ઈમામ મહદી અલયહિસ્સલામનો ન્યાય
દુનિયાભરમાં ફેલાએલા તમામ મુસલમાનો ચાહે તે જે ફીરકાથી સંબંધ ધરાવતા હોય સૌનો અકીદો છે, ‘જ્યારે ઈમામ મહદી (અ.સ.) પોતાની હુકુમતની સ્થાપના કરશે તે સમયે શાંતિ અને સલામતિ, ભાઈચારો અને બિરાદરી, સમાનતા અને સહિષ્ણુતા, ન્યાય અને ઈન્સાફ દુનિયાના ખુણે ખુણામાં વ્યાપી જશે. ઈમામ મહદી (અ.સ.) સમગ્ર દુનિયાના મઝલુમો અને કચડાએલા માનવીઓને ઝુલ્મી અને ઘમંડી લોકોથી મૂકિત અપાવશે અને ઝાલીમોને તેઓના અંત સુધી પહોંચાડી દેશે. કુદરતની દરેક નેઅમતનો ફાયદો દરેક માનવી સમાન રીતે ઉઠાવશે.
ઈમામ મહદી (અ.સ.) એવી હકુમત સ્થાપશે જે વર્ગ-વિગ્રહથી મૂકત હશે. લડાઈ અને ખુનામરકીથી ખાલી હશે. શોષણખોરોના કહકહા (અટ્ટહાસ્ય) અને મહેરૂમીનની (જે લોકોને પોતાના હક્કથી બાકાત રાખવામાં આવેલા છે) આહથી પાક અને પાકીઝા હશે.’
એમ સમજો કે ઈમામ મહદી (અ.સ.)ના કયામનો મૂળ નિર્ધાર ‘અદલ અને ઈન્સાફ’હશે.
કુરઆને મજીદે જુદા જુદા સ્વરૂપે નેક અને મઝલુમ લોકોને દુનિયાના વારસ થવાની આગાહી કરી છે.
‘અલ મુન્તઝર’ના જુદા જુદા અંકોમાં એ આયાતોની વિગત લખાઈ ચુકી છે.
અદલ (ન્યાય)ની હદીસ:
હઝરત ખત્મી મરતબત, મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) એ ખુદાવંદે આલમની તે નિશાનીઓને એક સુંદર વાકયમાં આ રીતે બયાન ફરમાવી છે: ‘મારા વંશમાંથી એક શખ્સ જાહેર થશે જે દુનિયાને ન્યાય અને ઈન્સાફથી (એ રીતે) ભરી દેશે જે રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.’
પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ આ હદીસના શરૂઆતના ભાગમાં એ વાતનો વિશ્વાસ અપાવ્યો છે કે દુનિયાનો અંત આવે તે પહેલા તે સંપૂર્ણ રીતે અદલ અને ઈન્સાફથી જરૂર ભરાઈ જશે.
મસ્લેહત:
ખુદાવંદે આલમે ઈન્સાફ અને અદાલતવાળી હુકુમત માટે વિલંબ શા માટે નક્કી કર્યો? શરૂઆતથી જ તેનો પ્રબંધ શા માટે ન કર્યો? અંબીયા (અ.સ.) અને અઈમ્મા (અ.સ.) મારફતે સમગ્ર જગતને અદલ અને ઈન્સાફથી શા માટે ભરી ન દીધું? શા માટે આ વિશિષ્ટતા માત્ર ઈમામ મહદી (અ.સ.)ને આપવામાં આવી? ઈસ્લામના અઝીમુશ્શાન પયગમ્બરને આખર ઝમાના માટે આ આગાહીઓ શા માટે કરવી પડી? આ સવાલના જવાબ પહેલા એક મહત્વની વાત કરી લઈએ કે ‘અદલ અને ઈન્સાફ’ એક એવી બાબત છે કે જે દરેક માનવીને પસંદ છે. જે વ્યકિત અદલ અને ઈન્સાફ સ્થાપિત કરવા માટે કોશીશ કરે અથવા જેની મારફતે આ થાય તેને બહુજ નેક અને પસંદ કરવા લાયક ઈન્સાન ગણવામાં આવે છે. જો આ વિશિષ્ટતા કોઈ હાકીમ અને સરદાર અથવા હુકુમતના ફરમાન બજાવવાવાળાઓમાં જોવા મળે તો તેને સૌથી વધુ નેક અને સૌથી વધુ પસંદ કરવા લાયક શખ્સીયત ગણવામાં આવે છે. એટલે માનવી અદલ અને ઈન્સાફ કુદરતી રીતે જ પસંદ કરે છે.
