ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૮
(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૫ અગાઉના અંકોથી શરૂ)
અસ્સલામો અલા અખીહીલ્ મસ્મુમે
સલામ થાય તેમના એ ભાઇ ઉપર જેમને ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા
ઝિયારતે નાહિયાના આ જુમ્લામાં ઇમામ હુસૈન(અ.સ.) ના ભાઇ, જન્નતના જવાનોના સરદાર ઇમામ હસને મુજતબા (અ.સ.) પર સલામ મોકલવામાં આવ્યા છે. જેઓને ખુદ તેમની પત્નિ મલઉના જોઅદાહ બિન્તે અશઅસએ મોઆવીયા ઇબ્ને અબી સુફયાન (લાઅનતુલ્લાહ)ના કેહવા ઉપર ઝહેર આપીને શહીદ કરી દીધા. મસ્મુમ શબ્દ સમ્મ (ઝહેર)થી બનેલ છે અને અરબી સર્ફના દ્રષ્ટિકોણથી ઇસ્મે મફઉલ છે એટલે કે જેને ઝહેર આપવામાં આવ્યું હોય.
મોહમ્મદુબ્નો વહ્બાન અન્ દાઉદબ્નીલ્ હય્સમે અન્ જદ્દેહી ઇસ્હાકબ્ને બોહ્લુલીન અન્ અબીહે બોહ્લુલીબ્ને હસ્સાન અન્ તલ્હતબ્ને ઝય્દીર્ રક્કીય્યે અનીઝ્ ઝોબય્રીબ્ને અતાઇન અન્ ઓમૈરીબ્ને માનીલ્ અબ્સીય્યે અન્ જોનાદતબ્ને અબી ઓમય્યત કાલ દખલ્તો અલલ્ હસનીબ્ને અલીય્યીબ્ને અબી તાલિબ(અ.સ.) ફી મરઝેહીલ્લઝી તોવુફ્ફેય ફીહે વ બય્ન યદય્હે તસ્તુન યુક્ઝફો અલય્હીદ્ દમો વ યખ્રોજો કબેદોહુ કીત્અતન મેનસ્સમ્મીલ્લઝી અસ્કાહો મોઆવેયહ
જુનાદાહ ઇબ્ને અબી ઉમય્યા રિવાયત કરે છે કે હું ઇમામ હસન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) ની ખિદમતમાં હાજર થયો. તે સમયે આપ(અ.સ.) સખ્ત બિમાર હતા. આપની સામે એક થાળ રાખેલો હતો જેમાં ખુન ટપકી રહ્યું હતું અને આપના મોઢામાંથી આપના કલેજાના ટૂકડા બહાર નીકળતા હતા એ ઝહેરના લીધે કે જે મોઆવીયા (લાઅનતુલ્લાહ)એ આપને પીવડાવ્યું હતું.
(કિફાયતુલ અસર, ઇબ્ને ખઝ્ઝાઝ કુમ્મી(ર.અ.))
જે લોકો ઇમામ હસને મુજતબા(અ.સ.)ની શહાદતની વિગતવાર માહિતી જાણવા ચાહે છે તેઓ બેહારૂલ અન્વાર (અરબી) ભાગ:૪૪, પાના: ૧૩૪, બાબ: ૨૨ જોઇ શકે છે.
અસ્સલામો અલા અલીય્યીલ્ કબીર
સલામ થાય અલી અકબર પર
આ વાક્યમાં ઇમામે ઝમાના (અજ્જલલ્લાહો તઆલા ફરજહુશ્શરીફ) સલામ મોકલી રહ્યા છે એ શાહઝાદા ઉપર જે પૈગમ્બરની શબીહ હતા. જ્યારે અલી અકબર(અ.સ.) શહાદત પર જઇ રહ્યા હતા સય્યદુશ્શોહદાએ પોતાની આંગળીને આસ્માનની તરફ ઉંચી કરીને ફરમાવ્યું:
અલ્લાહુમ્મશ્હદ અલા હાઓલાઇલ્ કવ્મે ફકદ્ બરઝ એલય્હીમ્ ગોલામુન અશ્બહુન્નાસે ખલ્કન વ ખોલોકન વ મન્તેકન બે રસુલેક કુન્ના એઝશ્તક્ના એલા નબીય્યેક નઝર્ના એલા વજ્હેહી
પરવરદિગાર તું આ કૌમની વિરૂદ્ધ ગવાહ રેહજે કે તેઓથી લડવા માટે હવે એ જવાન ગયો છે જે સિરત અને સુરતમાં, રફતાર અને ગુફતારમાં તારા રસુલથી સૌથી વધારે સરખામણી રાખે છે. જ્યારે અમે તારા નબીની ઝિયારતના ઇચ્છુક હોઇએ છીએ તો તેના તરફ જોઇ લઇએ છીએ
જ્યારે શેહઝાદા જંગ માટે નીકળ્યા તો આ રજઝ પઢતા નિકળ્યા
અના અલીયબ્નુલ હુસૈનબ્ન અલી મન ઉસ્બત જદ્દ અબીહીમ નબી વલ્લાહે લા યહ્કોમો ફી ના ઇબ્નદ્દઇ અતઅનોકુમ બીર્રમહે હત્તા યુન્સેની અઝરેબોકુમ બીસ્સય્ફે અહમા અન અબી ઝરબે ગુલામે હાશમી અલવી
હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું. તેમનો ફરઝંદ છું જેમના જદ્ નબી છે. ખુદાની કસમ એક હરામઝાદાનો દિકરો અમારી વચ્ચે ફૈસલો નથી કરી શક્તો. હું મારા નેઝાથી તમારી ઉપર હુમલો કરીશ જ્યાં સુધી તે તૂટી ન જાય. મારી તલવારથી તમને મારીશ. મારા પિતાના બચાવમાં એ ઝરબત એક હાશમી અલવી જવાનની ઝરબત છે.
અલી અકબર(અ.સ.)એ એવો હુમ્લો કર્યો કે અશ્કીયાની ફૌજમાં લાશોનો ઢગલો થઇ ગયો, જેના લીધે શોર બકોર થઇ ગયો અને સખ્ત પ્યાસ લાગી હોવા છતા આપે ૧૨૦ અશ્કીયાને જહન્નમ વાસિલ કર્યા.
પછી અલી અકબર(અ.સ.) ઝખ્મોથી ચુર થઇને ઇમામ હુસૈન ઇબ્ને અલી(અ.સ.)ની તરફ પાછા ફર્યા અને અરજ કરી:
યા અબતે અલ અત્શો કદ કતલની વ સેકલુલ હદીદે અજહદની ફ હલ એલા શરબત મીન માઇન સબીલ અતકવ્વાબેહા અલલ્ અઅ્દાએ
બાબા પ્યાસ મારી નાખે છે અને લોખંડનો વજન મારા પર ભારે થઇ રહ્યો છે. શું કોઇ પાણીની સબીલ થઇ શકે છે જેના લીધે દુશ્મનોની વિરૂદ્ધ મને તાકત મળે?
મકતલ કહે છે કે ફરઝંદની આ ખ્વાહિશથી મઝલુમ ઇમામનું કલેજુ ફાટી ગયું અને આપ રોવા લાગ્યા પછી ફરમાવ્યું:
યા બોનય્યા હાતે લિસાનેક ફ અખઝ બે લિસાનેહી ફ મસ્સહુ વ દફઅ એલય્હે ખાતમહુ વ કાલ ઇમ્સુકહો ફી ફીક વરજઅ એલા કેતાલે અદુવ્વેક ફ ઇન્ની અરજુ અન્નક લા તમસા હત્તા યુસ્કીક જદ્દોક બે કઅસેહીલ અવ્ફા શરબત લા તઝમઅ બઅદહા અબદા
બેટા લાવો તમારી ઝબાન આપો. ઇમામ(અ.સ.)એ પોતાની ઝબાન અલી અકબરની ઝબાનમાં રાખીને ચુસાવી (પરંતુ ઇમામની જીભ અલી અકબરની જીભ કરતા વધારે સુકી હતી) પછી ઇમામ(અ.સ.)એ પોતાની અંગુઠી આપી અને ફરમાવ્યું બેટા આને તમારા મોઢામાં રાખી લ્યો અને દુશ્મનોથી જેહાદ કરવા જાવ. હું ચાહું છું કે સાંજ થવા પહેલા તમારા જદ્દ તમને એવા પાણીથી તૃપ્ત કરશે કે તેના બાદ તમને ક્યારેય તરસ નહી લાગે
અલી અકબર(અ.સ.)એ ફરીથી હુમલો કર્યો અને ૨૦૦ અશ્કીયાને વાસિલે જહન્નમ કર્યા. એક શકી જેનું નામ મુન્કઝ ઇબ્ને મર્રા અબદી હતું, તેણે અલી અકબર(અ.સ.) પર એવો વાર કર્યો કે જેના લીધે શાહઝાદા ઘોડા પરથી નીચે આવ્યા. અશ્કીયાએ અલી અકબર(અ.સ.)ને ઘેરી લીધા. જ્યારે કે અલી અકબરે પોતાના હાથોને ઘોડાના ગળામાં નાખી દીધા હતા. મકતલ કહે છે:
ફહતમલહુલ્ ફરસો એલા અસ્કરીલ્ અઅદાએ
ફ કતઉહો બે સોયુફેહીમ ઇરબન ઇરબન
પછી ઘોડો અલી અકબર(અ.સ.)ને દુશ્મનોની તરફ લઇ ગયો અને તેઓએ પોતાની તલવારોથી અલી અકબરના ટૂકડે ટૂકડા કરી નાખ્યા.
ઇમામ હુસૈન(અ.સ.)એ અલી અકબર(અ.સ.)ની શહાદત પર મરસીયો પઢ્યો:
અય બેટા તમારા પછી દુનિયાની જીંદગી પર ધૂળ છે. તમે તો આ ફાની દુનિયાથી વિદાય લઇ લીધી અને તમારા પિતા દુશ્મનોની વચ્ચે એકલા ઘેરાયેલા છે. ખુદાયા! આ કૌમને હરગીઝ માફ નહી કરતો કે જેઓ અલી અકબર (અ.સ.) જેવા ફરઝંદને હુસૈન(અ.સ.) જેવા પિતાથી છીનવી લીધો.
અસ્સલામો અલર્રઝીઇસ્સગીર
સલામ થાય દૂધપીતા કમસીન પર
હવે ઇમામે ઝમાના(અ.સ.) ઝિયારતે નાહિયામાં ઇમામ હુસૈન(અ.સ.)ના નાના શીર ખ્વાર અલી અસ્ગર(અ.સ.) પર સલામ મોકલી રહ્યા છે. જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)એ આવાઝે ઇસ્તેગાસા બલંદ કરી, ખૈમામાં કોહરામ થઇ ગયો. ઇમામ(અ.સ.)એ આ શોરનું કારણ પુછ્યું. એહલે હરમે બતાવ્યું કે જ્યારે આપે આવાઝે ઇસ્તેગાસા બલંદ કરી, શીર ખ્વારે પોતાને જુલામાંથી ફેંકી દીધા. હુસૈન(અ.સ.)એ બાળકને ગોદમાં લઇ લીધુ અને ચાલ્યા.
ખુલાસો એ કે હુરમુલા મલઉનએ ત્રણ ભાલાવાળા તીરથી શીર ખ્વારને શહીદ કરી દીધા. જ્યારે માઁ એ પોતાના છ મહિનાના ચાંદને ખુનમાં નહાયેલા જોયા તો મરસીયો પઢ્યા:
અય બેટા! શું તમારી જેવા શીર ખ્વારને પણ કત્લ કરવામાં આવે છે?
અસ્સલામો અલા અબ્દાનીસ્સલીબા
સલામ થાય એ નાજુક શરીરો પર જેના પર કોઇ પણ કપડુ રેહવા દેવામાં આવ્યું નહિ
શબ્દ અબ્દાન એ બદનનું બહુવચન છે અને સલીબા એ ઇસ્મે મફઉલના અર્થમાં છે. એટલે કે જેનો લિબાસ છીનવી લેવામાં આવ્યો છે. કારણ કે અબ્દાન જમ્એ મુકસ્સર છે એટલા માટે સલીબા પર તાએ તાનીસ આવ્યો છે. કારણ કે જમ્એ મુકસ્સર મિજાઝી રીતે મોઅન્નસ હોય છે.
અસ્સલામો અલલ્ ઇત્રતીલ્ ગરીબા
સલામ થાય દરબદર ફેરવવામાં આવેલ ખાનદાન પર
ઇત્રત એટલે ખાનદાન અને ગરીબા એટલે જેને વતનથી કાઢી મુકવામાં આવ્યા હોય. ઇબ્ને મંઝુર પોતાની મશ્હુર ડીક્ષનરી લિસાનુલ અરબમાં લખે છે. “ઇત્રતનો શાબ્દિક અર્થ છે વૃક્ષની ડાળી અને ઇત્રતે નબી(સ.અ.વ.)થી મુરાદ પૈગમ્બર(સ.અ.વ.) અને અલી(અ.સ.)ની અવલાદ
(ભાગ: ૪, પાના: ૫૩૮, ઐન-તા-રાના મૂળ અક્ષર નીચે)
અગર ઇન્સાન ફક્ત આ બે શબ્દો પર વિચાર કરે તો તેનું કલેજુ ફાટી જશે. આલે નબી(સ.અ.વ.) અને આલે અલી (અ.સ.)ને દરબદર ફેરવવામાં આવ્યા. સફરની શરૂઆત ૨૮ રજબના થઇ જ્યારે સય્યદુશ્શોહદાને મદીના છોડવું પડ્યું અને આપ પોતાના પુરા ખાનદાનની સાથે મક્કાએ મોકર્રમા તશ્રીફ લઇ ગયા. પછી મક્કાએ મોકર્રમામાંથી કરબલા. આશુરાના દિવસે એહલે હરમને કૈદી બનાવવામાં આવ્યા અને કરબલાથી કુફા અને કુફાથી શામ અને શામથી કરબલા થઇ મદીના સુધી. વાય થાય આ ઉમ્મત પર! રસુલનો કલમો પઢે છે અને ઇતરતે રસુલની સાથે આવો વર્તાવ? આજે પણ એ લોકો કે જેમના દિલોમાં એ ઝાલિમોની પ્રત્યે કુણી લાગણી છે અથવા કોઇ પણ રીતે એ ઝાલિમોના કદી માફ ન થઇ શકે એવા ગુનાહોમાં બચાવ રજુ કરે છે, ચોક્કસ તેઓ આ ગુનાહમાં તેમની સાથે શરીક છે.
અસ્સલામો અલલ્ મોજદ્દલીન ફીલ ફલવાત
સલામ થાય એ લાશો પર જે ધોરી માર્ગો પર વિખેરાયેલી રહી
ડિક્ષનરીમાં મુજદ્દલનો અર્થ છે અલ-મુલ્કા અલલ્ અર્ઝે કતીલા એ કે જેને કત્લ કરીને જમીન પર ફેંકી દેવામાં આવ્યા હોય અને મુજદ્દલીન તેનું બહુવચન છે. ફલવાત એ ફલવહનું બહુવચન છે જેનો અર્થ છે રાજ માર્ગ – મુખ્ય માર્ગ.
અસ્સલામો અલન્નાઝેહીન અનીલ અવતાન
સલામ થાય તેના પર જેમને તેમના વતનથી છોડાવવામાં આવ્યા હોય
શબ્દ નઝાહુન એ સમયે વપરાય છે. જ્યારે કુવામાંથી પાણીને કાઢી નાખવામાં આવે છે. આ ઝિયારતમાં ઇમામે ઝમાના(અ.સ.) અજબ દર્દને દર્શાવીને ફરમાવી રહ્યા છે કે એહલેબૈત(અ.મુ.સ.)ને તેમના વતનથી એવી રીતે જુદા કરી દેવામાં આવ્યા, જેવી રીતે કુવામાંથી પાણી કાઢવામાં આવે છે. અગર આ સરખામણી પર વિચાર કરીએ તો ઘણી બધી બાબતો સામે આવે છે. એ કુવો કે જેમાં પાણી નથી રેહતુ તે પછી કુવો નથી રેહતો, ફક્ત એક ખાડો રહી જાય છે. બિલકુલ એવી જ રીતે ફરઝંદે રસુલ(સ.અ.વ.) અને આલે રસુલ (સ.અ.વ.)ના જવા બાદ મદીના મદીના રહ્યું નહી. કુર્આને કરીમમાં ઇર્શાદ થાય છે.
વ બેઅ્રીન મોઅત્તલતીન
એ કુવો કે જે હવે ઉપયોગ નથી કરાતો
(સુરે હજ, આયત:૪૫)
આ આયતે કરીમાની તફસીરમાં ઇમામ મુસા કાઝિમ (અ.સ.)થી રિવાયત છે:
અલ્ બેઅ્રૂલ્ મોઅત્તલતુલ્ ઇમામુસ્સામેતો
છોડી દેવામાં આવેલો કુવો એટલે ખામોશ ઇમામ
(અલ-કાફી, ભાગ: ૧, પાના: ૪૨૭, હદીસ નં.: ૭૫)
એહલેબૈત(અ.મુ.સ.) મદીનાથી રૂખ્સત થયા એટલે મદીના વિરાન થઇ ગયું.
અસ્સલામો અલલ્ મદ્ફુનીન બેલા અકફાન. અસ્સલામો અલર્ રોઉસીલ્ મોફર્રેકતે અનીલ્ અબ્દાન
સલામ થાય એમના પર જેમને કફન વગર દફનાવવા પડ્યા. સલામ થાય એ સરો પર જેમને શરીરોથી જુદા કરી દેવામાં આવ્યા
હાયે શોહદાએ કરબલા! હાયે આલે રસુલ! એ રસુલ કે જેમણે દુનિયાને કફન અને દફનના આદાબ શીખવ્યા, આજે તેમની ઔલાદને કફન વગર દફન કરવામાં આવે છે. આ ઉમ્મતે આલે રસુલના સરોને તેમના શરીરથી જુદા કર્યા. ઉમ્મતે અજ્રે રિસાલત કેવો આપ્યો!
અલ્લાહુમ્મલ્ અન્ કતલતલ્ હુસૈને વ અવ્લાદેહી વ અસ્હાબેહી
(બાકી આવતા અંકે ઇન્શાલ્લાહ)
—૦૦૦—
Comments (0)