અમ્ર બીલ મઅરૂફની ફરજ અને ઈન્કીલાબે હુસૈની
અમ્ર બીલ મઅરૂફની ફરજ અને ઈન્કીલાબે હુસૈની
આપણે એ જાણવા માગતા હોઈએ કે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) પોતે, પોતાના કુટુંબ અને સહાબીઓ સાથે શહાદતનો જામ પીવાનું શા માટે પસંદ કર્યુ?…
ઈમામે હુસૈન (અ.સ.) યઝીદનો પ્રતિકાર કરી ઈન્કલાબ શા માટે કર્યો, તેના કારણો જાણવા માટે બીજા કોઈના ઉદગારોનો આશરો લઈએ તેના કરતા શ્રેષ્ઠ રસ્તો એ છે કે ઈન્કલાબે હુસૈનીના ઈન્કલાબના કારણો ખુદ ઈમામ હુસૈન (અ.સ.) ના બોધવચનો અને ખુત્બાઓ (સંબોધન-પ્રવચન) માંથી શોધીને તેનું પૃથ્થકરણ કરીએ. કારણકે એ વાત શકય નથી કે ઈમામ (અ.સ.) પોતે પોતાના ઈન્કલાબના કારણો અને શહાદતના પગલા વિશે સ્પષ્ટતા કરી ન હોય!
ઈતિહાસમાં એ વાત સ્પષ્ટ જણાય આવે છે કે કરબલાનો બનાવ એકાએક બની ગયો નહોતો. એવું પણ બન્યું ન હતું કે એક દિવસ, એક અઠવાડિયામાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય. ઈમામ (અ.સ.) ના ઈન્કલાબના કારણો શોધવા માટે ઈતિહાસના પાનાઓ ઉલટાવવા પડશે અને તેનો ઉંડાણથી અભ્યાસ કરવો પડશે, કે તે જમાનામાં ઈસ્લામની તઅલીમ શું હતી. આપણી નજરોની સામે હ. રસુલ (સ.અ.વ.)ની સમગ્ર જીંદગી અમલી નમુના જેવી છે, જે કુરઆને શરીફ આપણી સમક્ષ રજુ કરી છે અને સમગ્ર માનવજાતને હુઝુર (સ.અ.વ.) ના બતાવેલા માર્ગ પર ચાલવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. રસુલે ખુદા (સ.અ.વ.) ના સમગ્ર જીવનમાં કયાંય સંપત્તિનો ખજાનો નજરે પડતો નથી. આપ (સ.અ.વ.)નું જીવન દુનિયાની રંગીનીઓથી નહી પણ સાદાઈથી ભરપુર હતું. આપ (સ.અ.વ.) પાસે રાચરચીલાથી ભરેલો ગગનચુંબી મહેલ ન હતો અને ન તો માલ દૌલત કે નોકર ચાકર હતા. આપની પાસે ઉંટ અને ઘોડાની કતાર કે દીરહમો-દિનાર પણ ન હતા.
રસુલે ખુદા (સ.અ.વ.) પોતે જે રીતે સાદગીથી રહેતા હતા એવી જ સાદગીથી રહેવા માટે બીજાઓને પણ હુકમ આપતા હતા. જે લોકો હ. રસુલે ખુદા (સ.અ.વ.) ના સાચા માનનારા હતા, તેમની જીંદગી પણ હુઝુર (સ.અ.વ.) ના જીવનના પ્રતિબિંબ સમાન હતી.
પરંતુ હજી ઝાઝા દિવસો વિત્યા ન હતા… હજુ એ લોકો જીવતા હતા જેમણે આં હઝરત (સ.અ.વ.) ને જોયા હતા, તેમની સાહવાતનો ફૈઝ મેળવ્યો હતો. આપ (સ.અ.વ.) ના મુખ મુબારકથી કુરઆને શરીફની આયતો અને નસીહતો સાંભળી હતી… પણ જોતજોતામા તે સાદગી પૂર્ણ જીવનનો રિવાજ નાબુદ થવા લાગ્યો. લોકોનું જીવન વૈભવી બનવા લાગ્યું. ધીરે ધીરે ઈસ્લામનો રંગ ઉતરી રહ્યો હતો અને અજ્ઞાનતાનો રંગ ચડી રહ્યો હતો. આ સામાન્ય લોકોની વાત ન હતી, પણ એ લોકોની વાત હતી જેમને “ઈસ્લામની પૈરવી કરનારાઓ” ગણવામાં આવે છે. જેમને જન્નતની ખુશખબરી સંભળાવવામાં આવી છે. આ “જન્નતી લોકો” ના નિરર્થક નકામા કાર્યોનું વર્ણન ઈતિહાસે આ શબ્દોમાં કર્યુ છે.
ઝુબૈરે બસરામાં એક શાનદાર મહેલ બનાવ્યો હતો. આ ઉપરાંત બસહા, હુફા અને સિકંદરીયા (મિસર)માં પણ તેના કેટલાક મકાનો હતા. તેના ઈન્તેકાલ વખતે પચાસ હજાર સોનાના દીનાર, એક હજાર ઘોડા, એક હજાર ગુલામો અને કનીઝો હતા. તેમજ આ સિવાય પણ તેની પાસે કેટલીક સંપત્તિ હતી.
તલ્હા બિન ઉબૈદુલ્લાહ તૈમીએ ગુફામાં એક મહેલ બનાવ્યો હતો. માત્ર ઈરાકમાં તેની એટલી બધી સંપત્તિ હતી કે તેમાંથી રોજની એકસો સોનાના દીનારની આવક થતી હતી. આ ઉપરાંત બીજી સંપત્તિની પણ આવક હતી. તેઓએ મદીનામાં એક ઘર બનાવ્યું હતું. જેમાં કિંમતી લાકડુ અને ઈંટ વાપરવામાં આવ્યા હતા.
અબ્દુલ રહેમાન બીન ઔફ ઝોહરી વિશે રિવાયત મળે છે કે તેણે એક વિશાળ ઘર બનાવ્યું હતું તેના તબેલામાં એકસો ઘોડા બાંધેલા રહેતા હતા. તેમજ તેની પાસે એક હજાર ઉંટ અને દસ હજાર ઘેટાં હતા. તેના ઈન્તેકાલ વખતે તેની ચાર પત્ની અને બીજી સંતાનો હતા. તેના સંતાનોની સંખ્યાના પ્રમાણમાં દરેક પત્નીનો ભાગ ૧/૮ થતો હતો. આ ૧/૮ ભાગમાં ચારે પત્નીઓ વારસાનો બત્રીસમો ભાગ મળ્યો. જ્યારે વારસાની વ્હેંચણી થઈ ત્યારે દરેક પત્નીને ભાગમાં ચોર્યાશી હજાર (૮૪,૦૦૦) સોનાના દીનાર મળ્યા. હવે લોકો તેના વારસાની કુલ મિલ્કતનો હિસાબ પોતાની મેળેજ કરી લે.
સઅદ બીન વક્કાસ વિશે કહેવાય છે કે તેણે એક ભવ્ય સજાવટવાળી ગગનચુંબી ઈમારત બનાવી હતી.
ઝૈદ બીન સાબિત એ લોકોમાંથી ન હતા જેઓને જન્નતની બશારત મળી હોય. તેમ છતાં તેઓ એક મહત્ત્વની વ્યકિત હતા. તેમના ઈન્તેકાલ વખતે પોતાની પાછળ એટલું બધું સોનું અને ચાંદી મૂકતા ગયા કે તેને કુહાડીથી તોડીને ભાગ પાડવામાં આવ્યો.
ત્રીજા ખલીફા વિશે પણ એવી રિવાયત મળે છે કે: તેઓ ઈન્તેકાલ વખતે દોઢ લાખ સોનાના દીનાર અને દસ લાખ દીરહમ મૂકતા ગયા હતા.
એ જમાનામાં એવા લોકો પણ હતા જે ફકીરી અને ભૂખમરાની હાલતમાં જીવી રહ્યા હતા. ભૂખના કારણે જેમના પેટ તેમની પીઠ સાથે ચોંટી ગયા હોય તેવા લોકો પણ હતા. એવા ઘરો પણ ગતાં જેમાં કેટલાક ટંક ચૂલો સળગતો ન હતો. તે પરિસ્થિતિમાં એક જગ્યાએ આટલી બધી સંપત્તિ એકઠી થઈ જવી તે એ વાતની સાબિતી છે કે કોઈનો હક્ક ડુબાડવામાં આવ્યો હતો અને ઈસ્લામના કાનૂનોની વૈચારિક નાફરમાનીનો પ્રારંભ થઈ ચુકયો હતો. લોકોએ રસુલે પાક (સ.અ.વ.) ના જીવનને નમૂનારૂપ બનાવવાના બદલે બાદશાહોના જીવનનું અનુકરણ શરુ કરી દીધું હતું.
આ બાબતમાં અવજ્ઞા થતી સામાન્ય બની ચૂકી હતી. ઈતિહાસ એ વાત પણ દર્શાવે છે કે હ. અલી બીન અબી તાલિબ (અ.સ.)ની શહાદત પછી ઈમામ હુસૈન (અ.સ.) ખુત્બો આપતા ફરમાવ્યું: મારા પિતાએ આ દુનિયાથી જતી વખતે દીનાર અને દીરહમ મૂકયા નથી. આપ (અ.સ.) ના ઈન્તેકાલ વખતે તેઓ પાસે માત્ર ૭૦૦ દીરહમ હતા, જે રકમમાંથી તેઓ ઘરના કામ માટે એક ગુલામ ખરીદવા માગતા હતા.
અહીંથી ઈમામ હુસૈન (અ.સ.) ના એક સંબોધનનું રહસ્ય જાણવા મળે છે જે આપે મદીના મુનવ્વરાથી રવાના થતી વખતે કર્યું હતું. જેમાં આપ (અ.સ.) એ ફરમાવ્યું હતું: “હું મારા નાના રસુલે ખુદા (સ.અ.વ.) અને મરા વાલીદ અલીએ મુર્તુઝા (અ.સ.)ની જીવનપધ્ધતિ અને સુન્નત પર ચાલવા ઈચ્છું છું.”
એ લોકો જેઓ માલ-દોલત એકઠી કરવા માટે ટેવાઈ ગયા હતા, એશઆરામપૂર્ણ ઝીંદગી તેમનો સ્વભાવ બની ચૂકયો હતો, તેવા લોકો હ. અલી (અ.સ.) ની ખાલીસ અને ઈલાહી હુકુમતથી રાજી રહી શકતા ન હતા. મૌલાએ કાએનાતે સ્પષ્ટ શબ્દોમાં એલાન કરી દીધું હતું કે: “હું નાજાએઝ રીતે ભેગી કરાએલી તમામ દૌલત પાછી લઈ લઈશ. તેમાંથી કોઈની મહેરની રકમ પણ અદા કરવામાં આવી હશે તો તે પણ બાકી નહી રહે.” આપ (અ.સ.) એ તે વાતની પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે દુનિયા અને દુન્યવી હુકુમતની તેમની પાસે કોઈ કિંમત નથી. આપ (અ.સ.) એ ઈબ્ને અબ્બાસને કહ્યું હતું કે: “તમારી ઉપર હુકુમત કરવાની, મારી નજરોમાં ફાટેલા અને ર્જીણ થઈ ગયેલા જોડા જેટલી પણ કિંમત નથી.”
જૂની સત્તાઓએ લોકોના દીમાગોને એટલા બધા બદલી નાખ્યા હતા કે લોકોને હઝરત અલી (અ.સ.) ની ખાલીસ ઈસ્લામી હુકુમત પસંદ પડી નહી અને પોતાની અવજ્ઞાને “ખરો ઈસ્લામ” સમજીને હ. અલી (અ.સ.) ના સામના માટે નીકળી પડયા. હઝરત ઈમામ હસન (અ.સ.) ને પણ આવી જ પ્રકૃતિવાળા લોકોનો સામનો કરવો પડયો. એક બાજુ લોકો બયતુલ માલને પોતાનો વારસો સમજતા હતા, ત્યારે બીજી બાજુ હઝરત (અ.સ.) બયતુલ માલને લોકોની અમાનત ગણતા હતા અને તે માટે ખુદાની બારગાહમાં પોતાની જાતને જવાબદાર સમજતા હતા. હઝરત ઈમામ હસન (અ.સ.) ની જીવનશૈલી પયગમ્બર (સ.અ.વ.) ના જીવનના પ્રતિબિંબ સમાન હતી. જ્યારે હઝરત હસન (અ.સ) એ વાત જોઈ કે લોકોના દિલોમાં ખુદા કરતા પૈસાની મોહબ્બત વધારે છે, અલ્લાહ કરતાં દોલત પર વધારે ઈમાન છે. સોનેરી – પેરી સિક્કાઓ પર લોકો પોતાનું બધું જ કુરબાન કરવા તૈયાર છે. આપ (અ.સ.) માનતા હતા કે આવા લોકો સાથે જંગ કરવાથી માત્ર લોહી રેડાશે. તેનાથી કોઈ હેતુ સાધી શકવાનો નથી. આ કારણોસર ઈમામ હસન (અ.સ.) એ પોતાની જાતને અલિપ્ત કરી લેવાનું બહેતર સમજ્યું. આપ (અ.સ.) એ મોઆવિયાની હુકુમત અને શાસનને સ્વીકાર્યું નહોતું. આ જ કારણોસર ઈમામ હસન (અ.સ.) સુલેહનામામાં એ વાત રાખી હતી કે પોતે કદી પણ મોઆવિયાને “અમીલ મોઅમેનીન” નું સંબોધન નહી કરે. આમ આપ (અ.સ.) એ મોઆવિયાની રિયાસત અને હુકુમતને સ્વીકાર્ય ગણી ન હતી.
જ્યારે ફરવાહ બીન નૌફેલ અશજઈએ પાંચસો ખારજીઓ સાથે હુમલો કરવાની તૈયારી કરી અને આ માટે તે કુફા પાસે નખીલા નામના સ્થળ સુધી પહોંચી ગયો. ઈમામ હસન (અ.સ.) તે વખતે મદીના તરફ જવા માટે કુફાથી રવાના થઈ ગયા હતા. મોઆવિયાએ ઈમામ હસન (અ.સ.) ને એક પત્ર લખ્યો, જેમાં આપે આ વાકયનો પ્રયોગ કરીને લખ્યું: “વર્તમાન સમયમાં આપની જવાબદારીઓ છે કે પહેલા એ લોકો સાથે જંગ કરો, ત્યાર પછી મદીના તરફ તશ્રીફ લઈ જાવ.” તે વખતે મોઆવિયા એવા દીવાસ્વપ્નમાં હતો કે પોતે હાકીમ થઈ ગયો છે અને બધા લોકોને તેના હુકમનું પાલન કરવું જોઈએ. આના જવાબમાં ઈમામ હસન (અ.સ.) જે ફરમાવ્યું તેનાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામે મોઆવિયાને હાકીમ માન્યો નથી. આપ (અ.સ.) આ બાબતથી એ માટે અલિપ્ત રહ્યા હતા જેથી મુસલમાનોનું નાહક ખૂન રેડાય નહીં. ઈમામ હસન (અ.સ.) એ મોઆવિયાના ધૃષ્ટતાભર્યા પત્રના જવાબમાં લખ્યું:
“લવ આસરતો અન ઓકાતેલ અહદન મીન અહલીલ કીબ્લતે લબદાતો બેકેતાલેક, ઈન્ની તરકતોક ઈ સલાહીલ ઉમ્મતે વ હીકને દેમાએહા.”
“જો હું કોઈ એહલે-કિબ્લા (મુસલમાન) સાથે લડવું સાં સમજતો હોત તો સૌથી પહેલા તારી સાથે (જંગ કરવાની) શરૂઆત કરત. લોકોનું ખૂન વેડફાઈ ન જાય અને ઉમ્મતમાં ફીત્નો-ફસાદ ઉભો ન થાય તે માટે મેં તને છોડી દીધો છે.”
આ બનાવથી એ વાત સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે કે તે જમાનામાં લોકોનું લોહી કેટલું વધુ સસ્તું થઈ ગયું હતું અને પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે ખૂના-મરકી કરવાની વાતો કેટલી સામાન્ય બની ગઈ હતી. આનાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે બહુમતિ લોકોની વિચારધારા નબી (સ.અ.વ.) અને અલી (અ.સ.) ની વિચારધારા કરતા કઈ રીતે જુદી પડતી હતી. આ વિરોધાભાસ એ પ્રકારનો ન હતો કે લોકોએ ચીજ-વસ્તુઓમાં ભેળસેળ શરૂ કરી દીધી હોય કે માપ-તોલમાં ઓછું આપતા હોય. આ વિરોધાભાસ અમલ કરતાં વૈચારિક વધારે હતો. રોજીંદા જીવન કરતાં અકીદા અને વિચારસરણીનો હતો. ગજબની વાત એ હતી કે લોકો આ વિરોધાભાસ અને નાફરમાનીને ઈસ્લામ જ સમજતા હતા. આ નાફરમાની (અવજ્ઞા) એટલી હદે પહોંચી કે મુત્તકી પરહેઝગાર અને અમલે સાલેહના માલિક એવા નિર્દોષ લોકોની કત્લ કરવામાં આવતી હતી, તેનું કારણ માત્ર એ હતું કે તેઓ હુકુમતની આવાઝમાં પોતાનો સૂર પુરાવવાનો ઈન્કાર કરતા હતા. ઈસ્લામની તઅલીમથી લોકો એટલા બધા ફરી ગયા હતા કે લોકોને રક્ષણ આપવાના અતૂટ વચન આપીને પછી તેમને નિર્દયપૂર્વક કત્લ કરી નાખવામાં આવતા હતા. વાયદા અને વચન માત્ર જીભના ટેરવા પૂરતા બચ્યા હતા. આ બારામાં હ. ઈ. હુસૈન (અ.સ.) મોઆવિયાને લખેલ એકજ પત્રનો અભ્યાસ કરવો પૂરતો થઈ પડશે. આ પત્રથી એ વાત જાણવા મળે છે કે એ જમાનાના લોકો કેટલા નાફરમાન થઈ ગયા હતા. સાથોસાથ એ પણ સ્પષ્ટ થાય છે કે એ જમાનામાં ઈમામ હસન (અ.સ.) સંપૂર્ણ મૌન ધારણ કર્યું ન હતું, પણ તેઓ યોગ્ય વાતાવરણ અને મૌકો જોઈને હુકુમતની આલોચના કરતા હતા. આપની દૂરદર્શી આંખો એ વિરોધાભાસનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી હતી. આપ (અ.સ.) એ સમયની રાહ જોઈ રહ્યા હતા કે તે નાફરમાનીનો ઝખ્મ પાકીને તૈયાર થઈ જાય અને તેવો મૌકો જોઈને એવો પ્રહાર કરવામાં આવે જેથી સત્તાધિશોનું વલણ હંમેશા માટે ઈસ્લામથી અલગ થઈ જાય. તેઓ જે કંઈ અમલ કરે તે તેમનો વ્યકિતગત ગણાય. તેમાં ઈસ્લામના નામનું લેબલ લગાવેલું ન હોય અને કોઈ સુલતાન કે બાદશાહના અમલને ઈસ્લામનો ભાગ ગણવામાં ન આવે. આવો, હવે એ પત્રને ઝીણવટથી વાંચીએ જે હ. ઈમામ હસન (અ.સ.) એ મોઆવિયાને લખ્યો હતો. લંબાણ થઈ જવાના ડરથી એ પત્રનો માત્ર અનુવાદ રજૂ કરીએ છીએ. અસલ પત્રના અધ્યયન માટે ઈબ્ને કોતૈબાની કિતાબ અલ ઈમામ વ-સસીયાસત, જી-૧, પા. ૧૯૦ જોવા વિનંતી છે.
“મોઆવિયા, શું તું હજુબીન અને તેના આબિદ, ઝાહીદ અને પરહેઝગાર અસ્હાબોનો કાતિલ નથી? એ લોકો જેઓ બિદઅતોનો વિરોધ કરનારા અને નેકીઓનો હુકમ આપનારા હતા. બુરાઈઓથી રોકનારા હતા. તેં તેઓને શાંતિ અને સલામતના વાયદા અને વચન આપ્યા હોવા છતાં, એ લોકોને ઝુલ્મ અને બંડખોરીથી કત્લ કરી નાખ્યા. તારૂ આ કામ ખુદાની સામે બંડ ગણાય છે. તેઓ સાથે કરેલ કોલ-કરારને તેં હલકા ગણ્યા છે. શું તું અમ્ર ઈબ્ને હુમકે ખુઝાઈનો કાતિલ નથી? પયગમ્બર (સ.અ.વ.) ના એ સહાબી જેનો ચહેરો અધિક ઈબાદત કરવાને કારણે સુકાઈ ગયો હતો. ઈબાદત કરી કરીને તેનું શરીર સુકાઈ ગયું હતું. તેં આ લોકો સાથે એવા એવા વાયદા કર્યા હતા, જે જંગલના હરણો સાથે કરવામાં આવે તો તે પહાડ છોડીને નીચે ઉતરી આવે. શું તે ઝિયાદને અબુ-સુફયાનનો પુત્ર નથી ગણાવ્યો? જ્યારે કે રસુલે ખુદા (સ.અ.વ.)નો સ્પષ્ટ નિર્ણય છે કે: “પુત્ર એજ વ્યકિત કહેવાશે જે વ્યકિતઓ સ્ત્રી સાથે કાયદેસર નિકાહ (લગ્ન) કર્યા હોય. બાકી ઝીનાખોર માટે પત્થર છે.” તેં આટલેથી સંતોષ નથી માન્યો પણ તેને મુસલમાનો પર ઠોકી બેસાડયો એટલે તેઓ તેને કત્લ કરે, તેના હાથ-પગ બાંધીને તેને ખજુરના ઝાડ પર ફાંસી દઈ દે. સુબ્હાનલ્લાહ, અય મઆવિયા એવું લાગે છે કે તું આ ઉમ્મતનો ફરઝંદ નથી અને આ લોકો સાથે તારે કોઈ જ લેવાદેવા નથી.
મોઆવિયા, ખુદાથી ડર અને યાદ રાખ કે ખુદાંવદે આલમ પાસે એ કિતાબ છે જેમાં દરેક નાના-મોટા અમલનો ઉલ્લેખ મૌજુદ છે. તેની હદની બહાર કોઈ જ વસ્તુ નથી. મોઆવિયા, ખુદા તારા એ કામોને ભુલશે નહી કે તું લોકોને રાજકીય કારણોસર કત્લ કરી રહ્યો છે. તેઓ પર જુઠ્ઠા આક્ષેપો કરી રહ્યો છે. તું આ છોકરાને જે શરાબી અને કૂતરાઓ સાથે રમનારો છે, તેને હાકીમ તરીકે ઠોકી બેસાડવાની વેતરણમાં છે. હું જોઈ રહ્યો છું કે તું તારા પોતાનો સર્વનાશ કરી રહ્યો છે અને ઉમ્મતને – ઈસ્લામને તબાહ અને નિરર્થક બનાવી રહ્યો છે.” – વસ્સલામ.
આ પત્રથી એ વાત સાબિત થઈ જાય છે કે (તે જમાનાના) લોકો ઈસ્લામ અને તેના શિક્ષણથી કેટલા દૂર જઈ ચૂકયા હતા અને ખુલ્લમખુલ્લા ઈસ્લામી તઅલીમની વિરૂધ્ધ અમલ કરતા હતા. લોકોનું સવેદનતંત્ર એટલું બધું મુર્દા બની ગયું હતું કે આ બધું જોવા છતાં પણ તેઓનું મુખ ખુલી શકતું ન હતું અસ્હાબે પયગમ્બર (સ.અ.વ.) ને કત્લ કરવામાં આવી રહ્યા હતા અને લોકો ચૂપ હતા. હદીસે પયગમ્બર (સ.અ.વ.) ની મજાક ઉડાવવામાં આવતી હતી અને લોકો ચૂપ હતા.
જ્યારે હુકુમતની લગામ યઝીદના હાથોમાં આવી ત્યારે તો હાલત વધુ બગડી ગઈ હતી. એ વાત બધા જાણે છે કે યઝીદ જાહેરમાં શરાબ પીતો હતો. કૂતારાઓ અને વાંદરાઓ સાથે રમતો હતો તેમજ ઈસ્લામી અકાએદની મજાક ઉડાવતો હતો. લોકો પોતાના સત્તાધીશના ચારિત્ર્ય અને કામોનું અનુસરણ કરતા હોય છે. તેના અનુસંધાનમાં ઈતિહાસમાં આ વિધાન જોવા મળે છે.
“યઝીદના ચેલાઓે પણ તેની જેમ એશઆરામ અને હરામ કાર્યોના ઈચ્છુક રહેતા. લોકો શરાબમાં નશામાં ચકચૂર રહેતા અને વાત એટલી હદી સુધી પહોંચી હતી કે મક્કા અને મદીનામાં ગીતોનો અવાજ સાંભળવો સામાન્ય થઈ પડયો હતો.”
ઈમામ હુસૈન (અ.સ.) જોઈ રહ્યા હતા કે હાલત એટલી હદ સુધી બગડી ગઈ છે, લોકોની વિચારધારા અને અકાએદ વિકૃત થઈ ચૂકયા છે કે હવે વાએઝ, તકરીરો કે કિતાબોથી સુધારણા થઈ શકે તેમ ન હતી. હવે કુફ્રની વિચારધારાવાળા – કહેવાતા ઈસ્લામી હાકીમોના મુખ ઉપરથી મહોરાં ઉતારી લેવાનો સમય આવી પહોંચ્યો હતો. લોકોની નૈતિક સુધારણા માટે કુરબાનીની આવશ્યકતા હતી અને તે કુરબાની માટે સામાન્ય માણસની નહી પણ નખશીખ ઈસ્લામની તસ્વીર અને જેના અકાએદ અને અમલમાં વિરોધાભાસ ન હોય તેવા શહીદની જરૂર હતી.
આ સમગ્ર બાબતોને ઉંડાણથી વિચારતા એ હકીકત સ્પષ્ટ થવા લાગે છે કે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના ઈન્કલાબ (વિરોધ – પ્રતિકાર)ના કાર્યો અને કારણો શું હતા.
ઈમામ હુસૈન (અ.સ.) નું શહાદત માટે તૈયાર થવા પાછળનું કારણ માત્ર કુફાવાળાઓનું નિમંત્રણ હતું તેમ કહેવું કદાચ યોગ્ય નહી ગણાય. કેમકે, આપ (અ.સ.) ના ઈન્કલાબની શઆત મદીના મુનવ્વરાથી થઈ છે અને કુફાવાસીઓના પત્રો આપ (અ.સ.) ને મક્કા-મોઅઝઝમામાં પ્રાપ્ત થયા હતા.
યઝીદે ઈમામ હુસૈન (અ.સ.) પાસે બયઅતની માગણી કરી તે પણ એક મહત્ત્વનું કારણ છે. જો કે આવી માગણી ન હોત તો પણ તે જમાનાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે ઈમામ હુસૈન (અ.સ.) ઉમ્મતની સુધારણા માટે કોઈને કોઈને પગલાં જર લેત. કેમકે તે વખતે હ. ઈમામ હુસૈન (અ.સ.) જમીન ઉપર હુજ્જતે ખુદા હતા. રસુલે ખુદા (સ.અ.વ.) ના ફરઝંદ હતા. તેઓ એ રીતે ઈસ્લામને તબાહ અને બરબાદ થતો જોઈ શકે તેમ ન હતા. અલબત્તા, યઝીદની બયઅતની માગણીના કારણે ઈમામ હુસૈન (અ.સ.) ના ઈન્કલાબ અને યઝીદનો વિરોધ કરવાનો સમય આવી પહોંચ્યો.
અમે આગળ જણાવી ગયા તે મુજબ ઈમામ હુસૈન (અ.સ.) ના ઈન્કલાબના કારણો જાણવાનો શ્રેષ્ઠ રસ્તો ઈમામે હુસૈન (અ.સ.)ની પોતાની હદીસો અને ખુત્બાઓ છે. આ ખુત્બાઓ અને હદીસોમાં જે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે તેમાં (યઝીદ)ની બયઅત કે કુફાવાસીઓ (ના નિમંત્રણ)ની વાત નથી. એ વાતોમાં એક તરફનો ઉમ્મતની બેહાલીનો ઉલ્લેખ છે અને બીજી બાજુ અમ્રબીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કર કરવાની લગન છે. આ હેતુઓ આજે પણ ઈમામે હુસૈન (અ.સ.)ની અઝાદારી દ્વારા પાર પાડવામાં આવી રહ્યા છે. વિતેલા યુગમાં ઈમામે હુસૈન (અ.સ.)ની ઝાતે ઈસ્લામનું રક્ષણ કર્યું હતું. આજે તેમની અઝાદારી ઈસ્લામનું રક્ષણ કરી રહી છે.
આવો, હવે એ સંજોગોમાં ઈમામે હુસૈન (અ.સ.) શું ફરમાવ્યું હતું તેનો ઉંડો અભ્યાસ કરીએ અને જોઈએ કે ઈમામે હુસૈન (અ.સ.) મદીનામાં, મક્કામાં, માર્ગમાં અને કરબલામાં શું શું કહ્યું હતું?
જે રાતે ઈમામ હુસૈન (અ.સ.) વલીદ પાસે ગયા હતા અને ત્યાં બયઅત કરવાનો ઈન્કાર કર્યો હતો, તે પછીના દિવસે ઈમામ (અ.સ.) ની મુલાકાત મરવાન સાથે થઈ હતી. ત્યારે મરવાને ઈમામ હુસૈન (અ.સ.)ને કહ્યું હતું, કે આપ યઝીદની બયઅત કરી લો તે વધારે સારૂ છે. આ વાત સાંભળીને ઈમામ હુસૈન (અ.સ.) એ ફરમાવ્યું:
“ઈન્ના લીલ્લાહે વ ઈન્ના એલયહે રાજેઉન.”
“યઝીદ જેવા માણસો ઈસ્લામના રક્ષક હોય તો ઈસ્લામનું રક્ષણ ખુદા કરે! મેં મારા નાના પાસેથી સાંભળ્યું છે કે: આલે સુફયાન માટે ખિલાફત હરામ છે… અને આજે આ યઝીદ ફાસિક લોકોનો હાકીમ બની બેઠો છે. (“મકતલે ખ્વારઝમી” જી-1, પા. 185)
હું હરગીઝ તેની બયઅત કરીશ નહીં.”
અને જ્યારે મોહમ્મદ બીન હનફીયાએ સલાહ આપી કે આપ કોઈ એક શહેરમાં કાયમ માટે રહેશો નહીં, પણ બધી જગ્યાએ થોડા થોડા દિવસ રોકાણ કરીને લોકોને ભેગા કરજો. લોકો આપની વાત માને તો ઘણું સારૂ નહીંતર કોઈ નુકસાન નથી.
આ પછી ઈમામ હુસૈન (અ.સ.) ઈરશાદ ફરમાવ્યું: “ભાઈ, જો આ દુનિયામાં મારા માટે રક્ષણની કોઈ જગ્યા નહી રહે તો પણ હું યઝીદ બિન મોઆવિયાની બયઅત કરીશ નહીં.” (“મકતલે અવાલીમ” પા. ૫૪)
આ વાતચીત મદિનામાં થયેલી છે. આજ અંદાઝ, હિંમત, દિલેરી અને બહાદુરી જ્યારે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) કરબલાના મૈદાનમાં ઘેરાઈ ગયા હતા અને દુશ્મનો આપ (અ.સ.) ને કત્લ કરવા માટે તૈયાર હતા ત્યારે પણ જોવા મળે છે. આપ ફરમાવે છે: “હું કયારેય નામોશીપૂર્વક તમારા હાથોમાં શરણગતી સ્વીકારીશ નહીં, અને ન હું ગુલામોની જેમ ભાગી જઈશ.” (“અનસાબુલ અશ્રાફ” જી.-૩, પા. ૧૮૮)
ઈમામ હુસૈન (અ.સ.) ના ઉપરના વિધાનોથી સ્પષ્ટ થાય છે કે આપ (અ.સ.) બયઅત માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર ન હતા. ઈમામ (અ.સ.)ની વાતથી એ હકીકતની સ્પષ્ટતા થતી નથી કે આપ શા માટે સફર કરી રહ્યા છે. આપ કુરબાની માટે દિલોજાનથી તૈયાર થઈને શા માટે જઈ રહ્યા છે?
આવો, જોઈએ કે ઈમામ હુસૈન (અ.સ.) તેમના મકસદની સમજણ કઈ રીતે આપે છે.
મદીનાથી રવાના થતા પહેલા ઈમામ હુસૈન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની પવિત્ર કબ્રની ઝિયારત માટે પધાર્યા ત્યારે આપના મકસદે સફર વિશે ફરમાવ્યું:
“પરવરદિગારા, આ તારા નબીની કબ્ર છે અને હું તારા નબીની પુત્રીનો પુત્ર છું. એ સંજોગો ઉભા થયા છે, જેને તું વધારે સારી રીતે જાણે છે. પરવરદિગાર, હું સારી વાતો (મઅરૂફ)ને પસંદ કરૂ છું અને બુરાઈઓ (મુન્કર)થી વિમુખ છું. (“મકતલે ખ્વારઝમી” જી-૧, પા. ૧૮૬)
અહીં ઈમામ હુસૈન (અ.સ.) તેઓની પસંદગી વ્યકત કરી છે અને અહીંથી જ એ વાતનો ઈશારો મળે છે કે ઈમામ હુસૈન (અ.સ.) શું ઈચ્છતા હતા?
પરંતુ મદીનાથી રવાના થતી વખતે આપના ભાઈ મોહમ્મદ હનફીયાને નામે ઈમામે હુસૈન (અ.સ.) એ જે વસીય્યત લખી, તેમાં આપ (અ.સ.) ના ઈન્કીલાબ વિશે ઘણા અંશે સ્પષ્ટતા કરી દીધી. આપે ફરમાવ્યું:
બિસ્મીલ્લા હીર રહમા નીર રહીમ
આ વસીય્યત હુસૈન બીન અલી (અ.સ.) ની તેના ભાઈ મોહમ્મદ બીન હનફીયાને નામે છે. (ઈસ્લામી અકાએદના સ્વીકારનો ઉલ્લેખ કર્યા પછી આપે લખ્યું) હું અહીંથી આત્મપ્રસંશા કે સત્તાની લાલસામાં જતો નથી. હું ફીત્નો-ફસાદ ફેલાવવા માટે જતો નથી કે ન તો જુલ્મો-સિતમ કરવા માટે. હું તો અહીંથી માત્ર મારા નાનાની ઉમ્મતની સુધારણાના હેતુ માટે જઈ રહ્યો છું. હું અમ્ર બીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કરનો ઈરાદો રાખું છું અને હું મારા નાના રસુલે ખુદા (સ.અ.વ.) અને મારા વાલીદ અલીએ મુર્તુઝા (અ.સ.)ની જીવનશૈલી અને સુન્નત પર ચાલવા માંગુ છું.
અહીં ઈમામ હુસૈન (અ.સ.) સ્પષ્ટ કરી નાખ્યું કે તેમની મુસાફરીનો હેતુ અમ્ર બીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કર છે. તેની સાથોસાથ એ હકીકત પણ સ્પષ્ટ થઈ જાય છે કે ફુરૂએ દીનમાં આ વાજીબાતની અહમીયત કેટલી છે. (જો કે વર્તમાન સમયમાં આ અત્યંત જરૂરી અને વાજીબ ફરજનું આપણા સમાજમાં કોઈ ખાસ મહત્ત્વ નથી દેખાતું.) આ એજ તમન્ના છે જે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના વિધાનોમાં જોવા મળે છે.
આપણે એ જાણવા માગતા હોઈએ કે દીને-ઈસ્લામમાં આ વાજીબાતનું મહત્તવ અને સ્થાન શું છે? તો તે માટે કુરઆને કરીમનો ઉંડો અભ્યાસ કરીએ અને એક નજર એહલેબૈત (અ.મુ.સ.) ની હદીસ પર પણ કરીએ.
હઝરત લુકમાન (અ.સ.) એ તેના ફરઝંદને કહ્યું:
“અય મારા (વ્હાલા) બેટા! નમાઝ પઢયા કર અને (લોકોને) નેકીની આજ્ઞા કર અને બદીથી (લોકોને) અટકાવ અને જે સંકટ તારા પર (આવી) પડે તે સહન કર; ખચીત જ આ મહા હિંમતના કામો છે” (સુ. લુકમાન આ. ૧૭)
ખુદાવંદે આલમ ઉમ્મતે ઈસ્લામને સંબોધીને ઈરશાદ ફરમાવે છે: “અને લાઝિમ છે કે તમારા મોહના થોડાક લોકો એવા હોવા (જોઈએ) કે જે (બીજાઓને) નેકી તરફ બોલાવે તથા નેક કામોની આજ્ઞા કરે તથા બુરા કાર્યોથી મના કરે; અને તેઓ જ (આખેરતમાં) સફળતા પામનારા છે.” (સુ. આલે ઈમરાન, આ. ૧૦૪)
હઝરત અલી બિન અબી તાલીબ (અ.સ.)ની આ હદીસથી અમ્ર બીલ મઅરૂફનું મુલ્ય શું છે તે સારી રીતે સમજાય છે.
“અમ્ર બીલ મઅફ અને નહ્ય અનીલ મુન્કરની સરખામણીએ તમામ ઈબાદત, એટલે સુધી કે ખુદાની રાહમાં જેહાદ કરવાની ઈબાદત પણ સમુદ્રની સામે થોડાક પાણી (ના ટીપા) જેવી છે.” “નહજુલ બલાગાહ” હ. અલી (અ.સ.) ના બોધવચનો નં. ૩૭૪)
હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ઈરશાદ ફરમાવે છે: અમ્ર બીલ મઅફ અને નહ્ય અનીલ મુન્કર અંબિયાઓનો રસ્તો છે. નેક લોકોની રીત છે. આ એવું વાજીબ કામ છે, જેનાથી વાજીબાતો કાયમ રહે છે. રસ્તાઓ શાંતિ અને સલામતીમાં રહે છે, વેપાર હલાલ બને છે. જુલ્મને રોકી શકાય છે, જમીન સમૃધ્ધ બને છે, દુશ્મનો પાસેથી ન્યાય મેળવી શકાય છે અને કાર્યો સુવ્યવસ્થિત રહે છે. (“વસાએલુશ્શીયા” જી-૧૧, પા. ૩૯૫)
અને જ્યારે ગુનાહો સામાન્ય થઈ જાય, બુરાઈઓ ફેલાઈ જાય તેવા વખતે ફકત જોઈને બેસી રહેવામાં આવે તો તેનું પરિણામ શું આવે? આ વિશે હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ની હદીસ જુઓ. “જે કોઈ (ઈન્સાન) બુરાઈ થતી જુએ અને તેને રોકવાની શકિત ધરાવતો હોવા છતાં તેને રોકે નહી તો તેણે અલ્લાહની નાફરમાની કર્યા બરાબર છે અને જેણે ખુદાની નાફરમાની કરી તેણે જાણે ખુદા સાથે લડવા માટે કમર કસી લીધી.” (“મુસ્તદરક-અલ વસાએલ”, જી-૨, પા. ૨૫૭)
દીને ઈસ્લામમાં નહ્ય અનીલ મુનકરને છોડવાની વાતનું આટલું બધું મહત્ત્વ હોય તો ઈમામ હુસૈન (અ.સ.) પોતાની નજરોની સામે તેમના નાનાના દીનની તબાહી અને અહકામે ઈલાહીની મજાક થતી કઈ રીતે સહન કરી શકે? (આના કેટલાક નમૂના આ લેખની શઆતમાં તમે વાંચ્યા હશે) આ જરૂરત એટલી વધી ગઈ હતી, એક એવા ઈન્કીલાબની જરૂર હતી જેનાથી સુબ્હે-કયામત સુધી હક અને બાતિલ જુદા થઈ જાય અને બયઅતનો પ્રશ્ર્ન ફરી કયારે પણ માથું ન ઉંચકે. તેથી જ ઈમામે હુસૈન (અ.સ.) ના ખુત્બાઓમાં એવા વાકયો દ્રષ્ટિગોચર થાય છે, જેનાથી જણાય આવે છે કે ઈમામ હુસૈન (અ.સ.) ના દિલમાં અમ્ર બીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુનકર માટે કેટલી તડપ અને ઉમંગ હતો.
જ્યારે બસરાવાસીઓને પત્ર લખ્યો ત્યારે લખ્યું… અને હું તમોને ખુદાની કિતાબ અને રસુલ (સ.અ.વ.)ની સુન્નત તરફ બોલાવું છું, કારણકે સુન્નતે રસુલ નિર્જીવ કરી નાખવામાં આવી છે અને બિદઅતોને જીવંત કરવામાં આવી છે… જો તમે મારૂ કહેવું માનશો તો હું તમને હિદાયત તરફ લઈ જઈશ… વસ્સલામો અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ… (તબરી-૭, પા. ૨૪૦)
અને પછી કુફાવાસીઓને જવાબમાં જે પત્ર લખ્યો, તેમાં ફરમાવ્યું… “સાચો ઈમામ એ જ છે જે ખુદાની કિતાબ પર અમલ કરે, અદલો-ઈન્સાફનો માર્ગ ગ્રહણ કરે, હક્કનું અનુસરણ કરે અને પોતાને ખુદા માટે વકફ કરી દે.” (“તબરી”, જી-૭, પા. ૨૩૫, “ઈરશાદ” પા. ૨૦૪)
જ્યારે કરબલાની નજદીક હુરના લશ્કર સાથે મુલાકાત થઈ ત્યારે આપ (અ.સ.) એ પોતાના સહાબીઓ અને હુરના લશ્કરને સંબોધન કરતા ફરમાવ્યું, જેમાં આપના ઈન્કીલાબ અને મકસદે કુરબાની વિશે મોટાભાગની સ્પષ્ટતા થઈ જાય છે. આપે ફરમાવ્યું:
“અય લોકો, હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું છે, જે કોઈ એવા જાલિમ અને અવિચારી બાદશાહને જુવે, જે હરામને હલાલ ઠેરવતો હોય, રસુલે ખુદા (સ.અ.વ.)ની સુન્નતનો વિરોધ કરતો હોય, લોકો સાથે ગુનાહ અને બંડખોરીથી કામ કરતો હોય, લોકો સાથે વિરોધનો અવાજ બુલંદ ન કરે, પરિસ્થિતિને બદલવા માટે કોઈ નક્કર પગલાં ન લે (એટલે કે મૂક પ્રેક્ષક બની રહે, પોતાના સ્વાર્થની જ ચિંતા કરે, સમાજને તબાહ થતો જોઈ રહે, તેની સુધારણા માટેના કોઈ પ્રયત્નો ન કરે) તો ખુદાવંદે આલમને હક્ક છે કે તેવા શખ્સને જાલિમ બાદશાહ કે સત્તાધિશની જેવો જ સમજે (અને એકસરખી જ સજા કરે.)
શું તમે લોકોને જોઈ નથી રહ્યા કે લોકો શયતાનની ઈતાઅત કરી રહ્યા છે. આ લોકોએ ખુદાની ઈતાઅત છોડી દીધી છે. ફીત્નો-ફસાદ એ સામાન્ય વાત થઈ પડી છે. ખુદાએ નક્કી કરેલી હદો અને હુકમોથી મુકત થઈ ગયા છે. (સમાજના પ્રશ્ર્નોનો નિકાલ ખુદાના હુકમ મુજબ થતો નથી) બયતુલ માલનો મનસ્વીપણે ખર્ચ કરે છે. હરામને હલાલ અને હલાલને હરામ ગણી રહ્યા છે. (આ હાલતમાં)
“વ અના અહક્કો મીન ગયરીન.”
“બીજાઓની સરખામણીમાં મને વધારે અધિકાર છે” (કે હું તેમના મુકાબલા માટે ક્રાંતિ કરૂ અને પરિસ્થિતિને બદલી નાખું, ખુદાના હુકમોનું રક્ષણ કરૂ અને દીનને તબાહ અને બરબાદ થવા ન દઉં.)
આપે જોયું કે આ ખુત્બાનું કેન્દ્ર અમ્ર બીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુનકર રાખવામાં આવ્યું છે. એ જ પરિસ્થિતિને બદલી નાખવાની તમન્ના…
બીજી એક જગ્યાએ હ. ઈમામ હુસૈન (અ.સ.) ઈરશાદ ફરમાવે છે:
શું તમે લોકો જોતા નથી કે હક ઉપર અમલ થઈ રહ્યો નથી અને લોકો બાતીલથી દુર નથી રહેતા. આવી હાલતમાં મોઅમીને ખુદાની મુલાકાતની તમન્ના કરવી જોઈએ. (એટલે જીંદગીને મૌત પર અગ્રતા આપવી જોઈએ.)
ત્યાર પછી ઈમામ (અ.સ.) એ ઐતિહાસિક શબ્દો કહ્યા જે આજ પણ તમામ લોકોના મુખેથી સાંભળવા મળે છે: “હુ. મૌતને શહાદત અને સદભાગ્ય સમજું છું અને જાલિમો સાથે જીવન વિતાવવું તે અપમાન (ઝીલ્લત – તિરસ્કાર) સિવાય બીજું કશું નથી.
અંતમાં, હઝરત સૈયદુશ્શોહદાના એક ખુત્બાનો કેટલોક ભાગ રજુ કરીને લેખને સંક્ષિપ્ત કરીએ છીએ. આ ખુત્બો ઈમામ હુસૈન (અ.સ.) રોઝે આશુરા વખતે ઈરશાદ ફરમાવ્યો, જ્યારે આપ (અ.સ.) ચારે બાજુથી દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયા હતા. એ વખતે પણ હઝરત (અ.સ)ની હિંમત અને બહાદુરીમાં એ જ હૈદરી રોબ અને દબદબો છે.
“આ (ઈબ્ને-ઝીયાદ) અજાણ્યા બાપના અજાણ્યા પુત્રે મને બે વસ્તુઓ વચ્ચે લાવી મુકયો છે. એક શમશીર અને બીજી ઝીલ્લત. (હું મૌત પસંદ કરૂ કે પછી અપમાનભરી ઝીંદગી વિતાવું) અમે હરગીઝ હરગીઝ ઝીલ્લત પસંદ નહી કરીએ. ખુદા, રસુલ અને મોઅમીનો એ વાતમાં ખુશ નથી કે હું ઝીલ્લતને પસંદ કરૂ. હું જે પાકો-પાકીઝા ગોદમાં ઉછર્યો છું તે ઝીલ્લતનો ઈન્કાર કરનારા છે. મારા નફસની શરાફત એ માટે તૈયાર નથી કે શહાદતની ઈઝઝત અને બુઝુર્ગીને નીચ લોકોની તાબેદારી પર અગ્રતા આપવામાં આવે.”
હઝરત ઈમામ હુસૈન (અ.સ.)નું આ સંબોધન આજે પણ વાતાવરણમાં ગૂંજી રહ્યું છે, કે જે મારી સાથે મોહબ્બત કરતા હોય અને મારા માનનારા (માં અનુસરણ કરનાર) હોય તે ઝીલ્લત કબુલ કરવા માટે હરગીઝ તૈયાર નહીં થાય. ઝીલ્લત એવા લોકોની તાબેદારી છે જે ખુદાના હુકમોની પયરવી નથી કરતા અને તેનાથી ઉલટો અમલ કરે છે અને ખુદાના હુકમની વિધ્ધ ફેંસલો આપે છે.
ઝીલ્લત કંગાલિયત અને ભૂખમરો નથી, ઝીલ્લત તંગદસ્તી નથી, ઝીલ્લત ગરીબાઈ નથી. સાચી ઝીલ્લત તો ખુદા અને રસુલ (સ.અ.વ.)ની નાફરમાની છે. ઈન્સાન ખુદા અને રસુલની ફરમાબરદારીથી જેટલો દુર હશે તેટલો જ સાચી ઈઝઝતથી દુર રહેશે. હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના ઈન્કીલાબના કારણોમાં અમ્ર બીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુનકરનું મહત્ત્વ એટલું બધું છે કે આપણે જ્યારે ઈમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત પડીએ છીએ ત્યારે સલામ કર્યા પછી અંબિયા (અ.સ.)ની વિરાસત (વારસા)ની બાબતોનો ઉલ્લેખ કર્યા પછી જે વસ્તુનો ઉલ્લેખ કરીએ છીએ અને ગવાહી આપીએ છીએ તે આ છે:
“અશહદો અન્નક કદ અકમતસ્સલાત
આયતયઝ ઝકાત વ અમરત બીલ
મઅરૂફે વ ન હયત અનીલ મુનકર.”
હું સાક્ષી આપું છું કે યકીનન આપે નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી નેક કાર્યો કરવાનો હુકમ આપ્યો અને ખરાબ કાર્યો કરવાથી રોકયા.”
આપણે હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીમાં પણ આ મુદ્દાને ધ્યાનમાં રાખતે તો કેવું સારું થાત! જે લોકો અઝાએ હુસૈન (અ.સ.) માં શીરકત કરે છે પણ હુકમે ખુદા પર પાબંદીથી અમલ નથી કરતા તેમનું આ બાબત પરત્વે ધ્યાન ખેંચીએ અને તેઓને બુરાઈઓથી રોકીએ તો કેવી સારી વાત ગણાત!
જો આજે આ બાબત પર સર્વ સાધારણ રીતે અમલ કરવાનું શરૂ કરવામાં આવે અને દરેક માણસ પહેલા પોતે નેક અમલ શ કરે અને પછી પોતાની હેસિયત પ્રમાણે બીજાઓને નેકી કરવાનો હુકમ કરવા લાગે અને બુરાઈઓથી રોકવા માંડે તો એક એવો સમાજ અસ્તિત્વમાં આવે જેમાં દરેક વ્યકિત બીજાને બુરાઈઓથી રોકી રહ્યો હોય અને નેકીઓને ફેલાવવાનો પ્રયત્ન કરતો હોય તો એ વાત અશકય નથી કે ફરઝંદે હઝરત સૈયદુશ્શોહદના અરવાહના ફીદાહ હઝરત બકીયતુલ્લાહ આઅઝમ ઈમામ મહદી અલયહીસ્સલામનો ઝુહુર વધુમાં વધુ નજદીક થઈ જાય.
Comments (0)