જો આપણે માનવ ઈતિહાસનો અભ્યાસ કરીએ તો સમજાશે કે માનવ પ્રકૃતિમાં અદલ અને ઈન્સાફ સમાએલા હોવા છતાં આજ સુધીમાં એક સમયમાં કોઈપણ એક રાજ્યકર્તા અથવા એકથી વધારે રાજ્યકર્તાઓ થકી સમગ્ર જગતને અદલ અને ઈન્સાફથી ભરપૂર કરી શકયા નથી. હા એક સમયગાળા દરમ્યાન અમૂક હદ સુધી હઝરત સુલયમાન (અ.સ.) જેવા મહાન પયગમ્બર જેમની ચર્ચા કુરઆને મજીદના સુરહ સબા, નિસા, અંબીયા, નમલ વિગેરેમાં કરી છે, પશુ-પક્ષીઓ, જીન્નાતો અને દુનિયાની દરેક વસ્તુ આપની આજ્ઞાનું પાલન કરતી. જે કામ ચાહતા, ઉદાહરણ રૂપે મહેલ બનાવવો, મસ્જીદ બનાવવી, રસોઈ કરવી, દરેક કામ જીન્નાત પલક ઝપકતાં કરી દેતા, પરંતુ તેમ છતાં તેમના સમય દરમ્યાન પણ સમગ્ર જગતમાં અદલ અને ઈન્સાફ સ્થાપિત ન થઈ શકયો.
હવે વિચારો કે ખુદાએ આ હુકુમતને અથવા અદલ અને ઈન્સાફથી ભરપૂર દુનિયાના ઝમાના માટે વિલંબ શા માટે નક્કી કર્યો?
હ. ઈમામ બાકર (અ.સ.) ફરમાવે છે: અમારી હુકુમત, અંતિમ હુકુમત છે. કોઈ સમૂહ કે ખાનદાન બાકી નહિ હોય, જેણે હુકુમત ન કરી હોય પરંતુ એ કે તેની હુકુમત અમારી પહેલા હશે અને તેમ એ માટે હશે કે અમારી હુકુમતનું સંચાલન જોઈને એમ ન કહે કે જો અમે પણ હુકુમત કરતે તો આજ રીતે કરતે. અને આજ ખુદાનો કૌલ ‘વલ આકેબતો લીલ મુત્તકીન’નો અર્થ છે.
નામનો ન્યાય
ચર્ચા એ હતી કે ન્યાય માનવીની પ્રકૃતિમાં હોવા પછી પણ માનવીની પ્રક્રિયા તેની વિરૂધ્ધ જોવા મળે છે. વર્તમાન યુગમાં તો માત્ર નામના અદલ અને ઈન્સાફથી કામ લેવામાં આવે છે. ઘણી ઓછી વ્યકિતઓ અદલથી કામ લે છે. દરેક માનવી, દરેક હુકુમત, દરેક સમૂહ પોતાના લાભ માટે બીજાના હક્કોને પાયમાલ કરી રહ્યો છે. મોટા ભાગના ધાર્મિક સંગઠનો પણ તેમાંથી બાકાત નથી. ઝુલ્મ કરનારા પોતાના નફા માટે અદલ અને ઈન્સાફના નામનો પ્રચાર કરે છે, અને જુઠ અને છેતરપીંડીથી માનવતાનો દ્રોહ કરે છે. અમે અહીં ટૂંકમાં ન્યાયનો અર્થ કરીને તેની યોગ્યતાને ઈમામ મહદી (અ.સ.)ની અદાલતની રિવાયતોથી જાણવાની કોશીશ કરશું.
ન્યાયનો અર્થ
‘અદલ’અને ‘ઝુલ્મ’એક બીજાના વિરોધી છે. તે માટે ઈમામ મહદી (અ.સ.)ના ન્યાયનો અંદાજ તેજ વખતે સાચી રીતે કરી શકશું જ્યારે ઝુલ્મ અને તેની પરાકાષ્ટાને સમજી લઈશું. જે રિવાયત અમે શરૂઆતમાં બયાન કરી તેમાં પણ આ રીતે જ કહેવામાં આવ્યું છે કે દુનિયા અદલ અને ઈન્સાફથી એ રીતે ભરી દેવામાં આવશે જે રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે. એટલે ન્યાયની કલ્પના ઝુલ્મના અંત ઉપર છે.
ઝુલ્મના પ્રકાર
ઝુલ્મની યાદીનું એક લાંબુ લીસ્ટ છે આ લેખમાં એટલો અવકાશ નથી કે દરેક પ્રકારના ઝુલ્મને લખી શકાય. પરંતુ ખુલાસા રૂપે અમુક ઝુલ્મની ચર્ચા કરીએ છીએ, જેનો ઈમામે ઝમાન (અ.સ.)ના ઝુહુર પછી અંત આવી જશે.
મહાન ઝુલ્મ શીર્ક: ઈન્નશ શીર્ક લઝુલ્મુન અઝીમુન. (લુકમાન, 13/31)
‘બેશક, શીર્ક કરવો માટે ભારે ઝુલ્મ છે.’ કહે છે કે ઝુલ્મની હકીકત છે ‘વઝઉશયઓ ફી ગયરે મોહલ્લેહીન’કોઈ વસ્તુને તેની જગ્યા ઉપરથી હટાવીને રાખવી. ખુદાને તેની મન્ઝેલત (ઉચ્ચ કક્ષા) અને મરતબાથી હટાવીને સમજવો ઝુલ્મ છે. ઈમામે ઝમાના (અ.સ.) શીર્ક અને કુફ્રના ્ર(નાસ્તિકતાના) પાયાને હલબલાવી નાખશે. લાએલાહા ઈલ્લલ્લાહના કલેમા મારફત સમગ્ર જગત ન્યાયનું પારણું બની જશે. તેથી ખુદાવંદાનો ઈરશાદ છે: જમીન અને આસમાનમાં રહેનારા સૌ સ્વેચ્છાએ કે બળજબરીથી ખુદાના ફરમાંબરદાર છે અને તેની તરફ પાચા ફરનાર છે. (સુ. આલે ઈમરાન, 83)
આ આયતનું અમલી સ્વરૂપ ઈમામ મહદી (અ.સ.)ના યુગમાં દેખાશે. આપ (અ.સ.) શીર્ક જેવા મહાન ઝુલ્મનો અંત આણી દેશે. અને દુનિયામાં અલ્લાહના એક હોવાના અકીદા સિવાયનો બીજો કોઈ અકીદો નહિ હોય. ખુદા પોતાના દાવાને ઈમામ મહદી (અ.સ.)ના ઝુહુર દ્વારા ખચીતજ (ખરેખર) પૂરો કરશે.
ન્યાયની ઓળખ
આપણી મૂળ ચર્ચા ઈમામ મહદી (અ.સ.)નો ન્યાય છે. તેથી એ જરૂરી છે કે ન્યાયનું અસલ સ્વરૂપ અને તેની નિશાનીઓ શું છે તે જાણી લઈએ. પછી એ શોધીએ કે ઈમામ મહદી (અ.સ.)ના હુકુમતના યુગમાં આ અંગે થનારી આગાહીઓમાં શું આ બધી ખાસીયતો જોવા મળે છે. ‘મીસ્બાહુલ લોગાત’ના લેખક ન્યાયનો એક અર્થ કામોમાં વચલો માર્ગ અપનાવવો, સમાનતા, સીધું થવું લખ્યો છે. તેવી જ રીતે (અરબી ડીક્ષનરી) ‘અલ મુન્જીદ’ના કર્તાએ ‘ઝીદ્દુઝ ઝુલ્મે વલ્જવર’ લખ્યું છે એટલે ન્યાય વિરૂધ્ધ છે ઝુલ્મ અને અત્યાચારથી. એવીજ રીતે અરબી અંગ્રેજી ડીક્ષનરીના કર્તા જે.એમ. કોવને લખ્યું છે ન્યાય એટલે સીધુ, સત્ય, દયાનતદારી, પ્રમાણીકતા, સાદું, ન્યાય, તટસ્થતા, બરાબરી, મુન્સફીભર્યુ, પૂરતું, ઘણું બધું, સીધુ, પ્રમાણિકતા, ઈમાનદારી, દયાનતદારી.
ખુલાસો એ કે પારીભાષિક શબ્દકોશના બધા લેખકો એ એકી મતે ન્યાયનો અર્થ સમાનતા, પ્રમાણિકતા, ઈમાનદારી, દયાનતદારી, તટસ્થતા, સીધા સાદા, કાર્યોમાં મધ્યમ માર્ગી, સ્વિકાર્ય, પૂરતી, બરાબર અને ઝુલ્મની વિરૂધ્ધતા બયાન કર્યો છે.
ઈમામ મહદી (અ.સ.)ના કયામની વિશિષ્ટતા અંગે (એટલે ન્યાયની વિશિષ્ટતા અંગે) પણ રિવાયતોમાં આ જ બધી રીતે કહેવામાં આવ્યું છે: થોડી રિવાયતો જોઈએ:
અલ્લામા સય્યદ મોહસીન અમીને સહીહ મુસ્લિમના હવાલાથી હદીસની નોંધ કરી છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: હું તમને મારી ઉમ્મતના મહદી (અજ.) (ના ઝુહુર)ની ખુશખબરી આપું છું. તે દુનિયાને અદલ અને ઈન્સાફથી ભરી દેશે જે રીતે તે અન્યાય અને ઝુલ્મથી ભરેલી હશે. તેમનાથી જમીન અને આસમાન વાસીઓ રાજી થશે. તે માલ અને દૌલતની સાચી રીતે વહેંચણી કરશે.
આથી (પયગમ્બરે અકરમ સ.અ.વ.ને) એક શખ્સે પૂછયું: સાચી રીતે વહેંચણી કરવાનો શું અર્થ થાય?’
આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું: લોકો વચ્ચે સમાન રીતે.
સમજૂતિ: તેમનાથી જમીન અને આસમાનમાં રહેનારા રાજી થશે.
આ એક એવી વાત છે જે અમે સામાન્ય રીતે જોઈએ છીએ. એ લોકો અથવા એ હુકુમત જે લોકોના હક્કોનું રક્ષણ કરે છે અને કોઈની સાથે સખ્તાઈ નથી થવા દેતા, દરેક જણ તેનાથી ખુશ થાય છે. જ્યાં કોઈએ પણ કોઈની સાથે સખ્તાઈ કરી કે તરતજ નારાજગી દર્શાવવામાં આવે છે, જાણે પ્રકૃતિનો એ એક નિયમ છે કે અન્યાય, કોઈની પ્રત્યેનો પક્ષપાત, નારાજગીનું કારણ છે. ઈમામ મહદી (અ.સ.)ની હુકુમત અને તે હઝરત (અ.સ.)ની કાર્યપધ્ધતિ આવી બાબતોથી અલિપ્ત હશે અને તેનાજ કારણે આખી દુનિયાના લોકો આપ (અ.સ.)નાથી ખુશ હશે. (અઅયાનુશશીયા, ભાગ-4, પા. 119)
આવીજ રીતે બીજી હદીસ છે:
ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: જ્યારે કાએમ (અ.સ.) શાસન કરશે, હુકુમત અદલ અને ઈન્સાફના પાયા ઉપર કરશે અને તેમના સાશનકાળમાં ઝુલ્મો સિતમનો અંત આવી જશે. માર્ગો નિર્ભય અને સુરક્ષિત થઈ જશે. જમીન પોતાની બરકતોને પ્રગટ કરશે. હક, હકદારને પાછો પહોંચાડવામાં આવશે. આ સમયમાં જમીન તેના ખજાનાઓ બહાર કાઢી નાખશે અને તેની બરકતોને જાહેર કરી દેશે. તમારામાંથી કોઈપણ એવી કોઈ વ્યકિતને નહી પામશે જેને પોતાની ઝકાત અને સદકાઓ આપી શકાય. (બેહાર 338/52, આઅયાનુશ્શીઆ, ભાગ-4, પા. 348, કશફુન્નગુમ્મા 255/3)
નોંધ: તંગદસ્તી, ફકીરી અને ભુખ, મોહતાજી, ગરીબી કોઈપણ વસ્તુની અછતના કારણે નથી હોતી પરંતુ ઝુલ્મ અને સિતમ, અણછાજતા ભેદભાવો, માલ અને સંપત્તિની બરબાદી અને શકિતશાળીઓની નબળા લોકો ઉપરની જોહુકમી અને દબાણ વિગેરેના કારણે હોય છે.
તેથી હદીસોમાં એ વાત ઉપર ભાર મૂકવો કે જમીન પોતાના ખજાનાઓને ખુલ્લા કરી દેશે, નેઅમતોને ઉપલબ્ધ કરાવી દેશે, આ એ વાત ઉપર ઈશારો છે કે ઈમામ (અ.સ.)ના સાશનકાળમાં કોઈપણ વસ્તુની અછત નહિ રહે કે જેથી આંચકી લેવાનો કે છીનવી લેવાનો બનાવ બને. ઝુલ્મ કરનારાઓનો ઈમામ (અ.સ.) ખુદ નાશ કરશે. જેવી રીતે આ પહેલાની હદીસમાં અમે નોંધ કરી છે કે ‘જમીન અને આસમાનમાં રહેનારા દરેક તે હઝરત (અજ.)થી રાજી થશે.’ આ પણ એ વાતની દલીલ છે કે ‘અદલ અને ઈન્સાફના સિધ્ધાંતો સંપૂર્ણ રીતે અમલમાં આવી ચૂકયા હશે. નહિ તો દરેકનું રાજી થવું શકય નથી.
ઈમામે ઝમાના (અ.સ.)ના સાશનકાળની એક ઝલક
અલ્લામા મજલીસી (રહ.) એ શય્ખ સદુક (રહ.)ની કિતાબ ‘હિસાલ’માંથી નોંધ કરી છે કે હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે: ખુદાવંદે આલમે દીનને અમારા દ્વારા શરૂ કર્યો અને અમારા જ દ્વારા પૂરો કરશે. અમારા જ દ્વારા જે વસ્તુને ચાહશે અંત લાવશે અને જેને ચાહશે બાકી રાખશે. અમારા દ્વારા ઝમાનાની સખ્તીઓને દૂર કરશે અને વરસાદ વરસાવશે. તો તમે અભિમાન ન કરો અને ખુદાથી દૂર ન થાવ. અમારા કાયમ સાશન કરશે. આસમાન ખુદ વરસાદ વરસાવશે અને જમીન તેની વનસ્પતિને બહાર લાવશે. ખુદાના બંદાઓના દિલોમાંથી દ્વેષભાવ નીકળી જશે. જનાવરો અને અન્ય પશુઓ એક સાથે રહેશે પરંતુ કોઈને ઈજા નહિ પહોંચાડે. ત્યાં સુધી કે કોઈ સ્ત્રી જો ચાહે કે ઈરાક અને શામના રસ્તે ચાલીને જાય તો માર્ગમાં ગમે ત્યાં રોકાઈ જાય અને પોતાના ઘરેણાને માથા ઉપર રાખી લે (અને રવાના થઈ જાય) કોઈ તે ઘરેણાની લાલચ નહિ કરે. (લુંટાવવાનો ભય નહિ હશે) કોઈ જંગલી પ્રાણી પણ તેના ઉપર હુમલો નહી કરે અને ન તો તેણી તે પશુથી ડરશે. (બેહાર, 316/52)
અદલ અને ઈન્સાફના સિધ્ધાંતને આ હદીસ પરથી ઓળખો:
(1) સખ્તીઓનો અંત આવશે.
(2) નેઅમતો મેળવવાનો અને ખુશહાલીનો યુગ હશે.
(3) રાગદ્વેષથી દિલ પાક હશે. કોઈ એકબીજાના દુશ્મન નહિ હોય.
(4) સ્ત્રીઓ શાંતિ અને સલામતિ સાથે એકલી મુસાફરી કરી શકશે. લૂંટફાટ નહિ થાય.
પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ આ વાયદાને વારંવાર દોહરાવ્યો છે. તેટલા જ માટે તમામ મશ્હુર અને વિદ્વાન ઓલમઓએ તેમના પુસ્તકોમાં ઈમામ મહદી (અ.સ.)ના બારામાં લખાએલી હદીસો પૈકી આ હદીસની નોંધ જરૂર લીધી છે: યમ્લઉલ અર્ઝ કીસ્તન વ અદલન કામ મોલેઅત ઝુલ્મન વ જવરા.
બલ્કે એમ કહી શકાય કે મોટા ભાગનાઓએ માત્ર આ હદીસની જ નોંધ કરી છે. એટલે દરેક મુસ્લિમ ઈમામ મહદી (અ.સ.)ની કલ્પના માત્ર એટલા માટે જ કરે છે કે હઝરત (અ.સ.) આવશે, ઝુલ્મો સિતમનો અંત આવશે અને ન્યાયની બોલબાલા થશે.
અઈમ્મએ હોદા (અ.સ.)એ તેમની દોઆઓમાં ઝુહુરની તે દોઆ કરવાની સાથે આ દોઆ પણ કરી છે:
અલ્લાહુમ્મ અઝહિર બેહીલ અદલ વ ઝય્યેન બેતૂલે બકાએહીલ અર્ઝ (પા. 126) વ અઝહર બેહીલ અદલ (પા. 126) વમ્લાબેહીલ અર્ઝ અદલા. અલ્લાહુમ્મ અમ્લા બેહીલ અર્ઝ અદલન વકીસતન કમા મોલેઅત ઝુલ્મન વ જવરા (પા. 166)
(મજમુઆએ અદયા વ ઝિયારાત – હ. મહદી (અ.સ.) ઈમામે ઝમાના (અ.સ.))
ખુદાયા અમને પણ રાત અને દિવસ ઈમામે ઝમાના અલયહિસ્સલામના ઝુહુરની દોઆની તવફીક અર્પણ કર.
Comments (0)