હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો

અલ મુન્તઝરના અગાઉના અંકોમાં આ વિષય પર શીર્ષકના સામાન્ય ફેરફારોની સાથે ઘણા બધા લેખો પ્રકાશિત થઇ ચુક્યા છે. ગયા વરસના અંકમાં જ આ વિષય પર મરાજેઅના મંતવ્યોની સાથે એક લેખ પ્રકાશિત થયો છે. અલબત્ત આ લખવું જરૂરી છે કે અગાઉના તમામ લેખો પોતાના પ્રકારમાં અજોડ લેખો છે અને આ વિષય પર ઓલમા અને વિદ્ધાનો, ઇતિહાસકારો, તફસીરકારો, મુજતહીદો અને ફકીહો…….. વિગેરેના મંતવ્યોને લખવામાં આવે તો અસંખ્ય કિતાબો લખી શકાય છે. આથી એક જ શીર્ષક હેઠળ જુદા જુદા લેખોનો સિલસિલો અલ મુન્તઝરમાં શરૂ છે. આ લેખ પણ જો કે શીર્ષક અને વિષયના દ્રષ્ટિકોણથી સરખો છે, પરંતુ અર્થોના દ્રષ્ટિકોણથી અલગ છે. લેખક અબ્દુસ્સાહેબ ઝુર્રિયાસતૈન અલ હુસૈનીની કિતાબ લે માઝા નહઝ અલ ઇમામ હુસૈન (અ.સ.)ના ભાગ-૨ થી લેવામાં આવ્યો છે.

અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની ખિલાફત:

અહીં પ્રસ્તાવના તરીકે લખી રહ્યા છે કે ઇમામ હુસૈન (અ.સ.)ની ઇમામતના મુકાબલામાં યઝીદ મલઉન જેવો બદકાર, ઝીનાકાર, ઝીનાઝાદો, શરાબી, કબાબી અને બદતીનતને મુસલમાનોનો ઇમામ અને ખલીફા બનાવવો હકીકતમાં મોઆવીયાના સમયગાળાની બાબત ન હતી. બલ્કે આ બાબત પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના સમયમાં જ અને આં હઝરત(સ.અ.વ.)ની રેહલતના દિવસથી જ શરૂ થઇ ગયો હતો. મુસલમાનોના વેશમાં મુનાફીકો અને મુશરીકો અને પૈગમ્બર(સ.અ.વ.)ના ખાનદાનના દુશ્મનોનું એક મોટુ ટોળુ મુસલમાનોની દરમ્યાન મૌજુદ હતુ અને તે ઇસ્લામને ખત્મ કરી દેવા ચાહતા હતા. તેઓને માલુમ હતુ કે પૈગમ્બર (સ.અ.વ.)ના હકીકી જાનશીન અલી(અ.સ.) જ છે અને તેમના બાદ તેમની અને હઝરત ફાતેમા(સ.અ.)ની નસ્લથી પૈગમ્બર(સ.અ.વ.)ના જાનશીન કયામત સુધી બાકી રહેશે. હવે જરા ધ્યાન આપો.

સકીફામાં લોકો જમા થઇને અલી(અ.સ.)ને દૂર કરી દીધા અને એક ઇજમાઅના બહાના હેઠળ એકને રસુલ (સ.અ.વ.)નો ખલીફા બનાવી દીધો. પછી જ્યારે તે દુનિયાથી જવા લાગ્યો તો ઇજમાઅના કાયદાને રદ કરી દીધા અને ઇસ્તિખ્લાફનો સહારો લઇને બીજાને ખલીફા બનાવી દીધો અને જ્યારે તે પણ રૂખ્સત થવા લાગ્યો તો ઇજમાઅ અને ઇસ્તિખ્લાફ બંનેને દૂર કરી અને ખાસ શરતોની કૈદની સાથે શૂરાની સુચના આપી દીધી અને જ્યારે ત્રીજા ખલીફાની અંધા-ધુંધીઓ ખૂબ વધી ગઇ અને લોકો તેને કત્લ કરવા માટે તૈયાર થઇ ગયા તો તે કાંઇ ન કરી શક્યો કે પોતાના બાદ પોતાનો જાનશીન નક્કી કરી શકે અને કત્લ કરી દેવામાં આવ્યો તો લોકોએ ઇમામ અલી(અ.સ.)ને લાચાર વશ થઇને પોતાના ખલીફા બનાવી લીધા જે સમજવાની વાત છે.

જે વાત ધ્યાન દેવાને લાયક છે, તે એ છે કે ઇમામ અલી (અ.સ.)ને ચોથા ખલીફા ગણવા અથવા ચોથા ખલીફા માનવા હકીકતમાં ઇમામ અલી(અ.સ.)ની ખિલાફત અને ઇમામતનો ઇન્કાર છે અને આ સંખ્યા અને રકમો એટલે કે પ્રથમ ખલીફા, બીજા ખલીફા, ત્રીજા ખલીફા અને ચોથા ખલીફાનો અકીદો રાખવો હકીકી ખિલાફતના અકીદાથી મોઢુ ફેરવવા બરાબર છે. આ ખોલફાની ખિલાફત અને અઇમ્મએ એહલેબૈતે અત્હાર(અ.મુ.સ.)ની ઇમામત આ બંને સ્વતંત્ર વિષય છે. એકનું બાતિલ હોવું અને બીજાના હક હોવા પર બેશુમાર ગવાહો અને દલીલો મૌજુદ છે જેની વિગત માટે આપણા ઓલમાની બેશુમાર કિતાબો તરફ રજુઅ કરી શકાય છે. ખાસ કરીને ‘અલ ગદીર’ સંકલન અલ્લામા અમીની (ર.અ.) જેનો ઉર્દુમાં તરજુમો થઇ ચુક્યો છે અને ઇમામતના વિષય પર નાની-મોટી તમામ કિતાબો.

હવે જરા વિચારો:

અમીરૂલ મોઅમેનીન(અ.સ.) પૈગમ્બરે અકરમ (સ.અ.વ.)ના બિલા ફસ્લ જાનશીન હતા અને આપે તેને મખ્સુસ અંદાઝમાં લોકોને સમજાવ્યા કે આપે શૈખૈનને રસુલના ખલીફા ક્યારેય નથી જાણ્યા. અલબત્ત તે લોકોનું ખિલાફતને ગસ્બ કરી લેવા બાદ તેઓ સાથે લડાઇ ઝઘડો ન કર્યો, પરંતુ બહિષ્કાર જરૂર કર્યો. ઇતિહાસે આ વાતની નોંધ કરી છે કે જ્યારે અબ્દુર્રેહમાન બીન ઔફે આપ(અ.સ.)ને કહ્યું કે અમે આપની બયઅત એ શર્તે કરીશું જ્યારે આપ અલ્લાહ અને રસુલની સુન્નતની સાથે શૈખૈનની સિરત પર અમલ કરો તો આપ(અ.સ.)એ ફરમાવ્યું: અલ્લાહની કિતાબ અને રસુલે ખુદા(સ.અ.વ.)ની સુન્નત પર અમલ કરીશ.

(શર્હે નહજુલ બલાગાહ ૧, હામિશ:૧૮૮, ઇબ્ને અબીલ હદીદ)

ઇમામ અમીરૂલ મોઅમેનીન(અ.સ.)નો આ અમલ મકતબે ખિલાફત અને એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામતની વચ્ચે જે બુનિયાદી તફાવતનો ઇશારો કરે છે અને તે એ છે કે પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના જાનશીન ખુદા અને રસુલના એહકામના પાબંદ હોય છે અને મકતબે ખોલફાના ખલીફા પોતાની ખ્વાહિશાત અને પોતાના નફસના કૈદી હોય છે.

અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના સમયના ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો તેમના વિરોધી ખલીફાઓ અને હરીફોએ રસુલે ખુદા(સ.અ.વ.)ની નાફરમાની જાહેરમાં કરતા રહ્યા અને પછી અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની શહાદત બાદ તેમની હિંમત ઔર પણ વધી ગઇ ત્યાં સુધી કે ઇમામ હસન (અ.સ.)ની શહાદતે તેઓને ઔર વધુ હિંમતવાન બનાવ્યા.

પછી ઇમામ હુસૈન(અ.સ.)ની ઇમામતનો સમય આવી પહોંચ્યો. હજુ રસુલે ખુદા(સ.અ.વ.)ની વફાતને લગભગ ૫૦ વરસ જ પસાર થયા હતા અને દીનના સ્વરૂપમાં ખોલફાઓ ઘણા બધા ફેરફાર લાવ્યા હતા અને મોઆવીયાએ નક્કી કરી લીધુ હતુ કે દીને ખુદાને ખત્મ કરી દેય. આથી તેણે પોતાના પછી યઝીદ પલીદને ઉમ્મતે ઇસ્લામનો ખલીફા નીયુક્ત કર્યો.

ધ્યાનને પાત્ર:

ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના તમામ કારણોમાંથી એક ખાસ કારણ હતુ, બની ઉમય્યાની દીનની વિરૂધ્ધ સાજીશો અને ત્રણેય ખલીફાઓની તેઓની તરફેણમાં ટેકો. આથી ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાના નાના ના દીન અને બની ઉમય્યાના થકી પોતાના પિતાની સતત તૌહીન અને અપમાનને ટોચ પર જોયુ તો નાનાથી કરેલો વાયદો વફા કરવા માટે રસુલુલ્લાહનું શહેર અને રસુલુલ્લાહનું હરમ છોડીને બૈતુલ્લાહીલ હરામની તરફ હિજરત કરી અને કાબાના પરદાની સાથે ભેટી ગયા પરંતુ જ્યારે દુશ્મનો થકી આ હરમે ખુદામાં કત્લ અને ખુંરેઝીનો અંદેશો પામ્યા તો બૈતુલ્લાહની હુરમત અને પવિત્રતાના ખ્યાલથી પોતાની શહાદતગાહ ઇરાકની તરફ ચાલી નીકળ્યા.

(લવાએજુલ અશઝાન: ૬૯, સય્યદ મોહસીન અમીનથી)

આ પ્રસ્તાવના રૂપની વાતો પછી તેઓના જ હવાલાથી ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના અમુક સબબો અને કારણોને અમુક ઓલમા અને મશ્હુર લોકોના મંતવ્યોની મદદથી લખી રહ્યા છીએ.

મરહુમ શહીદ મુર્તુઝા મુતહ્હરીએ પોતાની મશ્હુર કિતાબ ‘અલ મલહમતુલ હુસૈનીય્યાહ’ માં કયામે હુસૈન (અ.સ.)ના કારણો અને પરિબળોને લખ્યા છે. આપ(ર.અ.) ફરમાવે છે કે કરબલાના બનાવને વાકેઅ થવામાં ત્રણ મખ્સુસ પરિબળો છે.

(૧) યઝીદ બીન મોઆવીયાનું મોઆવીયાના ઇન્તેકાલ બાદ ઇમામ હુસૈન(અ.સ.)થી બયઅત તલબ કરવી અને ઇમામ હુસૈન(અ.સ.)નું તેનાથી ઇન્કાર કરવું અને ત્યાર બાદ યઝીદનું પોતાની લશ્કરી તાકાતનો દેખાવ કરવો.

(૨) બીજું પરિબળ જે આ કયામ માટે કારણરૂપ સાબિત થયું, જેને બીજા દરજ્જાનું પરિબળ કહી શકીએ છીએ પરંતુ બીજા દરજ્જા પર હોવાની સાથો સાથ ઘણું બધુ મહત્વ ધરાવે છે તે છે એહલે કુફાનું ઇમામ હુસૈન(અ.સ.)ને બોલાવવું.

(૩) આ પરિબળ જેને ખુદ ઇમામ હુસૈન(અ.સ.)એ બયાન કર્યુ છે અને તે છે અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર.

મરહુમ શહીદ મુતહ્હરીએ આ કારણો માટે સંજોગો અને સાબિતિઓ બયાન કર્યા છે. જેમ કે મદીનામાં મદીનાના હાકિમના થકી ઇમામ હુસૈન(અ.સ.) પાસે યઝીદની બયઅતનો બનાવ અને બની હાશિમનું ઇમામ હુસૈન (અ.સ.)ની સાથે ભેગા થવું ઇતિહાસે સાબિત કરેલ છે.

આ રીતે કુફાવાળાઓની મોટી સંખ્યાએ ઇમામ (અ.સ.)ને દાવત દેવા માટે પત્રો લખ્યા, તેનો પણ ઇતિહાસે ઉલ્લેખ કરેલ છે અને ત્રીજી વાત કે ઇમામ હુસૈન(અ.સ.)નો મશ્હુર કૌલ:

વ ઇન્ની ખરજ્તો લે તલબીલ્ ઇસ્લાહે ફી ઉમ્મતે જદ્દી

અને તેની સાથો સાથ આપનું આ ફરમાવવું.

ઓરીદો અન્ આમોર બીલ્ માઅ્રૂફે વ અન્હા અનીલ્ મુન્કરે

ખૂબ જ મશ્હુર અને માઅરૂફ છે જેનો તરજુમો છે

ચોક્કસ હું (પોતાનું ઘર-બાર છોડીને) નીકળ્યો છું પોતાના નાનાની ઉમ્મતની ઇસ્લાહ માટે

અને બીજા વાક્યનો અર્થ એ છે કે

મેં ઇરાદો કર્યો છે કે નેકીનો હુક્મ આપુ અને બુરાઇઓથી રોકુ

આ જુમ્લો બિલકુલ સ્પષ્ટ છે અને ખાસ કરીને ‘ઇસ્લાહ માટે’ શબ્દ ધ્યાનને પાત્ર છે.

શા માટે ઇસ્લાહની તલબ?

ઇમામ હુસૈન(અ.સ.)એ શા માટે એ મેહસુસ કર્યુ કે ઉમ્મતની ઇસ્લાહ કરવામાં આવે? તેનો સેહલો જવાબ એ છે કે ત્રણ ખલીફાઓએ પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના બનાવેલા દીનની તેહરીફ શરૂ કરી દીધી. બિદઅતોનો સિલસિલો વધતો જ ગયો અને પછી મોઆવીયા અને યઝીદ ખુલ્લે આમ દીનની સાથે રમત રમતા હતા અને દીનને ખત્મ કરી દેવા ચાહતા હતા. પરંતુ માત્ર દેખાવ પુરતા મુસલમાન હતા અને મુસલમાનોના ખલીફા બની બેઠયા હતા. એટલે કે દીનના નામ ઉપર દીનની વિરૂધ્ધ કામ કરી રહ્યા હતા. તેઓના ગુનાહો અને નાફરમાની જાહેર હતી, પરંતુ તેઓના ઝુલ્મથી મુસલમાનો ડરેલા રહેતા હતા અને બિદઅતોની વિરૂધ્ધ અવાજ ઉઠાવી શક્તા ન હતા અને જેઓ હકની વાતો કરતા હતા તેઓને કાંતો કત્લ થવું પડતુ અથવા શહેર છોડવું પડતુ અથવા જુદી જુદી તકલીફો અને પરેશાનીઓનો સામનો કરવો પડતો.

એમ કહી શકાય કે બસ બહુ થઇ ગયુ. ઇમામ હુસૈન (અ.સ.) હવે તેઓને હદથી વધી જવાની ઇજાઝત આપવા ચાહતા ન હતા. નાના, પિતા અને ભાઇનું ખૂબ જ અપમાન થઇ ચુક્યું હતુ. જુમ્આના દિવસે મીમ્બરો પરથી અલી(અ.સ.)ને ગાળો દેવામાં આવી રહી હતી. આથી ઇમામ હુસૈન(અ.સ.)એ કયામ કર્યો હતો.

ખલીફા ઝીન્દીક અને કાફિર:

ઇબ્ને અબીલ હદીદે લખ્યું છે કે અમારા બુઝુર્ગોની નજરમાં મોઆવીયા પોતાના દીનમાં ટીકાને પાત્ર હતો અને તે ઝીન્દીક અને કાફિર હતો અને એ જ હવાલાથી ઇબ્ને અબીલ હદીદ લખે છે કે મોઆવીયાએ પોતાના કુફ્રથી તૌબા કરી ન હતી.

(શર્હે નહજુલ બલાગાહ ૧/૧૩૪૦ અને જીલ્દ ૧૦/૧૦૧૪)

અબુ સુફયાન ફત્હે મક્કાના મૌકા પર પરાજીત થયો તો ઇમાન લાવ્યો અને કેવું ઇમાન લાવ્યો હતો જરા જુઓ:

“અબુ સુફયાન બીન હરબ હઝરત હમ્ઝાની કબ્ર પર ઉભો થયો અને પગોને પછાડીને કહ્યું: અય હમ્ઝા જે વાત માટે કાલે તે અમારી સાથે જંગ કરી હતી તો ચોક્કસ આજે તેણે તેમને માલિક બનાવી દીધા અને ચોક્કસ અમે તમીમ અને અદીના મુકાબલામાં તેઓથી વધારે હકદાર હતા

(અત્તઝાઅ વન્નઆસીમ, પાના:૮૩-૮૭, લેખક: અલ મુકરેઝી)

જરાક વિચારો કે રસુલલ્લાહ(સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ મોઆવીયાને શજરએ મલઉના (૧૭:૬૦ આ આયતની તફસીરમાં મોટા ભાગના તફસીરકારોએ લખ્યુ છે કે શજરએ મલઉનાથી મુરાદ બની ઉમય્યા છે. તફસીર તરફ રૂજુઅ કરો) ગણાવ્યો હતો અને ઇસ્લામી દુનિયા સાથે તેનો કોઇ સંબંધ ન હતો. કેવી રીતે મુસલમાનોની આગેવાની અને ખિલાફતને મોઆવીયા બીન અબી સુફયાન અને યઝીદ જેવા લોકોના હવાલે કરવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો. આ તમામ બંદોબસ્ત અબુ સુફયાનના ઝમાનામાં થયા અને અબુ સુફયાને ઇસ્લામ પ્રત્યે પોતાની જુની દુશ્મનીનો બદલો પૈગમ્બરે ઇસ્લામની રેહલતના બાદ તરત જ લેવાનો શરૂ કરી દીધો. અબુબક્ર અને ઉમરે બની ઉમય્યા માટે રસ્તાઓને તય્યાર કરી દીધા હતા. તેની સાબિતિ માટે અભ્યાસ કરો ઉમર એક રહસ્ય ખોલતા સઅદ બીન આસને કહે છે:

(અય સઇદ બીન આસ) મેં તારાથી એક વાત છુપી રાખી હતી કે નઝદીકમાં જ મારા પછી એ બાબત બનશે કે જે તમારી સાથે સીલે રહેમ કરશે અને તમારી હાજત પુરી કરશે, તે અમારામાંથી છે. હું તને એક અન્ય ભેદ અને બાબતથી આગાહ કરૂ છું કે ચોક્કસ નજદીકમાં જ ખિલાફત મારા પછી બની ઉમય્યાથી તમારા રીશ્તેદારો સુધી પહોંચી જશે અને તે ઉસ્માન છે અને મુસલમાનોના માલ માંથી તમને ઘણું બધુ અતા અને બક્ષિશ કરશે.

(શર્હે નહજુલ બલાગાહ, ૧/૧૮૬, ઇબ્ને અબીલ હદીદ)

તબકાતના લેખક તેના બાદ સઇદ બીન આસનો કૌલ આ રીતે નક્લ કર્યો છે. સઇદ બીન આસે કહ્યું: ઉમર બીન ખત્તાબની ખિલાફત ખત્મ થઇ ગઇ ત્યાં સુધી કે તેમણે ઉસ્માનને શુરા થકી ખલીફા બનાવી દીધો અને તેનાથી રાજી થયા પછી તેમણે (ઉસ્માને) અમારી સાથે સીલે રહેમી કરી અને નેકી સાથે વર્તણુક કરી અને અમારી હાજતોને પુરી કરી અને અમને પોતાની અમાનતોમાં શરીક કર્યા. લોકો કહેતા હતા કે સઇદ બીન આસ હંમેશા ઉસ્માન બીન અફ્ફાનની પાસે રહ્યા.

(તબકાતે કુબરા, ૫/૩૧-૩૨, લેખક: મોહમ્મદ બીન સઅદ)

અબુબક્રએ પણ બની ઉમય્યા માટે ઘણી બધી પૂર્વ તૈયારી કરી અને પછી ઉમર બીન ખત્તાબે તો બની ઉમય્યાના હાથોમાં ઇસ્લામની લગામ સોંપી દીધી. અહીં અમે ઉમર બીન ખત્તાબના હાકિમોનું એક લીસ્ટ લખી રહ્યા છીએ:

મક્કામાં તેનો હાકિમ અને વાલી નાફેઅ ઇબ્ને અબ્દુલ હારિસ નહઝાઇ, તાએફમાં ઉસ્માન બીન અબીલ આસ ઇબ્ને ઉમય્યા પછી સુફયાન બીન અબી અબ્દીલ્લાહ સકફી, યમનમાં યઅલા બીન મસ્બા, અમ્માન અને યમામામાં હુઝૈફા બીન મહઝ, બહરૈનમાં અલા બીન હઝરમી પછી ઉસ્માન બીન આસ, કુફામાં સઅદ બીન અબી વક્કાસ પછી મુગીરાહ બીન શોઅબા પછી અમ્માર બીન યાસીર પછી અબુ મુસા અશ્અરી, બસરામાં અલ મુગય્રા બીન શોઅબા પછી અબુ મુસા અશઅરી અને શામમાં અબુ ઓબૈદા બીન જર્રાહ પછી યઝીદ બીન અબી સુફયાન પછી મોઆવીયા બીન અબી સુફયાન અને મિસ્રમાં અમ્ર બીન આસ.

આ લિસ્ટ પર નજર નાખવામાં આવે તો માલુમ થાય છે કે જે લોકો રસુલલ્લાહ(સ.અ.વ.)ના સમયમાં ક્યારેય હાકિમ ન હતા તે બધા અબુબક્ર અને ઉમરના હાકિમોમાં શામિલ છે અને એ વાત પણ વિચારવા લાયક છે કે બની હાશિમનું નામો નિશાન પણ આ યાદીમાં દેખાતું નથી.

આ વાત સર્વાનુમત છે કે ઉમર બીન ખત્તાબ અબુ સુફયાનને અન્ય ખાનદાનો પર અગ્રતા આપતો હતો. આથી અબુ સુફયાનના ત્રણેય દિકરાઓને જુદા જુદા શહેરોની વિલાયત-સત્તા આપી દીધી હતી અને તેઓની સામે મુસલમાન કે જેઓ પ્રથમ ઇમાન લાવ્યા હોય અને પછી ઇમાન લાવ્યા હોય અને મોઅમીન મર્દ કે ફાસિકની વચ્ચે કોઇ ફર્ક રાખ્યો ન હતો એટલે બની હાશિમને તમામ હોદ્દાઓથી દૂર રાખવા ચાહતા હતા.

(લે માઝા નહઝુલ ઇમામ અલ હુસૈન(અ.સ.), ભાગ:૨, પાના:૩૮-૩૯, લેખક: અબ્દુસ્સાહેબ ઝુર્રીયાસતૈન અલ હુસૈની)

ધ્યાન આપો:

ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો પર જે કાંઇ ચર્ચા અગાઉના અંકોમાં થઇ છે તે ચર્ચાની હેઠળ ઉપરોક્ત ઐતિહાસિક હકીકતો પર વિચાર કરવમાં આવે અને ખોલફાએ સલાસા (ત્રણ ખલીફાઓ) અને બની ઉમય્યાના કાવતરાઓ પર નજર નાખવામાં આવે તો એ વાત બિલકુલ સ્પષ્ટ થઇ જાય છે કે આ લોકો સીરતે રસુલથી ખૂબ જ દૂર હતા. બલ્કે સિરતે રસુલને ખત્મ કરવા ચાહતા હતા અને અમીરૂલ મોઅમેનીન(અ.સ.) કે જેઓ પૈગમ્બરના જાનશીન હતા, તેઓ દરેક રીતે સુન્નત અને સિરતે રસુલને બાકી રાખવા માટે કોશિશો કરતા, તેમને એકાંત વાસ કરી દીધા. તેઓના કહર અને ગલ્બાએ મુસલમાનોને નકામાં બનાવી દીધા હતા, ત્યાં સુધી કે યઝીદના ઝમાનામાં ઇસ્લામનું સ્વરૂપ જ બદલાય ગયુ હતુ. સિરતે પૈગમ્બરે અકરમ(સ.અ.વ.) ખત્મ થતી નજર આવી રહી હતી. આથી ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું:

વ અસીરો બે સિરતે જદ્દી વ અબી અલી ઇબ્ને અબી તાલિબ અલય્હેમસ્સલામ

અને હું મારા નાના અને મારા પિતા અલી બીન અબી તાલિબની સિરત પર અમલ કરીશ

(શર્હે નહજુલ બલાગાહ, ૯/૧૬૫-૧૬૬, ઇબ્ને અબીલ હદીદ)

આ મુબારક શરઇ નસ્સથી સ્પષ્ટ થાય છે કે ઇમામ (અ.સ.)નો કયામ અને આપની શહાદત અલ્લાહ અઝ્ઝ વ જલ્લના દીન અને એઅતેકાદમાં ઇતાઅતના માટે હતી અને આપનો આ જેહાદ પોતાના જદ્દ અને પોતાના વાલિદની સિરત અને તેમની રીતભાત અને સુન્નતોને કે જે હકીકતમાં શરીઅત અને તેના ઉસુલો હતા, તેની બકા અને મજબુતાઇ માટે હતો.

આપ(અ.સ.)ના પિતાની સિરત અને તેમના જદ્દ મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.)ની સિરત આ બંને જ હકીકતમાં ખાલિસ શરીઅત છે અને તેના સંકલન માટે ઇમામ હુસૈન (અ.સ.)એ કયામ કર્યો હતો.

આ આશુરા, આ મોહર્રમ, આ મજલીસો, આ અરબઇન, આ નૌહા અને માતમ, આ સબીલો, આ નઝર અને નિયાઝ અને જમવાનું જે ઇમામ હુસૈન(અ.સ.)ના નામ પર કરવામાં આવે છે, હકીકતમાં વિરોધીઓ તેનાથી પરેશાન નથી, પરંતુ સાચી પરેશાની તેઓના માટે એ છે કે જ્યારે આ બધુ દેખાય છે તો તેઓને બની ઉમય્યા અને ખલીફાઓના કાવતરા પણ દેખાય છે અને સિરતે રસુલ(સ.અ.વ.) અને ખોલફાની સિરત સામ સામે આવી જાય છે. ખોલફાની સુન્નત અને દીન જેના પર મુસલમાનોની બહુમતી અમલ કરે છે, તેમાં ખામી અને ભૂલ દેખાય છે અને તે ઐબને સ્વિકારવાને બદલે તેની સમજણ આપે છે પરંતુ કોઇ દલીલ રજુ નથી કરી શકતા.

અને હુસૈનીય્યત સ્પષ્ટ અને જાહેર છે અને દીન અને મઝહબને બાકી રાખવા માટે ઝામીન છે.

(ખોલફાની સુન્નતથી મુરાદ એ બેશુમાર બિદઅતો છે જેનું વર્ણન કરવું અહી શક્ય નથી જેમકે ત્રણ તલાકો, તરાવીહ, મુત્અએ હજ અને મુત્અએ નિસાઅને હરામ ગણવું વિગેરે)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *