અલ ગયાસ!! અલ ગયાસ!! અલ ગયાસ!!

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ

સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના

અંધકારભર્યા વાતાવરણમાં, કાજળભરી દુનિયામાં સત્યના માર્ગ ઉપર અડગ રહેવું તે સરળ કામ નથી. માનવીને ખુદ માનવ દેખાતો નથી. આ અંધકારમાં માર્ગદર્શક પ્રકાશનો કઈ રીતે લાભ મેળવીએ?

એ ગયબતના પરદામાં છુપાએલા ઈમામત અને હિદાયતના સૂર્ય!

મૌતના ભયાનક સાયામાં, તબાહી અને બરબાદીના કિનારે, ન્યુકિલઅર તાકતોના વિસ્ફોટની અણી ઉપર, વિહવળ અને નિરાશ માનવ દરેક દિશાએ જોઈ રહ્યો છે.

એ અસ્તિત્વનું સર્વોત્તમ કેન્દ્ર! એ સૃષ્ટિના જીવનના રક્ષક!

જુઠ અને છેતરપીંડી, કુફ્ર અને ગુમરાહી, નતનવી ભૌતિક વાસનાઓ, આત્મિક અને ઉચ્ચ ચારિત્ર્યથી અલિપ્તતા, માનવ સંસ્કારો પ્રત્યે બેદરકારી, ચારિત્ર્યહીનતાની પરાકાષ્ટા, અશ્ર્લિલતાની અને બેશરમીની અણીદાર ઝાડી, તરસ્યો માનવ, હોઠ ઉપર અલ્પ જીવન માટે મીઠા પાણીની ભીખ માગી રહ્યો છે.

એ જીવન અમૃત! એ જીવનની રસધાર!

આ બધી ઉથલ પાથલ, એક તરફ મુશ્કેલીઓ અને દુ:ખના પહાડો અને બીજી તરફ રંજો અલમ આશ્ર્ચર્ય અને બેચેની ચારે તરફ ફરી વળ્યા છે. પરંતુ આપના ચાહનારા, આપની ઈમામત ઉપર અકીદો રાખનારા આજે પણ તેવાજ જુસ્સાથી અકીદતના માર્ગે અડગ છે અને આપના બુઝુર્ગોના ફરમાન મુજબ ‘દરેક સવાર-સાંજ આપની પધરામણીની પ્રતિક્ષા કરી રહ્યા છે.’ મુશ્કેલીઓ અને વિરોધીઓ તેમને તેમના અકીદામાંથી ચલિત નથી કર્યા પરંતુ દુ:ખોની પરંપરાએ તેઓને વધુ મજબુત બનાવી દીધા છે, જે ગયબતના અંધકારમાં ચમકી રહ્યા છે.

આ મજબુતીનું કારણ, આ વિશ્વાસનો અર્થ, પ્રતિક્ષા કરનારાઓનો ખુદ પોતાનો સંઘર્ષ અને પોતાની અંગત ખૂબીઓ નથી પરંતુ તે આપની બખ્શીશ અને નવાઝીશનો સદકો છે. નહિ તો કયાં પાંખ વગરનો નિર્બળ ઈન્સાન અને કયાં ઉંચે ઉડતું શાહીન (પક્ષી)

એ શરાફતોની ઉંચાઈઓ ઉપર બિરાજમાન, જેની સરખામણી શકય નથી.

‘વ અન્ત મીન નસીફે શરફીન લા યોસાવા’

દુનિયાની હાલતોથી ગભરાઈને દરેક ફરિયાદી છે અને મૂકિત મેળવવા આતુર છે, દુનિયાને સુધારવાનો દાવો કરનારા થોડા દિવસ મધલાળ બતાવીને બુરી રીતે નિષ્ફળ થઈ ગયા. ધીરે ધીરે જગત એ હકીકતની અનુભૂતિ કરી રહ્યું છે કે માનવી અને માનવ-વ્યવસ્થાથી આ દુનિયા સુધરવાની નથી. આ સમયે ‘રજોલે ઈલાહી’ (અલ્લાહ તરફથી નીમાએલી વ્યકિત)ની જરૂર છે કે જે ‘ઈલાહી નિઝામ’ને પોતાના હક પરસ્ત હાથોથી આખી દુનિયા ઉપર ફેલાવી દે. તાગુત અને શયતાની નિર્ણયોને માટીમાં મેળવી દે. દુનિયામાં દરેક જગ્યાએ અંબીયા અ.સ.ના મકસદોની વ્યવસ્થા હોય અને ખુણે ખુણામાં ‘બકીય્યતુલ્લાહ’ની સત્તા હોય.

આ બધી વાતોમાં એ એક સર્વ-સામાન્ય હકીકત છે કે દરેક પોતાના હેતુ અને ફાયદા માટે ઈમામે વકતનો ઝુહુર ઈચ્છે છે. એટલે કે આ પ્રતિક્ષા પોતાની ગરજ માટે છે એટલે આ પ્રશ્નો અન્ય કોઈ રીતે ઉકલી જાય તો પછી (નઉઝો બિલ્લાહ) ઈમામે વકતની બહુજ જરૂરત ન રહે. ઈમામની જરૂર એક વસીલા અને ઝરીઆ માટે છે, ખુદા ઈમામ (અ.સ.)ને તેમની જાત માટે આપણે ઈચ્છતા નથી. અહિંથી એ વાતનો જવાબ પણ સ્પષ્ટ થઈ જાય છે કે આટલા લાંબા સમયથી લોકો ઈમામ (અ.સ.)ના ઝુહુરની દોઆ કરી રહ્યા છે અને કેવી કેવી પવિત્ર હસ્તીઓ? છેવટે કોઈ એકની દોઆ તો કબુલ થતે? કારણકે દોઆ ઈમામ (અ.સ.)ના ઝુહુર માટે ઓછી અને પોતાના હેતુઓ માટે વધુ છે.

ખુદ ઈમામે અસ્ર (અ.સ.)ની પ્રતિક્ષા કરનારી કેટલી વ્યકિતઓ? કોણ ઈમામે વકત (અ.સ.)ને ખુદ ઈમામ માટે (ફકત ઈમામ સમજીને) દોસ્ત રાખે છે? કોણ છે જેના માટે દુનિયાના બધા પ્રશ્નો એટલી તકલીફ નથી આપતા જેટલી ખુદ ઈમામ (અ.સ.)નું દુર હોવું અને ગયબત. તેના માટે દુનિયાની સૌથી વધુ મુસીબત, ઈમામ (અ.સ.)નું નજરોથી ઓજલ હોવું છે. ઈમામ (અ.સ.)ની ગયબતનું દુ:ખ, મહેબુબની જુદાઈની કસક (વેદના) યુસુફે ઝહરા (સ.અ.)નો વિરહ, આ બધાથી જુદો છે.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) આપની ગયબતને યાદ કરતા જતા હતા અને રડતા જતા હતા. આંખો આંસુઓથી ભરપૂર હતી અને મુબારક જીભ ઉપર આ શબ્દો હતા. ‘સય્યદી ગયબતોક નફત રોકાદી વ ઝય્યકત અલય્ય મહાદી વબ તઝઝતો મીન્ની રાહતો ફોઆદી.’ સય્યદી! આપની ગયબતની કલ્પનાએ આંખોની ઉંઘ ઉડાડી દીધી છે. ચૈન ઝુંટવી લીધો છે. દિલની રાહત લુંટી લીધી છે.

(કમાલુદ્દીન, પા. 353)

હઝરત અલી (અ.સ.)ના વફાદાર સાથીઓ કે કરબલાના શહીદો, હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.)ને કે સય્યદુશ્શોહદા હઝરત ઈમામ હુસયન (અ.સ.)ને પોતાના લાભ માટે દોસ્ત રાખતા ન હતા. તેઓ ઈમામને ઈમામ માટે ચાહતા હતા. ઈમામ (અ.સ.)નું અસ્તિત્વ તેઓના માટે સૌથી મહાન નેઅમત હતી. ઈમામ સલામત રહે, ભલે ગમે તે મુસીબત આવી પડે. જ્યારે ઈમામ (અ.સ.) એ શબે આશુર અસ્હાબો ઉપરથી બયઅત ઉપાડી લીધી અને દરેકને જવાની પરવાનગી આપી ત્યારે દરેકનો જવાબ આજ હતો, કે અમે એ મૌતને જીવન ગણીએ છીએ જે આપના કદમોમાં નસીબ થાય અને તે જીંદગીને મૌત ગણીએ છીએ જે આપથી જુદા થઈને મળે.

જ્યારે દિલના ઉંડાણમાં ઈમામની ખુદ ઈમામને ખાતર હોય તો માનવી દરેક એવા કાર્યથી દૂર રહેશે જે ઈમામ (અ.સ.)ને નાપસંદ હોય અને જ્યારે મોહબ્બત પરિપૂર્ણ થશે અને જ્યારે મોહીબ ‘ફના ફીલ ઈમામ’ થઈ જશે ત્યારે તેના સંપૂર્ણ અસ્તિત્વમાં ઈમામ (અ.સ.)ની મોહબ્બત સિવાય બીજુ કશુંજ નહિ હોય. દોઆઓમાં, મુનાજાતોમાં દરેક કારે ખયરમાં સૌથી પહેલા ઈમામ અ.સ.ને યાદ કરશે. ઈમામ સુધી પહોંચવાની કોશીષ કરશે. જ્યાં સુધી ઈમામ સુધી નહિ પહોંચે ત્યાં સુધી હંમેશા ગમગીન અને રંજીદા રહેશે. દુનિયાની કોઈપણ વસ્તુ તેને નહિ ગમે.

(આ કલ્પના મારા માટે સહન થઈ ન શકે તેટલી દુ:ખદ છે કે દરેકને જોઉ અને આપના દિદારથી અલિપ્ત રહું? આપના દિદાર કયારે નસીબ થશે? દિલમાં લાગેલી આગ આપની મુલાકાતથી કયારે ઠંડી થશે?) (દોઆએ નુદબા)

તે પોતાના આમાલ ઉપર શરમ અનુભવશે અને દરેક એવું કાર્ય કરશે કે જે ઈમામ (અ.સ.) ને ઈમામની ખાતર નહિ પરંતુ પોતાના લાભ માટે ઈમામને દોસ્ત રાખશે તો તેની દોસ્તી તે સમય સુધીજ ટકી રહેશે જ્યાં સુધી તેનો હેતુ અને લાભ મેળવી ન લે. જો ઈમામ (અ.સ.)ની દોસ્તીથી પોતાનો લાભ ભયમાં આવી પડશે તો તે પોતાના લાભને ઈમામની મોહબ્બત ઉપર અગ્રતા આપશે, જેવી રીતે કુફાવાળાઓએ જનાબે મુસ્લિમ (અ.સ.)ને એકલા છોડી દીધા હતા. કારણકે તેઓ જોઈ રહ્યા હતા કે એવા ભયજનક વાતાવરણમાં, અહલેબય્તના ખાનદાનની એક વ્યકિત અને ઈમામ (અ.સ.)ના પ્રતિનિધી સાથે મોહબ્બત અને ખુલુસની લાગણી દેખાડવાથી, તેઓની થોડા દિવસો પૂરતી દુનિયાની જીંદગીના લાભને ભયમાં મૂકી શકે છે. આવો! આપણે ખુદ પોતાની ચકાસણી કરીએ. આપણા દિલમાં ઝાંખીને જોઈએ કે આપણે ઈમામને કેટલા ચાહીએ છીએ? અને જો ચાહીએ છીએ તો શા માટે? જો કરબલાવાળાની જેમ ચાહીએ છીએ તો ખુદાનો શુક્ર અદા કરીએ. આ મોહબ્બતમાં વધારો થાય અને જીવનની અંતિમ ક્ષણ સુધી તેના ઉપર અડગ રહેવા માટે ખુદાની બારગાહમાં દોઆ કરીએ અને જો ખુદાનખ્વાસ્તા પરિસ્થિતિ તેથી વિરૂધ્ધ હોય તો હુર બનીને ઈમામે વકતના લશ્કરમાં ભળી જઈએ… હજુ સમય છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *