ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય?
ઇમામ(અ.સ.)ની શુધ્ધ મોહબ્બત કેવી રીતે થાય?
આ એક ખુબ જ રૂહાનીય્યતની હેઠળ ઇન્સાની ફિતરતના ઉંડાણથી પૈદા થતો એ સવાલ છે જે નેક લોકો અને નેક તીનતના ઝહેનમાં ઉદ્ભવે છે. તેના માટે એ ગ્રહણ કરવું પડશે, એ સમજવું પડશે કે મોહબ્બત છે શું? આ ફિતરતમાં ખુદાએ એવી કઇ ચમકતી વસ્તુને મુકી છે જે ઇન્સાનને બુલંદીઓ તરફ લઇ જવા માટે જઝબો પૈદા કરે છે.
મોહબ્બતની વ્યાખ્યા:
માનસ વિજ્ઞાનના નિષ્ણાંતો મોહબ્બતની વ્યાખ્યા કરતા લખે છે: આ એક વલણ જેને અંગ્રેજીમાં Instinctકહે છે. આ શબ્દની સમજુતી શક્ય છે પરંતુ તેની કોઇ સંપૂર્ણ વ્યાખ્યા શબ્દોની ગોઠવણીની સાથે વાક્યોમાં કરવી શક્ય નથી. એટલુ જરૂર કહી શકાય છે કે તે નફરતનું વિરૂધ્ધાર્થી છે. મનોવિજ્ઞાનના નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે જેટલા વલણો એક સજીવમાં મળી આવે છે તે બધાની માઁ ‘મોહબ્બત’નું વલણ છે અને આગળ વધીને એ કહે છે સજીવના તમામ અવયવોની હરકતો અને સ્થિરતા, આદતો અને રીત ભાત, ખાવુ અને પીવુ, ચાલવુ અને બોલવુ, રીઝ્ક માટે કોશિશ, મનના આવિષ્કારો, ફિક્રની શૈલી, કોશિશ અને બચાવ, સમૂહ જીવન, ટૂંકમાં તમામ જીવન આ મોહબ્બતની ધરી પર ફરે છે.
મોહબ્બત અને નફસની ઇચ્છાઓ:
અહીં મનોવિજ્ઞાનના નિષ્ણાંતે એક મોટી ભુલ એ કરી છે કે નફસાની ખ્વાહીશાત જે નફસે અમ્મારાથી હોય છે તેને પણ મોહબ્બતના પવિત્ર વલણની સાથે જોડી દીધી છે અને વાત એટલી બધી સામાન્ય થઇ ગઇ કે સાહિત્યકારો અને ભાષાશાસ્ત્રીઓએ મોહબ્બતના બે હિસ્સા કરી દીધા. એક હકીકી મોહબ્બત અને એક મજાઝી મોહબ્બત. જો કે ઇસ્લામમાં મોહબ્બત અને મોવદ્દત એક નૂર છે જે અશ્રફીય્યત ધરાવનાર ઇન્સાનને વિકાસની મંઝીલ તરફ લઇ જાય છે.
ઇસ્લામની માન્યતા – ઇસ્લામ અને કુર્આન:
મનોવિજ્ઞાનના નિષ્ણાંતોના અનુભવો અને સમજુતીથી ખુબ જ ઉચ્ચ જઇને ઇસ્લામે મોહબ્બતની વ્યાખ્યામાં અમુક વિસ્તૃત અને સંપૂર્ણ વાક્યો વર્ણવ્યા છે. કુર્આને કરીમમાં એક આયત ઉપર વિચાર કરવાથી ઝહેન સાફ થઇ જાય છે અને મોહબ્બતની તાકત સમજમાં આવવા લાગે છે. તે આયત એ છે:
“ઇન્ની લકુમ્ રસુલુન અમીનુન ફત્તકુલ્લાહ વ અતીઉને”
“હું તમારા માટે એક રસુલ છું અને અમાનતદાર છું. માટે અલ્લાહનો તકવા અપનાવો અને મારા ફરમાબરદાર થઇ જાવ.” (સુરે શોઅરા, આયત: ૧૦૭-૧૦૮)
જાહેરી રીતે આ આયતે શરીફાનું નુઝુલ પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ની બેઅસતનો હેતુ બયાન કરે છે પરંતુ વિચાર કરવાથી અને વિચારોને ચલાવ્યા બાદ છુપાયેલા રહસ્યોનુ લખાણ અક્લ અને સમજણ પર ઉભરવા લાગે છે. જેમકે પછીની બીજી આયત જ્યારે આપણે પઢીએ છીએ તો તે આગળ વધીને આપણને રસ્તો દેખાડે છે:
“વ મા અર્સલ્નાક ઇલ્લા રહમતન લીલ્ આલમીન” (સુરે અંબિયા, આયત: ૧૦૭)
ખુદાની રેહમતોની પરંપરા નેકુકાર અને બુરા લોકો પર હંમેશા શરૂ છે અને તેનું માધ્યમ હુઝુરે સરવરે કાએનાત છે. અહીં ખુદાની રેહમતનો ઝિક્ર કરતા કાએનાતના ખાલિકની મોહબ્બત પોતાની મખ્લુક પ્રત્યે એટલી બધી વધારે છે કે તે કોઇ પણ સજીવને પોતાની રેહમત અને નેઅમતથી મેહરૂમ નથી રાખતો. આ મોહબ્બતના તકાઝાઓને પુરા કરવા માટે એક બહુ મુલ્ય અમાનત સોંપીને આં હઝરત(સ.અ.વ.)ને રિસાલત સાથે મબઉસ કર્યા. તેઓ જે અમાનતને લઇને આવ્યા તે એક એવો મોહબ્બતનો પૈગામ હતો અને તે પૈગામનું નામ ‘ઇતાઅત’ રાખ્યુ અને પોતાના દીનનું નામ ‘ઇસ્લામ’ રાખ્યું, જે સલામતી, શાંતિ, અમ્નો અમાન અને સૌથી વધીને દિલના સુકુનનું ચલણ લઇને આવ્યા. હવે જેઓ ઇમાન લાવ્યા તેઓ દિલના સુકુન હાંસિલ કરવાના હકદાર બન્યા. જેનાથી તેઓની અક્લમાં રોશની વધવા લાગી અને ઉંચાઇની મંઝિલો દેખાવા લાગી અને પગોમાં બુલંદીઓ તરફ આગળ વધવાની ક્ષમતા પૈદા થવા લાગી. એ રૂહાની ઉત્તેજન એ ચીજ છે જેને મોહબ્બત કહે છે ઇન્સાનના માથા પર જ્યારે અશ્રફીય્યતનો તાજ રાખી દેવામાં આવ્યો તો તેની ફિતરતમાં એક એવું જવહર પણ રાખી દેવામાં આવ્યું જે તેની અનંત રેહમત અને મોહબ્બતને કબુલ કરવાની ક્ષમતા પણ રાખતુ હોય જેથી તે પોતાના એ ખુદાને કે જે કંઝે મખ્ફી (છુપો ખઝાનો) છે તેને ઓળખી શકે અને ખુદાએ એ જ જવહરને મોહબ્બતનુ નૂર ગણાવ્યુ છે. (આ બંને વ્યાખ્યાઓ મોહબ્બતના સિક્કાની બે બાજુઓ છે)
જ્યારે અમાનતની હેઠળ જે મોહબ્બત દેખા દે છે તે સમજમાં આવી જાય છે, તો મુરસલે આઝમ(સ.અ.વ.)ના ખભા પર જે અમાનતને પહોંચાડવાની જવાબદારી રાખી દીધી તેની ઉંચી અઝમતો અમુક અર્થ અને મતલબો બયાન કરે છે.
મોહબ્બત અને અમાનત:
અલ્લાહ તઆલાને પોતાના હબીબથી કેટલી મોહબ્બત હતી કે બેઅસતના પહેલા તેણે મક્કા શહેરમાં દરેક શખ્સની જીભ પર આપના નામની સાથે “મોહમ્મદે અમીન(સ.અ.વ.)”ની ચર્ચા મશ્હુર કરી દીધી હતી. એ જ મોહબ્બતના તકાઝાને હુઝુરે સરવરે કાએનાત(સ.અ.વ.) દરેક શ્ર્વાસ પર અદા કરી રહ્યા હતા અને એ જ સચ્ચાઇને કુર્આને કરીમે આ આયતે કરીમાને કેટલીયે વાર પુનરાવર્તન કરીને એ વાતનું યકીન દેવડાવ્યું અને હુજ્જત તમામ કરી દીધી.
“ઇન્ની લકુમ રસુલુન અમીનુન”
“હું તમારા માટે રસુલે અમીન છું”
મોહબ્બત અને પરહેઝગારી:
હુઝુરે સરવરે કાએનાત(સ.અ.વ.)એ પોતાની આ અમાનતને ખુદાના બંદાઓ સુધી પહોંચાડવાની જવાબદારી અતા કરી હતી, તે તકવા અને પરહેઝગારી હતી અને ૨૩ વરસની રિસાલતના કાર્યોમાં પરહેઝગારીની તાલીમ પોતાના કૌલ અને કાર્ય તથા લખાણથી એટલી ખુબી પૂર્વક અંજામ આપ્યુ કે આખરે રબ્બુલ ઇઝ્ઝતે તેના પર અકમલ્તો અને અત્મમ્તોની મોહર લગાવી દીધી. પરહેઝગારી અથવા તકવા, ખૌફે ખુદાને દિલમાં બેસાડવા પછી ઇન્સાનને પ્રારંભિક મંઝિલોથી સુરૈયા (સુર્યમાળા)થી બહુ જ બુલંદ લઇ જાય છે અને આસ્માનોની સફર કરાવે છે. તેના દરજ્જાઓ સ્ટેપ બાય સ્ટેપ (પગલે પગલે) પૂર્ણ થાય છે. પરંતુ અનેક આફતોમાં અને બનાવોમાં એક ઇન્સાન એવા ભંવરમાં હાથ પગ પછાડતો રહે છે કે તે પોતાની અંદર જુવે છે કે પોતાની સિસ્ટમમાં શોખની સાથે સાથે સફર નથી કરી શક્તો, પરંતુ નિરાશા એ થાકીને બેસી જવાનુ નામ છે અને મોહબ્બત મંઝિલની તલાશમાં આગળ વધવાની લાગણીનું નામ છે.
પરહેઝગારી:
જેવી રીતે મોહબ્બત એ અમાનતની દેખરેખ રાખનાર છે, તેવી જ રીતે પરહેઝગારી મોહબ્બતનુ રક્ષણ કરે છે. પગલે પગલે ઠોકર લાગે છે. આ પડતા માણસને પરહેઝગારી બચાવે છે, ઉઠાડે છે. દામનમાંથી ધૂળ-રજકણને ખંખેરે છે, હિમ્મત અને હોંસલો આપે છે અને એક કાર્ય કરવાની શક્તિ અને લોખંડી નિર્ણયને પૈદા કરવાની તરફ દાવત આપે છે અને તેના દિલથી મોહબ્બતના નૂર પર કોઇ પરદો પડી જાય તો તેને રોકી લે છે, તે નિર્ભય થઇ જાય છે તો તેનુ કારણ પરહેઝગારી છે. આથી અલ્લાહ તબારક વ તઆલા ઇરશાદ ફરમાવે છે:
“યહ્દી બેહીલ્લાહો મનીત્તબઅ રીઝવાનહુ સોબોલસ્સલામે વ યુખ્રેજોહુમ મેનઝ્ઝોલોમાતે એલન્નૂરે બે ઇઝ્નેહી વ યહદીહીમ એલા સેરાતીમ્મુસ્તકીમ”
“જે દ્વારા અલ્લાહ તે લોકોને કે જેઓ તેની મરજીનું અનુકરણ કરે છે તેમને સલામતીનો માર્ગ દેખાડે છે તથા તેમને (કુફ્રના) અંધકારમાંથી કાઢી પોતાના હુકમથી (ઇમાનની) રોશની તરફ લઇ આવે છે અને તેમને સીધા માર્ગ સુધી પહોંચાડી દે છે”
(સુરે માએદાહ, આયત: ૧૬)
પરહેઝગારી અને ઇતાઅત:
જેવી રીતે પરહેઝગારી મોહબ્બતનુ રક્ષણ કરે છે એ જ રીતે ઇતાઅત એ પરિબળો છે જેના પર પરહેઝગારીનો આધાર છે. કુર્આને કરીમની સૌ પ્રથમ ઉલ્લેખ કરેલ (સુરા નં. ૨૬, આયત: ૧૦૭-૧૦૮) આયતે કરીમામાં ‘અતીઉન’ તે અંતિમ શબ્દ છે જેના પર આયત ખત્મ થાય છે. ઇતાઅત વગર તકવા સમજમાં નથી આવી શક્તો. કલામે બલાગત નિઝામે અતીઉ કહીને જાણે તકવાના પછીના પાનાઓ ખોલવાનું શ કરી દીધુ. ઇતાઅત દરેક હુકમ પર અમલ કરવા તૈયાર રહેવુ છે. દરેક સમયે તૈયાર રહેવુ. દરેક સમયે ફુંકી ફુંકીને પગ રાખવો.
ઇમામત અને મોહબ્બત:
મોહબ્બતના જવહરને પોતાના અંદર હંમેશા ચમકતુ રાખવા માટે દરેક ઇમામતના સમયગાળામાં જે લોકો ઇસ્લામી તાલીમાતથી સદ્ભાગ્યશાળી હતા, પગલે પગલે ઇમામ (અ.સ.)ની રાહબરીને કબુલ કરી અને તેમના બનાવેલા નકશ પર ચાલતા રહ્યા. પડતી વખતે સંભળવાની રીત શીખી અને ઇમામ(અ.સ.)ની મોહબ્બતની તઝકીય્યા(શુધ્ધતા)ની તરફ કોશિશ કરતા રહ્યા.
ઇમામ જાફરે સાદિક(અ.સ.)ને આપ(અ.સ.)ના એક ચાહવાવાળાએ ઝબાન પર ફરિયાદ લાવવાની હિમ્મત કરી અને કહ્યુ કે આ બાતિલ પરસ્ત હુકુમતના નોકરો કેટલા એશો આરામની જીંદગી પસાર કરે છે અને આપણે હક પરસ્ત કેટલી દબાણ ભરેલી જીંદગી પસાર કરી રહ્યા છીએ. સાદિકે આલે મોહમ્મદ(અ.સ.)એ તેને અશરફી ભરેલી એક થેલી આપી અને કહ્યું તુ પણ એશની જીંદગી વીતાવવાની તમન્ના પુરી કરી લે અને જ્યારે તે અશરફી ભરેલી થેલી લઇને ચાલવા લાગ્યો તો આપ(અ.સ.)એ કહ્યુ: એક શર્ત છે અને તે એ કે મારી મોહબ્બત મને પાછી આપી દે. ચાહવાવાળાના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને તેના હાથમાંથી તે થેલી ત્યાં પડી ગઇ. આંખોમાં આંસુ સાથે કેહવા લાગ્યો: આપની મોહબ્બત જે હંમેશની જીંદગીની ઝમાનત છે તેના બદલમાં આ રકમ, આ અશરફીની થેલીની કાંઇ કિંમત નથી. આ રીતે ઇમામ(અ.સ.)ની મોહબ્બતની શુધ્ધતાએ રૂહને ખુશી અને દિલને યકીનથી ફૈઝયાબ કર્યુ. કારણ કે ઇમામે વક્તની હાજરીમાં હતો એ ઇમામ કે જેની સામે દુનિયાની હકીકતોના આઇના મૌજુદ હતા, જે દિલની કૈફીયતોથી વાકિફ હતા, જે અલ્લાહના વલી અને આ ઝમીન પર તેના ખલીફા હતા. આથી હકથી ચેહરો ફેરવવાની ભૂલથી બચી ગયો નહિતર અમૂક દિવસની જીંદગીના બદલામાં આખેરત ખોઇ બેસત.
આ ઝમાનો અને ઇમામે અસ્ર(અ.સ.)થી મોહબ્બતના તકાઝાઓ:
એ ઝમાનો હતો કે જ્યારે ઇમામ(અ.સ.) સામે હતા. ઇમામ(અ.સ.)ના ઇલ્મથી ફાયદો ઉઠાવવાવાળા અને ઇતાઅત ગુઝાર તથા મોહબ્બતના મૂલ્યોથી સદ્ભાગ્યશાળી અસ્હાબ હતા. એ ઝમાનો પોતાનુ રૂપ બતાવીને હિ.સ. ૬૦ માં ખત્મ થઇ ગયો અને ભવિષ્યવાણીની તે અવાજ જે ગદીરમાં બુલંદ થઇ હતી, અકીદતમંદો, ઇમામ(અ.સ)ના મોઅતકેદીન અને ઇમામતના ભેદને જાણવાવાળા ભણેલ ગણેલ લોકોની યાદોમાં વસેલી હતી. આવા લોકો ઓછા ન હતા પરંતુ ચારે બાજુ ફેલાએલા હતા.
ઇમામે વક્ત હિ.સ. ૨૬૦ માં ગૈબતે સુગરામાં ચાલ્યા ગયા. સ્પષ્ટતાની જરત નથી. હુકુમત અને જાસુસો અને એ દુશ્મનો જે રાજકારણથી જોડાએલા હતા, તેઓની જાળ ચારે તરફ બિછાવેલી હતી અને તેનુ વિગતવાર વર્ણન ઇતિહાસની કિતાબોમાં મૌજુદ છે.
હિ.સ. ૩૨૯ માં નવ્વાબે ખાસનો ક્રમ તૂટી ગયો અને ગૈબતે કુબરાની શઆત થઇ. હઝરત(અ.સ.)એ આખરી તૌકીઅમાં ફરમાવી દીધુ કે હવે મારી ગૈબતે કુબરાનો સમય શરૂ થઇ ગયો છે અને જેઓ મુજતહીદ હશે તે અમારી તરફથી નયાબત પર મુકર્રર છે અને તે એ જ હશે જે સહીહ રિવાયતો પર પકડ ધરાવતા હશે અને પોતાના ઇલ્મ પર ઇજતેહાદની સનદ ધરાવતા હશે.
ખવાસ એટલે ઇલ્મ અને હિકમત ધરાવનારાઓ, ઓલમા અને ફોકહાથી વાત સામાન્ય લોકો સુધી પહોંચશે તો અકાએદ અને એહકામ સ્થાપિત થતા રહેશે. બિલ્કુલ સહીહ છે પરંતુ અહીં ઇમામ(અ.સ.)ની મોહબ્બતની શુધ્ધતાની ચર્ચા કેવી રીતે દરેક માટે શક્ય હોય, આ એક પ્રશ્ર્નાર્થ ચિહ્ન છે. તેનો સંબંધ ઇન્સાનના નફસથી છે. જ્યાં સુધી ઇન્સાનનો નફસ પાકીઝા નહી હોય ત્યાં સુધી એહલે ઇલ્મ અને એહલે ઝિક્રની વાતોને કઇ રીતે કબુલ કરશે? આથી જરૂરી છે કે નફસની પાકીઝગીની તૈયારી હોય અને આ એ જ સમયે શક્ય છે જ્યારે આપણે અલ્લાહની કિતાબ, અલ્લાહના ફરમાનની કિતાબ કુર્આને મજીદથી એક મજબુત અને સતત સંબંધને બનાવીએ અને તેના પ્રકાશમાં આપણી ઇમામ(અ.સ.) પ્રત્યેની મોહબ્બતને તપાસતા રહીએ અને જોઇએ કે નફસ કેટલો પાક થયો અને ઇમામે ઝમાના(અ.સ.)ની મોહબ્બત કેટલા પ્રમાણમાં અને કેટલી હદ સુધી તેમાં વસી રહી છે.
તઝકીય્યએ નફસ અને ઉમ્મુલ કિતાબ કુર્આને મજીદ:
ખુદાવંદે મોતઆલ કિતાબને દોસ્ત રાખવાવાળાઓ માટે ઇરશાદ ફરમાવે છે:
“વ એઝા કરઅ્તલ્ કુર્આન જઅલ્ના બય્નક વ બય્નલ્લઝીન લા યુઅ્મેનુન બીલ્ આખેરતે હેજાબમ મસ્તુરા”
“જ્યારે તમે કુર્આનની તિલાવત કરો છો તો ખુદા તમારી અને જે આખેરત પર ઇમાન નથી રાખતા તેમની વચ્ચે એક છુપાયેલો પર્દો નાખી દે છે”
(સુરે ઇસ્રા, આયત: ૪૫)
અને આ રીતે તે કે જે દુનિયાને અને તેની જગમગાહટ અને ગુમરાહીઓના રસ્તાઓ પર એશો આરામના પડાવ નાખી દીધા છે. તેનાથી બચાવી લે છે, પોતાની પનાહમાં રાખે છે અને આખેરત પર યકીન રાખવાનારા દિલોમાં બોલતી કિતાબ એટલે જે ઇલાહી હિકમતના રહસ્યોથી જાણકાર છે અને ઇમામતના હોદ્દા પર બિરાજમાન છે, તેમની મોહબ્બતને દિલમાં જગાવી દે છે અને તે કે જેઓ આખેરત પર યકીન નથી રાખતા તેમને પણ સાવચેત કરે છે.
“અફલા યતદબ્બનલ્ કુર્આન અમ્ અલા કોલુબીન અક્ફાલોહા”
“કુર્આનમાં ચિંતન મનન શા માટે નથી કરતા? શું તેઓના દિલો પર તાળા લાગેલા છે”
(સુરે મોહમ્મદ, આયત: ૨૪)
તઝકીય્યએ નફસ:
જ્યારે મોઅમીનના કાનોમાં ઇલાહી ફરમાન કુર્આન પર ચિંતન મનન કરવાની અવાજ ગુંજે છે તો તે તેની શરૂઆતની મંઝિલો પરથી પસાર થઇને પોતાની ઉંચી મંઝિલોને શોધે છે. જેના માટે તેને કુર્આનની સમજણની તલાશ પૈદા થાય છે અને આ તો તે સમયે શક્ય છે કે જ્યારે કોઇ મોહબ્બત કરવાવાળુ મહેરબાન હિકમતના માલિક પોતાની રાહનુમાઇથી જાણકાર કરી દે. અલ હમ્દો લિલ્લાહ આ વિચાર આવવાથી પાક નફસોના દિલ પોતાના ઇમામ(અ.સ.)ના ઇશારાની તરફ દરેક સમયે અવાજ તરફ કાન ધરીને તૈયાર રહે છે. એ ઇમામ ગૈબતમાં રહીને દરેક સમયે આપણી સામે છે અને પોતાની મોહબ્બત અને ઇનાયતથી આપણી નવાઝિશ કરે છે. તેમણે આપણી હિદાયત કરી તો ઇલાહી કલામની બીજી આયતે આપણને ટેકો આપ્યો અને આપણી વિચારશૈલીમાં મોહબ્બતની રોશનીમાં એક સંશોધન અને એક તલાશના માટે દરવાજા ખોલી દીધા તે આયત આ છે:
“લકદ્ અર્સલ્ના રોસોલના બીલ્ બય્યેનાતે વ અન્ઝલ્ના મઅહોમુલ્ કેતાબ વલ્ મિઝાન લે યકુમન્નાસો બિલ્ કિસ્ત”
“બેશક અમે સ્પષ્ટ નિશાનીઓ સાથે રસુલો મોકલ્યા અને તેઓની સાથે કિતાબ અને મિઝાનને નાઝિલ કર્યુ. જેથી લોકો ઇત્મિનાન, નિર્ભયતા પૂર્વક અમ્નો અમાનથી જીવન પસાર કરી શકે
(સુરે હદીદ, આયત: ૨૫)
જે ઇત્મિનાનને આખી દુનિયાએ અસ્તિત્વમાં નથી એમ સમજ્યુ છે, અલ્લાહે પોતાના નેક બંદાઓ એટલે કે કારીએ કુર્આન અને ઇમામ(અ.સ.)ના દામન સાથે જોડાયેલાના માટે એવી રીતે અતા કર્યુ છે કે સીધા રસ્તામાં એક તરફ કિતાબ અને બીજી તરફ ઇમામ(અ.સ.)ની મોહબ્બતને એટલે મિઝાનને દિવારની જેમ રાખી દીધુ, જેથી મોહબ્બતના અમીન ઇન્સાન દરેક રીતે સુરક્ષિત થઇ જાય. અફસોસ આજની દુનિયાએ મિઝાનના શબ્દથી મુસલમાનોએ ન ઇન્સાફ કર્યો અને ન તો સમજવાની કોશિશ કરી. જે મોહમ્મદ(સ.અ.વ.) રસુલ છે, ઇમામ(અ.સ.) પણ તેમના જાનશીન જ છે. તેમનું નામ પણ તે જ મીમ-હે-મીમ-દાલ છે. મોહબ્બત પવિત્ર નફસોનું રહેઠાણ છે. તે ઇમામ(અ.સ.) તરફ આકર્ષણ પૈદા કરે છે. તે રીતભાત શીખવે છે. કઇ રીતે ઇમામ(અ.સ.)ની તરફ, ઇમામ(અ.સ.)ની મરજી, ઇમામ(અ.સ.)ના ઇશારા, ઇમામ(અ.સ.) પ્રત્યે પોતાની જવાબદારીઓથી આગાહ રહેવુ, પોતાની આશાઓના દીવાઓને પોતાના દિલમાં રોશન રાખવા. યાદ રહે એ દિલ કે જ્યાં ઇમામ(અ.સ.)ની મોહબ્બતનું રહેઠાણ છે તે બિલકુલ એ પક્ષી જેવુ થઇ જાય છે જે સાંજ થતા જ પોતાના માળા તરફ ઉડીને જાય છે.
તઝકીય્યએ મોહબ્બતે ઇમામે ઝમાના(અ.સ.) અને તેનાથી મળતા પરિણામો:
ખુદાવંદે મોતઆલે કેવી લતીફ ચીજને નૂરના પેહરણમાં ઇઝહારની સાથે માટીના શરીરમાં રાખીને કેવા દિલને ગમી જાય તેવા અંદાજમાં ઇન્સાનને સંબોધન કરી રહ્યો છે. અગર એ ઇન્સાન તે આ જવહરને બચાવી લીધુ તો પોતાની બુલંદ મંઝિલોથી પસાર થઇને આસ્માનોની સફર કરવાને લાયક થઇ જશે. દુનિયાની બલંદીઓ તમારી સામે હશે. અગર આ આયતે કરીમાના અરીસામાં ઇન્સાન વિચારે તો આ જ અર્થ સામે આવશે.
“હોવલ્લઝી અન્ઝલસ્સકીનત ફી કોલુબીલ્ મોઅમેનીન લે યઝ્દાદુ ઇમાનન મઅ ઇમાનેહીમ્ વ લીલ્લાહે જોનુદુસ્સમાવાતે વલ્અર્ઝે વ કાનલ્લાહો અલીમન હકીમા
“તે અલ્લાહ એ જ છે કે જે મોઅમીનોના દિલોમાં સુકુન નાઝિલ કરે છે અને તેના ઇમાનના સ્તરમાં વધારો કરે છે અને તેનું લશ્કર આસ્માનો અને ઝમીનમાં ફેલાયેલુ છે અને તે ખુબ જ જાણવાવાળો અને હિકમતવાળો છે
(સુરે ફતહ, આયત: ૪)
આપણો ખાલિક આપણા બધા પર કેટલો મહેરબાન છે. તેણે તૌબા અને ઇસ્તિગ્ફાર કરવાની રીત શીખવાડી, પસ્તાવાવાળા પર રહેમત નાઝિલ કરવાનો વાયદો કર્યો, શરથી બચવા માટે નિયમો આપ્યા. મોઅમીનની વાતચીતમાં રેશમ જેવી નરમાશ અતા કરી, વર્તણુકમાં આકર્ષણ પૈદા કરી દીધુ, સૈરો-સુલુક માટે તૈયારી પૈદા કરી દીધી, ખુબ જ જલ્દી રાજી થઇ જશે એવુ યકીન પૈદા કરી દીધુ, પોતાની યાદને પોતાના અસ્માએ હુસ્નાની સાથે શીફાની ઝમાનતદાર બનાવી, પોતાના વલી ઇમામે વક્તને પોતાના તરફથી વિલાયત અને મોહબ્બતની ધરી બનાવી. હવે અગર પોતાના ઇમામ(અ.સ.)થી તઝકીયએ મોહબ્બત કરવાની રીત ન આવડી અને ગફલતના પર્દા ન હટ્યા તો ઇન્સાન પોતે જવાબદાર છે. હુજ્જતે બાલેગા માટે સાંભળનારા કાન આપ્યા. અક્લ અને સમજણના ચિરાગ ફિતરતમાં પ્રકાશિત કર્યા છે. આથી ઇમામે ઝમાના(અ.સ.)ની મોહબ્બતનો તકાઝો છે કે ઇન્સાન તેની શુધ્ધતા કરતો રહે.
વાંચકો આ જ મોહબ્બતનો પૈગામ સલામ છે. આ જ તે ગભરાતા દિલને સહારો દેવાનુ નામ છે. મોઅમીન જ્યારે હાલની બદકારીઓ, નગ્નતા, શરાબ અને જુગારમાં લોકોના ટોળે ટોળા જુએ છે તો ગભરાય છે. ક્યા રસ્તેથી પોતાના ઇમામ(અ.સ.)ની નજદીક જાય, કેવી રીતે પોતાની મોહબ્બતના જવહરને ગંદગીઓથી બચાવે. તે આતંકવાદીઓનો શિકાર, યતીમોની તડપ, વિધવાઓના મુરજાએલા ચેહરાઓ, ઝખ્મી લોકોની આહ, લાચારોનું ગિર્યા. ટૂંકમાં ખુનના વરસાદને જોઇને ભયભીત થઇને પોતાના ઇમામ(અ.સ.) પ્રત્યે મોહબ્બતને કાયમ રાખવા માટે ખુદાથી મદદ માંગે છે. ખુદાયા અમને બચાવી લે, અમારી હિફાઝત કર. જવાબમાં ખુદા ફરમાવે છે:
“વસ્તઇનુ બિસ્સબ્રે વસ્સલાત વ ઇન્નહા લ કબીરતુન ઇલ્લા અલલ્ ખાશેઇન
“અને સબ્ર તથા નમાઝ વડે (નમાઝ પઢવી) મદદ માંગતા રહો અને બેશક તે એક ભારે (કાર્ય) છે, સિવાય તે લોકોના માટે કે જેઓ નમ્ર છે
(સુરે બકરહ, આયત: ૪૫)
બાકી બધા માટે અઘરૂ છે. આ એક કિલ્લાની જેવી આયત છે અને દરેક ઇબાદત મોહબ્બતે એહલેબૈત(અ.મુ.સ.) વગર ફાયદા વગરની છે. જ્યારે ઇમામ એક સરહદ છે. અલ્લામા ઇકબાલે અવ્વલ મોહમ્મદ(સ.અ.વ.)ના માટે કહ્યુ હતુ, જે આજના ઝમાનાના મોહમ્મદ(અ.સ.) (મીમ-હે-મીમ-દાલ) પર લાગુ પડે છે.
કી મોહમ્મદ(સ.)સે વફા તુને, તો હમ તેરે હૈ.
યે જહાં ચીજ હૈ કયા, લવ્હ વ કલમ તેરે હૈ.
ગયબતમાં રહીને યતીમોની, અમારી કૌમની બેવાઓની, ઘાયલોની, લાચારો અને મઝલુમોની ફરિયાદ જે તેમના ઇમાન, તેમની મોહબ્બતના થકી મૌલા આપ સુધી પહોંચી રહી છે, તેને પોતાના મહેરબાનીના દામનમાં લઇ લ્યો. અમે શરમીંદા છીએ કે મોહબ્બતનો હક અદા કરવામાં અમારા હાથ ટૂંકા છે, પરંતુ અમારી ઉમ્મીદ ફકત આપની સાથે જોડાયેલ છે અમે નાઉમ્મીદ અને મદદગાર વગરના નથી. આપનું પવિત્ર વુજુદ કાએનાતને સંભાળી રહ્યુ છે અને આપ(અ.સ.) મારા મદદગાર છો.
—૦૦૦—
Comments (0)