ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૭

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૪ અગાઉથી શરૂ)

અસ્સલામો અલલ્ કતીલીલ્ મઝ્લુમે

સલામ થાય ખૂબ જ મઝલુમીય્યત પૂર્વક કત્લ થવા વાળા પર

આ વાક્યમાં ઇમામ હુસૈન(અ.સ.) માટે બે સિફતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કતીલ અને મઝલુમ. કતીલ એટલે જેને કત્લ કરવામાં આવ્યા હોય. અરબી ડીક્ષનરીમાં ફઇલના વઝ્ન પર છે અને અર્થની દ્રષ્ટિએ ઇસ્મે મફઉલ છે. ડીક્ષનરીના મશ્હુર નિષ્ણાંત ઇબ્ને મન્ઝુર લખે છે:

વ રજોલુન કતીલુન : મકતુલ – વલ્ જમ્ઓ કોતલાઅ

કતીલ એટલે જેને કત્લ કરવામાં આવ્યા હોય અને તેનું બહુવચન કોતલાઅ છે

(લિસાનુલ અરબ, ભાગ:૧૧, પાના:૫૪૭, કતલ મૂળ શબ્દની નીચે)

બીજો શબ્દ છે અલ મઝલુમ એટલે જેના પર ઝુલ્મ કરવામાં આવ્યો છે.

જેમ કે અગાઉ કહેવામાં આવ્યુ કે કુર્આને મજીદની આયતોની રોશનીમાં જે લોકો રાહે ખુદામાં પોતાની જાન કુરબાન કરે છે તેમને ‘અલ્ કતીલો ફી સબીલીલ્લાહ’ કહેવામાં આવ્યા છે. તેમના માટે કુર્આનમાં ‘શહીદ’ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. અલબત્ત અલ્લાહની કિતાબમાં સ્પષ્ટતા પૂર્વક એલાન થઇ રહ્યું છે.

વ લા તહ્સબન્નલ્લઝીન કોતેલુ ફી સબીલીલ્લાહે અમ્વાતા. બલ્ અહ્યાઉન ઇન્દ રબ્બેહીમ્ યુર્ઝકુન

“અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ કરવામાં આવ્યા છે, તેમને મુર્દા સમજો નહિ. બલ્કે તેઓ જીવતા છે અને તેમના પરવરદિગાર પાસેથી તેમને રિઝ્ક અતા કરવામાં આવે છે

(સુ. આલે ઇમરાન, આયત:૧૬૯)

વ લા તકુલુ લેમય્યુક્તલો ફી સબીલીલ્લાહે અમ્વાત. બલ્ અહ્યાઉવ્ વલાકીન્ લા તશ્ઓરૂન

“અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ કરવામાં આવ્યા છે તેમને મુર્દા સમજો નહી, તેઓ જીવતા છે પરંતુ તમે નથી સમજી રહ્યા

(સુ. બકરહ, આયત:૧૫૪)

ચોક્કસ ઇમામ હુસૈન(અ.સ.)થી વધારે મહાન શહીદ ફી સબીલીલ્લાહ કોણ હોઇ શકે? તેમનો લકબ જ સય્યદુશ્-શોહદા છે એટલે કે તમામ શહીદોના સરદાર.

હવે આવો મઝલુમ શબ્દનો ટૂંકમાં અભ્યાસ કરીએ:

દીને મુકદ્દસે ઇસ્લામમાં જ્યાં ઝાલિમની મદદ કરવાની સખ્તીથી મનાઇ કરવામાં આવી છે ત્યાં મઝલુમની મદદ કરવા ઉપર ખૂબ જ તાકીદ કરવામાં આવી છે.

મઝલુમની મદદ :

અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) ફરમાવે છે:

અહ્સનુલ્ અદ્લે નુસ્રતુલ્ મઝ્લુમે

“શ્રેષ્ઠ ઇન્સાફ મઝલુમની મદદ કરવી છે

(ગોરરૂલ હેકમ, હદીસ:૧૦૨૧)

એઝા રઅય્ત મઝ્લુમન ફ અઅ્નહુ અલઝ્ઝાલિમ

“જ્યારે તમે કોઇ મઝલુમને જુઓ તો ઝાલિમની વિરૂધ્ધ તેની મદદ કરો

(ગોરરૂલ હેકમ, હદીસ:૧૦૩૬૪)

આપે પોતાની વસીય્યતમાં ફરમાવ્યું:

વ કુનુ લિઝ્ઝાલેમે ખસ્મન વ લીલ્મઝ્લુમે અવ્નન

“તમે (ઇમામ હસન અ.સ. અને ઇમામ હુસૈન અ.સ.) બંને ઝાલિમના માટે વિરોધી બનજો અને મઝલુમના માટે મદદગાર બનજો

(નહજુલ બલાગાહ, પત્ર નંબર:૪૭)

ઇમામ જાફર સાદિક(અ.સ.) ફરમાવે છે:

મા મીન્ મોઅ્મેનીન યોઇનો મોઅ્મેનન મઝ્લુમન ઇલ્લા કાન અફ્ઝલ મીન્ સેયામે શહ્રીન વ એઅ્તેકાફેહી ફીલ્ મસ્જીદીલ્ હરામ

“એક મોઅમીનની બીજા મઝલુમ મોઅમીનની મદદ કરવી એક મહીનાના (મુસ્તહબ) રોઝા અને ખાનએ કાબામાં એઅતેકાફ કરવાથી અફઝલ છે

(સવાબુલ આમાલ, પાના:૧૪૭)

અલબત્ત એ વાત વાંચકોના ઉચ્ચ દિમાગમાં સુરક્ષિત રહે કે મઝલુમની મદદ પણ શરીઅતના વર્તુળ અને અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની તાલીમાતની હેઠળ હોવી જોઇએ. એવું ન થાય કે આપણી લાગણી આપણા પર કાબુ મેળવી લેય અને આપણે મઝલુમની મદદ કરવાની હવસમાં આપણી હદોને ઓળંગી જાઇએ અને એહલેબૈત(અ.મુ.સ.)ની તાલીમાતનો ખ્યાલ ન રાખીએ. આથી આપણા માટે જરૂરી છે કે આપણે દીની મરાજેઅ (અલ્લાહ તેઓની હિફાઝત કરે)ના માર્ગદર્શન -માં આ કાર્ય અંજામ આપીએ અને તેમના હુકમોને અનુસરીએ, ન એ કે આપણી લાગણીઓની પૈરવી.

મઝલુમની બદ્દુઆથી ડરવું જોઇએ :

ઝાલિમ એ વાત ન ભુલે કે એક ખુદા જ છે જે દુઆઓનો સાંભળવાવાળો છે અને તે લોકો કે જેઓની દુઆ સરીઉલ એજાબ છે (એટલે કે બહુ જ જલ્દી કબુલ થાય છે તેમાંથી એક મઝલુમ છે)

અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) ફરમાવે છે:

ઇત્તકુ દઅ્વતલ્ મઝલુમે ફ ઇન્નહુ યસ્અલુલ્લાહ હક્કહુ વલ્લાહો સુબ્હાનહુ અક્રમો મીન્ અય્યુસ્અલ હક્કન ઇલ્લા અજાબ

“મઝલુમની બદ્દુઆથી ડરો. કારણ કે તે અલ્લાહ પાસે પોતાનો હક માંગે છે અને અલ્લાહ સુબ્હાનહુ તેનાથી વધારે કરીમ છે કે તેની પાસે હક તલબ કરવામાં આવે સિવાય એ કે તે તેની દુઆને કબુલ કરે

(ગોરરૂલ હેકમ, હદીસ:૧૦૩૪૯)

અન્ફઝુસ્સેહામે દઅ્વતુલ્ મઝ્લુમે

“સૌથી અસરકારક તીર મઝલુમની બદ્દુઆ છે

(ગોરરૂલ હેકમ, હદીસ:૩૭૬૦)

આ ચર્ચાનો ખુલાસો એ છે કે ઇમામ હુસૈન(અ.સ.)નો માનવાવાળો, આપ પર ગિર્યા કરવાવાળો, આપની મુસીબતો પર ફર્શે અઝા પાથરવાવાળો ક્યારેય કોઇના ઉપર ઝુલ્મ નથી કરતો, ભલે પછી તેના મા-બાપ હોય કે પત્નિ હોય, બાળકો હોય કે રિશ્તેદારો હોય. દોસ્તો હોય કે ચાહવાવાળા હોય વિગેરે. કારણ કે મઝલુમની દુઆ અને અર્શે ઇલાહી વચ્ચે કોઇ અંતર નથી હોતુ. અગર મઝલુમ દુઆ માટે હાથ ઉંચા કરી દે તો ખુદાવંદે મોતઆલ તેની દુઆ જરૂર કબુલ કરે છે ભલે પછી તે કાફિર કેમ ન હોય.

હવે જ્યારે રિવાયતમાં મઝલુમની દુઆને આટલુ બધુ મહત્વ આપવામાં આવ્યું છે તો એમાં કઇ આશ્ર્ચર્યની વાત છે કે ઇન્સાનીય્યતના ઇતિહાસમાં સૌથી મહાન મઝલુમ પોતાના શીઆઓના હકમાં ખુદાવંદે મોતઆલથી માફી અને બક્ષીશની દુઆ કરે અને અલ્લાહ તેની દુઆ મુસ્તજાબ કરે? અલ્લાહ એ વાતનો સાક્ષી છે કે લોકો મઝલુમે કરબલાની અઝાદારીની અને તેની અસરોની મજાક ઉડાવે છે અને રોવું અને ગિર્યાની શફાઅતની તાકાતને કબુલ નથી કરતા. તેઓ હકીકતમાં ઇમામ હુસૈન(અ.સ.)ની મહાન કુરબાની અને મઝલુમીય્યતના અર્થને ગ્રહણ જ નથી કરી શક્યા.

અહીં અયોગ્ય નહી કહેવાય અગર ઇન્સાનોના ઇતિહાસના મહાન અને બુઝુર્ગ મર્તબો ધરાવનાર મઝલુમોનો ઝિક્ર કરીએ અને તે છે અમારા અને તમારા મૌલા અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.). આપે એક ખુત્બામાં ઇરશાદ ફરમાવ્યું:

કાલ ઇન્ની લ અવ્લન્નાસે બીન્નાસે વ મા ઝિલ્તો મઝ્લુમન મુન્ઝો કોબેઝ રસુલુલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી, ફ કામલ્ અશ્અસુબ્નો કૈસ લઅનહુલ્લાહો ફ કાલ યા અમીરલ્ મોઅ્મેનીન લમ્ તખ્તુબ્ના ખુત્બતન મુન્ઝો કદીમ્તલ્ એરાક ઇલ્લા વ કુલ્ત વલ્લાહે ઇન્ની લ અવ્લન્નાસે બીન્નાસે, વ મા ઝિલ્તો મઝ્લુમન મુન્ઝો કોબેઝ રસુલુલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ વ લમ્મા વલેય તય્મુન વ અદીયુન, અલ્લા ઝરબ્ત બે સય્ફેક દુન ઝોલામતેક ફ કાલ લહુ અમીરૂલ્ મોઅ્મેનીન સલવાતુલ્લાહે વ સલામોહુ અલય્હે યબ્નલ્ ખમ્મારતે કદ્ કુલ્ત કવ્લન ફસ્તમેઅ્, વલ્લાહે મા મનઅનીલ્ જુબ્નો વ લા કરાહેયતુલ્ મવ્તે, વ લા મનઅની ઝાલેક ઇલ્લા અહ્દો અખી રસુલીલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી, ખબ્બરની વ કાલ યા અબલ્ હસને ઇન્નલ્ ઉમ્મત સતગ્દેરો બેક વ તન્કોઝો અહ્દી, વ ઇન્નક મિન્ની બે મન્ઝેલતે હારૂન મિન્ મુસા. ફ કુલ્તો યા રસુલલ્લાહે ફ મા તઅ્હદો એલય્ય એઝા કાન કઝાલેક ફ કાલ ઇન્ વજદ્ત અઅ્વાનન્ ફ બાદીર્ એલય્હીમ્ વ જાહીદ્હુમ્, વ ઇન્ લમ્ તજીદ્ અઅ્વાનન્ ફ કુફ્ફ યદક વહ્કીન્ દમક હત્તા તલ્હક બી મઝ્લુમા

“બેશક હું લોકો ઉપર તેમના કરતા વધારે સત્તા ધરાવું છું અને જ્યારથી રસુલે ખુદા(સ.અ.વ.) આ દુનિયાથી રૂખ્સત થયા છે, તે દિવસથી હું મઝલુમ છું. આના પર અશઅસ બીન કૈસ કીંદી લઅનતુલ્લાહે અલય્હ ઉભો થયો અને કહેવા લાગ્યો અય અમીરલ મોઅમેનીન! જ્યારથી ઇરાક આવ્યા છો, આપ ફક્ત આ જ બાબત કહી રહ્યા છો કે બેશક હું લોકોમાં ખુદ તેમના કરતા વધારે સત્તા ધરાવું છું અને જે દિવસથી રસુલે ખુદા(સ.અ.વ.) આ દુનિયાથી રૂખ્સત થયા છે તે દિવસથી હું મઝલુમ છું. જ્યારે તય્મ અને અદી (એટલે પ્રથમ અને બીજા ખલીફા) વાલી બની ગયા તો આપે તલવાર કેમ ન ઉપાડી અને ઝુલ્મ સહન ન કરતે

આના પર અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યું: “અય શરાબ વેચવાવાળી ઔરતના દિકરા! હવે જો કે તે વાત કહી દીધી છે તો સાંભળી લે ખુદાની કસમ! ન તો બુઝદીલીએ અને ન મૌતના ડરે મને હક લેવાથી રોક્યો, બલ્કે જે ચીજે રોક્યો છે તે અહદ હતો જે મેં મારા ભાઇ રસુલે ખુદા(સ.અ.વ.)થી કર્યો હતો. આપે મને ખબર આપી હતી કે અય અબલ હસન! નજીકમાં જ આ ઉમ્મત તમારી વિરૂધ્ધ ગદ્દારી કરશે અને મારા અહદને તોડી નાખશે. તમે મારા માટે એવા જ છો જેવા હારૂન મુસા માટે હતા. મેં પુછ્યું: યા રસુલલ્લાહ(સ.અ.વ.) જ્યારે એવી હાલત હોય તો મારી શું જવાબદારી છે? આપ(અ.સ.)એ ફરમાવ્યું: અગર તમે અન્સાર અને મદદગાર પામો તો તેઓની વિરૂધ્ધ ઉભા થજો અને તેઓ સાથે જેહાદ કરજો અને અગર મદદગાર ન પામો તો પોતાના હાથોને રોકી લેજો અને પોતાના લોહીને સુરક્ષિત રાખજો જ્યાં સુધી કે તમે એક મઝલુમની જેમ આવીને ન મળો

(બેહારૂલ અન્વાર, ભાગ:૨૯, પાના:૪૧૯, પ્રકરણ:૧૩)

એમા કોઇ શક નથી કે અલી(અ.સ.) અને ઔલાદે અલી(અ.સ.)થી વધીને ઇન્સાનીય્યતના ઇતિહાસમાં કોઇ મઝલુમ નથી. તેમના દરેક ચાહવાવાળાની જવાબદારી છે કે તેઓની મદદ અને નુસ્રત કરે. તન, મન, ધનથી આજનો સમય ઇલ્મ અને જ્ઞાનનો સમય છે. દીનના દુશ્મનના વાસ્તવિક હુમ્લાઓ આ ક્ષેત્રોમાં થઇ રહ્યા છે. આથી આપણા માટે જરૂરી છે કે આપણે આપણા રેહનુમાઓની અને તેમના અકીદાઓનો આ ક્ષેત્રોમાં બચાવ કરીએ અને હંમેશા એ વાતનો ખ્યાલ રાખીએ કે આ ફિત્ના અને ફસાદના ઝમાનામાં આપણું ઇમાન અને આપણો અકીદો સુરક્ષિત રહે અને આપણે અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ના બતાવેલા રસ્તા પર ચાલતા રહીએ. એટલુ જ નહી પરંતુ એ ધ્યાન રહે કે કતીલે મઝલુમનો બદલો લેનાર ઇમામે ઝમાના ઇમામ મહદી(અ.સ.) આપણી હાલતો અને પગલાઓ પર નઝર રાખે છે અને એહલે ખૈરના માટે જે ઇમામ હુસૈન(અ.સ.)ના અઝાદારો છે, તેમની ભલાઇ અને બરકત અને હિફાઝત માટે દુઆ પણ કરે છે અને અમાનતદાર અને ઝામીન પણ છે.

(વધુ ઇન્શાઅલ્લાહ આવતા અંકે)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *