનફી, “કુર્રતુલ અયન ફીલ બુકાઅ અલલ હુસયન” મુસન્નફ (લેખક) મોહમ્મદ મુબીન તત્વ હનફી, “સવાદુલ અયન ફીરસાઈલ હુસયન” મુસન્નફ (લેખક) અબૂબકર હઝરમી શાફેઈ, “ફસલ તરજુમા અલ ઈમામુલ હુસયન અઝ તારીખ દમીશ્ક” મુસન્નફ (લેખક) ઈબ્ને અસાકિર અને બીજી કિતાબો તથા લેખોનો અભ્યાસ કરવા વિનંતી છે.
એક દીની હકીકત એટલે કે અઝાએ ઈમામે હુસયન (અ.સ.)નો ઈન્કાર કરીને એહલેબય્ત (અ.સ.)ના દુશ્મનોની હરોળમાં શામેલ થઈને મુસ્લિમોની એકતામાં આડખીલી ઉભી ન કરવી જોઈએ.
યાદ રાખો, કયામતના દિવસના અત્યંત મુશ્કેલ સ્થાનોમાં આ ફતવા અને ફેંસલા સફાઈ પ્રસ્તુત કરે છે. યાદ રાખો જે કોઈ જાણી જોઈને આવા ફત્વા અને ફેંસલા પ્રસ્તુત કરે તેને કયામતના દિવસના અત્યંત મુશ્કેલ સ્થાનોમાં તેનો બચાવ પ્રસ્તુત કરવાનો છે. એ પણ યાદ રાખજો કે સિહાહે સિત્તામાં હદીસો મૌજુદ છે કે કયામતમાં ખુદાના ફરિશ્તાઓ રસુલે ખુદા (સ.અ.વ.)ના અમુક અસ્હાબને હૌઝે કૌસર પર પહોંચ્યા પછી ત્યાંથી એ કારણોસર પાછા વાળી દેશે કે તેઓએ એહલેબૈતે રસુલે ખુદા (સ.અ.વ.)નો હક અદા કર્યો ન હતો.
અલ્લાહુમ્મ – અસમના – શરૂર – અનફોસેના
વલા – તજઅલ – મોસીબતેન – ફી – દીનેના.
Comments (0)