નયાબતની જરૂરત

‘અલ-મુન્તઝર’ના વાંચકો સારી રીતે જાણે છે કે ગયબતો બે પ્રકારની છે. ગયબતે સુગરા અને ગયબતે કુબરા. હકીકતમાં ગયબતે સુગરા તે ગયબતે કુબરાની પૂર્વ ભુમિકા છે.

હિજરૂરી સન 255 માં ઈમામે ઝમાના (અ.સ.)ની વિલાદત થઈ. હિ.સ. 260 માં હઝરત ઈમામ હસને અસ્કરી (અ.સ.)ની શહાદત થઈ. ઈમામ (અ.સ.)ની શહાદત પછી અબ્બાસી ખલીફાના સિપાહીઓએ ઈમામ (અ.સ.)ના મકાનને ઘેરી લીધું અને તેમના પુત્ર અને વારસદારની શોધ કરવા લાગ્યા.

‘અલ-મુન્તઝર’ના અગાઉના જુદા જુદા અંકોમાં ઈમામે ઝમાના (અ.સ.)ની વિલાદત અને ગયબતે સુગરા વિશેની વિસ્તાર પૂર્વક વિગતો આપ જોઈ શકશો.

ઈતિહાસમાં નોંધવામાં આવેલ આ પ્રસંગ ખુદ એ વાતની દલીલ છે કે ઈમામ હસન અસ્કરી (અ.સ.)ના પુત્રની જીંદગી ખતરામાં હતી. આ ખતરો જેવો તેવો પણ ન હતો. જાનનો ખતરો. તેથી આપના જીવનની સુરક્ષા માટે અને ઈમામત અને રિસાલતના સિલસિલાને બાકી રાખવા માટે એ જરૂરત હતી કે લોકોની નજરથી ગાએબ થઈ જાય. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) તેની આગાહી નીચે મુજબ કરી હતી:

‘સુમ્મ યગીબો અન્હુમ ઈમામોહુમ માશાઅલ્લાહો વ યકુનો લહુ ગયબતાને’… પછી જ્યાં સુધી ખુદા ચાહસે ત્યાં સુધી તેમના ઈમામ તેમનાથી ગયબત ઈખ્તેયાર કરશે અને તેમના માટે બે ગયબતો હશે. (બેહાર 53/380)

ખાસ નુવ્વાબની પસંદગી:

ઈમામ હસને અસ્કરી (અ.સ.)ની શહાદત પછી અહલેબૈત (અ.સ.)ના શીઆઓ શંકા-કુશંકા, હયરત અને પરેશાનીમાં હતા. આ પરિસ્થિતિ માત્ર હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની રહેલતના કારણે ન હતી પરંતુ અબ્બાસી ખલીફાઓ તરફથી ઈમામો માટે જે ધાક બેસાડવામાં આવી હતી, જેને લીધે લોકો ઈમામ (અ.સ.) સાથે સીધો સંપર્ક સાધી શકતા ન્હોતા તેથી મસાએલની બાબતોમાં પણ લોકો ગુંચવણ અનુભવતા હતા. જેના પરિણામે જુદા જુદા ફિરકાઓમાં લોકોના ભાગલા પડવા લાગ્યા અને વાત ત્યાં સુધી પહોંચી કે અમુક શીઆઓ પોતાના અકીદામાંથી ડગી ગયા. હકીકતમાં આ ગયબતે સુગરાની શરૂઆત હતી. ઈમામે ઝમાના (અ.સ.) લોકોની નજરથી શારીરિક રીતે ગાયબ હતા અને ખુદ ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ એમના રક્ષણને નજર સામે રાખીને દરેકની સાથે પોતાના પુત્રની ઓળખાણ ન્હોતી કરાવી. શયખ મુફીદના કથન મુજબ: ‘ત્યાં સુધી કે (ઈમામ હસન અસ્કરી અ.સ.) એ પોતાના અમુક અનુયાયીઓ સાથે પોતાના પુત્રની ઓળખાણ ન્હોતી કરાવી.’ (અલ ઈરશાદ, પા. 345)

પરંતુ એવું પણ નથી કે ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ કોઈની સાથે પોતાના પુત્ર, વારસદાર, પોતાના પછી ઝમાનાના ઈમામ અને હુજ્જતે ખુદાની ઓળખાણ ન કરાવી હોય. બલ્કે જે લોકો ઉપર વિશ્ર્વાસ હતો તેઓની સાથે ઓળખ કરાવી હતી. અહમદ બીન ઈસ્હાકે કુમ્મીને પત્ર લખીને બોલાવ્યા હતા અને બીજા વિશ્ર્વાસપાત્ર લોકોને ખબર આપવા જણાવ્યું હતું, જેથી લોકોને પોતાના વારસદારની જાણ થઈ જાય અને આ ખબર જાહેર પણ ન થવા પામે.

અમુક પ્રસંગો:

(1) મદીનાના અમુક લોકો, જે અબુ તાલીબ (અ.સ.)ના વંશમાંથી હતા, અને તેઓનો અકીદો હક ઉપર હતો, તે લોકો ઈમામ હસન અસ્કરી (અ.સ.)ના એક પુત્ર હોવાના અને તેઓના બારામાં ઈમામ હોવાનો સ્વિકાર કરતા હતા. પરંતુ ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત પછી તેમાનાં અમુક લોકો પોતાના અકીદામાંથી ફરી ગયા હતા. (ઉસુલે કાફી બાબ ‘મવલુદુસ્સાહેબ અ.સ.’)

નોંધ: આ લોકો અબુ તાલિબ (અ.સ.)ના શીઆ હોવા છતાં પણ હ. હસન અસ્કરી (અ.સ.)ની શહાદત પછી પોતાના અકીદામાંથી ફરી ગયા હતા. ‘ગયબતમાં ઈમાન સલામત રહે તેમાંજ નજાત (મુકિત) છે’જે સહેલું નથી.

(2) મોહમ્મદ બીન ઈબ્રાહીમ મહઝીયાર અગીયારમાં ઈમામ (અ.સ.)ની શહાદત પછી શંકા કુશંકાનો શિકાર થઈ ગયા. જ્યારે તેમના પિતા ઈબ્રાહીમ બીન મહઝીયાર અહવાઝમાં હઝરત વલી અસ્ર (અ.સ.)ના વકીલ હતા. મરહુમ શયખ કુલયની (ર.હ.) એ રિવાયત કરી છે કે જ્યારે મોહમ્મદ બીન ઈબ્રાહીમના પિતા મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાસે સહમે ઈમામની અમુક રકમ હતી અને પિતાએ તેને વસીય્યત કરી હતી કે સેહમે ઈમામની રકમનું ખૂબજ કાળજીપૂર્વક કામ લેવું અને સાચા હકદાર સુધી તેને પહોંચાડવી. મોહમ્મદ બીન ઈબ્રાહીમ શંકા અને ગડમથલની હાલતમાં ઈરાક ગયા. તેમણે નિર્ણય કર્યો કે જો સંતોષકારક દલીલ રજુ કરવામાં નહિ આવે તો રકમ કોઈના હવાલે નહિ કં. પાછી લઈ જઈશ. પરંતુ જ્યાં તે ઉતર્યા હતા ત્યાં એક સંદેશવાહક આવ્યો અને રકમના બારામાં નિશાની રજૂ કરી અને રકમ પોતાના કબ્જામાં લઈ લીધી. તે પછી મોહમ્મદ બીન ઈબ્રાહીમ ગમગીન થઈ ગયા અને એજ સ્થિતિમાં હતા કે તેમના નામે એક પત્ર આવ્યો કે આપને આપના બાપની જગ્યા ઉપર વકીલ પસંદ કરવામાં આવ્યા છે. (ઉસુલે કાફી 2/456)

(3) મરહુમ શયખ સદુકે નોંધ કરી છે કે અબુ રાજેઅ મીસરીએ રિવાયત કરી છે: હઝરત ઈમામ હસને અસ્કરી (અ.સ.)ની શહાદતના બે વરસ પછી મેં હઝરત (અ.સ.)ના વારસદારની શોધ શરૂ કરી. પરંતુ મને એક પણ કડી ન મળી. ત્રીજા વરસે હું મદીનામાં હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) ના ફરઝંદની તપાસમાં હતો. અબુ ગાનીમે મને દઅવત આપી કે સાંજે તેમની પાસે પહોંચું. તે વખતે બેઠા બેઠા વિચાર કરતો હતો કે જો ઈમામ (અ.સ.)નો કોઈ દિકરો હતે તો ત્રણ વર્ષ પછી તો તે ચોક્કસ જાહેર થઈ જતે. અચાનક કોઈ ગૈબી અવાજ મારા કાન સુધી પહોંચી. મેં એ પોકારનારને ન જોયો. તે કહી રહ્યો હતો કે એ નસર બીન અબ્દુલ્લાહ (અબુ રાજેઅ) મીસરવાળાઓને કહો: શું તમે જે પયગમ્બરો ઉપર ઈમાન લાવ્યા છો તેઓને જોયા છે? નસર કહે છે કે તે સમય સુધી હું મારા પિતાનું નામ નહોતો જાણતો કારણ કે હું મદાએનમાં પૈદા થયો હતો અને નવફલી મને મીસર લઈ આવ્યા હતા. મારા પિતાના મૃત્યુ પછી હું મીસરમાં જ ઉછર્યો હતો. આ સાંભળીને હું ઉભો થયો અને ચાલ્યો પરંતુ અબુ ગાનીમની પાસે નહિ, મીસરના રસ્તે. (‘કમાલુદ્દીન’ પર, પા. 491, પ્ર. 45, હ. 15)

(4) હસન બીન અબ્દુલ મજીદ કહે છે: હું હાજીઝ બીન યઝીદ (જે બગદાદમાં ઈમામે ઝમાના (અ.સ.)ના વકીલો પૈકી એક હતા અને ઉસ્માન બીન સઈદના પહેલા નંબરના મદદગાર હતા)ના બારામાં શંકામાં પડી ગયો. પછી મેં અમુક રકમ જમા કરી અને સામર્રા પહોંચ્યો. મારા નામે એક પત્ર મળ્યો જેમાં લખેલું હતું:-

‘અમારા બારામાં જે અમારા કામોના વારસદાર હોય તેના ઉપર શંકા જાએઝ નથી. જે કાંઈ પણ સાથે લાવ્યા છો તે હાજીઝ બીન યઝીદને હવાલે કરી દો.’ (ઉસુલે કાફી, પ. મવલુદુસ્સાહેબે અ.સ.)

જો આપણે હદીસોના પુસ્તકોનો અભ્યાસ કરીએ તો આવા પ્રકારના ઘણા પ્રસંગો જોવા મળશે. પરંતુ શંકાના વમળના કારણે શીઆ ગ્રહસ્થો અનેક ફીરકામાં વહેંચાઈ ગયા.

મસઉદીએ ‘મુરૂજુઝ-ઝહબ’માં 20 ફીરકાઓની વાત લખી છે. સઅદે કુમ્મીએ ‘અલમકાલાતે વલ ફીરક’માં 15 અને શયખ મુફીદે ‘અલ ફુસુલુલ મુખ્તારહ’માં 14 ફીરકાઓની વાત લખી છે. શહરીસ્તાનીએ ‘અલ મલલ વલ નહલ’માં 11 ફીરકાઓના નામ લખ્યા છે.

આલીમોમાં મશ્હુર છે કે ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની પછી ઈમામીયા 14 ફીરકાઓમાં વહેંચાઈ ગયા. હાલના ઓલમાઓની માન્યતા મુજબ આ 14 ફીરકાઓ મઝહબના સિધ્ધાંતની રૂએ પાંચ ફીરકાઓ સ્વરૂપે છે.

આ બધા ફીરકાઓમાં જે ઈતિહાસના પાના ઉપર બહુમતિમાં બાકી છે. તે છે ઈમામીયા ફીરકો, જે ઈમામ મહદી (અ.સ.)ની ઈમામત ઉપર અકીદો ધરાવે છે.

નોંધ: હાલના સમયના શીઆ બુઝુર્ગો અને આગેવાનોના અકલમંદી ભર્યા મન્સુબા અને કોશીશો છતાં પણ આપણે એ જોઈએ છીએ કે શીઆ સમાજ એક ભયંકર સ્થિતિમાં સપડાય ગયો છે. ખુદ ઈમામે ઝમાના (અ.સ.) એ આ પરિસ્થિતિની આગાહી કરી હતી અને હઝરત (અ.સ.) કોઈપણ રીતે શીઆઓની હાલતથી અજાણ નથી. જેમકે હઝરત ખુદ ફરમાવે છે:

‘ન તો અમે તમારી હાલતથી બેખબર છીએ અને ન તો તમારી યાદને ભુલીએ છીએ જો એમજ હતે તો તમે કયારના હલાક થઈ ગયા હતે.’

મહાન બસીરત રાખવાવાળા આલીમો આ વાત લખે છે કે જો આગેવાનો અને ખાસ શીઆઓ અને ઈમામે ઝમાના (અ.સ.)ની વચ્ચે સંપર્ક ન હતે તો શીઈય્યતનો પાયોજ નાબુદ થઈ જતે.

તેથી એવી પરિસ્થિતિ પૈદા ન થઈ જાય અને લોકો એક લાંબી મુદ્દત સુધી એક જાહેર ઈમામ (અ.સ.) વગર જીવન પસાર કરવા માટે તૈયાર થઈ જાય, ઈમામે ઝમાના (અ.સ.) મે ગયબતના આ શરૂઆતના ગાળામાં પોતાની અને શીઆઓ વચ્ચે સીધા સંપર્ક અને ‘મીડીયાને’ ખાસ પ્રતિનિધીઓ મારફતે જાળવી રાખ્યો. આ રીતનો સંપર્ક (મીડીયા) ઈમામના દીદારથી મહેરૂમ રહેનારી કૌમના માટે એક પ્રકારનું સાંત્વન અને દિલની નિશ્ર્ચિતતાનું કારણ હતું.

નાએબોનો મહત્વનો રોલ:

નુવ્વાબે અરબઆએ પોતાના કામમાં ગંભીરતાભર્યું વલણ અને બુધ્ધી પૂર્વકના આયોજનથી માર્ગદર્શન આપીને શીઆઓની બગડેલી સ્થિતિને સારી સ્થિતિમાં બદલ્યા. લોકોને ભટકી જવાથી અને ગુમરાહીથી મુકિત અપાવીને નાના નાના ફીરકાઓમાં વહેંચાઈ જવાથી બચાવી લીધા. આ બધી બાબતો ઈમામે ઝમાના (અ.સ.)ના માર્ગદર્શન હેઠળ બની. એ વાત દિવા જેવી સ્પષ્ટ છે.

જોકે પહેલા નાયબના ઘણા સમૂહો હતા, જે ઈમામ હસન અસ્કરી (અ.સ.)ના ફરઝંદ હોવા વિશે જુદી જુદી માન્યતા ધરાવતા હતા. પરંતુ ઈતિહાસ દર્શાવે છે કે બીજા નાયબનો કામ કરવાનો જોમ અને જુસ્સો અને શિક્ષણનો સમય ઘણીજ સફળતાનો સમય હતો. બીજા નાયબનું શિક્ષણ શીઆઓની મહેફીલોમાં ઘણું પ્રચલિત થઈ ચૂકયું હતું. આ રીતે બીજા ફીરકાઓ અને સમુહો નબળા પડી ગયા.

આજ રીતે ત્રીજા અને ચોથા નાએબોના સમયમાં આ બન્ને હઝરાતના કથનો અને બયાનોને ઈમામે ઝમાના (અ.સ.) કોલ અને બયાન સમજીને શીઆઓની નવી પેઢી વધારે અનુસરણ કરનારી અને આજ્ઞાંકિત હતી અને હઝરત (અ.સ.)ના દીદારની મુશ્તાક હતી.

દરેક તવકીએ ઉપર એકજ હસ્તાક્ષર:

આ નવી પેઢીએ એ જોયું કે ચારેય નાએબોને મોકલવામાં આવેલ તવકીઅ પર એક સરખા હસ્તાક્ષરો મળે છે. આનાથી તેમનું ઈમાન મજબુત થયું.

જ્યારે આ વાત ખુબજ જાહેર થઈ ગઈ કે તવકીઅ ઈમામે ઝમાના (અ.સ.)નાજ હસ્તાક્ષરથી આવે છે, ત્યારે ચોથા નાએબની છેલ્લી તવકીઅ આવી, જેમાં ગયબતે સુગરાના પૂરાં થવાનો અને ગયબતે કુબ્રા શરૂ થવાની જાહેરાત હતી. હવે બધાના દિલ સંપૂર્ણ રીતે તૈયાર હતા અને હઝરત (અ.સ.)ની લાંબી ગયબત માટેની પૂર્વભુમિકા બંધાઈ ચુકી હતી.

આવી રીતે નાના નાના ફિરકાઓમાં વહેંચાએલા શીઆ પણ સંગઠીત થઈ ગયા. શયખ મુફીદ (અ.ર.) ફરમાવે છે: આ ચૌદ ફીરકાઓમાંથી માત્ર ઈમામીયા ફીરકો બાકી બચ્યો છે. (આ વાત તેમણે હિ.સ. 393 માં લખી છે જ્યારે આપ કિતાબ ‘ફુસુલુલ મુખ્તારહ’લખી રહ્યા હતા.) તેની આગળ આપ લખે છે કે આ લોકોનો સમુહ આલીમો, ઝાકીરો, સદકર્મો કરનારાઓ, આબીદો, ફકીહો, હદીસકારો, સાહિત્યકારો અને કવિઓનો સૌથી મોટો સમુહ છે અને આ ગ્રહસ્થો ઈમામીયા શીઆની આબરૂ છે, સરપરસ્ત છે અને લોકો માટે વિશ્ર્વાસને પાત્ર છે (‘પયરામુને ઝીન્દગીએ નુવ્વાબે ખાસે ઈમામે ઝમાના (અ.સ.)’ પા. 84)

નયાબતનો મૂળ હેતુ:

પ્રતિનિધિત્વ અને નયાબત બે મૂળ હેતુ ધરાવે છે:

(1) પહેલો હેતુ સમાજના દિલોને ‘ગયબતે સુગરા’ને માટે તૈયાર કરવા અને ધીરે ધીરે લોકોને ઈમામ (અ.સ.)ની ગયબત તરફ દોરવા. જો ઈમામ (અ.સ.) અચાનક ગયબતમાં ચાલ્યા જતે તો સામાન્ય રીતે લોકો આપના અસ્તિત્વને નકારી કાઢતે અને ફરી જતે. ઈમામે ઝમાના (અ.સ.)ના નાએબોએ ગયબતે સુગરાના સમય દરમ્યાન લોકોને ગયબતે કુબરા માટે ખુબીપૂર્વક અને સચોટ વાતાવરણ ઉભુ કરીને માનસિક રીતે તૈયાર કર્યા.

(2) ઈમામે ઝમાના (અ.સ.)ના ચાહવાવાળા અને માનવાવાળા લોકોના માર્ગદર્શન માટે સામૂહિક રીતે લોકોને એકઠા કરવા અને તેઓનું રક્ષણ કરવું. ખાસ નાએબોએ ઈમામ (અ.સ.)ની ગેરહાજરૂરીના સાયાને એક હદ સુધી ભરપૂર કરી દીધો અને ઈમામ (અ.સ.)એ તેઓની મારફતે શીઆઓને માર્ગદર્શન પુરૂ પાડયું અને પોતાની ગેરહાજરૂરીમાં થનાર નુકસાનનો ઈલાજ કર્યો.

જો આ નયાબત ન હતે તો ગુમરાહી કેટલી હદ સુધી પહોંચતે તેનો અંદાજો થઈ શકે તેમ નથી. આ લેખના અંતમાં ચાર નુવ્વાબોની અમુક સંયુકત જવાબદારીઓ અને તેઓના કાર્યોની છણાવટ કરવી જરૂરી છે.

ચાર નાએબોની જવાબદારીઓ અને કાર્યો:

સામાન્ય રીતે જુદા જુદા નાઅબોના જીવન પર પ્રકાશ પાડતી વખતે તેઓની ખાસ જવાબદારીઓ તરફ અમે ઈશારો કરીશું, પરંતુ અહિં સંયુકત જવાબદારીઓને ટૂંકમાં લખી રહ્યા છીએ.

(1) ઈમામે ઝમાના (અ.સ.)ની રહેણાંકની જગ્યાને ખાનગી રાખવી:

આ બે બાજુની જવાબદારી છે, એવી રીતે કે ઈમામ (અ.સ.)ની આરામની જગ્યાને માત્ર દુશ્મનોથી નહિં પરંતુ શીઆઓથી પણ ખાનગી રાખવી. પોતાના વકીલોને પણ તેની તાકીદ કરી કે હઝરત (અ.સ.)ના નામને પણ લોકોની વચ્ચે કયારેય ન લાવે. આ રીતે શીઆઓને અબ્બાસીઓના ભયથી સલામત રાખે.

બીજી તરફ નાએબો માટે એ જરૂરી હતું કે તેઓ ઈમામે ઝમાના (અ.સ.)ના અસ્તિત્વને વિશ્ર્વાસ પાત્ર શીઆઓને સાબિત કરે જેથી ઈન્કાર કે શંકાકુશંકા ઉભી ન થાય. અમુક પ્રસંગો ઉપર વિશ્ર્વાસપાત્ર લોકોને હઝરત (અ.સ.) સાથેની મુલાકાત અને મુલાકાતનું સ્થળ બતાડતા, જેથી દિલમાંથી શંકાના વાદળો વિખરાઈ જાય.

ઈન્શાઅલ્લાહ આ જવાબદારીઓને સારી રીતે સમજાવવા માટે બીજા નાએબ જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (ર.હ.)ના જીવન વૃતાંતમાં ઉલ્લેખ કરીશું.

(2) શીઆઓને ફીરકા બંદીથી રોકવા:

આ બારામાં આ લેખમાં થોડું લખી ચૂકયા છીએ.

(3) ફીકહના મસાએલો અને ઈલ્મી અને અકીદાઓની ગુંચવણોને ઉકેલવી.

શીઆઓના ફીકહી અને શરીઅતના મસઅલાઓને ઈમામની સમક્ષ રજુ કરવામાં આવતા અને જવાબો લોકોને પહોંચાડવામાં આવતા. બીજા નાએબના સમયમાં આવા સવાલોની ભરમાર હતી. તવકીઓનો અભ્યાસ કરવાથી તેનો ખ્યાલ આવશે.

(4) મહદીવીય્યતના ખોટા દાવેદારોનો મુકાબલો:

આના ઉદાહરણો પણ ઈન્શાઅલ્લાહ બીજા નાએબના વર્ણનમાં આપશું.

(5) ઈમામ (અ.સ.) સંબંધિત માલ અને દોલત એકઠી કરવી અને તેની વહેંચણી કરવી.

ખાસ નાએબો શીઆઓ અથવા સ્થાનિક વકીલો પાસેથી હઝરત (અ.સ.) સંબંધિત રકમને ભેગી કરતા હતા અને કોઈપણ રીતે ઈમામ (અ.સ.)ને પહોંચાડતા હતા. પછી જેવી રીતે ઈમામ (અ.સ.) હુકમ આપતા હતા તે રીતે ખર્ચ કરતા હતા.

(6) વકીલોને તૈયાર કરવા અથવા વકીલ નક્કી કરવા.

અગાઉના ઈમામોના ઝમાનામાં સ્થાનિક વકીલોનો રિવાજ હતો. ઈમામે ઝમાના (અ.સ.)ની ગયબત પછી આ સિલસિલો ચાલુ રહ્યો. અલબત્તા વકીલોની નિમણુંક ખાસ નાએબો મારફતે થતી હતી. આ વકીલો પણ કયારેક ખાસ નાએબો સાથે ઝમાનાના ઈમામ (અ.સ.)ની મુલાકાત કરતા હતા. અમુક વકીલો માત્ર એકજ વખત અને અમુક ઘણી વખત મળ્યા. બીજા નાએબના દસ વકીલો બગદાદમાં હતા. સૌથી વધુ નજદિક હુસયન બીન રવ્હ હતા અને પાછળથી તે ત્રીજા નાએબ નિમાયા.

ઈન્શાઅલ્લાહ બાકીની વિગતો ખાસ નાએબોના જીવન વૃતાંતમાં લખવામાં આવશે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *