ખુદાની ઈબાદત માટે હુજ્જતે ખુદાની મઅરેફત જરૂરી છે

ખુદાવંદે આલમે ઈન્સાનને ઈબાદત માટે પૈદા કર્યો છે. તેમાં કોઈ શંકા નથી. સાફ અને પાકિઝા અક્કલ એ નિર્ણય કરે છે કે ઈન્સાન માટે ખુદાની ઈબાદત કરવી ફરજીયાત અને જરૂરી છે. નેઅમત આપનારનો શુક્ર અદા કરવાનો શ્રેષ્ઠ પ્રકાર તેની ઈતાઅત અને બંદગી છે. પરંતુ અક્કલ એ નિર્ણય નથી કરી શકતી કે ઈબાદત કઈ રીતે કરવી જોઈએ. તે માટે ઈન્સાની અક્કલની ત્યાં સુધી પહોંચ નથી. જે લોકોએ પોતાની અક્કલથી ઈબાદતની રીત નક્કી કરી તેઓ સાચા માર્ગથી ભટકી ગયા અને ખુદાની સિવાય બીજા કોઈની ઈબાદત કરવા લાગ્યા. ખુદાવંદે આલમે અંબિયા અને મુરસલીન (અ.સ.)ને નિમ્યા, જેથી તેઓ ખરેખરા અને હકીકી ખુદાની તરફ દઅવત આપે. ફીતરતમાં (પ્રકૃતિમાં) મૌજુદ ખુદાની મઅરેફતને પોતાની યાદ શકિતથી જાગૃતિ પૈદા કરે અને તેઓને ઈબાદતની સાચી રીતે શીખવે. જેથી ઈબાદત અલ્લાહની નજદિકીનું માધ્યમ બને.

અંબિયા (અ.સ.)ના કથનો અને કાર્યો લોકોના ધ્યાનને અલ્લાહની તરફ દોરે છે. તેઓની દરેક વાતમાં ખુદા તરફનું માર્ગદર્શન છે. અહિં એક ખૂબજ મહત્વની વાત પ્રત્યે ઈશારો કરવા માગીએ છીએ. જો આપણે જાણવા માગીએ કે સાચા નબી કોણ છે અને બની બેસેલા નબી કોણ છે? સાચા ઈમામ કોણ છે અને જુઠ્ઠા ઈમામ કોણ છે? તો તેના માટે આપણે તેઓના કાર્યો ઉપર નજર કરીશું. જો તેઓના કથન અને કાર્યો શયતાનથી ઈન્કાર અને એક માત્ર ખુદાની તરફ દઅવત દઈ રહ્યા હોય તો તે સાચા નબી છે, તે ઈમામ હક ઉપર છે અને જો તેથી ઉલ્ટું છે તો તેના કથનમાં શયતાનની તાબેદારીનો હુકમ મળે છે. તે સાચા નબી હરગીઝ નથી. તેના ખોટા હોવા માટે માત્ર તેના કથનો પૂરતા છે. વધુ દલીલની જરૂર નથી.

હ. અલી (અ.સ.) ઈરશાદ ફરમાવે છે: ‘એઅરેફુલ્લાહ બિલ્લાહે વર્રસુલ બિરરેસાલતે.’ ખુદાને ખુદ ખુદાના મારફતે ઓળખો અને રસુલને તેની રિસાલત અને પયગામના મારફતે ઓળખો. (ઉસુલે કાફી, કિતાબુલ તવહીદ ભાગ 1 પાના 85) આ રીતે એહલેબય્ત (અ.મુ.સ.)ની સચ્ચાઈ અને તેમના વિરોધીઓના જુઠા હોવા માતે તેઓના કથનો પુરતા છે.

ઝિયારતે જામેઆ કબીરાના આ ફકરાઓ ઉપર જરા ધ્યાન આપો ખુદાવંદે આલમે એહલેબય્ત (અ.મુ.સ.)ને ‘પોતાની વહીનો તરજુમો કરનાર, પોતાની તવહીદના સ્તંભ, પોતાના સર્જનો ઉપર સાક્ષી’‘પોતાના બંદાઓ માટે હિદાયતના ધ્વજ, પોતાના શહેરોમાં નૂરના મિનારા, પોતાના માર્ગના માટે દલીલ અને માર્ગદર્શક ઠહેરવાયા છે અને તે હઝરાતોને દરેક પ્રકારની ગુમરાહીથી સુરક્ષિત રાખ્યા, દરેક પ્રકારના ફિત્નાથી દૂર રાખ્યા અને દરેક પ્રકારની બૂરાઈઓથી પાકીઝા બનાવ્યા. એ રીતે પાક કર્યા જે પાક કરવાનો હક હતો.’

આ રીતે મહાન દરજ્જા ઉપર નિમ્યા. પછી આટલી બધી ફઝીલતો સાથેની પ્રસંશા થયા પછી પણ એહલેબય્તે અત્હાર (અ.મુ.સ.) એ લોકોને પોતાના તરફ દઅવત નથી આપી, ખુદને મોટા નથી કર્યા જ્યારે આપણે જોઈએ છીએ કે સામાન્ય લોકો થોડીજ પ્રસંશામાં ફૂલ્યા નથી સમાતા. પોતાના બારામાં શું શું વિચારો કરવા લાગે છે. આ ફકરા પછી નીચેના વાકયો દેખાય છે: ‘આપ હઝરાતે ખુદાના જલાલને ભવ્યતાથી દોહરાવ્યો. તેની શાન અને સ્થાનને મહાન કર્યા તેની મહેરબાનીની, ઈઝઝતની તઅઝીમ કરી. હંમેશા તેનો ઝીક્ર કર્યો. તવબાના કોલ અને કરારને મજબુત બનાવ્યા, તેની ઈતાઅતના આપસી કોલ અને કરારને સંપૂર્ણ બનાવ્યા, તેની ખુશ્નુદી માટે લોકોને જાહેર અને છૂપી નસીહત કરી, હિકમત અને શ્રેષ્ઠ બોધપાઠ દ્વારા તેના માર્ગની તરફ લોકોને દઅવત આપી. તેની ખુશ્નુદી ખાતર પોતાની જાનોને કુરબાન કરી દીધી. તે માટે દરેક પ્રકારની મુસીબતોને સહન કરી. નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી,અમ્રબીલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કરની ફરજ અદા કરી. તેના માર્ગમાં ભરપૂર જેહાદ કરી.’ શું આ સંઘર્ષ નિષ્ફળ નિવડયા? શું તેનું કોઈ પણ પરિણામ ન આવ્યું? હરગીઝ નહિ, ધ્યેય સંપૂર્ણ રીતે પ્રાપ્ત થયું. આ વાકયો જુઓ ‘તેની હદોને કાયમ કરી દીધી. તેની શરીઅતના હુકમોને પ્રગટ કરી દીધા. તેની સુન્નતોને અમલી કરી દીધી.’

એહલેબય્તે અત્હાર (અ.મુ.સ.)નો ધ્યેય ખુદાના સંદેશાઓને મશ્હુર કરવાનો હતો. તે સંદેશાઓ સમગ્ર દુનિયામાં પહોંચી ગયા. આજે દુનિયાના જે ખુણામાં ઈસ્લામનો પ્રકાશ દેખાઈ રહ્યો છે તે બધો એહલેબય્તે અત્હારના શિક્ષણનો પ્રભાવ છે.

ખુદાવંદે આલમની ઈબાદત માત્ર એ રીતે  થઈ શકે છે જે ખુદાવંદે આલમે નક્કી કરી છે. નમાઝ ખુદાની જરૂરી ઈબાદત છે. પરંતુ તે નમાઝ જે ખુદાના હુકમથી પડવામાં આવે. જો કોઈ માણસ સુબ્હની બે રકાત નમાઝની પછી કોઈ પણ નઝર વિગેરે વગર, બે રકાત એ નિય્યતથી પડે કે તે બે રકાત પણ ખુદાએ વાજીબ કરી છે તો તે બે રકાત નજદિકીનું માધ્યમ ન હશે. કારણકે તે નમાઝ ખુદાના હુકમથી નથી.

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે: ‘…ખુદાવંદે આલમે મલાએકાઓને કહ્યું આદમને સજદો કરો. સૌએ આદમને સજદો કર્યો. તે સમયે ઈબ્લીસ (શયતાન)ના દિલમાં જે ઈર્ષા હતી ઈબ્લીસે તે જાહેર કરી દીધી અને તેણે સજદો કરવાથી ઈન્કાર કરી દીધો. ખુદાવંદે આલમે તેને કહ્યું જ્યારે મેં તને સજદહનો હુકમ આપ્યો ત્યારે તને કઈ વસ્તુએ સજદો કરવાથી રોકી લીધો.’

તેણે કહ્યું: ‘હું તેનાથી વધુ સારો છું. એટલા માટે કે તે મને આગથી પૈદા કર્યો અને તેનું માટીથી સર્જન કર્યું.’

‘તેથી જેણે સૌથી પહેલા અનુમાન કર્યુ તે ઈબ્લિસ છે. તેણે અભિમાન કર્યુ. આ જ અભિમાન ખુદાવંદે આલમની સૌથી પહેલી નાફરમાની છે.’

‘ઈબ્લિસે કહ્યું: મારા પરવરદિગાર મને આદમને સજદો કરવાથી માફ કરી દે અને હું તારી એવી ઈબાદત કરીશ જેવી ઈબાદત ન તારા કોઈ ખાસ નજદીક રહેવાવાળા ફરિશ્તાએ કરી હોય અને ન કોઈ નબી મુરસલે.’

ખુદાએ ફરમાવ્યું: ‘મને તારી ઈબાદતની કોઈ જરૂર નથી. હું બસ એ ચાહું છું કે મારી ઈબાદત માત્ર એ રીતે કરવામાં આવે જે રીતે હું ચાહું છું.’

‘તેણે સજદો કરવાનો ઈન્કાર કરી દીધો.’

ખુદાએ ફરમાવ્યું: ‘અહિથી નીકળી જા. ખરેખર કયામત સુધી તારા ઉપર મારી લઅનત છે. (બેહાર, ભાગ-11, પાના 141)

આથી આપણે જાણ્યું કે ઈબાદતના બારામાં ખુદાવંદે આલમ શું ચાહે છે. જો કોઈ માણસ આખી જીંદગી સજદહમાં પસાર કરી દે પરંતુ આ સજદો ખુદાના હુકમ મુજબનો ન હોય તો માત્ર ઈબાદતજ નહિ બલ્કે ખુદાથી દૂર થવાનું કારણ બને છે.

ખુદાવંદે આલમ ઉપર ઈમાન લાવવાની તાકીદ ફકત એ નથી કે આપણે તેને એક માનીએ, કોઈને તેનો સાથીદાર ન બનાવીએ. પરંતુ એ પણ જરૂરી છે કે આપણે તેનો દીન, તેના હુકમો તે દરવાજાથી મેળવીએ જેને તેણે પોતાના દરવાજા બનાવ્યા હોય. આ ‘બાબુલ્લાહ’ અમ્બીયા, મુરસલીન અને અઈમ્મએ તાહેરીન (અ.મુ.સ.) છે. નબુવ્વત અને ઈમામત ઉપર ઈમાન લાવવું તે તવહીદના અકીદાની પરિપૂર્ણતા માટે જરૂરી છે. હ. ઈમામ જઅફર સાદિક (અ.સ.) ઈરશાદ ફરમાવે છે:

‘જો કોઈ એમ વિચારે કે તે હ. રસુલે ખુદા (સ.અ.વ.)ની મઅરેફત (ઓળખ) વગર, હલાલને હલાલ અને હરામને હરામ કરી શકે છે તો હકીકતમાં તે, ખુદાએ હલાલ કરેલને હલાલ અને હરામ કરેલને હરામ નથી સમજ્યો. જો કોઈ માણસ નમાઝ પડે, ઝકાત આપે, હજ વગેરે બજાવી લાવે, આ બધું તે વ્યકિતઓની મઅરેફત વગર કરે, જેમનું અનુસરણ ખુદાએ વાજીબ અને જરૂરી ગણ્યું છે, તો ખરેખર કોઈ કામ કર્યુ નથી. ન તેણે નમાઝ પડી છે, ન રોઝા રાખ્યા છે, ન ઝકાત દીધી, ન હજ પૂરી કરી ન ઉમરા કર્યા ન જનાબતનું ગુસ્લ કર્યુ, ન તહારત પૂરી કરી, ન ખુદાના હરામને હરામ સમજ્યો, ન ખુદાના હલાલને હલાલ સમજ્યા, તેની નમાઝ, નમાઝ નથી. જોકે રૂકુઅ અને સજદહ કરતો રહ્યો. ન તેની ઝકાત, ઝકાત છે. ન હજ, હજ છે. બધું ત્યારેજ સાચું અને યોગ્ય હશે જ્યારે તે વ્યકિતઓની મઅરેફત અને તેઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે, જેની ઈતાઅત ખુદાવંદે આલમે લોકોના ઉપર વાજીબ કરી છે.’

‘જે માણસ ખુદાના તે પ્રતિનિધીઓની મઅરેફત ધરાવે છે, તેમની પાસેથી દીન અને હુકમો મેળવે છે, હકીકતમાં તેણે ખુદાની ઈતાઅત કરી છે.’ (બેહારૂલ અન્વાર ભાગ 27/176)

હ. ઈમામ જઅફરે સાદિક (અ.સ.)થી આ રિવાયત આપણા સુધી પહોંચી છે. જરા ધ્યાન દઈએ.

‘બની ઈસ્રાઈલના એક આલીમે ખુદાવંદે આલમની એવી રીતે ઈબાદત કરી કે તે (સુકાઈને) સળીની જેમ (દુબળો પાતળો) થઈ ગયો. ખુદાવંદે આલમે તે ઝમાનાના પયગમ્બરને વહી મોકલી કે તેને કહી દો કે એવી રીતે ઈબાદત કરો કે એક દેગમાં ઘેટાના માંસની જેમ ગળી જાવ તો પણ હું તે સ્વિકારીશ નહિ, ત્યાં સુધી કે તમે એ દરવાજોથી આવો જેમાંથી મેં આવવાનો હુકમ કર્યો છે. (બેહાર ભાગ 27 પાના 176)

આ બે રિવાયતોથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઈ જાય છે કે ખુદાવંદે આલમની ઈબાદત અને તાબેદારી માટે ખુદાની મઅરેફત જરૂરી છે. એટલા માટે કે માણસને ખુદાની ઈબાદત માટે પૈદા કરવામાં આવ્યો છે. તેથી સર્જનનો હેતુ ખુદાની હુજ્જતની મઅરેફત વગર પ્રાપ્ત થઈ શકતો નથી. હવે જરા રસુલે ખુદા (સ.અ.વ.)ની આ હદીસ ઉપર વિચાર કરો જેની શીઆ અને સુન્ની બન્નેએ મતભેદ વગર નકલ કરી છે.

‘મન માત વલમ યઅરેફ ઈમામે ઝમાનેહી માત મિતતન જાહેલીય્યહ.’ જે એ સ્થિતિમાં દુનિયાથી ચાલ્યો જાય કે પોતાના ઝમાનાના ઈમામની મઅરેફત ન ધરાવતો હોય, તેનું મૃત્યુ અજ્ઞાનતાનું મૃત્યુ હશે.’ (યનાબીઉલ મવદ્દત ભાગ 39/137)

તેની સાથે નીચેના પ્રસંગ ઉપર પણ ખૂબ વિચાર કરો. જેથી એ સ્પષ્ટ થઈ જશે કે જીવનમાં હુજ્જતે ખુદાની મઅરેફત કેટલી જરૂરી અને ફરજીયાત છે. હાલમાં હઝરત ઈમામ મહદી (અ.સ.)ની ઈમામતનો અકીદો કેટલી મહત્વની વિશેષતા ધરાવે છે. એટલે આપણો પૂરા ઈમાન અને ઈબાદતનો આધાર હ. વલી એ અસ્ર (અ.સ.)ની ઈમામતના અકીદા ઉપર છે. આપ (અ.સ.)ની ઈમામતના અકીદાથી જરા પણ ચલિત થયા તો આપણે દીનથી દૂર થઈ જશું. તેમની ઈમામત વગરનો આપણો કોઈપણ અમલ અલ્લાહની બારગાહમાં સ્વિકાર્ય નથી.

‘બની ઈસ્રાઈલનું એક કુટુંબ હતું. જેની વિશેષતા એ હતી કે કુટુંબનો કોઈપણ માણસ જો ચાલીસ રાત ખુદાની બારગાહમાં દોઆ કરતો તો તેની દોઆ કબુલ થતી. ઈચ્છા પ્રાપ્ત થતી. તેની દોઆ કયારે પણ રદ ન થતી.’

‘તે પૈકી એક માણસે એક હેતુ માટે ચાલીસ રાતો ઈબાદત કરી તે પછી દોઆ કરી. પરંતુ તેની દોઆ કબુલ ન થઈ. તે હ. ઈસા (અ.સ.) પાસે ગયો અને પોતાની હકીકત કહી. હ. ઈસા (અ.સ.) વઝુ કરી નમાઝ પડયા અને ખુદાની બારગાહમાં દોઆ કરી. ખુદા તરફથી જવાબ આવ્યો:

‘અય ઈસા, મારો આ બંદો મારી પાસે મારા તે દરવાજેથી નથી આવ્યો જેમાંથી અવાય છે. તે મને એ હાલતમાં પોકારી રહ્યો છે કે તેના દિલમાં તમારા અંગે કંઈક શંકા છે. જો તે માણસ મારી બારગાહમાં એ રીતે દોઆ કરે કે તેની ડોક તૂટી જાય અને તેની આંગળીઓ પડી જાય, તો પણ તેની દોઆ કબુલ નહિ કં.’ (ઉસુલે કાફી ભાગ 2 પાના 400 બાબુલ શક-97)

જો હુજ્જતે ખુદાના બારામાં શક કરવાનું આ પરિણામ હોય તો હુજ્જતે ખુદાની વાતો ન માનવાથી શું પરિણામ આવશે? જો કોઈ માણસ હુજ્જતે ખુદાને અવગણીને ખુદાની બારગાહમાં જવા માગે તો તે આ સિલસિલા અને વસીલાનો ઈન્કાર કરી રહ્યો છે, જે ખુદાએ નક્કી કર્યો છે. એટલે અલ્લાહે નક્કી કરેલા માર્ગને અવગણીને નવો માર્ગ બનાવી રહ્યો છે. એ વાત અગાઉ આવી ગઈ છે કે જો કોઈ પોતાની મરજીથી અલ્લાહની ઈબાદત કરશે તો તેની ઈબાદત કબુલ નહિ થાય.

હદીસે કુદસીમાં છે ખુદા અઝઝ વ જલ્લ ફરમાવે છે: ‘જે માત્ર મને બંદગીને પાત્ર અને હકદાર માને, મોહમ્મદને મારા બંદા અને રસુલ ગણે, અલી બીન અબી તાલિબને મારા ખલીફા ગણે અને તેઓના વંશના ઈમામોને મારી હુજ્જત ગણે, તેને મારી રહમતના કારણે જન્ન્તમાં દાખલ કરીશ. માફી અને ક્ષમાથી તેને જહન્નમથી મૂકિત આપીશ. મારા પાડોશમાં તેને જગ્યા આપીશ. મારો રહેમ અને કરમ તેના માટે જરૂરી ગણીશ. તેની ઉપર મારી રહેમતો પૂરી કરી દઈશ. જો તે મને પોકારશે તો લબ્બૈક કહીશ. જો મારી પાસે દોઆ માગશે તો કબુલ કરીશ. જો મને સવાલ કરશે તે આપીશ. જો તે ચૂપ રહેશે તો હું શઆત કરીશ. જો બુરાઈ કરશે તો તેને મારી રહમતમાં જગ્યા આપીશ. જો તે નાસી જશે તો મારી પાસે બોલાવીશ. જો મારી તરફ પાછો ફરશે તો તેને સ્વિકારીશ. જો મારો દરવાજો ખટખટાવશે તો દરવાજો ખોલી દઈશ અને જે મારી વહદાનિય્યતની ગવાહી ન આપે, મારી વહદાનિય્યતની ગવાહી તો આપે, પરંતુ મારા બંદા અને રસુલ મોહમ્મદની રિસાલતની ગવાહી ન આપે અથવા તેની રિસાલતની ગવાહી તો આપે પરંતુ એ ગવાહી ન આપે કે અલી બીન અબી તાલિબ મારા ખલીફા છે. અથવા અલીની ખિલાફતની ગવાહી તો આપે પરંતુ તેના વંશના ઈમામોની ઈમામત અને વિલાયતની ગવાહી ન આપે.

તેણે મારી નેઅમતોનો ઈન્કાર કર્યો. તેણે મારી અઝમતને બહુજ હકીર, નકામી જાણી અને મારી કિતાબોનો ઈન્કાર કર્યો.’ (આ પછીના વાકયો ઉપર ખુબ ધ્યાન આપો અને જૂઓ કે ખુદા સુધી પહોંચવા માટે હુજ્જતે ખુદાની મઅરેફત કેટલી જરૂરી છે.)

‘જો મારી તરફ મોઢું ફેરવશે તો મને તેનાથી છુપાવી લઈશ. જો મને સવાલ કરશે તો તેને મેહરૂમ કરી દઈશ. જો મને પોકારશે તો તેનો અવાજ નહિ સાંભળું. જો મારી પાસે આશા રાખશે તો તેને નિરાશ કરી દઈશ. મારી તરફથી તેને આ સજા છે અને હું મારા બંદા ઉપર જરાપણ ઝુલ્મ નથી કરતો.’ (કમાલુદ્દીન પ્રકરણ 24 હદીસ 3 પા. 258)

હ. ઈમામ જઅફરે સાદિક (અ.સ.) એ ફરમાવ્યું: ‘ખુદાવંદે આલમને તે વાતમાં કાંઈ શરમ નથી કે તે લોકો ઉપર અઝાબ કરે, જે એવા ઈમામને માને છે જેની ખુદાએ નિમણુંક નથી કરી.’

‘જો કે ભલે લોકો અમલના ધોરણે સદકાર્યો જ કરનાર કેમ ન હોય અને ખુદાવંદે આલમને તે વાતની શરમ થાય છે કે તે તેવા લોકો ઉપર અઝાબ કરે કે જેઓ તેણે નક્કી કરેલા ઈમામને તો માને છે પછી ભલે તે લોકો અમલની રીતે બૂરા કેમ ન હોય.’ (ઉસુલે કાફી, કિતાબુલ હુજ્જત, ભાગ 1 પાના 376)

ખુદાને ત્યાં શરમ અને હયાનો પ્રશ્ન ઈન્સાનની જેમ નથી. પરંતુ આ પ્રકારનું અર્થઘટન એ માટે છે કે ખુદાની સુન્નત આ છે, પ્રક્રીયા આ છે. અલબત્તા આ હદીસનો એ અર્થ કદાપિ ન કરવો જોઈએ કે આપણે ઈમામે બરહકની ઈમામતને માનીએ છીએ તો આપણા માટે ગુનાહ કરવામાં કંઈ વાંધો નથી. ઈમામે બરહકની ઈમામત અને મઅરેફતની પછી તો ઈન્સાનને ગુનાહોથી વધુને વધુ દૂર રહેવું જોઈએ, તેથી એ જાણી શકાય કે ઈમામે બરહકની ઈમામતને માનનારા તે અકીદાની માગણીઓને ખુબ સારી રીતે જાણે છે.

અય ખુદા! દરરોજ ઝમાનાના ઈમામની મઅરેફતમાં વધારો કર. દરેક પળે પળને તેમની મોહબ્બતથી પ્રકાશિત કર. આન-બ-આન તેમની ખિદમતમાં વધુ તવફીક અતા ફરમાવ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *