ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની વૈશ્ર્વિક અસરો

પ્રસ્તાવના:

અલ્લાહની આ સુન્નત હંમેશાથી રહી છે કે મુકર્રબ બંદાઓની વિલાદત અને શહાદત પર કાએનાતમાં અઝીમ નિશાનીઓ જાહેર થાય, જેથી જમીનવાળાઓને આવનાર મુકર્રબ બંદાઓના ઇસ્તેકબાલ માટે તૈયાર કરવામાં આવે અને આ અઝીમ બંદાઓની શહાદત પર કાએનાત પર થવાવાળી અસરોને જાહેર કરે જેથી બંદાઓને ગુનાહની ગંભીરતાનો એહસાસ કરાવી શકાય. બંને વાત માટે કુર્આનમાંથી ઉદાહણ રજુ કરી શકાય છે.જનાબે ઇસા(અ.સ.)ના જન્મ પેહલા અને પછીના બનાવોને કુર્આનમાં વિગતવાર જોઇ શકાય છે. એ જ રીતે જનાબે યહ્યા(અ.સ.) અને જનાબે સાલેહ(અ.સ.)ની ઉંટણીની શહાદત બાદની અસરો કુર્આને વિગતવાર રજુ કરી છે.

બીજુ આ અસરોને એટલા માટે દેખાડવામાં આવે છે અથવા બાકી રાખવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં આવનારા લોકો તેનાથી બોધપાઠ અને નસીહત મેળવે અને પોતાના બુઝુર્ગોના કારનામાઓ અગર હકારાત્મક છે તો પોતાની જીંદગીમાં અપનાવે. આ બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત બાદ થવાવાળા બનાવો અને અસરો પર નજર કરીએ તો તેની અબદી અસર એ થાય કે તે આપણને ખુદાવંદે આલમના દીનની હિફાઝતમાં દરેક કુર્બાની પેશ કરવા પ્રેરે છે. આ ઉપરાંત આ અસરોની ઇન્સાન પર એક ઉંડી અસર થાય છે, જે તેના દીનમાં યકીન અને ઇમાનમાં મજબુતાઇ તથા પુખ્તતા પૈદા કરે છે. દુનિયામાં શીય્યતનું હોવુ તેનો સ્પષ્ટ પુરાવો છે. આ બાબતોને દ્રષ્ટિમાં રાખીને આવો અમુક એવા બનાવોનો ઉલ્લેખ કરીએ જેમાં યકીન અને ઇમાનમાં વધારાની સાથે દુનિયા અને આખેરતમાં ખુદાવંદે આલમની ખુશનુદીનો સબબ હોય.

(૧) શૈખ પોતાની અમાલીમાં ભરોસાપાત્ર સનદથી હુસૈન ઇબ્ને અબી ફાકતાહથી વર્ણન કરે છે. રાવી કહે છે: હું અને અબુ સલમા અસ્સર્રાજ અને યુનુસ બીન યાકુબ, ફુઝૈલ ઇબ્ને સયાર અબુ અબ્દીલ્લાહ(અ.સ.) (છઠ્ઠા ઇમામ)ની પાસે હતા. મેં ઇમામ(અ.સ.)ને કહ્યું: મારી જાન આપ પર કુર્બાન થઇ જાય હું ક્યારેક એ લોકોની બેઠકોમાં જાવ છું અને દિલમાં આપ લોકોને યાદ કરૂ છું. હું તે સમયે શું કહુ? પછી ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

અય હુસૈન! અગર તમે એ લોકોની બેઠકોમાં જાવ તો કહો:

અલ્લાહુમ્મ અરેનર્રખાઅ વસ્સોરૂર ફ ઇન્નક તઅ્તી અલા મા તોરીદો

અય અલ્લાહ! અમને આસાનીઓ અને ખુશીઓ અતા કર ખરેખર તું જે ચાહે છે અતા કરે છે.

રાવી કહે છે મેં ઇમામ(અ.સ.)ને કહ્યું: મારી જાન આપ પર કુર્બાન થાય હું ઇમામ હુસૈન(અ.સ.)ને યાદ કરૂ છું. જ્યારે હું તેમને યાદ કરૂ તો શું કહુ? પછી ઇમામ(અ.સ.)એ જવાબ આપ્યો:

ત્રણ વખત કહો: સલ્લલ્લાહો અલય્ક યા અબા અબ્દીલ્લાહ (આપ પર દુરૂદો સલામ થાય અય મૌલા હુસૈન(અ.સ.)

પછી ઇમામ(અ.સ.) અમારી તરફ મુતવજ્જેહ થયા અને ફરમાવ્યું:

બેશક જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા તો સાતેય આસ્માન અને ઝમીને ગીર્યા કર્યુ. ઝમીન અને આસ્માનમાં જે ચીજો છે બધાએ ગીર્યા કર્યુ અને જન્નત તથા જહન્નમમાં જે કાઇ ચીજો છે તેણે ગીર્યા કર્યુ. જે ચીજો દેખાઇ છે અને જે ચીજો દેખાતી નથી બધાએ ગીર્યા કર્યુ સિવાય ત્રણ ચીજોએ.

રાવી કહે છે મારી જાન આપ કુર્બાન થાય એ ત્રણ ચીજો કઇ છે જેણે હુસૈન(અ.સ.) પર રૂદન કર્યુ નહી. ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

બસરા, દમિશ્ક (શામ) અને આલે હકમ બીન અબીલ આસ

(જીલાઉલ ઓયુન, પાના: ૫૩)

(૨) શૈખ સદુક ‘અમાલી’ અને ‘એલલ’ માં ભરોસાપાત્ર સનદથી જબલા મકીનાથી રિવાયત છે કે જબલા કહે છે: મેં મીસમે તમ્મારને કેહતા સાંભળ્યા કે: અલ્લાહની કસમ! આ ઉમ્મત પોતાના નબીના ફરઝંદને મોહર્રમની દસમી તારીખે શહીદ કરશે અને અલ્લાહની કસમ! દીનના દુશ્મનો આ દિવસને બરકતનો દિવસ ગણશે અને આ થવાનુ જ છે. અલ્લાહ તઆલાએ તેનો ઉલ્લેખ પ્રથમથી જ કરી દીધો છે અને આ ચીજો હું એ અહદ અને વાયદાના આધારે કહી રહ્યો છું અને ચોક્કસ મારા મૌલાએ ખબર આપી છે કે દરેક ચીજ મારા હુસૈન પર રૂદન કરશે ત્યાં સુધી કે જંગલોમાં જાનવર, સમુદ્રમાં માછલીઓ, આસ્માનોમાં પક્ષીઓ રોશે અને સુરજ, ચાંદ, સિતારાઓ, આસ્માન અને જમીન, ઇન્સાનો અને જીન્નાત મોઅમીનો, આસ્માન અને જમીનના તમામ મલાએકા, રીઝવાન, માલિક, અર્શે ઇલાહીના ઉપાડવાવાળા ફરિશ્તાઓ રોશે અને આસ્માનથી ખુનવાળી ખાકનો વરસાદ થશે. પછી ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: કાતિલો પર લાનત કરવી વાજીબ છે જેવી રીતે આ મુશ્રીકો પર લાનત કરવી વાજીબ છે, જેઓએ અલ્લાહની સાથે બીજાને શરીક કર્યા છે અને જે રીતે યહુદી, ઇસાઇ અને મજુસી પર લાનત કરવી વાજીબ છે.

જબલા કહે છે: મેં મીસમને કહ્યું: અય મીસમ! લોકો કેવી રીતે એ દિવસને બરકતનો દિવસ ગણી શકે કે જે દિવસમાં ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થયા? પછી મીસમ રોવા લાગ્યા અને પછી ફરમાવ્યું: આ લોકો જુઠી હદીસો થકી એમ ધારે છે કે આ એ દિવસ છે કે જે દિવસે અલ્લાહે આદમ(અ.સ.)ની તર્કે અવલાને કબૂલ કરી માફી અતા કરી જ્યારે કે ફક્ત અને ફક્ત ઝિલ્હજ્જમાં અલ્લાહ તઆલાએ તેમની તૌબા કબુલ કરી અને લોકો સમજે છે કે આ એ દિવસ છે જે દિવસે અલ્લાહે દાઉદ(અ.સ.)ની તૌબા કબૂલ કરી. જ્યારે અલ્લાહે ફક્ત અને ફક્ત ઝિલ્હજ્જમાં તેમની તૌબા કબુલ કરી હતી અને તેઓ એમ સમજે છે કે આ દિવસે અલ્લાહે યુનુસ પૈગમ્બરને માછલીના પેટમાંથી બહાર કાઢ્યા હતા જ્યારે કે ઝિલ્હજ્જમાં અલ્લાહે યુનુસ નબીને માછલીના પેટમાંથી બહાર કાઢ્યા હતા અને તેઓ એમ વિચારે છે કે આ દિવસે નુહની કશ્તી જુદીના પહાડ પર ઠેહરી હતી જ્યારે કે નુહની કશ્તી ૧૮ મી ઝિલ્હજ્જના દિવસે જુદી પહાડ પર ઠેહરી હતી. આ લોકો એમ ધારે છે કે બની ઇસરાઇલે એ દિવસે દરિયામાં રસ્તો બનાવ્યો જ્યારે કે રબીઉલ અવ્વલના મહિનામાં અલ્લાહ તઆલાએ બની ઇસરાઇલના માટે રસ્તો બનાવ્યો હતો. પછી મીસમ કહે છે કે અય જબલા તમે જાણી લ્યો કે હુસૈન ઇબ્ને અલી(અ.સ.) કયામતના દિવસે જન્નતમાં શહીદોના સરદાર છે અને તેમના અસ્હાબ બીજા શોહદામાંથી ઘણા જ બુલંદ છે.

અય જબલા, જ્યારે તમે સુરજની લાલાશને જુઓ કે તે જામેલા ખુન જેવુ થઇ ગયુ હોય તો જાણી લેજો કે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા.

જબલા કહે છે કે એક દિવસ હું બહાર નીકળી તો મેં જોયુ કે સુરજની કિરણો દિવાલો પર એવી રીતે દેખાઇ રહી છે જેવી રીતે લોહી ભરેલી ચાદરને લપેટી દેવામાં આવી હોય. હું ચિલ્લાઇને રોવા લાગી અને મેં કહ્યું: ખુદાની કસમ આજે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા.

(૩) ઇબ્રાહીમ ઇબ્ને નખઇથી રિવાયત છે કે એક દિવસ અલી(અ.સ.) ઘરેથી નીકળીને મસ્જીદમાં આવીને બેસી ગયા. અસ્હાબે અમીરૂલ મોઅમેનીન આજુ-બાજુ બેસી ગયા. હુસૈન (અ.સ.) ઇમામ(અ.સ.)ની સામે આવીને ઉભા રહી ગયા. પછી ઇમામ(અ.સ.)એ પોતાનો મુબારક હાથ ઇમામ હુસૈન (અ.સ.)ના સર પર રાખીને ફરમાવ્યું:

અય બેટા અલ્લાહ તઆલાએ પોતાની કિતાબમાં એ લોકોને પોતાના આ કૌલમાં બુરૂભલુ કહ્યું:

ફમા બકત્ અલય્હેમુસ્સમાઓ વલ્ અર્ઝો વમા કાનુ મુન્ઝરીન

“ન તો આસ્માન તેના પર રડ્યુ અને ન તો જમીને ગિર્યા કર્યુ અને ન તેમને મોહલત દેવામાં આવી (સુરે દોખાન: ૨૯)

ખુદાની કસમ આ લોકો તમને શહીદ કરશે અને તમારી ઉપર આસ્માન અને ઝમીન ગિર્યા કરશે

અબુ બસીર કહે છે કે છઠ્ઠા ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:

બેશક ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત પર આસ્માન અને જમીને ગિર્યા કર્યુ અને બંને લાલ થઇ ગયા અને જમીન અને આસ્માને એ બંને એટલે કે યહ્યા ઇબ્ને ઝકરીયા અને હુસૈન ઇબ્ને અલી(અ.સ.)ના સિવાય કોઇના માટે ગિર્યા નથી કર્યુ

અબ્દુલ્લાહ બીન હિલાલ કહે છે મેં ઇમામ સાદિક(અ.સ.)ને કેહતા સાંભળ્યા છે:

બેશક આસ્માનએ હુસૈન ઇબ્ને અલી(અ.સ.) અને યહ્યા ઇબ્ને ઝકરીયા(અ.સ.) પર ગિર્યા કર્યુ અને આ બંને સિવાય કોઇના પર ગિર્યા નથી કર્યુ. રાવી કહે છે મેં સવાલ કર્યો આસ્માનનું ગિર્યા કરવાથી મુરાદ શું છે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: ૪૦ દિવસ સુધી સુરજ લાલ રંગનો નિકળતો હતો અને લાલ રંગમાં ડુબતો હતો. રાવી કહે છે કે આસ્માનના ગિર્યાથી મુરાદ આ જ છે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: હા

(૪) બરબરી કહે છે હું ઇમામ રેઝા(અ.સ.)ની પાસે ગયો તો ઇમામ(અ.સ.)એ મને કહ્યું: શું તુ આ ઘુવડને જોઇ રહ્યો છે? આ લોકોને કહી રહ્યું છે. રાવી કહે છે મેં કહ્યું: મારી જાન આપ પર કુર્બાન થાય હું આપને સવાલ કરવા આવ્યો છું. પછી ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:

આ ઘુવડ મારા જદ્દ રસુલે ખુદા(સ.અ.વ.)ના ઝમાનામાં ઘરોમાં, મેહલોમાં રેહતુ હતુ અને જ્યારે લોકો ખાવાનું ખાતા તો ઉડીને તેઓની સામે આવીને બેસી જતુ હતુ. લોકો તેની સામે ખાવાનું રાખી દેતા હતા અને પાણી પીવડાવતા હતા અને તે ઉડીને પાછુ પોતાના માળામાં ચાલ્યુ જતુ. પરંતુ જે દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ને શહીદ કરી દીધા તે દિવસથી તેણે ઘરોમાં રેહવાનું છોડી દીધુ અને સુમસામ પહાડ અને જંગલોમાં રેહવા લાગ્યુ અને કહે છે: તમે લોકો બદતરીન ઉમ્મત છો. તમે તમારા નબીની દુખ્તરના ફરઝંદને કત્લ કરી દીધા. હવે હું તમારી પર ક્યારેય ભરોસો નહી કરૂ

ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

બેશક ઘુવડ દિવસે રોઝા રાખે છે પછી જ્યારે રોઝો ખોલે છે તો સવાર સુધી હુસૈન(અ.સ.) પર પોતાની મુંગી રીતે મરસીયો પઢે છે

હુસૈન ઇબ્ને અબી મંઝર છઠ્ઠા ઇમામ(અ.સ.)થી રિવાયત કહે છે: મેં ઇમામ(અ.સ.)ને ઘુવડના બારામાં કેહતા સાંભળ્યા છે: શું તમારામાંથી કોઇએ ઘુવડને દિવસે જોયું છે? ઇમામ(અ.સ.)ને કેહવામાં આવ્યું: ક્યારેય પણ તે દિવસે દેખાતુ નથી ફક્ત રાતે દેખાય છે. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:

બેશક ઘુવડ હંમેશા આબાદીમાં રેહતુ હતુ. પરંતુ જે દિવસે હુસૈન(અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા, તે જ દિવસે તેણે પોતાની ઉપર વાજીબ કરી લીધુ કે તે ક્યારેય પણ હવેથી આબાદીમાં નહી રહે અને હંમેશા જંગલ અને રણોમાં રેહશે. ત્યાર બાદ આજ સુધી ગમઝદા રહે છે, દિવસે રોઝા રાખે છે ત્યાં સુધી કે રાતનું અંધારૂ ફેલાઇ જાય છે અને જ્યારે રાતનું અંધારૂ ફેલાઇ જાય છે તો સવાર સુધી હુસૈન(અ.સ.) પર મરસીયો પઢે છે

(જિલાઉલ ઓયુન, પાના: ૪૩૩)

(૫) આમાલી સદુકમાં મુફઝ્ઝલ ઇબ્ને ઉમરથી મોઅતબર સનદની સાથે ઇમામ સાદિક(અ.સ.)થી પોતાના બાપ દાદાઓની સનદથી વર્ણન થયું છે:

એક દિવસ ઇમામ હસન(અ.સ.) ઇમામ હુસૈન (અ.સ.)ની પાસે તશ્રીફ લઇ ગયા. જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ની નજર ઇમામ હસન(અ.સ.) પર પડી તો ઇમામ(અ.સ.)એ ગિર્યા કર્યુ. પછી ઇમામ હસન (અ.સ.)એ ફરમાવ્યું: અય અબા અબ્દીલ્લાહ હુસૈન (અ.સ.)! તમને કઇ વાતે રોવડાવ્યા? ઇમામ હુસૈન(અ.સ.)એ જવાબ આપ્યો: હું આપ પર આવવાવાળી મુસીબતો પર ગિર્યા કરી રહ્યો છું. પછી ઇમામ હસન(અ.સ.)એ ફરમાવ્યું: હું એ છું જેને ધોખાથી ઝહેર આપીને શહીદ કરી દેવામાં આવશે, પરંતુ અય અબુ અબ્દીલ્લાહ હુસૈન(અ.સ.) તમારો દિવસ (આશુરા) જેવો કોઇ દિવસ નથી. ૩૦,૦૦૦ નું લશ્કર તમારી ઉપર હુમલો કરશે જે દાવો કરતા હશે કે અમે મોહમ્મદ(સ.અ.વ.)ની ઉમ્મતમાંથી છીએ અને દીને ઇસ્લામના માનવાવાળા છીએ. તમને કત્લ કરવા અને તમારૂ લોહી વહાવવા માટે ભેગા થયા હશે અને તમારી હુરમત પામાલ કરવા અને તમારી ઝુર્રીયત અને એહલે હરમને કૈદી બનાવવા અને માલો અસ્બાબ લૂંટવા માટે જમા થશે. એ સમયે ચોક્કસ બની ઉમય્યા લાનતના હકદાર થશે અને આકાશમાંથી લોહીવાળી માટીનો વરસાદ થશે અને આપ પર દરેક ચીજ ગિર્યા કરતી હશે ત્યાં સુધી કે જંગલોમાં જાનવરો અને દરિયાઓમાં માછલીઓ ગિર્યા કરશે

આ પાંચ બનાવોને પુરતા સમજીએ છીએ નહિતર ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત બાદની અસરો અને મોઅજીઝાઓ વર્ણન કરવા માટે કિતાબો જરૂરી છે.

ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ માટે હાથ ઉઠાવીએ કે અલ્લાહ આપણી આ નાની એવી કોશિશને કબૂલ કરે અને આપણને ઇમામ હુસૈન(અ.સ.)ના અઝાદારોમાં શુમાર કરે અને વારિસે હુસૈન(અ.સ.) ઇમામે ઝમાના(અ.સ.)ના પૂરનૂર ઝુહુરમાં જલ્દી કરે.

આમીન સુમ્મ આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *