ઈમામે ઝમાના (અ.સ.)થી તવસ્સુલ (ભલામણ)
તવસ્સુલનો અર્થ છે કોઈ વસ્તુની નજદીક થઈને તેની ભલામણ અને તેના દ્વારા ઈચ્છા પુરી કરવી, હેતુ પાર પાડવો. વસીલા એ વસ્તુને કહે છે જે લાગણી અને ઈચ્છાથી બીજાની નજદિકી પ્રાપ્ત કરવાનું કારણ બને. તેથી શબ્દકોષના નિષ્ણાંતો કહે છે: ‘તવસ્સુલ અલયહે બે વસીલતે, એઝા તકર્રબ એલયહે બેઅમલીન.’ એટલે તેણે તેની તરફ વસીલા દ્વારા તવસ્સુલ અખ્તયાર કર્યો જ્યારે તે અમલથી તેની નજદિક આવ્યો. (લેસાનુલ અરબ ભાગ 11 પાના 724)
તવસ્સુલ કુરઆન અને હદીસના પ્રકાશમાં
કુરઆનમાં અલ્લાહ અઝઝ વ જલ ઈરશાદ ફરમાવે છે: ‘યા અય્યોહલ લઝીન આમનુત્તકુલ્લાહ વબ્તગુ એલયહીલ વસીલત’: એટલે એ ઈમાનવાળાઓ! ખુદાથી ડરતા રહો અને તેની (નજદિકીની) શોધખોળમાં રહો. (સુરા માએદાહ આ. 35) આ આયતની તફસીરમાં હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)નું કથન છે: તકર્રુબ એલયહે બીલ ઈમામ: એટલે ઈમામ દ્વારા અલ્લાહની નજદીકી મેળવો. (તફસીરે કુમ્મી ભાગ 1 પાના 168) હઝરત ફાતેમાહ ઝહરા સલામુલ્લાહે અલયહા એક ખુત્બામાં ઈરશાદ ફરમાવે છે: ‘વહમદુલ્લાહલ્લઝી લે અઝમતેહી વનુરેહી યન્બગી મન ફીસ્સમાવાતે વલઅર્ઝ એલયહિલ વસીલતે વનહનો વસીલતોહુ અલા ખલ્કેહી.’ અલ્લાહના વખાણ અને પ્રશંસા કરો. જેની અઝમત અને નૂરે, જમીન અને આસમાનમાં રહેનારાઓ માટે વાજીબ કરી દીધું કે તે તેની નઝદિકી પ્રાપ્ત કરવા માટે વસીલો મેળવે. અને અમે (અહલેબયત અ.) અલ્લાહના સર્જનો ઉપર તેના વસીલા છીએ. (શરહે નહજુલ બલાગાહ ઈબ્ન અબીલ હદિદ ભા. 2, પા. 211)
આથી સ્પષ્ટ થઈ ગયુ કે કુરઆન અને હદીસોમાં તવસ્સુલને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જો આપણે અલ્લાહની નજદીકી માગનાર હોઈએ તો આપણે તેના ઉપર અમલ કરવો જોઈએ.
ઈમામ અલયહિસ્સલામ દ્વારા તવસ્સુલ શા માટે?
હવે અહિં સવાલ પેદા થાય છે કે શા માટે આપણે ઈમામ (અ.સ.) સાથે તવસ્સુલ કરવો જોઈએ? તેના થોડા કારણો છે:
(1) કુરઆન અને અહાદિસથી હુકમ:
‘યા અય્યોહલ લઝીન આમનુસ્બેરૂ વ સાબેરૂ વ રાબેતુ વત્તકુલ્લાહ લઅલ્લકુમ તુફલેહુન’એ ઈમાનવાળાઓ! (દિનની તકલીફોમાં) ધીરજ ધરો અને બીજાને સહન કરવાનું શીખવો, સંપર્ક ચાલુ રાખો અને અલ્લાહથી ડરો જેથી તમે સફળતા મેળવો (આલે ઈમરાન આ. 199) આ આયતની તફસીરમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: ‘…વા રાબેતુ ઈમામકુમ’પોતાના ઈમામ સાથે સંપર્ક રાખો. (નુરૂસ સકલયન ભા. 1/426) આથી એ વાત સ્પષ્ટ થાય છે કે દરેક ઝમાનાના ઈમામ સાથે એક ખાસ સંપર્ક જાળવી રાખવો જોઈએ. અરબી વ્યાકરણની રીત ‘રાબેતુ’(સંપર્ક રાખો) જોવા જઈએ તો જણાશે કે ‘બાબે મુફાએલહ’, અમ્ર (હુકમ)નો સીગો (મુળરૂપમાંથી નિકળતો શબ્દ) છે. બાબે મુફાએલાનો અર્થ થાય છે કે એકનો બીજા સાથે સંપર્ક કરવો અને અરસપરસ રીતે કોઈ કામ કરવું. આ રીતે ‘રાબેતુ’નો અર્થ એ થશે કે જો આપણે આપણા ઈમામ સાથે સંપર્ક રાખીએ તો ઈન્શાઅલ્લાહ તેઓ પણ આપણી સાથે સંપર્ક રાખશે. એટલે ઈમામ (અ.સ.)ની મહેરબાનીની દ્રષ્ટી આપણા ઉપર વધી જશે. એટલે આપણા ઉપર ફરજ થઈ પડે છે કે ઈમામ સાદિક (અ.સ.)ના કથન ઉપર અમલ કરીને આપણા ઝમાનાના ઈમામ (અ.સ.) સાથે વધુને વધુ સંપર્ક જાળવી રાખીએ, જેથી ઈમામ (અ.સ.)નું ખાસ ધ્યાન આપણા ઉપર રહે.
(2) ઈમામ ઝમાના (અ.સ.)નું ઉચ્ચ સ્થાન: રિવાયતોમાં ઈમામ (અ.સ.)ના ભરપુર ફઝાએલ બયાન થયેલ છે. ‘ઈમામ અ.સ. અલ્લાહના ફઝલનો એ દરવાજો છે જેના દ્વારા તેની બારગાહમાં હાજર થવાય છે. (દોઆએ નુદબા) આપ (અ.સ.) અલ્લાહની બારગાહમાં ગુનાહોની માફીની ભલામણ કરવાની શકિત અને સ્થાન ધરાવે છે. આપ (અ.સ.) અલ્લાહના નામો છે, જેના દ્વારા અલ્લાહે લોકોને તવસ્સુલ કરવાનું ફરમાન આપ્યું છે. જેમકે કુરઆનમાં છે: ‘વલીલ્લાહિલ અસ્માઉલ હુસ્ના ફદઉહો બેહા’ અર્થાત: અલ્લાહ માટે (બધા) અસ્માએ હુસ્ના (સુંદર નામો) છે તો તમે તેના દ્વારા પોકારો. (સુરા અઅરાફ આ. 180) આ આયતની તફસીરમાં એહલેબૈત (અ.મુ.સ.)ની રિવાયત છે: ‘ખુદાની કસમ! અમે અસ્માએ હુસ્ના છીએ જેના બારામાં અલ્લાહે પોતાના બંદાઓને હુકમ આપ્યો છે કે તેને તેના દ્વારા પોકારો. (‘મીકયાયુલ મકારીમ’ભાગ-1 પાના 271 અરબીમાં) ‘ઈમામે ગવસ’ એટલે ફીરયાદે પહોંચવાવાળા ઈમામ છે. જેમકે આપની ઝિયારતમાં વારીદ થયું છે: આપ (અ.સ.) ઉમ્મતના મજબુત કિલ્લા છે. આપ (અ.સ.) દુખી લોકોની ફરીયાદને સાંભળનારા છે. આપ (અ.સ.) ગુનાહોથી દુર રહેનારાઓને માટે રક્ષણહાર છે. આપ (અ.સ.) ભયભીત થયેલાઓને મુકિત આપનાર છે. આપ (અ.સ.) દામન પકડનારનું રક્ષણ કરનાર છે. ઝિયારતે જામેઆમાં એક વાકય મળે છે: જેણે આપ (અ.સ.)નો દામન પકડી લીધો તે સફળ થયો અને જે આપના રક્ષણ હેઠળ આવ્યો તે સલામત રહ્યો.
(3) પ્રજાની એ રીતે છે કે જ્યારે તેઓની ઉપર કોઈ મુસીબત આવે છે અથવા દુશ્મનને દફે કરવાનો હોય છે ત્યારે તેઓના સરદાર તરફ રજુ થાય છે. આ જ ઈમાનવાળાઓની પણ કાર્યરીતી રહી છે કે તેઓ પોતાની મુસીબતો અને તકલીફોને પોતાના ઝમાનાના ઈમામ (અ.સ.)ના શરણમાં રજુ કરે છે. તેનાથી મૂકિત માગે છે. ઈમામ (અ.સ.)ના અનેક લાભો અને જવાબદારીઓ પૈકી એક એ છે કે આપ નિરાધારોની મદદ કરે છે અને રક્ષણ માગનારાઓની ફરિયાદને સાંભળે છે. જોવામાં પણ એજ આવે છે, જ્યારે પ્રજામાં કોઈ વ્યકિતને કોઈ મુશ્કેલી કે જરૂરતે પરેશાન કરી દીધો હોય અને તેના સરદાર એક પરહેઝગાર, સત્તાવાન વ્યકિતત્વ હોય તો બુધ્ધિ અને ડહાપણ કહેશે કે પોતાની માગણીઓને પોતાના સરદાર સમક્ષ રજુ કરે અને જો તે તેમ નહિ કરે તો બુધ્ધિમાન લોકો તેનો તિરસ્કાર કરશે. જ્યારે પણ આપણે હાજતોને ઈમામ (અ.સ.)ની સમક્ષ રજુ નહિ કરીએ ત્યારે ચોક્કસ આપણે તિરસ્કાર અને બદનામીનો સામનો કરવો પડશે. કારણકે આ રીતે આપણે ખુદ એક જવાબદારીને જે ખુદાએ આપણી ઉપર વાજીબ કરી છે તેને છોડી રહ્યા છીએ. તે ફરજ એ છે કે સુરા જોમઆમાં કહ્યું છે: “ફન તશેરૂ ફીલ અર્ઝે વબ્તગુ મીન ફઝલીલ્લાહે. એટલે કે દુનિયામાં ફેલાય જાઓ અને ખુદાની મહેરબાનીઓની શોધ કરો. જનાબ જાબીર રહ. થી રિવાયત છે કે ફઝલુલ્લાહ (અલ્લાહનો ફઝલ)નો અર્થ અવસીયા છે (‘મીકીયાલુલ મકારીમ’ભાગ 2 પાના 273) ખુદાએ કુરઆનમાં આ પણ સુચના આપી છે: દરેક ઘરમાં દરવાજેથી દાખલ થવું જોઈએ. તેણે દરેક ઝમાનાની પોતાની હુજ્જતને પોતાનો દરવાજો ગણ્યા છે. જેના દ્વારા તેની બારગાહમાં હાજર થવાય છે. અહિં એ વાત પણ દર્શાવવી અસ્થાને નહિ ગણાય કે ઈમામ (અ.સ.)નું જાહેર હોવું કે ગાયબ હોવું, તેમાં મદદ મેળવવા માટે કોઈ ફરક પડતો નથી. કારણકે આપ (અ.સ.) જોવા અને સાંભળવા માટે સક્ષ્મ છે. આપ (અ.સ.) ખુદ ફરમાવે છે: ‘યકીનથી અમારી જાણકારીએ તમારી વાતોને આવરી લીધી છે અને કોઈપણ ખબર અમારાથી છુપાએલી નથી.’ (‘બેહાર’ ભાગ 53 પાના 175)
બીજી એક હદીસમાં પણ આપે ફરમાવ્યું છે: ઈન્ના ગયરો મુહમેલીન લે મોરાઆતેકુમ વલા નાસીન લે ઝીક્રેકુ. અર્થાત: યકીનથી અમે તમારા રક્ષણમાં બીન જવાબદારીથી કામ નથી લેતા અને ન તો અમે તમારી યાદને ભુલાવી દઈએ છીએ. (‘બેહાર’ ભાગ 53 પાના 176). એ વાત આપણા માટે વિશ્વાસ પૂર્વકની છે કે દિવાલ, પરદો, પહાડ વગેરે બધી વસ્તુઓ ઈમામ અને લોકો વચ્ચે આડશ નથી. અહિં એક રિવાયતની નોંધ કરવી અસ્થાને નહિ ગણાય કે સૈયદ ઈબ્ને તાઉસ અ.ર. એ તેમની કિતાબ ‘કશફુલ હુજ્જઅ’માં આ રીતે નોંધ કરી છે: રાવી કહે છે કે મેં ઈમામ અબુલ હસનની ખિદમતમાં એક પત્ર મોકલ્યો. જેમાં લખ્યું હતું કે એક માણસ ઈચ્છે છે કે તે પોતાની હાજતો અને વિનંતીને પોતાના ઈમામ (અ.સ.)ની સામે રજુ કરે, જે કાંઈ પણ તે પોતાના પરવરદિગારની સામે રજુ કરવા માગે છે. ઈમામ (અ.સ.) એ જવાબમાં ફરમાવ્યું: જો કાંઈ પણ હાજત હોય તો પોતાના હોઠોને ફફડાવો. જવાબ તમારા સુધી પહોંચી જશે. (‘મીકીયાલુલ મકારીમ’ભાગ 2 પાના 273)
તે ઉપરાંત ‘ઉસુલે કાફી’માં હઝરત ઈમામ રઝા (અ.સ.)થી એક હદીસ છે, જે ઈમામ (અ.સ.)ની વિશેષતા ઉપર પ્રકાશ પાડે છે. આ લાંબી હદીસના થોડા વકયો આ રીતે છે: ‘અલ ઈમામુલ અનીસુર રફીક વલવાલેદુશ શફીકો વલ અખુશ્શકીકો વલ ઉમ્મુલ બીરરતો બીલ વલદીસ્સગીર.’ અર્થાત: ઈમામ એક મદદગાર છે, એક દોસ્ત છે, એક વાત્સલ્યભર્યા બાપ છે, એક ચાહનારા ભાઈ છે, એક એવી માં છે જે પોતાના નાનકડા બાળકને ભરપૂર પ્યાર કરે છે. (‘ઉસુલે કાફી’ભાગ-1 પાના 200) આપણને આ વાતથી થોડો અંદાજ આવે છે કે આપણા ઈમામ આપણને કેવી રીતે અઝીઝ અને દોસ્ત ગણે છે. યકીનથી આપણને આપણા સગા માં-બાપ કરતા પણ વધુ ચાહે છે. આપણને તકલીફમાં જોઈને ઈમામને પણ તકલીફ થાય છે અને પિતાની વાત આવી છે તો એ પણ કહી દેવું કે એક પિતા પોતાના બાળકોને માટે જે કાંઈ પણ કરવા ચાહે છે તેના માટે એક હદ નક્કી હોય છે. તેથી આગળ તેની શકિત-મર્યાદા તેનો સાથ છોડી દે છે. તે તેની મજબુરીઓના કારણે કાંઈ નથી કરી શકતા જેમકે જો તે પોતાના પુત્રને નાણાની મદદ કરવા માગે તો થોડા હજાર કે થોડા લાખ રૂપિયાથી વધુ, તેની મદદ નથી કરી શકતા. કારણકે તે તેથી વધુની શકિત નથી ધરાવતા. આજ પ્રશ્ર્ન બીજા કાર્યો માટે મદદ કરવા માટે પણ છે. પરંતુ ઈમામ (અ.સ.)ની શકિત અને તાકાત પર એક નજર કરીએ ઈમામ (અ.સ.) જે આ દુનિયાના પટ ઉપર અલ્લાહની હુજ્જત છે. તે, જે અલ્લાહના બંદાઓ ઉપર તેના ખલીફા છે, તે, જે ઝમાનાના સરદાર છે, તે, જે વિલાયત (વલી તરીકે અલ્લાહની સલ્તનતના)નો બોજ ઉપાડવા માટે પૈદા કરવામાં આવ્યા છે, શું કોઈપણ માણસ ખુદા સિવાય, ઈમામ (અ.સ.)ની શકિતની મર્યાદા બાંધી શકે છે, હરગીઝ નહિ. આ એક અશકય કામ છે. ‘ઉસુલે કાફી’ ભાગ 1 માં એક સંપૂર્ણ પ્રકરણ છે. તેનું શિર્ષક છે: ‘અલ અર્ઝો કુલ્લોહા લીલ ઈમામ.’ આ સઘળી જમીન ઈમામ (અ.સ.)ના માટે છે. આ પ્રકરણમાં એક હદીસ લખેલી છે જેમાં ઈમામ સાદિક (અ.સ.) પોતાના એક સહાબીને કહે છે: ‘અમા અલિમ્ત અન્નદ્દુનિયા વલ આખેરત લિલ ઈમામે.’ શું તમે એ નથી જાણતા દુનિયા અને આખેરત (બન્ને) ઈમામને માટે છે. (‘ઉસુલે કાફી’ કિતાબુલ હુજ્જત ભાગ-1 પાના 48) તો જ્યારે આપણે જાણી લીધું કે આપણા મહેરબાન ઈમામ આટલી શકિત ધરાવે છે તો પછી આપણી બધી માગણીઓ આપ (અ.સ.)ની પાસે રજુ કરવી જોઈએ અને તે વાતનો વિશ્વાસ પણ હોવો જોઈએ કે આપણા ઈમામ (અ.સ.) આપણી મદદ કરશે કારણકે એક મહેરબાન પિતાને પોતાના પરેશાન પુત્રની માગણીઓ પૂરી કરવામાં આનંદ થશે.
ઈમામ (અ.સ.)થી તવસ્સુલ કરવાની રીત:
(1) ‘મીકયારૂલ મકારીમ’ભાગ 1 પાના 271 માં લખેલી તવસ્સુલની એક ખાસ દોઆ જે આ રીતે છે: અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક બે હક્કે વલીય્યેક વ હુજ્જતેક સાહેબઝઝમાને ઈલ્લા અ-અન્તની બેહી અલા જમીએ ઓમુરી વકફયતની બેહી મોઅનત કુલ્લે મુઝીન વ તાગીન વ બાગીન વ અઅન્ત બેહી ફકદ બલગ મજહુદી વકફયતની કુલ્લ અદુવ્વીન વ હમ્મીન વદયનીન વ વુલ્દી વ જમીએ અહલી વ ઈખ્વાની મન યોઅનીની અમ્રોહુ વ ખાસ્સતી આમીન રબ્બલ આલમીન.
(2) ઈમામની બારગાહમાં ફરિયાદ: ઈમામને ફરિયાદ, જેની શરૂઆત ‘સલામુલ્લાહિલ કામેલો’છે, મફાતીહુલ જીનાન (ઉર્દુ) પા-108 ઉપર લખેલી છે. તેમાં એક ખાસ વાત એ છે કે ફરિયાદ દરમ્યાનજ ફરિયાદી પોતાની હાજત ઈમામ સમક્ષ રજુ કરે છે. આ ફરિયાદના બારામાં અલ્લામા મોહદ્દીસે નૂરી પોતાના દળદાર પુસ્તક ‘નજમુલ સાકિબ’ના દસમાં પ્રકરણના અંતમાં જણાવે છે કે આ ઝિયારત પડવાના થોડાજ કલાકોમાં મારી માગણીઓ પૂરી થઈ અને અસંખ્ય લોકોનો અનુભવ છે કે આ ઝિયારત પડવાથી તેઓની હાજતો પૂરી થઈ છે.
(3) ઈમામની ખિદમતમાં અરજી રજૂ કરવી: આ પણ તવસ્સુલની જાહેર અને સહેલી રીત છે તેમાં લોકો પોતાની હાજતો લખીને ઈમામ (અ.સ.)ની ખિદમતમાં મોકલી આપે છે. ભારતમાં 15 શાઅબાનના લગભગ બધાજ શીઆઓ આ ફરજ પુરી કરે છે અને ઈચ્છાઓ પ્રાપ્ત કરે છે. આપણે જોઈએ છીએ કે આ પ્રસંગે શીઆઓમાં આનંદની એક લાગણી જાગૃત થાય છે. બધા લોકો નિખાલસતાથી અરજી લખે છે અને દરિયામાં નાખવા પણ જાય છે. પરંતુ શું આ કામ વર્ષમાં નક્કી કરેલા એક દિવસેજ થવું જોઈએ? શું કોઈ હદીસમાં છે કે માત્ર શબે બરાતના જ પોતાના ઈમામને સંબોધન કરે? શું આપણને આજ પ્રસંગે ઈમામ (અ.સ.)ની જરૂર પડે છે? અથવા તો શું આપણે એટલા સુસ્ત છીએ કે આખા વર્ષની હાજતો એકી સાથે માંગે લઈએ છીએ અને આખું વર્ષ ઈમામથી બેપરવા થઈ જઈએ છીએ? નહિ. નઉઝોબીલ્લાહ તેવું જરાપણ નથી. એ જરૂરી છે કે આપણને ઈમામની ખિદમતમાં હંમેશા અરજી મોકલ્યા કરીએ. શું પુરા અઠવાડીયામાં નાનો એવો પત્ર પણ ઈમામ (અ.સ.)ની ખિદમતમાં નથી મોકલી શકતા અને દરિયામાં, નદીમાં કે કુવામાં નાખી દઈએ કે પછી દફન કરી દઈએ. તે પત્રમાં આપણી સ્થિતિના બારામાં ઈમામ (અ.સ.) સાથે વાતચીત કરીએ કે મવલા! આ મુશ્કેલીઓ મારી સામે આવી છે. શું કરૂ? મદદ કરો. આ ખરાબીઓમાં સપડાએલો છું મદદ કરો… વિગેરે. યકીનથી આપણે આ કામ ઘણું સહેલાઈથી કરી શકીએ છીએ. પરંતુ આપણી આળસના કારણે આપણે તેમ નથી કરતા. આપણે આપણા ઈમામ (અ.સ.) ને ભુલી ગયા. શું આપણે તેમની જરૂરત નથી પડતી? શું એ જરૂરી છે કે જે ક્ષણે આપણે ઈમામ (અ.સ.)ની જરૂર હોય એજ ક્ષણે આપણે તેમને અરજી મોકલીએ? શું આપણે એટલા સ્વાર્થી છીએ? શું આપણે આપણા ઈમામ (અ.સ.)ને સ્વાર્થ માત્ર એક સલામ સુધ્ધાં લખી નથી શકતા?
(4) ઈમામ (અ.સ.) સાથે સીધી વાતચીત: ઈમામ (અ.સ.)નો સંપર્ક કરવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે: અને તે સૌથી સહેલો પણ છે. બલ્કે આ રીત ઉપર અમલ કરવો દરેકના માટે સહેલો છે. આ પ્રકારે સંપર્ક સાધનાર આ રીતે સંપર્ક સાધે છે. જ્યારે તે એકલો હોય પછી દિવસ હોય કે રાત હોય, એક વખત ઈમામ (અ.સ.)ને સલામ કરીને કહે: ‘અસ્સલામો અલયક યા સાહેબઝઝમાન’અને પોતાના દિલની હાલત સંભળાવવા લાગે. તેમાં કોઈ તકલીફ શરમ અને ગભરાટ ન હોવો જોઈએ. આવા પ્રસંગે યકીનથી ઈમામ (અ.સ.)નું ધ્યાન આપણા ઉપર હશે. તેથી વસીલો માગનાર પોતાની હાજતો અંગે દોઆ કરે. આ પ્રકારનું કાર્ય આપણે ઓછામાં ઓછું દિવસમાં એક વાર કરવું જોઈએ. જોકે ઈમામ (અ.સ.) આપણા કાર્યો અને હાજતો જાણે છે પરંતુ તેમને ફરીયાદ કરવામાં વાતજ કઈક જુદી છે.
જનાબે સય્યદ ઈબ્ને તાઉસ (અ.ર.)ની પોતાના પુત્રને ઈમામ (અ.સ.)થી તવસ્સુલ કરવાની વસીયત
આપે પોતાના પુત્રને વસીયત કરી. એ મારા પુત્ર મોહમ્મદ… તારા જન્મના કારણે ખુદાવંદે આલમે જે મહેરબાની અને અહેસાન મારા ઉપર કર્યો, તેનો આભાર વ્યકત કરવા માટે સંપૂર્ણ આજીજી અને નમ્રતાની સાથે આ જનાબ અજ. (ઈમામે ઝમાના અ.સ.)ની સમક્ષ ઉભો થયો. ખુદાના હુકમથી તને આપણા આકા અને મવલા મહદી (અ.સ.)નો ગુલામ અને તને તે જ હઝરત (અ.સ.)ને સુપ્રત કર્યો. જે બનાવો તારી સામે આવે તે માટે તેમની સમક્ષ ફરીવાર રક્ષણ માગ્યું. તેમના જ પ્રેમ, મહેરબાની અને ધ્યાન થકી તેમની સમક્ષ હાજર થયો. તે હઝરત (અ.સ.)ને અસંખ્ય વખત સ્વપ્નમાં જોયા. તેમણે નેઅમતોથી માલામાલ કરી દીધો. તારી જરૂરતોને પૂરી કરી દીધી, જે હું પુરી રીતે બયાન નથી કરી શકતો. તેથી તે હઝરત (અ.ત.ફ.શ.) સાથે મોહબ્બત, દોસ્તી, વફાદારી, દિલનો લગાવ અને હૃદયથી સંબંધ એ અંદાજથી હોવો જોઈએ જે રીતે ખુદા, રસુલ (સ.અ.વ.), ખુદ તે હઝરત (સ.અ.વ.) અને આપ (અ.સ.)ના વડવાઓ (અ.મુ.સ.) ઈચ્છે છે અને આપ હઝરત (અ.સ.)ની ઈચ્છાઓ અને જરૂરતોને પોતાની જરૂરતો ઉપર અગ્રતા આપતા રહો. પોતાના માટે દોઆ કરતા પહેલા હઝરતના માટે દોઆ કરો. દરેક કામની શરૂઆત હઝરતના માટે સદકો આપીને કરો, તે પહેલા કે પોતાના માટે કે પોતાના વ્હાલા માટે સદકો આપો. હઝરતના હકને અદા કરવા માટે અને તેમના ધ્યાન અને અહેસાનને પોતાના તરફ ફેરવવા માટે દરેક સારા કાર્યમાં પોતાની જાતથી પહેલા હઝરત (અ.સ.)ના પવિત્ર અસ્તિત્વને સૌથી પહેલા અગત્યતા આપો. દરેક સોમવારે અને ગુરૂવારે ખૂબજ નમ્રતા સાથે પોતાની જરૂરતોને તે હઝરત (અ.સ.)ની બારગાહમાં રજૂ કરો. આપની સાથે વાત કરતી વખતે તે હઝરતની બારગાહમાં સલામ કરીને તે ઝિયારત પડો જેની શરૂઆત ‘સલામુલ્લાહીલ કામીલ’છે. (જે આગળ લખાઈ ચુકયું છે) અને કહો: યા અય્યોહલ અઝીઝો મસ્સના વ અહલોનઝ-ઝુર્રો વજેઅના બે બેઝાઅતીમ મુઝજાતીન ફ અવ્ફે લનલ કયલ વતસદદક અલયના, ઈન્નલલ્લાહ યજઝીલ મોતસદ્દેકીન. યા અબાના અસ્તગ્ફીરલના ઝોનુબના ઈન્ના કુન્ના ખાતેઈન. (સૂ. યુસુફ, આ. 88,97)
અય અઝીઝ! (એટલે એ અઝીઝે ઝહરા અ.સ.) અમને અને અમારા કુટુંબને દુષ્કાળના કારણે ઘણી તકલીફ થઈ રહી છે. અમે થોડી મુડી લઈને આવ્યા છીએ. તો આપ અમને પું અનાજ અપાવી દો અને સદકો અને ખેરાત આપો. નિશંક, ખુદા સદકો આપનારને સારો બદલો આપે છે. એ બાબા! અમારા ગુનાહોની મગફેરત માટે દોઆ કરો, નિશંક અમે (માથાથી પગ સુધી) ગુનેહગાર છીએ.’ અને કહો અમારા સય્યદ અને સરદાર! અમારા આકા અને મવલા! આ યુસુફ (અ.સ.)ના ભાઈઓની વાતચીત છે. જે તેઓએ તેઓના બધા ગુનાહો અને અપરાધો પછી તેઓના ભાઈ (યુસુફ અ.સ. અને તેઓના પિતા યઅકુબ અ.સ.) સાથે કરી હતી અને તે મોહતરમ લોકો (એટલે જ. યુસુફ અ.સ. અને જ. યઅકુબ અ.સ. તે લોકો ઉપર રહેમ કરીને તેઓના ગુનાહ માફ કરી દીધા હતા. તેથી જો અમે ખુદા, રસુલ (સ.અ.વ.) આપના બાપ દાદાઓ અને આપ (અ.સ.)ની નજદિક પસંદ પામેલા અને માન્ય નથી, તો પણ એ અમારા સય્યદ અને સરદાર! આપ (અ.સ.) તે વાત માટે યુસુફ (અ.સ.) કરતા ઘણા વધુ લાયક અને પાત્ર છો કે આપ અમને આપના રહેમ અને મહેરબાનીને પાત્ર બનાવો. જે મહેરબાની, મોહબ્બત અને અહેસાન તેમણે (યુસુફ અ.સ.) તેમના ભાઈઓની સાથે કર્યા હતા.’ (બરનામાએ સઆદત, પ્રકરણ 147)
ઈમામની મદદના અસંખ્ય પ્રસંગો:
કિતાબોમાં અસંખ્ય બનાવો મળે છે કે જેમાં વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામ (અ.સ.) પોતાના શીઆઓની મદદ કરવા માટે કેટલા તત્પર હોય છે. જેમકે ‘બેહારૂલ અન્વાર’, ‘નજમુસ સાકેબ’, ‘મુલાકાતે ઈમામ અ.સ.’, ‘મુલાકાત બા ઈમામ અ.સ.’, ‘જન્નતુલ માવા’, ‘રેયાઝુલ ઓલમા’, ‘મિન્હાજુસ્સલાહ’, ‘અલ કલેમતુ તય્યેબ’, ‘અસ્બાતુલ હોદા’, વિગેરે. ઈમામ (અ.સ.)ની બક્ષીશ અને મહેરબાની પ્રાપ્ત કરનાર ખુશનસીબોમાં અલ્લામા બહરૂલ ઓલુમ, આકા ઝયનુલ આબેદીન સલમામી, મવલાના મોહમ્મદ હુસયન કઝવીની, અલ્લામા મોહમ્મદ તકી મજલિસી, અલ્લામા હિલ્લી, શયખ હુર્રે આમેલી, શયખ મુફીદ, શયખ હસન અરાકી, મુકદ્દસે અર્દેબેલી, અલી ઈબ્ને મહઝીયાર, ઈસ્માઈલ હરકલી (અ.ર.)ના નામ મશ્હુર છે. આ તો થોડા જ નામો છે. જો એમ કહેવામાં આવે કે દરેક શીઆનું નામ આ યાદીમાં છે, તો ખોટું નથી. કારણકે કોઈ શીઆ એવો નહિ હોય કે જેના ઉપર ઈમામ (અ.સ.)ની મહેરબાની ભરી નજર ન પડી હોય. એ જુદી વાત છે કે આપણને હંમેશા તેનો અહેસાસ નથી થતો. મોટા ભાગે આપણે એટલા મુસિબતમાં સપડાએલા હોઈએ છીએ કે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળી શકતો નથી. પછી દોઆના થોડા વાકયોથી અચાનક આપણી બધી મુસીબતો અને આફતો કંઈ એવી રીતે અદ્રશ્ય થઈ જાય છે કે જાણે કાંઈ હતુંજ નહિ. આપ (અ.સ.)ને નામ અને ઓળખની ફીકર નથી. તેઓ તો પોતાનું કામ પુરૂ કરીને ચાલ્યા જાય છે. એક વખત એક ચાહનારો રસ્તો ભૂલી ગયો હતો. તેને ઈમામ (અ.સ.) એ માર્ગ દેખાડયો અને કહ્યું કે તમે ઝડપથી એવી વસ્તીમાં પહોંચી જશો કે જ્યાંના બધા રહેવાસી શીઆ છે. તે સામે તે માણસે અરજ કરી કે એ સય્યદ! આપ મારી સાથે વસ્તી સુધી નહિ આવો: આપે કહ્યું નહિ. કારણકે બીજા ઘણા શહેરોના હજારો લોકો મને ફરિયાદ કરી રહ્યા છે. તેઓની ફરિયાદ દૂર કરવા માટે મારે તેઓ સુધી પહોચવું જરૂરી છે. (મુલાકાતે ઈમામ, પા. 289) આથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામ (અ.સ.) દરેક ક્ષણે પોતાના શીઆઓની મદદમાં વ્યસ્ત રહે છે.
નોંધ: ઈમામ (અ.સ.) સાથે સંપર્ક કરવા માટે કોઈ ખાસ પ્રસંગ, સ્થળ અને સમયની શરત નથી. આ તો ગમે ત્યાં, ગમે તે સમયે થઈ શકે છે. તેમાં માત્ર દિલની પવિત્રતા, એકાગ્રતા, ઈસ્તેગ્ફાર (ગુનાહોથી તૌબા) સંપૂર્ણ શ્રધ્ધા અને સાચા અકીદાની શરત છે. એમનો સંપર્ક સાધવો, એ સંપર્ક રાખનારની પોતાની એમના પ્રત્યેની શ્રધ્ધાને (વિલાયત)ને પુખ્ત કરે છે. તેથી યકીન (શ્રધ્ધા) માં અનેક ગણો વધારો થાય છે. સંપર્ક કરનાર દરેક ક્ષણે એવા કામોમાં વ્યસ્ત રહે છે કે કેવી રીતે તે પોતાના ઈમામ (અ.સ.)ને ખુશ કરે અને તેમની નારાજગીથી બચે. સંપર્ક કરનારનો વિશ્વાસ પરાકાષ્ઠાએ હોય છે. તેના ઉપર દુ:ખ અને મુસીબત જરાપણ અસર નથી કરતા, તે જરાપણ નિરાશ થતો નથી. ઈમામ (અ.સ.)ની મહેરબાની અને રહેમની ખાસ નજર તેના ઉપર હોય છે અને તેની આખેરત સફળ હોય છે. તેથી આપણા માટે જરૂરી છે કે હંમેશા ઈમામ (અ.સ.) સાથે સંપર્ક સાધતા રહીએ. તેથી આપણો અંત પણ સલામતિભર્યો થાય. અમે અમારા આ લેખની સમાપ્તિ તવસ્સુલના એ ફકરા ઉપર કરીએ (જે ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ શીખવેલી દોઆ છે). જે ઈમામ (અ.સ.) સાથે સંકળાએલી છે અને એ વાયદો કરીએ કે જીવનભર આ ફકરાને દોહરાવતા રહેશું. ‘યા વસીય્યલ હસન વલખલફલ હુજ્જત, અય્યોહલ કાએમુલ મુન્તઝરૂલ મહદીય્યો, યબ્ન રસુલીલ્લાહ, યા હુજ્જતલ્લાહે અલા ખલ્કેહી, યા સય્યેદના વમવલાના, ઈન્ના તવજ્જહના વસ્તશફઅના વ તવસ્સલના બેક એલલ્લાહે, વકદ્દમ્નાક બય્ન યદય હાજાતેના, યા વજીહન ઈન્દલ્લાહે ઈશ્ફઅ લના ઈન્દલ્લાહ. અર્થાત: એ હસન અસ્કરી (અ.સ.) ના વારસદાર હુજ્જત, એ ઈમામે કાએમ (અ.સ.) મુન્તઝર મહદી (અ.સ.), એ રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ, એ અલ્લાહના સર્જન ઉપર તેની હુજ્જત, એ અમારા સરદાર, એ અમારા મવલા, અમે આપની તરફ સંબોધન કરી રહ્યા છીએ. અમે આપની પાસે શફાઅત (ગુનાહોની માફીની ભલામણ) ચાહીએ છીએ. ખુદાની બારગાહમાં આપને વસીલો બનાવીએ છીએ. અમારી હાજતોને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. એ ખુદાની નઝરમાં ઈઝઝતદાર! અલ્લાહ અઝઝ વ જલ્લને અમારી ભલામણ કરો.
યા અબા સાલેહ અલ મહદી (અજ.) અદરિકના!
Comments (0)