એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં

એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં

મોહીબ્બાને એહલેબય્ત (અ.સ.)ના દિમાગમાં “શામ” શબ્દ સાંભળતાની સાથે જ ઈમામે સજ્જાદ (અ.સ.)ના એ શબ્દો ગુંજવા લાગે છે. જ્યારે કોઈ ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.)ને પુછતું કે: મૌલા, આપ (અ.સ.)ને સૌથી વધારે તકલીફનો સામનો કયાં કરવો પડયો ત્યારે આપ (અ.સ.) ત્રણ વખત ફરમાવતા: અશ્શામ, અશ્શામ, અશ્શામ.

ઈતિહાસના પુસ્તકોમાં એ વાત જાણવા મળે છે કે: ૧૬ રબીઉલ અવ્વલ હિજરી ૬૧ બુધવારના દિવસે એ કાફલો દમીશ્ક પહોંચ્યો અને કઈ હાલતમાં પહોંચ્યો, એ વિશે સાહેબે મનાકિબે ઝયદથી અને તેઓએ તેમના પિતાથી નોંધ્યુ છે કે સહલ બિન સઅદથી નોંધ્યું છે કે સહન બિન સઅદે કહ્યું કે એક વખત હું બયતુલ મુકદ્દસના પ્રવાસે ગયો. શામના એક શહેરમાં પહોંચ્યો જ્યાં સુંદર નહેરો વહેતી હતી અને લીલાછમ વૃક્ષો હતા. તે શહેરને ખુબીપૂર્વક શણગારવામાં આવ્યું હતું. ચારે બાજુ ખુશ્ નુમાં રેશમી પરદા લગાવવામાં આવ્યા હતા. શહેરના લોકો આનંદમગ્ન જણાતા હતા. સ્ત્રીઓ ઢોલ અને તબલા વગાડીને ખુશી વ્યકત કરી રહી હતી. મેં મનમાં વિચાર્યું કે શામના લોકો આ દિવસે કોઈ ઈદ તો મનાવતા નથી! આ દિવસે એવી કોઈ ઈદ નથી આવતી જેની અમને જાન ન હોય! એવામાં મેં જોયું કે બે પુરૂષો આપસમાં વાતચીત કરી રહ્યા હતા. મેં તેમને પુછયું કે, શું આજે કોઈ એવી ઈદ છે જેની અમને ખબર ન હોય! તેઓએ જવાબ આપ્યો કે, શયખ, તું ઈરાકી જણાય છે! મેં જવાબ આપ્યો કે, હું સહલ બિન સઅદ છું. મેં પયગંબર (સ.અ.વ.)ની ઝિયારત (મુલાકાત) કરેલી છે. તે લોકોએ કહ્યું કે: અય સહલ, આશ્ચર્યની વાત છે કે આસમાનમાંથી લોહીનો વરસાદ કેમ નથી થતો? અને જમીન ઘસી કેમ નથી જતી? મેં પુછયું: શા માટે? ત્યારે તેઓ જવાબ આપ્યો કે: ઈમામ હુસયન (અ.સ.)નું સર ઈરાકથી લાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હાય અફસોસ અને આશ્ચર્ય, ઈમામ હુસયન (અ.સ.)નું સર લાવવામાં આવી રહ્યું છે અને લોકો ખુશીઓ મનાવે છે? સર કઈ તરફથી આવશે તે લોકોએ એક દરવાજા તરફ ઈશારો કર્યો. તે દરવાજાને બાબુસ્સાઆત કહેવામાં આવે છે. એજ અરસામાં એક પછી એક નિશાનીઓ દેખાવા લાગી. અને એક સવાર હાથમાં ભાલો લઈને સામે આવ્યો. તેના ભાલાની અણી ઉપર એક સર હતું ને સરનો દેખાવ પયગંબરે ખુદા (સ.અ.વ.)ના દેખાવ સાથે આબેહુબ મળતો હતો. તે સવારની પાછળ ઉંટો ઉપર કેટલીક સ્ત્રીઓ હતી. હું એક બાળકી પાસે ગયો. મેં તેને પુછયું કે અય બેટી, તું કોણ છો? તે બાળકીએ કહ્યું: હું સકીના બિન્તે હુસયન સ.અ. છું. મેં કહ્યું: કોઈ જરૂરત હોય તો બયાન કરો. ફરમાવ્યું: અય સહલ, આ ભાલો ઉપાડનારને કહો કે ઘોડો આગળ વધી જાય, જેથી લોકો તે સર જોવામાં મશ્ગુલ થઈ જાય, જેથી લોકો રસુલ (સ.અ.વ.)ના કુટુંબની સ્ત્રીઓનો તમાશો ન જુવે. સહલ કહે છે કે હું તે નેઝો ઉપાડનાર મલઉન પાસે ગયો અને તેને કહ્યું કે તું મારી પાસેથી ચારસો દીનાર લઈ લે અને મારૂં કામ કરી આપ. તેણે ચારસો દીનાર લીધા અને સર મુબારકને યઝીદની પાસે લઈ ગયો.

સૈયદ અલયહીરરહમાથી નોંધવામાં આવ્યું છે કે: જ્યારે ઈમામે હુસયન (અ.સ.)નું પવિત્ર સર (સરે પૂર નુર) શામ પહોંચ્યું ત્યારે એક માણસ જે અફાઝિલે તાબેઈનમાંથી હતા – તેઓ અસ્હાબમાંથી જુદા થઈ ગયા. અને એક મહિના સુધી ભુગર્ભમાં રહ્યા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે લોકોએ તેમને ગુપ્તવાસમાં રહેવાનું કારણ પુછયું. તેણે કહ્યું તમે લોકો નથી જાણતા કે કેવી મુસીબતે-કુબરા અને કેટલો મોટો આઘાતજનક બનાવ બન્યો છે! ત્યાર પછી તેણે નીચે પ્રમાણેના અશ્આર પ્રસ્તુત કર્યા.

જેનો અનુવાદ આ પ્રમાણે છે: અય ફરઝંદે બતુલ (આપને કત્લ કર્યા તે જાણે કે) પયગંબરે ખુદા (સ.અ.વ.)ને જાણીબુઝીને કત્લ કર્યા, તમને પ્યાસા માર્યા, અને તમને કત્લ કરવામાં (કુરઆનની) તાવીલ અને તન્ઝીલ (અર્થઘટન)નો પણ ખ્યાલ ન રાખ્યો, તમારા કત્લ ઉપર તકબીર (અલ્લાહો અકબર) કહીએ છીએ, હકીકતમાં તમને કત્લ કરનાર દુશ્મનોએ તકબીર અને તહલીલને કત્લ કરી નાખેલ છે.

શામની તકલીફો પૈકીની એક તકલીફ સાહેબે-લહૂફ લખે છે કે: જે કૈદખાનામાં એહલેબય્તે રસુલ (સ.અ.વ.)ને લગભગ એક વર્ષ સુધી રાખવામાં આવ્યા હતા તેમાં આવતા સુર્યના તાપના કારણે તે લોકોના ચહેરાની ખાલ (ચામડી) ઉખડી ગઈ હતી. અને કૈદખાનામાંથી મુકત થયા પછી ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ તેમના ફુઈ (જનાબે ઝયનબ સ.અ.)ને બેસીને નમાઝ પઢતા જોયા. ત્યારે આશ્ચર્ય પામીને પુછયું અય ફુઈમા, આપ તો નાફેલા નમાઝો પણ બેસીના અદા કરતા નથી. આજે શું કારણ છે કે આપ વાજીબ નમાઝ પણ બેસીને પઢી રહ્યા છો? જનાબે ઝયનબ સ.અ.ની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું બેટા, એ ન પુછો. જ્યારે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ આગ્રહ કર્યો ત્યારે જનાબે ઝયનબે કહ્યું, બેટા, કયદખાનામાં ખાણું અને પાણી એટલા બધા ઓછા આવે છે કે હું મારા ભાગનું બધું ખાણું અને પાણી બાળકોને આપી દઉં છું. ખોરાકના અભાવને લીધે મારા શરીરમાં એટલી બધી નબળાઈ આવી ગઈ કે હવે હું ઉભી રહીને નમાઝ પણ અદા કરી શકતી નથી.

અમુક કિતાબોમાં મળે છે કે જ્યારે બઅલબક શહેરની પાસે પહોંચ્યા ત્યારે ત્યાંના હાકીમને સમાચાર આપવામાં આવ્યા. તેથી તેણે પોતાના માણસોને યઝીદી સિપાહીઓનું સ્વાગત કરવા માટે રવાના કર્યા. આ લોકો શહેરના છ ફરસખ જેટલા અંતરે કૈદીઓના કાફલાને જોઈને ખુશી મનાવવા લાગ્યા. તે વખતે હઝરત ઈમામ (અ.સ.)એ તે મલઉનોને ખુશી મનાવતા જોઈને આ પ્રમાણેની કાવ્ય પંકિતઓ ફરમાવી.

“જમાનાના દુખો અને મકરૂહાત ઓછા થતા નથી, અમે કયાં સુધી આવી ગીરફતારીની હાલતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેશું, અમે જાણકે રૂમના કયદીઓ હોઈએ તેમ અમને પલાણ વગરના ઉંટ ઉપર લઈ જવામાં આવે છે.”

ઈબ્ને નોમાને, અલી ઈબ્નીલ હુસયન (અ.સ.)થી રીવાયત નોંધી છે કે: હઝરતે ફરમાવ્યું: અમે બાર માણસો હતા અને સાંકળ અને તૌકમાં જકડીને યઝીદની પાસે લઈ જવામાં આવ્યા. જ્યારે અમને મલઉનની પાસે ઉભા રાખવામાં આવ્યા ત્યારે મેં કહ્યું: અય યઝીદ તને ખુદાની કસમ, તું શું ધારે છે, જો હઝરત રિસાલતે મઆબ (સ.અ.વ.) અમને આવી હાલતમાં જુવે તો તેમની શું હાલત થાય? જનાબે ફાતેમા, દુખ્તરે, ઈમામ હુસયન (અ.સ.)એ કહ્યં: રસુલે ખુદાની પૂત્રીઓ કૈદી બનાવવામાં આવી છે? આ સાંભળીને લોકો રડવા લાગ્યા અને તે મલઉનના કુટુંબીજનો પણ રડવા લાગ્યા એટલે સુધી કે યઝીદના મહેલમાંથી રૂદન અને વિલાપનો અવાજ બુલંદ થયો.

હઝરત ફરમાવે છે કે: મેં બંદીવાન હાલમાં કહ્યું: મને પણ કાંઈક કહેવાની રજા આપ. યઝીદે કહ્યું: બોલો, પરંતુ, મઆઝલ્લાહ અર્થહીન વાતો કરશો નહીં હઝરત (અ.સ.)એ ફરમાવ્યું કે: હું જે હોદ્દા ઉપર છું તે હોદ્દાને મોઘમ વાતો કરવી છાજે નહીં. અય યઝીદ કહે કે તું શું ધારે છે જો રસુલે ખુદા (સ.અ.વ.) અમોને આવી હાલતમાં જુવે તો શું થાય? યઝીદે તેના સિપાહીઓને ઈશારો કર્યો તેમણે ઈમામ (અ.સ.)ની સાંકળને ખોલી નાખી.

“મસાબીહ”માં ઈમામે સાદિક (અ.સ.)થી મનકુલ છે કે: મને મારા વાલિદે ફરમાવ્યું કે: મેં મારા પિતાજી અલી ઈબ્નુલ હુસયન (અ.સ.)ને પુછયું કે શામના પ્રવાસમાં આપ શેની ઉપર સવાર થયા હતા? ત્યારે આપે ફરમાવ્યું પલાણ વગરના ઉંટ ઉપર અને ઈમામ હુસયન (અ.સ.)નું સર એક ભાલા ઉપર હતું અને સ્ત્રીઓ અમારી પાછળ એવા ઉઘાડી પીઠવાળા ઉંટો ઉપર હતી જેની ઉપર પલાણ ન હતા અને સિતમગર લોકો ભાલાઓ લઈ લઈને અમારી આજુબાજુ ફરી રહ્યા હતા. અમારામાંથી જ્યારે કોઈ રડતું હતું ત્યારે દુશ્મનો ભાલાની અણીઓ મારીને ચૂપ કરાવતા હતા. દમીશ્ક સુધી આવી હાલત રહી. જ્યારે અમે શામમાં દાખલ થયા ત્યારે એક શામીએ ઉંચા અવાજે કહ્યું અય શામવાસીઓ આ એહલેબય્તે મલઉન છે. (મઆઝલ્લાહ)

કિતાબે મનાકિબમાં ઉલ્લેખ છે કે: કિતાબે અહમરમાં અવઝાઈથી નોંધવામાં આવ્યું છે કે: જ્યારે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) શામમાં યઝીદની પાસે ગયા, તે મલઉને એક ખતીબ (પ્રવચન કરનાર)ને હુકમ આપ્યો કે આ છોકરાનો હાથ પકડીને મીમ્બર ઉપર લઈ જાવ અને તેના બાપ, દાદાના કાર્યો, અઘટીત ચારિત્ર્ય અને તેઓએ અમારી સામે જે નાફરમાની અને બળવો કર્યો છે તેને બયાન કરો. આ સાંભળીને ખતીબ મીમ્બર ઉપર ગયો અને પોતાના પ્રવચનમાં કોઈ ખરાબ વાત કહેવાની બાકી ન રાખી (મઆઝલ્લાહ).

જ્યારે ખતીબ મીમ્બર ઉપરથી ઉતર્યો ત્યારે ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.) ઉભા થયા. તેઓએ સર્વ પ્રથમ ખુદાવંદે આલમની હમ્દો સના કરી. રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર દુરૂદો સલામ મોકલ્યા અને પછી ફરમાવ્યું:

મઆશેરન્નાસે મન અરફની ફકદ અરફની વમન લમ યઅરીફની ફઆનાઓ અરરેફાહો નફસી.

લોકો, જે લોકો મને ઓળખે છે, તેઓ મને ઓળખે છે, અને જેઓ મને ઓળખતા નથી તેમને મારો પરિચય કરાવી દઉં છું.

અનબ્નો મક્કત વ મેના

હું મક્કા અને મિનાનો ફરઝંદ છું.

અનબ્નુલ મરવત વ સ્સફા

હું મરવા અને સફાનો ફરઝંદ છું.

અનબ્નો મન અલા ફસ્તઅલા ફજાઝ સિદરતલ મુન્તહા

હું એનો ફરઝંદ છું જેઓ સતત ઉચ્ચ દરજ્જે પહોંચતા રહ્યા અને ત્યાં સુધી કે સિદરતુલ મુન્તહાથી પણ આગળ વધી ગયા.

વ કાન મિન રબ્બેહી કાબ કવસયન અવ અદના

અને પોતાના રબથી તેઓનું અંતર બે કમાનથી પણ ઓછું રહી ગયું.

અનબ્નો મન સલ્લ બે મલાએકે તીસ્સમાએ મસ્ના મસ્ના.

હું એ છું જેમની પાછળ ફરિશ્તાઓએ બે બે ની (સંખ્યામાં) મળીને નમાઝ પઢી.

અનબ્નુલ મકતૂલે ઝુલ્મા

હું એનો ફરઝંદ છું જેઓને ઝુલ્મ અને અત્યાચારથી કત્લ કરી નાખવામાં આવ્યા છે.

અનબ્નુલ મજઝૂઝીર રઅસે મેનલ કફા

હું એનો ફરઝંદ છું, જેઓને ગરદનની પાછળના ભાગેથી ઝબ્હ કરવામાં આવ્યા છે.

અનબ્નુલ અતશાન – હત્તા કફા

હું એવા પ્યાસાનો ફરઝંદ છું જેઓને જીવનના અંત સુધી પાણી આપવામાં આવ્યું ન હતું.

અનબ્નો તરીહે કરબલા

હું એ વ્યકિતનો ફરઝંદ છું જેઓ કરબલાની રેતીમાં રકત અને માટીમાં રગદોળાયા હતા.

અનબ્નો મસ્લૂબીલ અમામતે વરરેદાઅ.

હું એનો ફરઝંદ છું જેમનો અમામો (એક પ્રકારની ઈસ્લામી પાઘડી) અને રિદા લૂંટી લેવામાં આવ્યો.

અનબ્નો મન બકત અલયહે મલાકતુસ્સમાએ.

હું એ હસ્તીનો ફરઝંદ છું, જેઓની ઉપર આસમાનના ફરિશ્તાઓએ રૂદન કર્યું.

અનબ્નો મન રઅસોહો અલસ્સનાને યુહવા

હું એ (મહાન) હસ્તીનો ફરઝંદ છું જેમનું સર (મસ્તક) ભાલાની અણી ઉપર રાખીને ભેટ તરીકે અપાયું હતું.

અનબ્નો મન હરમોહૂ મેનલ એરાકે એલશ્શામે તુસ્બા.

હું એનો ફરઝંદ છું જેના એહલે હરમ (કુટુંબની પવિત્ર સ્ત્રીઓ) ઈરાકથી લઈને શામ સુધી કૈદી બનાવીને લઈ જવામાં આવી.

ત્યાર પછી ફરમાવ્યું: અય્યોહન્નાસ, ઈન્નલ્લાહ તઆલા વલહુલ હમ્દુબતલા ના અહલલબય્તે બે બલાઈન હસનીન હયસો જઅલ રાયતલ હોદા વલ અદલે વત્તોકા ફીના વજઅલ રાયતઝ ઝલાલતે વરરદા ફી ગયરેના.

અય લોકો, ખુદાનો શુક્ર છે કે અમો એહલેબય્તનું સારી રીતે ઈમ્તેહાન લેવામાં આવ્યું. અમોને હીદાયત, અદલ ઈન્સાફ અને તકવાનું ઈલ્મ આપવામાં આવ્યું. જે રીતે અમારા હરીફને ગુમરાહી અને હલાકતના કેન્દ્ર બનાવવામાં આવ્યા.

ફઝઝલ્ના અહલલબય્તે બે સિત્તે ખેસાલીન.

અમો એહલેબય્તે અલ્લાહ છ ખાસિયતો આપીને નવાઝયા છે.

ફઝઝલ્ના બિલઈલ્મે વલ હિલ્મે વશ્શુજાઅતે વસ્સમાહતે વલ મહબ્બતીન વલ મહલ્લતે ફી કોલૂબિલ મ(અમેનીન.

તેણે અમોને ઈલ્મ, હિલ્મ, શુજાઅત, સખાવત અને મોમીનોના દિલોમાં અમારી મોહબ્બત અને આદર આપીને અમોને ફઝીલત આપી છે.

ઉપર જણાવ્યા મુજબના વાકયો હઝરત (અ.સ.) ફરમાવતા રહ્યા એટલ સુધી કે ત્યાં હાજર રહેલા લોકોમાં બેચેનીના ચિન્હો દેખાવા લાગ્યા. યઝીદે પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે મોઅઝઝીનને અઝાન આપવાનો ઈશારો કર્યો. તેણે અઝાન શરૂ કરી. જ્યારે અઝાન આપનારે તકબીર, અલ્લાહો અકબર કહી, ત્યારે હઝરતે ફરમાવ્યું કે, તે જે વાતની ગવાહી આપી છે હું પણ તે વાતની ગવાહી આપું છું. જ્યારે મોઅઝઝીને કહ્યું:

અશ્હદો અન્ન મોહમ્મદર રસૂલુલ્લાહ. ત્યારે હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: અય યઝીદ મોહંમદ (સ.અ.વ.) તારા દાદા છે કે મારા? જો તું તેઓ (સ.અ.વ.)ને તારા દાદા માનતો હોય તો તું જુઠો છે અને જો તેઓ (સ.અ.વ.) મારા દાદા છે તો એ વાતનો જવાબ આપ, કે તેં મારા પિતાને શા માટે કત્લ કર્યા? અને તેઓના કુટુંબની સ્ત્રીઓને કૈદી શા માટે બનાવી? ત્યાર પછી લોકોને સંબોધીને ફરમાવ્યું: અય્યોહન્નાસ, તમારામાંથી કોઈ એવું છે ખરૂં કે જેના બાપ અને જેના દાદા પયગંબરે ખુદા (સ.અ.વ.) હોય? ત્યાર પછી શ્રોતાઓના સમુહમાં રૂદન અને વિલાપના અવાજ બુલંદ થવા લાગ્યા. (મકતલે અબી મખનફ, પાનું ૧૩૫, બેહાર, ભાગ-૧૦, પાના નં. ૨૩૩, રિયાઝુલ કુદોસ ભાગ-૨, પાના નં. ૩૨૮)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *