ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
ફાતેહે કૂફા વ શામ
જ. ઝયનબે કુબરા સ.અ.
ઈમામે વકત હ. સૈયદુશ્શોહદા ઈ. હુસૈન અ.સ. એ (એમના પર અમારી જાનો ફિદા થાય) એ પોતાના પુરા કાફલાને બે જૂથોમાં વહેંચી દીધો હતો. એક જૂથના ખભે અસ્રે આશૂર સુધીની જવાબદારી હતી. જ્યારે બીજા જૂથની જવાબદારીઓનો આરંભ અસ્રે આશૂર પછીથી શરૂ થતો હતો. બીજા જૂથની લગામ આપે પોતાની અને હ. અલી અ.સ.ની લખ્તે જીગર જ. ઝયનબે કુબરા સ.અ.ના હાથોમાં આપી. જો કે ઈ. હુસૈન અ.સ.ની પછી ઈમામતનો હોદ્દો હ. અલી ઈબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન અ.સ.ને મળેલ હોઈ તેમની નિગરાની સારસંભાળ નીચે આ જૂથને ઝુલ્મ અને અત્યાચારના મહેલ પર હુમલો કરવાનો હુકમ ફરમાવ્યો હતો.
કૂફા ઉપર હુસૈને મઝલુમ અ.સ.ના મઝલુમ જૂથનો (પહેલો જ) હુમલો એટલો જોરદાર અને અસરકારક હતો કે ઈબ્ને ઝિયાદ જેવા ઝિનાઝાદા ઝાલિમ સરમુખત્યારના પગ તળેથી જમીન સરકી જતી જણાઈ. કરબલાના મારેકાની આ બાહોશ બીબીએ કૂફાવાળાઓના સુતેલ અંતરાત્મા અને વેચાઈ ગયેલા દિમાગોને એવી રીતે હલબલાવી મુકયા કે બધા સફાળા જાગી ઉઠયા અને ઈબ્ને ઝિયાદ જેવા ઝાલિમ હાકિમ ખુદ પોતાના લગાવેલા સજાવેલા દરબારમાં ઝલીલ અને રૂસ્વા (બદનામ) થઇ ગયો અને એહલેબૈત અ.સ.ની અસીરીનો તમાશો જોવા આવેલા એમના અઝાદાર બનીને ઉઠયા. કુફાનો કાચનો મહેલ જેવો દરબાર હ. ઈ. હુસૈન અ.સ.ના અઝાખાના (ઈમામવાડા)માં ફેરવાઈ ગયો. અને વાહુસૈનાની આવાઝથી આખું શહેર ગૂંજી ઉઠયું અને લોકોનો આવો બદલાયેલા મિજાજ જોઈ ઈબ્ને ઝિયાદ હેબતખાઈ ગયો અને તૂર્તોતૂર્ત અસીરાને એહલે હરમ અ.સ.ને બોલાવી લેવા લખ્યું. આથી યઝીદે પલીદે પણ તેમને મોકલી આપવા લખ્યું.
૧૮-૨૦ દિવસની અંદર યતિમો, બેવાઓ અને મઝલુમોનો આ લાચાર બેબસ બેકસ કાફલો બે-રિદાઈની તલવાર, મઝલુમિયતના તીર, બેકસીના ખંજર, ભૂખ-તરસના ભાલા, હાથકડી બેડી અને લંગર રૂપી કોરડાના ઝુલ્મો સિતમ ઉઠાવતો આ કાફલો કૂફા અને શામના વચ્ચે આવતા શહેરો અને ગામડાંઓને ફતેહ કરતો કરતો અને પોતાની પાછળ સામાન્ય પ્રજાના આહ, રૂદન, ધ્રુસકા અને ફરિયાદોને છોડતો શામની તરફ આગળ વધતો ગયો.
જ. સકીનાની એ ફરિયાદ કે “હાય કાકા! હું પ્યાસી છું!” સાંભળવાવાળાઓના દિલોને ચીરતી લોકોના દિલો દિમાગમાં ઊંડે સુધી ઊતરી જઈ એક વેદના છોડતી આગળ વધી જાય છે. દમિશ્ક શહેરમાં દાખલ થતાં પહેલાં શહેરની બહાર કાફલાને રોકી દેવામાં આવે છે કે જેથી પુરી રીતે આઈનાબંદી (અરીસાનો શણગાર) કરવામાં આવે કે જેથી હ. રસુલે ખુદા સ.અ.વ. અને એમની પવિત્ર આલને એટલા હીણ કરી બતાવવામાં આવે અને લોકોની નજરમાં એટલા નીચે પાડવામાં આવે કે આપના રિસાલત અને ઈમામતના દાવા લોકોની નજરમાં એક કાલ્પનિક કહાણી એક દંતકથા બનીને રહી જાય.
શહેરમાં દાખલ થવાની રજા મળે છે. શિમ્રે લઈન આગળ વધીને આ હુસૈની કાફેલાની સિપેહ સાલાર સાનીએ ઝહરા સ.અ.ને કહે છે, ઝયનબ સ.અ. તમારે આ જ રીતે ઉઘાડા માથે અમીરૂલ મોઅમેનીન યઝીદ (લઅનલ્લાહ)ના દરબારમાં આવવું પડશે. આયનાઓથી શણગારેલા બજારમાંથી (તમાશબીનોની વચ્ચેથી) પસાર થવું પડશે. જ. ઝયનબ સ.અ. વિનવણી કરે છે છે: અય શિમ્ર (લઈન)! ચાલવા માટે તો હું તૈયાર છું… પણ તું રસુલે ખુદા સ.અ.વ. અને તેમની પવિત્ર આલની હુરમતનો તો જરા ખ્યાલ કર! આ શહેર ઈસ્લામી સલ્તનતનું પાટનગર છે. ગૈર ઈસ્લામી દેશોના એલચીઓ અને (અન્ય) અધિકારીઓ પણ એ દરબારમાં હશે. અમો આલે મોહમ્મદ સ.અ. ને (આ રીતે ઉઘાડા માથે) કૈદીની હાલતમાં જોઈને તે લોકો હ. રસુલે ખુદા સ.અ.વ. અને ઈસ્લામની બાબત શું કલ્પના કરશે? એનો તો તું જરા વિચાર કર! તું (ફકત) અમારા માટે ચાદરોની વ્યવસ્થા કરી દે તો ઝયનબ કાફેલા સાથે (દરબારમાં) ચાલશે.
શિમ્રે લઈને એ જોઈને કે આ કાફલો તદ્દન લાચાર, બેબસ અને મઝલુમ છે (અને તેના તરફથી કોઈ કંઇ બોલનાર નથી) એમ જાણીને કહ્યું, અય અલી અ.સ.ની બેટી! દરબારમાં ચાલવું કે ન ચાલવું અને કેવી રીતે ચાલવું તેનો ફેંસલો કરવાનો અધિકારે આજે તમારા હાથમાં નથી. તેનો આધાર ફકત અમીરૂલ મોઅમેનીન યઝીદ (લઅન)ના હુકમ પર છે.
હવે જ. ઝયનબ સ.અ.એ તેવર બદલ્યા. રગોમાં જ. સૈયદા સ.અ.નું દુધ જોશ ખાવા લાગ્યું. ચહેરા પર અલી અ.સ.ના જલાલ (રોબ)ના નિશાન ઉપસવા લાગ્યા. ટટ્ટાર થઈને બોલી: “ઝાલિમ! તું નબીઝાદીઓને મજબુર અને લાચાર સમજે છે? તું જો હમણા જ પુરી કૌમને અઝાબે ઈલાહીના કહેરનો કોળિયો બનાવી દઉ છું.” આટલું કહી જ. ઝયનબ સ.અ. પોતાના કાફલાને સંબોધી બોલ્યા ઉમ્મે કુલ્સુમ! રૂકય્યા! ઉમ્મે ફરવા! સકીના! આવો, મારી નજીક આવો! હું આ બેહયા અને ઝુલમગાર કૌમ માટે બદદોઆ કરૂ છું. તમે સૌ આમીન કહો. પણ અચાનક વિચાર આવ્યો કે અબુ અબ્દુલ્લાહ (હ.ઈ.હુસૈન અ.સ.)ની ઈજાઝત વગર આવું મહત્વનું અને મોટું પગલું કેમ ઉઠાવાય?
આમ વિચારી એ નેઝા તરફ જોયું જેના પર મા જાયા (ભાઈ)નું કપાયેલું સર હતું. તો જોયું કે આંખોમાંથી આંસુ વહી વહીને ગાલો પર ઉતરી રહ્યા હતા. જ ઝયનબ સ.અ. તડપી ઉઠી. આવા જ આપી અય અબુ અબ્દિલ્લાહ! એ મારા મા જાયા! હુસૈન અ.સ.! શું કોઇ તાજી (નવી) મુસીબત આવી છે?
કપાએલા સરમાંથી અવાજ આવ્યો, “ફાતેમા સ.અ.ની વારસ અને બદદોઆ? (તો તો અય બહેન) બધી કુરબાનીઓ વ્યર્થ જશે. મહેનતો પર પાણી ફરી વળશે અને શામ પરનો તમારો હુમલો નિષ્ફળ જશે. યઝીદ (લઈન)નો ઝુલ્મ અદાલત (ન્યાય)માં ખપી જશે અને ઈતિહાસના પાનાઓ પર આપણી કુરબાનીઓનો રંગ જ ફકત પીળો નહી પડે આ (જેહાદને) બે સત્તા વાંચ્છુઓની આપસી ટક્કર અને સત્તાજંગ માની લેવામાં આવશે. ઝયનબ સ.અ. ઉઠો, જાવ અને લીલા મહેલ પર ભરપુર હુમલો કરો અને ઉમવી સલ્તનતના પાયા હચમચાવી દો! જાઓ બહેન, જાઓ! નહી, ચાલો! હું પણ તમારી સાથે જ છું.” અને લો
નબીઝાદીઓ યઝીદે પલીદના નજીસ દરબારમાં ઉઘાડા માથે, રસીઓમાં જકડાએલી અત્યંત હીણપતની હાલતમાં પેશ કરવામાં આવે છે. ઓળખાણો અપાય છે: “આ અલી અ.સ.ની મોટી દીકરી જ. ઝયનબ સ.અ. છે. આ ઉમ્મે કુલ્સુમ છે, આ રૂકૈયા, આ જ. ફાતેમા બિન્તે હસન અ.સ. અને હા, આ હ. ઈ. હુસૈન અ.સ.ની યતીમ દીકરી અને તેમની લાડલી પારએ જીગર કે જે જ્યાં સુધી હ. ઈ. હુસૈન અ.સ.ના સીના (છાતી) પર સૂતી નહી ત્યાં સુધી ન હ. ઈ. હુસૈન અ.સ.ને ઊંઘ આવતી અને ન સકીના સ.અ.ને.”
રસુલ ઝાદીઓ માથું નમાવી, રસી બાંધેલ હાલતમાં યઝીદ (લઈન)ના નજીસ છતાં ભરેલા અને શણગારેલા દરબારમાં ઊભી હતી સામે શહીદોના સર હતા. આ નબી સ.અ.વ.ના હમશકલ અલી અકરબરનું સર, આ રૂબાબના દૂધપિતા બાળકનું સર, આ હસન અ.સ.ની યાદગાર કાસિમનું સર અને આ સર કે જેની આંખો બંધ અને મીચેલી છે તે જાણો છો કોનું સર છે? એક ગૈરતદાર ગુલામનું, નહીં, ભાઈનું, નહીં સક્કાનું, નહી, હુસૈની લશ્કરના સિપેહસાલાર (સરદાર)નું, નહીં, કરબલામાં હ. અલી અ.સ. ના પ્રતિનિધિનું, નહી, જેને જ. ફાતેમા સ.અ.એ પોતાના જીગરનો ટુકડો કહેલો, તેનું નહીં, નબી ઝાદીઓની ઢારસ (સાંત્વનરૂપ) હતા તેનું, નહીં, દુનિયાના તમામ બેવારસો, યતીમો, નિરાશાના માર્યા ઈન્સાનો, હાજતમંદો, બે આસરા (નિરાધાર) લોકોના આસરા અને આધાર, બાબુલ હવાએજ, બાબુલ મુરાદ, સકીના સ.અ.ના કાકા હ. અબુલ ફઝલિલ અબ્બાસ, મઝહરે જલાલે કિબ્રીયાનું સર છે અને સામે જ યઝીદ (લઈન)ના તખ્તની બરાબર નીચે, સોનાના થાળમાં ખૂનથી તરબોળ અને ધૂળ અને રજથી લીપાયેલું, સુકી જીભ હોઠથી બહાર નીકળેલ, ઈન્સાની આઝાદીના અલમબરદાર, ખુદાઈ (સલ્તનત)ના પ્રતિનિધિ, હ. હુસૈન બિન અલી અ.સ.નું સર છે સામે રસુલે કૌનેન સ.અ.વ.ની નવાસીઓ પોતાના સર ઝુકાવી ઊભી છે અને શોહદાએ રાહે ખુદાના સર તખ્તની નીચે વીખેરાયેલા પડયા છે અને નબીઝાદીઓની પાસે ઝમાનાના ઈમામ અ.સ. માથાથી પગ સુધી સાંકળોમાં જકડાયેલા ઊભા છે.
યઝીદ (લઈન) જામ પર જામ ખાલી કરતો જાય છે. ઝમાનાના મૂસા અ.સ.ને સાંકળોમાં જકડાયેલ જોઈને શરાબ અને ફિરઓનિયતના નશાની બેવડી આગે તેને ઔર મદહોશ બનાવી દીધો છે. એહલેબૈતે રસુલ સ.અ.વ.ને કૈદમાં જકડાયેલા અને મજબુર અને લાચાર જોઈને ખુશીના જોશમાં ઝૂમી રહ્યો છે અને આનંદ અને નશામાં બેવડા કેફમાં ઝૂમતો આ શેર પડી રહ્યો છે જેનો મતલબ આવો હતો:
અય કાશ, મારા એ વડીલો કે જે જંગે બદ્રમાં કત્લ થઈ ગયા તેઓ જો આજે જીવતા હોત તો જોત કે ખઝરજ (કબીલા)નો ગરોહ (જૂથ) કેવી રીતે અમારા નેઝા અને તલ્વારોનો માર્યો ફરિયાદ અને રૂદન કરે છે. ખાત્રીથી, તેઓ ખુશીના માર્યા પુકારી ઉઠત. “અય યઝીદ (લઈન) તારા હાથ સલ ન થાય લકવો ન થાય અમે બની હાશમના બુઝુર્ગોને કત્લ કર્યા અને જગે બદ્રનો હિસાબ પુરી રીતે ચુકવી દીધો. બની હાશિમે તો મુલ્ક અને સત્તા હાસિલ કરવા એક ખેલ ખેલેલો બાકી ન તો (મઆઝલ્લાહ) ખરેખર કોઈ આસમાની પૈગામ આવેલો કે ન તેમના કોઈ વહી નાજીલ થઇ ઉતરી હતી! જો હું એહમદ સ.અ.વ.ના ફરઝંદોથી વેર ન વાળત તો હું ખન્દફની ઔલાદ જ ન હોત.”
યઝીદ (લઈન)ના આ શૈતાની કલામ હતા જેમાં તે ઈસ્લામની (ઉસૂલી) માન્યતાઓનું જાહેર ખંડન જ નહોતો કરતો પરંતુ મઝાક ઉડાડતો હતો અને (આમ કરી) પોતાની જ બેશરમી અને બેગૈરતીનું પ્રદર્શન કરતો હતો અને ખુદ પૈગમ્બર (સ.અ.વ.)થી બદલાની વાત કરતો હતો.
અરે, શું યઝીદ (લઈન) રસુલે અકરમ સ.અ.વ. સંબંધે અણછાજતી અને અયોગ્ય વાતો કરતો હતો? અને આપ સ.અ.વ.ના દુશ્મનો અને કાફરોની બુઝુર્ગી અને મહાનતાનો કલમો પડતો હતો?
જી હા, આ એક દર્દનાક અને (અત્યંત) કડવી હકીકત હતી (ઈતિહાસના ચોપડે નોંધાતો) આ પહેલો પ્રસંગ હતો જયારે કોઈ માણસ મુલસમાનોના ખલીફા અને રસુલે ખુદા સ.અ.વ.ના જાનશીન (વારસ) હોવાનો પણ દાવો કરતો હોય અને (સાથો સાથ) ઈસ્લામના પવિત્ર સિધ્ધાંતોનો ઈન્કાર કરી તેની ખુલ્લમખુલ્લી હાંસી અને મઝાક પણ ઉડાવતો હોય!! પરંતુ આખા દરબારમાં કોઈની એ મજાલ કે હિંમત ન હતી કે આ દારૂડિયા, નીચ ને બદનામીના પુતળા જેવા (કહેવાતા) ખલીફતુલ મુસ્લેમીન! ને જરાય રોકે કે ટોકે. હુસૈન અ.સ. તો શહીદ થઈ ગયા હતા. તેમના સિવાય હવે કોણ એવું હતું જે આગળ વધીને તેના મોઢા પર રૂસ્વાઈનો તમાચો મારીને તેને તેના ઉમરાવો અને ઓલમાએ દીન! ની સામે ઝલીલ કરી શકે?
પરંતુ હુસૈન અ.સ. ન હોય તો શું થયું? ઈસ્લામની આબરૂનો અને અલ્લાહના પાકીઝા સિધ્ધાંતોની પવિત્રતાને સવાલ હતો. એ ઈસ્લામ જે હ. ઈબ્રાહીમ અ.સ. નો મઝહબ હતો એજ ઈસ્લામ જે અલ્લાહનો ધર્મ હતો.
નહી, હુસૈન અ.સ. ભલે ન હોય, પણ હુસૈન અ.સ.ની માજાઈ, પૈયગમ્બરે ઈસ્લામ સ.અ.વ.ની નવાસી, સાનીએ ઝેહરા સ.અ. જ. ઝયનબ સ.અ. તો છે ને. એકાએક કૈદીઓની સફ (હાર)માંથી એક નારી ઉઠે છે. જેના ચહેરા પર હ. હમ્ઝા અ.સ. અને જ. જઅફર અ.સ.નો દબદબો તથા હ. અલી અ.સ.નો રોબ અને જલાલ ઝલકી રહ્યો છે. તે આ જુઠાણા બોહતાનનો જડબાતોડ જવાબ આપવા આવી રીતે શબ્દોનો હુમલો કરે છે:
“બિસ્મિલ્લા હિર્રહમા નિર્રહીમ.
તમામ તારીફ અને વખાણ (ફકત) અલ્લાહને માટે (યોગ્ય) છે, જે તમામ કાએનાતે આલમનો પરવરદિગાર છે અને દોરૂદો સલામ થાય પૈગમ્બરે ઈસ્લામ સ.અ.વ. અને તેમની પવિત્ર આલ પર. અલ્લાહ તઆલાએ સાચું જ ફરમાવ્યું છે કે જે લોકો બુરાઈઓમાં ફસાયા હતા અને બુરા કામ કર્યા હતા તેમનો અંજામ પણ ખરાબ જ આવ્યો કારણ કે તેઓએ અલ્લાહની આયતોને જુઠલાવી હતી અને તેની હાંસી ઉડાડતા હતા. (સુરએ રૂમ આયત-૯).
અય યઝીદ (લ.અ.) તું અમારા પર ઝમીન અને આસ્માન તંગ કરીને અને અમોને કૈદીઓની માફક શહેર શહેર દરબદર ફેરવીને એમ સમજે છે કે તે ઈઝઝતો જલાલના માલિક અલ્લાહની નજરમાં પણ અમને ઝલીલ અને રૂસ્વા કર્યા છે? અને તું મોટા દરજા અને મન્ઝેલતનો માલિક થઇ ગયો છે? દિમાગમાં આવી હવા ભરીને ખૂબ ઘમંડ ગુરૂર અને અભિમાનથી તારી ચારે તરફ એવી રીતે જોઈ રહ્યો છે, જાણે તારી દુનિયા આબાદ થઈ ગઈ છે અને જાણે બધા જ કામ તારીજ મરજી અનુસાર થઇ રહ્યા છે એમ માની ખુશ ખુશ થઇ રહ્યો છે અને જે મન્સબ અને દરજાના અમે હકદાર છીએ એના પર તારો કબજો થઇ ગયો છે?
જો તારો આવો જ ખ્યાલ હોય તો ફકત જરા વાર ઠહેરી જા, શું ખુદાએ અઝઝ વ જલ્લનો આ કોલ શું તું ભુલી ગયો છે કે જે તેણે કુરઆનમાં ફરમાવ્યો છે કે “એ લોકો કે જેમણે કુફ્ર ઈખ્તેયાર કર્યુ છે તેઓ હરગીઝ એમ ન સમજે કે અમે તેમને જે મોહલત અને સંપતી અતા કરી છે તે તેમના માટે (અંજામની દ્રષ્ટિએ) બેહતર છે કારણ કે અમે તો તેમને આમાલ અને મોહલત (ફકત) એટલા માટે જ આપી છે કે તેઓ (પેટ ભરીને) ઔર ગુનાહો કરી લે, કારણ કે છેવટે તો તેમના માટે રૂસ્વા કરનારો અઝાબ છે.” (સુ. આલે ઈમરાન, આ. ૧૭૮)
અય તલકાના બેટા! શું આ ઈન્સાફ છે કે તું તારી પોતાની ઔરતો (અરે) કનીઝોને પણ પર્દામાં રાખે પરંતુ ખુદ તારા નબીની દીકરીઓને જાહેર સ્થળોમાં પર-પુરૂષોની (નામહેરમોની) સામે (ખુલ્લા માથે) હાજર કરે? અને તેમના દુશ્મનો સાથે શહેરે શહેર એવી રીતે ફેરવે કે ગામવાસીઓ ચાહે તે નઝદીકના હોય કે દુરના, નીચ હોય કે ઉચ્ચ તે સૌ એમનો તમાશો જુએ (ફકત એટલા માટે કે) એમના મર્દોમાંથી કોઈ બચ્યું ન હોય અને કોઈ તેમના તરફથી અવાજ ઉઠાવનાર ન હોય! ખરેખર, આ સિવાય તારી પાસેથી બીજી આશા શું રાખી શકાય? એ માણસ પાસેથી રહેમ અને મહેરબાનીની આશા શી રીતે રાખી શકાય જે અલ્લાહના પાક અને પાકીઝા બંદાઓના જીગર ચાવી ખાવાની ઈચ્છા ધરાવતો હોય અને જેનું ગોશ્ત અને ચામડી ઈસ્લામના શહીદોના લોહીથી (લોહી પીને) બન્યા હોય! ભલા એ શખ્સ કે જે અમો આલે મોહમ્મદ સ.અ.વ.ને હંમેશા વેર, દુશ્મની, કિન્ના અને અદાવતની નજરે જ જોતો હોય તે અમારી સામે દુશ્મની બતાવવામાં શું લેવા ઉણો ઉતરે?
અય યઝીદ! આટલા મોટા અને ઘૃણિત અપરાધો કરીને પણ (ખામોશ) બેઠો છે અને પોતાના ગુનાહનો સ્વીકાર કરવાને બદલે આવું કહેવાની ધૃષ્ટતા કરે છે. “અય કાશ! મારા બાપદાદાઓ જીવતા હોત તો ખુશી અને આનંદ સાથે ચિલ્લાઈ ઉઠત કે “અય યઝીદ તારા હાથ શલ ન થાય (યાને તને લકવો ન થાય)”.
અને આવું કહીને પછી પણ જન્નતોના જવાનોના સરદાર હ(.ઈ. હુસૈન અ.સ.)ના હોઠ અને દાંત સાથે તું લાકડી વડે બે અદબી કરે છે? અને પોતાના હાથને હ. રસુલે ખુદા સ.અ.વ.ના ફરઝંદના ખુનમાં (વધુ) રંગી રહ્યો છે? તે અબ્દુલ મુત્તલિબની સિતારા જેવી ચમકદાર આલને કત્લ કરી નાખી અને હવે (પાછો) તારા બાપદાદાઓને આવાઝ આપી (બોલાવી) રહ્યો છે! તું એમ સમજી રહ્યો છે કે તું એમની સાથે વાત કરી રહ્યો છે! બહુ જલ્દી તું પોતે પણ તારા એ બાપદાદાઓને (જઈને) મળવાનો છે. ત્યારે તું એવી ઈચ્છા કરશે કે કાશ, મારા આ હાથ લકવાગ્રસ્ત હોત અને મારી જીભ મુંગી હોત (તો સારૂં હતું કે જેથી આવા અપરાધો તો ન કરી શકત) એટલેકે, જે આ બધું મેં કહ્યું તે ન કહેત અને જે કર્યુ તે ન કરત…!
આ જગાએ હ. અલી અ.સ.ની પુત્રીએ (જ. ઝયનબે) ખુદાને સંબોધીને અરજ કરી: “પરવરદિગાર, અમારા દુશ્મનો પાસેથી અમારો હક (જે તેમણે છીનવી લીધો છે તે પાછો) લઈ લે અને જેઓએ અમારા પર (આવો ધોર) અત્યાચાર કર્યો છે તેમની પાસેથી વેર (બદલો) લે અને જે લોકોએ અમારા મરદોને કત્લ કર્યા છે અને તેમના (નાહક) ખુન વહાવ્યા છે તેના પર તારો આગ ઝરતો અઝાબ ઉતાર” અને ફરી યઝીદને સંબોધન કરી ફરમાવ્યું: “અય યઝીદ આવો મહાન અપરાધ કરીને તે ફકત તારી જ ચામડી ઉતરડી છે અને તેં તારી જ બોટીના કટકા કર્યા છે. બહુ જલ્દી તું પૈગમ્બરે ખુદા સ.અ.વ.ની સમક્ષ રજુ કરવામાં આવશે. તે આપ સ.અ.વ.ના ફરઝંદોના રકત વહાવવાનો અને એમના પવિત્ર કુટુંબ અને જીગરના ટુકડા જેવા સંતાનો (અમો)ને બદનામ અને બે આબરૂ કરવાનો મહા અપરાધનો બોજ તારા ખભે લઈ લીધો છે જે દિવસે ખુદાવંદે આલમ તેઓ સૌને એકઠા કરશે અને તેઓના (આજના) અલગાવ (જુદા જુદા વિખરાયેલા હોવાની સ્થિતિ)ને સૌના સંમેલન અને એકત્ર કરવામાં બદલી નાખશે અને તેઓના (લુંટાયેલા) હકને પાછો માગશે, ત્યારે શું કરીશ? અને શું તેં કુરઆનની આ આયત નથી વાંચી કે જે લોકો અલ્લાહની રાહમાં શહીદ કરવામાં આવ્યા છે એમને મરેલા ન સમજો. તેઓ તો જીવતા છે અને અલ્લાહ પાસેથી પોતાની રોજી (બરાબર) પામે છે.”
અય યઝીદ! તારા માટે આટલું પુરતું છે કે તારો હાકિમ અને ઈન્સાફ કરનાર ખુદ અલ્લાહ પોતે હોય. ફરિયાદી હ. રસુલે ખુદા સ.અ.વ. અને તેમના મદદગાર (સાક્ષી વિ.) જીબ્રઈલ હોય અને જે લોકો એ તને આ હોદ્દા પર બેસાડયો છે તે બહુ જલ્દી જાણી લેશે અને જેમણે તને મુસલમાનોની ગરદન ઉપર સવાર કરાવ્યો છે તેમને તરત ખબર પડી જશે કે કેવા જુલમગારને તેઓએ પોતાની જગાએ બેસાડયો હતો અને તને પણ બહુ જ જલ્દી ખબર પડી જશે કે તમો બધામાં સૌથી વધુ હતભાગી અને બદનામ કોણ છે.
એ મોઆવિયાના દીકરા! જો કે ઝમાનાની તકલીફો અને મજબુરીઓએ આજે મને આ હાલતમાં મુકી દીધી છે કે મારે તારી સાથે વાત કરવી પડે છે (નહીં તો તારી શું હસ્તી છે અને તારી શું લાયકાત છે? તારી સાથે વાત પણ ન કરાય!) હું તો તને એકદમ તુચ્છ ગણું છું અને તને ખુબ ઠપકો આપું છું અને તારો તિરસ્કાર ધિક્કાર કરૂં છું અને કેમ ન કરૂં ? કારણ કે આજે અમારી આંખો રોઈ રહી છે અને અમારા દિલો અમારા પ્યારા અને લાડકા જીગરના ટુકડાઓની જુદાઈમાં શેકાઈ રહ્યા છે.
આહ! એ કેવી અજબ જેવી વાત છે કે અલ્લાહના ખાસ (નેક) બંદાઓ શયતાનના લશ્કરના હાથે શહીદ થઈ જાય! તમે લોકોએ તમારા નજીસ હાથોને અમારા રકતમાં ઝબોળ્યા છે. તમારા નાપાક મોઢાઓ પૈગમબર સ.અ.વ.ના પવિત્ર ખાનદાનના નબીરાઓના ગોશ્તથી ભરેલા છે એવા પાકો પાકીઝા અને સન્માન પાત્ર શહીદોના શરીરો ઝમીન પર (એમ જ ખુલ્લા) પડયા રહેવા દેવાયા જેમની પાસે ફાડીખાનારા જાનવરોએ પણ (અદબથી પોતાના) માથા ઝુકાવી દીધા.
હે યઝીદ (લઅન) જો તું અમારા (ખાનદાનના) કત્લને અને અમને કૈદ કરવાને ગનીમત (સોનેરી મોકો) જાણતો હો તો ઘણી જલ્દીથી એનું ભારે નુકશાન ઉઠવાશે અને તારા હાથે કંઇ (ફાયદો) નહી આવે સિવાય (બુરા) અમલનો આ ભંગાર કે જે તેં તારી (આખેરત) માટે ભેગો કર્યો છે. બેશક અલ્લાહ તઆલા (પોતાના કોઇ) બંદાઓ પર ઝુલ્મ નથી કરતો. અમે તારા આ ઝુલ્મો સિતમની ફરિયાદ તેની હુઝુરમાં કરીશું કારણે અમારૂ (અંતિમ) આશ્રયસ્થાન એજ છે.
ઐ યઝીદ (લઅન) અમારી (પ્રત્યેની) દુશ્મનીને કારણે (અત્યારે તો) તારે અમારી સાથે જે રીતનો વર્તાવ કરવો હોય તે કરી લે અને જે કંઈ મક્રો ફરેબ કરવા હોય તે અજમાવી લે અને છતાં લોકોના દિલોમાંથી તું અમારા નામોને મિટાવી નહી શકે.
ઐ યઝીદ (લઅન) અમારી વહીઓને ખામોશ કરીને તું તારી આરઝુઓને પુરી નથી કરી શકતો અને ન તો બદનામી અને રૂસ્વાઈના તારા નામ પર લાગેલા બટ્ટાને દુર કરી શકે છે. તું આ જાણી લે કે તારી અકલ અને તારો અભિપ્રાય ખુબજ કમઝોર (નબળો) છે અને તારી ઝીંદગીની મુદ્દત બહુ જલ્દી ખત્મ થઇ જશે. તારી ટોળકીઓ વીખરાઈ જશે. એ દિવસે કે જયારે અલ્લાહનો અવાજ આપનાર અવાજ આપશે કે સિતમગારો અને અન્યાયીઓ પર અલ્લાહની લઅનત હો.
હવે હું વખાણ અને પ્રસંશા કરૂ છું એ શકિતશાળી અલ્લાહની કે જેણે અમારા આરંભને ખુશકિસ્મતી અને મગ્ફેરત (ગુનાહોથી માફી) ઠરાવ્યો અને અમારી સમાપ્તિ શહાદત અને રહેમત ઉપર કરી. ખુદાથી એજ દોઆ છે કે પોતાની રહેમત અને સવાબ અમારા શહીદો પર સંપૂર્ણ રીતે વરસાવે અને તેઓના ઇનામ (બદલા)ને પુષ્કળ અને અનંત કરે અને અમારા વારસોને તેઓમાંથી જ નેક અને સારા બનાવે કારણકે તે માફ કરનાર અને મહેરબાન અલ્લાહ છે. એની ઝાતજ અમારૂં આશ્રય સ્થાન છે. તેજ અમારા માટે પુરતો અને શ્રેષ્ઠ કાર્યસાધક છે.”
હ. અલી અ.સ.ની શેરદિલ બેટી જ. ઝયનબ સ.અ. ની આગ ઓકતી ભાષામાં એટલી ગરમી હતી અને તેમા યઝીદ (લઈન) માટે એટલી પ્રબળ હિકારત હીણપણ તુચ્છતા અને રૂસ્વાઈ તથા ડાંત ડપર (ઠપકો) ભર્યો હતો કે જેણે મૌત જેવા સન્નાટાની ગાઢ નિંદ્રામાં સુતેલ સમાજને બહુ અસરકારક રીતે જાગૃત અને વિચાર કરતા કરવાનો રસ્તો તૈયાર કરી આપ્યો. એના પ્રત્યાઘાત એવા પડયા કે દમિશ્કની સલ્તનત માટે જોરદાર મુશ્કેલીઓ અને આફતો ઊભી થઇ. પરંતુ આવી બેહયા હુકુમત અને આવા બેશર્મ બાદશાહ માટે આટલું પુરતું ન હતું. આથી ઈમામે વકત (એટલે ચોથા ઈમામ અ.સ.) એ મિમ્બર પરથી ખુત્બો આપયો અને તે પણ યઝીદ (લઈન)ને તેના અવામ (આમ લોકો)ના બેહદ આગ્રહ અને દબાણ પછી. અને આપનું પ્રવચન તો એટલું દિલ પીગળાવી મુકે એવું અને અસરકારક હતું કે યઝીદને ભય લાગ્યો કે કયાંક દરબારમાંથી બળવાની શરૂઆત ન થઇ જાય, કારણકે જ. ઝયનબ સ.અ.ના ખુત્બાને બેઅસર (નિષ્પ્રભાવી) બનાવવા માટે યઝીદે પોતાના ભાષણકારને હુકમ આપયો કે તે (મિમ્બર પર જઇ) હ. અલી અ.સ. અને તેમની ઔલાદ માટે બુરૂ બોલે અને આલે અબુસુફયાનની ફઝીલત બયાન કરે, પણ પ્રવચનકારના આવા ભાષાણ દરમ્યાન શહીદોના સય્યદો સરદાર હ.ઇ. હુસૈન અ.સ.ના જીગરના ટુકડા એવા બીમાર ઈમામ અ.સ. હાથકડી અને બેડીઓની સાંકળ સંભાળતા ઊભા થયા અને ભાષણકારને પડકારીને બોલ્યા: અફસોસ છે તારા હાલ પર અય ખતીબ! તેં લોકોને ખુશ કરવા માટે થઈને અલ્લાહનો ગઝબ (ગુસ્સો) વ્હોરી લીધો. હવે તારૂ સ્થાન જહન્નમની ભડકતી આગમાં છે.
સય્યદે સજ્જાદ અ.સ.ના આ પ્રવચને રહી સહી કસર પણ પુરી કરી દીધી હતી. લોકોને વાસ્તવિકતાનું ભાન થઈ ગયું. શામના લોકોના વિચારોમાં પરિવર્તન ડોકિયા કરવા લાગ્યું. ખુદ યઝીદ (લઅન)ના દરબારમાં જ તેના જ વિરોધીઓનું એક જુથ તૈયાર થઇ ગયું. એહલેબૈત રસુલ સ.અ.વ. પરના કૈદ અને ઝુલ્મોસિતમની સખ્તીઓ પણ આમજનોને ધોકો (ફરેબ) ન આપી શકે (કે તેઓ ખરેખર બળવાખોર અને સજાપાત્ર છે.)
છેવટે થાકી હારીને એક દિવસે યઝીદે (લઅન) તેમને કૈદમાંથી મુકત કર્યા. યઝીદના માનસ પર મહાન ગુન્હો કર્યાની ભાવના એવી પ્રબળ રીતે છવાવા લાગી કે (ભર્યા દરબારમાં બેશરમી પૂર્વક શેખી વધારનાર) તે પોતે આ ગુન્હા પાછળ જવાબદાર હોવાનો સ્વીકાર કરવામાં હીણપત અનુભવવા લાગ્યો અને જાણે પોતે આમાં સાવ બેકસુર હોય તેમ તમામ ગુન્હાનો ટોપલો પોતાના ગવર્નર ઈબ્નેઝિયાદના માથે ઓઢાડવા લાગ્યો (કે તેણે જ આ બધું કરાવ્યું!) અને અરધી અરધી રાતે ઉઠીને મા લી વલિલ્હુસૈન અ.સ. હાએ, હુસૈન અ.સ.મે મારૂં શું બગાડયું હતું? ના પોકારો પાડવા મંડયો અને પછી નબી સ.અ.વ. ના અહલેબૈતને ફકત મુકત જ નથી કરી આપતો, પરંતુ તેમની જ ફરમાઈશ માન્ય કરી હ. હુસૈન અ.સ.ની અઝાદારી અને શોક પ્રદર્શન માટે મકાન સાધન વિ. ની વ્યવસ્થા પણ કરી આપે છે.
આજે હવે નબી સ.અ.વ.ના પવિત્ર એહલેબૈત મુકત થઈ રહ્યા છે. જયાં જવા ચાહે ત્યાં જઈ શકે છે. શું પહેલા કરબલા જવા માગો છો? ભલે, ત્યાં જાઓ! અમારીઓ (મહેમિલો) પર રેશમી પરદા નાખવામાં આવે અગર હુસૈન અ.સ.ના એહલેબૈત એ પસંદ ન કરતા હોય તો જેવા પસંદ કરે તેવા પરદા નાખી દેવામાં આવે. ભલે કાળા પરદા નાખો પણ એ લોકો જેમાં રાઝી હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે હવે સમયના સત્તાધારીએ પોતાની મરજીથી ઝુલ્મથી હાથ ધોઈ નાખ્યા છે. અને એક સત્તાધારીએ પોતાની મરજી ઠોકી બેસાડવામાંથી પીછે હઠ કરવી એ તેના પરાજયની બરાબર છે. યઝીદ પણ પૂરી રીતે પરાજીત થઇ ચુકયો હતો માનસિક રીતે ભાંગી પડયો હતો.
મેહમિલો અને અમારીઓ તૈયાર થઈ ચુકી છે, સામાન બરાબર લદાઈ ગયો છે અને બીબીઓ એક એક કરીને સવાર થઈ રહી છે. પણ એ પહેલાં ઝયનબ સ.અ. એ દમિશ્કની સર ઝમીન પર પોતાના મઝલૂમ અને શહીદ ભાઈની સફે અઝા બિછાવી ચુકી છે અને ખુદ બની ઉમૈયાની તથા અન્ય તમામ ઔરતોથી પુરસો (આશ્વાસન) લઈ ચુકી છે અને દરેકને ઝુલ્મની દાસ્તાન સંભળાવીને યઝીદ (લઈન) અને બીજા ઉમવી (તથા અન્ય) સરદારો તથા કહેવાતા મોટેરાઓના કાળા કામાની પુરી વિગતો સંભળાવી ચુકી છે. ઝુલ્મો સિતમ અને જોર જબરદસ્તી અને હુકમોની વિરૂધ્ધ નફરતની આગનો પલીતો ચાંપીને, યઝીદ અને મુઆવિયાની ભવ્ય મહેલાતોના પાયા હલાવીને, શામ વાસીઓના સુષુપ્ત અંતરાત્માઓને ઢંઢોળીને અને ખુદ દમિશ્કને જ અઝાએ હુસૈન અ.સ.નું આરંભ કેન્દ્ર બનાવીને, શામને ફતેહ કર્યા પછી મઝલૂમો અને બેસકોનો આ કાફેલો પોતાની આગેકૂચ આરંભે છે અને દમિશ્ક અને કરબલાની વચ્ચે આવતા દરેક શહેરો અને ગામોના સ્ત્રી-પુરૂષો અને બચ્ચા, બુઢા જવાનોના હઝારો દિલોના કાફલાને પોતાની મઝલૂમીની સાથે લેતો કરબલાની સરઝમીન પર ઉતરાણ કરે છે.
કાફલાવાળાઓની નઝરોમાં દૂર દૂર સુધી, નજર પહોંચે ત્યાં સુધી, નયનવાનુ. અફાટ રણ ફેલાયેલું પડયું હતું જેના ઈન્તેઝારમાં અગણિત બેચૈન અને દર્દનાક ઘડીઓ વીતાવી હતી. જ્યારે અગિયારમી મોર્હરમે સરઝમીને કરબલાને છેલ્લા સલામ કહ્યા હતા તે વખતના કરબલા અને આજના કરબલામાં કેટલું વિશાળ અંતર હતું? પહેલા જ્યારે કરબલાથી ચાલ્યા હતા ત્યારે નૈનવાના અફાટ રણની તપતી રેતી પર શહીદોની પામાલ લાશો બેગોરો કફન પડી હતી. સળગેલા તંબૂઓની ધૂંધવાતી અધજલી કનાતો (પર્દા) તેમની બેકસી અને બેબસીનો પોકાર પાડી ચાડી ખાતી હતી. ખુદાની પસંદ કયાયેલી પાક હસ્તીઓના પવિત્ર જીસ્મો (શરીરો)ના વેર વિખેર ટુકડાઓ આમ તેમ વેરાયેલા પડયા હતા અને જે તરફ નજર દોડાવો ત્યાં બસ લોહી જ લોહી નજરે પડતું હતું. જ્યારે આજે?
આજે રાહેખુદાના તમામ શહીદો પોતપોતાની આરામ ગાહોમાં (કબરોમાં) પહોંચી ગયા હતા. પણ કયારે? અને કેવી રીતે? એની ખુદ કાફલાવાળાઓને પણ ખબર ન હતી (હ. ઈ. ઝયનુલ આબેદીન અ.સ. સિવાય) કેટલીક વાર સુધી તો કાફલામાંની બીબીઓ ગમ-અફસોસ અને આશ્ચર્યના અતિરેકમાં પોતપોતાની જગાએથી હલ-ચલ પણ ન કરી શકી.
પણ પછી તો તરત જ જેમ કમાનમાંથી તીર છૂટે તેમ દરેક બીબી પોત પોતાની જગાએથી આ પાકીઝા કબ્રોની તરફ દોડી પડી અને કબ્રો પર પહોંચતા જ કબ્રો પર પડતું મુકયું. પરંતુ ફાતેમા સ.અ.ની લાડલી, હુસૈન મઝલૂમ અ.સ.ની માં જાઈ અને ઔનો મોહમંદની મા, ઝયનબ સ.અ. હજી સુધી પોતાની જગાએ દિગ્મૂઢ શી ઊભી છે. એકદમ ખામોશ, શાંત, ચુપ, જાણે તેની નિર્ણય શકિત જવાબ દઈ ગઈ હોય. દરેક શહીદ જાણે પોતાની તરફ બોલાવી રહ્યા હોય. હ. ઈ. હુસૈન અ.સ. જાણે કહી રહ્યા હતા.
“હે માજાઈ! આ તરફ તો જો! તારા ભાઈને કબ્ર નસીબ થઈ ગઈ છે.” અલી અકબર અ.સ. કહી રહ્યા હતા: ફુઈમા! અહી આવો ને! હું કયારનો આપના ઈન્તેઝારમાં છું. અબુલ ફઝલ (અબ્બાસ અ.સ.) જાણે દરિયા કિનારેથી આવાઝ આપી રહ્યા હતા.
“શાહઝાદી! આપનો હાથ પગ વગરનો ગુલામ અહીં પડયો છે. જો હાથ પગ (સાબૂત) હોત તો ભલા મજાલ હતી કે આપનો ગુલામ દોડીને આપની ખિદમતમાં ન પહોંચે?” કાસિમ કહી રહ્યા હતા: “ફુઈમા! શું ભત્રીજાને ભુલાવી દીધો?” અરે ત્યાં સુધી કે હ. હબીબ ઈબ્ને મઝાહિર અરઝ ગુઝારી રહ્યા હતા, કે રસૂલઝાદી તેમની કબ્ર પર તશ્રીફ લાવે જેથી તેમની દુન્યવી અને આખેરતની અઝમત (મહત્તા)માં ચારચાંદ લાગી જાય. ચારે તરફથી જાણે કે (એકજ) પુકાર હોય, બીબી! આ તરફ બીબી! આ બાજુ બીબી અહીં.”
સાનીએ ઝહરા સ.અ. અજબ કશ્મકશ (ખેંચતાણ)માં ગિરફતાર છે બારે ઈલાહા! એક ઝયનબ સ.અ. કેટલે કેટલે પહોંચે? પરંતુ શાહઝાદીની આ હાલત બહુ લાંબો સમય ન ટકી. છેવટ ફેંસલો કરી જ લીધો. અન્ય બીબીઓની માફક તે પણ તેઝ કદમે એક તરફ દોડી પડી. પરંતુ શાયદ કંઇ ખ્યાલ (વિચાર) આવી ગયો એટલે જ તો ઘડીક કદમ રોકાઈ ગયા.
હાં, અદબ (વિવેક)ની જગા છે. ભાઈની લાશ પર તો મારી નજર સામે જ ઘોડા દોદાવવામાં આવ્યા હતા. એજ ખાડા તરફથી તો માના રોવાનો અવાજ આવી રહ્યો હતો. આજે પણ તો કોઈના ધુ્રસકાનો અવાજ આવી રહ્યો હતો. પુરી ઝમીન પર હુસૈન અ.સ. ના નાઝુક અને પામ જીસ્મના ટુકડાઓ વેરવિખેર થઈને જાણે કે ઝમીનમાં લુપ્ત થઇ ગયા હતા. ઝમીન માટી ન રહી, તે હવે ખાકે શફા બની ગઈ હતી. માટે હવે ઝયનબ સ.અ.! તારા પગલાં પુરા અદબ અને વિનમ્રતા સાથે પડવા જોઈએ. બીબી ઝરા ઠહરો તો ભાઈની કબ્ર તરફ ઝરા આસ્તેથી જજો. પયગમ્બર સ.અ.વ.ના બુઢ અને ફિદાકાર સહાબી જાબિર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારી પોતાના રસૂલના પ્યારા શહેઝાદાની પવિત્ર કબ્રની ઝિયારતમાં વ્યસ્ત છે. કબ્રના સિરાને ધુ્રસકે ધ્રુસકે રોઈ રહ્યા છે અને રોતાં રોતાં હિબકે ચડી ગયા છે. જરા એમના દિલને તો સુકુન (શાંતિ) મેળવી લેવા દો!
બીબી! હવે તો આશ્વસ્ત થઇ જાવ! હવે તો આપના ભાઈને કબ્ર નસીબ થઈ ગઈ છે. નહી તો જ્યારે આપ ૧૧ મી મોહર્રમે અહીંથી કૈદી થઈને રવાના થયા ત્યારે તો અબુ અબ્દિલ્લાહની લાશ, લાશ, શું લાશના ટુકડાઓ, પામાલી પછી વેરણ છેરણ થયેલી લાશ, ઘોડાઓની ટાપોથી ચૂરચૂર થયેલ લાશ. બે ગારો કફન (કફન દફન વગર) એમજ પડી હતી. પણ હા આપના (બીમાર દીકરા) સય્યદે સજ્જાદ અ.સ. આવ્યા હતા. હાથકડી અને બેડી સહિત! ઈમામતના અખ્તીયારોનો ઉપયોગ કરીને અને આવીને પોતાના પિતાની લાશોના ટુકડા દફન કરીને પાછા ચાલ્યા ગયા હતા.
જાબીર ઝીયારતથી ફારેગ થઈ ગયા. બીબી! આવો ભાઈની કબ્ર પર ફાતેહો પડી લ્યો. આવો, ત્યાં આપને આપની માદરે ગીરામી મળશે, બાબા અલી એ મુર્તુઝા પણ મળશે, નાના રસુલે ખુદા મળશે, ત્યાં ભાઈ હસન પણ મળશે. બધા જ તમારા ગમમાં તમારી સાથે છે.
ફાતેમાની લખ્તે જીગર આગળ વધી કબ્રની પાસે જઈ નીચે વળી, બહુ જ ધ્યાનથી જોયું. આંખોમાંથી આંસુઓના બંધ ધસી પડયા. ભાઈની કબ્ર પર ઢળી પડી. ફરયાદ અને રૂદન શરૂ થઈ ગયા.
પ્યારા હુસૈન અ.સ.! મારા ભાઈ, તમે તો જાણો છો કે તમારા વગર ઝયનબને ઝીંદગીની કોઈ કિંમત નથી. કેટલી આશા હતી કે તમારી સામે ઝયનબ દમ તોડતી, તો આ દિવસ જોવાનો વારો ન આવતે. ખુદાની કસમ, આપની કબ્રે મુતહહરની કસમ, મારા દિલની તમન્ના હતી કે આપ પર કુરબાન થઈ જાય આપના મકસદ આપના ધ્યેય પર જન કુરબાન કરી દઉ પણ હાય અફસોસ આ સઆદત નસીબ ન થઈ. મારી આશા મારા દિલમાં જ રહી ગઈ…
હવે કબ્રથી વિંટળાઈ ગઈ અને કહેવા લાગી: હે ભાઈ, તમે પોતે જ કહો, આપની વગર ઝયનબ મદિના કેમ જાય? મદિના જ્યાં નાના અને અમ્મીજાન આરામ ફરમાવે છે, કેવી રીતે પાછી જાઉં? સુગરાને શું જવાબ આપું? માદરે ગીરામી ઊમ્મુલ બનીને પોતાના અબ્બાસ વિષે પૂછશે, તો શો જવાબ આપીશ?
ભાઈ મારા, તારી ઝયનબને સકીના વિષે ન પૂછતો! વ્હાલા ભાઇ, તારી લાડકી સકીનાને ઝયનબ ખોઈને આવી છે. તારી અમાનતને, પરદેશમાં અજાણી જગ્યામાં, અંધારા કૈદનખાનામાં, સુવરાવીને આવી છે. ભાઈ એ ભાઈ! ઝયનબ મદિના હરગીઝ નહિં જાય, અબ્દુલ્લાહ, મારા સરતાજ, ઔન અને મોહમ્મદ વિષે પૂછશે તો ઝયનબ શો જવાબ આપશે?
ભાઈ… ભાઈ… ભાઈ…
“અસ્સલામો અલયક યા અબા અબ્દિલ્લાહ વ અલા અરવાહીલ્લતી હલ્લત બે ફેનાએક.”
Comments (0)